Download this page in

વિદ્યાપુરૂષ : ડૉ. બાબા સાહેબ આંબેડકર

સંસ્કૃતમાં એક સૂત્ર છે, ‘સા વિદ્યા યા વિમુક્તે’ જેનું ગુજરાતી ‘જે મુક્તિ અપાવે તે વિદ્યા’ થાય છે. ખરેખર આ સૂત્ર જેને ચરિત્રાર્થ કરી બતાવ્યું છે તે મારે મતે ડૉ. બાબા આંબેડકર છે. શિક્ષણ- અભ્યાસ-વિદ્યાના જોરે બાબા સાહેબે દેશના યુવાનોમાં વૈચારિક ક્રાંતિ દ્વારા સામાજિક પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. આ વિદ્યાપુરૂષ વિશે વાત કરતા પહેલા યશવંત મહેતાએ બાબા સાહેબ વિશે નોંધેલા શબ્દો આપણી સમક્ષ રજૂ કરવા છે. તેમને કહ્યું હતું કે ‘મોહનદાસ કરમચંદ ગાંધીને જેમ ‘ગાંધી બાપું’નું, વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલને જેમ ‘સરદાર’નું અને બાળ ગંગાધરને ‘લોકમાન્ય’નું લાડીલું નામ સાંપડ્યું હતું તેમ ‘બાબા સાહેબ’નું હુલામણું નામ પામેલા ભીમરાવ રામજીરાવ આંબેડકર આ અને આવા પુરૂષોની કક્ષાના જ લોકનેતા હતા. જવાહરલાલ નહેરૂ, સુભાષચંદ્ર બોઝ જેવા આપણા લાડીલા નેતાઓ જેવી જ અનેરી લોકચાહના એમણે મેળવી હતી... આ બધા લોક્નેતાઓ તો દીવાનો કે વકીલો કે ન્યાયાધીશો કે જમીનદારોના દીકરા હતા, જયારે આંબેડકર તો સમાજના નીચામાં નીચા થરે રહેલા અસ્પૃશ્ય વર્ગના એક સાધારણ લશ્કરી સૂબેદારના પુત્ર હતા. વિદેશી પ્રજા દ્વારા નહીં પણ ભારતના ગામડાના લોકો દ્વારા અનેક અપમાનો અને હીણપત ભોગવતા બાબા સાહેબે ભયંકર સંઘર્ષ કરીને અમેરિકા-ઇંગ્લેન્ડ, જર્મનીની ઉચ્ચતમ પદવીઓ મેળવી અને અનોખી લોકપ્રિયતા પામે છે.’ (પ્રસ્થાવના લેખ-‘બાબા સાહેબ આંબેડકર: એક વિરલ વિભૂતિ’, પુસ્તક- આંબેડકર શતાબ્દી ગૂર્જર ગ્રંથશ્રેણી; રમેશચંદ પરમાર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ પુનર્મુદ્રણ-જૂન-૨૦૦૧, પૃ.૦૬) યશવંત મહેતાના આ શબ્દો ખરેખર સાચા છે.

ભારતના કાયદાશાત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાત્રી તરીકે ‘બાબા સાહેબ’ જાણીતા છે. પરંતુ ભારતની પ્રજા બાબા સાહેબને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે વિશેષ જાણે છે. ભારતના આ મહામાનવ ડૉ. બાબા સાહેબનું પૂરું નામ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર હતું. તેમનો જન્મ ૧૪મી એપ્રિલ ઇ.સ.૧૮૯૧માં મધ્યપ્રદેશના ‘મહુ’ મુકામે સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. ‘રામજી સકપાલ અને ભીમાબાઈ(માતા)નું તે ચૌદમું સંતાન- છેલ્લું સંતાન હતા. પિતા રામજી સકપાલ મિલિટરીમાં સુબેદારના હોદ્દા પર હતા. માતા-પિતાના સંસ્કારો તેમનામાં નાનપણથી જ ઉતર્યા હતા. ભીમરાવ ૬(છ) વર્ષના હતા ત્યારે માતા-ભીમાબાઈનું અવસાન થયું અને જીવનમાં સંઘર્ષની શરૂઆત થાય છે.

ભીમરાવનું પ્રાથમિક શિક્ષણ દરમ્યાન પિતાની અટક સકપાલ હતી છતાં પોતે મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના અંબાવાડે ગામના વતની હોવાથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષકની અટક ‘આંબેડકર’ હતી, તેથી તેમણે નિશાળના રજીસ્ટરમાં ભીમરાવની અટક ‘આંબાવડેકર’ની જગ્યાએ ‘આંબેડકર’ કરી દીધી. નાનપણથી જ ગરીબી અને અસ્પૃશ્યતાને લીધે તેમને ઘણું સહન કરવું પડ્યું. આર્થિક ભીસને કારણે પિતાને મુંબઈ જવું પડયું. તેમની સાથે ભીમરાવને આવવું પડ્યું. મુંબઈમાં હાઇસ્કૂલનું શિક્ષણ મેળવ્યું. ઇ.સ. ૧૯૦૭માં તેમને મેટ્રીકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ તેમના લગ્ન ‘રામી-રમાબાઈ’ સાથે થયા.

ભીમરાવના કૉલેજના શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી અને બાબા સાહેબે મુંબઈની પ્રખ્યાત કૉલેજ (એલ્ફીન્સ્ટન)માં મુખ્ય વિષય-અંગ્રેજી સાથે બી.એ.ની પરીક્ષા પાસ કરી. પોતાની આર્થિક સ્થિતિ એવી હતી નહીં કે પોતે આગળ અભ્યાસ કરી શકે તેવા સંઘર્ષના સમયે જ પિતા ‘રામજી સકપાલ’નું અવસાન થાય છે. આ ઘટનાનો તેમના પર જબરજસ્ત પ્રભાવ પડે છે. આવા સમયે યુવાન ભીમરાવ વડોદરા જાય છે ને ત્યાં લશ્કરી અધિકારી તરીકે જોડાય છે. શિક્ષણપ્રેમી મહારાજા સયાજીરાવ ગાયકવાડ અછૂત તેજસ્વી વિદ્યાર્થીઓને ખર્ચ આપી. ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા. અને તેમાં ભીમરાવની પસંદગી થાય છે. અને તે અમેરિકા જાય છે. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં એમ.એ.નો મહાનિબંધ લખી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી ત્યારબાદ ઇ.સ.૧૯૧૬માં પીએચ.ડી.ની પદવી માટે ‘બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ’ વિષય પર મહાનિબંધ લખી કોલમ્બિયા યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ની પદવી મેળવી અને આમ બાબા સાહેબ – ‘ડૉ. બાબા સાહેબ આંબેડકર’ બન્યા.

વિદ્યા-જ્ઞાનની ભૂખ સતત વધતી હોવાથી અને નવું શીખવાની નેમ રાખતા ડૉ. બાબા સાહેબ અમેરિકા થી ઈંગ્લેંડ ગયા ત્યારબાદ કાયદાના અભ્યાસ માટે લંડનમાં ગયા. આર્થિક ભીસને કારણે તેમને અધૂરો અભ્યાસ છોડીને ભારત આવું પડ્યું. વડોદરામાં તેમને રાજ્યના ‘મીલીટરી સેક્રેટરી’ તરીકેની નોકરી મળી. આ સમય દરમ્યાન તેમને પોતે અછૂત-નિમ્ન જાતિમાંથી આવતા હોવાથી ઘણા અપમાનો સહન કરવા પડ્યા. તેમ છતાં તેમને હાર માની નહીં.

મુંબઈમાં સિડનહામ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડ્યા. થોડાક પૈસા ભેગા કરી અને મિત્રોની મદદ લઈને કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલું રાખ્યો. ઇ.સ. ૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા. આ સમયે ‘રૂપિયાનો પ્રશ્ન’ વિષય પર નિબંધ લખી, લંડન યુનિવર્સિટી દ્વારા ‘ડૉક્ટર ઓફ સાયન્સ’ની ડીગ્રી પ્રાપ્ત કરી.

ઇ.સ. ૧૯૨૮ની આસપાસ તેઓ મુંબઈની લો કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. કાયદાના અભ્યાસું હોવાથી વિદ્યાર્થીઓમાં ઘણા જ પ્રિય થયા. આ સમયે ‘સાયમન કમિશન’માં તેમની નિમણુક થઈ. ધીરે ધીરે તે જાણીતા થતાં ગયા.

વિદ્યાઅભ્યાસ દરમ્યાન ડૉ. બાબા સાહેબને જે અવમાનો-અપમાનો સહન કરવા પડ્યા. તેમ છતાં તે નાસીપાસ થયા વગર મક્કમતાથી સામનો કર્યો. વિદ્યા-જ્ઞાનની ભૂખે તેમને વિવિધ એવી યુનિવર્સિટીઓમાં વિવિધ એવી પદવીઓ પ્રાપ્ત કરી. આ જ્ઞાન દ્વારા તેમને ભારતની પ્રજાને એક સૂત્ર આપ્યું –‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો.’ વકીલાત વ્યવસાય દ્વારા ગરીબ અને સામાન્ય પ્રજાની મદદ કરી. સરકારી નોકરી તેમને બંધનરૂપ લાગી માટે બીજી વખત કૉલેજના આચાર્યપદ અને અધિકારી તરીકેની સરકારી નોકરી મળતી હોવા છતાં સમાજના ઉત્થાન માટે સરકારી નોકરી ન લીધી. વકીલનો વ્યવસાય જ એક એવો હતો કે જે પ્રજા સાથે જોડાવાય. વકીલાત દરમ્યાન બે-ત્રણ મહત્વના કેસો દ્વારા આ સામાન્ય લાગતો વકીલ ભારતના પ્રથમ હરોળના કાયદાના જ્ઞાની તરીકે ઓળખાવા લાગ્યો. પોતે ગરીબ અને અછૂત લોકોની મદદ વધુ કરી માટે રાજનેતાઓએ ડૉ. બાબા સાહેબને ‘દલિતોના મસિહા’ તરીકે નવાજ્યા. પરંતુ બાબા સાહેબે વકીલાત દરમ્યાન નિમ્ન અને ગરીબ વર્ગના માણસોને મદદરૂપ થયા તે લોકોમાં મોટાભાગના અછૂત-દલિતવર્ગના વધુ હતા. અને પોતે નિમ્ન જ્ઞાતિમાંથી આવતા હોવાથી કેટલાક લોકોએ તેમને દલિતોના મસિહારૂપે જોયા. પરંતુ તે કેવળ દલિતોના મસિહા નહોતા તે ‘માનવતાના મસિહા’ હતા. દુઃખી માણસને, જરૂરિયાતમંદને તે પહેલા મદદ કરતા હતા. આમ, સામાન્ય લાગતો માનવ ‘મહામાનવ’ બની ગયો. ગાંધીજી સાથે પણ વૈચારિક મતભેદો ગોળમેજી પરિષદ દ્વારા બહાર આવ્યા હતા.

ઇ.સ. ૧૯૩૬માં ડૉ. બાબા સાહેબ લેબર પાર્ટી ’સ્વતંત્ર મજૂર પક્ષ’ની સ્થાપના કરે છે. ઇ.સ.૧૯૩૭માં તે ધારાસભામાં ચૂટાય છે. આ સમયમાં નહેરુ સાથે તેમની મુલાકાત થાય છે. ઇ.સ.૧૯૪૦માં ‘પાકિસ્તાન ઉપર વિચારો’ નામનું પુસ્તક પ્રકાશિત થાય છે. ત્યારબાદ ભારતના વાઇસરોય કેબીનેટમાં ‘લેબર મેમ્બર’ તરીકે ચાર્જ સંભાળે છે. આમ, સરકારના વિવિધ એવા હોદ્દાઓ પર તે મહત્વની ભૂમિકા ભજવે છે.

ભારતના વિવિધ એવા ધર્મોનો અભ્યાસ કરીને તેઓ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે. ‘હું હિંદુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહીને મરીશ નહીં.’ ઇ.સ.૧૯૫૬ના રોજ તે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે.

ડૉ. બાબા સાહેબનું યોગદાન ભારતના ઇતિહાસમાં અનેક રીતે છે. પરંતુ સૌથી મહત્વનું ‘બંધારણના ઘડવૈયા’ તરીકેનું છે. ભારતની વચગાળાની સરકારના તે પ્રથમ ‘કાયદા પ્રધાન’ બને છે. ભારતની બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે તેમની પસંદગી થાય છે. એક અછૂત કહેવાતી વ્યક્તિની ભારતના બંધારણીય સમિતિમાં સ્થાન મળે તે ઘટના એ સમયે ખૂબ મોટી કહેવાય. નાતંદુરસ્ત તબિયત હોવા છતાં તે ઈ.સ.૧૯૪૮ના રોજ ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરીને પ્રમુખ-ડૉ. રાજેન્દ્ર પ્રસાદને આપે છે. ઇ.સ.૧૯૪૮માં તેમના બીજા લગ્ન ડૉ. શારદા કબીર સાથે થાય છે. ડૉ. બાબા સાહેબ દ્વારા તૈયાર કરેલ કાચા મુસદ્દાને દેશની પ્રજા સમક્ષ છ માસ સુધી મૂકવામાં આવે છે. અને ઇ.સ.૧૯૪૮- ૪, નવેમ્બરના રોજ બંધારણને બહાલી માટે રજૂ કરાય છે. ડૉ. આંબેડકર દ્વારા રચિત આ બંધારણ વિશ્વનું મહત્વનું બંધારણ સાબિત થયું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમના ખૂબ વખાણ કર્યા. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો. આમ ડૉ. બાબા સાહેબ એ ભારતના બંધારણના ઘડવૈયા બન્યા. વિદ્યા-શિક્ષણના જોરે પોતે જે કાંઈ કાર્ય કર્યું. તે માનવહિત-સમાજહિત માટે કર્યું. જીવનભર એમણે જ્ઞાનની આરાધના કરી હતી. તેઓએ આટલી પદવીઓ પ્રાપ્ત કરી હોવા છતાં તે નિખાલસ ભાવે કહેતા કે ‘હું તો એક વિદ્યાર્થી છું. મારે તો હજુ ઘણું પ્રાપ્ત કરવાનું છે. મારા પૂર્વેના વિદ્વાનોએ જે યોગદાન આપ્યું છે એવું કશું જ હું કરી શક્યો નથી એનો મને વસવસો છે. મને સમયનો અભાવ હંમેશાં ખટક્યો છે. મારે મારી સમાજિક અને રાજનૈતિક જવાબદારીઓ પરિપૂર્ણ કરવાની હોવાથી હું જ્ઞાનના સાગરમાંથી ઘણું ઓછું પ્રાપ્ત કરી શક્યો છું’. (એજન, પૃ.૪) આવું કહીને નમ્રતાથી જ્ઞાનની સાધના ચાલું રાખી હતી.

ઇ.સ.૧૯૫૨માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડ્યા અને હાર્યા. ઇ.સ.૧૯૫૨માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈને સભ્ય બન્યા. આ સમયમાં કોલમ્બિયા યુનિ.એ એમને ‘ડોક્ટર એટ લો’ની પદવી આપી. તો ભારતની ઓસ્માનિયા યુનિ.એ ડોક્ટર ઓફ લીટરેચર’ની પદવી આપી. ખરાબ તબિયતને કારણે તે લાંબુ જીવી શક્યા નહીં. ૬-ડિસે. ઇ.સ. ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્હી ખાતે અવસાન થયું.

સંઘર્ષ કરીને, વિદ્યાભ્યાસ કરી, જ્ઞાન પ્રાપ્ત કરી, સામાન્ય જન સમુદાયની આજીવન સેવા કરતા રહેલા ડૉ. આંબેડકરની સેવાને બિરદાવતા ભારત સરકારે તેમના મૃત્યુ પછી ‘ભારત રત્ન’ જેવો ઉચ્ચ પુરસ્કારથી બહુમાન કર્યું છે. ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ જેવી ઉક્તિ ડૉ. બાબા સાહેબ માટે સાર્થક રીતે લાગુ પાડી શકાય. એક સામાન્ય-અછૂત પરિવારમાંથી આવતા હોવા છતાં મનુષ્ય માટે આજીવન કામ કરતા રહ્યા અને દેશને સર્વોચ એવું મહામૂલ ‘ભારતીય બંધારણ’ આપ્યું. સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવવાનું કામ તેમને શિક્ષણ થકી કર્યું. સમાજ દ્વારા તેમને અઢળક અપમાનો મળ્યા. પરંતુ પોતાના જુસ્સાને અને માનવહિત કાર્યોને અટકાવ્યું નહીં. સતત સંઘર્ષ કરતા રહ્યા અને સફળતા તેમને મળી. અમૃત ઘાયલના શબ્દોમાં કહેવું હોય તો-
‘બીડું ઝડપ્યું છે તો મુઠ્ઠીમાં દબાવી રાખો,
સામનો કરવા છાતી ફુલાવીને રાખો,
આપશે માર્ગ સ્વયં વિઘ્ન ખસીને ‘ઘાયલ’,
છે શરત એટલી કે જુસ્સોને ટકાવી રાખો’

અમૃત ઘાયલના આ શબ્દો ડૉ. બાબા સાહેબને બરાબર લાગુ પાડી શકાય. તેમના જીવનમાં તેમને જે વિદ્યા અભ્યાસ માટે બીડું ઝડપ્યું હતું તે પૂરું કરે છે. સમાજ તરફથી ઘણા વિઘ્નો મળ્યા પણ તે ખસ્યા નહીં. અને જુસ્સાથી લડતા રહ્યા. સમાજમાં રહેલી બદ્દીઓ સામે રક્ષણ મેળવ્યું. આવા મહામાનવ, વિદ્યાપુરુષ, માનવતાના મસિહાને શત શત નમન. અંતે આ મહેનતકશ માનવ માટે કહોકે પ્રેરણાદાયી વ્યક્તિ માટે પંડિતજીએ કહેલા શબ્દોને યાદ કરીને મારી વાત પૂરી કરું. પંડિતજીએ કહ્યું હતું કે ‘ભવિષ્યની પેઢીઓ કદાચ માનશે પણ નહીં કે આવો એક માણસ પૃથ્વી પર વિચરતો હતો. બાબાસાહેબ વિશેના આ પુસ્તકો વાંચીએ ત્યારે એવી જ પ્રતીતિ થાય છે કે આપણા આઝાદી આંદોલન દરમિયાન આવી મહાનવિભૂતિ આ દેશમાં જીવતી હતી. એક જ માણસ આવો પરિશ્રમી, આટલો વિદ્વાન, આવો વીર, આટલો લોકવત્સલ અને કરુણાશીલ, આટલો સફળ વક્તા અને આટલો ઉમદા માનવ એ ચમત્કાર લાગે એવી ઘટના છે.’(એજન, પૃ .૭) ખરેખર તેમના શબ્દો સાચા લાગે છે. આવી વિરલ વિભૂતિને ફરી નમન...

સંદર્ભ:

  1. આંબેડકર શતાબ્દી ગૂર્જર ગ્રંથશ્રેણી; રમેશચંદ પરમાર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ પુનર્મુદ્રણ-જૂન-૨૦૦૧
  2. આર્ષદ્રષ્ટા: ડૉ. બાબા સાહેબ આંબેડકર, પી.જી. જ્યોતિકર, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, તૃતીય સંશોધિતઆવૃત્તિ-૨૦૧૧
  3. વિશ્વભૂષણ ડૉ. બાબા સાહેબ આંબેડકર(માનસ અને તત્વવિચાર), મૂળલેખક-પદ્મભૂષણ ડૉ. ધનંજય કીર, અનુવાદક-મૂળજીભાઈ વી. ખુમાણ, અમી પબ્લિકેશન, અમદાવાદ, પુનર્મુદ્રણ-જૂન-૨૦૦૯
  4. આંબેડકરવાદી સાહિત્ય, ડૉ. રતિલાલરોહિત, મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ. પ્ર.આ.૨૦૧૫
  5. ભારતના મહાપુરુષ ડૉ. ભીમરાવ આંબેડકર, રેનુ સરન, ડાયમંડ બુક્સ, પ્રા.લિ., દિલ્હી, પ્ર.આ.૨૦૧૬
  6. बाबा साहब आंबेडकर- वसंत मून अनु. प्रशांत पांडे, राष्ट्रीय पुस्तक न्यास, भारत, आठवी आवृति-२०१७

ડૉ. નીતિન રાઠોડ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કૉલેજ, સિલવાસા- 396230, યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી. મો. 9879779580 Email: ngr12687@gmail.com