Included in the UGC-CARE list (Group B Sr. No 172)
'હજીય કેટલું દૂર' નવલિકામાં નગરચેતના

યોગેશ જોષી કૃત ' હજીય કેટલું દૂર' નગરમાં વસતા મધ્યમવર્ગીય કુટુંબની હાડમારીને વાચા આપતી નવલિકા છે. વાર્તામાં નિવૃત્તિ પછી દીકરા-વહુ સાથે જીવન વિતાવતા વૃધ્ધ માતાપિતાની લાચાર પરિસ્થિતિનું આલેખન થયું છે. વૃધ્ધ માતાપિતાની સંવેદના વાર્તામાં કળારૂપ પામી છે. વૃધ્ધ મહિપતરાય અને શાંતાબેનનાં પાત્રો દ્વારા સમાજના સૌ માતાપિતાના પ્રશ્નોને લેખકે વાચા આપી છે. આ વાર્તામાં વૃધ્ધ મહિપતરાયના આંતરમનનું આબેહૂબ નિરૂપણ થયું છે. આથી વૃધ્ધ ભાવકો આ વાર્તા સાથે તાદાત્મ્યથી જોડાય છે. દીકરા-વહુ દ્વારા સતત અવહેલના પામતા વૃધ્ધ માતા-પિતાની સંવેદના વાર્તાનો વર્ણ્ય વિષય બને છે. વાર્તાનું વસ્તુ,સંવેદના,અભિવ્યકિત અને ભાષા બધુ જ સાંપ્રત શહેરી જીવનની માયાને ઉજાગર કરે છે.

વાર્તાનું કથાવસ્તુ આ પ્રમાણે છે : વાર્તાનાયક મહિપતરાય રિટાયર્ડ ગાર્ડ છે. રેલ્વે સાથે એમને અતિ લગાવ છે. વાર્તાના આરંભે મહિપતરાયનાં પત્ની શાંતાબેન પુત્રવધૂ પાસે મંદિરમાં મૂકવા પૈસા માગે છે અને પુત્રવધૂનો જવાબ સાંભળી નાદુરસ્ત તબિયતે પણ રેલ્વે સ્ટેશને પેન્શન લેવા નીકળે છે. રેલ્વે સ્ટેશન તરફ ગતિ કરતા મહિપતરાયની સ્મૃતિમાં વાર્તા ગતિ કરે છે. દીકરા-વહુ દ્રારા અપમાનિત અને અવહેલના પામતા મહિપતરાયને ભૂતકાળના સંસ્મરણો ઘેરી વળે છે.

એક વખતનું નજીક લાગતું રેલ્વે સ્ટેશન આજે દૂર લાગવા માંડ્યું છે. જિંદગીનો થાક વરતાવા લાગ્યો છે. પત્નીની ના છતાં તે પેન્શન લેવા નીકળી પડયા છે. પગે ચાલીને તડકો વેઠતાં આગળ વધે છે. એવામાં દીકરા-વહુનો ત્રાસ એમને અકળાવી મૂકે છે. દીકરા-વહુના કડવા વેણને કારણે મૂંગા રહી જીવન જીવવું એમણે મુનાસીબ માન્યું છે. રેલ્વેમાં ગાર્ડ હતા ત્યારે તેઓનો વટ હતો પણ રિટાયર્ડ થયા પછી તેઓ ઘરમાં એક 'ચીજ' માં રૂપાંતરિત થતા ગયા. ઘરમાં હવે એમની કોઇ ગણના થતી નથી.

મહિપતરાયને રિટાયર્ડ થયાને સત્તર વર્ષ વીતી ચૂકયા છે. ગામડે જતા તો સૌ માનપૂર્વક બોલાવતા-આવકારતા પરંતુ પોતાના ઘરમાં તેઓ પોતાની ઓળખ ગુમાવી બેઠા છે. તેમણે જૂની પેટીમાં પોતાનું આઇડેન્ટિ કાર્ડ સાચવી રાખ્યું છે, દીવાનખંડમાં તેમણે ટ્રેન સાથે પડાવેલો ફોટો ટીંગાડેલો છે પરંતુ વહુ "આવા ફોટા ઘરમાં શોભતાં નથી" એવું કહીને ફોટો ઉતરાવી નાખે છે. રિટાયર્ડ થયા પછી એક વખત આઇડેન્ટિ કાર્ડ વગર રેલ્વે મુસાફરી કરી હતી અને મહિપતરાયે દંડ ભરવો પડયો હતો તે પછી આઇડેન્ટિ કાર્ડ જીવની જેમ સાચવે છે. નોકરી દરમિયાનનો અસબાબ આજે રહ્યો નથી એની પીડા એમને કોરી ખાય છે. વહુના મહેણાં-ટોણાંને કારણે તેઓ ઘરડાઘરમાં જતા રહેવાનું વિચારતા પણ પૌત્રી પિન્કીને કારણે ગૃહત્યાગ કરી શકતા નથી.

મહિપતરાય અથડાતા કૂટાતા રેલ્વે સ્ટેશને પહોંચે છે. રેલ્વે સ્ટેશનને જોતાં જ એક પ્રકારનો હાશકારો અનુભવે છે. નોકરીની સુખદ પળોમાં ખોવાઇ જાય છે. વર્તમાનમાં આવતાં જ સુખ મૃગજળ બની જાય છે. વહુને પોતાની રેલ્વેની જૂની પેટી પણ ખટકે છે. ફર્નિચરને ઉધઇ લાગી જશે એમ કહીને પેટી કાઢી નાખવા વહુએ દેકારો મચાવેલો ત્યારે આવેશમાં ખિન્ન અવાજે મહિપતરાયે કહેલું- "હું મરી જાઉં ને, ત્યારે કાઢી નાખજો આ પેટી કે પછી મને ને શાંતાનેય મૂકી આવો ગુજરીમાં" (પૃ.18) ઓફિસમાં પહોંચતા તેમને બીજો કડવો અનુભવ થયો. નવા કર્મચારી તેમને ઓળખવાનો ઇન્કાર કરી દે છે. મહા મહેનતે પેન્શન લઇ ઘર તરફ પાછા વળે છે. શહેરમાં તોફાન ફાટી નીકળ્યાં છે અને કોઇક ન નીકળવાનું સૂચન કરે છે પરંતુ મારી પાસે આઇડેન્ટિ કાર્ડ છે મને કોણ અટકાવશે એવું વિચારી તે કરફયુ હોવા છતાં આગળ વધે છે. સુમસામ રસ્તે આગળ વધતાં ઘર દૂરનું દૂર થતું જાય છે. મહિપતરાયને પોલીસ અટકાવે છે. આઇકાર્ડ બતાવે છે તો પોલીસ "સાલ્લા બુઢ્ઢા હમકો રૂઆબ દિખાતા હૈ ?" કહીને આઇડેન્ટિ કાર્ડ ફાડી નાખે છે અને સ્તબ્ધ બની જોતા રહે છે ત્યાં વાર્તા પૂર્ણ થાય છે.

આમ વાર્તામાં નિવૃત્તિ પછી દીકરા-વહુ અને ઘરથી વિચ્છેદાયેલા વાર્તાનાયક મહિપતરાયની સંવેદના વાર્તાના કેન્દ્ર માં છે. કમાતા હોય ત્યાં સુધી જ દીકરા-વહુને મા-બાપ પ્રિય લાગે તે પછી વસૂકી ગયેલાં ઢોર જેવાં બની જાય છે. ગણતરી-સરવાળામાં પડેલા આજના સંતાનો મા-બાપની કેવી વલે કરે છે તે વાર્તામાં સરસ રીતે સૂચવાયું છે. લાગણીભીના કૌટુંબિક સંબંધોને શહેરી યાંત્રિક સંસ્કૃતિ કેવી ગ્રસી રહી છે તે અહીં વાર્તાકારે નિરૂપ્યું છે.

વાર્તામાં મુખ્ય પાત્ર મહિપતરાયનું છે. એના મન:સંચોલનો કળાત્મકતાથી અભિવ્યકત થયાં છે પણ સાથે સાથે પુત્રવધૂ મીતા અને મહિપતરાયનાં પત્ની શાંતાબેનનાં ચરિત્રો ઓછા શબ્દોમાં છતાં આકર્ષક રીતે ઉઘાડ પામ્યાં છે. શાંતાબેનનું ચરિત્ર વૃધ્ધાવસ્થામાં પતિની સારસંભાળ લેતી આદર્શ પત્ની તરીકે નિરૂપાયું છે. પુત્રવધૂ મીતાનું ચરિત્ર આધુનિક વહુ તરીકે આલેખાયું છે. મીતાને સાસુ-સસરા પ્રત્યે ભાવ નથી. વાતવાતમાં મહેણાં-ટોણાં સંભળાવતી રહે છે.

શાંતાબેન મહિપતરાયનાં પત્ની છે. આંતરિક સમૃધ્ધિ ધરાવતી આ નારી વાર્તામાં કયાંય રાવ-ફરિયાદ કરતી આલેખાઇ નથી. એકનો એક દીકરો રમેશને લાડકોડથી ઉછેરી-પરણાવી એને ઠરીઠામ કરે છે પરંતુ લગ્ન પછી દીકરો વહુનો થઇ જાય છે.વૃધ્ધાવસ્થામાં અભાવની સ્થિતિ નિર્માણ થાય છે છતાં મા હોવાને નાતે કયાય ફરિયાદ કરતી નથી બધુ સહન કરી લે છે. શાંતાબેન વત્સલ નારી છે. નાનપણ માં દીકરાની ખુબ સંભાળ લીધી છે. કેરીની સિઝનમાં ઘરમાં કેરી આવી હોય ત્યારે રમેશનું ઝભલું કાઢી નાખી કેરી ઘોળીને એને ચૂસવા આપતી એમાં શાંતાબેનનું માતૃત્વ પ્રગટે છે. એવો જ માતૃત્વભાવ પૌત્રી પિન્કી પર વરસાવે છે.

શાંતાબેનનાં વ્યકિતત્વમાં ભારતીય નારીના ઉચ્ચ સંસ્કારો પડેલાં છે. પતિ એજ પરમેશ્વરના મંત્ર ને જીવનમાં ઉતારી પતિને જીવનની તડકી-છાંયડીમાં સધિયારો પૂરો પાડયો છે. એ રીતે તેઓ આદર્શ ગૃહિણી બની રહે છે. વૃધ્ધાવસ્થામાંય પતિની પૂરતી કાળજી રાખે છે. રેલ્વેમાં ગાર્ડ તરીકે નોકરી કરતા પતિ રિટાયર્ડ થયા છે. રિટાયર્ડ થયા પછી ઘરમા પતિનું અને પોતાનું માન ઘટતુ જાય છે તેવે વખતે પણ સમતાથી પતિને સાચવ્યા છે. શાંતાબેન ધાર્મિક છે. એક દિવસે વહુ પાસે મંદિરમાં મૂકવા થોડુક પરચૂરણ માંગે છે અને વહુ આપતી નથી ત્યારે મહિપતરાયને લાગી આવે છે અને તાવ આવતો હોવા છતાં પેન્શન લેવા જવા નીકળે છે ત્યારે તે પતિને કહે છે : 'રોજ તાવ આવે છે... અશક્તિ ય કેટલી છે.... જશો નહીં... મારું કહ્યું માનો.... જશો નહીં.' (પૃ.10) પોતાને પૈસાની જરૂર હોવા છતાં પતિના સ્વાસ્થ્ય અંગે તે વિચારે છે તેમાં આદર્શ પત્નીના ગુણો દેખાઇ આવે છે.

ઘરમાં કંકાસ થાય, અશાંત વાતાવરણ ઊભું થાય એવુ તે ઇચ્છતાં નથી વૃધ્ધાવસ્થામાં મહિપતરાય અને શાંતાબેન ધીમે ધીમે દીકરા-વહુથી દૂર હડસેલાતા જાય છે. ઘરમાં વહુનું સામ્રાજય સ્થપાતું જાય છે. બંને મૂંગા મોઢે બધુ સહન કર્યે જાય છે. ઘરમાં હવે એમની નોંધ લેવાતી નથી ત્યારે કયારેક સહન ન થતાં મહિપતરાય વહુને કહેતા- "વહુ, હજી તો હુ જીવતો મૂઓ છું. એમ ના માન... (પૃ.11) તેવે વખતે ' બોલશો નહીં... તમે કંઇ બોલશો નહીં...' એમ કહી ને પતિને શાંત પાડી દેતાં. ઘર માં ઝઘડો થાય એવું તેઓ ઇચ્છતાં નથી.. શાંતાબેનનો સ્વભાવ જ શાંતિપ્રિય છે. શહેરમાં ઓછી આવક માં કરકસરથી કેવી રીતે ઘર ચલાવવું તે શાંતાબેન બરાબર જાણે છે. એક વખત મહિપતરાયે ભાણેજિયાં માટે ગરમ કપડાં નવાં ખરીદી લાવવાની વાત કરી હતી ત્યારે તેઓ માન્યા ન હતાં અને કહે છે- "પૈસા ખરચવાની શી જરૂર ? દરજી બેસાડયો છે તો તમારા કોટમાંથી બંડીઓ કરાવી દઇએ." (પૃ.13) તેમના આ વિચારોમાં બિનજરૂરી ખર્ચ ન કરવાનો સ્વભાવ પ્રગટ થાય છે.

વાર્તામાં બીજુ નારી ચરિત્ર મીતા નું છે તે રમેશની પત્ની છે અને મહીપતરાય-શાંતાબેનનીપુત્રવધૂ છે. લગ્ન પછી સ્ત્રીએ પારકાંને પોતાનાં કરવાના હોય છે પરંતુ મીતા માત્ર પતિને પોતાનો કરી ઘરનું શાસન પોતાના હાથમાં લઇ સાસુ-સસરા ઉપર જોહુકમી ગુજારતી વહુ તરીકે તેનુ નિરૂપણ વાર્તા માં થયું છે. આજની વહુને સાસુ-સસરાની સેવા કરવી ગમતી નથી. આજ સુધી સસરાના પગારમાંથી ઘર સારી રીતે ચાલ્યું છે પરંતુ એમાંથી જ થોડા પૈસા એમના માટે ખર્ચતા જીવ ચાલતો નથી. આખરની તારીખમાં પોતાના માટે મોંઘો પાઉડર ખરીદે છે પરંતુ સાસુને મંદિરમાં મૂકવા થોડું પરચુરણ તે આપતી નથી. અહીં મીતાનો સાસુ તરફનો દ્વેષભાવ પ્રગટ થાય છે.

મીતા સાસુ-સસરાને વાત-વાતમાં મહેણાં-ટોણાં સંભળાવતી રહે છે તે એટલે સુધી કે એમની ચીજ-વસ્તુઓ ઘરમાં હોય એ પણ ગમતું નથી. 'આવા ફોટા ઘરમાં નથી શોભતા' એવું કહીને મહિપતરાયનો ફોટો દીવાનખંડ માંથી ઉતારી લાકડાની જૂની પેટીમાં મૂકી દે છે. પછી તો સસરાની જણસ એવી એ લાકડાની પેટી પણ ફર્નિચરને ઉધઇ લાગશે એવું જણાવી ગુજરીમાં વેચી દેવાનું કહે છે.

"હજીય કેટલું દૂર" વાર્તામાં નગરસભ્યતા અને વિચારભેદને કારણે વૃધ્ધ માતા-પિતાએ જે સહન કરવાનું આવે છે તેનું યથાતથ નિરૂપણ થયું છે. માતા-પિતાએ સંતાનો માટે ગમે તેટલું કર્યુ હોય છતાં વૃધ્ધાવસ્થામાં એમણે એમની દયા પર જીવવું પડે છે તેનો ચિતાર પણ મળે છે. શહેરી સંસ્કૃતિમાં વૃધ્ધોનું વસ્તુમાં થતું રૂપાંતર લેખકે કળાત્મકતાથી નિર્દેશ્યું છે. વાર્તામાં રેલ્વે તરફ મમત્વભાવ ધરાવતા મહિપતરાયની સંવેદના જુદા જુદા પ્રસંગોમાં સરસ રીતે ઉઘાડ પામી છે. કૌટુંબિક કલહ અને રેલ્વેનું વાતાવરણ લેખકે ખૂબીથી અભિવ્યકત કર્યુ છે. પાત્રોના મનોભાવોને આલેખતી ભાષા આસ્વાદ્ય બની છે.

સંદર્ભ

  1. ‘હજીય કેટલું દૂર’: યોગેશ જોષી, નવભારત સાહિત્ય મંદિર, પ્ર.આ.૧૯૯૩
  2. ‘વાર્તાપર્વ’: બાબુ દાવલપુરા, પાર્શ્વ પબ્લિકેશન્સ, પ્ર.આ.૨૦૦૫, પૃ.૧૭૩


ભાવના કે પટેલ,રિસર્ચ સ્કોલર, ગુજરાતી વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ