Download this page in

નોંખી દિશામાં ડગલાં- સોનાની દ્વારિકા

મુખ્યત્વે કવિ, સંપાદક અને ઓછી પણ પાણીદાર વાર્તાઓ આપનારા હર્ષદ ત્રિવેદી એમની પ્રથમ નવલકથા ‘સોનાની દ્વારિકા’ લઈને આવે છે. શીર્ષકથી સ્વાભાવિક જ પુરાણકથાના વહેમ સાથે કથા સાથે સંડોવાઈએ. આરંભે ભાવકને પણ વિસ્તરતા અર્થો સાથે ધમધમતી અને પછી વિરમતી દ્વારિકા સાથે સન્ધાન કરાવતા લેખક નોખી જ દિશામાં ડગલાં માંડે છે.

ગુજરાતમાં એક રીતે જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લો કઈ બાબતે નોંધપાત્ર લેખવો- એ પ્રશ્ન હંમેશનો રહ્યો છે પણ ઓળખનારાં જાણે છે કે કપાસનો પાક અને થર્મોમિટરનું કારખાનું, ત્રંબક ટ્રોલી અને અંગ્રેજોના કેમ્પથી (લોક બોલીમાં- કાંપ) જાણીતો આ ઝાલાવાડ પંથક એના મિઝાઝી અને મહેનતુ માણસોથી આગવી ઓળખ ધરાવે છે- એના પર આ કથા મંડાઈ છે. અગાઉ હર્ષદ ત્રિવેદીની વાર્તાઓ જેણે વાંચી છે એ એમની બળકટ ઝાલાવાડી બોલી અને પરિવેશથી પરિચિત છે, અહીં એનો વિસ્તાર સધાયો છે. આ કથામાંથી પસાર થતા અનુભવાય કે હર્ષદભાઈ પાસે કથાબીજનો ભંડાર ભર્યો છે - શબ્દોમાં અવતરે તો અવશ્ય વધારે નવલકથાઓ સર્જી શકે એમ છે. આ વાતની નોંધ નવલકથાની પ્રસ્તાવના લખનાર કિરીટ દૂધાતે પણ ખાસ લીધી છે.

‘સોનાની દ્વારિકા’ - એ સળંગ રેખામાં વહેતી કથા નથી, એટલે કે એ કોઈ એક નાયક-નાયિકા કે કોઈ કુટુંબ કે પછી કોઈ ચોક્કસ મલકને જ (ચોક્કસ મલક આલેખતી હોવા છતાં) ઉપસાવનારી સમરેખ વિસ્તરણ પામતી કથા નથી. એક અર્થમાં એને કૉલાજ પણ એટલે ન કહી શકીએ કે એમાંથી ઉપસતો કોઈ એક વિશિષ્ટ એકમેવ આકાર સર્જાયો હોય, એના બદલે અહીં જે ઉભરે છે, એ છે ચરિત્રો. આ ચરિત્રોની કથા છે- એમ કહીએ તો વધારે યોગ્ય લેખાશે. આ ચરિત્રોને સાંકળનારું તત્ત્વ જરૂર છે, સખપર ગામ- એ ગામના મોટા માસ્તર(કરુણાશંકર), ગામના અને પછી તાલુકાના પ્રમુખ(ગંભીરસિંહ- ગમ્ભા) અને ગામનો પહેલો દલિત સરપંચ(તુલસી)- આ પાત્રોના કારણે જરૂર કશુંક એકસૂત્રે બંધાતું અનુભાવાય પણ એ પછીએ કથાના અંતે જે અનુભૂતિ થાય છે તે તો આગળ કહી તે ચરિત્રોની કથાઓ. એ ચરિત્રો બહુ મજાના છે. એના આલેખનની હથોટી અદ્ભુત છે, ધસમસતા ભાષાપ્રવાહમાં આપણી સામે એ આકારિત થતા જાય છે, એ ભાષામાં સર્જાય છે - માંસલ, હર્યાભર્યા, ગુણ-દોષોથી ભરપૂર, નર્યા માનવપીંડ અને એમની આસપાસનો પરિવેશ, એ પરિવેશ સાથેનો લગાવ, એના વિશેષો, એની મર્યાદાઓ, જીવનરાગથી ભરપૂર એવા આ પાત્રો આપણને જકડી રાખનારાં છે. રઘુવીર ચૌધરીએ આ કથા વિશે સરસ નોંધ લીધી છે કે- ‘આ નવલકથા જાણ્યે અજાણે લોકસાહિત્ય અને સાહિત્યને જોડતી ચાલે છે. આધુનિક સાહિત્યકાર તો આ ભાષા ગુમાવી બેઠો છે...પણ હર્ષદ ત્રિવેદી બાળપણનાં સંભારણાં ભૂલી શકે એમ ન હતા....અહીં આખા ઝાલાવાડને ગદ્યમાં ગાવાનો ઉમંગ વર્તાય છે. અભિનેતા બોથાભાઈ, દરજી જાદવજી લયાત્મક ગદ્યમાં પ્રત્યક્ષ થાય છે.’ (પરબ માર્ચ-18, પૃ.70)

લેખકમાં રહેલ ધીરજ અને અણખૂટ શ્રદ્ધા- આખીએ કથાસૃષ્ટિમાં ભરપૂર અનુભવવા મળે છે. એ જીવનના માંગલ્યને તાકનારા લેખક છે. મર્યાદાઓ આલેખ્યા પછીએ લેખક જીવનના અમંગળને તાકતા નથી- આ વિશેષ નોંધવા જેવો છે. શિક્ષણ અને શિક્ષક તરફનો એમનો અનુરાગ નોંધપાત્ર છે. આખીએ નવલકથાનું મુખ્ય પાત્ર કરુણાશંકર, કાનજીભાઈ અને કાન્તાબેન, વીરબાળાબેન જેવા સેવાભાવી, મુત્સદી, તેજસ્વી અને ખુમારીભર્યા શિક્ષકોના ચરિત્રો ઉપસી આવે છે. સખપર અને સુરેન્દ્રનગરમાં કેળવણીસંસ્થાઓના પાયા કઈ રીતે નંખાયા એનો આછો ગ્રાફ અહીં આકારાતો જાય છે.

આ નવલકથામાં સાઠ-સિત્તેરના દાયકા દરમિયાન વિવિધ ક્ષેત્રે આવી રહેલા બદલાવો અનુભવાય છે- ખાસ કરીને રાજકારણ, શિક્ષણ, સમાજવ્યવસ્થા, લોકમાનસ, સિનેમા, ટેલિફોનથી માંડી વાહનવ્યવહાર, રસ્તાઓ- આ બધાનું આલેખન ચિત્તમાં બદલાતા પ્રવાહને ઉપસાવે છે. ત્રણ સ્તર ઉપર આ કથા માંડાઈ છે.-

  1. સખપર અને એની ભાતીગળ વસ્તી અને એમાં સર્જાતા સંબંધો, સંઘર્ષો, પ્રેમ પ્રકરણો, મૂલ્યોની લડાઈ અને સંપ.
  2. સુરેન્દ્રનગરનો બદલાતો ચહેરો અને એના મહત્ત્વના શ્રેષ્ઠીઓ, કલાકારો, કેળવણીકારો, વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓ આદિના આલેખનો.
  3. ગ્રામ સ્તરેથી માંડી રાજ્યસ્તરે ચાલતી રાજકીય રમતોની આછી અને સમાન્તરે વહેતી ગતિવિધિઓ અને એના આટાપાટાઓ.

નવલકથાનો સમયગાળો ઓગણીસો સાઠ-થી સીત્તેર-એંસીના દસકાનો છે. આઝાદી આવી ગયા પછીની સ્વદેશી સરકારો રચાઈ ગઈ છે, એ ગાળામાં હજી તાજા તાજા જ મહારાષ્ટ્ર ને ગુજરાત અલગ થયા છે- હવામાં હજી ‘ગાંધીમૂલ્યો’, ‘બુનિયાદી શિક્ષણ’ અને ‘જીવનમૂલ્યોનું’ મહત્ત્વ જળવાયેલું છે, ગામડાઓ ભલે કરવટ બદલી રહ્યા હોય પણ હજી ‘મહેનતનો રોટલો’ અને ‘આંખની શરમ’ તથા ‘સખાવત’ - બચી છે. લેખકે આરંભે જ લખ્યું છે તેમ ‘તેર-ચૌદ વર્ષની ઉમરે જોયેલું ગામડું’ એમના ચિત્તમાં છવાયેલું છે- એ અહીં આકાર પામ્યું છે. એ તરફનું મુગ્ધ ખેંચાણ એવું ને એવું અહીં અનુભવાય છે. એ સમયમાં આવી રહેલા બદલાવ પર વિશેષ ફોકસ ન હોવા છતાં ધ્યાનથી જોઈએ તો જરૂર સંકેતો મુકાયા છે, ગામની ગલીકૂંચીઓ, ત્યાં રહેનારાંઓ, રહેનારાઓની વિશેષતાઓ, માન્યતાઓ, બાળપણમાં અનુભવેલા અને તર્કથી ન સમજાયેલા પ્રસંગો આલેખવામાં લેખકની કલમ જે ગતિનો અનુભવ કરાવે છે તે આ કથાની મોટી વિશેષતા બની રહે. આરંભે એમણે આંકેલી દિશા આ રીતની છે- ‘મારે તમને મારી અંદર રહેલા ચારેય વરણ દેખાડવાના છે તે થયું કે આપણે વારાબદલો કરી નાંખીએ, અને એ સમયે કહેવાતા શુદ્રથી જ શરૂઆત કરીએ...’ કહીને કથાનો આરંભ કરતા પહેલા આ વાત કહેનાર નેરેટર પોતાનો પરિચય આપીને કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી દે છે- ‘(ગામમાં) આભાડછેટના ખ્યાલો ખરા પણ જીવલેણ નહીં. આખું ગામ, વણકર-ચમાર, ભંગી બધાની સાથે એકસરખી, ભેદભાવ વિનાની છાંટ લે. કોળી-ખોજા મુસલમાન કે ફકીર સાથે ચડતા ઉતરતા ક્રમે ભાણે બેસીને રોટલા ખાવા સિવાયનો તન-મન-ધનનો વ્યવહાર ચાલે. રાખવા જેવું હોય એ ખાનગી રહે. કેટલુંક જાહેર ખાનગી પણ હોય તો કેટલીક રસિક વાતોના ઢોલનગારાં પણ વગડે. કો’ક કો’ક વાતે આંખ આડા કાન પણ થાય. જાણ્યેઅજાણ્યે પણ ગામ પોતાના ન કેખાતા કે ન જોવાતા ખરજવાપણામાં રાચે ને વરહના વચલા દિને, ક્યારેક તો લોહી ન નીકળે ત્યાં સુધી વલુર્યા કરે...’ (પૃ.32)

આમ કથાનું પાત્ર જ આ કથા કહે છે- પણ છે સર્વજ્ઞ પદ્ધતિ. બે ચાર જગ્યાએ આ કથક આછા લસરકે કથામાં પ્રવેશે છે, બાકી ચોક્કસ અંતર રાખીને, ખાસ કરીને પિતા કરુણાશંકર અને માતાના ચિત્રણમાં ય જે અંતર અનુભવાય છે એ ગજબનું છે. આગળ જે ‘ચરિત્રકથા’- જેવી સંજ્ઞા આપી એના મૂળમાં પણ કદાચ આ પ્રકારની પ્રયુક્તિ કારણરૂપ છે. આગળ કહ્યું તેમ ‘આરંભે આલેખન શુદ્રથી કરવું છે’- એક રીતે કહીએ તો વૃત્તિની શુદ્રતા વિશે આરંભ કરે છે- ગામડાઓમાં અનેક કારણોથી જન્મતા આડા સંબંધો- જ્યાં નાત-જાતના કોચલા મજબુત છે એવા ગામડામાં રાજપૂત (નાડોદા)(જાયમલ) અને (ચમાર ઉકાની) સ્ત્રી રામી વચ્ચેના સંબંધોથી કથા આરંભાય છે ને છેલ્લે જતા એવા પાત્રો છે જે ગામ માટે, માનવજાત માટે, મૂલ્યો માટે પોતે જીવતા સમાધી લેવા તૈયાર થતા હોય, મૂલ્યોની જાળવણી માટે સંસાર ને બધું જ ત્યાગીને ગૃહત્યાગ કરી જતા હોય, ગામ અને સાથીઓની સુરક્ષા માટે મરી પરવારતા હોય કે પછી અનાથ બાળકો માટે થઈને આજીવન સેવારત બની જતા કાનજીભાઈ-કાન્તાબેન જેવા યુગલો- તરફ વિસ્તરતી કથા માનવવૃત્તિનો વિસ્તરતો વ્યાપ અને ગ્રાફ, અહીં આકારિત થતો અનુભવાય છે. અહીં વ્યક્તિગત સંબંધો માટે બધું છોડી દેનારાં, આજીવન એમ જ વિતાવી દેનારાં, પાત્રો ઉપસી આવ્યા છે. અહીં વૃત્તિઓનું શુદ્રત્વ ક્રમશઃ વૃત્તિના બ્રાહ્મણત્વ તરફ ગતિ કરે છે. પેમામારાજ અને કલ્પનાની પ્રેમકથા, જિતેન્દ્ર(શમ્મી) અને સુમિત્રાની અદભુત એવી પ્રેમ કહાણી, કાનજીભાઈ અને કાન્તાબેનની પ્રેમ કથા- આપણને જકડી રાખનારી કથાઓ બની રહે. એ જ રીતે એનાથી વિપરિત પ્રેમનું જ પણ નકારાત્મક પરિમાણ આપણને રસીલા અને દુલાની કથા તથા જાયમલ અને રામીની કથા આલેખે છે.

આ પંથકમાં રહેનારાં અને આલેખાયેલ વર્ષોમાં જીવનારાં ભાવકો આ એક અર્થમાં આ નવલકથામાં સત્ય ઘટનાઓ, સાંપ્રત પાત્રો, સુરેન્દ્રનગરની જાણીતી સંસ્થાઓ, એ સંસ્થાને સ્થાપનારાં સમાજસેવકો, પત્રકારો, નેતાઓ, શ્રેષ્ઠીઓ સાથે સીધું જ અનુસંધાન ધરાવે એવા સંકેતો ભરપૂરપણે આ કથામાં અનુભવશે. એટલે એ અર્થમાં આ દસ્તાવેજી નવલકથા પણ બની રહે. કાનજીભાઈ-કાન્તાબેન, સુરેન્દ્રનગરના મહાજન મંડળના શ્રેષ્ઠીઓ, દોશીશેઠ, સાવ ગાંડો થઈ ગયેલો અને ક્રમશઃ ખુલતો જતો પ્રભુ, સુરેન્દ્રનગરના સિનેમાગૃહો, મોટા માસ્તર, ગમ્મભા બાપુ, અનુપભાઈ જેવા સેવાભાવી માણસોથી માંડી મજબૂત પ્રેમીઓ, ગામને હર્યુભર્યું રાખનારાં અને જીવન્ત અનુભવ કરાવનારાં કુંભાર, દરજી, દુષ્કાળમાંથી ઉગરવા ને જીવતા સમાધી લેવા તૈયાર થતા બાવાજી, રબારી બાઈનો વટ- છેલ્લે આવતો વાહણ પગી- જેવા પાત્રો અને કથામાં અત્યંત વેગ પૂરનારાં પ્રસંગોમાં રામીની ઘરવાપસી, પેમામારાજનો પ્રેમ-પ્રસંગ, અંબારામ-ગંગારામની વિશિષ્ટ કરામત, મોટા માસ્તર અને એમના મોટાભાઈને નડેલું પૂર અને બચાવ, રસિલા અને જાદવજીની કથા, ભૂતના બેએક પ્રસંગો, ભયાનક પૂરના પ્રસંગોથી માંડી જીવતે જીવ (મગનીરામ) સમાધિ લેવા તૈયાર થવું પડે એવો વિકરાળ દુષ્કાળ આ કથામાં આલેખાયેલ છે. - ભાવકને સાદ્યંત જકડી નાંખનારાં નીવડે.

જેની વાત વારંવાર કરી એ હર્ષદ ત્રિવેદીના ગદ્યના કેટલાક અંશો જોવા જ જોઈએ-
પહેલા જોઈએ સર્જક જ્યાં કૃષ્ણરૂપે હાજર છે એ લલિત ગદ્ય- પ્રત્યેક હિલ્લોળે મને સાંભળે છે મારું બાળપણ. જાણે કોઈ હાલરડાં ગાઈ રહ્યું છે નિરંતર. મારી જુવાનીને જગાડે છે એની વીળ અને ઓટમાં મેં અનેકવાર જોયું છે મારું ભવિષ્ય. મેં જોયો છે નિયતિનો ચડઊતરિયો ખેલ. આ સમુદ્રનું મને ઘેલું છે, લગન છે. કેમ કે એમાં આખી ને આખી સમાયેલી છે મારી મનોદ્વારિકા. સંભવ છે કે એ માત્ર ચર્મચક્ષુથી અવર કોઈને ન પણ દેખાય...સમુદ્રની છાતી પર ઊભા રહીને એકસાથે મેં જોયા છે મારા ત્રણેય કાળ. ડાબે હાથે ભૂતકાળ અને જમણે હાથે અગોચર એવો ભવિષ્યકાળ, અટવાય છે મારા પગમાં આ વર્તમાનનાં વારિ. હજી હું જીવું છું ગતસમયના એ વમળમાં. એટલે જ વારંવાર લોભાઉં છું અને વારતહેવારે મછવો લઈને ફર્યા કરું છું, ઉપર ઉપર તર્યા કરું છું. કદાચ, ક્યાંક કંઈ નજરે ચડી આવે, એમ તો ત્રણેય કાળની ભીતરનું ભર્યુંભાદર્યું જગત અહીં ઓટ વખતે દેખા દે છે..(પૃ.26)

તો ઝાલાવાડી લહેકાનું ગદ્ય જુઓ-
પેમામારાજ એટલે ગામની અજાયબી, લાંબા ઓડિયા રાખે. વાન સીસમ જેવો ચમકતો. આંખો એવી મોટી, તે કાયમ ડોળા કાઢતા હોય એવું જ લાગે. ખભ ઉપર લાલ ગમછો તો હોય જ. તમાકુ ભરવાને કારણે નીચેનો હોઠ સહેજ ઊપસી આવેલો. ધોતિયું અને પહેરણ, માથે કૉફી રંગની બંડી. સાયકલ તો એવી ચલાવે કે ભલભલાને પાછા પાડી દે. કપાળમાં ત્રિપુંડ અને મોટો લાલ ચાંદલો. ડોકમાં રુદ્રાક્ષની, તુલસીની, મંગળની અને સ્ફટિકની માળાઓ, દૂરથી જુઓ તો કાપાલિક જેવા જ લાગે. એમની પાસે એવી એવી વાતો કે સાંભળતાં જ રહી જઈએ. વાતવાતમાં ટણપીના, નવરીના, ઠોકીના, ઠેંહીના ને એવી બધી ગાળો બોલ્યા કરે. (પૃ.116, એ.જ.ન.)

આ નવલકથાની મર્યાદા છે એમાં રહેલ સંઘર્ષતત્ત્વનો અભાવ. આગળ કહ્યું હતું એમ, લેખક માંગલ્યના આરાધક છે, એટલે ક્યાંય નિષ્ઠુર નથી થઈ શક્યા. કથામાં એવી કેટલીયે ક્ષણ આવી જ્યાં ભાવક ચિત્ત, તાણનો અનુભવ કરે-પણ એ બરાબર ઘૂંટાય એ પહેલા લેખક મધુર અંત લાવી દે છે. પરિણામે મારા આગળના કથનને ફરી સમર્થન મળે છે કે સાદ્યંત અને સંઘટિત એવો એકમેવ આકાર આ કથા રચી આપતી નથી. એક ઘટના પતી જાય છે, ક્યાંક ક્યાંય ઉત્કણ્ઠા જરૂર રહે, બાકી બધા જ પાત્રોની સંપૂર્ણ રેખાઓ આપણી સામે કૉળી આવે ને આપણા ચિત્તમાં વાર્તારસનું શમન થતું આવે - એટલે કથાના અંતભાગે પહોંચતા સુધીમાં જે પ્રકારની તરસ જાગવી જોઈએ- સમગ્ર કથાના સંદર્ભમાં - એ જાગતી નથી. લેખકે પહેલું અને અંતિમ પ્રકરણ જે કૃષ્ણના વ્યાપકરૂપને આલેખતું અને સમજાવતું- મુક્યું છે તે મૂળ કથાને કેટલું ઉપકારક એ પણ પ્રશ્ન છે. કેમકે, એમાં જે ચિન્તનનું સ્તર છે એ લેખકની હાજરીને મુખર રીતે વ્યક્ત કરે છે. ત્યાં ભાષા જુદી છે, ત્યાં ચિન્તન સ્તર જુદું છે, ત્યાં આ કથાના અંકોડાઓ વિશેની સભાનતા અને ખુલાસાઓ કરતા લેખકની હાજરી વરતાય છે. મજાનું આખુંય કમઠાણ રચાયા પછી લેખક ઉતાવળા થયા હોવાની અનુભૂતી અંતભાગે જન્મે છે. હજી નિરાંતવા, વિસ્તરવા માટેના અનેક છેડાઓ કથામાં પડ્યા છે, ત્યાં વધી શકાયુ હોત...ખેર, એ સ્વાતંત્ર્ય સર્જકનું હોય છે. હર્ષદ ત્રિવેદીને નવલકથાઓના વિશ્વમાં આવકારું છું.

(સોનાની દ્વારિકા (નવલકથા) લે. હર્ષદ ત્રિવેદી. પ્ર.આ. સપ્ટેમ્બર 2017, પ્ર. ડિવાઈન પબ્લિકેશન્સ, 30, બીજે માળ કૃષ્ણ કોમ્પલેક્સ, જૂનું મોડેલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-1, કુલ પાનાં-22+312, કિં. 280.00)

ડૉ. નરેશ શુક્લ, એ-2, પ્રોફેસર ક્વાટર્સ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉધના-મગદલ્લા રોડ, સુરત-7. ફોન.-9428049235. મેઈલ આઈ.ડી. – shuklanrs@yahoo.co.in