Download this page in

લાભશંકર ઠાકર કૃત – અનાપ-સનાપ

પ્રાસ્તાવિક -

લાભશંકર ઠાકર ગુજરાતી કથા સાહિત્યનું એક ઝળહળતું નામ છે. લાભશંકરે સાહિત્યનાં વિવિધ સ્વરૂપો સાથે નિસબતથી કામ પાર પાડ્યું છે. તેઓ કવિતા-એકાંકી-દીર્ધનાટક-નિબંધ તેમજ નવલકથા ક્ષેત્રે વખતોવખત યશસ્વી પ્રદાન કરતા રહ્યા છે. સર્જક લાભશંકરે ‘અકસ્માત’, ‘કોણ?’, ‘પીવરી’, ‘અકસ્માત’, ‘ધરા’, ‘લીલાસાગર’ જેવી સર્જકતાથી સભર અનેક નવલકથાઓ આપી છે. શ્રી બાબુ દાવલપુરા નોંધે છે કે : “શ્રી લાભશંકર ઠાકરની ‘હાસ્યાસન’ અને ‘ચંપક ચાલીસા’ પછીની હાસ્યકથા ‘અનાપ-સનાપ’ (પાર્શ્વ પ્રકાશન-અમદાવાદ-૧, પ્ર.આ.૧૯૯૫) આપણા કથાસાહિત્યમાં નોખી તરી આવે એવી ચિંતનગર્ભ અરૂઢ કોટિની કૃતિ છે.”[૧] ‘અનાપ-સનાપ’ પણ એવી જ સર્જકતાસભર નવલ છે.

વિષયવસ્તુ -

‘અનાપ-સનાપ’ નવલકથા વીસ લાંબાં પ્રકરણોમાં લખાયેલી છે. ૩૦૦ જેટલાં પૃષ્ઠોમાં વિસ્તરેલી આ નવલકથાના નાયક બલભદ્રસિંહ બાપુ છે, તેમના દાદા નરપતસિંહજી એક જમાનામાં રાજા હતા. બલભદ્રસિંહના પિતાશ્રી ગાંઘીજીના ટ્ર્સ્ટીશિપના સિદ્ધાંતમાં શ્રઘ્ઘા ઘરાવતા હતા તેથી તેમણે ઘણું ખરું પ્રજાને આપી દીઘું. અને પોતે પ્રજાની મિલકતના ટ્રસ્ટી તરીકે જ રહ્યા. બલભદ્રસિંહની અટક ભાલાળા છે જેનો પણ એક ઇતિહાસ છે. તેમના દાદા એક જ ભાલે ચિત્તાને મારીને એક અંગ્રેજનો જીવ બચાવ્યો હતો ત્યારથી તેમની અટક પણ ભાલાળા થઈ ગઈ. બલભદ્રસિંહના પત્નીનું નામ રાજલક્ષ્મી છે. તથા પુત્ર બલરાજ બહાર રહીને ભણે છે. કથારંભે બલભદ્રસિંહ નવા-નાના સરખા ફલેટમાં રહેવા આવે છે. સવારે વૉક માટે નીક્ળે છે ત્યારે શ્રોફ અને આચાર્ય નામક બે પડોશી સાથે પરિચય થાય છે. આચાર્ય અને શ્રોફ સપરિવાર સાથે હળીમળી જાય છે. બાપુ પાસે યુગો જૂનું સિંહાસન છે. જે તેમણે એક રાજપરંપરાને લઈને સાચવી સંભાળી રાખ્યું છે. બાપુ અને બેઉ મિત્રોનો પરિવાર આબુ ફરવા જાય છે, ત્યાં બાપુનો પુત્ર બલરાજ પણ મળે છે અને સૌને આબુમાં ફેરવે છે. જો કે, આબુથી પાછા ફર્યા બાદ બાપુ ફલેટ પર આવીને જુએ છે તો ફલેટમાં ચોર ઘૂસ્યો હોય એવું લાગે છે. બાપુ ખૂબ જ કુશળતાથી ચોરને પકડી લે છે. ચોરે બે ડાયમન્ડની ચોરી કરી હોય છે. ડાયમન્ડ્સ બાપુના જમાનાના જૂના સિંહાસનને લગાવેલા હતા ! આ અગાઉ કોઈ એક વ્યક્તિ આવીને આ ડાયમન્ડ્સ વેચાતા મેળવવા બાપુને વિનંતી કરી ચૂકી હોય છે. ઝપાઝપીમાં ચોર એક ડાયમન્ડ ગળી જાય છે. તે શૌચક્રિયા મારફતે બહાર કઢાવવા માટે રચાતી યુક્તિ – પ્રયુક્તિઓ કથાને ભરપૂર હાસ્યરસ પૂરો પાડે છે. વળી, ચોરનું નામ ‘સંત’ હોય એ પણ રમૂજ પ્રેરક છે. ચોર વાતવાતમાં અવનવી કાવ્ય પંક્તિઓ બોલે છે, તે સાંભળી બાપુ- રાજલક્ષ્મી અને આચાર્ય-શ્રોફ સૌ ખુશ થાય છે. અહીં ચોરોના ગુરૂ કે પ્રેરક તરીકે લાઠાબાપુ એક વિશેષ પાત્ર તરીકે પ્રગટ થયા છે. એવી જ રીતે લાઠાની જ ઝેરોક્સ કોપી જેવા મેમૂદ ભગત પણ અહીં વિલક્ષણ પાત્ર તરીકે ઊપસ્યા છે. બલરાજનો મિત્ર અતુલ છે જેના પિતા સંપતરાય જૂની – એન્ટિક ચીજવસ્તુઓના આંતરરાષ્ટ્રીય વેપારી છે. તેઓ કરોડો રૂપિયા આપીને બાપુના ડાયમન્ડસ ખરીદવા તૈયાર થાય છે. પરંતુ બાપુ ભલે અત્યારે સામાન્ય આર્થિક સ્થિતિના હોય, પોતાની ટેક પાળવા મક્કમ રહે છે બીજી બાજુ બલરાજને વઘુ ભણવા માટે વિદેશ જવું હોય છે તે માટે લાખો રૂપિયાની જરૂર છે. જે બાપુનાગજા બહારની વાત છે. આમ, એક બાજુ પ્રતિજ્ઞા બીજી બાજુ આર્થિક ભીંસ જેવી સંઘર્ષમય સ્થિતિમાં બાપુ ડોલાયમાન થતા નથી તે તેમના વ્યક્તિત્વના ગાંભીર્યનું પરિચાયક છે.

લા.ઠા.બાપુ દ્વારા ગામડાંમાં એક વિશેષ કામ થઈ રહ્યું હોય છે. જેમાં સમાજની ઋણ વ્યવસ્થાં-ઘર્મ-નીતિ પરંપરાઓ સામે જરા જુદી રીતે ઝઝુમવાની પ્રવૃત્તિ મુખ્ય છે લા.ઠા. બાપુ એકવાર જેલમાં પણ જાય છે. જો કે, જેલમાં પણ તેઓ ઘરે રહેતા તેવા દમામથી રહે છે. સંપતરાય આદિના પ્રયાસોથી તેઓ છૂટે છે પણા સાથે સાથે જજ સામે એવી દલીલો કરે છે કે, જજને વાઈનો હુમલો આવે છે સાથે સાથે તે જજની નોકરી છોડીને લા.ઠા.બાપુનો પ્રશંસક બની રહે છે. બહુ સમજાવટને અંતે બાપુ ટ્રસ્ટી તરીકે સિંહાસન વેચીને તેના પૈસા લોકહિત માટે ખર્ચવા સમ્મત થાય છે. એ પૈસામાંથી લોન ભરપાઈ કરે તેવું આયોજન કરવામાં આવે છે. લેખકે અહીં બાપુની જૂની પરંપરાઓને પણા લીલયા વણી લીઘી છે. બલરાજને સિંહાસન પર બેસાડવાનો વિઘિ રમૂજ પ્રેરવાની સાથે કરુણા પણ જન્માવે છે. બલભદ્રસિંહ બાપુને લા.ઠા.બાપુ માટે માન છે પરંતુ તેમના ગુરુ તો બાબા ખુશખુશાલ છે. બાપુ ગુરુની જેમ જ સાઘુ થઈ જવા વિશે ભીતરથી કૃતસંકલ્પ છે. બાબા ખુશખુશાલ કરપાત્રો છે. પોતે પણ એમની જેમ જ કરપાત્રી બનીને હાથમાં જ ભોજનરૂપી ભિક્ષા મેળવીને સાઘના કરશે એવું રાજલક્ષ્મી કહે છે. બલરાજના વિદેશ ગમન પછી રાજલક્ષ્મી બાપુને સંસાર ત્યાગવા સંમતિ આપે છે. બાબા ખુશખુશાલ બલભદ્રસિંહ બાપુને કેશલોચન કરાવીને વિધિવત્‍ રીતે પોતાના શિષ્ય બનાવે છે. રાજલક્ષ્મીએ બાબા પાસે એટલું તો માંગી જ લીઘું હતું કે, સાઘુ બનેલા બાપુને ભોજનની ભિક્ષા તો પોતે જ આપશે બાપુ હવે હસ્તામલક તરીકે ઓળખાય છે. તેમનો આઘ્યાત્મિક વિકાસ જોઈને બાબા પણ પ્રસન્ન છે.

બલરાજ ભણીને ત્યાં જ – વિદેશમાં જ નોકરી મળે છે અને ત્યાંની જ યુવતી ડોરિસને પરણ્યો છે. ડોરિસ તેને બહુ જ ચાહે છે. કારણ કે, હતાશ ડોરિસે આત્મહત્યા કરવા નદીમાં પડતું મૂકેલું ત્યારે બલરાજે તેને બચાવીને હતાશામાંથી પણ બહાર આણી હતી. ડોરિસે પહેલાં એકલી ઈન્ડિયા આવે છે. રાજલક્ષ્મીને મળે છે. પોતાના સસરા એને જોવા છે. જો કે, હવે તેઓ યોગી સ્વરૂપે છે. તે લા.ઠા. બાપુ સાથે પણ વાર્તાલાપ કરે છે. તે લા.ઠા.બાપુની વિચારસરણી સામે પોતાના તર્કો સરસ રીતે મૂકે છે. દરમ્યાન ખુશખુશાલ બાપા સ્વેચ્છાએ સમાઘિ લે છે. હસ્તામલકની સાઘના ખૂબ જ આગળ વઘી છે. તે હવે ઓળખ પણ ગુમાવી ચૂક્યા છે. તેઓ રાજલક્ષ્મીને પત્ની તરીકે ઓળખતા નથી. દરમિયાનમાં બલરાજ આવે છે. તે પ્રથમ પિતાજીને મળવા માંગે છે. એરપોર્ટથી સૌ હસ્તામલકની કુટીરે જાય છે. હસ્તામલક યોગમુદ્રામાં બેઠાછે. તેમના શરીર પર ઉંદરડા ફરે છે. તેમનાં આંગળાંને ઉંદરડા ખાઈ ગયા છે. પરંતુ યોગીજીને કશી જ જાણ નથી. રાજલક્ષ્મી રડવા લાગી છે. યોગીને ઢંઢોળવામાં આવે છે. પ્રતિભાવ આપતા નથી. લા.ઠા.બાપુ ત્યાં જ છે. તપાસે છે, મૃત જાહેર કરે છે.

લા.ઠા. બાપુને એ જ જૂનો રોગ-વિસ્મરણોનો ફરી ઉછાળો મારે છે. તેઓ ખભે થેલો ભરાવીને નીકળી જાય છે. કોઈક બસમાં બેસીને ! મેમૂદ ભગત કે, જેઓ એકો હાંકતા અને મગફળી ખાઈને જ ચલાવતા, તેમના એકા પરા વૃક્ષ પડતાં દટાઈ મરે છે. એ પછી લા.ઠા. બાપુ જ તેમનો એકો હાંકતા ! જો કે, પછીથી તો એકામાં ટેપ, ગોઠવીને જ લા.ઠા.નાં ગાયેલાં ભજન વાગતાં તેને આઘારે બળદ એક સાથે સ્ટેશને જતાં !

નવલકથા લા.ઠા.ના વિસ્મરણ સાથે જ પૂરી થાય છે. શ્રી બાબુ દાવલપુરા નોંઘે છે કે, “લા.ઠા.નું ‘અનાપ-સનાપ’માં અંકિત થયેલું ‘ગંભીર’ ઠઠ્ઠાચિત્ર જોયા પછી એટલી પ્રતીતિ તો અવશ્ય થાય છે કે આવી ‘અદક’ ખેલદિલી અને હળવી-નળવી રમૂજવૃત્તિ આ કથાસર્જકમાં અનાપ-સનાપ અર્થાત્‍ અમર્યાદા લેખાય તેટલી માત્રામાં છે.”[૨]

પાત્રચિત્રણ -

કથા કળાકૃતિ ક્યારે બને ? જ્યારે તેમાંનાં પાત્રો ચરિત્રની કક્ષાએ ઊંચકાયાં હોય તો ! એવું ન થઈ શકે તો કથા માત્ર કથા બની રહે. પાત્રો લેખક-સર્જકના હાથની કઠપૂતળી બની રહે. એટલે કે, નવલકથાને લેખક આગળ વઘારે એ કરતાં પાત્રોની ગતિ વિઘિ થકી નવલકથા આગળ વઘે તો જ એ કળાકૃતિ સિદ્ધ થાય. ‘અનાપ-સનાપ’ નવલકથાનાં મુખ્ય અને ગૌણ પાત્રો વિશે જોઈએ.

બલભદ્રસિંહ બાપુ

નવલકથાનું મુખ્ય પાત્ર છે. તે રાજવંશી પરિવારનું ફરજંદ છે. તેમના દાદા નરપતસિંહ રાજા હતા અને ભાલા દ્રારા તેમણે ચિત્તાનો શિકાર કરેલો ત્યારથી ભાલાળા તરીકે ઓળખાતા. બલભદ્રસિંહના પિતાજી ગાંધીવાદી હતા. તેમણે બાપુનો ટ્રસ્ટીશિપનો સિદ્રાંત આત્મસાત કરેલો. બલભદ્રસિંહ આવો ઉત્તમ વારસો ધરાવતા હતા. તેઓ બેંકમાં સર્વિસ કરે છે તેમની પત્ની રાજલક્ષ્મી અને પુત્ર બલરાજ છે. ઘણી બધી બાબતોમાં પોતાના રાજવંશનો સંદભૅ આપતા બલભદ્રસિંહ નખશિખ સજ્જન છે. વિનમ્ર છે પરંતુ નમાલા નથી. સમય આવ્યે ઉધ્ધત યુવાનોને પાઠ ભણાવી શકે છે તેમ ઘરમાં પ્રવેશેલા ચોરને પકડી લઈને બાંધી પણ શકે છે ! તેમની પાસે દાદાજી વખતનું એક સિંહાસન સચવાયું હોય છે. તેમાંના બે હીરા કરોડોની કિંમતના હોવા છતાં બાપુ તે વેચી કાઢવા લલચાતા નથી.

અહીં તેમની ખુમારી અને ગૌરવ પ્રગટ થાય છે. બલભદ્રસિંહ બાપુ પરિવારની ભાવના ધરાવે છે. તેમને પત્ની રાજલક્ષ્મી અને પુત્ર બલરાજ માટે અત્યંત પ્રેમ છે. ટ્રસ્ટી શિપનો આધાર લઈ બાપુ પોતાના દીકરાને વધુ ભણવા વિદેશ મોકલી શકે છે. દરમિયાનમાં બાપુ આધ્યાત્મિકતા ભણી ઢળતા જાય છે. તેમના ગુરૂ ખુશખુશાલ બાબા છે. બલભદ્રસિંહ ધીરે ધીરે યોગી બનવા ભણી આગળ વધે છે. જો કે, રાજલક્ષ્મીના આગ્રહને ધ્યાનમાં લઈને બલરાજ વિદેશમાં ભણવા જાય તે પછી જ તેઓ સંન્યાસ લે છે. એક સંન્યાસી તરીકે તેમનો વિકાસ ધ્યાનપાત્ર છે. યોગી ખુશખુશાલ બાબા પણ તેમનાથી ખુશ છે. ધીમે ધીમે યોગી હસ્તામલક બનેલા બલભદ્રસિંહ દુન્યવી ઓળખને પણ વિચારે પાડી શકે તેટલા આધ્યાત્મિક બનીને સમાધિને પામે છે. એક મધ્યમવર્ગના મનુષ્ય થી એક યોગી બનવા સુધીની વિકાસયાત્રા કરે છે.

રાજલક્ષ્મી

રાજલક્ષ્મી ગુણિયલ મહિલા છે. તે વિનમ્ર અને સુંદર મહિલા છે. તે બલભદ્રસિંહને જીવનની પ્રત્યેક ક્ષણે સહકાર–સાથ આપે છે તે એક આદર્શ ગૃહિણી છે. તે નીડર પણ છે. જરૂર પડે તેનું શૌર્ય પણ પ્રગટ થયા વિના રહેતું નથી. તે સ્વભાવે ધાર્મિક છે. તે સાચા અર્થમાં અન્નપૂર્ણા પણ છે. પુત્ર બલરાજ માટે તે બાપુને સિંહાસન વેચવા માટે વિનવે છે. તેમાં તેની મમતાનાં દર્શન થાય છે. પતિને આધ્યાત્મિક વિકાસ કરવામાં તે બાધા નથી બનતી. પરંતુ વહેવારુ અભિગમથી ચાલ્યા વિના રહેતી નથી. સાધુ બનેલા પતિ કરયાત્રી તરીકે પણ પોતાના જ હાથનો પ્રસાદ પામે એવો આગ્રહ તે ખુશખુશાલ બાબાને કરે છે. આમ, તે એક ઉત્તમ સ્ત્રી તરીકે આપણી સામે આવે છે.

આચાર્ય અને શ્રોફ

આ બેઉ સજ્જનો બલભદ્રસિંહના નવા ફલેટના પાડોશીઓ છે. તેઓ પહેલા જ દિવસથી બાપુના સ્વજન બની જાય છે. પડોશીધર્મ સરસ રીતે બજાવે છે. તેમની પત્નીઓ પણ રાજલક્ષ્મી સાથે હળી મળી જાય છે. તેઓ સૌ બલભદ્રસિંહના સારા-માઠા દરેક પ્રસંગે સાથ આપે છે.

ખુશખુશાલ બાબા

તેમનું પાત્ર વિલક્ષણ છે. તેઓ બાળક સમા નિર્દોષ છે. તેઓ નામ મુજબ ખુશખુશાલ જ રહે છે. તેઓ સાચા યોગી છે. બલભદ્રસિંહના ગુરૂ છે. તેમને સંન્યાસ આપીને બાબા તેમનું નામ હસ્તામલક યોગી પાડે છે. પડી જવાથી બાબાનો પગ ભાંગે છે છતાં તેઓ ડોકટર બોલાવવાની ધરાર ના પાડે છે અને જીવતા જ સમાધિ લે છે.

લા.ઠા.બાપુ

લેખકે અહીં લા.ઠા.બાપુના ચરિત્રને પણ યથાતથ ઉપસાવ્યું છે. તેઓ વૈઘ છે, ગુસ્સાવાળા છે-તુંડમિજાજી છે પરંતુ સરળ છે. તેઓ સતત વિચારતા રહે છે. તેને કારણે ઘણીવાર તેમનું મગજ સમતુલા ગુમાવે છે. લા.ઠા.બાપુના વિચારો ક્રાંતિકારી છે બહુ ઓછા તેમને સમજી શકે છે. તેઓ ફક્કડ ગિરધારી જેવા છે તેથી જેલમાં પણ ઘરે બેઠા હોય એવા ઠાઠમાઠથી રહી શકે છે. તેમની તર્કશક્તિથી તેઓ ન્યાયધીશને પણ ગૂંચવી શકે છે. તેમની શકલ મેમૂદ ભગતને મળતી આવે છે. લા.ઠા.ના વિચારોથી ડોરિસ અને બલરાજ પણ પ્રભાવિત થાય છે. બલભદ્રસિંહ યાને સાધુ હસ્તામલકના અવસાન પછી લા.ઠા. ફરી વિસ્મૃતિમાં સરી પડીને બસમાં બેસીને કોઈ અજાણ્યા સ્થળે જવા નીકળી પડે છે.

મેમૂદ ભગત

તેઓ સાચા અર્થમાં ઓલિયા છે. તેઓ એકો રાખે છે એકમાં તેઓ એક ડબ્બામાં મગફળી રાખે છે. એ મગફળી જ તેમનો ખોરાક છે. મેમૂદ ભગત શીધ્રકવિ છે અને સતત ભજન ગાતા રહે છે જો કે, તેઓ પોતાની કોઈ રચના સંધરવામાં માનતા નથી. ભગત પોતાને લા.ઠા.બાપુ તરીકે ઓળખાવે છે. દોડતા એકા પર વૃક્ષ પડી જતાં ભગત દટાઈ મરે છે. જો કે, તેમના મૃત ચહેરા પર પણ તે જ આધાત્મિક શાંતિ જોવા મળે છે.

આ બધાં પાત્રો ઉપરાંત બલરાજ-ડોરિસ, અતુલ, સંપતરાય જેવાં પાત્રો પણ ઓછા અસરકારક નથી. લેખકે પાત્રો – ચરિત્રોને ઉપસાવવામાં ખૂબ જ કળાત્મકતાનાં દર્શન કરાવ્યાં છે એમ કહી શકાય.

ભાષા-સંવાદ કળા

સર્જક પાસે ભાષા એ ઓજાર છે સાધન છે. પરંતુ કળાત્મકતા તો ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે ભાષા કેવળ સાધન ન રહે પણ સાધ્ય પણ બને. કૃતિનું કથાનક અને ભાષા બેઉ એટલું તો અદ્વ્રૈત પામે કે, નવલકથા પ્રશિષ્ટ કળાકૃતિ બને ત્યારે લેખક સર્જકની ઊંચાઈ પાપ્ત કરી શકે, લાભશંકર ઠાકરની નવલકથા ‘અનાપ-સનાપ’ની ભાષા કલા વિશે વિચારીએ પ્રથમ તો આ સર્જક મૂળે કવિ છે. તેથી ભાષાની લાઘવની શક્તિથી તેઓ પરિચિત છે. વળી ગદ્ય માટેની ભાષા નરી કવેતાઈ ન બની જાય તે માટે પણ તેઓ સજાગ રહ્યા છે. લાભશંકર ઠાકર નોંધે છે કે, “ ભાષા અનાયાસે પ્રયોજાય છે. ‘ચંપક ચાલીસા’, અનાપ-સનાપ’માં માતૃબોલી(હું ઝાલાવાડનું બાળ છું) ભરપૂર આવી છે.”[૩] આમા સર્જકના કવિ હોવાનો લાભ નવલકથાને મળ્યો છે. લા.ઠા. પોતે કવિ ન હોત તો તેઓ મેમૂદ ભગતના પાત્રને આટલું સરસ નિરૂપી ન જ શક્યા હોત. શીઘ્રકવિ મેમૂદને કવિ લા.ઠા.નો લાભ મળ્યો છે. લેખકે આ નવલકથામાં પાત્રોચિત ભાષાનો પ્રયોગ કર્યો છે. વળી, જુદાં-જુદાં ક્ષેત્રોનાં પાત્રો બોલે તો કેવી રીતે બોલે એ વિશે લેખક સજગ છે. એમાંય એકાધિક પાત્રો આધ્યાત્મિક – તરંગી અને વિલક્ષણ ચિતરવાનાં હતાં, લેખક એ કરી શક્યા છે. લેખક બિનજરૂરી કથન અને વર્ણનથી બચ્યા છે સંવાદો પણ અધિક પ્રસ્તારી ન થઈ જાય તેની કાળજી પણ તેમણે ગદ્ય પ્રાસાદિક છે. એક-બે ઉદાહરણો દ્રારા સમજીએ.

“કોઈ પોપ સિંગરના અવાજમાં પરાકાષ્ઠાની ક્ષણો પસાર થઈ. પછી રાજ સૂઈ ગયા, ઘસઘસાટ. રાજલક્ષ્મીએ રેકોર્ડ-પ્લેયર ઓફ કર્યું પછી લાઈટ ઓફ કર્યું. બારીમાંથી ચાંદનીનો પ્રકાશ આવતો હતો. રાજ બબડે છે. શું બબડે છે એ ? રાજલક્ષ્મીએ પડખું ફેરવીને કાન માંડ્યા.”[૪] લેખક અંગ્રેજી શબ્દોનો ઉપયોગ પણ છૂટથી કરે છે તેવી જ રીતે કેટલાક શબ્દો ઝાલાવાડી બોલીના પણ વાપરે છે. ઘણીવાર લેખકની ભીતરનો કવિ વળ ખાઈને બેઠો થઈ જાય છે ત્યારે ઘણા સાહિત્યિક શબ્દો મધ્યમવર્ગનાં પાત્રો વહેવારમાં બોલવા લાગે છે ત્યારે કઢંગુ લાગે છે. એવા શબ્દો જેવા કે, ‘ચર્વણા’ કે ‘વસ્ત્રો’ ને બદલે ચાવવું કે કપડાં વધુ પ્રતીતિકર લાગે. સંવાદકાળમાં લેખકે બાજી મારી છે એ નિશ્ચિત છે. સંવાદો ટૂંકા ચોટદાર-અસરકાર અને આરોહ – અવરોહ સાથેના છે. એક મજબૂત ઉદાહરણ દ્રારા સમજીએ.

ડોરિસ સાથેના લા.ઠા.ના સંવાદમાં અંગ્રેજી વાક્યોની ભરમાર છે. કારણ કે, ડોરિસ વિદેશી યુવતી છે. જુઓ –
“એક જ માણસ એકો ચલાવતો હતો તેથી જુદા જુદા માણસ ચલાવતા હોત તો” નો લોગ એસોસિએશન્સ, નો સ્ટ્રોન્ગ મેમરી, નો એટેચમેન્ટ, નો હસબન્ડ, નો વાઈફ.”
-“ઈઝ ઈટ પોસિબલ.”
-“આઈ થિંક ઈટ ઈઝ પોસિબલ.”
-“બટ હાઉ ટુ સ્ટાર્ટ ?”
-“આઈ હવે રિટન ઈટ ડોરીસ. એવો સમાજ રચી શકાય જેમાં બાળકો જનો પણ તે મેરેજ વગર...”[૫]

વાતાવરણ

‘અનાપ-સનાપ’ નવલકથાના કથાવસ્તુ અને પાત્રો વિશે આપણે વિગતે જોયું હવે આ નવલકથાને કલાત્મક ર્દષ્ટિથી મૂલવવાનો પ્રયાસ કરીએ કોઈ પણ કથાકૃતિમાં કથાવસ્તુ અને પાત્રો તો હોય ઘટના પણ હોય પરંતુ એ બધુ યોગ્ય રીતે સંયોજાઈને જો ન પ્રગટે તો નવલકથા કલાકૃતિ બનતી અટકી જાય છે. નવલકથાનું વાતાવરણ પણ એક મહત્વનો હિસ્સો છે કે જેના દ્વ્રારા નવલકથા ને કલામય બનાવી શકાય છે. ‘અનાપ-સનાપ’ નવલકથાને લાગે વળગે છે ત્યાં સુધી લેખકે અહીં શબ્દોની પીંછીના આછા લસરકા દ્વ્રારા વાતાવરણ પ્રગટાવ્યું છે. એ માટે લેખકનો અનુભવ નિરીક્ષણ અને અભ્યાસ ખપ લાગ્યો છે. નવલકથાના નાયક બલભદ્રસિંહ એક જમાનાના રાજાના પુત્ર છે. તેઓ જો કે બટકા છે પરંતુ શરીરથી નબળા નથી. તેઓ એકલે હાથે ચોરને પણ પકડી શકે છે અને કરાટેના પ્રયોગ દ્વ્રારા ઉચ્ચશૃંખલ યુવાનોને પાઠ પણ ભણાવી શકે છે. તેમની કેટલીક બાબતો આપણને વાહિયાત લાગે પરંતુ સાથે-સાથે તેઓ પ્રામાણિક અને સંનિષ્ટ પણ છે. લેખકે વાતાવરણ નિપજાવવા બલરાજનો રાજ્યાભિષેક તેમજ ખુશાલબાબાની કુટિર ડોરિસના પાત્રનો અંગ્રેજી પ્રયોગ જેવી ઝીણી ઝીણી બાબતો દ્વ્રારા વાતાવરણ નિપજાવ્યું છે. એવી જ રીતે લેખકનો વૈદકનો અનુભવ પણ અહીં કામે લગાડ્યો છે. તો વળી, લા.ઠા.નું પાત્ર નવલકથામાં આણીને લેખકે સાધુત્વ ગ્રહણ કરે છે ત્યારે અને એ પછીની ઘટનાઓનું નિરૂપણ પણ ઉત્તમ અને સજીવ વાતાવરણ સર્જી આપે છે.

જો કે મૂળભૂત રીતે આ કૃતિ વાતાવરણ પ્રધાન નથી લેખકનો તે ઉદ્દેશ્ય પણ નથી તેઓ સભાન પણે કશું કરતા નથી લેખક તો પાત્રોને પોતાની રીતે વિહરવા દે છે. અને જરૂર પડે સાહજિક રીતે તેમની કલમ વાતાવરણને ખોલી આપે છે. ઘણે ઠેકાણે લેખક સપાટી પર વિહર્યા છે ત્યારે વાતાવરણનું પોત બંધાતુ નથી એ ખરૂં પરંતુ આમ છતાં જ કંઈ નિપજયું છે તે ઓછા મૂલ્યનું તો નથી જ ખાસ કરીને બલભદ્રસિંહના ફલેટનું વર્ણન, સિંહાસનનું વર્ણન, આબુની ઘટના, હોટલમાં જમવા જતી વખતે બનતો પ્રસંગ જેવા પ્રસંગો વાતાવરણને નિપજવવામાં બળુકી ભૂમિકા ભજવે છે.

સંઘર્ષ-બાહ્ય અને આંતરિક

લા.ઠા.ની આ નવલકથા હાસ્યનો પુટ ભલે ધરાવે છે પરતું તેમાં કરૂણતાનું સંયોજન પણ છે. હા, સ્થૂળ સંઘર્ષ અહીં ભાગ્યે જ જોવા મળે છે. અને જેટલો છે તે પણ હળવાશ રમૂજ પ્રેરક છે. ખાસ તો બાપુના ફલેટમાં ચોરી કરવા ચોરનું આવવું એ અને પછીની ઘટના. એવી જ રીતે હોટલમાં જમતાં પહેલાંની યુવકો સાથેની બાપુની લડાઈ. આદિ ઘટનાઓ તનાવપૂર્ણ સ્થિતિ સર્જતી નથી બલકે હાસ્ય પ્રેરે છે. આમ, અહીં બાહ્ય સંઘર્ષ ઝાઝો નથી. એકાદવાર રાજલક્ષ્મી પૂર્વજોની અદાથી શૌર્ય દર્શાવવા જાય છે ત્યારે પણ રમૂજ જ જન્મે છે. આંતરિક સંઘર્ષને લાગે વળગે છે ત્યાં સુધી અહીં શ્રેય અને પ્રેમ વચ્ચેનો શાંત સંઘર્ષ અનુભવાય છે. બાપુ સંસારી છે પરતું સાધુ બનવા માગે છે એ સંઘર્ષ નોંધપાત્ર છે તેવી જ રીતે પુત્ર બલરાજને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ મોકલવા માટેનાં નાણા મેળવવા સિંહાસન વેચવું કે નહીં, તે સંઘર્ષ પણ અસરકારક બન્યો છે સાથે સાથે નવલકથાના મહત્વના પાત્ર લા.ઠા.ના વિચારો અને પરંપરિત વિચારસરણી વચ્ચે પણ સંઘર્ષનું તત્વ તો છે જ !

જીવનદર્શન

લાભશંકર ઠાકર સર્જક તરીકે જરા જુદા પ્રકારના એ અર્થમાં છે કે તેઓ સર્જનને કેવળ કળા વ્યાપાર માને છે એક લીલા માને છે એટલે કે તેમના સર્જનમાંથી જીવનનું દર્શન તારવવું ઘણીવાર તો હાસ્યાસ્પદ ઠરે છે. તેમના સર્જનમાં ક્યાંક ક્યાંક અસ્તિત્વવાદ ઝળકી જતો જોવા મળે સાથે-સાથે ઈશ્વરનો નકાર મનુષ્યનો મહિમા વ્યવસ્થા પછી એ ધાર્મિક કે સામાજિક જ કેમ ન હોય તેમનો વિરોધ કરીને કેવળ વ્યક્તિ અથવા મનુષ્યનો મહિમા તેઓ પોતાના સર્જનમાં કરે છે. એ અર્થમાં લાભશંકર ઠાકર પરંપરાનો પણ વિરોધ કરતા જણાય જો કે નવલકથાકાર તરીકે અસંખ્ય નવલકથાઓ લખનારા સર્જકની કેટલીક નવલકથાઓમાં ગૂઢવાદ અધ્યાત્મ અને તત્વજ્ઞાન જેવાં તત્વો મળી આવે છે તે સારૂં ચિહન છે . ‘અનાપ-સનાપ’ તે પૈકીની એક નવલકથા છે.

આ નવલકથામાં લેખકે હાસ્યનો પૂટ જાળવી રાખીને ઘણી ગંભીર વાતો લખી છે. અહીં બલભદ્રસિંહ બાપુ પોતાના ભવ્ય ભૂતકાળને સતત વાગોળતા રહીને પણ વર્તમાન સામે નૈતિકતા જાળવી રાખીને ટકવાની મથામણ કરે છે. તેઓ હવે રાજા નથી રાજાશાહી પણ રહી નથી. જો કે તેમની પાસે દાદાજીના વખતનું સિંહાસન છે.જેમાં બે સાંચા હીરા જડેલા છે. સિંહાસનમાં જડેલા આ રત્નો વાસ્તવમાં તો મૂલ્યોના પ્રતીક છે જે મૂલ્યો હવે નામશેષ થવા બેઠાં છે તે દર્શાવવા લેખકે ઉંદરો દ્વ્રારા સિંહાસન કોતરવાની મથામણની ઘટના પ્રયોજી છે. બાપુ સિંહાસન ન વેચીને મૂલ્યનિષ્ઠા બજાવે છે સાથે-સાથે બાબા ખુશખુશાલ, હસ્તામલક, મેમૂદ ભગત અને ભગતના બોઘો દ્વ્રારા લેખકે માનવ જાતને સાચી દિશા સૂચવી છે. આ નવલકથા વિશે માય ડીયર જયુ લખે છે, “માનવ જંતુને ધરતીની સપાટી પર મૂકીને એના ઉચ્ચાવચ સ્તરોને નિર્દેશવા તાકે છે અમુક તમુક માન્યતાઓમાં રાચતી, અમુક તમુક વૃત્તિવલણો કે લાગણી વિચારોને પંપાળવામાં જીવનની સાર્થકતા સમજતી માનવજાતનું નિમ્ન સ્તર જેવું તો હાસ્યાસ્પદ છે !”[૬] આમ આ નવલકથામાં લેખકે એક સાથે અનેક મુદ્રાઓની ચર્ચા છેડી છે. જેમાંથી જીવનનો એક વિશિષ્ટ દર્શન પ્રગટે છે.

શીર્ષકની યર્થાતતા

લેખકે આ નવલકથાનું શીર્ષક ‘અનાપ-સનાપ’ આપ્યું છે. તેમણે પ્રસ્તાવનામાં આ નવલથાને હાસ્ય નવલકથા તરીકે ઓળખાવી છે જો કે આપણે લેખકની વાત સાથે સંમત ન થઈને આ નવલકથાને માત્ર નવલકથા તરીકે જોઈ શકીએ. ‘અનાપ-સનાપ’ એવું શીર્ષક લેખકે શા માટે પસંદ કર્યુ હશે તે વિશે હવે આપણે વિચારીએ. લેખકે એક્થીય વધારે વાર જુદા જુદા સંદર્ભે શીર્ષકના શબ્દોની વાત છેડી છે આપણે તે મૂળ સ્વરૂપે જ જોઈએ – “લા.ઠા. સાથેના સંપતરાયના સંવાદમાં સંપતરાય જરા ગુસ્સે થઇને લા.ઠા.ને કહે છે. અરે ક્યા બકતે હો અનાપ શનાપ? એ પછી ડોરિસ જ્યારે અનાપ સનાપ શબ્દનો અર્થ જાણવા માંગે છે ત્યારે લા.ઠા. જણાવે છે. ‘અનાપ-શનાપ’ એટલે નિરર્થક બકવાસ. ડોરિસ ધ મીનીંગ ઓફ અનાપ-શનાપ?”[૭] એ પછી લા.ઠા. અનાપ-સનાપનો અર્થ જણાવે છે. જેનો અર્થ બેહદ અથવા માપી ન શકાય તેવું યાને અનાપ સનાપ ! આમ આ નવલકથાનું શીર્ષક લેખકે ખૂબ જ યુક્તિ મુજબ પ્રયોજ્યું છે જ્યારે ડોરિસ લા.ઠા.ને મોક્ષ વિશે છે, પરમાત્મા કે બ્રહ્મર્ષિ પદ વિશે પૂછે છે ત્યારે લા.ઠા. જણાવે છે કે એ બધી અનાપ શનાપ યાને નિરર્થક છે. બકવાસ છે એ વખતે સંપતરાય વળી એમ કહેતા કે લા.ઠા.ની બધી વાતો અનાપ શનાપ છે. આમ, લેખક અહીં એક સાથે બે ભૂમિકાએ વાત કરે છે. મતલબ કે જે એક તરફ બધુ વાહિયાત – મિનીંગલેસ છે. તો બીજી બાજુ આધ્યાત્મિકતા વગેરે મિનીંગ ફૂલ પણ છે. બલભદ્રસિંહનું પાત્ર એક મધ્યમવર્ગીય મનુષ્યનું હતું તે ધીમે ધીમે આધ્યાત્મિકતા તરફ ઢળીને અંતમાં હસ્તામલક યોગી સ્વરૂપે સાધના કરતા કરતા અવસાન પામે છે એ ઘટના ‘અનાપ સનાપ’ શીર્ષક સાર્થક ઠેરવે છે એક તરફ નવલકથા સાવ જ અનાપ શનાપ ચાલે છે કે જેમાં જાણે કે કશો અર્થ નથી તો બીજી તરફ તે ગંભીર અને સાર્થક રીતે યાને કે અનાપ-સનાપ ચાલે છે.

પાદ ટીપ

  1. બાબુ દાવલપુરા ગ્રંથ વિમર્શ પૃ – ૯૪
  2. બાબુ દાવલપુરા ગ્રંથ વિમર્શ પૃ – ૯૪
  3. સંપા.હર્ષદ ત્રિવેદી નવલકથા અને હું પૃ – ૬૮
  4. લાભશંકર ઠાકર અનાપ સનાપ પૃ – ૧૫૨
  5. લાભશંકર ઠાકર અનાપ સનાપ પૃ – ૨૭૬
  6. લાભશંકર ઠાકર અનાપ સનાપ પૃ – ૮,૯
  7. લાભશંકર ઠાકર અનાપ સનાપ પૃ – ૨૮૯

સંદર્ભ સૂચિ

  1. અનાપ-સનાપ લાભશંકર ઠાકર રન્નાદે પ્રકાશન, અમદાવાદ(૧૯૯૫)
  2. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ -૭ સંપા. રમેશ ર. દવે ગુજરાતી સાહિત્ય પરિષદ –અમદાવાદ(૨૦૧૫)
  3. ગ્રંથ વિમર્શ બાબુ દાવલપુરા ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ(૨૦૦૯)

ડૉ. વિનુભાઈ એલ.ચૌહાણ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમી, જિ.પાટણ