Download this page in

લઘુ વાર્તા

ઉત્સવ

"એઇ રઈ લાખુડી.... કીયુંના આંઈ ઉભા'તા વાટ જોઈ..."
સામેથી નિસ્તેજ ચહેરે અને બેજાન ચાલે, લાખુ ખેતરની પગદંડીએ રાહ જોતી એના જેવડી સ્ત્રીઓના ટોળા સુધી પહોંચી ને ફરિયાદોનો મારો ચાલુ થઇ ગયો.
"દર વરસે તો કેવી હરખઘેલી થઇ પુંગી જાસ.! આજ કાં વાટ જોવરાવી?"
“હંધાય કે'છ કે તારી ઉપર તો નાગદેવતાની મે'ર છે!"
"કાં કાંઈ બોલતી નથ?"
"ઈ તો ધણી હાંભર્યો હસે…!" હાસ્ય અને વિષાદના ભેગા પડઘા પડ્યા. પણ લાખુનાં મોઢાં પરનાં અસમંજસના ભાવો ન બદલાયા.
"અરે ઇંનાં ધણીને હરપ કયડો ઈ ને તો દસ મયના ઉપર થ્યું..." પાછળથી કોઈએ સુર પુરાવ્યો. "અલી તું જોજે ને, આ ત્રણ દી' નાગ દેવતાને પરસન્ન કરસું એટલે ઓણ ચોમાસું હારું થાસે." કોઈ એ વળી આશ્વાસનનાં શબ્દો ઉમેર્યા.
ઢોલ નગારાના અવાજમાં સ્રીઓના ટોળાનો કલબલાટ દબાઈ જતો હતો પણ તેમનો ઉત્સાહ કોઈ વાતે દબાઈ એમ ન હતો. જેઠ મહિના નો વાદળ છાંયો તડકો ને ગુલાલની ઊડતી છોળો માહોલને વધુ રંગીન બનાવતી હતી. પણ એથીયે વધુ તો આ મલકનાં માણસોનો નાગપૂજાનાં ઉત્સવ માટેનો ઉમંગ જાણે હવામાં પ્રસરી ગયો હતો.
ખેતરની વચ્ચે નાનકડી મઢી જેવડું મંદિર જેમ નજીક આવતું ગયું તેમ ટોળા વચ્ચે ચાલતી લાખુની આંખે ઝાંખપ વધતી ગઈ. ઉત્સવની કિલકારીઓને બદલે રો-કકળનાં અવાજ સંભળાયા. આંખો સામે મંદિરને બદલે લીલું પડી ગયેલું શરીર, મોઢામાંથી નીકળતા ફીણ અને નિસ્તેજ આંખો લાખુ ને તાકી રહી.
મંદિરનાં પગથિયાંને પગ અથડાયો ને લાખુને નાગ દેવતાની મૂર્તિના દર્શન થયા. આંખો એ દિશામાં ખોડાય રહી ને પગ જમીન સાથે જડાય ગયા. બાજુથી કોઈએ એને દોરી, "લે હાલ્ય પસી વારો નંઇ આવે." પણ લાખુના હાથમાંથી અબીલ ગલાલનું વાસણ પડી ગયું. સૌ કોઈની આંખો એના તરફ મંડાઈ રહી. ઢોલ નગારાનાં અવાજ થંભી ગયા. અને લાખુનો ધીમો પણ સ્થિર અવાજ મંદિરમાં ગુંજી રહ્યો.
“જમ…”
“સું?...”
“જમની તે કાંઈ પૂજા થાતી હસે?”
"આ સું કે'છ લાખુડી?"
"તમાર હાટુ કયડો ઈ હરપ ને આ બેઠો ઈ દેવતા, પણ મારે તો બેઈ હરખા."
"લાખુડી તારું દખ હમજ્યાં પણ તું ઇંને રીજવીસ તો વરસાદ હારો થાસે, ને તારો દાડોયે ફરસે."
“કાંઈ નો હમજ્યાં, ખેડવા વાળો માણાહ લઇ લીધો પસી ચોમાસું હારું આવે તોય સું? હું ગમે એટલા ઓચ્છવ કરું પણ ઈ મારો કટકો ખેડવા નઈ આવે. ને આ તૈણ દી હું ઓચ્છવ કરતી રઈસ તો વરસું વરસું થાતો વરસાદ આવી જાહે પણ વાયવા વગર મારા ખેતરમાં ઉગસે સું?" હોય એટલી શક્તિથી લાખુ પોકારી ઉઠી. અને એણે દિશા ફેરવી પગ ઉપાડ્યા. "ઈ ની મે'ર તમે મેળવો હવ, હું તો મેળવી રઈ." સડસડાટ પગથિયાં કુદાવી, ખુલ્લા ખેતર તરફ એણે દોટ મૂકી. મંદિરનાં ઊંચા ઓટલા પરથી બધા ફાટી આંખે આઘે આઘે ખેતરમાં કામ કરતી લાખુ ને તાકી રહ્યા… લાખુનો ઉત્સવ ઉજવાય રહ્યો…

પૂજાબા જાડેજા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડી કે વી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર