Included in the UGC-CARE list (Group B Sr. No 172)
લોકપ્રિય સાહિત્ય અને અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ

ભૂમિકા :

આપણે જયારે સાહિત્ય એમ વિચાર્યે કે બોલીએ છીએ ત્યારે આપણા મનમાં પરંપરાગત ચાલતુ આવતું શિષ્ટ સાહિત્ય તેવો ખ્યાલ છે. શિષ્ટ સાહિત્યમાં સર્જક પોતાને અભિપ્રેત તેવી કલ્પના, વ્યંજના અને સૌંદર્ય દ્વારા કૃતિ નિર્માણ કરે છે. સહૃદયી ભાવક શિષ્ટ સાહિત્યમાં સૌંદર્યને શોધવા અને પામવા તેને ગ્રહણ કરતો હોય છે. પરંતુ સાહિત્યના જ એક પ્રકાર તરીકે લોકપ્રિય સાહિત્યનું જયારે આગમન થયું ત્યારેથી તે પ્રકારનાં સાહિત્યમાં વાચક રોમાંચ અને મનોરંજનને પામવા મથે છે. સમયના વહેતા પ્રવાહમાં વૈશ્વિકપરિપ્રેક્ષ્ય પર માનવચેતનાને પ્રભાવિત કરે તેવા વિશ્વયુદ્ધો, ઔદ્યોગિકક્રાંતિઓ, વિજ્ઞાન અને ટેકનોલોજીના વધતા રૂપો અને વૈશ્વિકિકરણના પ્રભાવ હેઠળ ઉપજેલો અભિવ્યક્તિનો એક પ્રકાર છે. બદલાતા અભિગમો અને પ્રરીપ્રેક્ષ્ય વચ્ચે સંસ્કૃતિક અભ્યાસની પાસે આવીને વિચારવું પડે. આ પ્રકારનાં અભ્યાસો લોકપ્રિય સાહિત્યના દ્રષ્ટિકોણને વધરે સુદ્રઢ બનાવશે.

લોકપ્રિય (popularity) એ આધુનિક સમયની સંસ્કૃતિમાં મનોરંજનનું લક્ષણ છે. વૈશ્વિકીકરણમાં ઉદ્ભવેલી ઉપભોગતાવાદી સંસ્કૃતિ સાથે જોડાયેલી સંજ્ઞા છે. એટલે જ લોકપ્રિય સાહિત્ય એ મૂડીવાદની દેન છે. એટલા માટે જ લોકપ્રિય સાહિત્યનો લેખક અને વાચક વચ્ચેનો સંબંધ માલનું ઉત્પાદન કરનાર વેપારી અને તેને ખરીદનાર ગ્રાહક જેવો છે. એટલા માટે જ આ પ્રકારના લોકપ્રિય વાચકને ધ્યાનમાં રાખીને લેખક વાચકની કલ્પના અનુસાર તેને શું જોઈએ છે, તેનું સ્વપ્નજગત કેવું છે, તેને વધારેમાં વધારે શામાં રસ પડે છે, તે રીતે વિગતો, માહિતીઓ, સનસનાટી-અરેરાટી, રહસ્યો, જાતિયતા અને હિંસા વગેતેનો અતિશયોક્તિની સાથે અલંકૃત શબ્દોના પ્રયોગો દ્વારા લાંબા લાંબા વર્ણનોનું આલેખન કરે છે. લોકપ્રિય સાહિત્યની કૃતિનું એક લક્ષણ પ્રગટતા અને વાસ્તવિકતાની સાથે કાલ્પનિકતા છે. એટલા માટે જ લોકપ્રિય સાહિત્યએ વિજ્ઞાનકથા, રહસ્યકથા, ભૂતકથા અને કોમિક્સ જેવા સાહિત્યના પેટાપ્રકારો પણ આપ્યા છે.

મનુષ્યના મનમાં રહેલા સંચલનો, વિચલનો અને લાગણીઓનું મહત્ત્વ વધ્યું છે અને એક વ્યક્તિના અન્ય વ્યક્તિઓ સાથેના લાગણી સંબંધો (ભાવનાત્મક સંબંધો) કેવા કેવા પ્રકારે વણાંક લે છે તેનું નિરૂપણ આપણને હરકિશન મેહતાની ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ નવલકથામાં ઉત્તમ રૂપે આલેખાયેલું જોવા મળે છે. આ નવલકથા ઇ.સ.૧૯૭૦માં ત્રણ ભાગમાં પ્રગટ થયેલી. જે મોટો દળદાર વિસ્તાર ધરાવે છે અને પોતાની જ એક આગવી શૈલી વાચકને કૃતિમાં બાંધી રાખે છે. આગળ શું થશે ? તેવા વર્ણનો વાચકને રોમાંચનો અનુભવ કરાવે છે. તે માટેથી આપણે આ નવલકથાને લોકપ્રિય સાહિત્યની એક કૃતિ તરીકે પસંદ કરીને તેને મૂલવવાનો ઉપક્રમ રાખ્યો છે.

‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’(૧૯૭૦) :

ઇ.સ. ૧૮૧૮થી ૧૮૨૫ વચ્ચેના સમયગાળામાં વર્ષે હજારો લોકોની એવી રીતે હત્યા કરવામાં આવતી કે તેની હત્યાનાં કોઇ સંકેતો કે નામનિશાન ન મળે. કર્નલ ફિલિપ મેડોઝ ટેલના પુસ્તક ‘confession of thug’ (1839)ને વાંચ્યા બાદ લેખક હરકિસન મહેતાએ અમરઅલી ઠગના જીવન પર આધારિત સત્યઘટનાઓ અને વાસ્તવિકતાને કેન્દ્રમાં રાખીને નવલકથાનું વિષયવસ્તુ ગૂંથ્યું છે. અમીરઅલી એ કર્નલની સામે પોતાના અપરાધનો સ્વીકાર કરીને તે સમયની અંગ્રેજી કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે જે માહિતી આપી તેને હરકિસન મહેતાએ તે સમયની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રહસ્યાત્મક રીતે ઐતિહાસિક વૃત્તાંતમાં આલેખવાનો સફળ પ્રયત્ન કર્યો છે.

લેખક પ્રસ્તાવનામાં નોંધે છે કે, સને ૧૮૧૨ સુધી અંગ્રેજી વહીવટકરતાઓએ આ ઠગો તરફ આંખમિચામણા કરેલા પણ જ્યારે લેફ્ટનન્ટ માનસેલ ઠગનો શિકાર બની ગયો ત્યારે તેની સામે કાયદેસર પગલાં લેવાનું વિચાર્યું. આ ઠગો મુસાફરોમાં હળીભળીને એમની સાથે લાગણીભર્યા સંબંધો સ્થાપી એમને ચૂપચાપ મારી નાખતા. તેના માટે ગળામાં રૂમાલ નાંખીને શ્વાસ રૂંધીને એના દેહને દાટી દેવામાં આવતો. આ હત્યા તેઓ મા ભવાનીની ઉપાસના માટે શુકન તરીકે કરતાં. આ ઠગોમાં હિન્દુ અને સાથે સાથે મુસલમાન પણ હતા. બંનેનું ધ્યેય એવું હતું કે, જ્યાં સાંપ્રદાયિક ભેદભાવ ન હતો. ઠગટોળીમાં હિન્દુ-મુસ્લિમ એકતાને આલેખીને લેખકે વક્રદૃષ્ટિ રજૂ કરી છે. લેખકે નવલકથાનો વિસ્તાર ત્રણ ભાગમાં વહેંચ્યો છે.

પ્રથમ ભાગની મુખ્ય ઘટના છે, ઈસ્માઈલ ઠગ ચાર વર્ષના અમીરના પઠાણ મા-બાપની હત્યા કરીને ઈસ્માઈલે અમીરને પોતાના દીકરા તરીકે દત્તક લઇ લીધો. આ આખી ઘટનાને લેખકે વિગતવાર આલેખી છે તેનું મુખ્યકારણ એ છે કે, નવલકથામાં આગળ બનનારી ઘટનાઓ તેની સાથે જોડાય છે અને તેના કારણે વાચકના મનમાંથી આ ઘટનાઓ ભૂસાય નહીં. અમીર પોતાની માતાના શબને ઢસડાતું જોઈને ચાર વર્ષનો બાળક અમીર ઈસ્માઈલ અને સ્ત્રીઓના સાથે ચેડા કરવાની વિક્રૃત્તિ ધરાવતા ગોવિંદ પર હુમલો કરે છે ત્યારે બંનેમાં અમીરને જીવતો રાખવા બાબતે મતભેદ થાય છે. અમીરને ફેંકવાથી તેને માથે વાગે છે અને અમીર પોતાની સ્મૃતિ ગુમાવી બેસે છે. આ વિગતોનું આલેખન લોકપ્રિય સાહિત્યની કૃતિનું એક લક્ષણ, રહસ્ય (mystery)નો ઉપયોગ કરે છે. એની ગૂંથણી એવી રીતે કરી શકે છે કે વાચકને સરળતાથી સમજાય જાય.

અમીરને એક નાની બહેન છે જે શહેરમાં એના કાકા પાસે રહે છે. ઇસ્માઇલની પત્ની મરિયમને સંતાન નથી, પરંતુ ઈસ્માઈલ જ્યારે અમીરને લઈ આવે છે ત્યારે મરિયમમાં માતૃત્વની લાગણી દેખાય આવે છે. પરંતુ પોતે ઈસ્માઈલની ઠગક્રિયાઓ અને અમીરની વાસ્તવિકતાને જાણતી નથી. ભાગના અંત સુધીમાં આ રહસ્ય મરિયમ સામે ફાતિમા ડોસી ખોલી નાખે છે. નાની વયની વિધવા શિરીન મરિયમનાં ઘરમાં કામ કરે છે. તેને ગુલબદન અને અફલાતૂન નામનાં બે બાળકો છે. લેખકે અમીર સાથે અફલાતૂનને મૈત્રીનાં સંબંધમાં બાંધી દીધો અને વિજાતીય આકર્ષણથી ગુલબદન સાથે બાંધી દીધો. અમીરનાં પાત્રને ઉપસાવવા લેખકે ગુલબદનને રાજાના હાથીના પગ વડે કચડાવી નાખી. જેના કારણે અમીર તેને બચાવવાનો જે પ્રયત્ન કરે છે તેના દ્વારા તેના શૈર્યથી જાણીતો થાય છે. મરિયમનું મૃત્યુ થાય છે. મરિયમની સંભાળ રાખવા આવેલી શિરીનને ઈસ્માઈલ વિશ્વાસમાં લે છે અને એને ત્યાં જઈને એના ગળામાં પીળા રૂમાલની ગાંઠ મારી દે છે. શિરીન પાપ અને પુણ્યના વિચાર વચ્ચે તે સમયે ઈસ્માઈલથી આકર્ષાય છે અને છતાં આ રીતે હત્યા કરવી એ ઠગવિદ્યામાં પ્રતિબંધ છે એની ખબર હોવા છતાં ઈસ્માઈલ એને મારી નાખે છે. પહેલા ગુલબદન અને પછી મૂખીને દીકરી રોશન સાથેનું વિજાતિય આકર્ષણ કથાવિકાસનો એક સંકેત ગોઠવી આપે છે. છતાં અમીર સ્નેહવશ થઈને ક્રૂરતા આચરવાની પરાક્રમ કરવા સજ્જ બને છે. ભાગના અંતમાં લેખક અમીરના પાત્રમાં જોવા મળતા માનવીય સંવેદનને પણ આલેખે છે.

બીજા ભાગમાં ઈસ્માઈલને રાજાએ હાથીના પગે કચડાવી નાખ્યો એ દ્રશ્યને પોતાની આંખે અમીર જોવે છે અને ત્યારબાદ ઈસ્માઈલના વારસદાર તરીકે ઠગોનો સરદાર બની જાય છે. આ સિવાય આ ભાગમાં પીંઢારાઓની ક્રૂરતા ઠગોની હિંસા કરતાં કેવી ભયંકર છે તેનું આલેખન પણ સઘન રીતે લેખકે કર્યું છે. લેખકે ઈસ્માઈલ કરતા અમીરમાં વધારે તાકાત અને સંવેદનાઓ આલેખી છે. ઘટના એવી બને છે કે, પોતાની ટોળકીના ઠગોના હાથે મૃત્યુ પામનાર પ્રવાસી દંપતીના નાના દીકરા પ્રત્યે ઇસ્માઈલની જેમ અમીરને પણ વાત્સલ્ય ભાવ જાગે છે. પરંતુ પહેલા ભાગમાં ઈસ્માઇલથી છૂટા પડેલા ગણેશાનું અહીં આગમન થાય છે અને તે બાળકને અમીરના હાથમાંથી લઇ મારી નાખે છે. પરંતુ જ્યારે ભાગને અંતે બાળક અમીરનોનો સામનો કરે છે ત્યારે અમીર તેની તલવારથી હત્યા કરે છે. આપણને એમ થાય કે આ એ જ અમીર છે, જેને પત્ની, મિત્ર અને અજાણ્યા માણસ માટે પણ લાગણી છે.

લેખકની વર્ણનશક્તિ અને કલ્પનાશક્તિની કુશળતા આપણને આ ભાગમાં દેખાય છે. લેખકે વર્ણન-કથન પર પ્રભુત્વ દાખવ્યું છે. ચીતુ પીંઢારાની ટોળકીમાં અમીર જોડાય છે અને ત્યારે એમાં રહેલી ઠગાઈના પ્રમાણમાં પીંઢારાની સામે છાતીએ થતી લૂંટફાટ અમીરને વધુ નિખાલસ પ્રવૃત્તિ લાગે છે. ઠગ તરીકે સામા માણસને છેતરીને તેની જાન લઈને એની મિલકતના માલિક બનવાનું હોય છે. આ ભાગમાં ઠગ અને પીંઢારાના લક્ષણો અને તેના માનસિક વર્તનને પણ આલેખ્યા છે. ૧૯મી સદીના ઇતિહાસમાં જેની નોંધ નથી મળતી તેવા ઇતિહાસમાં એટલી હદે બંને વકર્યા હતા તેનો વાચકને અહી પ્રત્યક્ષ અનુભવ થાય છે. અમીરને ઠગનું કામ પીંઢારાના પ્રમાણમાં થોડું નિર્દોષ લાગે છે. કારણ કે ગફરખાન ખાનની પશુતા અને આડેધડ હિંસા, બળાત્કાર જોઈ વાચક પણ એવું માનવા પ્રેરાય છે કે ગફર પીંઢારા કરતા અમીર જેવો ઠગ પ્રમાણમાં સમાજ માટે ઓછો હિંસક.

નવલકથામાં ક્રૂરતા આચરતા પાત્રો પણ બીજાના હાથે થતી ક્રુરતા જોઈને ભીતરથી કંપી ઊઠે છે. ઈસ્માઈલનો વિશ્વાસુ સાથી પીરખા એક વખત પોતાના ભાણેજ આલમને સાથે લાવે છે અને તે વખતે ચાર મુસાફરોને ગળે રૂમાલની ગાંઠ પડે છે અને હત્યા થતી જોઈને ત્રણ-ત્રણ વાર આલમ બેભાન થાય છે. ઠગના ધંધામાં નીતિનિયમોનો ચુસ્ત આગ્રહી અને અમીરને પણ આ ધંધામાં સક્રિય રાખવા વારંવાર નિમિત બનનાર પીરખા આ ઘટના પછી ઊંઘી શકતો નથી અને અમીરને કહે છે “હું હવે ઘેર જઈને બાકીની જિંદગી ખુદાની બંદગીમાં ગાળવાનો મેં ફેંસલો કર્યો છે.” આવી જ એક હૃદય પરિવર્તનની ઘટના સરફરાજ ઠગ સાથે બને છે પોતે જેને પ્રેમ કરે છે તેની હત્યા કર્યા બાદ પછતાવો થતા કહે છે “જે હાથે કરીમાનાં ગળામાં તલવાર ભોંકાઈ છે એ હાથ હવે ખુદાની બંદગી સિવાય બીજા કોઈ કામના રહ્યા નથી.”

આ નવલકથાના ત્રીજા ભાગમાં લેખક રહસ્યકથા અને સાથે સાથે ઐતિહાસિક આલેખ પણ આપે છે. જે વાચકને નવલકથાથી દૂર થવા દેતા નથી. નવલકથા ભારતના મધ્ય ભાગથી આરંભીને દક્ષિણ સુધી જઈ આવે છે અને અંતે તો તેનો વિસ્તાર મુંબઈ સુધી વિસ્તાર પામે છે. ઠગ અને પીંઢારાઓએ ઊભી કરેલી અરાજકતા, અંધશ્રદ્ધા અને તેમની સંગઠિત ટોળીઓ કેવી રીતે નાશ પામે છે તે આપણને આ ભાગમાં જોવા મળે છે અને સાથે-સાથે અંગ્રેજોએ કરેલા સત્કાર્યોને આલેખવા વિલિયમ અને તેની યુવાન પત્ની એમિલીના પાત્રો આ ભાગમાં વિકસાવ્યા છે. નાના ઠાકોરો અને મોટા રાજવિઓ પ્રજાના કલ્યાણ અને રક્ષણની જવાબદારી ભૂલીને પોતાના મોજશોખ અને ઠાઠવૈભવ ભોગવી રહ્યા છે તેવા લેખો દ્વારા અંગ્રેજોના હાથે પરતંત્ર થવાના એક કારણ રૂપે પણ માર્મિક સૂચન કર્યું છે.

અમીરઅલી પકડાય છે પહેલા વધુમાં વધુ ગુનાઓ તેને હાથે થાય અને તેના કારણે તે અંદરથી તૂટતો જાય અને પોતાની સિદ્ધિઓની વ્યર્થતા સમજતો જાય એ માટે આ ભાગમાં એવા પ્રકારની ઘટનાઓ આલેખવામાં આવી છે. તેમાં મુખ્ય તો બે જ ઘટના છે, પોતાની સગી બહેનની પોતાના હાથે થયેલી હત્યાના તે એક અને જેની સાથે જીવનની પ્રથમ વસંત અનુભવેલી તે જોહરા અને પોતાના પુત્રની હત્યા માટે પોતે જવાબદાર છે તે બીજી. આ બંને ઘટના તેના જીવન અને મન બંનેને ક્ષીણ કરી નાખે છે અને પોતાના જીવનની નિરર્થકતા પોતાને અનુભવાય છે. આ ભાગમાં મૃત્યુની ઈચ્છા કરતો અમીર કર્નલ સમક્ષ પોતાના ગુનાહો અને ભૂતકાળનાં વર્ણોને વર્ણવે છે નવલકથામાં બહેનની હત્યા સુધી ઠગવિદ્યા માણસનું પતન નોતરી શકે છે એમ વર્ણવીને લેખક ભાવકના માનસ અને સંવેદન પર કામ કરે છે. અમીઅલી વિલિયમ સ્લીમનને સાથે પકડાયા પછી તેને ફાંસીની સજા આપવાને બદલે તેની પાસેથી માહિતી મેળવી ભારતમાંથી ઠગો અને પીંઢારાઓનાં નાશ કરવામાં વધુ ઉચિત્ત સમજે છે.

નિષ્કર્ષ :

આ નવલકથાને લેખકે અમીરઅલીને કથાનાયક તરીકે આલેખી ૧૯મી સદીના આરંભમાં ઠગ અને પીંઢારાઓએ જે અરાજકતા, ક્રૂરતા ફેલાવી હતી તેની સત્ય ઘટનાને આલંકારિક શૈલીમાં લાંબા લાંબા વર્ણનો સાથે આલેખી છે. ઠગવિદ્યાની પણ આચાર સહિતા હોય ! એને પણ લેખકે પહેલા ભાગમાં વિગતવાર આલેખી છે. લેખકે નવલકથામાં વિગતોને વર્ણવવામાં કોઈ સંકોચ રાખ્યો નથી કે કોઈ છૂટછાટ લીધી નથી અને વાત વાચકને સમજાય તેવી એકદમ સરળ રીતે પાત્રોની મનોદશા અને તેની ક્રિયાઓનું આલેખન કર્યું છે.

આ નવલકથામાં લેખકે ગાંધીના હિંસા સામે અહિંસાના વિચાર કે સંઘર્ષને નથી આલેખ્યો પરંતુ હિંસા સામે અતિહિંસા જોઈને જાગ્રત થતી છૂપી માનવીય સંવેદનાનું આલેખન કર્યું છે. વ્યક્તિ ગમે તેટલો ક્રૂર બનતો જતો હોય પરંતુ તેનામાં કેવી રીતે થોડીક પણ માનવીયતાની મૂડી પડેલી છે તેનું આલેખન કર્યું છે. અંગત સંબંધો અને આજીવિકા માટે પસંદ કરેલા ધંધા વચ્ચે કેવું સંતુલન છે તે લેખકે નિરુપ્યું છે.

કેટલાક ઠગો સાથે એમના વતનના રજવાડા પણ મળેલા હતા. ઠગ કે પીંઢારા જાહેર થઈ જાય તો તેને સજા કરનાર રાજા ફરિયાદીને હેરાન કરતો. ઐતિહાસિક તથ્યોને આલેખીને અંગ્રેજોની વધતી જતી સત્તાનં રહસ્ય જણાવ્યું છે. ઠગોની મા ભવાનીની આરાધના, શુકન બધું જ એક વ્યાપક તૂત છે એવું દર્શાવ્યું છે. આ દ્વારા લેખક સૂચવે છે કે પાપીઓ પણ પાપ કરવા માટે સ્વાર્થને આધિન કેવી અંધશ્રદ્ધાનો આધાર લઈને હત્યા કરે છે. સાથે પોતાની સગી બહેનની ક્રૂર હત્યા પોતાના હાથે કરાવીને અમીરને વ્યર્થતાનો તીવ્ર અનુભવ કરાવ્યો અને હત્યા કર્યા પછી એનો રૂમાલ વાપરવાનો સળવળાટ શમી જાય છે. પરંતુ તેને પસ્તાવો તો માત્ર સગી બહેનને મારવાનો હતો અને આ જ પસ્તાવો ધીરે તેને પોતાના બધા અપકૃત્યોને ઓળખાવવાનું અજવાળું પૂરું પાડે છે. તેટલા માટે જ ઠગની નિયતિ શું હોઈ શકે તે દર્શાવવા ઇતિહાસનો સહારો લેખક લીધો છે.

આ રીતે કથાનાયકના મન સાથે કામ પાર પાડવામાં જ લેખકે સવિશેષ કાળજી લીધી છે. અમરેલીનું એક પાત્ર, નાની બહેન, પ્રથમ પ્રેમિકા ગુલબદન, પોતાના પ્રથમ બાળકની માતા જોહરા, રોશન, પત્ની અમીના અને કેટલાક વફાદાર સાથીઓના સંદર્ભ વાચકને વારંવાર યાદ આવ્યા કરે તેવું સંયોજન લેખકે નવલકથામાં પ્રયોજ્યું છે. વ્યક્તિ જીવતો હોય અને એની કબર ખોદાઈને તૈયાર થઈ જાય એ દૃશ્ય અને ગળે ભરાવેલો રૂમાલ ખેંચતી વખતની અમીરઅલીની હિંસકતા વાચકને ભૂલવા દે તેવું નથી. આ આનંદદાયી નથી ત્રાસદાયી છે. એટલે જ સ્વાર્થને આધિન હિંસાનું વર્ણન કરતા લેખક થાક્યા નથી. ઘણી જગ્યાએ પોતાની પ્રભાવકતા દાખવવા માટે લેખકની અતિશયોક્તિ જોવા મળે છે.

લોકપ્રિય નવલકથાનાં લક્ષણો અને તેના માળખામાં સરળતાથી બેસે તેવા સીધાસાદા લાંબા વર્ણનો, હત્યા, બળાત્કાર અને ઘટના એ ઘટનાનું રહસ્ય જોવા મળે છે. એક ઘટનાને આગળ જોડવાની હોવાના કારણે નવલકથામાં જે અલંકૃત શૈલીનું વર્ણન છે તે નવલકથાને લોકપ્રિય ના માળખામાં મૂકી આપે છે. જેમ કે, “વીજળીની જેમ ચમકતી તલવારો અફળાતી અને જખમી થનારાની ચીજ પડતી તે સિવાય બીજો કોઇ શોર સંભળાતો ન હતો.” તથા “અમીરની નજર તેને પગલે પગલે બારણા સુધી જઈને લથડી પડી.” શિષ્ટ સાહિત્યનો સર્જક જેમ લાંબા વર્ણનો અને ઘટનાઓનું આલેખન માત્ર થોડા શબ્દોમાં વર્ણવે છે તેથી તદ્દન ભિન્ન સામા છેડાનું લાંબુ વર્ણન લોકપ્રિય સાહિત્યનું લક્ષણ છે. જે પ્રજાની માનસ ચેતના ઉપર સીધી અસર ઉપજાવે છે. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા પ્રગટાવનાર તો આને સાહિત્ય જ ગણતા નથી. ઘટનાતત્વનો લોપને મહત્ત્વ આપે છે. પરંતુ તે સામાન્ય વ્યક્તિ (બિનસાહિત્યિક)ને એવી નવલકથા સમજાશે ખરી ? એવી રીતે જોઈએ તો મેઘાણી, મુનશી, પન્નાલાલની ઘણી કૃતિઓને લોકપ્રિયતાના માળખામાં મૂકવી જોઈએ. સાહિત્યને માત્ર સાહિત્ય જ રહેવાદેવાની જરૂર છે, તેને શિષ્ટ સાહિત્ય કે લોકપ્રિય સાહિત્ય એવા ભાગ પાડીને નિરર્થક પ્રયત્ન કરી રહ્યા છીએ. કેમ કે જે સાહિત્ય સમકાલીન માટે લોકપ્રિય હોય તે જ સાહિત્ય સમયકાલીન અવસ્થાએ શિષ્ટ સાહિત્યના લક્ષણોનો અનુભવ કરાવે છે.

સંદર્ભ :

  1. અમીરલી ઠગના પીળા રૂમાલની ગાઠ, ભાગ : ૧-૨-૩ (૧૯૭૦), હરકિશન મહેતા, પ્રવીણ પ્રકાશન, રાજકોટ.
  2. અધીત ચાલીસ (૨૦૧૮), ગુજરાતીનો અધ્યાપકસંઘ, ગૂર્જર પ્રકાશન અમદાવાદ.
  3. નિરંતર (૨૦૦૭), નીતિન મહેતા, સંવાદ પ્રકાશન વડોદરા.

દેસાઈ કુલદીપ વ્રજલાલ, બી-૫૦૧ મધુરમ ફ્લેટ, ગોરવા-કરોળિયા રોડ, બાજવા, વડોદરા-૩૯૧૩૧૦ મો.:૯૫૮૬૯૮૯૫૭૮ / k.desai107@gmail.com