Included in the UGC-CARE list (Group B Sr. No 172)
પન્નાલાલ પટેલની નવલકથામાં મનોવિજ્ઞાન: ‘ભીરૂ સાથી’નાં સંદર્ભે

સાહિત્યને સમાજનું દર્પણ માનવામાં આવે છે, આવી જ રીતે સાહિત્યમાં સમાજનું પ્રતિબિંબ જોવા મળે છે, જે તે સમયની સમાજ વ્યવસ્થા, સામાજીક સમસ્યાઓ, સામાજીક વ્યવહારો, સામાજીક સંબંધોની રીતભાતો, પરંપરાઓ વગેરે તે સમયની સાહિત્યીક કૃતિઓમાં જોવા મળે છે. સમાજમાં રહેતા લોકો તેમની બોલીઓ, તેમનાં* વચ્ચેની આંતરક્રિયાઓ પણ સાહિત્યમાં જોવા મળે છે. સાહિત્યકાર પોતાની વર્ણનકળા, સંવાદકળા, રસકલા અને પ્રકૃતિનિરૂપણ જેવી કળાઓના માધ્યમ દ્વારા સાહિત્યકૃતિને જીવંત બનાવતા હોય છે.

ભારતીય સાહિત્યમાં એટલા માટે જ છંદ, અલંકાર અને રસ નિરૂપણને સાહિત્યમાં જીવંત અંગો માનવામાં આવ્યા છે. સાહિત્ય અને સમાજને સબંધ છે એવો જ સબંધ સાહિત્ય અને મનોવિજ્ઞાન વચ્ચે પ્ણ જોવા મળે છે. કારણ કે પ્રત્યેક સાહિત્યકૃતિ કે, સાહિત્ય રચનાને પોતાની આગવી જીવંતતા કે લયતા હોય છે, જેના દ્વારા જ એ રચના વાચક વર્ગમાં જીવંત બનતી હોય છે.

સાહિત્યની અનેક રચના વાંચતા સમયે તેનું વાંચન કરનાર તેની સાથે તાદત્મ્યનો ભાવ અનુભવતો હોય છે અને તેથી તેનાં પાપો સાથે પોતે પણ હસે છે – અને રડે પણ છે. પ્રત્યેક સાહિત્યીક રચનામાં કેટલી જીવંતતા છે તેનો આધાર રચયિતા કે સર્જક પર હોય છે. મહાકવી કાલીદાસની માફક કોઈ પોતાની રચનામાં જીવંત સૌંદર્ય નિરૂપણ કરવામાં નિપૂણ હોય છે તો કોઈ કલાપીની માફક પોતાની રચનામાંથી દર્દ જન્માવવાની ક્ષમતા ધરાવતા હોય છે.

ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ પટેલ પણ આવા જ એક સર્જક છે કે જેમણે પોતાની નવલકથાઓમાં જીવંત સામાજીક સમસ્યાઓ કે સામાજીક નિરૂપણોનું તાદ્રશ્ય સર્જન કર્યું છે. તેમની નવલકથાઓમાં માનવ જીવનનાં વિશેષ પાસાઓનું ખૂબ જ સૂક્ષ્મતા પૂર્વક વર્ણન કર્યું છે. પોતાની વર્ણનકળાની આવડત, કલ્પનાશક્તિને જીવનની જીવંતતા સાથે ગૂંથી લીધી છે અને તેના ફળસ્વરૂપે ઉત્તમકક્ષાની ગણી શકાય તેવી સાહિત્યીક કૃતિઓની રચના કરી છે.

‘ભીરુ સાથી’ પન્નાલાલ પટેલની પ્રથમ નવલકથા છે. ૧૯૪૩માં પ્રસિદ્ધ થયેલી તેમની આ નવલકથા ‘પ્રકૃતિ’, ‘સમાજ’, ‘માનવ-મન’નો ત્રિવેણી સંગમ છે. પોતાની આ કૃતિમાં માનવ – મન અને માનવ વર્તનનાં અનેક પાસાઓનું સુંદર આલંબન કર્યું છે. તેનું એક ઉદાહરણ જોઈએ તો,
‘જ્યા રોમ રોમ બળી ઊઠી ડોશી પાસે સાબિતિઓ માગવાની ઈચ્છા થઈ, છેલ્લી લડાઈ લડી લેવાનું મન થયું, પણ ગમ ખાઈ ગઈ. છતાંય ઓરડી બહાર નીકળતાં એટલું તો કહ્યું : ‘તમે તો માનસશાસ્ત્રી ખરાં ને, પછી કેમ ન પારખી જાઓ.’ અને સડસડાટ દાદર ઊતરી પડી. વાસણ સાફ કરી બાજુના ઓટલા પર મૂકી ખડકીમાં ગઈ.’[૧ ]

ભીરુ સાથી નવલકથામાં લખાયેલ આ શબ્દો એ સમયગાળામાં માનસશાસ્ત્ર વિષયની હયાતી સૂચવે છે. જે હાલમાં મનોવિજ્ઞાન તરીકે જાણીતું છે. આ નવલકથાની નાયિકા જયા અમદાવાદની કોલેજમાં અભ્યાસ કરેલ સ્ત્રી છે અર્થાત એ સમયમાં કોલેજનાં વિદ્યાર્થીઓમાં આ વિષય પરત્વે કાંઈક તો જાગૃતતા હતી તે ફલીત થાય છે. વળી જયા દ્વારા બોલાયેલ વાક્ય. ‘‘તમે તો ‘માનસશાસ્ત્રી’ ખરાને, પછી કેમ ન પારખી જાઓ’’ – આ વાક્ય એવા સંદર્ભમાં પ્રયોજાયું છે કે માનસશાસ્ત્રનો અભ્યાસું ચહેરાનાં હાવ-ભાવ જોઈએ વ્યક્તિનાં વર્તનને જાણી શકે.

મનોવિજ્ઞાનનાં અભ્યાસુને એ ખ્યાલ હોય જ કે ‘મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે’ એવી પ્રારંભિક વ્યાખ્યા મનોવિજ્ઞાનનાં આરંભમાં આપવામાં આવી હતી. અર્થાત પન્નાલાલ પટેલે પોતાની સાહિત્યિકકૃતિમાં માનસશાસ્ત્ર જેવા આધુનિક વિષયને વણી લેવાનો પ્રયત્ન કર્યો છે જે સાહિત્યની ભાષામાં તેમની આધુનિકતાને દર્શાવે છે.

આ ઉપરાંત આ નવલકથાના આરંભમાં જે પ્રકરણ – ૧માં જ લખ્યું છે કે,
‘કેમ, કોનું કામ છે ?’ પેલી બે બાળાઓમાંથી એકે પૂછ્યું ઉપડેલો પગ આગળ મૂકવો કે પાછળ એવી મનોદશામાં પડેલા કાન્તિલાલથી પહેલા તો ‘કોઈનું નહિ એમ કહી દેવાયું, પણ તરત જ ઉમેરી દીધું : ‘મિસ જયા પટેલ છે ? મારે એમને મળવું હતું બોલાવશો જરા ?’’[૨]

લેખક મનોવિજ્ઞાન વિષયનાં શબ્દનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે બાબતથી પણ ખૂબ જ સારી રીતે વાકેફ છે. ‘મનોદશા’ અહિ આ શબ્દનો ઉપયોગ કરતા પહેલા લેખકે આ શબ્દને અભિવ્યક્ત કરવા માટેનું એક પ્લેટફોર્મ એવી જીવંત રીતે પોતાની કલ્પના શક્તિ દ્વારા રચી દીધું છે કે વાચકની નજર સમક્ષ કાન્તિલાલ ઊભા હોય તેવી અનૂભૂતિ થાય.

‘મનોદશા’ શબ્દ પહેલાનું વિધાન ‘‘પગ આગળ મૂક્યો કે પાછળ’’ અને આ શબ્દ પછીનું વિધાન કાન્તિલાલથી પહેલા તો ‘કોઈનું નહિ એમ કહી દેવાયુ.’

આમ, આ બંન્ને વિધાન અને એ વિધાન વચ્ચેનો ભાવ જ સ્પષ્ટ કરે છે કે અહિ આ જ શબ્દનો પ્રયોગ ઉત્તમ છે. આમ લેખક મનોવિજ્ઞાનનાં પારિભાષિક શબ્દોનાં તો સારા જાણકાર છે જ સાથે સાથે શબ્દ પ્રયોજન પહેલા અને પછી શબ્દનારૂપ વાતાવરણ નિર્મિત કરવાની કળાના ઊત્તમ જાણકાર પણ છે. તેમની આ નિપુણતાએ જ તેમની કૃતિઓમાં જીવંતતા પેદા કરી છે, અને આવી જીવંતતા ત્યારે જ જન્માવી શકાય કે જ્યારે સર્જક પોતાની કૃતિનાં પાત્રોનું માત્ર વર્ણન કે લેખન ન કરતો હોય, પરંતુ તેને અનુભવતો હોય.

પ્રસ્તુત નવલકથામાં લેખક દ્વારા માત્ર પાત્રોના નિરૂપણ સંવાદ દ્વારા કે વર્ણન કળા દ્વારા જ થયા હોય એવુ નથી. લેખકે પોતાની કૃતિનાં પાત્રોમાં જીવંતતા પણ ભરી છે. અને આવુ જ્યારે જ બની શકે કે જ્યારે લેખક પાત્રની અનૂભૂતિ સ્વમાં કરતો હોય, પોતાની કૃતિનું પાત્ર મનોમંથનમાં શી અનુભૂતિ કરે છે તેનું ખૂબ જ સુંદર વર્ણન લેખકે અહિ કર્યું છે. ઉદા તરીકે જોઈએ તો,
‘‘ઊંહુ, મારાથી લગ્ન નહિ જ થાય !’’ અને દિલમાં ઊઠતા તણખલાઓને દાબવા તે ફરી બોલ્યો : ‘એ શી રીતે થાય ? લોકો મને શુ કહે ? બાને શુ કહે ? ના ના, એ નહિં જ બને ? હું જયાને ના જ પાડી દઈશ.’ સાથે જ નજર આગળ જયાની અસ્પષ્ટ મૂર્તિ દેખાઈ, કંટાળા સાથે અને લાચાર અવાજે બબડ્યો : ‘પણ હું કરુ શું ? મારાથી એ શી રીતે બને ? તેનો અવાજ ઢીલો પડી ગયો. આંખમાંથી ડોકાતાં આંસનું ભાન આવ્યું. તે એકદમ બેઠો થઈ ગયો અને બેભાનપણે જ પાછો ખુરશીમાં બેસી પડ્યો. મગજમાં ચાલતા ઉલ્કાપાતે જ્યારે કેડો ન જ છોડ્યો ત્યારે એને વહેમ પડ્યો : હું ગાંડો તો નથી થઈ ગયોને?’[૩]

આ નવલકથાના ઉપરોક્ત વર્ણનમાં નાયકના મનમાં ચાલતા વિચારવૃંદનું વર્ણન લેખક દ્વારા ખૂબ જ જીવંત સ્વરૂપે કર્યું છે, નાયકનાં મનમાં ચાલતો સંઘર્ષ લેખક વાંચકનાં માનસપટ પર જન્માવવામાં સફળ રહ્યા છે, વાંચક પ્રત્યેક શબ્દ અને વિધાનને એક ફિદમની માફક પોતાની નજર સમક્ષ જોઈ શકતો હોય અને તેની મનોવ્યથા તથા સંવેદનાની અનુભૂતિ કરતો હોય તેવું ભાવભર્યું ચિત્રણ તેમણે ઊભુ કર્યું છે. અર્થાત માનવમનનાં સંઘર્ષને અહિં તેમણે તાદ્રશ્ય સ્વરૂપે રજુ કર્યું છે. ‘દિલમાં ઊઠતા તણખલા’ શબ્દ દ્વારા નાયકની આવેશમયતાને રજૂ કરી છે તો ‘પણ હુ કરુ શુ ?’ આ કથન દ્વારા નાષ્કની વિવશતાને રજુ કરી છે. ત્યારે બાદ તરત જ આવતા વર્ણન ‘‘તેનો અવાજ ઢીલો પડી ગયો. .......બેભાનપણે જ પાછો ખુરશીમાં બેસી પડ્યો.’’ દ્વારા નાયકનાં મનો-સંઘર્ષનાં થાક રૂપી પરિણામ તરીકે તેની શારીરિક પ્રતિક્રિયા અર્થાત નિશહાય વર્તન તરીકે રજૂ કરી છે. જે બાબત નાયકનાં મનમાં ચાલતા સંઘર્ષનું વાર્તનિક પરિણામ હોય તેમ જણાવે છે.

અર્થાત લેખક આ વર્ણનમાં પણ શાબ્દિક વર્ણનનો વાર્તનિકરૂપ આપવામાં સફળ થયા છે. ‘હું ગાંડો તો નથી થઈ ગયો ને ?’ સ્વકથન દ્વારા લેખકે વાચકવર્ગ સમક્ષ નાયકની મનોવ્યથાને પરાકાષ્ઠા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, સાથે સાથે આ વિધાન પ્રશ્નાર્થ રૂપમાં રજુ કરી વાચકના મનમાં નાયક પરત્વેની સંવેદના જન્માવવામાં સફળ રહ્યા છે. આ પ્રશ્નાર્થ વાક્યને કારણે વાંચક થોડો સમય તો નાયક અને નવલકથાનાં કથાવસ્તુ વિશે ગહનતાથી વિચારવા મજબુર બને જ, અને તેથી વાંચક આ નવલકથા આગળ વાંચવા માટે તત્પર બને આમ લેખકે પોતાની વર્ણનકથા અને મનોવિજ્ઞાનની સૂઝને કારણે વાંચકોને આ નવલકથાનાં વિષયવસ્તુ સાથે સંવેદનાઓથી બાંધી રાખવામાં સફળતા મેળવી છે.

આ નવલકથામાં આધુનિક મનોવિજ્ઞાનનાં સંદર્ભનો પણ કુશળતા પૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે,
‘‘જો કે ભોળાનું ખરું નામ તો ડાહ્યો હતુ પણ અહીં તેને તેના સ્વભાવ પ્રમાણે ભોળો કહીને બધા બોલાવતાં,’’

નવલકથાનાં સહપાત્ર ભોળાનાં નામ સંબંધિત લેખકનો ઉપરોક્ત વિચાર આધુનિક મનોવિજ્ઞાન પરત્વેની તેમની સભાનતાનું સૂચકપણુ છે. આધુનિક મનોવિજ્ઞાનમાં યુંગ, એડલર જેવા મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિત્વ (Personality) ની સમજમાં વ્યક્તિત્વ અને વર્તન પરસ્પર સંકળાયેલા છે એવો મત રજુ કર્યો છે. ભોળાનું ખરુ નામ તો ડાહ્યો છે પરંતુ તેના સ્વભાવ પ્રમાણે તેન બધા ભોળો કહીને બોલાવે છે. આ બાબત દર્શાવે છે કે વ્યક્તિનાં સ્વભાવનાં આધારે તેનું મૂલ્યાંકન કરવાની એક વ્યવસ્થા આ સમયગાળામાં જોવા મળે છે. સ્વભાવગત લાક્ષણિકતાઓને આધારે વ્યક્તિને ઊપનામ આપવાથી તેનાં સ્વભાવગત લાક્ષણીકતાઓ તેની ઓળખ બને છે. અને લેખકે આ એક ટૂંકા કથન દ્વારા ભોળા ઊર્ફે ડાહ્યાનાં સમગ્ર વ્યક્તિત્વનું ચિત્રણ વાંચક સમક્ષ રજુ કરી દીધું છે. જેના કારણે નવલકથાનાં સહપાત્રનાં વિશેષ પરિચય માટેનાં વર્ણનથી તેઓ બચી શક્યા છે અને આમ છતાં ભોળા નામનાં પાત્રને વાંચકગણ સમક્ષ જે સંદર્ભથી પોતે રજૂ કરવાની ઈચ્છા છે તે પ્રમાણે રજૂ પણ કરી શક્યા છે. બિજા શબ્દોમાં કહીએ તો મનોવિજ્ઞાનનાં બિનશાબ્દિક પ્રત્યાયન કૌશલ્યનો ખૂબ જ આવડત પૂર્વકનો ઉપયોગ કરીને તેમણે પોતાની મનોવૈજ્ઞાનિક સૂઝને અભિવ્યક્ત કરી છે.

સંદર્ભ

  1. પન્નાલાલ પટેલ; ભીરુ સાથી (૧૯૪૩ મૂળ આવૃત્તિ; ૨૦૧૧ આઠમી આવૃત્તિ) પ્રકરણ : ૧૨, પાનાનંબર : ૧૧૭, સંજીવની પ્રકાશન, ISBN : 978 – 93 – 80126 – 22 -7
  2. પન્નાલાલ પટેલ; ભીરુ સાથી (૧૯૪૩ મૂળ આવૃત્તિ; ૨૦૧૧ આઠમી આવૃત્તિ) પ્રકરણ : ૧૨,પાના નંબર : ૨, પ્રકરણ : ૧, સંજીવની પ્રકાશન, ISBN : 978 – 93 – 80126 – 22 -7, અમદાવાદ
  3. પન્નાલાલ પટેલ; ભીરુ સાથી (૧૯૪૩ મૂળ આવૃત્તિ; ૨૦૧૧ આઠમી આવૃત્તિ) પ્રકરણ :૧૨, પાનાનં. ૧૩, સંજીવની પ્રકાશન, ISBN : 978 – 93 – 80126 – 22 -7, અમદાવાદ

ડૉ. જીજ્ઞેશ એચ. ટા૫રિયા મદદનીશ પ્રાધ્યાપક અને અધ્યક્ષ, મનોવિજ્ઞાન વિભાગ, ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, (સાંજની), અમદાવાદ