Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘વિચ્છેદ’: વિચ્છેદનાં બહુવિધ આયામો રચતી વાર્તા

‘હા, મારો પિંડ ગામડામાં ઘડાયેલો છે.’ (પૃ. 4, ‘ઉગલો ડાયમંડ’ જનક રાવલ, પ્રવીણ પ્રકાશન, રાજકોટ. પ્ર.આ. 2019)–આવું કહેનાર વાર્તાકાર જનક રાવલની વાર્તા છે ‘વિચ્છેદ’.

પોતાના નાનકડાં પરિવાર સાથે ગામડામાં સંયુક્ત કુટુંબમાં જીવન વિતાવનાર નાયકને અચાનક જ આ સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત થવું પડે છે અને જે વેદના અનુભવાય છે તે વેદનાની કથા એટલે ‘વિચ્છેદ’. ‘વિચ્છેદ’ શીર્ષક અનેકવિધ આયામોથી, નાયકના-કથકનાં મનમાંથી વાચક-ભાવકના મનમાં પ્રસારણ પામે છે.

વાર્તાકથક-વાર્તાનાયકનાં આત્મકથનથી શરું થતી વાર્તા શરૂઆતથી જ વાચકને વિષયાભિમુખ કરીને પોતાની પકડમાં લઇ લે છે. જુઓ, ‘હું ઘરનો સામાન ઉતારી રહ્યો છું. સામેની શેરીમાં વાતો થવા માંડી, “નવાં રહેવા આવ્યાં...” મારાં પત્ની અને પુત્ર નવી હવાનો હિલોળો ઝીલી રહ્યા છે. મને પારાવાર વેદના થઈ રહી છે.’ (પૃ. 38) દરમિયાન જ ફોટો પછાડાયાની ઘટના, ‘અસંખ્ય તિરાડો પડી ગઈ હતી, પણ બાપાનું મોઢું દેખાતું હતું.’(પૃ. 38) અને ‘કાચની કણી હાથમાં ખૂંચી ગઈ.’(પૃ. 38)માં વેદનાનું પ્રતીકાત્મક સ્તરે આલેખન થયું છે. પછી આવે છે નાયકને નોખા થવા અને શહેરમાં વસવાટ કરવા માટેનો બાપાનો દુરાગ્રહ. નાયક કહે છે, “પણ બાપા એકના બે ન થયા. ઉપરાઉપરી હરરોજ કહેતા: ‘હવે રહેવા જતાં રહો. નોકરીયાતને ગામડાનો મોહ ન રખાય.’”(પૃ. 39) છતાં નાયકનું મન તો માનતું જ નથી. “ભાભાવાળા કુવામાં ધક્કા મારી ભરઉનાળે બપોરે નાહવાની જે મજા આવતી તે મારા દીકરાને પણ આવે એવું હું ઊંડે-ઊંડે ઇચ્છતો, પણ એક દિ’ બાપાએ હદ કરી નાખી. મારો દીકરો લાકડીથી ‘દાદાનો ડંગોરો લીધો’ રમતો હતો ને લાકડીના બે ભાગ થઈ ગયા. પછી બાપાએ વાગ્બાણોનો જે વરસાદ વરસાવ્યો તે સંભારી-સંભારીને રડવું આવે છે. એક વાક્યે મારું હૃદય ચીરી નાખ્યું: ‘કોઈ હિસાબે અહીંથી ટળો! બરાડા પાડી-પાડી કહું છું કે જુદા થાવ, પણ ટળતાં જ નથી!” આ ‘ટળો’એ મને ભાંગી નાખ્યો. લાગી આવ્યું.’ (પૃ. 39)પરિણામ, નાયકનો નગરનિવાસ. જ્યાંથી આ વાર્તા આરંભાઈ છે.

વાર્તાને એના આસ્વાદખાતર ક્રમશઃ નીચેના પરિમાણોમાં વહેંચી અભ્યાસી શકાય:

(1) સ્થળ ‘વિચ્છેદ’નું પરિમાણ:

આપણા સમયની એક મોટી સમસ્યા એટલે નોકરી-ધંધા માટે કે બાળકોના અભ્યાસને લઈને વખાના માર્યા ગામ છોડી નગરમાં વસવાટ કરવો. આવાં સ્થળ વિચ્છેદને લીધે (અ.) વતન ‘વિચ્છેદ’(બ.) બાળપણનાં સ્થળો સાથેનો ‘વિચ્છેદ’ (ક.) ઘર ‘વિચ્છેદ’-એવાં ત્રણ સ્તરે નાયકનાં મનમાં જે ભાવ-સંવેદનો જન્મે છે તે જોઈએ:

(અ)વતન ‘વિચ્છેદ’નું પરિમાણ:
વાર્તામાં પ્રથમ સ્તર પર વર્ણવાઈ છે વતન-ગામવિચ્છેદની વેદના. નાયક બંને સ્થળવિશેષો(નગર અને ગામ)ની તુલના દ્વારાઆ વેદનારજૂકરે છે. જુઓ:

 1. ‘મારા ગામની ભવ્ય શોભા મને અહીં ગલી કૂંચીમાં, સપાટ સડક પર ક્યાંય ભળાશે નહીં.’(પૃ.40)
 2. 'ડૂસકાં ભરતું ગામ યાદ આવે ને લાચાર બની જઉં. થાય કે હું દીકરી નથી ને મને ગામે વળાવ્યો...’(પૃ. 40)
 3. ‘રામાપીર ને મહાદેવની આરતીમાં જ્યોતનું દર્શન અહીં નહીં થાય!’(પૃ. 40)
 4. ‘મારું ગામ હોય તો આવા પ્રસંગે ઘરનાં સભ્યોને છૂટા પડવા જ ન દે.(પૃ. 41)
 5. ‘મારા ગામમાં શેરીના નાકે ઢબો લીમડો ઘટાદાર.’(પૃ. 41)
 6. ‘અરે, ગામમાં મકનો ને બળિયો બે જણ જોરદાર.’(પૃ. 41)

ઉક્ત ઉદાહરણોમાં નાયકનો ગામઝૂરાપો-ગામપ્રેમ અને એને લીધે અનુભવાતી વિચ્છેદની પીડા સ્પષ્ટ દેખાઈ આવે છે. જેને કારણે નાયક અંદરને અંદર સોરાય છે.

(બ)બાળપણનાં સ્થળો સાથેનાં ‘વિચ્છેદ’નું પરિમાણ:

વાર્તામાં વતનવિચ્છેદને લીધે બીજા સ્તર પર ગામ સાથે જોડાયેલા બાળપણનો અને બાળપણ સાથે જોડાયેલા અનેકવિધ સ્થળોનો પણ વિચ્છેદ અનુભવાય છે, જુઓ:
 1. ‘આ ગામમાં જન્મ્યો, મોટો થયો. નિશાળમાં ભણ્યો. મોઈ-દાંડીયે રમ્યો. લખોટીથી માછલીદાવ, બોરના ઠળિયાથી ગબ્બીદાવ, કલ્લા-દુલ્લા, ઝાલકોદાવ, પીપરવાળાની પાછળ મીનકુંડો દાવ, જાળિયા ધરામાં કોશિયો મારી ભફાંગ કૂદકા માર્યા. ગડીમાં દારુ ભરી ફટાકડા ફોડ્યા. ઢબા લીમડા પાસે ગાય-ભેંસના પોદળા પલાળી ઇસલા, બુધિયા, મેનિયા સાથે ધુળેટીમાં આળોટ્યો.’(પૃ. 39)
 2. ‘સાંજે કીડિયારું પૂરવા જઈએ કે ચબૂતરે જાર લઈ જઈએ,...’(પૃ.40)
 3. ‘શિયાળાની રાતે વાળુ કરી બજારમાં બેઠક ભરાય.’(પૃ. 40)
 4. ‘સાંજની બેઠકમાં હીરા, ખેતી, વૈદું, શિક્ષણ, રાજકારણ, લગ્ન, મરણ, વિદેશ, ભૂકંપ, કાલા-કપાસની વાતો થાય. ઉછીના લીધેલાની ઉઘરાણી થાય. શરતો લાગે.’(પૃ. 40)
 5. ‘મારા ગામમાં શેરીના નાકે ઢબો લીમડો ઘટાદાર.’(પૃ. 41.)

ઉકત ઉદાહરણોમાં ગામ વિચ્છેદને પરિણામે તે ગામમાં વિતાવેલ બાળપણ સાથે જોડાયેલ સ્થળોના વિચ્છેદની વેદના વર્ણવાઈ છે જે આમ આડઉત્પતિ છે પણ એને લીધે ‘વિચ્છેદ’ કારમો બને છે.

(ક)ઘર ‘વિચ્છેદ’નું પરિમાણ:

ગામથી વિખુટો પડતો નાયક ‘ઘર’થી વિખુટો પડે છે એમ નહીં પરંતુ ઘરથી વિખુટો પડતો નાયક ગામથી વિખુટો પડે છે, એમ કહેવું જોઈએ. એ ત્રીજું સ્તર છે જે નાયકના મનનાં આ ઝૂરાપાને ઘેરો ઘૂંટે છે. જુઓ:
 1. ‘ઘરથી જુદાં રહેવાનો મારો પહેલો પ્રસંગ છે. આમ તો હંમેશાં બોટાદ જ આવું, પણ સાંજે ઘરભેળા.’(પૃ. 38)
 2. ‘મનમાં થતું કે “બાપુજી, તમને જે ખોબા જેવડું લાગે છે તે મારા માટે ‘રાજમહેલ’ છે. આ ફળિયા વચ્ચે લીમડા નીચે જે ઊંઘ આવે છે તે દુનિયાના કોઈ છેડે ન આવે!’(પૃ. 39)
 3. ‘મારે સામાન તો વધારે કશો લેવાનો ન હતો. છકડામાં ચોપડા, ઠામડા, ગોદડાં લઈ તે જ દિવસે મિત્રોને ગળે માથું નાખી આવ્યો ઈ આવ્યો, પણ એક ક્ષણ એવી જતી નથી, મારાં ઘર-ગામ યાદ ન આવ્યાં હોય!’(પૃ. 39)
 4. ‘અહીં ઘરની અંદર કે બહાર ક્યાંય ગમતું નથી. અઘોરી જેવી દશામાં જીવી રહ્યો છું.’(પૃ. 39)

‘વિચ્છેદ’નું કેન્દ્ર ‘ઘર’ છે. ‘ઘર’ છૂટતાં અન્ય સ્થળો છૂટે છે. એનાં કેન્દ્રમાંથી બાળપણના સ્થળો અને વતનનાં વિવર્તો સર્જાય છે.

(2) સંબંધ ‘વિચ્છેદ’નું પરિમાણ:

વાર્તામાં પ્રથમ પરિમાણને લીધે બીજું પરિમાણ સર્જાય છે. પ્રથમ પરિમાણ છે, ‘સ્થળ’ વિચ્છેદનું. જે બીજા ‘સંબંધ’ વિચ્છેદનાં પરિમાણને જન્મ આપે છે. ‘સંબંધવિચ્છેદ’ને લીધે (અ.) ગ્રામજન ‘વિચ્છેદ’ (બ.) ભેરુબંધ ‘વિચ્છેદ’ (ક.) કુટુંબ-પરિવાર ‘વિચ્છેદ’-એમ અન્ય પેટા વિચ્છેદ સ્તરો ઉપસે છે.
 1. ‘મને થયું કે કોઈ રીપોર્ટની જરૂર નથી. ઘર-ગામનો એકાદ જણ મળી જાય તો સાતે કોઠે દીવા થાય!’(પૃ. 40)
 2. ‘મીઠા આવકાર ભરેલા ચહેરા અહીં ક્યાંય નહીં જડે.’(પૃ. 40)

આ પરિમાણોને આધારે વાર્તાકારે સુંદર રીતે આલેખેલો ‘સંબંધઝૂરાપો’ પણ માણવા-પ્રમાણવા જેવો છે, જુઓ:

(અ) ગ્રામજન ‘વિચ્છેદ’નું પરિમાણ:

ગામ છૂટતાં ગ્રામજનોનો વિચ્છેદ નાયક-કથકને કવરાવે છે. અહીં પ્રથમ સંબંધનું બહુ જાડું પરિમાણ ઉમેરાય છે.
 1. ‘આંબા ભરવાડ ઘેલા શાહની વાત માંડે એ જ અમારો રીપોર્ટ!’(પૃ.40)
 2. ‘અહીં સમજુમા ક્યાંથી હોય કે મારા દીકરાને સિંહ-વરુની વાર્તા કહે?’(પૃ. 40)
 3. ‘હમણાં ગામના બાવાજીની દીકરીનાં લગ્ન કર્યા. આખું ગામ ખડે પગે રહ્યું. દીકરીને સવા સો સાડીઆણામાં આપી. જાનૈયા તો છક થઈ ગયા. ઢોલીએ પણ મન મૂકીને વગાડ્યું. વરઘોડા વખતે તેણે જાનૈયાને કહ્યું: “બાપલા! પૈસા નોં નાખતા. પૈસા તો ગામના ઘણાય આપે છે. આ અમારા ગામની દીકરી છે. અમારી દીકરીને તમો દીકરી તરીકે સાચવજો!”(પૃ. 40)
 4. ‘ડૂસકાં ભરતું ગામ યાદ આવે ને લાચાર બની જઉ. થાય કે હું દીકરી નથી ને મને ગામે વળાવ્યો... દીકરીને મળવા જવા ભાઈને મોકલે, પણ મને મળવા તો કોઈ નથી આવતું! આ કળને મારે ક્યા મલમે મટાડવી?’(પૃ.40)
 5. ‘મારા ગામમાં શેરીના નાકે ઢબો લીમડો ઘટાદાર. ભગતે ઉછરેલો...વચ્ચે લીમડો બિચારો આડો આવતો’તો! તે કાપવા મજૂર કર્યા. શેરીમાં રહેતાં ઉજીમાને આ વાતની ખબર પડતાં સા’બ પાસે જઈ ખોળો પાથરી કરગરતાં આજેય દેખાય છે: “એ સા’બ! આ ઢબો લીમડો મારા ઝીણાના બાપાએ વાવ્યો’તો. તમને બહુ પાપ લાગશે, સા’બ! મારો જીવ લઈ લ્યો, પણ આ ઝાડવું નો કાપો! નો કાપો!”(પૃ. 41)
 6. ‘અરે, ગામમાં મકાનો ને બળીયો બે જણ જોરદાર. દવાખાનું ન થવા દીધું. ગમે તેવો તાવતરિયો, ઉંટાટિયો, ટાઇફોઇડ, છાતીનો મૂંઝારો કેમ ન હોય, એની એક પડીકીએ રોગ જાય ભાગતો જાળિયા ધરા ભણી!’... કોઈના પૈસા ન લે. ખાલી એટલું જ કહે: “વાળુંટાણે કૂતરાને બે રોટલા નાખી દેજે.” (પૃ. 41)

લોહીની સગાઇ કરતાં પણ વધારે મહત્વની હોઈ એવી લાગણીની સગાઈઓનો ઝૂરાપો નાયકને નગરના સ્વાર્થ મિશ્રિત સંબંધોમાં ગૂંથાવા દેતો નથી.

(બ) ભેરુબંધ ‘વિચ્છેદ’નું પરિમાણ :

આ સંબંધોમાં સૌથી વિશેષ સ્મરણ થાય છે, બાળભેરુઓનું. વતન-ગામ સાથે સંકળાયેલ મોટી જણસ કે જેને નગરવાસને કારણે ત્યજવી પડી છે.
 1. ‘ઢબા લીમડા પાસે ગાય-ભેંસના પોદળા પલાળી ઇસલા, બુધિયા, મેનિયા સાથે ધુળેટીમાં આળોટ્યો.’(પૃ. 39)
 2. ‘ઉગલો તો ઠળિયા સાથે ત્રીસ ખજૂર ઝાપટી જાય. એ આત્મીય જન હવે ક્યાં મળે?’(પૃ. 40)

ઘરના ‘વિચ્છેદ’ની આ પણ એક આડપેદાશ છે.

(ક.) કુટુંબ-પરિવાર ‘વિચ્છેદ’નું પરિમાણ:

ઘર ‘વિચ્છેદ’ની વેદનાથી પ્રભાવિત થતું ખૂબ નજીકનું પરિબળ પરિવારનું છે. ભેરુબંધો અને ગ્રમાંજનોથી આ પરિબળ વધુ ગાઢ છે. આથી એની અસર પણ ગાઢ છે.
 1. ‘વસ્તીમાં જતાં શીખવાડ્યું તે દાસદાદાની ઘડી હવે ન આવે!’(પૃ. 43)
 2. ‘મારાં સ્વજનો મને ઘેરી વળ્યાં છે. રડ્યા કરું છું.’(પૃ. 43)
 3. ‘દીવાનો પ્રકાશ એક તરફ મારાં માતાપિતા પર પડે અને બીજો ભગવાનના ફોટા પર. મને થતું કે ક્યા ભગવાન છે-સામે ફોટા પર રહેલા તે કે મને આ પગે લગાડી રહ્યાં છે તે?’(પૃ. 43)
 4. ‘મારા ભણતર પાછળ કેટકેટલું બા-બાપાએ વેઠયું!’(પૃ. 43)

અહીં લોહીનો સંબધ છે એવા પરિવારજનોની ગેરહાજરી નગરવાસને, નાયક માટે કારમો બનાવે છે.

(3.) વ્યક્તિ ‘વિચ્છેદ’નું પરિમાણ:

અહીંથી વાર્તા કેન્દ્ર તરફ ગતિ કરતી વરતાય છે. હવે વાર્તાસિદ્ધિ કરાવાતાં અંતિમ ત્રણ પરીમાણો ઘાટ્ટા બને છે. જેમાં (અ.) સ્વજન ‘વિચ્છેદ’ (બ.) પિતૃ ‘વિચ્છેદ’ (ક.) માતૃ ‘વિચ્છેદ’ એમ ત્રણ સ્તરો છે.

 1. ‘એય રૂપાળાં બા-બાપુજી, ભાઈ-ભાંડુઓ, ભાઈબંધો ને મારી શેરીનાં ટાબરિયાં જોવા મળે એટલે રાજીના રેડ થઈ જવાય.’(પૃ. 38)

વાર્તામાં અહીંથી એક વર્તુળ રચાય છે. વાર્તા જ્યાંથી આરંભાઈ હતી એ ઘટનાની લગોલગ આપણને વાર્તાકાર લાવી દે છે.

(અ.)સ્વજન ‘વિચ્છેદ’નું પરિમાણ:
 1. ‘જગત જીવવા જેવું તો જ લાગે જો સ્વજન પ્રત્યે અતૂટ પ્રેમ હોય.’(પૃ. 41)
 2. ‘મારાં સ્વજનો મને ઘેરી વળ્યાં છે. રડ્યા કરું છું.’(પૃ. 43)
 3. ‘મારા કાકાએ દફતર ડોકમાં નાખ્યું. મને ખભે બેસાડ્યો. એક હાથે મારા બાપને પકડી રાખી નદી પાર કરાવી.’(પૃ. 42)

ઘરનાં સ્વજનોનો હિજરાટ અહીં બોલકો બનીને પડઘાય છે. નગરમાં નથી સોરવતું એનું મુખ્ય કારણ વાચકને હાથવગું થાય છે. હવે વ્યકિત સાથેનાં લગાવ ઉપસે છે. એ વ્યકિતઓ કે જેનો સંબંધ ‘ઘર’ સાથે સીધો જ જોડાયેલો છે.

(બ.) પિતૃ ‘વિચ્છેદ’નું પરિમાણ:

‘વિચ્છેદ’ વાર્તા અને ‘વિચ્છેદ’ની અનુભૂતિનું મુખ્ય પરિબળ પિતાનું પાત્ર છે. અનેકવાર એનો ઉલ્લેખ વાર્તામાં થયો છે. વિચ્છેદનો આરંભ, મધ્ય અને અંત પિતાજી જ છે. જુઓ:
 1. ‘મને થતું: “બાપા, તમને ન ગમે તેમ મને પણ તમારા વગર કેમ ગમે?”(પૃ.39)
 2. ‘બાપાનો પ્રેમ અનહદ...મને જોઈ બાપા તો રડી પડેલા.’(પૃ. 42)
 3. ‘મારા દીકરાને છાતીએ વળગાડી એનો વાંસો પસવારું છું, પણ મારો વાંસો પસવારતો બાપનો હાથ?’(પૃ. 44)

વાર્તાના પ્રારંભથી જ નાયક પિતાથી દૂર થવા ઇચ્છતો નથી. જે અનેકવિધ સ્થળે પ્રતીકાત્મક રીતે વર્ણવાયું છે.

(ક.)માતૃ ‘વિચ્છેદ’નું પરિમાણ:

‘વિચ્છેદ’નો પિતા જેવો જ બળુકો હિજરાટ, માથી દૂર થયાનો છે. સ્વજનોમાય પિતા અને માતાનો હિજરાટ નાયકને સાવ પાંગળો બનાવી દે છે. પત્ની અને પુત્રની સામે એ રડી પડે છે.
 1. ‘મારાં બા ફાનસના અજવાળે મોટાંબાના ખાટલા પાસે બેઠેલાં. મને જોતાં જ “આવી ગ્યો, ભાઈ?” આંસુ દડદડ.’(પૃ. 42)
 2. ‘રાતે દોઢે ને સાડાત્રણે કહું તો સાડાત્રણે વાંચવા માટે જગાડે. ચા પિવારાવે. હું ઊંઘી ન જઉ તે માટે માળા ફેરવે. શો અનહદ પ્રેમ બાનો! મને નસકોરી ફૂટે તો માગીભીખીને કાળી ધરાખ ખવરાવે. મારા માટે ચા-દૂધની બાધા રાખે. પાસ થઇ ગયો સાંભળી આખા ગામમાં વખાણ કરે. આખું જગત તેમના આનંદમાં સમાઈ જાય. ઈન્ટરવ્યૂ વખતે છાનામાના ભાડા માટે પૈસા આપે! અને નિરાશ થયેલો જુએ તો આશ્વાસન પણ એ મા આપે.’(પૃ. 43)
આમ, મુખ્ય ત્રણ સ્તરો પર અને પેટા ત્રણ-ત્રણ સ્તરો પર આખીય વાર્તા આબેહૂબ રીતે ગતિ કરે છે.અંતે આ આખી વાર્તાઘટનાને એક આકૃતિની મદદથી સમજીએ:


અનિરુદ્ઘસિંહ ગોહિલ, 'ઉપનિષદ', પ્લોટ નં. ૪૩/બી, ગૌરીશંકર સોસાયટી, જવેલ્સ સર્કલ, ભાવનગર. મો. : ૯૮ર૪૬૮ર૯૪૯ / ૯૬ર૪૬૪ર૯૪૯ ઈમેઇલ: aniruddhsinh.gohil1976@gmail.com