Download this page in

ભારતમાં મુદ્રણ અને પત્રકારત્વનો આરંભ

મનુષ્યની જિજ્ઞાસા વૃત્તિ નવી-નવી શોધ કરવા માટે ઉત્તેજન આપે છે. સમય, પરિવેષ, સ્થળમાં માનવી એવી વસ્તુ ઓની શોધ કરે છે કે જે માનવીની જરૂરિયાત કે ઈચ્છાઓ પુરી કરી શકે છે. આદિયુગમાં ભટકતું જીવન ગાળતો માનવી એના વિચાર શક્તિ, બુદ્ધિ અને ભાષાના કારણે પૃથ્વી પરના બીજા પ્રાણીઓ કરતાં જુદો તરી અવ્યો. અગ્નિ, ચક્ર અને અનાજ વગેરેની શોધ કરી માનવી સામાજિક જીવન ગુજારતો થયો. આથી પોતાને અભિવ્યક્ત કરવા માટે ભાષાની જરૂરિયાત ઊભી થઈ. ભાષાએ માનવીએ શોધેલું વિલક્ષણ ઓજાર છે અને આ ઓજાર એ માનવ સંસ્કૃતિના વિકાસનું પરિબળ બન્યું. આ ભાષાને લિપિબદ્ધ કરવા માટે મુદ્રાણની જરૂરિયાત ઊભી થઈ. મુદ્રણકળાનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ પૂર્વે જૂની કલાત્મક મુદ્રાઓ મોહે-જો-દડો માંથી પ્રાપ્ત થઈ છે. ’મુદ્રા’ શબ્દએ કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મળે છે. આરંભમાં માનવી સંકેતો અને ચિત્રો રૂપે ભાષા ઓળખાતી. ગુફાઓમાં ચિત્રો દોરીને પોતાની અભિવ્યક્તિ પોતાના વિચારો રજૂ કરતો. આથી ભાષાની શોધ થયા પછી એનો મુખ્ય ઉપયોગ સંદેશા-વ્યવહાર માટે થવા લગ્યો અને એમાંથી પત્રકારત્વનો આરંભ થયો.

મુદ્રણકળાની સૌ પ્રથમ શોધ ચીનમાં થઈ હતી. આથી ચીનને મુદ્રણકળાના પિતા તરીકે ઓળખાવી શકાય. મુદ્રણકળાની શોધ માટે ગયેલા ‘સર ઓરેલ સ્ટેઇન વૉગે’ ‘હિસ્ક સૂત્ર’ પુસ્તક શોધેલું. તે ઈ.સ ૬૮૬ માં તૈયાર થયેલું માનવા આવે છે. ધીરે-ધીરે આ કળા યુરોપમાં પ્રસરી અને ૧૫મી સદીમાં જર્મનીના ‘જોહન ગુટનબર્ગે’ આ કળાને આધુનિક ઓપ આપ્યો. આથી ગુટેનબર્ગને આધુનિક મુદ્રણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ગુટેનબર્ગે ઈ.સ ૧૪૫૦થી ઈ.સ ૧૪૫૨ની વચ્ચે છાપખાનું તૈયાર કરીને પ્રથમ પુસ્તક બાઈબલ છાપી. આજે જે કામ ત્રણ કલાકમાં થઈ જાય એ તે સમયે બાઈબલ છપાતા ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. ધીરે ધીરે આ મુદ્રણકળા વિશ્વમાં ફેલાવવા લાગી. રોમ(૧૪૬૯), પેરિસ(૧૪૭૦), બુટાપેસ્ટ(૧૪૭૩), વેસ્ટામિન્સર(૧૪૭૬), જીનિવા(૧૪૭૯), લંડન(૧૪૮૦) વગેરે સ્થળોએ થોડા જ સમયમાં છાપખાનાની સ્થાપના થઈ ચુકી હતી.

૧૫મી ૧૬મી સદી સુધીમાં વિશ્વમાં મુદ્રણકળા પ્રસરી ચુકી હતી. એમાં ભારત પણ બાકાત રહ્યું નહી. વિશ્વમાં મુદ્રણકળાની શોધ પછી ૧૦૦ વર્ષે ભારતમાં આવી. અંગ્રેજોના આગમન પહેલા આ કળાનો ભારતમાં આરંભ થઈ ચૂક્યો હતો. ભારતમાં મુદ્રણકળાની શોધ ન થઈ હતી એ પહેલાં પ્રાચીન સાહિત્યો વેદ, ઉપનિષદ, સુક્તિઓ વગેરે કંઠસ્થ રીતે ઋષી મુનિઓ આપ-લે કર્તા. ત્યારબાદ હસ્તપ્રતો, તામ્રપત્રો, તાડપાતત્ર કે મુખવાટે જ્ઞાનની પદ્ધતિઓ સાચવીને રાખવામાં આવતી. આ હસ્તલેખિત કેટલીક સામગ્રીઓ અનેક ગ્રંથોમાં આજે પણ સંગ્રહિત થઈને પડી છે. એ યુગ લહયાઓનો હતો અને એમની કુશળતાનાં કારણે આજે ઘણું સાહિત્ય આપણને સાપડે છે. મોગલો પાસે અખબારો લખવા કે રાજ્ય વહીવટની નોંધ કરવા માટે કુશળ લાહિયાઓ શોધી તેમને તાલીમ આપવામાં આવતી તેમજ સતત ઉત્તેજન આપવામાં આવતું. પ્રા.નીતાબેન પરીખ જણાવે છે તેમ; “ભારતમાં મુદ્રણકળાનો વિકાસ મોડો થયો એનું એક કારણ મોગલ બાદશાહોનાં કુશળ લાહિયાઓને શોધીને તેની સેવા મેળવવાની પ્રણાલી હતી.”(પ્રા.નીતાબેન પરીખ, ભારતીય પત્રકારત્વનો પ્રારંભિક ઈતિહાસ, પૃ.૪)

ભારતમાં લાહિયા પદ્ધતી ચાલતી હતી ત્યારે ૧૬મી સદીમાં ફિરંગીઓ ધર્મ પ્રચાર માટે ગોવા આવ્યા. તેમણે ધર્મના પ્રચાર અર્થે ઈ.સ ૧૫૫૬માં ગોવામાં ફિરંગીઓએ સૌથી પહેલા છાપખાનું નાખ્યું. આમ,ભારતમાં ફીરંગીઓ દ્વારા ગોવામાં છાપખાનાના શ્રી ગણેશ થયા. આ છાપખાનાની પહેલી સામગ્રી લાવનાર ‘joao de bustamante’ હતો. તે સ્પેનનો વતની હતો. એની સાથે આવેલા ‘jeao gonsalves’(જેઆઑ ગોન્સેલ્વસ) ભારતીય ભાષામાં અક્ષરોના બીંબા બનાવ્યા અને જે પુસ્તક છાપ્યું એ ‘મલબરી’ ભાષામાં એટ્લે કે તમિલમાં હતું. પરંતુ એના યોગ્ય પુરાવા મળતા નથી. આ છાપખાનામા ઇસાઈ ધર્મનીના પુસ્તકો તે સમયે છાપવામાં આવતાં હતા.

ગોવા પછી આ છાપખાનું મુંબઈ આવ્યું. મુંબઈમાં છાપખાનુ લાવાનો પ્રથમ પ્રયાસ ‘હેનરી હીલ’ નામના એક યુરોપિયન સાથે ભારતીય ભીમજી પારેખ નામના એક વાણિકે આ પ્રયાસ કર્યો. પરંતુ એ સફળતા મળી નહી એના માટે યજ્ઞેશ શુક્લ જણાવે છે કે; “ઈ.સ ૧૬૭૦માં દીવ બંદરમાં રહેનારા ભીમજી પારેખે મુંબઈના ગવર્નર મારફતે ઈંગ્લેન્ડની કંપનીના ડિરેક્ટરોના બોર્ડને પત્ર લખ્યો કે એ બ્રાહ્મણી એટલે કે નાગરી અક્ષરોના બીબાં બનાવવામાં જો સરકાર મદદ કરે તો છાપખાનું કાઢવા તૈયાર છે. માટે ઈંગ્લેન્ડથી મુદ્રણકળાનું સાહિત્ય અને જાણકાર માણસો મોકલી આપવા” (યજ્ઞેશ હ. શુકલ, અર્ધ શતાબ્દીની અખબારી યાત્રા, પૃ.૧૩૪).

આ પત્ર પછી ઈ.સ ૧૬૭૪માં ઈંગ્લેન્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરે અમુક વાર્ષિક પગારે ‘હેનરી હિલ’ નામના એક માણસને મુદ્રણયંત્ર, અંગ્રેજી અક્ષરો કાગળ અને થોડા સામાન સાથે મુંબઈ મોકલ્યો. અંગ્રેજી અક્ષરો ભારતીય ભાષાના મુદ્રણ માટે કામ લાગે તેમ ન હતા. મિ.હિલ એ પોલાદ ઉપર અક્ષર કોતરનારો ન હતો તેથી ભીમજી પારેખ નિરાશ થઈ ગયો. આમ ભારતીય ભાષમાં બીબા બનાવી છાપકામ કરવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. પરંતુ હેનરી હીલ અંગ્રેજી બીબા સાથે લાવ્યો હતો. એના થકી મુંબઈમાં ત્યારે અંગ્રેજી ભાષામાં છાપકામનો આરંભ થયો હશે એમ અનુમાન લગાવી શકાય છે.

ભીમજી પારેખનો ભારતીય ભાષામાં છાપકામ કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. પરંતુ ઈ.સ ૧૭૭૮ની સાલમાં ભારતની દેશીભાષામાં છાપખાનું કાઢવાનું બહુમાન ‘સર ચાલ્સ વિલ્ડિન્સ’ને જાય છે. એ પોતે બંગાળનો હોવાથી પ્રથમ બંગાળી ભાષામાં બીબા બનાવ્યા અને આ બીબા બનાવીને‘મિ.નૅ ટર્બનિયલ હોલ્બેડ’નું બંગાળી વ્યાકરણ ઈ.સ ૧૭૭૮ની સાલમાં છપાવ્યું .આમ, ભારતીય ભાષામાં છાપકામનો ખરો આરંભ ત્યારે થયો. ઈ.સ ૧૭૯૫ની સાલમાં એમણે દેવનગરી લિપીમાં બીબાં તૈયાર કર્યા અને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપ્યું. ત્યારબાદ મુંબઈમાં ઈ.સ ૧૭૮૯માં ‘બોમ્બે હોલ્ડર’ અખબાર શરૂ થયું.એના બે વર્ષ બાદ ઈ.સ ૧૭૯૦માં ‘બોમ્બે કુરિયર’ અખબાર શરૂ થયું. આજે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’તરીકે ઓળખાય છે અને આ અખબારમાં જીજીભાઈ છાપગાર કોમ્પોઝિટર પ્રિન્ટર તરીકે કામ કરતા હતા અને પહેલા એમણે ગુજરાતી ભાષાના અક્ષરોના બીબાં બનાવ્યા. તે તારીખ ૨૯ જાન્યુઆરીએ બોમ્બે કુરિયર અખબારમાં જીજીભાઈ છાપગારે ગુજરાતી જાહેરાત છાપી. ત્યારથી ગુજરાતી મુદ્રણનો આરંભ મનાઈ છે. ત્યારબાદ જીજીભાઈ છાપગાર પાસે પ્રેરણા લઈને ઈ.સ ૧૮૧૨માં ફરદુનજી મર્ઝબાનને પ્રથમ ગુજરાતી છાપખાનું અને અખબાર શરૂ કર્યું.

આમ, ગોવાથી આરંભાયેલી મુદ્રણકળાને ભારતમાં પ્રસરતા ૨૦૦ વર્ષથી પણ વધુ સમય લાગ્યો. આ મુદ્રણકળાના આરંભમાં અંગ્રેજો અને યુરોપિયન ધર્મ પ્રચારકો એ ઘણો લાભ લઈ એમની ધાર્મિક પ્રવૃતિઓ ચલાવી. આ સમયમાં વિવિધ ભાષાઓમાં પુસ્તકો છપાવવા લાગ્યા એના વ્યકરણો છાપવા લાગ્યા. આથી વાચક વર્ગે વધતો ગયો આ કારણે દેશમાં સુધારાની દિશા તરફ પગલાં પડવા લાગ્યા.

ભારતમાં મુદ્રણકળાની શોધ આરંભી ચુકી હતી. એના કારણે કેળવણી, સંચાર, રાજકીય, આર્થિક સુધારા વગેરે અનેક ક્ષેત્રે મુદ્રણકળાએ મહત્વનો ભાગ ભજવ્યો. ભાષાની શોધ થઈ પછી ભાષાનો મુખ્ય ઉપયોગ સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે વધુ થવા લાગ્યો અને આ સંદેશા વ્યવહાર માંથી પત્રકારીતાનો આરંભ થયો. મુદ્રણકળાની શોધ થઈ ન હતી તે પહેલાં ભારતમાં અનેક રીતે સંદેશા-વ્યવહારની આપ-લે થતી હતી. એ માટે ડાહ્યાભાઈ દેરાસરી જણાવે છે તેમ; “આપણાં દેશમાં વર્તમાનપત્રો ન હતા. પણ લોકો દેશ પરદેશની ખબરોથી વાકેફ રહેતા.મોટા બજારોમાં પરદેશના લોકો વેપાર અર્થે એકઠા થતા હોય છે.ત્યાં દેશ દેશાવરોનો ખબરો મળી શકતી. વેપારીઓના કાગળો એક જાતના વર્તમાંનપત્રોની જ ગરજ પૂરી પાડતા. પોતાના કામની હકીકત લખ્યા પછી વરસાદી પાણી, જાણીતા બનાવો, બજાર ભાવ વગેરે લાગાવાનો રિવાજ હતો. કેટલાક અંશે આજે પણ છે. ટપાલખાતાની સ્થાપના થયા પૂર્વો વેપારીઓના કાગળો કસદો લઈ જતા.મોટા-મોટા ગામોમાં ‘મડધો’ રહેતો અને તેના તાબામાં કસદો રહેતા. ખાસ જોખમો લઈ જવા માટે ‘આંગડીયા’ તૈયાર હતા. એક શહેરથી બીજા શહેર કસદો જતા અને એનાં મારફતે બીજા કાગળો પણ મોકલાવતા.આવા કાગળો ખબરો ફેલાવતા”( સાઠીના સાહિત્યનું દિર્ગદર્શન. ડાહ્યાભાઈ દેરાસરી,પૃ.૩૦૬)

આ પ્રકારની પરિસ્થિતિ તે સમયે ભારતમાં હતી. અંગ્રેજોના આગમનના કારણે એમણે શિક્ષણ ક્ષેત્રે ફેરફારો કર્યા. આજે આપણે અખબાર, સમાચાર, દૈનિક, સાપ્તાહિક, વૃત્તપત્ર, સમાચારપત્ર, જનરલ, ગેઝેટ વગેરે શબ્દોથી ઓળખીએ છીએ. તેનો તે સમયે અંગ્રેજોએ આરંભ કર્યો. સમાચારોનો ઉદ્દભવ વિષે વિષ્ણુ પંડ્યા જણાવે છે કે; ”નવું જાણવાની અને તેને બીજા સુધી પહોચાડવાની જિજ્ઞાસા માંથી સમાચારનો પ્રાદુર્ભાવ થયો હશે.” (પત્રકારત્વનો ઈતિહાસ, વિષ્ણુ પંડ્યા-ડૉ.આરતી પંડ્યા, પૃ.૪)

ભારતમાં પત્રકારત્વનો આરંભ અંગ્રેજ અધિકારીએ અંગ્રેજ અધિકારીયો સામે વિરોધ કરવા માટે અનો પ્રથમ ઉપયોગ થયો હતો. આથી ભારતમાં પત્રકારત્વએ વિદ્રોહ માંથી ઉત્પન્ન થયો છે. ભારતમાં સૌપ્રથમ પત્રકારત્વનો આરંભ ‘જેમ્સ ઓગોસ્ટ હીકી’ નામના અધિકારીએ ઈ.સ ૧૭૮૦માં આરંભ કર્યો. એ પૂર્વે સત્તરમી સદીમાં જ અંગ્રેજોએ વેપારની સાથે સાથે રાજસત્તા સ્થાપવાનો પ્રયાસ કર્યો.ઈ.સ ૧૭૫૭ ના પ્લાસીના યુધ્ધ પછી બંગાળ અને બિહાર, બ્રિટિશ સરકારના નેજા હેઠળ આવ્યું. આ સમયે એક ડચ નાગરીક ‘વિલિયમ બોલ્ટસ’ ઇસ્ટ ઈન્ડિયા કંપની સાથે જોડાઈ ખાનગી વેપારનો આરંભ કર્યો. ઈ.સ ૧૭૬૬માં કલકત્તા કાઉન્સિલીગ હાઉસના બારણે એક સુચના લગાવી કે એ શહેરમાં છાપખાનું ન હોવાનાં કારણે વેપાર ધંધામાં ખૂબ ખોટ જાય છે. આથી છાપખાના અને મુદ્રણ શિખવા માગતા લોકો એ મને આવી ને મળવુ. આવી સૂચના લગાવી. એ અંગ્રેજ અધિકારીઓ એ વાચી અને આ પ્રકારના છાપખાના ખુલશે તો અંગ્રેજ અધિકારીઓના ભ્રષ્ટાચારના પોલ ખુલી જાશે. એ ડરથી અંગ્રેજોએ બોલ્ટસની ધરપકડ કરાવી અને પાછો ઈંગ્લેન્ડ મોકલી દીધો. આમ અંગ્રેજોએ પ્રથમ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. વિલિયમ બોલ્ટસના ગયા પછી બાર-તેર વર્ષ સુધી કોઈએ આ દિશા તરફ પ્રગરણ ના કર્યા કે અંગ્રેજ સરકારે થવા ન દીધા એમ કહી શકાય. ઈ.સ ૧૭૮૦ના જાન્યુઆરી માસની ૨૯મી તારીખે એક અયરિસ નાગરીક ‘જેમ્સ ઑગસ્ટ હીકી’ એ ‘ધી બંગાલ ગેઝેટ ઓફ ધી કલકત્તા જનરલ એડવર્ટ્ઇઝર’ પ્રકાશિત કર્યું અને તે ભારતના ઇતિહાસનું પ્રથમ અખબારનું સ્થાન પ્રાપ્ત કરે છે.

હીકીએ પોતાના પ્રથમ અંકમાં જ અખબારની નીતિ જાહેર કરી લખ્યું હતું કે “બધા પક્ષઓ માટે ખુલ્લું છતાં કોઈની અસર નીચે ન આવતું રાજકીય અને આર્થિક અખબાર.” હીકી પોતેને અખબારના ‘ઓનરેબલ કંપનીના માજી પ્રિન્ટર’ તરીકે ઓળખાવે છે. આ અખબાર માત્ર બે વર્ષ ચાલ્યું પરંતુ આ બે વર્ષમાં એમણે ખૂબ જ યાતનાઓ અને સનસની ભરી તેમજ કરુણ જીવન ભોગવ્યું. એનું કારણ એના થોડા સમય પછી ‘પીટર રીડ’ અને ‘બર્નાડ મિસેવિકે’ શરૂ કરેલું અખબાર ‘ઇન્ડિયા ગેઝેટ’ હતું. આ અખબારને કંપની સરકારે કેટલીક સુવિધાવો આપી હતી અને એ હીકીના અખબારને મળતી ન હતી. આથી હિકીએ કંપની વિરુદ્ધ સમાચારો છાપવાનો આરંભ કર્યો. વોરેન હેસ્ટિંગને ‘ગ્રેટ મુઘલ’ કહીને ઉતારી પડ્યો. પરિણીત મહિલા સાથે પ્રેમ પ્રકરણની ચર્ચાઓ ચલાવી. એ ઉપરાંત સ્વીડિસ મિશનરી જોન ઝકરીયા કિરનાન્ડરએ નવા અખબાર’ ઇન્ડિયા ગેઝેટ’ને મદદ કરે છે અને દેવળો વેચવાનો પ્રયાસ કરે છે. આવા આક્ષેપો લગાવ્યા. આ વાત કંપની સરકાર પાસે પહોચી અને હીકીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો. ત્યાં પણ કંપની વિરુદ્ધ લખવાનું ચાલુ જ રાખ્યું. આઠ હજાર જેટલો દંડ કરવાના આવ્યો અને છાપખાનું કબજે કરવામાં આવ્યું. આમ પેહલા અખબારનો અંત આવ્યો. આ અખબાર માટે યજ્ઞેશ શુકલ જણાવે છે તેમ; “ બંગાલ ગેઝેટ અખબારના જન્મ સાથે હિંદુસ્તાનના પત્રકારત્વનો ઇતિહાસનો આરંભ થયો ભલે એ આરંભ કંગાળ રીતે થયો હોય પણ આજે ભારતની લોકશાહીના રખેવાળની જેમ ભારતીય પત્રકારત્વના શ્રી ગણેશ આ અખબારથી માંડયા હતા એ કઈ નાની સુની વાત નથી.” (અર્ધ સાતાબ્દીની અખબાર યાત્રા, યજ્ઞેશ હ. શુકલ ,પૃ.૧૪૮)

હિકીના અખબાર સાથે સ્પર્ધામાં ઉતરેલું ભારતનું બીજું અખબાર ઈ.સ ૧૭૮૦માં પીટર રીડ અને બર્નાડ મેસેવિક ‘ઇન્ડિયા ગેઝેટ’ અખબાર શરૂ કર્યું. આ સરકારના આધિપત્યમાં હતું આથી સરકારે ટપાલ સેવાઓમાં રાહત આપી હતી. એમાં સરકારની જાહેર ખબરો અને સૂચનો છપાતી આથી આ અખબારનું ધીમેં-ધીમે એનું વર્ચસ્વ વધ્યું અને કાચબાની ધીમી ગતિની જેમ એ તે સમયે ૫૦ વર્ષ સુધી ચાલ્યું. આ અખબારની સફળતા સાથે બંગાળમાં ઈ.સ ૧૭૮૪માં ફ્રાન્સિસ ગ્લેડવિને ‘કલકત્તા ગેઝેટ એન્ડ ઓરિએન્ટલ એડવર્ટાઈઝર’પ્રકાશિત કર્યું. આ પત્રમાં પર્શિયન, બંગાળી અને અંગ્રેજી ભાષાઓમાં નોટિસો છપાતી. સરકારની જાહેરાતો અને અન્ય સુચનાઓનું પણ પ્રકાશન થતું. આથી આ પત્ર ભારતનું પ્રથમ સરકારી પત્ર બન્યું. ઈ.સ ૧૭૮૫માં થોમસ જોન્સે ‘બંગાળ જર્નલ’ શરૂ કર્યું. આજ વર્ષે ‘ઓરિએન્ટલ મેગેઝીન’ શરૂ થયું. એ ભારતનું પ્રથમ માસિક પત્ર હતું.

આમ બંગાળમાં એક પછી એક અખબારો પ્રકાશિત થતા ગયા. એમા ઈ.સ ૧૭૮૬ માં ‘કલકત્તા કોનિકલ’, ઈ.સ ૧૭૮૫માં વિલિયમ જેન્સના સંપાદનમા એશિયાટિક સોસાયટીના નેજા હેઠળ ‘એશિયાટિક મિસલેની’, ઈ.સ ૧૭૮૭મા આજ પત્રનું ‘એશિયાટિક મિસલેની એન્ડ બેગોલ રજીસ્ટાર’ એવું નામાભિધાન કરવામાં આવ્યું અને આ પત્ર ભારતીય રાજનીતિની સાથે-સાથે સાહિત્ય અને પત્રકારત્વનું સમન્વય થયું કહેવાય. ઈ.સ ૧૭૮૭માં આ પત્ર બંધ પડ્યું. અને એનું સ્થાન ‘એશિયાટિક રીસર્ચે લીધું. ઈ.સ ૧૭૯૦ પછી કોલકત્તામાં અખબારોનો બહોળો પ્રભાવ પડ્યો. ઈ.સ ૧૭૯૪માં ‘એશિયાટિક મિરર’, ઈ.સ ૧૭૯૫માં, ‘ધ ઈન્ડિયા વર્લ્ડ’, ‘કલકત્તા કુરિયર’ અને ‘ધ ઇન્ડિયન ઓપોલો’, ‘બંગાળ હરકારૂ’, ઈ.સ ૧૭૯૬માં ટેલિગ્રાફ, ઈ.સ ૧૭૯૮માં ‘ધ કલકત્તા મોર્નિંગ પોસ્ટ’ અને ‘ધ એરિએન્ટલ સ્ટાર’ ઈ.સ ૧૭૯૯માં ‘ધ રીલેટર’, વગેરે પત્રોનો આરંભ થયો.

બંગાળ પછી ભારતમાં મદ્રાસ અને મુંબઈમાં પત્રકારત્વનો આરંભ થયો.ઈ.સ ૧૭૮૫માં ‘રિચાર્ડ જોન્સન’ નામના સરકારી મુદ્રકના તંત્રી પદે ‘ધ મદ્રાસ કુરિયર’ નામનું સાપ્તાહિક શરૂ થયું. આ પત્રને ટપાલ ખર્ચ માફ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં ભારતીય વાચકોને લાગતા સમાચારો તેમજ જાહેર ખબરો અને સાહિત્યિક રચનાઓ છપાતી. ત્યાર બાદ ઈ.સ ૧૭૯૫માં મિ.હફિઝે સરકાર પાસે પત્ર શરૂ કરવાની મંજૂરી માંગી પરંતુ ના મળતા મંજૂરી વગર ‘ઇન્ડિયા હોલ્ડર’ નામનું પત્ર શરૂ કર્યું અને એમની ધરપકડ કરવામાં આવી. આમ એ વખતે મદ્રાસમાં પણ ઓછાવત્તે સમાચારપત્રનો આરંભ થઈ ગયો હતો.

મદ્રાસ બાદ મુંબઈમાં અખબારોનો આરંભ ઈ.સ ૧૭૮૮માં ‘બોમ્બે હોલ્ડર’ શરૂ થયું. એના બીજા વર્ષે આજે આપણે જેને ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખીએ છીએ એ ઈ.સ ૧૭૭૯માં લ્યુક અશર્બને ‘બોમ્બે કુરિયર’ તરીકે આરંભ કર્યો હતો અને આજ પત્રમાં પારસી છાપગાર જીજીભાઈએ ગુજરાતી ભાષાના બીબા બનાવી જાહેરાત છપાવી હતી. આમ, તેમણે ગુજરાતી મુદ્રણનો નમૂનો પૂરો પાડ્યો હતો. આ પત્ર ઈ.સ ૧૭૯૮માં રોર્બડ નાઈટનના તંત્રીપદ હેઠળ ‘બોમ્બે ટાઈમ્સ’ થયું અને ઈ.સ ૧૮૧૯માં બોમ્બે ટાઈમ્સ ને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ નામાભિધાન થયું. જે આજે પણ આખા ભારતમાં યશસ્વી સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ ઈ.સ ૧૭૯૧માં ‘બોમ્બે ગેઝેટ’ શરૂ થયું અને તે સરકારી પત્ર બન્યું અને એનું નામ બદલી ’ગવર્મેન્ટ પેપર’ રાખ્યું. બોમ્બેમાં અખબારો બંગાળ તેમજ મદ્રાસ કરતાં ઓછા સફળ થયા. એનું કારણ સમાચારોમાં ઘણી વખતે અપરિપક્વતા હતી. તેમજ સરકારના પોતાના હસ્તગત હતી. આથી મુંબઈના સમાચારપત્રો તે વખતે વધુ પ્રસિદ્ધિ મેળવી શક્યા નહિં.

ભારતમા પ્રાદેશીક ભાષામાં અખબાર પ્રગટ કરવનું બહુમાન પણ અંગ્રેજોને ફાળે જાય છે. ઈ.સ ૧૮૧૮માં વિદેશી માલિકીનું બંગાળી ભાષામાં ભારતનું સૌ પ્રથમ ‘દિગ્દર્શન’ અખબાર પ્રકાશિત થયું. પરંતુ આ અખબાર વિદેશી માલિકીનું હોવાથી આ પત્ર ભારતીય અખબાર બનતું નથી. દિગ્દર્શન રાજકીય શાસનથી ચતુરઈ પૂર્વાક દૂર રહ્યું .આરંભમાં એ ખૂબ ચર્ચામાં રહ્યું અને અઠવાડિક બન્યું હતું. એનું ઈ.સ.૧૮૧૯માં ‘સમાચાર દર્પણ’ નમાંભિધાન થયું અને ઈ.સ ૧૮૪૦મા બંધ પડ્યું.આ અખબારમા હિંદુ વેદાંત, ફિલોસોફી પર વધું આક્રમણ કરતા લેખો છાપાવા લાગ્યા એના પર ચર્ચા કરવા માટે ખુલ્લું આહ્વાન આપ્યું. એ સમયે ૧૧ જેટલી ભાષાઓનું જ્ઞાન ધરાવતા,રાજારામ મોહનરાય, ભારતના પ્રથમ સુધારક, બંગાળનાં નુત્તન યુગના અગ્રધૂત, સાક્ષર અને શિક્ષણ પ્રેમી તેમજ પંડિત જવાહરલાલ નહેરુ એ જેમને ‘ભારતીય પત્રકારત્વના પિતામહ’ તરીકે ઓળખાવે છે. એવા સમાજ સુધારક રાજારામ મોહનરાય આ ચર્ચામાં ભાગ લીધો.

એ પહેલાં રાજારામ મોહનરાય યુરોપિયન અખબારોના સંપાર્કના કારણે મુક્ત પત્રકારત્વના હિમાયતી બન્યા એમણે ‘કલકત્તા જનરલ’ અને ‘ઇન્ડિયા ગેઝેટ’ જેવા પાત્રોમાં પોતાના લેખો લખવાના શરૂ કર્યા હતા. ઈ.સ ૧૮૧૬માં કલકત્તાથી શરૂ થયેલું બંગાલ ગેઝેટ દેશી માલિકીનું પ્રથમ અખબાર હતું. એમના મિત્ર ગંગાધર ભટ્ટાચાર્યએ આ પત્ર શરૂ કર્યું. પણ તેના મૂળમાં ‘રાજારામ મોહનરાય’ પોતે હતા.

રાજારામ મોહમરાયને આ વાતની પ્રતીતિ થઈ ગઈ હતી કે પોતાના સુધારાના વિચારોને લોકો સુધી પહોચડવા માટે અખબારએ અસરકારક માધ્યમ છે. આથી ૪ ડિસેમ્બર ૧૮૨૧ના રોજ ‘સંવાદ કૌમોદી’ સાપ્તાહિકનો આરંભ કર્યો. આ પત્રની માધ્યમથી સતી પ્રથાનો તીવ્ર વિરોધ કર્યો. એમાં બંગાળી બોલચાલની ભાષાનો ઉપયોગ કર્યો, કે જેથી સામાન્ય માણસ પણએ વાત સમજી શકે. આ અખબાર ભારતીય ભાષામાં અને ભારતીય વડે શરૂ થયેલું પહેલું અખબાર હતું. ત્યાર બાદ રાજારામ મોહનરાયે ઈ.સ ૧૮૨૨માં ‘મીરાતુલ-અલ-અખબાર’ પર્શિયન ભાષામાં શરૂ કર્યું. ઈ.સ ૧૮૨૩માં અખબારોના નિયમોના કારણેએ બંધ કરવામાં આવ્યું. આમ, ભારતીય અખબારોમાં બંગાળ અને બંગાળી ભાષા એ ખૂબ મોટો ભાગ ભજવ્યો.

એ જ સમય દરમ્યાન મુંબઈમાં તારીખ ૮ જુલાઈ, ૧૮૨૨ના રોજ એક પારસી ફરદૂનજી મર્ઝબાનને ‘શ્રી મુમબઇનાં શમાચાર’ નામાભિધાન સાથે મુંબઈમાં ગુજરાતી ભાષામાં પ્રથમ અખબાર પ્રગટ થયું. ૧૦×૮ ઇચ કદના ૧૪ પાનામાં પ્રથમ અંક પ્રકાશિત કર્યો. એ સમયે ગુજરાતી ભાષાના નવા સંસ્કાર, શિક્ષણ અને સુધારાની પ્રવૃત્તઓ આ સમાચારપત્રમાં થતી. શરૂઆતમાં સાપ્તાહિક પ્રગટ થતું ત્યાર બાદ ઈ.સ ૧૮૩૨માં દૈનિક સમાચારનું રૂપ લીધું. પરંતુ એ ફાવટ ન આવતા અઠવાડિયાના રવિવાર અને ગુરુવારે પ્રગટ થવા લાગ્યું. ઈ.સ ૧૮૫૫માં ફરી દૈનિક બન્યું અને આજે પણ આ સમાચાર પાત્ર સૌથી જુના અખબારોમાં સ્થાન ભોગવે છે એ એની લોકપ્રિયતાની શાખ પુરે છે.

ત્યાર બાદ ઈ.સ ૧૮૨૬માં કલકત્તા માંથી હિન્દી ભાષાનું પ્રથમ અખબાર જુગલકિશોર શર્મા એ ‘ઉદાત્ત મર્તડ’ પ્રકાશિત કર્યું. ‘ઉદત’નો અર્થ ‘સમાચાર’ અને ‘મર્તડ’ એટલે ‘સૂર્ય’ થાઈ છે. સૂર્યના કિરણોની જેવા સમાચારો. ઈ.સ ૧૭૨૭ ડિસેમ્બરમાં એ બંધ પડ્યું. પરંતુ હિન્દી ભાષાના પ્રથમ અખબારનું બહુમાન આ પત્રએ મેળવ્યું.

આ પ્રકારે ભારતમાં પ્રાદેશિક ભાષાના સમાચાર પત્રો પ્રકાશિત થવા લાગ્યા. ઈ.સ ૧૮૩૨માં બાલશાસ્ત્રી જંભેકરે મરાઠી ભાષામા ‘મુંબઇ દર્પણ’ સમાચારપત્રનો આરંભ કર્યો. બે વર્ષ પછી ઈ.સ ૧૮૩૨માં તમિલ ભાષાનું ‘તમિલ પત્રિકા’ શરૂ થયું. પરંતુ એનો વિકાસ મંદ રહ્યો. એ પછી ઈ.સ ૧૮૩૫માં આંધ્રપ્રદેશમાં તેલગુ ભાષામાં ‘સત્યદૂત’ માસિક પ્રકાશિત થયું. એનો ઉદ્દેશ ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવાનો હતો. ઈ.સ ૧૮૩૩માં રાધાષ્કૃષ્ણ મલ્લિકે અંગ્રેજી-બંગાળી ભાષામાં સપ્તાહિક અખબાર ‘જ્ઞાનવેષણા’ શરૂ કર્યું અને એમણે વિદ્યાકીય વાતાવરણ ફેલાવાનો ખૂબ પ્રયત્ન કર્યો. ત્યાર બાદ ઈ.સ ૧૮૩૫માં લખનૌમાં રાજા અલી બેગે પર્શિયન ભાષામાં ‘સુલતાન અલ-અખબાર’ શરૂ કર્યું. ઈ.સ૧૮૪૬માં કાશીથી પ્રસાદ ઘોષે ‘ હિન્દૂ ઇન્ટેલિજસન્સ’ સામાયિક શરૂ કર્યું.

આમ બંગાળથી આરંભયેલ ભારતીય પત્રકારત્વનો ઇતિહાસ અઢારમી સદીના પૂર્વાધ સુધી યુવાવસ્થામાં દાખલ થઈ ગયો હતો. ધીરે-ધીરે એનો વિકાસ વેગવંતો થતો ગયો. શરૂઆતમાં કંપની સરકાર વિરુદ્ધ તેમજ સરકાર સાથે ચાલતા અખબારોએ બાલ્યાવસ્થામાં ઠીક એવા પ્રયાસો કર્યા. એ માંથી પ્રેરણા લઈ ભારતની પ્રાદેશિક ભાષાઓ એ પણ પોતાનું પોત બાંધવાનું શરૂ કર્યું. આજે જોત-જોતમાં વિવિધ ભાષાઓના અખબારો પ્રગટ થવા લાગ્યા. એ માંથી કેળવણીનો પાયો બંધાયો, સુધારાવાદી અસરો થઈ, ધાર્મિક રૂઢિઓ દૂર થઈ તેમજ લોકો દેશ દુનિયા વિશે વાકેફ થયા. દેશને વિશ્વના ફલક સુધી લઈ જવાનું પ્રથમ માધ્યમ અખબાર બન્યું અને આજે પણ એટલું જ પ્રચલિત અને લોકપ્રિય છે.

સંદર્ભ ગ્રંથ:

  1. સાઠીનાં સાહીત્યનું દિગ્દર્શન, ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
  2. અખબારનું અવલોકન, ડૉ.યાસીન દલાલ
  3. બૃહદ ગુજરાતી શબ્દ કોશ ખંડ-૨, સં. ડૉ.રમેશ મ. શુક્લ
  4. અર્ધશતાબ્દીની અખબારી યાત્રા, યજ્ઞેશ હ. શુક્લ
  5. પત્રકારત્વનો ઈતિહાસ, વિષ્ણુ પંડ્યા અને ડૉ.આરતી પંડ્યા
  6. ગુજરાતી પત્રકારત્વનો પ્રારંભિક ઈતિહાસ, પ્રા.નીતાબેન પરીખ

ગામીત યોગેશભાઈ ઠાકોરભાઈ, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર. મો.૯૬૮૭૦૧૯૭૦૦Email:yogugamit@gmail.com