Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘પ્રેમસૂક્ત’ પ્રેમની નવીનતમ શક્યતાઓ દર્શાવતું કાવ્ય

કવિ હરીશ મીનાશ્રુ હાલમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત કવિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્રિબાંગ સુંદર એણી પેર ડોલ્યા’ છે. ત્યારબાદ તેમની પાસેથી ‘તાંબુલ’, ‘તાંદુલ’, ‘પર્જન્યસૂક્ત’, ‘સુનો ભાઈ સાધુ’, ‘પંખીપદારથ’, ‘શબદમાં જિનકું ખાસ ખબરાં પડી’, ‘બનારસ ડાયરી’, ‘નાચિકેતસૂત્ર’ વગેરે જેવા કાવ્યસંગ્રહો મળ્યા છે. ‘પર્જન્યસૂક્ત’ કવિની અછાંદસ રચનાઓનો મહત્વપૂર્ણ કાવ્યસંગ્રહ છે.

આ કાવ્યસંગ્રહમાં બે ભાગ છે. પ્રથમ ભાગ ‘પ્રેમસૂક્ત’ છે. કાવ્યસંગ્રહનો બીજો ભાગ 'પર્જન્યસૂકત' છે. આ ‘પ્રેમસૂક્ત’માં પ્રેમવિષયક કવિતાઓ સમાવવામાં આવી છે. પ્રેમની સાત્વિકતા આ કાવ્યોમાં પ્રગટતી જણાય છે.

“કપૂરમાંથી કંડારેલો તારો ચહેરો
મારા વ્યાકુળ ખોબામાં ભરી લેવા
હું હાથ લંબાવું છું
અગ્નિની કોમળ શિખાઓની જેમ તગતગી ઊઠે છે
મારી આંગળીઓ
જાસવંતીના ફુલ પરથી ઉઠેલા મધ્યરાત્રીના વાયુમાં
ફૂંકાય છે મન,
નર્યુ એકાંકી
મારી હથેળીની ધારથી તારા હોઠ લગી
વ્યાપી વળ્યું છે શૂન્યનું લાવણ્ય"(‘પર્જન્યસૂક્ત’,પૃ.૩૧)

“પ્રેમ ખિલનવા યહિ બિસેખ
મૈં તો હિ દેખૂં તૂં મોહિ દેખ
ફોક વિધિના સઘળા લેખ
હોય ન જ્યાં તારો ઉલ્લેખ"(‘પર્જન્યસૂક્ત’,પૃ. 3૯)

અહીં પ્રેમની અભિવ્યક્તિની નિરાળી રીત કવિ અપનાવે છે. વિશેષણો અને પ્રતીકોના ઉપયોગ દ્વારા પોતાના પ્રેમવિષયક ભાવોને કવિ આલેખે છે. અહીં ચહેરાને કપૂરમાંથી કંડારેલો દર્શાવ્યો છે. જેને સ્પર્શવા માટે કવિને પોતાની આંગળીઓને અગ્નિ જ બતાવવી પડે ને! આવી વિશેષણોની વિદ્વતા સભર રજૂઆત કાવ્યની શોભા બની રહે છે. વળી કલાપૂર્ણ રીતે પોતાની વાત પણ સર્જક મૂકી શક્યા છે. પ્રેમની પરિભાષામાં જ પ્રેમીઓની જોડ પ્રદર્શિત થતી હોય છે. જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ એ ન્યાયે એકનો ઉલ્લેખ બીજાને આપમેળે ત્યાં દર્શાવતો હોય છે. આવી એકરૂપતા કાવ્યમાં કવિએ સિદ્ધ કરી બતાવી છે. બે પ્રેમીઓના મિલનને પણ સર્જક પ્રેમની પરાકાષ્ઠાની રૂએ કાવ્યમાં રજૂ કરે છે.
“આ
નિબિડ સ્પર્શ શું છે?-
કદાચ અપભ્રંશ દૂરતાનો
આલિંગન માટે ફેલાયેલા બાહુઓ
આકાશમાં ઉમેરી દે છે થોડુંક વધુ આકાશ
આ ચુંબન
રમ્ય આકૃતિ રચે છે
આપણાં જ હોઠનાં શૂન્યની
નીરવ મધ્યરાત્રીને
ચંદ્ર કે ચાંદની જેવી ચેષ્ટાથી પણ
ખલેલ જ પહોંચે છે
ત્યારે
તું કંપિત સ્વરે
પ્રેમનો એકરાર કરવા મથે છે
જ્યારે હું કરતો રહું છું પ્રેમ
અવારૂ
આ ચક્રવાક
અને ચક્રવાકી
મિલનની પળ એ બન્નેવને
ઠેરવે છે એકાકી” (‘પર્જન્યસૂક્ત’,પૃ. ૪૫)

જ્યારે પ્રેમીઓની મુલાકાત થાય છે, ત્યારે પ્રેમ એની ચરમસીમાએ પહોચે છે. એકબીજાના સ્પર્શની અનુભૂતિ અલૌકિક આનંદની અનુભૂતિ કરાવનારી બની રહે છે. તેમની બાહોપાશમાં આકાશને સમાવવાની શક્તિ-સામર્થ્ય પ્રગટે છે. બંનેની પ્રેમક્રિડાઓ આસપાસના વાતાવરણને ભૂલાવી દે છે. તેઓ શું વાત કરી રહ્યા છે? તેનું ભાન ભૂલી જાય છે. અને આ બે અલગ-અલગ શરીરધારી પ્રેમી-પંખીડા છેવટે એક બની જાય છે. આ માટે કવિએ ચક્રવાક-ચક્રવાકીના ઉદાહરણ દ્વારા પ્રેમીઓની પરસ્પરની લાગણી અને ભાવને તાદૃશ્ય કરી બતાવ્યો છે. આ અધ્યાત્મરંગી કવિની પ્રેમવિષયક સંવેદનાઓ પ્રેમની આદર્શતાને દર્શાવે તેવી છે. મિલનની પળની જેમ દૂર રહેવાથી વધતી વિરહવેદનાને પણ કવિ આબાદ રીતે કાવ્યમાં ઝીલે છે.
"ત્વચા ઉપર તો નિરંતર તમારો સ્પર્શ મળે
ને દૂરતામાં તેટલોં પ્રકાશવર્ષ મળે
ઘડે છે વ્યૂહ પ્રેમનો આ સુખડની કાયા
તમારી સાથે હવે નિત્યનો સંઘર્ષ મળે"(‘પર્જન્યસૂક્ત’,પૃ. ૫૦)

મિલનની પળનો પ્રત્યક્ષ સ્પર્શ અને વિરહની વેદનાને મીટર કે કિલોમીટર નહિ પણ પ્રકાશવર્ષ (અવકાશના પદાર્થોના અંતર માપવાનો એકમ)થી દર્શાવી તેનાથી થતી વેદનાને અસરકારક રીતે સર્જકે કાવ્યમાં રજૂ કરી છે. આમ, મિલન-વિરહને દર્શાવ્યા બાદ પ્રેમનું બાહ્યઆકર્ષણ આંતરિક સંવેદનાઓમાં રમવા લાગે છે.
“પ્રેમ
શરીરને વિખેરી નાખે છે
ને એમાંથી ઘડવા મથે છે
પ્રિયતમાનું
અશરીર.” (‘પર્જન્યસૂક્ત’,પૃ. ૫૬)

અહીં શારીરિક આકર્ષણ છેવટે ધીમે-ધીમે સાત્વિકપ્રેમને પામે છે. એવો શુદ્ધ સાત્વિક પ્રેમ જ સાચો પ્રેમ છે.

'પ્રેમસૂક્ત'માં પ્રેમની સાથે પ્રકૃતિનાં તત્વોની પણ માવજતપૂર્ણ ગૂંથણી સર્જકે કરી છે.
"રાત્રિના પાછલા પ્રહરે
આકાશની વાસના એટલી તો
વ્યાકુળ બની ગઈ છે કે
ઝાકળનું શરીર ધારણ કરી
બાઝી પડી છે વસંતવિભોર ત્વચાને” (‘પર્જન્યસૂક્ત’,પૃ. ૩૩)

"દીંટેથી તૂટેલી સાંજ પરે ટપ્પ
એક ટીપું ઝમ્યું કે ઝમ્યો ચાંદ
આજ હવે એકલતા એટલી વધી કે
તને પ્રિયતમ કહું કે કહું ચાંદ"(‘પર્જન્યસૂક્ત’,પૃ-૩૬)

"રિક્ત છિપોલી હું સમુદ્રને પાછી વાળું છું
આભાર ! હું તમારો
નિત્યનો ઋણી છું
મોતીમાંથી હું અલગ તારવી લઉ છું
જળનું બુંદ:
ને વાદળની વસ વાદળને સોંપી દઉં છું"(‘પર્જન્યસૂક્ત’,પૃ. ૪૮)

પ્રકૃતિ અને પ્રેમનું મેળવણ અને તેની કાવ્યમય રજૂઆત પ્રેમને પ્રગાઢ રીતે રજૂ કરે છે. પ્રકૃતિનાં તત્વો પ્રેમની જિકર કરનારાં અને માનવનાં પ્રેમસ્પંદનોને જગાડનાર હોય છે. આકાશ, રાત્રી, ઝાકળ, વસંત જેવા પ્રાકૃતિક તત્વો પ્રેમ વિષયક કાવ્યોમાં આવે એ સ્વાભાવિક છે. પણ અહીં પ્રેમ સાથે એક તાંતણે બાંધીને રજૂ થયાં છે. તત્વો અને પ્રેમસંવેદનો એકરૂપ દર્શાવ્યા છે. દા.ત. ‘ઝાકળનું શરીર ધારણ કરી...’ જેવી કવિતા કવિની કાવ્ય રચવાની આગવી સૂઝના પરિણામે શક્ય બની છે. આવી પ્રેમ વિષયક રજૂઆતમાં શૃંગાર અને સંભોગચિત્રો પણ સર્જકે સંપૂર્ણ સાહિત્યિક પરિભાષામાં રચ્યાં છે.
"તારા
ધનમાત્ર રાત્રી જેવા
શરીર પર
પ્રેમ એક ઘા કરે છે
ને એમાં રોપી દે છે એક બીજા
સવારે એમાંથી જ એક રાતોચોળ સૂર્ય ઉગતો હોય છે !" (‘પર્જન્યસૂક્ત’,પૃ. ૪૯)

અહીં પ્રેમક્રીડાનું નિરૂપણ કવિએ સંપૂર્ણ સાહિત્યિક પરિભાષામાં કોઈપણ વરણાગી શબ્દપ્રયોગ કર્યા સિવાય કર્યું છે. આવી વિદ્વત્તાપૂર્ણ સાહિત્યિક કાવ્યભાત ગુજરાતી કવિતામાં સિદ્ધહસ્ત કવિઓ પાસેથી જ મળી છે અને તેમાંના એક હરીશ મીનાશ્રુ છે.

પ્રેમના વિકાસની ક્રીડાને ક્રમશઃ કાવ્યમાં રજૂ કરી તેની ક્રમિક વિકાસરેખાનો વિષય તરીકે ઉલ્લેખ સર્જકે દર્શાવ્યો છે.
“મારા જ્ઞાનતંતુઓના એકલું લાગે છેડે છેડે ગૂપચુપ ગૂપચૂપ
ટશિયે ટશિયે
ફૂટી નીકળી છે ફૂટડી પાંદડીઓ,
અંબરદોલી ઘાટીલી
ફગફગતી ઝીણીઝિંગોર એની નીલી બારીક
નસનસમાં મારી ઝંખનાનો તેની બી રસો ટ્રેક...
ને પ્રસન્ન થયેલો વનદેવતા
મને એકીસાથે વરદાન આપે છે
વસંતનું -
પાનું” (‘પર્જન્યસૂક્ત’,પૃ. ૩૭)

અહીં પ્રેમની વિકાસ રેખાને વૃક્ષના વિકાસ સાથે સરખાવીને કવિએ બંનેની સામ્યતા સ્પષ્ટ કરી છે. શરૂઆતમાં પ્રેમના ફણગા અને વૃક્ષની પાંદડીઓ તે બંને ભરાવદાર હોય છે. પછી પ્રેમ અને વૃક્ષ પૂર્ણકળાએ ખીલે છે. યૌવનમાં બંને તેની પરાકાષ્ઠા ભોગવતાં હોય છે. તેમાં અધીરાં હોય છે. ત્યાં જ વૃક્ષોને પાનખર અને મનુષ્યને વૃદ્ધાવસ્થાના દરવાજા તરફ પ્રયાણ કરવાનું થાય છે. આવી પ્રેમ અને વૃક્ષના જીવનની એકરૂપતા ઉડીને આંખે વળગે તે રીતે રજૂ થઈ છે.

આ ઉપરાંત કાવ્યસંગ્રહમાં કવિએ ક્યાંક-ક્યાંક સાહિત્યિક વિડંબના દ્વારા કાવ્ય રચવાની તેમની સર્જકપ્રતિભા કામે લગાડી છે. તો એક જગ્યાએ સુરતસંગ્રામનો કિસ્સો કાવ્યમાં રજૂ કર્યો છે. પણ એ વિષયનાં કાવ્યો વિષયથી વિરૂધ્ધ જતાં જણાય છે. ગુજરાતી સાહિત્યની વિડંબના સર્જક દરેક કાવ્યસંગ્રહમાં પ્રયત્નરૂપે લાવવાનો પ્રયત્ન કરે છે તે તેમની મર્યાદા બની જાય છે.

આમ, પર્જન્યસૂક્તનાં કાવ્યોમાં પર્જન્ય અને પ્રેમની રચનાઓ વિષયનિરૂપણની દ્રષ્ટિએ ગુજરાતી કવિતાની શોભા ગણાવી શકાય તેવી કાવ્યકૃતિઓ બની રહે તેવી છે. 'પર્જન્યસૂક્ત'માં શીર્ષક અનુસાર વિષયનું નિરૂપણ કવિની આગવી સૂઝ-સભાનતાથી સંપૂર્ણ કળાકીય રીતે થયેલું છે.

સંદર્ભ પુસ્તકો –

  1. ‘પર્જન્યસૂક્ત’, મીનાશ્રુ હરીશ, ડિવાઇન પ્રકાશન અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૧
  2. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, પ્રસાદ બ્રહ્મભટ્ટ પ્ર. આ. ૨૦૧૦
  3. શબ્દસૃષ્ટિ, ઓક્ટોબર –નવેમ્બર ૨૦૧૧, પૃ. ૨૫૦

અરવિંદકુમાર ડી. ઠાકોર, નિશાળવાળું ફળિયું, મુ-બોર, પો-બાર, તા-વીરપુર, જિ- મહીસાગર. પિન નં.- ૩૮૮૨૬૫ મો. નં . ૯૬૮૭૯૧૧૪૨૦ Email-arvindthakor420@gmail.com