Included in the UGC-CARE list (Group B Sr. No 172)
સફેદ હિમમાં વહી રહેલા લાલ રંગની વ્યથા : ‘આ છે સિઆચેન’

પ્રવાસ એ કુદરતી ગતિવિધિઓ સાથે પ્રાસ મેળવવાનો માનવીનો સર્વોત્તમ પ્રયાસ છે. પ્રવાસન અંગેનો કોન્સેપ્ટ બહુ મોડો અમલમાં આવ્યો છે પણ તેની રફ્તારે તે ડીલેનું સાટું વાળી દીધું છે. માની શકશો કે, લાખો લોકોના મૃત્યુનું કારણ બનનાર બીજા વિશ્વયુદ્ધે આજે પ્રવાસનું એક ક્ષેત્ર ખોલી આપ્યું છે? હા, વોર ટુરીઝમ. પ્રવાસ એટલે જે-તે સ્થળે ફરીને પાછું આવવું એટલું જ નહીં, પણ જે-તે સ્થળના અંશને યાદોમાં કાયમ માટે સમેટી પાછા ફરવું એ છે. આજે, પ્રવાસન એ સમાજનું વિજ્ઞાન છે. તેના વિશાળ ક્ષેત્રો તો જૂઓ… રિલીજીયસ સરકીટ, એન્શિયંટ ટુરિઝમ, વોર ટુરિઝમ, ટ્રાયબલ ટુરિઝમ, મેન-મેડ વન્ડર્સ, ફૂડ ટુરિઝમ, કોસ્ટલ ટુરિઝમ, ઘોસ્ટ ટુરિઝમ અને બોર્ડર ટુરિઝમ…

બોર્ડર એટલે ‘સબ ભૂમિ ગોપાલ કી’ વાળી ફિલસૂફીને તારની કાંટાળી વાડ વડે બે હિસ્સામાં વહેંચી દેવાયેલી જમીન. આ જગ્યાએ પ્રવાસીઓનું આગમન એટલે બોર્ડર ટુરિઝમ. વિશ્વની ઘણી સરહદો તેના કુદરતી, કૃત્રિમ, લશ્કરી, ઐતિહાસિક કે માનવીય પરિણામોના કારણે માણવાલાયક હોય છે. દા.ત. અમેરિકા-કેનેડા વચ્ચેની એ હજારો કિલોમીટર લાંબી અને ખાસ કરીને નાયગ્રા ધોધ પાસેની કુદરતી સરહદ, ભારત-પાકિસ્તાન જેવા દેશો વચ્ચે (ઈરાક-કુવૈત પણ) મહાસત્તાઓની મેલી મુરાદથી નકશા પર ખેંચાયેલી કૃત્રિમ સરહદ, પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે પ્રજા દ્વારા ‘નાબુદ’ થયેલી ઐતિહાસિક સરહદ, ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ૩૮ પેરેલલ તરીકે ઓળખાતી સૌથી વધુ લશ્કરી પહેરો ધરાવતી સરહદ કે પછી યુરોપના દેશો વચ્ચેની એકદમ મોકળા મને રચાયેલી ‘માનવીય સરહદ’. પરંતુ, આ કુદરતી, કૃત્રિમ, ઐતિહાસિક તથા લશ્કરી સરહદોનો સરવાળો એટલે ભારત-પાકિસ્તાન વચ્ચે ખેંચાયેલી અને ખેંચતાણનો ભોગ બનેલી વિશ્વની સૌથી ઉંચી અને વિષમ એવી સિઆચેન સરહદ.

ગુજરાતના ખ્યાતનામ એવા વિજયગુપ્ત મૌર્યના પૌત્ર અને નગેન્દ્ર વિજયના પુત્ર એવા હર્ષલ પુષ્કર્ણા જયારે તેમની રસાળ અને આગવી શૈલીમાં ‘આ છે સિઆચેન’ પ્રવાસન-કમ-સંવેદન પુસ્તક વડે તેનો પરિચય કરાવે ત્યારે આ વિષમ સરહદ માત્ર માણવાલાયક જ નહિ, સમજવાલાયક પણ બની રહે છે. સાચું કહું તો, આ પુસ્તક જ નથી, આ તો સિઆચેનનો દસ્તાવેજ છે. આ પુસ્તક હાલ ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે. ભારતીય સેનાએ અહીં માત્ર દુશ્મનો સાથે જ નહીં પણ કુદરત સામે પણ જંગે ચડવાનું છે. આ એક વાક્ય જ ત્યાની વિષમતાનો મુદ્રાલેખ બની રહે છે. સિઆચેનની રૂબરૂ મુલાકાત આપણા માટે આર્થિક, માનસિક કે શારીરિક રીતે શક્ય ન હોય એવું બને પણ કાલ્પનિક રીતે વાસ્તવિક મુસાફરી કરવી હોય તો આ પુસ્તક માઈલસ્ટોન બની રહે છે. સત્તર પ્રકરણોમાં વહેંચાયેલ આ પુસ્તક એક બેઠકે વાંચી જવા વાચકોને પ્રેરે છે અને તે પણ એક નહીં અનેક કારણોથી.

ગુજરાતી સાહિત્યમાં સામાન્ય રીતે પ્રવાસ પુસ્તકમાં જે-તે સ્થળની સુંદરતા, ટૂંકો ઈતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે પણ જે-તે સ્થળની વ્યથા અને વ્યથાને જ સંસ્કૃતિ બનાવી દેનાર સૈનિકોને ઉજાગર કરતા પુસ્તકને પ્રવાસ પુસ્તકની શ્રેણીમાં મૂકી શકાય? જો નજર દૂર સુધી જાય તો બેશક મૂકી શકાય.

અતિશય ઠંડુ તાપમાન, પગ ખૂંપી જાય અને રફ્તાર ઘટાડી દે તેવી બરફની ચાદર, એકલતાના અહેસાસને એમ્પ્લીફાય કરી દે તેવો સન્નાટો, માથા પર સતત ઝળુંબતી ‘હાયપોથર્મિયા’ની તલવાર તેમજ મર્યાદિત ભોજન અને વાહનવ્યવહારના વિકલ્પો સિઆચેનનું ‘આધાર કાર્ડ’ છે. સિઆચેન ઘાટીમાં પ્રવેશતા જ ત્યાં લખાયેલું એક વાક્ય નજર સામેથી હટે ના તેવું છે- ‘તમારા માટે જે યાદગાર પ્રવાસ છે તે અમારાં માટે રોજિંદી બાબત છે.’

સિઆચેનની આ આખી વ્યથા મૂળે તો NJ ૯૮૪૨ નામનાં પિલ્લરથી ‘ભૂલથી’ છોડી દેવાયેલી સરહદ છે. ખાસ તો, આ પુસ્તક એ વાતનો અહેસાસ કરાવે છે કે, આપણે ભારતીયો આપણા લશ્કર વિશે કેટલું ઓછું જાણીએ છીએ! સિઆચેનનો આ મોરચો આગળ બતાવ્યા પ્રમાણે વિષમતા શબ્દને વામણો બનાવે તેટલો ભયંકર છે. -૨૦૦ થી -૫૫૦C સુધીનું તથા ૧૬૦ કિ.મી.ના વેગે ફુંકાતા ઠંડા પવનો ધરાવતા આ માહોલમાં પાકા ઘર બાંધવા પણ શક્ય નથી. અરે, આ મોરચો તો જવાનોને આત્મહત્યા કરવા પ્રેરે તેટલો ખતરનાક છે.

આમ તો, આર્થિક દ્રષ્ટીએ તેને મૂલવવું જરા છીછરું લાગે પણ જરૂરી છે તેથી હર્ષલ પુષ્કર્ણા જણાવે છે કે-

  1. ત્યાં ખાધા ખોરાકી મોકલવાનો એક કલાકનો ખર્ચ ૩.૫ લાખથી ઓછો નથી.
  2. જવાનોને મળતી પ્રત્યેક રોટલીની પડતર કિંમત ૨૦૦રૂ. કરતા ઓછી નથી.
  3. ઠંડી રક્ષક સાધનો પાછળ પ્રત્યેક જવાન દીઠ થતો ખર્ચ ૪૫,૦૦૦ કરતા ઓછો નથી.
  4. આખા ક્ષેત્રને તમામ રીતે સંચાલિત રાખવાનો કુલ ખર્ચ એક સેકન્ડના (ફરી વાંચો, એક સેકન્ડ) ૮૦૦રૂ. કે રોજના ૬.૮ કરોડથી ઓછો નથી.
અને આટલો ખર્ચ કરવા છતાંય ભારતે ૧૯૪૮ થી લઈને ૨૦૧૬ સુધીમાં ૮૭૯ જવાનો ગુમાવવા પડ્યા છે, ઘવાયેલા તો જૂદા.

સિઆચેન હિમનદીના મુખ નજીક આવેલું ઓ.પી.બાબા (શહીદ ઓમ પ્રકાશ) મંદિર તમામ જવાનોનું આસ્થાસ્થાનક બની રહે છે. દરેક ધર્મનાં જવાનોને તે મંદિરમાં પોતપોતાની શ્રદ્ધા મુજબ પ્રાર્થના કરે છે. ૧૯૮૦ના દસકામાં, આ મંદિરમાં જેમની પૂજા કરવામાં આવે છે- એ શહીદ ઓમ પ્રકાશ, પાકિસ્તાનના સૈનિકો સામે ઝઝૂમીને તેમને ખદેડી મૂકે છે પરંતુ પછી તેમના સગડ મળતા નથી. ત્યારબાદ ઘણા સૈનિકોને સ્વપ્નમાં તેઓ દેખાતા અને સિઆચેન પર આવનારી કુદરતી આફતો અંગે સૂચવી જતા, જે સાચી પણ પડતી. જેથી, લોકોનો તેમાં વિશ્વાસ વધતો ગયો અને જેથી તેમનું મંદિર પણ બન્યું. આજની તારીખે પણ તેમની ડ્યુટી ચાલુ જ ગણાય છે, તેમના કપડા પણ ઈસ્ત્રી થાય છે અને જૂતાં પણ પોલીશ થાય છે. અન્ય અફસરોની માફક દર વર્ષે તેમને અમુક દિવસની રજા પણ મળે છે અને બે જવાનો તેમનો સામાન લઈ તેમના ઘરે મૂકવા પણ જાય છે. ટૂંકમાં, આ મંદિરમાં જવાનો દ્વારા થતી પ્રાર્થના તેમને સકારાત્મક ઉર્જા આપી જાય છે- એ હકીકત છે.

આ ક્ષેત્રમાં જવાનો સિવાય જો કોઈની હાજરી હોય તો- હેપ્ટર્સ (હેલિકોપ્ટર), ડોક્ટર્સ અને પોર્ટર્સની. હેપ્ટર્સ થકી નિયમિતપણે કેરોસિન, દાળ-ચોખા, લોટ અને ખાંડ જેવી ખાદ્યસામગ્રી મોકલવામાં આવે છે. અતિશય ઠંડીના કારણે જવાનોને દાંત-પેઢાના દુ:ખાવાની ફરિયાદ રહે છે જેથી બેઝ કેમ્પમાં દાંતનું દવાખાનું પણ ઊભું કરવામાં આવ્યું છે. અતિશય ઠંડીના કારણે હિમડંખનો ભોગ બનેલા દર્દીઓની સંખ્યા સૌથી વધુ હોય છે. ડંખ શબ્દ એટલો ભયંકર નથી લાગતો પણ જયારે આગળ ‘હિમ’ શબ્દ ઉમેરાઈ ત્યારે ડંખ શબ્દ ‘ડંખી’ જાય છે. હિમડંખનો ભોગ બનેલ દર્દીનો ફોટો (પાનાં નંબર: ૧૮૩) જોયા બાદ સિઆચેનથી હજારો કિ.મી. દૂર બેઠેલ વાચકના શરીરમાં પણ ઠંડી ધ્રુજારી વ્યાપી જાય છે. બેઝ કેમ્પની નજીક આવેલા ગામોમાં વસતા રહીશો, બે ચોકી વચ્ચે સામાનની આપ-લે માટે હમાલની ભૂમિકા ભજવે છે. રોજગારીની તકોનો અભાવ અને ઠંડી સામે અનુકૂલન પામેલું શરીર, આ કામ માટે યોગ્ય છે.

માનસિક સંતુલન ખોરવી નાખતા આ હવામાનથી ત્રાસીને ક્યારેક જવાન આત્મહત્યા કરાવનું નક્કી કરી લે છે માટે કોઈક જવાનનું વર્તન જો સંકાસ્પદ જણાય તો તરત જે-તે ચોકીનો કમાન્ડર તેને હેલિકોપ્ટર દ્વારા નીચેની છાવણીમાં મોકલી આપે છે. પરંતુ વાત આટલી પણ સરળ હોય તો આ સિઆચેન કેવું? જો હવામાન હેલિકોપ્ટર માટે માફક ન હોય તો સખત બિમાર પડેલા જવાનને પણ મોકલી શકાય નહીં. ક્યારેક હિમડંખની ઘેરી અસર થાય તો જવાનનાં હાથ, નાક કે પગને- હિમડંખનો ભોગ બનેલ અંગને- કાપી નાખવામાં આવે છે. ઘણીવાર ચહેરાને પ્લાસ્ટિક સર્જરી વડે સુધારવો પડે છે. જવાનોની વ્યથાને સમજવા, એક સંવાદ (પાન નંબર:૧૨) જોઈએ-
‘સબ સે જ્યાદા દુઃખ કિસ બાત સે પહુંચતા થા?’ મેં પૂછ્યું.
‘જબ હમારા સાથી બીમાર પડે, યા ઉસકો જરા સી ચોટ ભી આયે તો હમેં બહુત તકલીફ હોતી થી.’ લખી સિંહે કહ્યું. ‘કિસી જવાન કે સાથ બૂરા હાદસા હો જાયે તબ તો કઈ દિનોં તક હમારા ખાના-પીના હરામ હો જતા હૈ.’
‘અચ્છા ચલો,’ મેં સમયસર ટોપિક બદલવા માટે કહ્યું. ‘દુઃખ કી બાત છોડો… સબસે જ્યાદા ખુશી કબ મિલતી થી?’
નિશાન સિંહ તરત જ બોલ્યા, ‘જબ પરિવાર સે ટેલિફોન પર બાત હો જાયે.’
‘વહ તો સ્વાભાવિક હૈ, નિશાન સિંહજી! ઉસ કે અલાવા ખુશી ક એક પલ તો હોગા?’
‘સા’બ…’ નિશાન સિંહે થોડોક વિરામ લીધો, મેજર ધીર તરફ એક નજર કરી લીધી, થોડું શરમાયા અને પછી બોલ્યા, ‘…જબ પોસ્ટ પે લડ્ડુ ઔર જલેબી આતે થે તબ!’

ઝોમેટો/સ્વીગીની દુનિયામાં આપણા માટે ચટપટી અને અવનવી વાનગી ઘેર બેઠાં આરોગવી એ રમતવાત છે. જયારે બીજી તરફ, સિઆચેનના શુરવીરો માટે જલેબી પણ તલપની વાત છે.

સિઆચેન અગર જંગ છે તો સિઆચેન બેટલ સ્કુલ તે જંગ લડવા તૈયાર કરતી વ્યવસ્થા છે. સમગ્ર પુસ્તકનું લખાણ એ શૈલીમાં છે કે, તેની વ્યથા 2-D પુસ્તકમાં પણ 3-Dની જેમ ઉપસી આવે છે. આર્મી તો દરેક દેશને હોય પણ ભારતીય આર્મી જે રીતે જંગી મોરચા સંભાળે છે, તે તેને વિશિષ્ટ બનાવે છે. આ પુસ્તકના ૬૨માં પાને, સિઆચેનના જવાનોને હિંમત આપતી કહેવત લખી છે- ‘THE MORE YOU SWEAT IN TRAINING, THE LESS YOU BLEED IN COMBET.’

કુદરત કદી મજાક કરે ખરી? કેમ નહિ? સિઆચેનને આટલું જાણ્યા પછી મને એ રહસ્યફોટ પણ કરી દેવા દો, બાલ્ટિ ભાષામાં સિઆચેનનો અર્થ, ગુલાબનો પ્રદેશ થાય છે. બીજી મજાક એ પણ છે કે, ત્યાં જવાનોએ ‘સ્વાદ’ પારખવા ‘લીલા મરચાં’ ફરજિયાત આરોગવા પડે છે અને આપનાં ખાવામાં જરા સ્વાદ ના હોય તો? ખાસ તો, આ પુસ્તક એટલા માટે પણ વિશિષ્ટ છે કારણ કે, તે ટેબલ-સ્ટોરી પ્રકારનું નથી. લેખકે સિઆચેન ક્ષેત્રની બે વાર મુલાકાત લઈને ફર્સ્ટ-હેન્ડ માહિતી વડે તૈયાર કર્યું છે.

ટૂંકમાં, સિઆચેનએ એક એવું વોર ઝોન છે જેને, કોઈ વ્યવસ્થા નહીં પણ ભારતીય જાંબાઝોનું ઝનૂન ચલાવે છે. આર્મી, ડોક્ટર્સ, પોર્ટર, જાતભાતના ટ્રાન્સપોર્ટ વાહનો અને ના જાણે કેટલીય દુઆઓ આ ક્ષેત્રને ચલાવી રહી છે. હું સારી રીતે સમજુ છું કે, બધાં પુસ્તકો વાંચવા એ આપણા માટે ગજા અને ગજવા બહારની વાત છે પણ આ પુસ્તક અચૂક વાંચવું જ જોઈએ. ભલે આપણે તેને સાક્ષાત ન જીવી શકીએ પણ ગુજરાતી ભાષાના આ ઉત્તમ પ્રવાસ કમ શૌર્ય કમ વ્યથાકથાના પુસ્તકને જો ન વાંચી શકીએ તો આપણે ઉત્તમ વાચક કેવા?

(આ છે સિઆચેન’ : હર્ષલ પુષ્કર્ણા, યુરેનસ બુક્સ, પ્ર.આ. ૨૦૧૭, મૂલ્ય રૂ. ૪૫૦)

જાનકી મયંકકુમાર શાહ, ૯0, જનકપુરી સોસાયટી, જંબુસર. જિ. ભરૂચ-392150મો. 9825941188 મેઈલ આઈ-ડી: jankeeshah@gmail.com