Download this page in

સાહિત્ય અને સમાજનાં પરિપેક્ષ્યમાં: 'સહસ્ત્રફેણ' (તેલુગુ) અને 'નયે ક્ષિતિજ કી ખોજ' (નેપાળી) નવલકથાઓનો એક તુલનાત્મક અભ્યાસ

પરિવર્તન એ સંસારનો નિયમ છે એટલે કે માનવનો મૂળગત સ્વભાવ છે. આ પરિવર્તનને કારણે આપણે કંઈક નવું મેળવીએ છીએ તો ઘણુ ગુમાવીએ પણ છે. એવું કહેવાય છે કે જંગલથી મેદાન સુધીની યાત્રા એ મનુષ્યની વિકાસ યાત્રા છે જયારે મેદાનથી અંતરિક્ષ સુધીની યાત્રા વિજ્ઞાનની. જો કે એમ તો ના જ કહી શકાય કે જંગલથી મેદાન સુધીની યાત્રામાં વૈજ્ઞાનિક ચિંતનનો અભાવ હતો, પરંતુ સત્ય તો એ છે કે વિજ્ઞાનની ભૂમિકા એ વિકાસ ક્રમમાં અપ્રત્યક્ષ જ રહી હતી. મનુષ્ય પોતાની આવશ્યકતા, સુરક્ષા અને શાંતિમય સહ અસ્તિત્વપૂર્ણ જીવન માટે સંશોધનોના વિકાસનો પ્રયત્ન કરી રહ્યો હતો. આજે જે જગ્યાએ માનવ ઊભો છે એ વિકાસના કારણે આ માનવવિકાસની પ્રક્રિયાની સાથે સાથે સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પરસ્થિતિઓમાં આમૂલ પરિવર્તન આવ્યાં. માનવીનું પોતાનું અંગત જીવન પણ એમાંથી બાકાત રહ્યું નથી. માનવ પોતાનો અતીત આજે જાણે ભૂલવા લાગ્યો છે અને નવીનતાના મોહમાં સપડાઇને બે ભોન્ન-ભિન્ન પરિસ્થિતિઓ વચ્ચે મૂકતા સંઘર્ષ, અનિશ્ચિતતાના વમળમાં દ્વિધાગ્રસ્ત અવસ્થામાં ફસાયો છે. મનુષ્યની આવી સંવેદનાત્મક સ્થિતિથી સાહિત્યકાર અજાણ હોય એમ તો બની જ ન શકે.

કોઈપણ સમાજ તરફ દૃષ્ટિ કરીએ કે અભ્યાસ કરીએ ત્યારે જણાશે કે સમાજ સતત પર્વર્તનશીલ છે. ભરતીય સમાજમાં પણ બ્રિટિશ શાસન પૂર્વે પરિવર્તનની ગતિ ખૂબ ધીમી હતી. ભારતીય સમાજ વર્ષો જૂની પરંપરાઓ પ્રમાણે ચાલતો. પરંતુ અંગેજોના શાસન દરમિયાન શિક્ષણ, વાહનવ્યવહાર અને સંચાર માધ્યમના વિકાસ સાથે ભારતમાં સામાજિક પરિવર્તનની ગતિમાં વધારો થયો એટલું જ નહીં પણ તે વ્યાપક બન્યું. પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી કુપ્પસ્વામી સામાજિક પરિવર્તન વિશે પોતાના પુસ્તક 'Social Change in India' માં કહે છે: "સામાજિક પરિવર્તન એવી એક પ્રક્રિયા તરીકે વ્યાખ્યાબદ્ધ કરી શકાય જેમાં અમુક સામાજિક વ્યવસ્થાની રચના અને કાર્યમાં નોંધપાત્ર વિશિષ્ટ ફેરફાર થાય છે."

મારા અભ્યાસમાં સમાવેશ પામતી પહેલી કૃતિ પરિવર્તનના વમળમાં ફસાયેલા પોતાના સમાજને કેન્દ્રમાં રાખી રચાયેલ તેલુગુ કવિ-નવલકથાકાર વિશ્વનાથ સત્યનારાયણ રચિત 'વેયિપડગલુ' (સહસ્ત્રફેણ) નવલકથામાં સમકાલીન આંધ્રપ્રદેશનાં આંતરિક જીવનમાં પાશ્ચાત્ય નીતિરીતિઓનું અંધાનુંકરણ થતા અને એના ફળસ્વરૂપે મૂલ્યોનો જે હ્રાસ થઈ રહ્યો છે તેની નિરૂપણ થયું છે. તો બીજી કૃતિ નેપાળી નવલકથાકાર અસીત રાઈ રચિત 'નયે ક્ષિતિજ કી ખોજ' માં સર્જક દાર્જલિંગ શહેરની સ્થાપના, એની આજુબાજુના વિસ્તારમાં થતા સામાજિક- સાંસ્કૃતિક પરિવર્તનને પોતાની નવલકથાનું કેન્દ્ર બનાવે છે.

વેયિપડગલુ શ્રી વિશ્વનાથ સત્યનારાય રચિત તેલુગુ ભાષાની નવલકથા ‘વેયિપડગલુ’ (સહસ્ત્રફેણ) ૧૯૩૩માં પ્રકાશિત થઈ. આ નવલકથા પ્રગટ થઈ ને કવિસમ્રાટ વિશ્વનાથને નવલકથાસમ્રાટનું બિરુદ મળ્યું. ચંન્દ્રકાન્ત મહેતા અને મહેન્દ્ર દવે ‘સહસ્ત્રફેણ’ના નામે કરેલ ગુજરાતી અનુવાદ ૧૯૭૬માં, અખિલ ભારત ગુજરાતી સમાજ-દિલ્હી દ્વારા પ્રકાશિત થયો. ૬૨૦ જેટલાં પૃષ્ઠો અને ૨૮ વિભાગોમાં વિભાજીત આ નવલકથાને તેલુગુ વિદ્વાનો ‘આંધ્રનો વિશ્વકોશ' તરીકે નવાજે છે. પલટાતા યુગસંદર્ભમાં જયારે ભારતનું પુનનિર્માણ થઈ રહ્યું હતું ત્યારે સંધિકાળમાં આ નવલકથા લખાઈ. ગત શતાબ્દીના પ્રથમ ત્રણ દશકોનું સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન ત્રણ પેઢીઓની ઘટનાઓને આધાર અહીં ચિત્રિત થયું છે. સાંસ્કૃતિક આદર્શોની સાથે સાથે આધુનિક યુગનું જનજીવન પણ અહીં પ્રતિબિંબિત થયું છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રચંડ આક્રમણ સામે સનાતન આદર્શો પરની વિશ્વનાથની શ્રદ્ધા અહીં ઝીંક ઝીલે છે. એનો ઉદ્દેશ સ્વદેશ, સ્વધર્મ, સ્વ-સંસ્કૃતિની સુરક્ષાનો છે. નિરંતર બદલાતી પરિસ્થિતિઓની વચ્ચે નહીં બદલાતું ચિરંતન તત્વ છે, તેની અહી ખોજ આદરી છે.

‘સહસ્ત્રફેણ’ નવલકથાનું તેલુગુ શીર્ષક છેઃ ‘વેયિપડગલુ’, એનો અર્થ સમજાવતા કહેવાયું છેઃ ‘‘વેયિ એટલે સહસ્ત્ર-હજાર અને પડગલુ એટલે ફેણ. વેયિપડગલુ એટલે સહસ્ત્રફેણ.’’[1] ‘સહસ્ત્રફેણ’ નવલકથા દ્વારા લેખક શું પ્રગટ કરવા માગ છે તે સમજાવતા કહ્યું છે: "પાશ્ચાત્ય સભ્યતાનું આક્રમણ આપણી ભારતીય સભ્યતા પર થયું તનાથી જે મહ્ત્તી વિનિષ્ટ થઈ રહી હતી અને થઈ રહી છે તે વાત સવેદનપટુ કવિએ ઊડાણથી જોઈ... આખી જાતિ જાણે પોતાનો પુરાણો વારસો ફેંકીને કૃતક નવીનતાના મોહમાં ફસાયેલી દેખાઈ. એટલે એમણે પ્રાણશકિતનું આવાહન કર્યું ને સનાતન મૂલ્યોમાં દેશને પુનઃપ્રતિષ્ઠિત કરવા કમર કસી.’’[2] આ પરિવર્તન પણ કેવું, નવલકથાના મુખ્ય પાત્ર ધર્માંરાવના શબ્દોમાં લેખકની એ વેદના સ્પષ્ટ થયા છે: " ઓહો ! કેવો સમય છે ? કેવું પરિવર્તન છે ? જૂનું કેટલું બધું નાશ પામ્યું ? નવું કેટલું ઉત્પન્ન થયું?"[3]

આ મહાન સંસ્કૃતિકથાની મુખ્ય લીલાભૂમિ સુબન્નાપેઠ કે સુભાનપેઠ નામનું નાનું ગામ છે. એ ગામની ત્રણ પેઢીઓનું અને સો વર્ષના ગાળાનું ચિત્ર દોરી લેખકે સુબન્નાપેઠ ધીરે ધીરે શહેરમાં પરિવર્તન પામી આખરે સર્વનાશ તરફ કેવી રીતે ધકેલાઈ જાય છે એ સુંદર રીતે આલેખ્યું છે. આખો અતીત ધીરે ધીરે લુપ્ત થતો નિરૂપાયો છે.

ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમા સુબ્રહ્મણ્યેશ્વરના પ્રતિનિધિ જમીનદારના વંશજો હતા, બ્રાહ્મણના વંશજો સ્વામીના ઉપાસક હતા અને જે ખેડૂતની ગાયનું દૂધ પીને સ્વામી પ્રગ્ટયા હતા એ ખેડૂતની દીકરીઓ ગણાચારી બનતી હતી. આમ ઉપર ભગવાન અને નીચે બ્રાહ્મણ અને રાજા હતા અને એ બન્નેની વચ્ચે ગણાચારી અતૂટ કડીરૂપ હતી.

એ ચાર સ્તંભવાળા ધર્મમંડપના સ્તંભ હતા-ભગવાન, જમીનદાર, બ્રાહ્મણ અને ગણાચારી. એ સ્તંભો સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં કદલી (કેળ) વૃક્ષો બંધાયેલાં હતાં. સુબન્નાપેઠની સ્થાપના પછી ત્રણસો વર્ષ સુધી લોકોએ આ ધર્મમંડપ નીચે સુખ ભોગવ્યું પરંતુ જમીનદાર કૃષ્ણમ નાયડૂના પુત્ર રંગારાવે ધર્મ છોડ્યો ત્યારથી આ મંડપનો એક સ્તંભ હાલી ગયો - નાશ પામ્યો. પરિણામે સુબન્નાપેઠનો નાશ થયો.

રામેશ્વર શાસ્ત્રીનાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર સ્ત્રીઓ સાથેનાં ચાર લગ્નોથી અને રત્નગિરિ નામની વાણિયણ ઉપપત્ની સાથેના સંબંધથી થયેલાં સંતાનોની આસપાસ અને જમીનદાર કૃષ્ણમ્‌ નાયડૂના વંશજો અને કુંટુંબીઓની આસપાસ આ મહાકથા વણાઈ હોવા છતાં એ માત્ર નવલકથા જ નથી. લેખકે કથાની સાથે સાથે સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજનીતિ અને સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિને સર્વોત્કૃષ્ટ રીતે નિરૂપી છે પણ એનો મુખ્ય વિષય તો છે વર્તમાન સંધિકાળનું વિવેચન અને વિશ્ર્લેષણ.

નવલકથાના રચનાકાળના સમયે ભારતીય સમાજમાં પ્રાચીન મૂલ્યોનો નાશ થઈ રહ્યો હતો અને નવાં મૂલ્યોની સ્થાપના થઈ ન હતી તેથી સંઘર્ષ, અનિશ્ચતતા અને અવનતિ તરફ આપણે જઈ રહ્યા હતા. એ વેદનામય સંવેદનાનું નિરૂપણ નવલકથાના આલેખનનો વિષય બને છે. આ બધુ એમણે આંધ્રપ્રદેશનો સમગ્ર અતીત અને વર્તમાન સભ્યતાના સંદર્ભમાં લખ્યું છે. આખો વિરાટ અહીં જીવનની વિવિધ ધારાઓમાં વહી રહ્યો છે. મહાકાવ્યમાં હોય એમ અહીં ખેતરો, જંગલ, નદી, મેધ, પહાડો, ગામ અને શહેરનું ચિત્રાત્મક વર્ણન આવે છે. લેખક આવા સમયે કથાકાર મટી કવિ બની જાય છે. આ મહાકથામાં ‘સરસ્વતીચંદ્ર’ની જેમ સંખ્યાબંધ પાત્રો છે. અહીં બ્રાહ્મણો, રાજાઓ, રાજકુમારો, રાણીઓ, દીવાનો, વેપારીઆ વગેરે અનેક પ્રકારનાં પાત્રો છે. વૈદ્યો, ડૉકટરો, ગણાચારી, દેવદાસી વગેરે વિવિધ પત્રોની આ મનોહર સૃષ્ટિમાં લેખકે પ્રત્યેક મહત્વના પાત્રને સ્પષ્ટ રીતે આકાર આપ્યો છે. તેથી જ તો આ નવલકથાને ‘આંધ્ર વિશ્વકોશ’ કહેવામાં આવે છે. જાત-જાતના પ્રશ્નોની અહીં ચર્ચા અને વિસ્તૃત વિગતો હોવા છતાં આ નવલકથાનું વાચન કરતાં વાચકનો કયાંય રસભંગ થતો નથી. પ્રવાહ એકધારો ને તેજ ગતિથી વહેતો રહ્યો છે ને વાચકને પોતાનામાં ખેંચતો જાય છે. "દેવ, ઋષિ (બ્રાહ્મણ) અને રાજાનો સબંધ- જે પ્રાચીન ભારતીય સમાજની આધારશિલા હતી તે આ નવલકથાની પણ આધારશિલા છે."[4]

‘વેયિપડગલુ’ (સહસ્ત્રફેણ)માં આંધ્ર વાસીઓના ધાર્મિક આસ્થા-વિશ્વાસનું સજીવ ચિત્રણ થયું છે. સુબન્નાપેઢમાં સુબ્રહ્મણ્યેશ્વર સ્વામી અને વેણુગોપાલ સ્વામીના મંદિરો છે,જેને કારણે એનાથી જોડાયેલી અનેક દંતકથાઓ અને અંધવિશ્વાસો પણ પ્રચલિત હોવાની સાથે, સંપૂર્ણ ગામનું વાતાવરણ ધર્મમય છે. ગામમાં ઘટનારી બધીજ સારી-નરસી ઘટનાઓની સૂચના સુબ્રહ્મણ્યેશ્વર સ્વામી ગણાચારી દ્વારા આપે છે. દેવદાસી ગિરિકા, સંપૂર્ણ ભાવથી વેણુગોપાલ સ્વામીના ચરણોમાં સમર્પિત છે. બદલાયેલા સમયમાં રામેશ્વરમ્‌ જેવા દુષ્ટ લોકોની કૃ-દૃષ્ટિથી બચીને ગણાચારી અને દેવદાસી પોતાની પવિત્રતાની રક્ષા ખૂબ મુશ્કેલીથી કરી શકે છે. કલાણ્યોત્સવના સમયે દસ દિવસ સુધી સ્વામીની સામે પૂર્ણ તન્મય ભાવથી નૃત્ય તથા ગાયન પ્રસ્તુત કરતા કરતા દેવદાસી ગિરિકાની જીવનલીલા-દેહલીલા સમાપ્ત થઈ જાય છે.

આપણે આગળ જોયું તેમ ‘વેયિપડગલુ’ નવલકથામાં સુબન્નાપેઠ ગામના જમીનદારની ત્રણ પેઢીઓની કથા આલેખાય છે. પહેલી પેઢીના જમીનદાર કૃષ્ણમ્‌ નાયડૂ ઉદાર, દયાલુ અને પ્રજાહિતૈષી છે. બીજી પેઢીના અંગ્રેજી શિક્ષા પ્રાપ્ત જમીનદાર રંગારાવ અનુદાર, અત્યાચારી અને પ્રજાશોષક છે એનો અધિકાંશ સમય મદ્રાસમાં એશોઆરામ કરતા જ પ્રસાર થયો છે. ત્રીજી નવી પેઢીના જમીનદાર હરપ્પા પ્રગતિશીલ તથા પ્રજાના સુખ, દુઃખ પ્રતિ પૂર્ણ સંવેદનશીલ છે. કૃષ્ણમ્‌ નાયડૂ, રંગારાવ અને હરપ્પાના ચરિત્રચિત્રણો દ્વારા લેખકે ત્રણ પેઢીઓની કથા કહી છે: "કૃષ્ણમ્‌ નાયડૂ પ્રાચીન પરંપરા અને નીતિરીતિમાં વિશ્વાસ કરનાર ધર્મભીરુ પેઢીના પ્રતીક છે, રંગારાવ નવીન કૃતક વિચારધારથી પ્રભાવિત નવયુવકોની પેઢીના પ્રતીક છે, હરપ્પા સુધી પહોંચતા ફરી ચક્રારપંકિતની જેમ ભાવપંકિત બદલાઈ જાય છે."[5]

નવલકથામાં આવતી પાત્રસૃષ્ટિ વૈવિધ્ય સભર અને વિશિષ્ટ છે. કૃષ્ણમ્‌ નાયડૂ, રામેશ્વર શાસ્ત્રી, રુકિમણિમ્મારાવ, દેવદાસી, ગણાચારી, ગોપન્ના, હરપ્પા બધાં પાત્રો અત્યંત ઉદાત્ત છે અને છતાંય આ બધાનો યુગ સમાપ્ત થઈ ગયો છે. નવલકથામાં આવતું કુમારસ્વામીનું વ્યક્તિત્વ અનોખું છે. એને સત્ય જ બોલવું છે પણ સમકાલીન સમાજ એને સહી શકે, સ્વીકારી શકે તેમ નથી. નવલકથામાં આવતું હરિયાનું પાત્ર એક વિલક્ષણ પાત્ર છે. એનું મૃત્યુ અત્યંત કરુણ છે. ગણાચારી સ્વર્ગ અને પૃથ્વીને સાંધતી કડી છે તો દેવદાસી ભકિતભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલું જ કહેવું જરૂરી છે કે અહીં સર્પો, પક્ષીઓ, હાથી, મેધ અને વૃક્ષો જાણે પાત્રો છે. પ્રત્યેકનો કથામાં ફાળો છે. અરુંધતી અને ધર્મારાવ-મુખ્ય પાત્રો- પ્રકૃતિ અને પુરુષ છે. નરસિંહ રાવ કહે છેઃ ‘‘કાલનિરપેક્ષ વૈદિકતાના પ્રતિનિધિ-આ પાત્રો જન્મ લે છે, હસે છે, રડે છે, શરીરથી નષ્ઠ પણ થાય છે પણ એ એવી વિભૂતિઓ છે જે શાશ્વત તત્વો પર નિર્મિત છે. આથી તેઓ શાશ્વત છે. આ ધર્મભૂમિમાં એઓ કદી નષ્ઠ નહી થાય.’’[6] ધર્મારાવ અને અરૂંધતીના દામ્પત્યનો શૃંગારરસ આખીય કથાના મૂળમાં રહેલો અદ્‌ભૂત અને અનેક પત્રોના મૃત્ય દ્વારા આલેખાયેલો કરુણરસ આખી કૃતિને રસપૂર્ણ અને કલાસમૃદ્ધ બનાવે છે. આમ બધા પાત્રોની લેખકે પ્રેમપૂર્વક માવજત કરી છે.

વિશ્વનાથ ભારતીય સંસ્કૃતિ માટે કૃત-સંકલ્પ યોદ્ધા છે, યોદ્ધામાં થોડી પક્ષિલતા આવે જ. પણ સમગ્ર દૃષ્ટિએ આ રસાવહ નવલકથા ઈષ્ટ વાચન પૂરું પાડે છે તેમાં તો શંકા નથી જ. પરંપરામાં જે સનાતન છે તેની પ્રત્યે આપણી દૃષ્ટિ એમણે ઠીક ઠીક આકર્ષિત કરી છે. ધાર્મિક, સામાજિક સમસ્યાઓના તાણા-વાણા ગૂંથાયેલ છે જેમા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની પુનઃસ્થાપનાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંઘર્ષકાળે લખાયેલી આ મહાકથામાં લેખકે ધર્મ સાથે વહેમોમાં પણ શ્રદ્ધા રાખવાનો આગ્રહ રાખ્યો છે. એની સાથે આપણે સંમત થઈ શકતા નથી. વિસ્તાર, વિવિધતા, વિદ્વતા, ગંભીરતા, ઉદાત્તતા, સહૃદયતા, રસાત્મકતા પૂર્ણ આ નવલકથા પ્રેરક પણ છે. લૌકિક પાત્રવાળી આ નવલકથા અલૌકિકતા તરફ ગતિ કરે છે એમાં શંકા નથી. કાવ્ય અને ધર્મ અહીં એકરૂપ બની ગયા છે.

નયે ક્ષિતિજ કી ખોજ

દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત અને પ્રકાશિત નેપાલી ભાષાની અસીત રાઈ રચિત ‘નયે ક્ષિતિજ કી ખોજ’ ૨૦૦૩માં અનુદિત અને પ્રકાશિત થઈ, જેના અનુવાદક છે સુરેન્દ્ર પ્રસાદ શાહ. ૧૨૬ પૃષ્ઠ અને પાંચ ખંડોમાં વિભાજીત આ નવલકથામાં દાર્જલિંગના ઇતિહાસની કથા છે. આ નવલકથામાં સુરમ્ય અને રમણીય દાર્જલિંગક્ષેત્રનો કોઈ સંપૂર્ણ અને નીરાવૃત્તાંત નથી પણ આ પર્વતીયક્ષેત્રના ઉદ્યમી પણ અભિશપ્ત લોકોની વચ્ચેથી ઊભા થયેલા પાત્રો અને એમની સાથે જોડાયેલા અનુભવો તથા આખ્યાનોનું જીવંત આકલન છે. સ્થાનીય જનજીવન, પ્રકૃતિ અને પરિવેશની સાથે કેટલીક અદ્વિતીય ઘટનાઓ તથા ઔતિહાસિક પ્રસ્થાનોનો સંકેત આ નવલકથાને વધારાની વિશિષ્ટતા ને વિશ્વાસનીયતા પ્રદાન કરે છે.

સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૧૯૮૧ માટે સન્માનિત નેપાળી કથાકાર શ્રી અસીત રાઈએ પ્રસ્તૃત પુરસ્કૃત કૃતિમાં પોતાના પૂર્વજોના મુશ્કેલ જીવનની સાથે એમના જે મધુર સ્વપ્નોને ચિત્રિત કર્યા છે એ ખૂબજ માર્મિક, વ્યંજક અને રોમાંચક છે.

પોતાની નવલકથા વિશે લેખક કહે છે: "यह दार्जिलिंग का एक सम्पूर्ण और ठोस एतिहास नहीं है... ... इस बार अपने इस दार्जिलिंग को पीछे मुड़कर देखने की मेरी ईच्छा हुइ, पूर्वजों की समाधियाँ खोजने की लगन लगी, उनके पुनजागृत जीवन की समस्या और दार्जिलिंग की कथा की खोज करने की कमाना जागी... ... दार्जिलिंग के तेज ढालों, पहाड़ों, झाड़ियों, शहरों तथा गावों में हर जगह धूम-धूमकर पूर्वजों की समाधियाँ झकझोरते हुए भी कष्टपूर्वक 'नये क्षितिज की खोज,' हेतु उन्हे बचाकर रखा है |"[7] નવલકથાના પાત્રો કલ્પિત-અકલ્પિત પાત્રો છે, જેનો નવલકથાકારે ખપ પૂરતા ઉપયોગ કર્યો છે. દાર્જલિંગના નિર્માણ માટે લેખકના પૂર્વજોએ જે યાતનાઓ ભોગવી હતી, જે ભૂમિકા ભજવી હતી તેનું નિરૂપણ નવલકથામાં થયું છે. દશેરો, મકરસંક્રાતિ, ધૂલ-પૂજા, ગાલી-શ્રાપ, સાંસ્કૃતિક પૂજા ઉજવતા ઉજવતા લેખકના પૂર્વોજોએ આ ભૂમિને ખરીદી છે, જીતી છે અને પોતાની બનાવી છે. એમના અસ્તિત્વનો શિલાન્યાસ કર્યો છે. સમય અને ઇતિહાસ પર આપણું આક્રમણ ચાલુ રહ્યું છે અને આપણે આપણી સંસ્કૃતિ, સાંસ્કૃતિક પરંપરા અને રીતિ-રિવાજોને છોડીને અહીં સુધી આવી પહોંચ્યા છીએ.. માનવ પહાડી જીવ બનીને, નદી અને નાના ઝરણા તરી-પાર કરી, ઢાળો પર ગબડીને, જંગલો અને ઝાંડીઓને ચીરતો, બે સાંજનું ભોજન ભેગુ કરવા તથા નિશ્ચિત થઈને એક ઊંઘ કાઢવા માટે હેરાન-પરેશાન થઈ ભટક્યા કરે છે. જીવનનો મોહ અને જીવંત રહેવાની આકાંક્ષાથી પ્રેરિત થઈ આજે અહી, કાલે ત્યાં અને પછી ન જાણે ક્યાં-ક્યાં ભટકતો રહે છે.

લિમ્બુ સત્યહાઁગમાં ફેદાંગબા, કિરાતી જનાયા, બિજુવા, બુંદધિંગ, લોપ્ચેલામા, સેતી-કાલી દેવિઓ માટે મંત્ર ગાઈને, ઢોલ અને ડફલી વગાડતા, ડમરુ અને ઝાઝ ઝનકારતા પહાડીની અંતિમ ટોચ પર દેવસ્થાનની સ્થાપના કરી, વગડાઉ ભૂમિને સાફ કરી અને દેવી સ્થાનીકો પર અર્પણ આપતા આપતા, લોકગીત અને લગ્નના ગીતોનો આનંદ લેતા લેતા સ્થળે-સ્થળે વાસ કરતા ગયા. પહેલા અહીં જંગલો સિવાય કશું ન હતું. ગાય-ભેંસ, ઘેટા-બકરાની ચારવા લાયક જગ્યા હોવાને કારણે લિમ્બુ, ખમ્બુ, લામિછાને અને ટુંગી ગુરુંગ, ખડકા છેત્રી, લેપ્ચા તથા શેર્પા પહાડી વિસ્તારમાં કામ શોધતા આવ્યા, ગૌશાળા બનાવી અને પછી ઘર બનાવીને રહેવા લાગ્યા.

ચિત્તા અને રીંછને ભગાડી, ગાય-બકરી અને ઘેટા પાળ્યા, શાલ વૃક્ષ અને દેવદારને કાપી મનુષ્યએ પોતાનું અસ્તિત્વ ઊભું કયું. પથ્થરોને તોડીને હટાવ્યા અને એમાં બટાકા, મૂળા અને જવની ખેતી કરી, પાતળા વાસનો ઉપયોગ કરી ઘર બનાવ્યા, વાંસની ટોપલીઓંમાં ભરીને આશા અને વિશ્વાસ સેવ્યા. ગુંદરી બજાર વસાવ્યું. જાત જાતની દુકાનો ખોલી પોતાનું દાર્જલિંગ વસાવ્યું.પોતાની જાતિ વિશે લેખક કહે છે: "चाय की टूसी की तरह तोड़ा गया, चाय के पौधे की तरह शोषित, उपेक्षित, अभिशप्त नेपाली जीवन दार्जिलिंग की सुंदरता है, भारत का स्वप्न और गौरव है | हम औरों के लिए जिंदा रहे हँसते रहे, लेकिन हमारे लिए न कोए जीवित रह सका और न हँस सका |"[8] આમ, નેપાળી નવલકથા ‘નયે ક્ષિતિજ કી ખોજ’માં દાર્જલિંગ શહેરની સ્થાપના અને પહાડી વિસ્તારમાં થયેલા સામાજિક ફેરફારો-પરિવર્તનની કથા આલેખાય છે. લેખકના પૂર્વજોએ જે યાતનાઓ ભોગવી છે,જે મુશ્કેલીઓનો સામનો કરતા કરતા અંતે પહાડી વિસ્તારમાં દાર્જલિંગ શહેરની સ્થાપનામાં અમૂલ્ય ફાળો આપ્યો છે એનું ચિત્રણ અહી થયું છે.

સામાજિક પરિવર્તન વિષયક કેટલાંક તુલનાત્મક અવલોકનો :

ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે. બ્રિટિશ શાસન દરમિયાન ગ્રામીણ સમુદાયમાં અનેક પરિવર્તનો થયા. વહીવટી ફેરફારો, જમીન અને મહેસુલની નીતિ, કાનૂની પગલાઓ, ઔદ્યોગિકરણ અને એની ઉપજ તરીકે શહેરીકરણ, સંચારમાધ્યમનાં સાધનો, વાહનવ્યવહાર, શિક્ષણનો પ્રચાર વગેરે પરિબળોને કારણે ગ્રામીણ સમુદાયના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય જીવનમાં ઘણાં પરિવર્તનનો થયા અને થઈ રહ્યાં છે. કિંગ્સલે ડેવિસ સામાજિક પરિવર્તન વિશે કહે છે: "સામાજિક સંગઠનમાં અર્થાત્ સમાજની રચના અને કાર્યમાં થતા ફેરફારો એટલે સામાજિક પરિવર્તન."

અહીં આપણે સમાજશાસ્ત્રીય પરિવર્તનને કેન્દ્રમાં રાખી આ અભ્યાસમાં સમાવેશ પામતી બંને કૃતિઓને જોઈશું. આ બંને કૃતિઓમાં થયેલા સામાજિક પરિવર્તનની ચર્ચા કરતા પહેલા ગુજરાતી સાહિત્યકાર જયંત પાઠકને યાદ કરવા પડે.
અહીં હું જન્મ્યો’તે વનની વચમાં તે વન નથી;
નથી એ માટીનું ઘર, નિજ લહ્યાં તે જન નથી;
અજાણ્યાં તાકી ર્‌હે વદન મુજને સૌ સદનમાં;
વળું પાછો મારે વનઘર હું: મારા જ મનમાં.’[9]

સાડાત્રણ દાયકા પછી પોતાના વતન ફરતા જયંત પાઠકને થયેલ આં અનુભૂતિ અભ્યાસમાં સમાવેશ પામતી બને નવલકથાના નવલકથાકારોની પણ બની રહે છે. કારણ કે અનુભૂતિ એક ત્યાં વાણી એક જ નીકળે, ભલે સ્વરૂપો જુદા જુદા હોય.

પરિવર્તનના વમળમાં ફસાયેલા પોતાના સમાજને કેન્દ્રમાં રાખી તેલુગુ કવિ-નવલકથાકાર વિશ્વનાથ સત્યનારાયણ (‘સહસ્ત્રફેણ’) વેયિપડગલુ નવલકથામાં સમકાલીન આંધ્રપ્રદેશનાં આંતરિક જીવનમાં પાશ્ચાત્ય નીતિરીતિઓનું અંધાનુકરણ થતાં અને એના ફળસ્વરૂપે મુલ્યોનો જે વિધ્વંસ ઠે રહ્યો છે એ નાજૂક પરિસ્થિતિનું નિરૂપણ કર્યું છે એજ રીતે નેપાળી નવલકથાકાર અસીત રાઈ ‘નયે ક્ષિતિજ કી ખોજ’માં દાર્જલિંગ શહેરની સ્થાપના, એની આજુબાજુના વિસ્તારમાં થતા સામાજિક-સાંસ્કૃતિક પરિવર્તનને પોતાની નવલકથાનું કેન્દ્ર બિંદુ બનાવ્યું છે.

બંને રચનાઓના કેન્દ્રમાં કોઈ પાત્ર એટલે કે નાયક નથી. પરંતુ નાયક તો છે જે તે વિસ્તારનો પ્રદેશઅંચલ. ‘સહસ્ત્રફેણ’ના કેન્દ્રમાં છે સુબન્ના પેઠ અને ‘નઈ ક્ષિતિજ કી ખોજ’ના કેન્દ્રમાં છે દાર્જિલિંગ શહેર. બંને ગામ-વિસ્તારમાં થતા સામાજિક, સાંસ્કૃતિક પરિવર્તનની કથા અહી આલેખાઇ છે. બંને ગામ-શહેર પરિવર્તનના સમયમાંથી પસાર થતા થતા સંપૂર્ણ રીતે બદલાયા છે એની સાથે બદલાય છે લોકોના રીતિરિવાજો, પરંપરાઓ, માન્યતાઓ અને રહેણીકરણી. ગામમાં આવતી રેલગાડી સાથે-સાથે આધુનિકતા પણ લઈ આવે છે. આમ, રેલગાડી અહીં આધુનિકતાના પ્રતીક રૂપે આવે છે. બંને કૃતિઓમાં નવી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક પરંપરાઓ, મૂલ્યોનું સર્જન થાય છે પણ એના માટે પ્રકૃતિનો ભોગ લેવાય છે. પ્રકૃતિનો વિનાશ, સંસ્કૃતિનો ઉદ્‌ય અને સાથે વિકૃતિનો પણ ફેલાવો એવી કઈક નાજૂક સ્થિતિનું નિરૂપણ આ બને કૃતિઓમાં થયેલ જોઈ શકાય છે. આ બને નવલકથાઓમાં અંગ્રેજોના ભારતમાં પગપેસરના સમયનું આલેખન થયું છે.

આ બંને કૃતિઓમાં પરિવર્તન પામતું ગામડું, એનો સમાજ, સંસ્કૃતિ, પરંપરાઓ તથા મૂલ્યોનું આલેખન થયું છે. આ પરિવર્તનમાં આહુતી પ્રકૃતિ, વન્યસૃષ્ટિ, પ્રાચીન સંસ્કૃતિ, માન્યતાઓ, મૂલ્યો પરંપરાઓની આપવામાં આવી છે. જેનો ખેદ કૃતિ લેખકોને તેમજ નવલકથાના પાત્રોને પણ છે જ.

આપણા પંડિત યુગના પુરાણ ‘સરસ્વતીચંદ્ર’ જેવી આ સંસ્કૃતિ કથા છે. ફેર માત્ર એટલો જ છે કે આપણા ગોવર્ધનરામ સમન્વયવાદી છે જયારે શ્રી વિશ્વનાથ સંરક્ષણવાદી. પાશ્ચાત્ય સંસ્કૃતિના આગમનથી આપણી ભારતીય સંસ્કૃતિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. લોકો પોતાનો પુરાણો વારસો ફેંકીને કૃતક નવીનતાના મોહમાં ફસાવા લાગ્યા છે. નવીનતાના મોહની મૂર્છામાં પડેલો આપણો આ પુરાણપ્રસિદ્ધ દેશ આપણી સંસ્કૃતિરૂપી પ્રાણશકિતથી જ જાગૃત થશે અને સ્વ-સ્વરૂપની પુનઃપ્રતિષ્ઠા થશે એ લેખકની શ્રદ્ધા છે; કારણકે બધા મરી પરવાર્યા પછી અને પૂરના કારણે સુબન્નાપેઠનો નાશ થયા પછી પણ કથાનો નાયક ધર્મારાવ વિચારે છેઃ ‘‘...ગણાચારી ગઈ. સ્વર્ગ અને મૃત્યુલોક વચ્ચેની કડી તૂટી ગઈ... ... અરે! તો હવે બચ્યું શું?’’ એના અંતરમાંથી અવાજ આવે છેઃ ‘‘બીજું બધું ભલે નાશ પામી ગયું હોય પણ તુ બચ્યો છે... ... રાષ્ટ્રની શક્તિના રૂમાં, સમાજના ધર્મના રૂપમાં.."[10]

‘વેયિપડગલુ’ વિશ્વનાથ રચિત ૧૯૩૩માં પ્રકાશિત થયેલી તેલુગુ નવલકથા છે. બીજી કૃતિ અસીત રાઈ રચિત નેપાલી નવલકથા ‘નયે ક્ષિતિજ કી ખોજ’ ૨૦૦૩માં હિન્દીમાં અનુદિત અને પ્રગટ થયેલી નવલકથા છે. દેખીતી રીતે જ ૧૯૩૩માં રચિત ‘વેયિપડગલુ’ માં આલેખાયેલું વિશ્વનાથ સત્યનારાયણનું સામાજિક પરિવર્તનનું દર્શન કંઈક પરંપરાગત હોવાનો સંભવ છે. ૧૯૩૩ના સમયગાળામાં ભારતીય ભાષાઓના સાહિત્યમાં આધુનિકતાનો પ્રભાવ પડવા પામ્યો. નવલકથાનું મુખ્યપાત્ર ધર્મારાવ પોતાના સમાજમાં થયેલા અને થતાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક પરિવર્તનથી ખેદ અનુભવે છે. પ્રાચીન સાંસ્કૃતિક મૂલ્યો, પરંપરાઓને ટકાવી રાખવાનો પુરુષાર્થ કરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના હેતુઓ મરી પરવાર્ય છે. ‘નયે ક્ષિતિજ કી ખોજ’માં પરદાદાના પૂર્વજોથી લઈ દાદા, પિતા, પુત્ર અને પૌત્ર સુધીની પાંચ પેઢીઓના સમયગળાના ઇતિહાસને આવરી લેવામાં આવ્યો છે. પરદાદથી લઈ પૌત્ર સુધી પહોંચતા પહોંચતા દાર્જલિંગ ક્ષેત્રનો વિકાસ, આધુનિકતાનો પ્રવેશ, પ્રકૃતિનો વિનાશ, પરદેશી શાસન હેઠળ મૂકાવું અને ત્યાના સમાજમા થતા પરિવર્તનનું આલેખન લેખકે કર્યું છે.

‘વેયિપડગલુ’ નવલકથામાં સામાજિક પરંપરાઓની સાથે સાથે ધાર્મિક રીતિ-રિવાજો, માન્યતાઓ, આચારો-વિચારો વગેરેની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી છે તો ‘નયે ક્ષિતિજ કી ખોજ’માં લેખકના પૂર્વજોએ વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાના જીવનને ટકાવી રાખવા જે પુરુષાર્થ કર્યો છે એનું ચિત્રણ કર્યું છે.

બંને નવલકથાઓનો સમયગાળો ભારતમાં બ્રિટિશ શાસન વ્યવસ્થાના આરંભકાળનો છે. ‘નયે ક્ષિતિજ કી ખોજ’ નવલકથામાં તો તે પહેલાંના સમયગાળાનું પણ નિરૂપણ છે. તો ‘વેયિપડગલુ’ નવલકથામાં ભારતમાં અંગ્રેજોના આગમનથી, નવી સંસ્કૃતિ અને ધર્મના પ્રવેશથી ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો નાશ થઈ રહ્યો હતો તેનું નિરૂપણ છે. બંને કૃતિઓના સામાજિક પરિવર્તનનું મુખ્ય કારણ અંગ્રેજોનું ભારતમાં શાસન, એમના દ્વારા શિક્ષણનો પ્રારંભ, રેલ-રસ્તા અને તાર-ટપાલનો વિકાસને ગણી શકાય.

‘વેયિપડગલુ’ નવલકથામાં ‘દેવદાસી’ પ્રથાનું નિરૂપણ પણ થયું છે, કે જે હાલ મૃતપ્રાય અવસ્થામાં છે. તો ‘નયે ક્ષિતિજ કી ખોજ’માં પરદેશી શાસન-શોષણથી સ્થાનિક લોકોમાં ઊભા થયેલા આછા વિદ્રોહના સુરનું આલેખન થયું છે.

તેલુગુ નવલકથા ‘વેયિપડગલુ’ એ એક બૃહદ્‌ નવલકથા છે. આ નવલકથામાં વિશિષ્ટતાઓ, ખૂબીઓની સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ છે જે વાચક કદાચ પચાવી ના શકે. જેમ કેઃ લેખકનું ધર્મની સાથે વહેમને પણ સ્વીકારવાનું વલણ, વીજળીનો વિરોધ, નળનો વિરોધ વગેરે. સર્પો, પક્ષીઓ, મેધ, વૃક્ષો, બાજઠના પાયા, લીમડાની ડાળી બધા ચર-અચર, જડ-ચેતન લેખક માટે સમાન છે. આ બધાને પ્રતીક તરીકે લઈએ તો નવલકથા વાચનમાં બાધ આવતો નથી. બીજી કૃતિ 'નયે ક્ષિતિજ કી ખોજ' માં ઇતિહાસ અને કલ્પના વચ્ચેનો મેળ લેખક બરાબર સાધી શક્યા નથી. તેમજ અનુવાદની થોડી કચાસ પણ કૃતિના આસ્વાદમાં બાધક નીવડી શકે. નેપાળી જનજીવનનાં પ્રચલિત અને તળપદા શબ્દોનાં સરળ અર્થો ન મળતા અનુવાદિત કૃતિનાં વાંચનથી વાંચકોનો રસભંગ થવાનો ભય ઊભો થાય છે. કથાનાં પ્રવાહને એક ધારો ને તેજ ગતિથી વહેંચવા મુશ્કેલી જણાય છે.

એકંદરે આ બંને કૃતિઓ વાચકોને ઈષ્ટ વાચન પૂરું પાડે છે. એક નવા પ્રદેશમાં, વિચારોના વૃંદમાં, નવી દુનિયામાં લેખકો લઈ જાય છે. સામાજિક પરિવર્તન અને એનાથી વ્યથિત લેખકો અને એમની કૃતિના પાત્રોનું ચિત્રણ વાચકોને પણ પોતાના અતીત તરફ ફરવા પ્રેરે છે અને આ બધાનો સૂર તો અંતે એક જ નીકળે છે કે જે ‘વનાંચલ’ના જયંત પાઠકનો છેઃ ‘‘રહ્યાંસહ્યાં ઝાડવાંને પૂછું છું: ‘ઓળખો છો?’ જવાબમાં જાણે માથું ધુણાવી કહે છે: ‘ના, ના.’ આ ભૂમિ પૂરતો જાણે હું કોઈ જીવતો માનવી નથી, પ્રેત છું, વાસનાદેહે વિચારું છું."[11]

સંદર્ભગ્રંથો: :::

  1. સત્યનારાયણ, વિશ્વનાથ, (અનુ. મહેતા, ચન્દ્રકાન્ત અને બીજા): ‘સહસ્ત્રફેણ,’ અખિલ ભારત ગુજરાતી સમાજ, ૨, રાજનિવાસ માર્ગ, દિલ્હી-૧૧૦ ૦૫૪, પ્રથમ આવૃત્તિઃ સપ્ટેમ્બર, ૧૯૭૬, પરિચયમાથી, પૃઃ ૨૫.
  2. એજનઃ પૃઃ ૨૫ પરથી.
  3. સત્યનારાયણ, વિશ્વનાથ, (અનુ. મહેતા, ચન્દ્રકાન્ત અને બીજા): ‘સહસ્ત્રફેણ,’ અખિલ ભારત ગુજરાતી સમાજ, ૨, રાજનિવાસ માર્ગ, દિલ્હી-૧૧૦ ૦૫૪, પ્રથમ આવૃત્તિઃ સપ્ટેમ્બર, ૧૯૭૬, પૃઃ ૬૧૯.
  4. સત્યનારાયણ, વિશ્વનાથ, (અનુ. મહેતા, ચન્દ્રકાન્ત અને બીજા): ‘સહસ્ત્રફેણ,’ અખિલ ભારત ગુજરાતી સમાજ, ૨, રાજનિવાસ માર્ગ, દિલ્હી-૧૧૦ ૦૫૪, પ્રથમ આવૃત્તિઃ સપ્ટેમ્બર, ૧૯૭૬, પરિચયમાંથી, પૃઃ ૨૮.
  5. એજનઃ પૃઃ ૨૯ પરથી.
  6. એજનઃ પૃઃ 30 પરથી.
  7. રાઈ અસીત, (અનુ. શાહ સુરેન્દ્ર પ્રસાદ):‘નયે ક્ષિતિજ કી ખોજ,’ સાહિત્ય અકાદમી,દિલ્હી-૧૧૦૦૦૧, પ્રથમ આવૃત્તિઃ ૨૦૦૩,પૃઃ પુરોવાક્‌ પરથી.
  8. રાઈ અસીત, (અનુ. શાહ સુરેન્દ્ર પ્રસાદ):‘નયે ક્ષિતિજ કી ખોજ,’ સાહિત્ય અકાદમી, દિલ્હી-૧૧૦૦૦૧, પ્રથમ આવૃત્તિઃ ૨૦૦૩,પૃઃ૧૦
  9. પાઠક, જયંતઃ ‘વનાંચલ,’ સાહિત્ય સંગમ, બાવાસીદી, ગોપીપુરા સૂરત-૨, પ્રથમ આવૃત્તિઃ ૧૯૬૭, પૃઃ૧૧૯.
  10. સત્યનારાયણ, વિશ્વનાથ, (અનુ. મહેતા, ચન્દ્રકાન્ત અને બીજા): ‘સમહસ્ત્રફેણ,’ અખિલ ભારત ગુજરાતી સમાજ, ૨, રાજનિવાસ માર્ગ દિલ્હી-૧૧૦ ૦૫૪, પ્રથમ આવૃત્તિઃ સપ્ટેમ્બર, ૧૯૭૬, પૃઃ ૬૨૦.
  11. પાઠક, જયંતઃ ‘વનાંચલ,’ સાહિત્ય સંગમ, બાવાસીદી, ગોપીપુરા સૂરત-૨, પ્રથમ આવૃત્તિઃ ૧૯૬૭, પૃઃ ૧૧૭.

ડૉ. મુકેશ વસાવા, તુલનાત્મક સાહિત્ય વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સૂરત