Included in the UGC-CARE list (Group B Sr. No 172)
સૉનેટ પંક્તિઆસ્વાદ:- બે સૉનેટ નું દ્રુશ્ય અને પંક્તિમા પ્રતિબિંબિત થતું ઊર્મિનું શિલ્પ

“આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે. ”
-બ.ક.ઠાકોર

“સૌન્‍દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.”
-ઉમાશંકર જોશી

જરા જુદી તરેહથી કાવ્યપંક્તિમા રહેલું કાવ્યત્મક સૌન્દર્યની સાથે ચિંતનોર્મિ ભાવગહનની તરલતમ્ સંવેદનયુક્તની કોતરણી ભાવક કરે છે. અગાઉ સર્જકોએ કથ્યું જ છે. ૫રંતુ ભાવકને સાગર નહીં ૫ણ ગાગર જન્ય પ્રતીતિ વઘું હૃદ્ય લાગે છે. એ ન્યાયે ગુજરાતી સૉનેટ સાહિત્યમાં સર્વોપરિ રહેલ અને સંવેદનનું પ્રથમ અને ઉત્તમ છંદબદ્ઘ સ્ફૂરણ એટલે ‘ભણકારા’(૧૮૮૮) અને ‘નખી સરોવર ઉ૫ર શરતપૂર્ણમા’(૧૯૨૮). બંને સૉનેટની અનુક્રમે આરંભની તથા અંતિમ પંક્તિની વચ્ચે વિલસતું સૌન્દર્ય દ્રુશ્ય કલ્પિત રૂપે તાદ્રુશ્ય થયું છે. તેમજ ભાવકને આસ્વાદન અનુભવ કરાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જ્યારે ‘પુષ્કળ કવિતા માત્ર પોપટ આંસુ સારતી” – સ્થિતિ હતી ત્યારે વિચારપ્રધાન, ચિંતનોર્મિ કવિતાનાં હિમાયતી બળવન્તરાય કલ્યારાય ઠાકોર જુદા તરી આવે છે. પશ્વિમી સાહિત્ય સ્વરૂપ સૉનેટ ને ગુજરાતી સાહિત્યભૂમિમાં રોપીને ઊર્મિનું પયપાન કરાવ્યું. ઇ.સ. ૧૮૮૮ માં ‘ભણકારા’નામે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સૉનેટ આપે છે તેમના કાવ્યસંગ્રહનું નામ પણ ‘મ્હારા સૉનેટ ’ રાખ્યુ છે. તેમના સંગ્રહમાં ઘણા સોનેટો સફળ નીવડી આવ્યા છે. તેમાં ‘વધામણી’, ‘મોગરો’, ‘જૂનું પિયરઘર’, ‘વર્ષાની એક સુંદર સાંજ’ વગેરે. તો આ પ્રથમ સૉનેટ ‘ભણકારા’, પ્રકૃતિભાવને ચિત્રાત્મકતા આપતું સફળ સૉનેટ છે.

ફૂટતી જુવાનીમાં જેની દ્રુષ્ટિ કંઇક બીજાથી જુદી છે. સૌન્‍દર્યનું સતત પાન કરવા તલસે છે. એવા ગાંઘીયુગના અને ગુજરાતી સાહિત્યનાં મૂર્ધન્‍ય કવિ ઉમાશંકર જોશીનું સોળ-સત્તર વર્ષની વયે પગપાળા આબુના પ્રવાસે જતા-પ્રાકૃતિક સૌન્‍દર્ય માણતાં-માણતાં થયેલી અનુભૂતિને ‘નખિ સરોવર પર શરદપૂર્ણિમાં’ – સૉનેટ માં ઢાળે છે. તેમને ‘વિશ્વશાંતિ’, ‘ગંગોત્રી’, ‘નિશીથ’, ‘વસંતવર્ષા’, ‘પ્રાચિના’, ‘ધારાવસ્ત્ર’, ‘મહાપ્રસ્થાન’, ‘સપ્તપદી’, વગેરે કાવ્યસંગ્રહો આપ્યા છે. વળી ‘નિશીથ’ કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે તેમનાં ઉત્તમ સોનેટોમાં ‘રહ્યાં વર્ષો’, ‘મળ્યાં વર્ષો’, ‘રડોનાં મુજ મૃત્યુને’ ‘ભલે શૃંગો ઊંચા’, ‘સખી મેં કલ્પીતી’ વગેરે. તો પ્રકૃતિના કવિને સૌન્‍દર્યમાં રાચવું ગમે છે અને તેની અનુભૂતિ આવી પંક્તિમાં રજુ કરી છે. પ્રકૃતિભાવને આત્મસાત કર્યો છે.

ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસમાં પોતાનાં યુગનાં દિગ્ગજોમાં મોખરાનું સ્થાન ધરાવતાં બ.ક.ઠાકોર પંડિતયુગના અને ઉમાશંકર જોશી ગાંધીયુગમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

આ બન્ને કાવ્યપંક્તિમાં મુખ્ય ભાવવિશ્વ પ્રાકૃતિક સૌન્‍દર્યનું છે. સૌન્‍દર્ય પામવું, માણવું કોને ન ગમે? અરે! જીવનમાત્ર ને! આજે સૌન્‍દર્ય વિભાવને બીજા અર્થોમાં ઘટાવવામાં આવી રહ્યો છે. આ યુવક સુંદર છે. આ યુવતી સુંદર છે. પણ તેનું સૌન્‍દર્ય લાવણ્ય ક્યાં છે? તેનો અંગૂલી નિર્દેશ કરી શકાશે? – આ સૌન્‍દર્ય સંજ્ઞા સમય સાપેક્ષ છે. માત્ર અનુભવી શકાય, સમજી શકાય, પણ દર્શાવી શકાય નહી.- જ્યાં દર્શાવવા જશો ત્યાં બીજા જોડાયેલા-સંકળાયેલા પરિમાણોને અન્‍યાય કરી બેસશો. – સ્થૂળ સૌન્‍દર્ય કરતાં સૂક્ષ્મ સૌન્‍દર્ય ઉત્તમ છે. તેમા પ્રેમ છૂપાયેલો છે.

અધરમ્, મધુરમ્ મધુરાઘિપતેરખિલમ્... આમ, આ સમષ્ટિમાં મધુરતા રહેલી છે. પણ તે પામવા માણવા માટે દિવ્ય દ્રુષ્ટિ હોવી આવશ્યક છે. અતિ સૌન્‍દર્ય પદાર્થ-ચીજવસ્તુમાં હોતુ નથી કદાચ(હોય જ છે). પણ સાચું સૌન્‍દર્ય જોનારની દ્રુષ્ટિમાં હોય છે. એટલે જ બ.ક.ઠાકોર આપણને આંગળી પકડી, આંગળી ચીંધતા કહે છે કે આધે......! નજીક છે તે પણ અને દૂર છે તે પણ જુઓ. સુંદર મજાનો પ્રાકૃતિક પરિવેશ ધરાવતો નયન રમ્ય પ્રદેશ છે. પર્વતીય વિસ્તાર છે. રાત્રિનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. આકાશમાંથી અંધારૂ-ધુમ્મસ ધીરે ધીરે વરસી રહ્યુ છે.- બીજી બાજું બંન્ને પર્વતની વચ્ચેથી નદી પસાર થઈ રહી છે. નદીના બન્ને કિનારે વૃક્ષો નિદ્રાવસ્થામાં ઝૂમી રહ્યાં છે. અમુક ડાળી વધારે નીચે નમી ગયેલ છે અને નદીના પ્રવાહમાં ઝબકોળીયુ ખાઈ રહી છે. સાથે-સાથે કર્ણપ્રિય મંદમધુર નાદે રેવા (નર્મદા નદી) વહી રહી છે.....આહા ! શું સૌન્દર્ય-પ્રકૃતિનું સૂક્ષ્મ-ચિત્ર દોરી આપ્યું છે. આ આખું દ્રુશ્ય ચિત્તપટ પર ખડું થઈ આવ્યું. પ્રથમ સોનેટ્માં આવી રજૂઆત,આવું નયનરમ્ય આહલાદક દ્રુશ્ય-સૌન્‍દર્ય આપી કવિ ૫ર વારિ જવાનું મન થઈ આવે....!.

આ કાવ્યપંક્તિમાં બીજી કશી માથાકૂટ ન કરતા આ કાવ્યચિત્ર માનસ પટ પર આવે એટલે કાવ્યપામી ગયા અને આત્મસાત કર્યુ કહેવાય. આ સૌન્‍દર્ય પાન કવિઓ સર્જકો કરે ત્યારે માત્ર આટલા જ શબ્દો સરી પડે છે કે.....

“સૌન્‍દર્યો પી, ઉરઝણ ગાશે પછી આપ મેળે ” ઉમાશંકર જોશી

પ્રાકૃતિક સૌન્‍દર્ય માણવું ગમે જ. એ પછી (સવારનો) સૂર્યોદયની ઉષા હોય, (તડકો હોય) સૂર્યાસ્તની સંધ્યા હોય- બંનેમાં રહેલી સૌન્‍દર્યની શાશ્વતી અને સર્વવ્યાપકતા. વળી ચન્‍દ્રોદય, એમાંય ખાસ કરીને પૂર્ણિમાંનો ચન્‍દ્ર. આખી પૃથ્વી સફેદ દૂધમલિયા પ્રકાશમાં શિતળતામાં સાંગોપાંગ ભિંજાવું અને માણવું કોને ન ગમે. સૂર્યનું પ્રથમ કિરણ ખીલતી કળી પર પડે અને તેની પર અગોચર રસ લહાણ લેવી, નિતાંત મધુપાન કરવું, મધમાખી, પતંગિયા એ જ ભાવને પીવે છે. અખૂટ રસને પીવે છે. પામવાની તલપ છે. – અને પછી મધું પીતાં પીતાં હૃદયમાંથી નીકળતાં આનંદનાં સૂર-ફૂવારા એમના પૂરતાં સિમિત ન રહેતાં હું , તમે અને સર્વમાં સંક્રાંત થતાં અને વ્યાપ્ત થતાં અનુભવી શકાય. – એક વખત તાર સ્વરે લયલીન થવું, અદ્વેતની સાથે ભળી જવું. અર્થાત્ એ તરફનો અનુરાગ બંધાય તો જ શકય બને છે. નહીંતર સૌન્દર્યની ક્ષણ વેરણ-છેરણ થઈ જતી હોય છે. ક્યારેક એ એટલી હદે ઝીલી શકાતી પણ નથી. પણ અનુભૂતિ થયા પછી આપણું હૃદય સતતને સતત એમાં સૌન્‍દર્યમય બની કાયમની માટે સચવાય રહે છે.

ઔતિહાસિક ઘટના તરીકે આ કવિ-કાવ્યની કેવી યુતિ થતી અહીં જોવા મળે છે. બને કવિઓએ સોળ-સત્તર વર્ષની વયે લખેલાં સૉનેટ છે. એ પણ પ્રથમ અને સિમાસ્તંભ રૂપ. – ઉમાશંકર જોશીનું કાવ્ય કદાચ ઠાકોરના પ્રભાવ નીચે લખાયું હશે તેવું પ્રથમ નજરે લાગે છે. બંને કાવ્યપંક્તિમાં જોવા મળતો મંદાકાન્‍તા છંદ અને તેને અનુરૂપ ભાવવિધ તેમજ વિષય. ઠાકોરે સૌન્‍દર્ય જોયું અને માણ્યું જ્યારે ઉમાશંકર જોશીએ પીધુ-પીવરાવ્યું- એ પણ ધરાઈ-ધરાઈને પછી આત્મસાત કર્યું.

બંને કાવ્યપંક્તિમાં જોવા મળતી એકરૂપતા એકમાં નદી છે. તો બીજામાં ઝરણું. બંનેનું નાદ સૌન્‍દર્ય – કલધ્વનિ, એકમા સ્થૂળ અને બીજામાં સૂક્ષ્મ સૌન્‍દર્ય – આખરે તો બંને સંવેદનનાં સૌન્‍દર્ય છે. વૃક્ષો, પર્વત અને નદી છે. આ બધું જ સૌન્‍દર્યમાં સમાવિષ્ટ કર્યાની પ્રતીતિ-અનુભૂતિ છે. અરે! આ કુદરતની લીલા – સૌન્‍દર્યને કોઈ હજી સુધી પામી શકયુ જ નથી. – આ તરસ કંઈ જેવી તેવી નથી. કદાચ અહીં સમયરૂપી વહેતી નદી-ઝરણું પણ પ્યાસ બુઝાવવા અસમર્થ છે.

‘સૌન્‍દર્ય પામતાં પહેલા સુન્દર બનવું પડે’ – ‘કલાપી’ જે કહી ગયાં તે આ અર્થમાં સાર્થક છે. પામતાં પહેલાં – લાયકાત કેળવવી પડે અને પછી પામો-માણો તો એક કાંકરે બે પક્ષી માર્યાનો દ્વિગુણિત આનંદ અનુભવી શકાય. ‘સુન્‍દરમે’ તેથી જ કહ્યું કે ‘અસુંદર ચીજને કરી મૂકુ હું ચાહી ચાહી સુંદર’.

બંને કાવ્યપંક્તિમાં નૈસર્ગિક સૌન્‍દર્યની અનુભૂતિ છે કારણ એ જ તત્ત્વની શાશ્વતી છે. તે અહીં જોઇ શકાય છે. આખરે તોય આપણે માણસ સૌન્‍દર્યરાગી એટલે સાથે આપણું હદય ગાઇ શકે છે કે.......સૌન્‍દર્ય પી, ઉરઝણ ગાશે પછી આપમેળે.

સંદર્ભ સૂચિ

  1. ‘ગુજરાતી સૉનેટ’ , સંપાદક- મણિલાલ હ.૫ટેલ, દક્ષેશ ઠાકર, પ્રકાશક: પાશ્વ ૫બ્લિકેશન, રિલીફરોડ, અમદાવાદ, પ્ર.આ. ર૦૦૦-પૃષ્ઠ નંબર ૧ તથા ૨૧


કાન્‍તિ સોલંકી, માંગુકા,તા.ગારિયાધાર,જી.ભાવનગર.પીન.૩૬૪૫૦૫ મો.૭૮૧૯૦૯૯૩૫૫