Included in the UGC-CARE list (Group B Sr. No 172)
ઉર્વીશ વસાવડાની ગઝલોમાં નિરુપિત અધ્યાત્મભાવ

‘ગઝલ’ શબ્દ અરબસ્તાનમાં આકારિત થયો છે. એટલે કે ગઝલનું સાહિત્યસ્વરૂપ અરબસ્તાનમાંથી ઊતરી આવેલું છે. આમ જોઈએ તો ગઝલનો ખરો પ્રાદુર્ભાવ ઈરાનમાં થયો છે, પરંતુ આજે સમગ્ર વિશ્વનાં ભાષાસાહિત્યમાં ગઝલનું સ્વરૂપ ખેડાય છે. એવી જ રીતે ગુજરાતી ગઝલનું સ્વરૂપ પણ ઉર્દૂ-ફારસી પરંપરામાંથી ઊતરી આવ્યું છે. ઉર્દૂ-ફારસી ગઝલોની સમાંતરે ગુજરાતીમાં પણ ગઝલો લખવા માંડી; પરંતુ આજે ગુજરાતી ગઝલે એક અલાયદું જ ભાવવિશ્વ ખડું કર્યું છે.જાણે કે હવે ગુજરાતી ગઝલ પોતીકી બની ચૂકી હોય એવું લાગે છે.

ભક્તકવિ નરસિંહ મહેતાની પાવનભૂમિ એવા જૂનાગઢમાં કવિ ઉર્વીશ વસાવડાનો જન્મ ૧૩ અપ્રિલ,૧૯૬૫માં થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાનો ઉચ્ચ અભ્યાસ મેડીકલમાં કર્યો. તેઓ પોતે ડૉક્ટર-રેડીયોલોજીસ્ટ છે અને હાલ જૂનાગઢમાં તે પોતાનું ‘આશીર્વાદ’ એક્સ-રે ક્લિનિક્ ચલાવે છે. બાળપણથી જ મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, શ્યામ સાધુ જેવા દિગ્ગજોનું સાનિધ્ય તેમને પ્રાપ્ત થયું અને વાંચનના શોખને કારણે તેઓની સવિશેષ રુચિ સાહિત્ય તરફ રહી છે. તેમની પાસેથી ‘પીંછાનું ઘર’(૨૦૦૨), ‘ટહુકાનાં વન’(૨૦૦૬), ‘પુષ્પનો પગરવ’(૨૦૧૧) અને ‘ઝાકળનાં સૂરજ’(૨૦૧૬) જેવા ગઝલસંગ્રહો પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત તેમણે દીર્ઘકાવ્યો, અનુવાદો, સંપાદનો તથા આસ્વાદલેખો પણ લખ્યા છે.

આજના સમયમાં ગઝલ એક સૌંદર્યલક્ષી કાવ્યપ્રકાર છે. ગઝલના પિતા બાલાશંકર કંથારીયાથી માંડીને આજ સુધી અનેક ગઝલકારો આવ્યાં અને લખતાં રહ્યાં. એમાં પણ ખાસ કરીને મનોજ ખંડેરિયા, આદીલ મન્સૂરી, મનહર મોદી, રમેશ પારેખ વગેરે જેવા પ્રયોગશીલ ગઝલકારોએ ગઝલની નોખી ભાત ઉપસાવી કાઢી. અત્યારની ગઝલોમાં અનેક વિષયો સ્થાન પામ્યાં છે; એવીરીતે ડૉ.ઉર્વીશ વસાવડાની ગઝલોમાં પણ આપણને પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ, ચિંતન, નગરચેતના જેવા અનેક ભાવો જોવા મળે છે. પરંતુ અહીં તેમની અધ્યાત્મભાવ વિશેની ગઝલની વાત કરવાનો ઉપક્રમ છે-
“કાંઠાની માયા ત્યાગી મઝધાર જવું છે,
હવે જવું તો ક્ષણની પેલે પાર જવું છે.” (‘પીંછાનું ઘર’, પૃ.૬૮)

અહીં કાંઠાની માયા એટલે કે આ સંસારરૂપી જગત. એ જગત છોડીને પ્રભુનાં જગતમાં જવાની વાત છે. હવે તો અહીં સંસારમાં રહેવાની કોઈ ઈચ્છા રહી નથી. જ્યાં સમયના બંધન નડતા નથી એવી જગ્યાએ જઈને વાસ કરવાની વાત મૂકવામાં આવી છે.
“યાદમાં એની ભૂલી જતો બધું,
ભીડનું એકાંત સમજાવો મને.”(‘પીંછાનું ઘર’, પૃ.૧૦)

શેરના ઉલા મિસરામાં યાદ શબ્દ પ્રયોજાયો છે. આ યાદ એટલે કે કોઈ પરમતત્વની યાદની વાત કરવામાં આવી છે. જયારે કોય વ્યક્તિ એની યાદમાં ખોવાય જાય છે ત્યારે સઘળું ભૂલી જાય છે. તેને ગમે એટલી ભીડમાં પણ એકાંત જ લાગે છે. આવી પરિસ્થિતિમાં ‘અકેલે મેં મેલા ઔર મેલે મેં અકેલા’ જેવી વાત બને છે.
“એ અગર આંખોની સામે હોય ના તો શું થયું,
કર સ્મરણ એનું તો મૂર્તિમંત દેખાશે તને.” (‘ટહૂકાનાં વન’, પૃ.૩૦)

ઈશ્વર તમારી આંખોની સામે ન હોય તો શું? એવો પ્રશ્ન ઉદભવે છે. આપણી સાધના જ એટલી પ્રબળ હોવી જોઈએ કે જયારે તેનું સ્મરણ કરીએ ત્યારે એ મૂર્તિમંત દેખાઈ આવે. નરસિંહ, મીરાં, સૂરદાસ, કબીર જેવા ભક્તો પાસે તો જાણે ભગવાન હાથવગા હતાં એવું આપણે કહી શકીએ. એમના સ્મરણ માત્રથી ભગવાન હાજર થઇ જતાં હતાં.
“ભીતરે જો રંગ ભગવો હોય તો,
છોડવાં ઘરબાર આવશ્યક નથી.”(‘પુષ્પનો પગરવ’, પૃ.૬૪)

અનાવશ્યક આધ્યાત્મિક પ્રવૃત્તિ પર કટાક્ષ કરતાં કવિ કહે છે કે તાપ, સાધના, ઉપાસના એ બહાર બતાવવાની વસ્તુ નથી, પરંતુ આંતરિક રીતે કરવાની વસ્તુ છે. જો મન જ ગંદુ હોય અને બાહ્ય આડંબર સમા ભાગવા વેશ ધારણ કર્યા હોય તો તેનો કોઈ મતલબ નથી. પરંતુ અંદરથી જો ભગવો ધારણ કર્યો હોય ને સાહેબ તો ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં-ત્યાં ભટકવાથી કશું પ્રાપ્ત થવાનું નથી!
“ખોરડું આખુંય ઝળહળ થઇ જશે એના પછી,
કો’ક ખૂણે, ક્યાંક દીવો તો પ્રજળતો જોઈએ.” (‘પુષ્પનો પગરવ’, પૃ.૯૧)

‘ખોરડું’ એટલે કે આપણો દેહ. આ દેહ ત્યારે જ ઝળહળી ઉઠશે કે આપણે દીવારૂપી સદગુરુની વાણીને દેહના કોઈક ખૂણે સાચવીને રાખી હશે. આ અમૃતમય વાણી પછી જે પ્રકાશ ફેલાવશે તેની વાત જ કંઇક બનશે.
“ જે ક્ષણે અસ્તિત્વ અંગે ભાન થાશે,
એ ક્ષણે નોખું અનુસંધાન થાશે.”(‘ઝાકળનાં સૂરજ’, પૃ.૨૪)

આપણે લોકો ભગવાન માટે ઘણું-બધું કરતાં હોઈએ છીએ. પરંતુ એ અસ્તિત્વ અંગે સભાન હોતા નથી. પણ જયારે એ અસ્તિત્વ શું છે? એના વિશે સાચું ભાન થઇ જશે ત્યારે કાંઇક અલગ જ અનુસંધાન થશે; અને પછી એ વાતનું વર્ણન કરવા માટે આપણી પાસે શબ્દો રહેશે નહિ.
“વર્ષો વીતી ગયાં, ન છતાં ઓળખી શક્યો,
એવું ફરે છે કોણ આ મારા લિબાસમાં.”(‘ઝાકળનાં સૂરજ’, પૃ.૭૯)

જન્મથી લઈને આજ સુધી આપણાં કેટલા વર્ષો વીતી ગયાં, છતાં પણ આપણે એ ઓળખી ન શક્યા કે આ પોશાક સમા દેહમાં એવું તે કયું તત્વ છે જે અંદર ને અંદર ફર્યા કરે છે.

આ રીતે ડૉ.ઉર્વીશ વસાવડાની ગઝલોમાં અધ્યાત્મ્ભાવ દેખાઈ આવે છે. તેમની ગઝલોમાં તાત્વિક અને દાર્શનિક ભૂમિકાની સાથોસાથ ભગવી ઝાંય પણ પડે છે. અનેક પ્રતીકો પણ તેમની ગઝલમાં જોવા મળે છે. જેમકે અહીં એક શેરમાં ‘ખોરડું’ શબ્દનો પ્રયોગ કર્યો છે જે પ્રતીક છે. આમ, ડૉ.ઉર્વીશ વસાવડાની આધ્યાત્મિક ગઝલોમાંથી પસાર થતાં મને એવું લાગે છે કે તેમનું આ દિશા તરફનું ચિંતન ઘણું ઉચ્ચ છે.

સંદર્ભ પુસ્તકો :

  1. ‘પીંછાનું ઘર’, ઉર્વીશ વસાવડા, પ્રવીણ પુસ્તક ભંડાર-રાજકોટ, પ્રથમ આવૃત્તિ:૨૦૦૨
  2. ‘ટહુકાનાં વન’, ઉર્વીશ વસાવડા, મીડિયા પબ્લિકેશન-જૂનાગઢ, પ્રથમ આવૃત્તિ:૨૦૦૬
  3. ‘પુષ્પનો પગરવ’, ઉર્વીશ વસાવડા, મિડીયા પબ્લિકેશન-જૂનાગઢ, પ્રથમ આવૃત્તિ:૨૦૧૧
  4. ‘ઝાકળનાં સૂરજ’, ઉર્વીશ વસાવડા, મીડિયા પબ્લિકેશન-જૂનાગઢ, પ્રથમ આવૃત્તિ:૨૦૧૬


જયના એમ. પરમાર, એમ.ફિલ., નેટ, જીસેટ E-mail: jaynaparmar3796@gmail.com