Download this page in

લઘુકથા

ખૂશી

‘માસી.. માસી...’ કરી, હાથમાં ગલ્લો ખખડાવી, સતત મારી પાછળ ભમ્યા કરતી લાલીથી કંટાળી જઈ, હું રૂમમાંથી નીકળી, બહાર ફળિયામાં હિંચકા પર બેસી ગઈ. એક તરફ થાક, બીજી તરફ ગૂસ્સો ને ઉપરથી લાલીની કનડગત. મને આજે પહેલી વખત લાલી પર ચીડ ચડતી હતી.
થાય પણ શું ? ગઈ રાતના અજંપાભર્યા ઉજાગરા અને ચિંતાઓ પછી વહેલી સવારે દીદીને બીજી દીકરીનો હેમખેમ જન્મ થઇ ગયો ત્યારે મે અને જીજાજીએ નિરાંતનો શ્વાસ લીધો. બે સંતાનોના માતા-પિતા બની ગયાની ખૂશીએ દીદી – જીજાજીને પ્રફુલ્લિત કરી દીધેલા; પરંતુ ઘરે પરત થયા બાદ દીદીના ઘરનું વાતાવરણ જોઈ હું ઉદ્વીગન થઇ ગઈ. દીદીના સસરાજી બહાર ચાલ્યા ગયેલા, સાસુજીનું મો ફૂલેલું, ને નણંદ રસોડામાંથી બહાર જ ન નીકળી. ઘરમાં નાની દીકરીને આવકારવા કોઈ તૈયાર નહિ. ઉપરથી દીદીના સાસુનો બળાપો – ‘બેયને કેતી’તી, જોવરાવી લ્યો, પણ મારું માને તો ને !’
દીદી-જીજાજી આવી બાબતોનો સામનો કરવા તૈયાર હતા પણ મને કેમેય ચેન ન પડ્યું; ને ઉપરથી આ લાલી.
‘માસી, ક્યાં છો માસી ?’ કરતી લાલી ફરીથી મારી સામે આવી ઊભી રહી ગઈ.
‘માસી આ ગલ્લો ખોલી દોને !’
. મને લાલીને એક ચીટીયો ભરી જવાની ઈચ્છા થઇ ગઈ.
‘માસી, પ્લીઝ.’
એનાથી છૂટવા મેં એને ગલ્લો ખોલી દીધો એ મારી બાજુમાં બેસી ગઈ અને ગલ્લો ઠાલવ્યો મારા ખોળામાં. ‘માસી પૈસા ગણી દોને.’
‘લાલી, શું કરવા છે તારે પૈસા ગણીને ? જા જાતે જ ગણી લે.’ મેં ગુસ્સાથી કહ્યું.
‘માસી, મમ્મી મારા માટે નાની નાની બેન લઈને આવી છે ને એ બેન મને ખૂબ ગમે છે. મારે એને ગીફ્ટ આપવી છે.’
લીલીની આંખોમાં નાની બેનના આગમનની ખૂશી જોઈ મારો ગૂસ્સો ક્યાં જતો રહ્યો એની મને જાણ જ ન રહી, ને હું લાલીના પૈસા ગણવા માંડી.

નસીમ મહુવાકર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સુરેંદ્રનગર મોબાઈલ : 99 1313 5028