Included in the UGC-CARE list (Group B Sr. No 172)
નાટ્યપુરુષ ચંદ્રવદન મહેતા

નટ, નાટક અને રંગભૂમિ ચંદ્રવદન મહેતાના હદયના ધબકાર સાથે વણાઈ ગયા હતા. આકાશવાણી કેન્દ્ર પરના ગુજરાતી કાર્યક્રમોના અધિકારી,વડોદરા યુનિવર્સીટીમાં નાટ્યવિદ્યાના મુલાકાતી અધ્યાપક, દેશ-વિદેશમાં નાટકના સંદર્ભમાં અનેક વખત પ્રવાસ ખેડનાર નાટ્યવિદ ચંદ્રવદન મહેતાએ જીવનના સાત દાયકા જેટલો સમય નાટક અને રંગભૂમિની પ્રવૃત્તિ સાથે સક્રિય રહી ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખ્યો.ગુજરાતી નાટ્યસાહિત્ય અને ગુજરાતી રંગભૂમિના વિકાસમાં ચંદ્રવદન મહેતાનું પ્રદાન અનોખું અને મૂલ્યવાન છે. શ્રી ચંદ્રવદન મહેતા નાટ્યપુરુષ છે. આમ તો નાટક ઉપરાંત તેમણે કવિતા, કથા, આત્મકથા, વિવેચના આ બધું પણ લખ્યું છે પણ તેમની આત્મકથા જોતાં જણાશે કે તેમાં વધારેમાં વધારે વાત નાટકની છે. તેમની વિવેચના જોતાં પણ જણાશે કે તે વધારેમાં વધારે નાટ્યવિષયક છે. જીવનના દીર્ઘકાળ દરમ્યાન નટ, નાટકકાર, સૂત્રધાર એમ એક યા અન્ય રીતે રંગભૂમિ અને નાટક સાથે સંકળાયેલા શ્રી ચંદ્રવદન સાહેબને નાટ્યપુરુષ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી.

નાટકની વિવેચનામાં જોઈએ તો એક બાજુએ નાટકના સિદ્ધાંતો અને સ્વરૂપો, નાટકના અર્થઘટનો અને સાહિત્યિક મૂલ્યાંકનોનો પ્રવાહ છે, તો બીજો પ્રવાહ છે થિયેટરની કલા તરીકેના મૂલ્યાંકનનો, નાટકની અભિનેયતા, રંગમંચપ્રસ્તુતિ આદિ કોણથી થતા મૂલ્યાંકનનો.એટલે અહી પ્રશ્ન એ થાય કે શ્રી ચંદ્રવદન મહેતાના નાટકોની સમીક્ષા તેની મંચનક્ષમતા, ભજવણી આદિ દ્રષ્ટિથી કરીશું કે સાહિત્યિક દ્રષ્ટિથી? કેમ કે આપણી પરંપરિત ધંધાદારી રંગભૂમિએ ‘સાહિત્યકતા’ની પરવા જ નથી રાખી, અને સાહિત્યે ધંધાદારી રંગભૂમિની.યુવાનીના આરંભમાં ચંદ્રવદન ધંધાદારી રંગભૂમિ સામે જેહાદ પુકારી બિનધંધાદારી –અવેતન રંગભૂમિ લઇ આવે છે. તેમનો સમગ્ર નાટ્યપુરુષાર્થ આ સંદર્ભમાં છે. એટલે ચંદ્રવદનના નાટકો રંગભૂમિની દ્રષ્ટિએ લખાયેલા છે. રંગભૂમિ પર રજૂઆત પામેલા છે, ભજવણીની દ્રષ્ટિએ સફળતા પામેલા છે. ચંદ્રવદન મહેતામાં સૂત્રધારશક્તિ છે. મિમીક્રીની –અભિનયની શક્તિ છે. રંગભૂમિની ઊંડી દ્રષ્ટિ છે. એટલે જયારે તેઓ નાટક લખે છે ત્યારે તેઓ થિયેટર દ્રષ્ટિથી સભાન, અતિસભાન રહે છે. અને એટલે તેમનાં નાટકોની ‘પ્લે-સ્ક્રિપ્ટ’તરીકેની સિદ્ધિ લગભગ નિર્વિવાદ હોય છે.

ચંદ્રવદન મહેતાના નાટકો જોતાં તેમાં વૈપુલ્ય છે, વૈવિધ્ય છે. તેમાં ટ્રેજેડી છે, કોમેડી છે, ફારસ છે, ભાંડભવાઈ છે, સંગીત-નાટક છે. તેમાં પૌરાણિક છે, ઐતિહાસિક છે, સામાજિક છે, જીવનચરિતાત્મક છે. તેમાં ત્રિઅંકી છે, દ્વિઅંકીછે, એકાંકી છે. તેમાં સમાજના અનેક સ્તરમાંથી આવતી પાત્રસૃષ્ટિ છે અને પાત્રભેદે ભાષાભેદ છે, તેમાં હૈયાફાટ રુદન છે,હસીને બેવડ વળી જવાય તેવું ખડખડાટ હાસ્ય છે, મંદ સ્મિત કે ઘેરી નિઃશબ્દ ગંભીરતા છે. એક સર્જકને પક્ષે આ અભિનંદનીય છે અને છતાં બીજી બાજુ એવું લાગે છે કે ચંદ્રવદન મહેતા આપણને ઊંડાણમાં લઇ જવાને બદલે મોટે ભાગે સપાટી પર કેમ રાખે છે?

નાટ્યકાર ચંદ્રવદન મહેતાના નાટકોમાં ‘આગગાડી’તેમજ ‘ધરાગુર્જરી’ને સાહિત્યજગતની અમર કીર્તિ પ્રાપ્ત થયેલી છે.’ આગગાડી’ ૧૯૩૪ માં પ્રગટ થયું. બાળપણમાં માણેલી રેલવેની દુનિયાના સ્મરણોની જે ગાઢ છાપ તેમના સંવેદનશીલ ચિત્ત પર અંકિત થઇ ગઈ હતી તેમાંથી ‘આગગાડી’નું વસ્તુ જન્મ્યું છે. રેલવેની દુનિયામાં વસતા –જીવતાં-પીડાતાં-કચડાતાં-અન્યાયનો ભોગ બનતાં અને મરતાં શ્રમજીવીઓ તેમજ અન્ય કર્મચારીઓના જીવનનું સૌથી વધુ વાસ્તવદર્શી ચિત્ર લેખકે આપ્યું છે. અનેકાંકી નાટ્યસ્વરૂપમાં ગરીબ અને શ્રમજીવી વર્ગની સૃષ્ટિને સૌ પ્રથમવાર ચંદ્રવદન મહેતાએ આલેખી. “મારું જીવતર બાળી મેલ્યું એ રેલવઈએ” એમ નાટકના નાયક આગવાળા બાધરજીની પત્ની રુખીના શબ્દો નાટક વાંચતા આપણને અંતરથી સ્પર્શી જાય છે. રૂખી, તેનો પતિ બાધર, પુત્ર નારણ તથા તેની ગાયના મૃત્યુથી ભલભલા કઠોર હૃદયવાળા પુરુષનું કાળજું પણ હચમચી ઉઠે છે. આ નાટકમાં બાધરનો મિત્ર રામચરણ પણ છે અને ખ્રીસ્તી બની ગયેલો પિતરાઈ ડ્રાઈવર જોન્સ પણ છે, જે જૂની અદાવતમાં વેર રાખી કાવતરું રચીને બાધરને મારી નાખે છે. નાટકકારે આ નાટકમાં રેલવેની સમગ્ર સૃષ્ટિ જે રીતે રજુ કરી છે તે એક રીતે રેલવેતંત્ર સામેના તહોમતનામા જેવી છે એમ એક વિદ્વાને કહ્યું છે તે સૂચક છે. નાટકમાં અંત:સ્ત્રોતાનીમાફક સતત વહેતો કરુણ રસ, વિવિધ વેશ, બોલી અને સંસ્કારવાળા પત્રો, અભિનયક્ષમ દ્રશ્યો, તેની તખ્તાલાયકી વગેરે નાટકને ઉઠાવ આપે છે. જોકે કેટલીક બાબતમાં નાટકની ક્રિયાત્મકતા કેન્દ્રિત રહેતી નથી,રસનું ઉચિત નિર્વહન પણ થતું નથી, સ્થૂળ ઘટનાઓનો સંઘર્ષ નાટકમાં કરુણનો આભાસ વિશેષ ઉભો કરે છે, વગેરે એક કૃતિ તરીકે આ નાટકની કેટલીક મર્યાદાઓ જોઈ શકાય તેમ છતાં ‘આગગાડી’ ગુજરાતી સાહિત્યનુ સીમાચિહ્નરૂપ નાટક છે.

‘ધરાગુર્જરી’ ચંદ્રવદન મહેતાની નાટ્યપ્રતિભાનો ઉત્તમ આવિષ્કાર ગણાય છે. જે ૧૯૪૪માં પ્રગટ થયું. છેક નાનપણથી ચંદ્રવદન મહેતાએ ગુજરાતને એની પોતાની ગણી શકાય તેવી રંગભૂમિ હોવી જોઈએ, તે વિશે સ્વપ્ન સેવ્યું છે.આ નાટકનો વિષય પણ તેમણે ગુર્જર રંગભૂમિ પસંદ કર્યો છે. ગુર્જર રંગભૂમિના ઉધ્ધાર કાજે નાયક ગુર્જર ઓઝાએ ધારણ કરેલો ભેખ નાટકને વાતાવરણથી ભરી દે છે. વિ-ગત સ્મરણોમાં વિષાદમય જીવન વિતાવતા ઓઝા રંગભૂમિની અવદશાથી ચિંતિત છે. ધરા નામની એક કુંભાર કન્યાના દર્શને ઓઝાને નવી આશા બંધાય છે અને કેટલાક નાટ્યપ્રયોગો કરી રાજા તેમજ પ્રજાની સહાનુભુતિ મેળવવા મથે છે. તેમાં ‘રૂપમતી’નાટકના પ્રયોગ સમયે ધરા અને ગુર્જર ઓઝા વચ્ચે યોજાયેલો પ્રણયપ્રસંગ વાસ્તવિકતા બની રહેતા તેમજ ધરાને સાચા પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેણે કરેલું વિષપાન નાટકને કરુણાંત બનાવે છે. નાટકની ભાષા, દ્રશ્યયોજના, નાટકઅંતર્ગત નાટક,સંવાદો વગેરે સરસ નિરૂપણ પામ્યા છે. ’ધરાગુર્જરી’ ચંદ્રવદન મહેતાનું ક્લાસિક સર્જન છે.

‘શિખરિણી’ ૧૯૪૬ અ-સામાજિક ‘થીમ’ લઈને આવતું સામાજિક નાટક છે. એક અંક એટલે એક દ્રશ્ય –એમ ત્રણ અંકનું આ નાટક ઇબ્સનશૈલીનું નાટક છે. ત્રણે અંક એક જ દીવાનખાનામાં ભજવાય એવી યોજના છે.પાત્રોની સંખ્યા પણ પાંચ છે. ધનિક પટ-પત્ની ધવલ અને શિખરિણી નિઃસંતાન છે. તેમણે ત્યાં અત્યંત ધૂની કવિકલાકાર શાર્દુલને આશ્રય આપી તેની બધી વિચિત્રતાઓને પોષે છે, તે એક દિવસ શિખરીણીને આવીને કહે છે:
શાર્દૂલ: શિખી! મને એક બાળક જોઈએ છે. બાળક! નિર્દોષ કુમળું, બટમોગરાના ફૂલ જેવું ખીલતું, જીવનથી તરવરતું, કુદરતની અપાર અને અગાધ શક્તિનું ભાન કરાવતું એક બાળક!
શિખરિણી: શાર્દૂલ ! એવો જ ઘેલો રહ્યો.
શાર્દૂલ: કહે શિખી! મારું બાળક તું ઉછેરશેને, મને ખુબ જ હોંશ થઇ આવી છે. મારે બાળકના પિતા થવું છે. મારે મારું પોતાનું બાળક.મારા ખોળામાં રમાડવું છે. તું એની જનેતા થશેને?એને ઉછેરશેને?

શિખરિણી અને ધવલ, શાર્દૂલની આ ધૂન પણ પોષે છે અને ત્રીજા અંકમાં શિખરિણીને શાર્દૂલથી થયેલા પુત્રની વર્ષગાંઠનો ઉલ્લેખ આવે છે. પણ વળી શાર્દૂલ પોતાના એ બાળકને દુર લઇ જવાની વાત કરતાં શિખરિણીના ‘માતૃહૃદય’ને આઘાત લાગે છે. પણ છેવટે પેલો દુની શાર્દૂલ ચાલ્યો જાય છે-અને પતિ ધવલના પડખામાં જતી શિખરિણી સાથે પડદો પડે છે.

અવૈધ સબંધોનું ‘થીમ’ નાટકોમાં નવું નથી, પણ અહી પતિની સંમતિની મહોર છે, અહી શિખરિણી શાર્દૂલ પ્રત્યેના દૈહિક આકર્ષણ કે પ્રેમથી નહિ, તેની ધૂન પોષવા તેના બાળકની માતા બને છે. આવું અસામાજિક છતાં એક ‘પ્રાણવંત’ થીમ હોવા છતાં નાટકને પ્રાણવંત બનાવી શકાયું નથી. અહી માનવીય સબંધો-પ્રીતિના કે અપ્રીતિના-એકદમ જાણે ઉષ્માહીન છે. નાટકની બધી શક્યતા કૃત્રિમ ભાવાવેશભર્યા સંવાદોમાં ખર્ચાઈ જતી લાગે છે. ધવલ અને શિખરીણી પતિ-પત્નીના સબંધોમાં એક સમજુતીભર્યું ઔદાર્ય માત્ર લાગે અને શાર્દુલ શિખરીણીને ‘શિખી,શિખી કરે તેમાં તેનો કોઈ પ્રેમ નહિ, પણ એક ઘેલછા લાગે તે ધૂની કલાકાર કરતા અવિકસિત વ્યક્તિ જેવો લાગે છે.

તો વિષયની દ્રષ્ટીએ ‘શિખરીણી’થી સામે છેડેનું નાટક છે ‘માઝમરાત’ જે આદર્શપ્રિય નીતિપરાયણ ગુજરાતી માનસને ‘શિખરીણી’ અકળાવે છે તેને ‘માઝમરાત’ ગમશે. ‘શિખરીણી’ની જેમ ‘માઝમરાત’ની રચનારીતિ પણ ઇબ્સ્નીય છે. ત્રણે અંક એક જ દીવાનખાનામાં ભજવાય છે એટલું જ નહિ, સમયનો અંતરાલ પણ એક જ દિવસના સવારના આઠથી બાર સુધીનો છે. પૈસેટકે ઘસી ગયેલા સુધન્વાની પત્ની કુંદન મોટાઈના ઠાઠઠઠારા પોસવા ઉછીના ઘરેણા લાવે છે, પોતાના પુત્ર લલિતને લગભગ મૂરખ એવી મંદા સાથે પરણાવી તેને ઘરજમાઈ રહેવાની છૂટ આપવા તૈયાર થઇ જાય છે, કેમ કે મંદાના બાપે આ ઘર ગીરો રાખેલું છે. પોતાની પુત્રી સંધ્યાને પ્રામાણિક એવા સંજય સાથે જોડવાનો વિરોધ કરે છે કેમ કે તે પૈસાદાર નથી. સુધન્વાને કાઈ સૂઝ પડતી નથી. આ સ્થિતિમાં તેનો ભાઈ વિનાયક આવે છે, એ નાટકનો માણસ છે,પણ સૂઝવાળો છે. તે આવી આ પરિવારને બચાવી ગામડે લઇ જવાની યોજના કરે છે. નાટકમાં કોઈ સંકુલતા નથી. અહી મધ્યમવર્ગના માનસ પર પ્રહારો છે, પણ તે પ્રહારો જેટલા નાટકીય સ્થિતિમાં પ્રગટવા જોઈએ, તેનાથી વધારે માત્ર પાત્રોની ઉક્તિઓ રૂપે આવે છે અને તેથી નાટકમાં ઉપદેશ તાર સ્વરે પ્રગટ થાય છે. નાટકનો અંત બરાબર બારના ટકોરે થાય છે. નાટકની છેલ્લી કેટલીક ઉક્તિઓ બારના વાગતા જતા ટકોરાની પૃષ્ઠભૂમિમાં નાટકના અંતને પ્રભાવક ,પણ શીર્ષકને વાચાળ બનાવે છે.

આ ઉપરાંત ચંદ્રવદને ‘સંતાકૂકડી’, ‘રમકડાની દુકાન’, ‘અબોલારાણી’ જેવા કિશોરનાટકો પણ લખ્યા છે. લોકકથા આધારિત નાટક ‘આણલદે’ ચંદ્રવદનના આરંભના નાટકોમાંનું એક છે. પાંચ પ્રવેશના આ નાટકમાં એક પતિ જ પોતાની પરણેતરને તેના પ્રેમીને ઘેર અક્ષત રૂપે જ વળાવવા જાય તેવું વસ્તુ જ નાટ્યક્ષમ છે. લોકકથા પર આધારિત ‘અંદરઅંદર’ એવું બીજું બે અંકનું નાટક છે, જેમાં અવેરથી વેરના શમનની વાત છે.

તો આ છે ચંદ્રવદનની વૈચિત્ર્યભરી નાટ્ય સૃષ્ટિની ઝાંખી. ચંદ્રવદન પોતાના નાટકો માટે અનેક વિષયો લઈને આવે છે અનેક ભૂમિકાઓ લઇ આવે છે, અનેક રસની જમાવટ કરે છે. તેમાં કોઈપણ વાતમાં નાટ્યક્ષણોને ઝડપી લેતી ચંદ્રવદનની આંતરસૂઝ છે. ચંદ્રવદન નાત છે, નાટ્યનિર્દેશક છે, નાટ્ય મિમાંસક છે, નાટ્ય પરિવ્રાજક છે.નવા નટઘરના સ્વપ્નદ્રષ્ટા છે. તેમના જીવનના કેન્દ્રમાં નાટક છે. એટલે કઈ શકાય કે ગુજરાતી નાટ્યવિશ્વનું એક ઉજ્જવલ પ્રકરણ છે ચંદ્રવદન.

ડૉ. જાગૃતિબહેન અજયકુમાર, આસિ.પ્રોફેસર, ગુજરાતી વિભાગ, આર્ટસ કૉલેજ શામળાજી