Included in the UGC-CARE list (Group B Sr. No 172)
સુમન અજમેરીની કવિતામાં ડાયસ્પોરાનો ભાવ

‘ડાયસ્પોરા’ એ ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો સૌ પ્રથમ વાર ઉલ્લેખ આપણને હિબ્રુ બાઈબલના ગ્રીક અનુવાદમાં મળે છે. ઈ.સ.ની ૫મી સદીમાં બેબીલૉનિયન કેપ્ટિવિટી પછી પેલેસ્ટાઈનની સીમા બહાર હાંકી કઢાયેલ જ્યુઈશ (યહૂદી) પ્રજા માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવી હતી. આ પ્રજાને પોતાની ઈચ્છા વિરુધ્ધ દેશમાંથી હાંકી કાઢવામાં આવી અને તેના પરિણામ સ્વરૂપે તે પ્રજા ઈરાન, ઈજિપ્ત, ગ્રીસ, ઈટાલી, આર્મેનિયા વગેરે રાષ્ટ્રોમાં છૂટી છવાઈ વસી. પોતાના વતનથી બળપૂર્વક હટાવાયા બાદ અનુભવેલી વેરવિખેર થયાની, કેન્દ્રથી ચ્યુત થયાની વેદના કે સંઘર્ષ આ સંજ્ઞાના વપરાશના મૂળમાં છે. કોઈ રાજકીય કારણોસર એક આખી પ્રજાને પોતાની ઈચ્છા વિરુધ્ધ દેશનિકાલ થવાની સ્થિતિ ઊભી થાય અને અન્યત્ર શરણ શોધીને રહેવા માટે જે સંઘર્ષ કરવો પડે છે તેના સંકેતો આ સંજ્ઞાના કેન્દ્રમાં પડેલા છે. એટલે આ સંજ્ઞાના મૂળમાં સામાજિક, રાજકીય, ઐતિહાસિક પરિબળો જવાબદાર છે. જોકે સમયાંતરે આ સંજ્ઞાના અર્થો બદલાતા રહ્યા છે. આજે માત્ર યહૂદી પ્રજા માટે જ આ સંજ્ઞા લાગુ પડતી નથી, પણ પોતાનો દેશ છોડીને પરદેશ ગયેલ વ્યક્તિ, ત્યાં પોતાની જાતને ગોઠવી ન શકે અને પોતાની માતૃભૂમિ અને પરદેશ વચ્ચે અનુભવતી ભિન્નતાના કારણે જે સંસ્કૃતિક સંઘર્ષ અનુભવે તેને પણ ‘ડાયસ્પોરા’ સંજ્ઞા લાગુ પડે છે. પરદેશમાં વસતા અદમ ટંકારવી, દીપક બારડોલીકર, અહમદ ગુલ, પન્ના નાયક, બાબુ સુથાર, નટવર ગાંધી, ડાહ્યાભાઈ પટેલ, વલ્લભ નાંઢા, બળવંત નાયક, સુમન અજમેરી આદિ સર્જકોની કવિતા, વાર્તા, નવલકથા, નિબંધોમાં ડાયસ્પોરાનો ભાવ અનુભવાય છે. અહીં સુમન અજમેરીની કવિતામાં ડાયસ્પોરાનો ભાવ કેવો અનુભવાય છે તેને રજૂ કરવાનો ઉપક્રમ છે.

સુમન અજમેરી૧૯૩૫ની ચોથી સપ્ટેમ્બરે અમરેલી જિલ્લાના વાવેરા ગામે જન્મેલા અને ૨૯ એપ્રીલ ૨૦૧૪માં અમદાવાદ ખાતે અવસાન થયું. આ કવિ પાસેથી તેવીસ જેટલાં સંગ્રહો પ્રાપ્ત થાય છે. જેમાં ‘નેજવાં’, ‘હલક હૂલસે ચડી’, ‘કંકુ કૉળ્યું ગીત’, ‘અંત: સલીલા’, ‘ઇબારત’, ‘રિયાઝ’, ‘તરન્નુમ’, ‘અંતરના ઓજસ’, ‘આકારના અમીજળ’, ‘કવિતા સુમન’, ‘હિલ્લોલ વિભોર’ વગેરે છે. ડાયસ્પોરાનો ભાવ ધરાવતી તેમની રચનાઓમાં ચહેરાઓના જંગલમાં’, ‘ખોવાયેલું નાગર’, ‘સાન એન્ટોનિયો’, ‘બીજ હું’, ‘કોને ખબર’, ‘યાદ’ જેવી મુખ્ય છે. તો ‘ગઝલનો આસ્વાદ’, ‘આદિલ મન્સૂરી: ગઝલને સમર્પિત વ્યક્તિત્વ’, ‘વિદેશમાં વસતા દેશીઓની સમસ્યા’, જેવાં વિવેચન અને ચિંતન અને ‘દરિયાપારના દેશોમાં સર્જાતું ગુજરાતી સાહિત્ય’ નામે ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યનું પુસ્તક પણ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે.

પરભોમકામાં રહીને પરિચિત નજર કે વ્યક્તિને શોધવાની મથામણ ‘ચહેરાઓના જંગલમાં’ થઈ છે. જે લોભ લાલચને વશ થઈને પરદેશ પહોચ્યા પછી જે આગંતુકપણાનો અનુભવ થતાં જ નજર સ્વદેશ તરફ મંડાય છે. માનવમહેરામણ વચ્ચે પહેચ્યા પછીની મન:સ્થિતિનું આલેખન ધ્યાનપાત્ર બન્યું છે.
‘શું માનવ મહેરામણથી
ભર્યા ભર્યા આ વેરાનમાં
એકેય અમી સ્રોત
એકેય સેતુ ઓળખનો
મને મળશે નહિઁ?
ને આમ ને આમ
હું રઝળ્યા કરીશ
આયુષ્યના આખર પડાવ લગ
દૃષ્ટિનું લોહચુંબક લઈ
લલચામણું
ભર્યા ભર્યા આ જગે
થઈ સાવ અજાણ્યો’

‘ખોવાયેલું નગર’માં પરદેશ ગયા પછી પોતાની મોટા ભાગની જિંદગી જ્યાં વીતી છે તે અમદાવાદ ખોવાઈ ગયેલું સાવ બદલાઈ ગયેલું ભાસે છે. બદલાઈ ગયેલ હવા, બદલાયેલ લોકો અને તેમનો બદલાયેલ વ્યવહાર જોઈને વ્યથિત થઈ ઊઠે છે. પોતાને પોતાના જ દેશમાં અનુભવાતું પરાયપણું ડાયસ્પોરાની નવીન બાજુને પ્રગટાવે છે.
‘દોડી દોડી પરસ્પરનું
કામ આટોપતા દોસ્તારો
આજે અજાણ્યા
સાવ અપિરિચિત
કેમ થઈ ગયા?
મળું તો મુજથી
આંખ ચોરે છે.
ભાગે છે આઘા
લપ માની,
કેવા બદલાયા છે એ બધા?
કે પછી
બદલાઈ ગયો
હું પોતે જ ખરે?
પરભોમની હવાએ
છીનવી લીધું
મારું સ્વત્વ સમસ્ત!
પોતાના દેશમાં બનાવી મને પરાયો'

‘બીજ હું'માં પોતાની સ્વદેશથી પરદેશ પહોંચવાની ઘટનાની આલેખાઈ છે. એક બીજનું ધરતીમાં રોપવું, અંકુરિત થવું, કદાવર વૃક્ષમાં પરિણમવું, ફળ-ફૂલ બેસવાં તેમજ પોતાની અંદર આવાં કેટલાંય બીજ હોવાની પ્રતીતિ અહીં આકરિત થઈ છે.
‘નાનકાં અંગરૂપ બીજોને
કોખે જેમની ઝુમતા
ભાવિના કૈ મહાકારો
ઢબૂરી કોણ જાણે
કેટલીયે સંભાવનાઓ
નિજ ઉદરમાં પડ્યું તું
નિષ્પ્રાણ નિષ્ક્રિય સાવ
ક્યાં જાણું કંઈએ?
નિજ ભાવિ વિષે,
પહેચાની હું શક્યો ક્યાં
મારામાં રહેલા
મહાવૃક્ષને કદાપિ?
અને કોખે પનપતા
મુજ શા કૈંક બીજ
અંગમાં મુજ વસ્યા કેવા
ભાવિ જીવનના
અંગ નવલાં?'

તો પરદેશમાં થતો જીવનનો અનુભવ કેવો છે તે વિશે પણ તેમનો એક શેર ધ્યાન ખેચે છે.જેમકે-
જીવને આખરે બાળીને જીવવું,
અંતરે આંસુડા સારીને જીવવું.

આશરે આશરે અટકળો ધારવી,
વણ કહ્યાં સોણલાં ભારીને જીવવું.

પરદેશમાં વેઠવો પડતો સંઘર્ષ અને તેના પરિણામે જીવનની બધી ઈચ્છાઓ મારીને આયખું જ પસાર કરવાની વાત અહીં રજૂ થઈ છે. પરદેશમાં જઈને જે સંઘર્ષનો સામનો કરવો પડે છે અથવા કિનારો શોધવાની જે મથામણ કરવી પડે છે તે ‘કોને ખબર?માં વ્યક્ત થઈ છે.
‘સુખનો ઓથાર
ઝાંઝવાના જળ સમો
વિલાય છે પળપળ
અને ભર્યા-ભાદર્યા
જગ-પગથાર મધ્યે
સાવ એકલો અટૂલો
રવડી રહ્યો છું.
કિનારો શોધવાની
મથામણમાં.'

આ મથામણને વ્યક્ત કરવા માટે કાવ્યમાં પ્રયોજાયેલ દ્રોપદી, ધૃતરાષ્ટ્ર, કુંતી આદીના સંદર્ભો ઉચિતતા ધારણ કરી શકતા નથી. કાવ્ય વ્યંજનાના વિસ્તાર માટે ઉપકારક બનતા નથી. જેમકે-
‘જિંદગીનો ઉલેચાતો દરિયો
દ્રોપદીના ચીર સમો
વિસ્તારી રહ્યો છે
સતત
અને કદી ન બુઝનારી
ભૂખની આગને ઠરવા માથું છું જેમ
ધૃતરાષ્ટ્રના
પ્રત્યાઘાતી આલિંગન
સમી એ આગ
પળ-પળ
કુંતીના અણકથ
મૂંઝારા શી
વલોવી રહી છે અંતરનાં
પડળ-પડળ'

આવી જ મુશ્કેલી ‘ચલણી સિક્કા' રચનામાં અનુભવાય છે. સ્વદેશથી આવતા જાત-ભાતના લોકોના વાણી-વ્યવહાર, વર્તન તેમજ રીતભાતને પ્રગટાવવાની એક તરફી મથામણ છે. ‘યાદ સ્વદેશની'માં વતન-પ્રીતિ' આલેખાઈ છે. વતન છોડતા જે અવદશા થઈ છે તેના કારણે પરદેશનો મોહ છોડી વતન પરત ફરવાની તીવ્ર ઝંખના કેવી રીતે આકારિત થઈ છે તે જુઓ-
‘ખોવાયો, ભૂલાયો ભરમાયો
નવા પરિવેશની માયા-જાળે,
સંતૃપ્ત અહીંની ઝાકળઝોળ
સમવેત ભૌતિક ઉપલબધિઓ છતાં,
ઊછળતા ઉદ્દામ વેગે અશ્વો ઉરના
-ખેંચી તાણી લગામ પ્રલોભનોની
થઈ અધીરા આળોટવાવતનની ધૂળમાં.'

ટૂંકમાં સુમન અજમેરીની રચનાઓ અન્ય કવિઓની તુલનાએ વસ્તુ-વિચાર અને ભાષાભિવ્યક્તિના સંદર્ભમાં ધ્યાનપાત્ર બની છે. ગઝલ સ્વરૂપમાં તેમણે કરેલું માતબર અર્પણ અને અછાંદસક્ષેત્રે મેળવેલ કુશળતા અમેરિકન ડાયસ્પોરિક કવિઓની શ્રેણીમાં તેમણે અલગ તરવે છે. તેમની ‘ઘર કહું' ગઝલો એક શેર નોંધવા જેવો છે.
‘શોધી રહ્યો ઝંખારમાં છું ઘર તણો રે મર્મ હું
મહેમાન જેવી ગત જહીં તેને રે શું ઘર કહું?

આવો જ આકર્ષક શેર બીજી એક રચનાનો છે. જેમાંથી પણ ડાયસ્પોરાનું સંવેદન વ્યક્ત થાય છે.
‘ભલે વિપરીત વિધિ હો, મથીશ જાવા કિનારે હું
ટકયા છે શ્વાસ ત્યાં લગ તો ઝૂઝીશ સહી તુફાનોને'

અનેક સંઘર્ષો, મુશ્કેલીઓ, અંતરાયોનો સામનો કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયત્નો ક્યારેય છોડવાના નથી કહો કે અંતિમ શ્વાસ સુધી સંઘર્ષરત રહેવાનો મિજાજ અહીં ડાયસ્પોરા પ્રજાના ખમીરને પ્રગટાવે છે. જોકે તેમની કેટલીક રચનાઓમાં ડાયસ્પોરા સંવેદન કલાત્મક રીતે અભિવ્યક્ત થયું જણાતું નથી. મોટી સંખ્યામાં સાહિત્ય સર્જન કારનાર આ સર્જક પાસેથી યાદગાર કહી શકાય એવિ કોઈ નોંધપાત્ર રચના સાંપડતી નથી. તેમ છતાં ડાયસ્પોરા કાવ્યક્ષેત્રે તેમણે કરેલ સર્જન ખૂબ મૂલ્યવાન બની રહેશે.

સંદર્ભ:

  1. અમેરિકવાસી કેટલાક ગુજરાતી સર્જકો, મધુસૂધન કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૧૧
  2. ડાયસ્પોરા અને પન્ના નાયકની કવિતા- સંપા. નુતન જાની, શ્રી ના. દા. ઠા. મહિલા વિદ્યાપીઠ - મુંબઈ, ૨૦૦૭
  3. ડાયસ્પોરા વિભાજન અને સિંધી ડાયસ્પોરા સાહિત્ય, નૂતન જાની, ‘તથાપિ’ માર્ચ-મે, ૨૦૧૦
  4. બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા: ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો, મકરંદ મહેતા, શિરીન મહેતા, વિશ્વ ગુજરાતી સમાજ, અમદાવાદ, ૨૦૦૯
  5. બ્રિટનમાં ગુજરાતીઓ, પ્રવીણ ન. શેઠ, જગદીશ દવે, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૦૭
  6. બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૪
  7. નેજવાં, સુમન અજમેરી, સાગર પબ્લિકેશન, અમદાવાદ, ૨૦૦૯
  8. હલક હૂલસે ચડી, સુમન અજમેરી, સાગર પબ્લિકેશન, અમદાવાદ, ૨૦૦૦


જે. વી. ચૌધરી, મું. મસાલી, તા. રાધનપુર, જિ. પાટણ ૩૮૫૨૪૦