Included in the UGC-CARE list (Group B Sr. No 172)
આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં મૂલ્ય શિક્ષણ

પ્રસ્તાવના :

પ્રાચીન ભારતીય સાહિત્યમાં વૈદિક સાહિત્યની પ્રથમ ગણના થાય છે. વૈદિક સાહિત્યમાં વેદ અર્થાત્ સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ (વેદાંત) નો સમાવેશ થાય છે. તદુપરાંત વેદના અભ્યાસ માટે આવશ્યક એવા વેદાંગનો પણ સમાવેશ થાય છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ આમ છ વેદાંગોમાં કલ્પ વેદાંગ અન્તર્ગત ગૃહ્યસૂત્ર, શૂલ્વસૂત્ર, ધર્મસૂત્ર અને શ્રૌતસૂત્ર એમ ચાર પ્રકારના સૂત્રગ્રંથોનો સમાવેશ થાય છે. બાહ્ય સંસ્કારો અર્થાત્ ગર્ભાધાનથી વિવાહ સુધીના સંસ્કારો સ્માર્ત કે ગૃહ્ય સંસ્કારો પણ કહેવાય છે, આથી આ સંસ્કારો વિશે માહિતી ગૃહ્યસૂત્રોમાં પ્રાપ્ત થાય છે, જ્યારે યજ્ઞો એ શ્રૌત સંસ્કાર હોવાથી શ્રૌતસૂત્રોનો વિષય બને છે. ઉપરોક્ત વિષય સંદર્ભે આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં મૂલ્ય શિક્ષણ વિશે વિચારીશું.

વિષયપ્રવેશ :

સામાન્યતઃ ગૃહ્યસૂત્રોમાં મનુષ્ય જીવનનાં વિવિધ સંસ્કારોનું વર્ણન જોવા મળે છે. સામાન્યતયા વિવિધ સ્મૃતિગ્રંથો તથા શાસ્ત્રોમાં ૧૬ થી ૪૦ સુધીની સંસ્કારોની સંખ્યા જોવા મળે છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજ ૧રની સંખ્યા દર્શાવે છે, અંગિરા ૠષિ રપની સંખ્યા જણાવે છે, તો વળી શિલ્પશાસ્ત્ર તથા ભગવદ્‌ગોમંડળમાં સંસ્કારોની સંખ્યા ૧૬ની જ હોવા છતાં તેમાં દર્શાવેલા નામોમાં વૈવિધ્ય જોવા મળે છે. આમ સંસ્કારો તરીકે સૌથી વધુ પ્રચલિત સંખ્યા ૧૬ની છે, એ સંખ્યામાં પણ અનેક મતમતાંતરો જોવા મળે છે.

આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં વિવિધ સંસ્કાર તથા વિધિ :

આ ૧૬ સંસ્કારો પૈકી આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં યજ્ઞોપવીત (ઉપનયન), વિવાહ, સીમન્તોન્નયન, પુંસવન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાસન, ચૌલ વગેરે સંસ્કારોમાં રહેલ વિધિનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. તદુપરાંત નિત્યકર્મલોપપ્રાયશ્ચિત્ત, પવિત્રસંસ્કાર, પ્રોક્ષણીસંસ્કાર, આજ્યસંસ્કાર, હોમપાત્રસંસ્કાર, ગોદાનકર્મ, ગૃહનિર્માણ તથા ગૃહપ્રવેશ, ઈશાનબલિ, માસિશ્રાદ્ધ વગેરે નિત્યકર્મોક્ત વિધિનો પણ ઉલ્લેખ જોવા મળે છે.

આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં વિવિધ સંસ્કારો તથા વિવિધ નિત્યકર્મોનો વિધિ દર્શાવેલો છે. જે અંતર્ગત વિધિનો ક્રમ, વિધિ દરમ્યાન વિધિ કરનારના મુખની દિશા, તેનું પવિત્રીકરણ, યોગ્યતા–અયોગ્યતા, નક્ષત્રવિશેષ, કાલવિધિ, વિવાહ સંસ્કારમાં વર તથા વધૂનાં ગુણો, પાણિગ્રહણ, સપ્તપદી, કન્યાગૃહપ્રવેશ, ઉપનયન સંસ્કારમાં ક્ષુરકર્મ, દણ્ડધારણ, મેખલાધારણ, વગેરે બાબતોનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે.

વિવિધ સંસ્કારોમાં મૂલ્ય શિક્ષણ :

जन्मना जायते शूद्रः संस्कारात् द्विज् उच्यते | મનુષ્ય જન્મથી સંસ્કારી હોતો નથી, તેને સંસ્કરણની પ્રક્રિયા દ્વારા સુસંસ્કૃત કરવો પડે છે. ભોજન તૈયાર કરવાની પ્રક્રિયામાં પણ અનેક સંસ્કારની થયા બાદ ભોજન તૈયાર થાય છે. ઉદા. ઘઉં પર પણ અનેક સંસ્કાર થયા બાદ તેનો સંગ્રહ કરવામાં આવે છે. તે જ રીતે તેના પર અનેક સંસ્કરણની પ્રક્રિયા થયા બાદ તેમાંથી રોટલી બને છે, જેનો આપણે આહાર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આ જ પ્રકારે મનુષ્યના બારામાં સંસ્કારની પ્રક્રિયાનું મહત્ત્વ છે. મનુષ્ય જન્મતાંની સાથે જ અનેક ગત જન્મના સંસ્કારો, મનોવલણો, ગ્રન્થિઓ, લાગણીઓ, ભાવનાઓ વગેરે સાથે લઈને આવે છે. વિવિધ સંસ્કારો મનુષ્યમાં શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક બાબતોને જાગૃત કરે છે. Every sole is potentially divine. એ સ્વામી વિવેકાનન્દના કહેવા મુજબ પ્રત્યેક મનુષ્ય પોતાની કંઈ ને કંઈ સારી બાબતોને સાથે લઈને જ આવે છે, પરંતુ આવશ્યકતા છે માત્ર તે સારી બાબતોને ઉજાગર કરવાની. આ સારી બાબતોને ઉજાગર કરવાનું દૈવી કાર્ય આપણી સંસ્કૃતિ માં રહેલાં વિવિધ સંસ્કારો કરે છે.

સંસ્કાર શબ્દને વ્યાકરણની દષ્ટિએ જોઈએ તો તેમાં ' कृ ' ધાતુ છે અને ' सम्‌ ' એ ઉપસર્ગ છે, તેને ' धञ् ' પ્રત્યય લાગવાથી સંસ્કાર શબ્દ બને છે. જેનો અર્થ શુદ્ધ કરવું, પવિત્ર કરવું, સંસ્કરણ કરવું એવો થાય છે. વિવિધ સંસ્કારોથી મનુષ્ય સમાજમાં દીપી ઉઠે છે. ૧૬ સંસ્કારોમાં ગર્ભધારણથી લઈને સીમન્તોન્નયન સુધીના સંસ્કારો સ્ત્રી પર થાય છે, જાતકર્મ સંસ્કારથી લઈને ઉપનયન સંસ્કાર સુધીના સંસ્કાર દરમ્યાન બાળકની બુદ્ધિ પુખ્ત ન હોવાથી આ સંસ્કારોમાં તેના માતા–પિતા તેની સાથે જોડાય છે, જ્યારે ઉપનયન સંસ્કાર બાદ સમાવર્તન સંસ્કાર સુધીના સંસ્કાર આચાર્યની સાથે બટુકની સમજણપૂર્વકની ભાગીદારીથી થાય છે. વિવાહ એ પુખ્તવયના અને વિવેક બુદ્ધિવાળા યુવક–યુવતીના સંસ્કાર છે અને તેમાં વડીલોનો હસ્તક્ષેપ હોતો નથી. બન્ને પાત્રોની યોગ્યતા અને કુળ–ગોત્ર વગેરે જાણી સંબંધ નિશ્ચિત કરવામાં આવે છે.

નિષ્ક્રમણ સંસ્કારમાં રહેલું મૂલ્ય શિક્ષણ :

નિષ્ક્રમણ અર્થાત્‌ બહાર લઈ જવું. જન્મ બાદ સૌ પ્રથમ વખત સંતાનને ઘરની બહાર કોઈ ઇષ્ટદેવના મંદિરે લઈ જવામાં આવે છે. ત્યાં પ્રભુની સમક્ષ પ્રભુના ચરણોમાં તેનું મસ્તક ઝૂકાવી તેનું નાક પ્રભુના ચરણોમાં ઘસવામાં આવે છે. ત્યાર સુધી સંતાનના પિતા સંતાનનો ચહેરો જોતાં પણ ન હતાં અને બાળકે અન્ય લોકોના વિવિધ અવાજથી દૂર રાખવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે બાળકના મન અને બુદ્ધિ પર તેની ઘણી મોટી અસર થતી હોય છે. બાળકના વિકાસના સંદર્ભમાં વિચારીએ તો એ બાબત ધ્યાનમાં આવશે કે બાળક જેટલું વધું સાંભળે તેટલી તેની યાદશક્તિમાં વધારો થાય છે અને બાળક જેટલું વધું નિરીક્ષણ કરે તેટલી તેની બુદ્ધિશક્તિમાં વધારો થાય છે. બુદ્ધિશક્તિનો વિકાસ થવાથી મનુષ્યની બુદ્ધિમાં નવા નવા વિચારો આવે છે, જ્યારે સ્મૃતિશક્તિનો વિકાસ થવાથી મનુષ્ય ઘણું બધું યાદ રાખી શકે છે. બાળક એક વખત અવાજ સાંભળ્યા બાદ એ પ્રકારનો અવાજ ફરીથી ક્યારે સાંભળવા મળે તે માટે પોતાની બધી શક્તિ કાન પર કેન્દ્રિત કરે છે, જેને લીધે તેની યાદશક્તિ વધે છે. જ્યારે માત્ર નિરીક્ષણ કરવાથી તે વધુ ને વધુ વિચારે છે, જેથી તેની બુદ્ધિ શક્તિમાં વધારો થાય છે.

આજના સંદર્ભમાં વિચારીએ તો ધ્યાનમાં આવશે કે બાળકના જન્મ પછી તરત જ લોકો બાળકને રમાળવા માટે પહોચી જાય છે, પરંતુ શાસ્ત્રીય દષ્ટિએ જોતાં એ તદ્દન અશાસ્ત્રીય બાબત છે. બાળકના કાન પર તેની માતા તથા દાદીમા સિવાય કોઈનો શબ્દ પડવો જોઈએ નહીં. જેનાથી બાળકની બુદ્ધિશક્તિનો ખૂબ વિકાસ થશે અને તેની બુદ્ધિમાં ઘણાં બધાં નવા વિચારો આવશે, તે નવા સંશોધનો કરી શકશે. પરંતુ આ બાબતના અભાવને કારણે જ આજે આ પ્રકારની પરિસ્થિતિનો અભાવ જોવા મળે છે. આજનું બાળક કે વિદ્યાર્થી નવા સૂત્રો, સંશોધનો કરી શકતું નથી. તે કોઈ પણ મોટું પુસ્તક કંઠસ્થ (મુખપાઠ) કરવાની ક્ષમતા ધરાવે છે, પણ નવું પુસ્તક લખી શકતું નથી.

નિષ્ક્રમણ સંસ્કારની પાછળ આ જ સૌથી મોટું મૂલ્ય શિક્ષણ છૂપાયેલું છે, જેની કાળજી બાળકના માતા–પિતા તથા સમાજે રાખવાની હોય છે. જેની ઘણી મોટી અસર સમાજના આવનારાં ભવિષ્યમાં થવાની હોય છે તથા આ બાબત દેશના ભવિષ્ય કે વિકાસ સાથે પણ જોડાયેલી ગણી શકાય.

ઉપનયન સંસ્કારમાં રહેલું મૂલ્ય શિક્ષણ :

ઉપનયન શબ્દને વ્યાકરણની દષ્ટિએ જોતાં તેમાં ' नी ' ધાતુ છે, જેનો આદેશ ' नय ' થાય છે, તેમાં ' उप ' એ ઉપસર્ગ છે, જેનો અર્થ પાસે લઈ જવું એવો થાય છે. ઉપનયન અર્થાત્‌ વિદ્યા અને વ્રતની પાસે લઈ જવું. ઉપનયન સંસ્કાર બાદ સંતાન ગુરુગૃહે જાય છે. ગુરુગૃહે જવાનો હેતુ શિક્ષા પ્રાપ્ત કરવાનો હોતો નથી, પરંતુ ગુરુગૃહે તે માત્ર ગુરુની સેવા કરવા જ જાય છે. ગુરુ પણ એ જ પ્રકારે કહેતાં કે संवत्सरं संवत्सर, पश्चात् प्रश्नान् पृच्छ, यदि विज्ञाष्यामि तर्हि कथयिष्यामः | આમ ગુરુ પણ શિષ્યને એ જ મુજબ કહેતાં. ગુરુ પણ બધાં જ પ્રકારના જવાબ આપવા માટે બંધાયેલા નથી. સેવા કરતાં–કરતાં ગુરુ પાસેથી તેને શિક્ષણ પ્રાપ્ત થતું હતું અને વિદ્યાપ્રાપ્તિની સાથે સાથે તે વ્રતોનો પણ સ્વીકાર કરતો હતો, કારણ કે ઉપનયન સંસ્કાર અર્થાત્‌ વ્રતબંધનનો સ્વીકાર અને આથી જ પહેલાના કાળમાં સમાવર્તન સંસ્કાર બાદ તેને વેદવિદ્યાવ્રતસ્નાતક કહેવામાં આવતો હતો. આમ ગુરુગૃહે શિષ્ય માત્ર વિદ્યાપ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ ત્યાં તે વેદવિદ્યાની સાથે સાથે વ્રતબંધન તથા વિનયની દિક્ષા પણ ગ્રહણ કરતો હતો. શ્રીમદ્‌ભગવદ્‌ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે વિદ્યાર્થીના ગુણો વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે,
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया |
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ||( શ્રીમદ્‌ભગવદ્‌ગીતા અધ્યાય ૬, શ્લોક : ૩૪ )

આજના સંદર્ભમાં જોતાં આમાંથી કોઈ જ બાબત આજનો વિદ્યાર્થી પ્રાપ્ત કરતો હોય તેવું જોવા મળતું નથી, કારણ કે આજના સમયમાં વિદ્યા પ્રાપ્ત કરવી એ અધિકાર બની ગયો છે. હકીકતમાં તો એ વિદ્યા પ્રાપ્ત કરતો જ નથી, તે માત્ર માહિતી જ એકત્રિત કરે છે. માત્ર ફી ભરીને પદવીઓ પ્રાપ્ત કરવામાં આવે છે. તેમાં વિનયનો એક છાંટો પણ જોવા મળતો નથી. આજના વિદ્યાર્થીમાં જ્ઞાનનું કોઈ ઠેકાણું નથી, વિનયનો સદંતર અભાવ છે તથા વ્રત નામનું કોઈ તત્ત્વ જોવા મળતું નથી. विद्या विनयेन शोभते | એવું કહેવાય છે, પરંતુ આજનો વિદ્યાર્થી અહંકારથી કહે છે કે હું નિયમિત આવું છું, પણ અભ્યાસ કરું છું કે નહીં, તે શિક્ષકોએ જોવાનું થતું નથી. આમ વિનય અને વિનયનો સદંતર અભાવ આજના વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. વ્રતના બારામાં વાત કરીએ તો આજના વિદ્યાર્થીઓમાં કોઈ જ પ્રકારનું બંધન સ્વીકારવાની તૈયારી જોવા મળતી નથી. આમ આજના વિદ્યાર્થીઓમાં વિદ્યા, વ્રત તથા વિનયનો અભાવ જોવા મળે છે.

વિવાહ સંસ્કારમાં રહેલું મૂલ્ય શિક્ષણ :

स्त्रीविवाहान्निबोधत | મુજબ વિવાહ સ્ત્રીના કહેવામાં આવ્યા છે, પુરુષના નહીં. વિવાહ સંસ્કારમાં સ્ત્રીનો માટો ફાળો રહેલો છે. વિવાહમાં સ્ત્રી જો પોતાની જાતનું સમર્પણ કરવા માટે તૈયાર થતી નથી, તો સંપૂર્ણ વિવાહ ફોગટ છે. પુરુષના સંદર્ભમાં જોતાં એ બાબત ધ્યાનમાં આવશે કે પુરુષ ક્યારેય પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે તૈયાર થશે નહીં, જુના સંબંધો છોડી નવા સંબંધો અપનાવવા માટે તૈયાર થશે નહીં. ર૦–ર૦ વર્ષ સુધી જ્યાં જીંદગી વિતાવી, તે બધા સંબંધોને ગૌણ બનાવી તદ્દન બધા નવા સંબંધો અપનાવવા પુરુષ માટે શક્ય નથી. આ માત્ર સ્ત્રી જ કરી શકે. આથી વિવાહ સંસ્કાર સ્ત્રીના સમર્પણ પર વિશેષ આધારિત છે.

વિવાહ સંસ્કારમાં માત્ર વર અને કન્યાની ઉંમર જ જોવામાં આવતી ન હતી. તેમની શારીરિક ઉંમરની સાથે સાથે માનસિક પરિપક્વતાનો પણ વિચાર કરવામાં આવતો હતો. કોઈ પણ વ્યક્તિ ઉંમરલાયક થઈ એટલે તે પરણવાને માટે લાયક ગણવામાં આવતી ન હતી. તે માટે ૠષિના પ્રમાણપત્રની આવશ્યકતા રહેતી હતી. જેનો ખ્યાલ આપણને મહાકવિ કાલિદાસના રઘુવંશ મહાકાવ્યમાંથી મળે છે. જ્યારે વરતન્તુનો શિષ્ય કૌત્સ રઘુ રાજા પાસે ગુરુદક્ષિણા માંગવા માટે જાય છે, ત્યારે રઘુ રાજા તેને પૂછે છે,
अपि प्रसन्नेन महर्षिणा त्वं सम्यग्विनीयानुमतो गृहाय |
कालो ह्ययं संक्रमितुं द्वितीयं सर्वोपकारक्षममाश्रमं ते ||(રઘુવંશ સર્ગ પ, શ્લોક : ૧૦)

આ પ્રકારે વિવાહ માટે ગુરુની અનુમતિ બાદ જ વિવાહ સંસ્કાર શક્ય બનતાં હતાં. આ સાથે એ બાબતનો પણ ખ્યાલ આવે છે કે અન્ય બધાં આશ્રમો ગૃહસ્થાશ્રમ પર આધારિત હતાં. ગૃહસ્થાશ્રમ પર સંપૂર્ણ સમાજની જવાબદારી હતી. સ્ત્રીઓને આ સંદર્ભે અલગ શિક્ષણ આપવામાં આવતું હતું, કારણ વિવાહ બાદ બન્નેની ભૂમિકા તથા જવાબદારીઓ અલગ–અલગ હોય છે.

આજના સંદર્ભમાં જોતાં એવું લાગે છે કે લગ્ન એ માત્ર ભોગવિલાસનું સાધન માત્ર બની ગયું છે. કોઈ જ પ્રકારની જવાબદારીનું વહન કરવામાં આવતું નથી. સુખ–દુઃખ સહન કરવાની ક્ષમતા નથી. સ્ત્રી સમોવડી થવાથી સમર્પણનો ભાવ નિર્માણ થતો નથી. લાખો કે કરોડોના ખર્ચા બાદ પણ સ્ત્રીમાં રહેલાં સમર્પણને અભાવે, માનસિક પરિપક્વતાના અભાવે તથા થોડું પણ દુઃખ આવતાં છુટ્ટાછેડાં થવાથી બધું જ ફોગટ થતું જોવા મળે છે. સ્ત્રી સમાનતાના બણગાં ફૂંકવાને કારણે સમાજમાં સ્ત્રૈણ પુરુષો તથા પૌરુષયુક્ત સ્ત્રી જોવા મળે છે.

તે જ રીતે વિવાહવિધિમાં સપ્તપદીની પ્રતિજ્ઞા વર–વધૂએ કરવાની હોય છે, પરંતુ આજના સંદર્ભમાં શાસ્ત્રીય દષ્ટિએ પ્રત્યેક કન્યાના વિવાહ વિધિ કરાવનાર ગોર (બ્રાહ્મણ) સાથે થતાં જોવા મળે છે. આ સાથે વરપક્ષે માનસિક તૈયારીઓ કરવાની હોય છે, જેવી કે આવનાર વ્યક્તિ કોઈ ઘરની દિકરી છે, તેનો દિકરીની માફક સ્વીકાર કરવો, તેની સાથે દિકરી માફક વર્તન–વ્યવહાર કરવો વગેરે, પરંતુ આ બાબતોનો અભાવ હોવાને કારણે આજે સાસુ–વહુ વચ્ચે ઝઘડાઓ થતાં જોવા મળે છે અને તેના દુષ્પરિણામો સમાજને ભોગવવા પડે છે.

પવિત્રીકરણમાં રહેલું મૂલ્ય શિક્ષણ :

કોઈ પણ કાર્ય માટે પાવિત્ર્ય અગત્યની બાબત છે. કોઈ પણ કાર્ય કોઈ પણ સ્થાને કરવામાં આવતું નથી. ઉદા. ચિત્તૈકાગ્ય્ર માટે એકાંત, મનની સ્થિરતા, શારીરિક સ્વાસ્થ્ય તેમજ વાતાવરણની શાંતતા, પવિત્રતા વગેરે બાબતો આવશ્યક છે. તે જ રીતે કોઈ પણ વિધિ માટે પણ શરીર, મન તથા બુદ્ધિની પવિત્રતા આવશ્યક છે. આ બાબતનો આગ્રહ આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં રાખવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ઉપાસના માટે સ્થાન પાવિત્ર્ય આવશ્યક છે. શરીર સ્વચ્છ, મન શુદ્ધ અને બુદ્ધિ પવિત્ર હોવી જોઈએ. શ્રીમદ્‌ભગવદ્‌ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણેઆ બાબત વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે,
शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः |
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ||(શ્રીમદ્‌ભગવદ્‌ગીતા અધ્યાય ૬, શ્લોક : ૧૧)

આ મુજબ વિવાહ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, નિત્યસન્ધ્યાવન્દનાદિ કર્મો માટે સ્થાન, શરીર, મન વગેરે બાબતો પવિત્ર હોવી આવશ્યક છે, જેની સ્પષ્ટતા આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં કરવામાં આવી છે.

નિત્યકર્મલોપપ્રાયશ્ચિત્તમાં રહેલું મૂલ્ય શિક્ષણ :

નિત્યકર્મોનો આગ્રહ વિવિધ શાસ્ત્રોમાં રાખવામાં આવ્યો છે. તેની સાથે સાથે નિત્યકર્મમાં લોપ થાય તો તેનો પ્રાયશ્ચિત્ત વિધિ આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં દર્શાવવામાં આવ્યો છે. પ્રાયશ્ચિત્ત વિધિ દર્શાવવા પાછળનો હેતુ એ નથી કે વ્યક્તિ ફરીથી એ ભૂલ કરવા માટે હક્કદાર કે અધિકારી બને. પ્રાયશ્ચિત્ત વિધિ પાછળનો હેતુ એ છે કે મનુષ્ય પાપની માનસિકતામાંથી બહાર આવી ફરીથી પોતાના દૈનિક કાર્યોમાં નિષ્પાપ મનથી જોડાઈ શકે. પાપની માનસિકતા માણસને વધુ ભૂલો કરવા તરફ દોરી જાય છે. પ્રાયશ્ચિત્ત કરવાથી માણસ માનસિક શાંતિનો અનુભવ કરે છે. આથી જ વિવિધ શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્તનો વિધિ દર્શાવેલો હોય છે. પ્રાયશ્ચિત્તમાં મહત્ત્વની બાબત એ છે કે વ્યક્તિએ પોતાના મનથી એ બાબતનો નિશ્ચય કરવો જોઈએ કે હવે પોતાના હાથે આ પ્રકારની ભૂલ કે પાપ ફરીથી નહીં થાય, તો જ એ પ્રાયશ્ચિત્ત વિધિને અર્થ છે. પરંતુ આજે પરિસ્થિતિ એ પ્રકારની જોવા મળે છે કે વ્યક્તિ પ્રાયશ્ચિત્ત કરે જાય છે અને ફરીથી ભૂલો પણ કરતો જાય છે. પ્રાયશ્ચિત્ત બાદ મનુષ્ય આજે એવું સમજે છે કે તેને ફરીથી ભૂલો કરવાની છૂટ મળી ગઈ. આ તો એના જેવું થયું કે ગંગામાં સ્નાન કરવાથી બધાં પાપો ધોવાઈ જાય છે, તો ગંગામાં સ્નાન કરતાં જાઓ અને પાપ પણ કરતાં જાઓ. પ્રાયશ્ચિત્ત વિધિમાં મનનો ફરીથી પાપ કે ભૂલ ન કરવાનો સંકલ્પ જ સૌથી અગત્યની બાબત છે.

નિષ્કર્ષ :

આમ આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં વિવિધ ઘરેલું (ગૃહ્ય) બાબતોનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. જેમાં ઘણાં બધાં ઊંચા મૂલ્યો સમાયેલાં જોવા મળે છે. આ પ્રકારે આપણા પ્રાચીન વૈદિક સાહિત્યમાં અનેક વિશેષતાસભર નાની નાની પણ અગત્યની કેટલીયે બાબતો સમાયેલી છે, જરૂર છે માત્ર તેને સ્પર્શ કરી, તેમાં રહેલાં જ્ઞાનને અત્યારના સમાજ સમક્ષ મૂકવાની. જેથી આજના સમાજને પણ એ બાબતો ખ્યાલ આવે કે આપણાં ૠષિ–મુનિઓ જે કહી ગયાં અને તે લોકો પણ જે વિધિઓ કરતાં હતાં તેનું શું મહત્ત્વ હતું અને છે. આમ વિવિધ વિધિઓ અને સંસ્કારોથી જ મનુષ્યનું જીવન વનની માફક સુંદર બની શકે છે.

સંદર્ભ :–

  1. આપસ્તમ્બગૃહ્યસૂત્ર : શ્રી હરદત્તમિશ્રવિરચિત અનાકુલા વૃત્તિ તથા શ્રી સુદર્શનાચાર્યવિરચિત તાત્પર્યદર્શન વ્યાખ્યા સહિત, શ્રી ચિન્નસ્વામિશાસ્ત્રી દ્વારા સંપાદિત, કાશીસંસ્કૃતસીરિજપુસ્તકમાલા, ચૌખમ્બા સંસ્કૃતસીરિજ ઓફિસ, વિદ્યાવિલાસ પ્રેસ, વારાણસી. Online Pdf
  2. પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેના વિવિધ પ્રવચનોમાંથી All Subjects in Multi Languages, Vol. 2, Issue : 8, Aug.-Sept. 2014
  3. શ્રીમદ્‌ભગવદ્‌ગીતા : મૂલ, મઝલા, સજિલ્દ, ગીતાપ્રેસ ગોરખપુર, પ્રથમ સંસ્કરણ, વિ. સં. ર૦પ૦
  4. રઘુવંશમહાકાવ્ય : (મલ્લિનાથકૃત સંજીવની ટીકા સહિત), વ્યાખ્યાકાર : ડો. શ્રીકૃષ્ણમણિ ત્રિપાઠી, ચૌખમ્બા સુરભારતી ગ્રન્થમાલા, ચૌખમ્બા સુરભારતી પ્રકાશન, વારાણસી વિ.સં. ર૦૧૮


કણસાગરા હેમલ અશોકભાઈ, અધ્યક્ષ, સંસ્કૃત ભવન, સરકારી વિનયન કોલેજ, જામકલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા, મો. : ૯૪૨૭૭૨૪૩૮૦ Email : hakansagra11@gmail.com