Included in the UGC-CARE list (Group B Sr. No 172)
લોકપ્રિય સાહિત્ય: સંજ્ઞા અને લાક્ષણિકતાઓ

‘લોકપ્રિય સાહિત્ય' નીતિન મહેતા કહે છે તેમ એક ‘તરલ સંજ્ઞા છે.’ પણ, મારો આશય અહીં આ તરલ સંજ્ઞાને તમારી સમક્ષ થોડીક સ્પષ્ટ કરી તેની લાક્ષણિકતાઓ તારવી આપવાનો છે. સૌથી પહેલા લોકપ્રિય શબ્દની સાદી સમજણ વિવિધ શબ્દકોશમાં કેવી રીતે આપવામાં આવે છે તેની વાત કરીએ.

‘લોકોમાં આદર પામેલું, લોકોને જેને માટે ચાહ હોય તેવું, લોકોને પ્રિય.’ (સાર્થ ગુજરાતી જોડણીકોશ)

‘જનસમુદાયમાં જેણે પ્રેમ ઉત્પન્ન કરેલ હોય તેવું; જનપ્રિય; લોકને વહાલું, લોકોને પ્રિય’ (ભગવદ્ગોમંડલ, ૧૯૫૪)

‘લોકોને પ્રિય; લોકોમાં આદર પામેલું' (મોટો કોશ, ૧૯૯૯)

‘લોકોમાં આદર પામેલું, લોકોમાં ચાહ હોય તેવું’ (બૃહદ ગુજરાતી કોશ-ખંડ બીજો)

ઉપરોકત તમામ સંદર્ભોમાં લોકપ્રિય શબ્દને માટે જે અર્થ કરવામાં આવ્યાં છે તેમાં લોકોની પસંદ તરફ જ વધારે ભાર આપવામાં આવ્યો છે. એટલે સૌથી પહેલી લાક્ષણિકતા લોકપ્રિયની કે લોકપ્રિય સાહિત્યની એ કરી શકાય કે આ પ્રકારનું સાહિત્ય લોકોને પસંદ આવવું જોઈએ. સામાન્ય રીતે સાહિત્યના સૌંદર્યશાસ્ત્રનો જો આધાર લઈએ તો તેમાં પ્રતીક, કલ્પન, ભાષા વૈવિધ્ય, લાઘવ, છંદ, અલંકાર, ચોટ વગેરે અનિવાર્ય ગણાવાય છે પણ શિરીષ પંચાલ ‘સમીપે’ નામના સામયિકમાં જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨ના અંકમાં ‘લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર' એ નામે એક લેખ લખે છે. એનો સીધો અર્થ એ જ થાય કે લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર બાકીના સાહિત્ય કરતાં અલગ પડે એ પ્રકારનું રહ્યું છે. આ અલગ કેવી રીતે પડે છે એ જ સમજાવવાની કોશીશ શિરીષ પંચાલ પોતાના લેખમાં કરે છે. તો મણિલાલ હ. પટેલ ગુજરાતી સાહિત્ય કોશના ત્રીજા ભાગમાં સાહિત્યકૃતિઓને ત્રણ વિભાગમાં વિભાજીત કરે છે. આ ત્રણ વિભાગો આ રીતે છેઃ

 1. કળાત્મક કે સાહિત્યિક કૃતિઓઃ આવી કૃતિઓને વિદ્વાનો, વિવેચક અને સુરુચિસંપન્ન ભાવકોનો નાનકડો વર્ગ સમજી શકે છે. સર્જકની કળા એમાં પરકાષ્ઠાએ હોય છે.
 2. લોકભોગ્ય સાહિત્ય કૃતિઓઃ ભાવકો થોડાક પ્રયાસથી કે પોતાની ઓછીવત્તી કેળવાયેલી રુચિ વત્તા સમજથી આવી કૃતિઓને પામે છે. સર્જકે અહીં સાહિત્યિક ગુણવત્તા સાચવવા સાથે સહજતા અને સરળતા પણ સાચવ્યાં હોય છે.
 3. લોકપ્રિય સાહિત્યકૃતિઃ જેને સામાન્ય વાચક મનોરંજન મેળવવાના આશયથી વાંચે છે એ કૃતિ એના ચિત્તમાં ખાસ ગુણવત્તાની છાપ પાડતી નથી. એ વાંચીને, રાજી થઈને, ભૂલી જવાની હોય છે. (ગુજરાતી સાહિત્યકોશ ભાગ-૩, પૃ. પ૯૭)

આ ત્રણ પ્રકારોની સાથે તેમણે આપેલી પ્રાથમિક સમજને લીધે એ વાત સ્પષ્ટ થાય છે કે સાહિત્યમાં લોકપ્રિય સાહિત્યએ બીજા સાહિત્ય કરતાં અલગ પડતી ધારા છે. મુખ્ય ધારાના સાહિત્યથી આ ધારાને અલગ કરવા માટે તેને આ ‘લોકપ્રિય' એવી ઉપમા લગાડવામાં આવે છે ત્યારે અત્યાર સુધી માત્ર સાહિત્ય તરીકે ઓળખાતી ધારા પોતાનું નામ બદલીને ‘શિષ્ટ’ એવી ઉપમા ધારણ કરી ‘શિષ્ટ સાહિત્ય' જેવું નામ ધારણ કરી લે છે. મારા મતે આપણે જ્યારે શિષ્ટ સાહિત્ય એવું નામાભિધાન કરીએ છીએ ત્યારે ખરેખર આપણે સામે પક્ષે લોકપ્રિય સાહિત્યને શું ‘અશિષ્ટ સાહિત્ય’ ગણાવીએ છીએ? ક્યારેક આ શિષ્ટ સાહિત્યને સ્થાને ‘માન્ય સાહિત્ય’ એવો શબ્દ પ્રયોગ પણ કરવામાં આવે છે ત્યારે પણ પ્રશ્ન તો પાછો એનું એ જ રહે છે કે શું ‘લોકપ્રિય સાહિત્ય’ એ ‘અમાન્ય સાહિત્ય’ છે ? મારો કહેવાનો આશય માત્ર એટલો જ છે કે કોઈ એક ધારાને ચોક્કસ નામાભિધાન આપવાથી સામા પક્ષની ધારાને જ્યારે અન્યાય થતો હોય એવું લાગે ત્યારે શું આવું કરવું યોગ્ય છે? કારણ કે સામાન્ય રીતે જ્યારે આવી કોઈ ધારાઓની વાત નથી આવતી ત્યારે માત્ર અને માત્ર સાહિત્ય એવી સંજ્ઞાથી જ આપણે કામ ચલાવી લઈએ છીએ. તો શું અહીંયા કામ ન ચાલી શકે ? મારા મતે તો ચાલી જ શકે, એટલે હું ‘શિષ્ટ સાહિત્ય' એવી સંજ્ઞા નહીં પરંતુ માત્ર ‘સાહિત્ય' સંજ્ઞા જ આ લેખમાં પ્રયોજીશ.

લોકપ્રિય સાહિત્ય અને સાહિત્ય વચ્ચે હોય એવી એક સંજ્ઞા ‘લોકસાહિત્ય’ પણ છે. આ સંજ્ઞામાં ‘લોકપ્રિય’નો લોક શબ્દ પણ છે અને ‘સાહિત્ય’ તો છે જ. સાહિત્યનો સર્જક પોતાની અનુકૂળતાએ યોગ્ય જણાય એવી રીતે પોતાની લાગણીઓનો વિનિયોગ પોતાના સાહિત્યમાં કરે છે. જ્યારે લોકસાહિત્યની મહત્ત્વની લાક્ષણિકતા એ છે કે આ પ્રકારનું સાહિત્ય વ્યક્તિગત ઊર્મિ નહીં પરંતુ સંઘોર્મિને તાકે છે પણ તેને કોઈ એક ચોક્કસ સર્જક હોતો નથી. જ્યારે લોકપ્રિય સાહિત્યને તેનો પોતાનો એક ચોક્કસ સર્જક તો હોય જ છે પણ એ પોતાની લાગણીઓ કે આવેગોને સાહિત્યમાં સમાવવા કરતાં લોકોને મનોરંજન આપે અને તેમને પ્રિય થઈ પડે તેવા વિષયોને જ પોતાના સર્જનમાં આલેખે છે. આ વાતને સમજવા માટે નીતિન મહેતાના આ શબ્દો જોઈએઃ ‘અહીં લેખક અને વાચક વચ્ચેનો સંબંધ માલનું ઉત્પાદન કરનાર વેપારી અને તેનો ઉપભોગ કરનાર ગ્રાહક જેવો છે. લેખક માલ ઉત્પન્ન કરે છે. વાચક ઉપભોક્તા છે. આ બધા પાછળનું ગણિત સ્પષ્ટ છે. તેનાથી વાચકની રુચિમાં પરિવર્તન લાવવાનો લેખકનો કોઈ ઈરાદો હોતો નથી... શિષ્ટ સાહિત્યની એક સંહિતા છે તો લોકપ્રિય સાહિત્યની અન્ય સંહિતા છે.... શિષ્ટ સાહિત્યમાં સંકુલતા છે, કલ્પના અને વ્યંજના માટેનો અવકાશ છે, અનેક અર્થઘટનની શક્યતાઓ જન્માવવાની શક્તિ છે તો લોકપ્રિય સાહિત્યમાં સરળતા છે, કલ્પના કે વ્યંજના માટેના અવકાશનો અભાવ છે. તે સંકેતોની જટાજાળમાં પડવા માંગતું નથી... આઘાતો આપવા, તાળા મેળવવા, શાશ્વતી સામે ભંગૂરતા સાથે થોડું હળવું મનોરંજન કરી લુપ્ત થઈ જવું તે લોકપ્રિય સાહિત્યનો જાણે કે કાયદો છે. (નીતિન મહેતા, પૃ. ૧૫)

લોકપ્રિય સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓ ગણાવવી હોય તો નીચે પ્રમાણે ગણાવી શકાય.

 1. ધારાવાહિક સાહિત્ય: લોકપ્રિય સાહિત્ય મુખ્યત્વે અલગ અલગ વર્તમાનપત્રો કે સામયિકોમાં પ્રગટ થતું હોય છે. કારણ કે આવા સાહિત્યના વાચકો એકી બેઠકે આખી કૃતિ વાંચવાના બદલે સમયાંતરે પ્રગટ થતાં સાહિત્યને વાંચવાનું પસંદ કરે છે.
 2. દળદાર સાહિત્ય: લોકપ્રિય સાહિત્યની કૃતિઓ મોટાભાગે વિશાળ ફલક પર ફેલાયેલી હોય છે. તેનું કદ ઘણું વધારે હોય છે. મોટાભાગની નવલકથાઓને એકસાથે પ્રગટ કરવી શક્ય ન હોવાથી વિભાગો પાડી તેનું પ્રકાશન કરવામાં આવે છે.
 3. દ્વિપક્ષી વ્યવહારની શક્યતા: લોકપ્રિય સાહિત્ય ધારાવાહિક સ્વરૂપે લખાતું હોવાથી એકાધિક પ્રકરણો પ્રગટ થયાં પછી વાચકોના પ્રતિભાવોના આધારે લોકપ્રિય સાહિત્યનો સર્જક કથામાં વાચકોના વિચારોના આધારે કથામાં ફેરફાર કરતો હોય છે.
 4. સાહિત્યની પરંપરામાં કે સંસ્થાઓ અને પારિતોષિકોમાંથી લોકપ્રિય સાહિત્યની અવગણના થતી હોય છે. સાહિત્યની બેઠકોમાંથી અને સન્માન સમારંભમાંથી પણ લોકપ્રિય સાહિત્યને લગભગ અળગા રાખવામાં આવે છે. ક્યારેક તો એવું પણ લાગે કે લોકપ્રિય સાહિત્યને સાહિત્યકારો પોતાના પ્રતિસ્પર્ધી ગણે છે કે શું ?
 5. તેમ છતાં સરકારી કાર્યક્રમો અને સામાન્ય લોકોની જનમેદની ભેગી કરી થતાં કાર્યક્રમોમાં સાહિત્યકારો કરતાં લોકપ્રિય સાહિત્યકારોની હાજરી વિશેષ જોવા મળે છે. ખાર કરીને લિટરેચર ફેસ્ટીવલ...
 6. શિષ્ટ સાહિત્યકાર લોકપ્રિય બની શકે છે પણ લોકપ્રિય સાહિત્યકારને શિષ્ટ સાહિત્યકાર બનવાની સંભાવનાઓ લગભગ નહિવત જેવી હોય છે. કારણ કે મને એવું લાગે છે કે સાહિત્ય લોકપ્રિય નથી હોતું પણ સર્જક લોકપ્રિય હોય છે. કારણ કે લોકપ્રિય સર્જકનું બધું સાહિત્ય લોકપ્રિય સાહિત્ય અને શિષ્ટ સાહિત્યકાર તરીકે નામના મેળવેલ કોઈક સર્જકનું તમામ સાહિત્ય લોકપ્રિય સાહિત્ય તરીકે ઓળખાવાતું હોય છે.
 7. લોકપ્રિય સાહિત્ય એકવખત વાંચવાનું શરૂ કર્યા પછી તે પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી વાચકને આ સાહિત્ય પોતાની તરફ જકડી રાખે છે. તેમ છતાં વાંચન પૂર્ણ કર્યા પછી આ સાહિત્યમાંથી જીવનબોધ કે શિખામણ જેવું કશું ભાવકને હાથ લાગતું નથી. એટલે આ સાહિત્યને ગલીપચી કરાવતું સાહિત્ય પણ ક્યારેક કહેવામાં આવે છે.
 8. લોકપ્રિય સાહિત્ય સામાન્ય લોકોની સંવેદનાથી નજીક હોય છે. સાહિત્ય જેવા આદર્શો લોકપ્રિય સાહિત્યમાં ન હોવાથી લોકોને આ સાહિત્ય પોતાની તરફ આકર્ષવામાં સફ્ળ રહે છે.
  ‘લોકપ્રિય સાહિત્ય એ મૂડીવાદનું સંતાન છે અને મુખ્યત્વે સમૂહ જોડે સંકળાયેલું હોય છે. સમૂહનું મનોરંજન કરવું એ જ એનું મુખ્ય ધ્યેય છે.’ (નીતિન મહેતા, પૃ. ૧૪)
 9. લોકપ્રિય સાહિત્ય વ્યવસાય કેંદ્રી અને ભાવકકેંદ્રી સાહિત્ય તરીકે પણ ઓળખાય છે.
 10. લોકપ્રિય સાહિત્યની ભાષા એકદમ સાદી, સરળ અને સામાન્ય માણસ સમજી શકે તેવી હોય છે. તેમાં પ્રતીલ, કલ્પન અને વ્યંજનાનો બહુ ઓછો ઉપયોગ થતો હોય છે.
 11. લોકપ્રિય સાહિત્યનો વ્યાપ આજે નવલકથા ક્ષેત્રે વિશેષ રહ્યો છે. ટૂંકીવાર્તા, નિબંધો, કવિતાઓ જેવા વિસ્તારમાં નાના કહી શકાય તેવા સ્વરૂપોમાં હવે તેવું પ્રભુત્વ ઘટતું જાય છે.
 12. આપણે ત્યાં એવી પણ એક ભ્રમણા ફેલાતી જોવા મળે છે કે લોકપ્રિય સાહિત્ય હોય તે સારું ન જ હોય. એક વખતે તો લોકપ્રિય એ ગાળ કહેવાતી તેવું પણ ઘણાં વિદ્વાનોનું માનવું છે. જેમ કે, ‘સાધારણ રીતે આપણે ત્યાં કે અન્ય જગ્યાએ લોકપ્રિય સાહિત્યને વ્યાસપીઠ પર રહી, એક તિરસ્કારયુક્ત, મનોરંજનાત્મક અને છીછરી સંજ્ઞા તરીકે તપાસવામાં અને મૂલવવામાં આવે છે. એ દ્વારા એવું સૂચવવાનો પ્રયત્ન થાય છે કે જે લોકપ્રિય છે તે હલકા વર્ગનું અને નિમ્ન સ્તરનું છે. સાહિત્ય કે કળા વિશેના અમુક નિશ્ચિત માપદંડોમાં એ બંધબેસતું નથી. નિશ્ચિતતા કળાશાસ્ત્રની સીમામાં એ બદ્ધ થતું નથી માટે અસ્વીકાર્ય છે. નીતિ, સુરુચિ, વિધિનિષેધોના નામે સાધારણ રીતે લોકપ્રિય કૃતિઓની વિડંબના કરવામાં આવે છે, એ કૃતિઓને તુચ્છ ગણવામાં આવે છે અને વારંવાર એના સ્તર વિશે અકળામણો પ્રગટ કરવામાં આવે છે.’ (નીતિન મહેતા, પૃ. ૧૩) તો સામે પક્ષે ‘લોકપ્રિય સાહિત્યને જેમ ઉચ્ચભ્રૂ વર્ગ કે મધ્યભ્રૂ વર્ગ સ્વીકારવાની આનાકાની કરી, તેને હલકી કક્ષાનું ગણી, તેની ઉપેક્ષા કરે છે, તેની ઠેકડી ઉડાડી મજાકો કરી કડવા હળવા કટાક્ષો કરે છે તેવી જ રીતે લોકપ્રિય સાહિત્યને માનનારો એક વર્ગ પણ ઉચ્ચ, મહાન, સંકુલ અને અનેક સંકેતો ધરાવતા સાહિત્યને સ્વીકારતો નથી. એમના મતે આ ઉચ્ચભ્રૂ ભદ્ર વર્ગ દંભી અને કૃતક છે.’ (નીતિન મહેતા, પૃ. ૧૪)
 13. લોકપ્રિય સાહિત્યના વિષયો મુખ્યત્વે આ પ્રમાણે હોય છે: પ્રણયકથા, સાહસકથા, કલ્પનાકથા, પૂરાકથા, પરીકથા, જાસૂસીકથા, પરિવારકથા, પ્રેરણાત્મકકથા, ઐતિહાસિકકથા, સ્મૃતિકથા, ભય કે સનસનાટી પેદા કરનારી કથા, હાસ્યકથા, લોકોમાં પ્રિય હોય એવી કથાઓ, ગૂઢ રહસ્યની શોધ, ક્રાઇમ, ચોરી, ખૂન, રોમાંચ, યુદ્ધ, પુખ્ત યુવાનોનું સાહિત્ય, સમકાલીન વાસ્તવ, અતિવાસ્તવ, પરંપરાગત કે પ્રાચીન, વાસ્તવબોધ, અશ્લીલ કે બીભત્સ, ભયાનક, પૂખ્ત વયોની રમૂજ, પ્રતીકાત્મક ગીતકથાઓ, ઐચ્છિક આનંદ, વગેરે.

અંતે શિરીષ પંચાલના આ નિરીક્ષણ સાથે હું મારી વાત અહીં વિરમું છું. ‘તે જે લખે છે તેની પાછળ મોટે ભાગે કોઈ ચોક્કસ પ્રયોજન હોતું નથી, કોઈ પ્રતિબદ્ધતા (અસ્તિત્વવાદથી માંડીને દલિત સાહિત્ય, પ્રગતિવાદી સાહિત્ય) તેની પાસે નથી હોતી. વળી જો તેણે પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવી હોય તો તે કોઈ ચોક્કસ જૂથનું પ્રતિનિધિત્વ કરે છે એવો વહેમ જવો ન જોઈએ. એટલે જ મોટા ભાગે કોમવાદી સંઘર્ષ, વર્ગસંઘર્ષ ધરાવતી સામગ્રીને પસંદગી ન પણ આપે. એક રીતે એમ કહી શકાય કે તેની કૃતિઓ વાસ્તવવાદી ઢાંચામાં ઢાળવામાં નથી આવતી.’ (લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર, પૃ.૫૩)

સંદર્ભ સૂચિ::
 1. પંચાલ શિરીષ. લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર. p. ૫૩.
 2. પટેલ મણિલાલ હ. ગુજરાતી સાહિત્યકોશ ભાગ-૩. ગુજરાતી સાહિત્ય પરિષદ.
 3. ભગવદ્ગોમંડલ. પ્રથમ, પ્રવીણ પ્રકાશન, ૧૯૫૪.
 4. મહેતા નીતિન. લોકપ્રિય અને લોકપ્રિય સાહિત્ય. સર્જક પોતે, ફેબ્રુઆરી-૨૦૦૭.
 5. રતિલાલ સાં. નાયક, editor. મોટો કોશ. ત્રીજી સુધારેલી આવૃત્તિ, અક્ષરા પ્રકાશન, ૧૯૯૯.
 6. શાસ્ત્રી કેશવરામ કા, editor. બૃહદ ગુજરાતી કોશ-ખંડ બીજો. પ્રથમ આવૃત્તિ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ૧૯૮૧.
 7. સાર્થ ગુજરાતી જોડણીકોશ. 5th ed., ગૂજરાત વિદ્યાપિઠ, ૧૯૬૭.

ધોરિયા દિલીપકુમાર રામજીભાઈ, આસિસ્ટન્ટ પ્રોફેસર, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલા, જિ: નર્મદા, ૩૯૩૧૪૫ મોબાઇલ: ૮૦૦૦૨૮૫૧૪૩ ઇમેઇલ: ddhoriya@gmail.com