Included in the UGC-CARE list (Group B Sr. No 172)
અનભિજ્ઞતાથી અભિજ્ઞા પ્રતિ અયન : ‘તપસ્વી અને તરંગિણી’

સાંપ્રત જીવનને અભિવ્યક્ત કરવા, માનવજીવનની શાશ્વત સંવેદનાઓ, મનોજગત અને જીવન વિશેના ચિંતનને પ્રગટ કરવા સાહિત્ય સર્જકો અભિવ્યક્તિના સબળ માધ્યમ તરીકે પુરાકલ્પન-પુરાકથા(Myth)ને પ્રયોજતા હોય છે. ભારતીય નાટ્ય સાહિત્યના મહત્ત્વપૂર્ણ અને પ્રભાવક નાટકોમાં પુરાકથા આધારબિંબ બની છે.

20મી સદીમાં રહી 21મી સદીનું સાહિત્ય સર્જન કરનાર અને રવીન્દ્રનાથ ઠાકુરનો સીધો પ્રભાવ ઝીલનારા બંગાળી સાહિત્યના ખ્યાતનામ સર્જક એટલે બુદ્ધદેવ બાસુ. તેમનો જન્મ 1908માં બ્રિટિશકાળના બંગાળ અને આજના બાંગ્લાદેશમાં થયો હતો. એમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ૨૦૦ જેટલા પુસ્તકો આપ્યા; જેમાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, નિબંધ તેમજ અનુવાદિત રચનાઓનો સમાવેશ થાય છે. બુદ્ધદેવ બાસુએ સત્તર વર્ષની નાની વયે પ્રથમ કવિતા ‘બંદિર-બંદના’ અને એક વર્ષ બાદ પ્રથમ નવલકથા ‘સદા’ આપી. બુદ્ધદેવે સુપ્રસિદ્ધ નાટકો આપ્યાં, જેમાં પૌરાણિક કથા-સાહિત્યના આધારે સાંપ્રત સમયના મનુષ્યની મન:સ્થિતિનું વર્ણન કરતું, કાવ્યાત્મ ભાષાશૈલી ધરાવતું નાટક એટલે ‘તપસ્વી ઓ તરંગિણી’. આ નાટક 1967મા સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કૃત થયેલુ છે. કવિ તરીકે પ્રસિદ્ધિ પામેલા બાસુ નાટયકાર તરીકે ખૂબ પાછળથી જાણીતા બને છે. તેમના નિધન પછી ‘સલિલ બંદોપાધ્યાય થિયેટ્રોન થિયેટર ગ્રુપ’- કલકત્તા દ્વારા ‘તપસ્વી ઓ તરંગિણી’ અને ‘કોલકાતાર ઇલેક્ટ્રા’ જેવા નાટકો પ્રકાશિત થાય છે. સર્કલ થિયેટર કંપની બાસુના નાટકોને હિન્દી ભાષામાં દિલ્હી થિયેટરમાં પ્રસ્તુત કરે છે. બાસુના સાહિત્ય સર્જનનું વિહંગાવલોકન કરતાં ખ્યાલ આવશે કે તેઓ ‘કલા ખાતર કલા’ એટલે કે ‘Art for Art`s sake’ને અનુસર્યા છે. સાહિત્ય સાધના માટે ભારત સરકારે 1970માં ‘પદ્મભૂષણ’નું સન્માન અર્પેલું. 1975માં કલકત્તા મુકામે એમનું અવસાન થયું.

ભોળાભાઈ પટેલે 1982માં ‘તપસ્વી ઓ તરંગિણી’ બંગાળી નાટકનો ગુજરાતીમાં અનુવાદ ‘તપસ્વી અને તરંગિણી’ શીર્ષકથી કર્યો. ભોળાભાઈના સમગ્ર સાહિત્ય ખેડાણ પર દૃષ્ટિ કરતાં તેમાં પ્રવાસ નિબંધો સૌથી વધુ હૃદયસ્પર્શી છે, બહુ-ભાષાવિદ્ હોવાથી તેમની અનુવાદિત કૃતિઓ પણ ભાવકચિત્તને સ્પર્શે છે. ‘તપસ્વી અને તરંગિણી’ નાટકનો ગુજરાતી અનુવાદ પણ નાટક કાવ્યાત્મક ભાષાશૈલીનો સુમધુર અનુભવ કરાવે છે. ભોળાભાઈએ ગુજરાતી ભાષાના માધુર્ય અને સુકુમાર સ્વરૂપને આ નાટકમાં સાંગોપાંગ ઉતાર્યું છે. છે. નાટકના પૌરાણિક કથાવસ્તુને અખંડિત સ્વરૂપ આપવા કરેલ સંસ્કૃત તત્સમ શબ્દપ્રયોગ રમણીય છે.

‘તપસ્વી ઓ તરંગિણી’ નાટકની કથાનો આધાર મહર્ષિ વેદવ્યાસકૃત મહાભારતના વનપર્વના અધ્યાય ૧૧૦ થી ૧૧૩માં આવતું ઋષ્યશૃંગનું કથાનક છે. છે. મહર્ષિ લોમશ-યુધિષ્ઠિરસંવાદ રૂપે આ કથા આકાર પામે છે. દશરથના મિત્ર અંગદેશના મહારાજા લોમપાદે બ્રાહ્મણનો તિરસ્કાર કર્યો, જેથી રાજ્યના તમામ બ્રહ્મણોએ રાજાનો ત્યાગ કર્યો. બ્રહ્મ બાળકના તિરસ્કારથી રાજ્યમાં વર્ષા બંધ થઈ જેથી પ્રજામાં હાહાકાર મચી ગયો. અકાળનું કારણ પોતાનો અપરાધ છે એ જાણ્યા પછી અંગરાજે એનું પ્રાયશ્ચિત કરવાનું નક્કી કર્યું. જેનું નિરાકરણ જણાવતા બ્રાહ્મણોએ કહ્યું, ‘વિભાણ્ડક ઋષિના પુત્ર ઋષ્યશૃંગનું અંગદેશમાં આગમન થાય તો વર્ષા થાય.’ ધન-સંપત્તિ આપવા છતાં રાજ્યની કોઈ ગણિકા તૈયાર થતી નથી, એવામાં એક વૃદ્ધ ગણિકા તૈયાર થાય છે અને પોતાની રતિ સમાન લાવણ્યમયી પુત્રીને મોકલે છે. જે ઋષ્યશૃંગને પ્રકૃતિના સૌંદર્યમયી નારી સ્વરૂપનું અભિજ્ઞાન કરાવી, અંગદેશમાં લાવે છે. જેથી રાજ્યમાં વરસાદ પડે છે અને અંગરાજ પોતાની સુચરિત પુત્રી શાન્તા સાથે વિવાહ કરાવે છે અને વિભાણ્ડક મુનિના ક્રોધને શાંત પાડી આશીર્વાદ મેળવે છે. શાન્તા-ઋષ્યશૃંગ દ્વારા પુત્ર જન્મ થાય છે અને પિતાની આજ્ઞા પ્રમાણે ઋષ્યશૃંગ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારે છે. પતિની સેવા કરવા સતી પત્ની શાન્તા તેમની સાથે જવાનો નિર્ધાર કરે છે.

આદિ કવિ વાલ્મીકિકૃત રામાયણમાં સુમન્ત્ર અને ઈક્ષ્વાકુ નરપતિ દશરથના સંવાદરૂપે આ કથા નિરૂપાયેલી છે.
अनभिज्ञस्तु नारिणां विषयाणां सुखस्य च,
इन्द्रियर्थैरभिमतैर्नरचित्तप्रमाथिमि:।
અર્થાત્: વનમાં વિચરણ કરતો ઋષ્યશૃંગ, તપ અને વેદપાઠમાં નિમગ્ન, નારી પ્રકૃતિથી સંપૂર્ણ અનભિજ્ઞ હતો.

આ ઋષ્યશૃંગ ઋષિએ અયોધ્યાના મહારાજ દશરથને પુત્રકામેષ્ઠિયજ્ઞ કરાવ્યો જેની ફળશ્રુતિ રૂપ રામાયણના મહાનાયક રામ તેમજ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો.

મહાકવિ કાલિદાસ રચિત મહાકાવ્ય કુમારસંભવમાં ઇન્દ્ર કામ અને વસંતની સહાયતા લે છે, મહાદેવના હૃદયમાં કામનો સંસ્પર્શ કરાવવા. માનવ પ્રકૃતિમાં આ તત્ત્વો શાશ્વત છે. કુસુમાયુધ વિશે એક શ્લોક છે-
तव प्रसादात्कुसुमायुधोडपि सहायमेकं मधुमेव लव्ध्वा।
कुर्यां हरस्याडपि पिनाकपाणेर्धैर्यच्युतिंर्केमम धन्विनोडन्ये ।।10।।
અર્થાત્: હું ભલે પુષ્પોના આયુધવાળો હોઉં, અને કેવળ વસંત જ મારો સહાયક હોય ! તો પણ આપની કૃપાથી હું પિનાકપાણિ શિવના ધૈર્યને પણ ચળાવી શકું એમ છું, તો બીજા ધનુર્ધારીઓની મારી આગળ શી વિસાત છે?

‘મદન’ જેને જીતવા જતા મીઠો પરાજય મળે છે. ભગવાન પિનાકપાણિ પણ આ મીઠાશના સાગરમાં વહી જતાં હોય તો મનુષ્ય હૃદયને એનો સ્પર્શ આંદોલિત કરે એમાં કોઈ નવાઈ નથી. ‘તપસ્વી અને તરંગિણી’ નાટકમાં બુદ્ધદેવ બાસુએ પુરાણ સંદર્ભને આધારે સાંપ્રત માનવીય શાશ્વત સંવેદનાને સાદૃશ્ય કરી છે. ચાર અંકી નાટકમાં તરંગિણી, લોલાપાંગી(માતા), અંશુમન(રાજ્યમંત્રીનો પુત્ર), ચંદ્રકેતુ(નાગરિક) જેવા નાટ્યકારના મૌલિક પાત્રો દ્વારા આધુનિક પરિપ્રેક્ષ્ય રજુ થયો છે. દરેક પ્રકારની કળાઓમાં લોલપાંગીએ પુત્રી તરંગિણીને નિપુણ બનાવી હતી. તેમાં રતિશાસ્ત્ર અને કામકાલા તેને હસ્તગત હતી. કલાઓનું વર્ણન લોલપાંગી પોતાના સ્વમુખે કરે છે:
“લોલાપાંગી: પ્રભુ, અમારું કેટલું ગજું? છતાં પ્રયત્નમાં મણા રાખી નથી; મા થઈને સંતાનની ઉપેક્ષા થોડી જ થાય છે! મેં તેને કઈ કઈ વિદ્યાઓ શીખવી છે તે કહું? રૂપની ચર્ચા, સ્વાસ્થ્યનો યત્ન, સ્નાન, વ્યાયામ, પથ્યના નિયમ; સાજ, શણગાર, આભૂષણનું તત્ત્વ. તેને રત્ન પારખતા આવડે છે; ફૂલ, માલા અને ગંધ દ્રવ્યનો મર્મ તે જાણે છે; કયા ઉપાયથી ત્વચા ચમકતી રહે, આંખો ઉજ્જવલ રહે, અને ઉચ્છૂવાસ સુગંધિત તે, તે જાણે છે. કયા ખાદ્યથી મેદ વધતો નથી અને કઈ સુરા કલ્યાણકારક છે તે, તે જાણે છે. સુંદર રીતે બેસવાનું, ઊભા રહેવાનું, ચાલવાનું, સૂવાનું, ઊંઘવાનું તે જાણે છે. ઊંઘની અંદર પણ અશોભન અંગભંગિ કરતી નથી, કંઠમાં અને ઉચ્ચારણમાં કેવા સુર નો ઉપિયોગ કરવાથી વચન મનોચર બની જાય છે, તે તે જાણે છે” (પૃ.-૧૮)

રાજ્યમંત્રી ધર્મતત્ત્વના જ્ઞાન અંગે પ્રશ્ન કરે છે ત્યારે લોલાપાંગી પ્રત્યુત્તર આપે છે:
“લોલાપાંગી: પ્રભુ, હજી મેં પૂરું કર્યું નથી; આ રૂપની ચર્ચા તો શિક્ષણની શરૂઆત માત્ર છે. તે પછી થોડું વ્યાકરણ અને કાવ્ય, થોડું અર્થશાસ્ત્ર અને તર્કશાસ્ત્ર, પૂજા, વ્રત, પાર્વણની વિધિ, પાસા રમવાનું જ્ઞાન; નાચ, ગાન, અભિનય, હાવભાવ અને પરિહાસથી કેવી રીતે રસવતી થવાય; ધૂર્ત, વિટ, જ્યોતિષી અને ભિક્ષુણીઓને મોંએ મોંએ અમુકના કરતાં કોઈ ગુણવતિ નથી એવો ફેલાવો કરવાની આવડત. છેલ્લે આવે રતિશાસ્ત્ર અને કામકલા: માન, અભિમાન, કટાક્ષ, નિશ્વાસ, રુદન; હાસ્ય અને ભૃકુટિની ચાતુરાઈ; કયા મંત્રથી ઉદાસીન આવીને પગે પડે, કંજુસનું સોનું અંગ ઉપર ચઢે; કેવી યુક્તિથી નાગરોમાં ઈર્ષ્યા જગાવીને પોતાનું મૂલ્ય વધારવું અને સપ્તરથીને એક સાથે પાલવડે બાંધીને રમાડવાનું...” (પૃ.-૧૮)

રાજાના પાપની ફળશ્રુતિ દુષ્કાળગ્રસ્ત પ્રજાનો હાહાકાર હતો. ઋષ્યશૃંગનું રાજ્યમાં આગમન એ પ્રાયશ્ચિત છે. તેને રાજ્યમાં લાવવા એ મહાકઠિન-મહાભયાનક કાર્ય છે કેમ કે તે નારી સંવાદનથી અનભિજ્ઞ છે અને તેના પિતા વિભાણ્ડકના ક્રોધાગ્નિથી ત્રિલોકી કંપે છે. આ કાર્ય પાર પાડવું કલાનિધિ તરંગિણી સિવાય કોઈનું ગજું નથી.

નાટકના બીજા અંકમાં વનનું દૃશ્ય છે. જેમાં ઋષિકુમાર ઋષ્યશૃંગની દિનચર્યાનું વર્ણન છે. વિભાણ્ડકની ગેરહાજરીમાં કાર્ય પાર પાડવું સરળ હોવાથી સખી વારાંગનાઓ સાથે કામપુત્રી તરંગિણી નાવ ને આશ્રમ રૂપ આપી મધુર સંગીતના લયે આશ્રમ તરફ પ્રયાણ કરે છે. જાણે રતિકાન્ત મિત્ર વસંતને લઈ શૂલપાણિને જીતવા નીકળ્યા હોય. મધુર સંગીત મુનીકુમારના કાને પડતાં સહેજે વૃત્તિ ખેંચાય છે. જ્યારે તરંગિણી ઋષ્યશૃંગની સામે આવે છે ત્યારે એક તરફ રતિ અને બીજી તરફ વૈરાગી, બન્ને વચ્ચેનું અજ્ઞેય યુદ્ધ જેમાં કોણ જીતશે અને કોણ જીતીને હારશે તે સમય બતાવશે. તરંગિણી મુનિ પુત્રને શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ દ્વારા સમ્મોહિત કરે છે. જન્મથી લઈ આજદિન સુધી જે સંવેદનથી અલિપ્ત હતો, તેને તરંગિણીનો સ્પર્શ થતાં નવ્ય સંવેદનને પામે છે.

વિભાણ્ડક પુત્રની વ્યાકુળતા જોઈ તેને સચેત કરે છે, પરંતુ તરુણ ઋષ્યશૃંગ નારી સંસ્પર્શના અભિનવ સંવેદન અનન્ય પ્રવાહ તરફ ખેંચાયને અંગદેશ તરફ જવા નીકળી પડે છે. અંગદેશમાં મુનિશ્રેષ્ઠનું આગમન થતાં દશેય દિશાઓમાંથી ગાજ-વીજ-વાદળોના ગડગડાટ સાથે અનરાધાર વર્ષા તૂટી પડે છે.

ત્રીજા અંકમાં સમસ્ત રાજ્યને સુખી કરનાર ઋષ્યશૃંગ સાથે અંગરાજ પોતાની પુત્રી શાન્તાના વિવાહ કરાવે છે. સમસ્ત રાજ્યમાં ચોમેરે ઉત્સાહ છે, આનંદ છે, સિવાય લોલપાંગીના એક કક્ષમાં. જ્યાં તરંગિણીના જીવનમાં તરુણ, નિષ્પાપ આંખોએ એક નવ્ય, આનંદમય સંવેદન આપ્યું છે. એનો સંવાદ જ એની આંતરચેતનામાં ઊઠતા પ્રશ્નોને મૂકે છે.
“...રાજકુમારી શાન્તા! જામાતા! યુવરાજ! તમે શું તૃપ્ત છો? શાન્તાના પુષ્પશયનથી તૃપ્ત છો? મારી લાજ, મારો ગર્વ, મારી યંત્રણા! હું રિક્ત છું, મારું બધુ ચાલ્યું ગયું છે... (દર્પણમાં ગંભીર ભાવે જોઈને) શું આ તે જ ચહેરો છે, જે તમે જોયો હતો ? ‘તાપસ તમે કોણ છો? કોઈ સ્વર્ગના દૂત છો? કોઈ છદ્મવેશી દેવતા છો?’ આ મુખ, આ દેહ, આ વસ્ત્રો, આ અલંકાર, તમે શું મને જ જોઈ હતી? આ મને?...” (પૃ.-૭૩)

નારીનો સંસ્પર્શ અનભિજ્ઞ એવા ઋષ્યશૃંગને પ્રકૃતનું જ્ઞાન કરાવે છે, તો ઋષ્યશૃંગની નિષ્કામ, નિષ્પાપ મુગ્ધ દૃષ્ટિ તરંગિણીના આંતરમનને પરિશુદ્ધિનો સંસ્પર્શ આપે છે. લોલાપાંગીના સમજાવવા-ફોસલાવવા છતાં તરંગિણી પૂર્વજીવનમાં પાછી ફરી શકે એમ નથી.

ચોથા અંકમાં સર્જકનું દર્શન પ્રગટ થાય છે. જેમાં માનવીય જીવનનો શાશ્વત સંદર્ભ પ્રગટે છે. ઋષ્યશૃંગના વિવાહિત જીવનને એક વર્ષ પૂર્ણ થાય છે. અંશુમન સાથેની ચર્ચામાં ઋષ્યશૃંગને ખ્યાલ આવે છે કે શાન્તા તેની પ્રેયસી હતી અને આજે પણ અંશુમનને પહેલા જેટલો જ પ્રેમ કરે છે. લોલાપાંગી સાથેની વાતચીતમાં ઋષ્યશૃંગને જ્ઞાત થાય છે કે પોતાને અહીં લાવનારનું નામ તરંગિણી છે. એક વર્ષ પહેલા જે નારીના હૃદયમાં નિર્મળતા, નિર્દોષતા જોયેલા તે તરંગિણી છે. તેથી જ એક વર્ષના સમય પછી પણ શાન્તાથી ઋષ્યશૃંગ પૂર્ણભાવ પામતા નથી. જેના દ્વારા નારીની પ્રકૃતિ અને બ્રહ્માંડ પૂર્ણરૂપથી જ્ઞાત થયા હતા, તે તરંગિણી ઋષ્યશૃંગની સામે આવે છે. ચંચળ-ચતુર ગણિકા ઋષ્યશૃંગના સહવાસથી, નિર્મળ-નિર્દોષ દૃષ્ટિના તારામૈત્રકથી પોતાના હૃદયમાં રહેલ નિષ્કપટ-નિર્મળ એવા આત્મતત્ત્વથી અભિમુખ થાય છે. પ્રથમવાર કોઈ મનુષ્યે આવી નિર્મમ દૃષ્ટિથી આ ગણિકાને જોઈ હતી, જેથી નિર્દોષ ઋષ્યશૃંગની ઝંખના સતત કરે છે. વનમાં ધારણ કર્યા હતા એવા જ વસ્ત્ર-આભૂષણ ધારણ કરી ઋષ્યશૃંગની સન્મુખ આવે છે અને કહે છે -
“મારાથી વધારે સહન ન થયું. હું તમને ફરી એકવાર જોવા આવી. મને તમે ઓળખો છો ને? જુઓ- એ જ વાસણ, એજ ભૂષણ, એજ આંગરાગ! ફરી એકવાર તમે કહો-‘તમે શું શાપભ્રષ્ટ દેવતા છો? ફરી એક વાર કહો, ‘આનંદ વસે છે તમારાં નયનોમાં, આનંદ વસે છે તમારાં ચરણોમાં.’ ફરી એકવાર મારા તરફ દૃષ્ટિપાત કરો...(જરા પાછા હટી) તમારી દૃષ્ટિ આજે જુદી કે છે?...તે દિવસે-તે રાત્રિદિવસની સંધિ વેળાએ તમે જ્યારે પ્રત:સૂર્યને પ્રણામ કરતા હતા, ત્યારે અંતરાલમાં ઊભી મેં તમને જોયા હતા. તે રીતે મને ફરી એકવાર જોવા દો. આજે હું પાદ્યઅર્ઘ્ય લાવી નથી, લાવી નથી કોઈ જાળ, કોઈ કપટ-આજ માત્ર હું મને પોતાને જ લઈને આવી છું, માત્ર હું-સંપૂર્ણ, કેવળ હું પ્રિય મારા, મને તમે આનંદિત કરો.” (પૃ.-૯૭)

“હું સ્વપ્નમાં જોઉ છું તે આંખો, જાગતા જોઉ છુ તે આંખો અને અત્યારે તમને જોઉ છું...તમને? ખરેખર તમને? પરંતુ ક્યાં છો તમે? તમે કેમ ખોવાઈ જાઓ છો? તમારી આંખની પેલી દૃષ્ટિ શું ફરી પાછી નહીં આવે?” (પૃ.-૧૦૦)

જન્મથી સંસારનું બંધન થાય છે અને મુક્તિથી મોહપાશ છૂટે છે, મુક્તિ દુઃખનું નહીં પરંતુ પરબ્રહ્મ સાથેના મિલનનું-આનંદનું કારણ છે. વનમાં બ્રહ્મની સાધના કરતાં ઋષ્યશૃંગને તરંગિણી આનંદ રૂપી મુક્તિ સુધી લઈ જવા નિમિત્ત બને છે. નાટ્યાંતે ઋષ્યશૃંગ પોતાના ગંતવ્યની શોધમાં નિકળી પડે છે અને તરંગિણીને પણ પોતાની શોધ કરવા કહે છે. તરંગિણી ઋષ્યશૃંગમાં જે આનંદ શોધે છે તે પ્રત્યેક મનુષ્યની-પોતાની જ ભીતરમાં હોય છે, જ્યાં સર્જકનું ચિંતન પ્રગટે છે-
“તરંગિણી, સાંભળ. મારી તે દૃષ્ટિ, જે તને સ્વપ્નમાં પણ કષ્ટ આપે છે, તે હવે ફરીથી મારી આંખે પાછી આવશે નહીં. પણ તારો તે બીજો ચહેરો ખોવાઈ નથી ગયો, તે તું પાછો મેળવી શકે છે. દર્પણમાં નહીં, કદાચ બીજા કોઇની આંખોમાં પણ નહીં, ક્યાં-તે હું જાણતો નથી; પણ એ વાત જાણું છું કે ક્યાંક કોઈ અંતરાલમાં તે ચહેરો ચિરકાલ માટે રહ્યો છે. ચિરકાલ રહેશે. તે શોધવો પડશે તરે જ, ઓળખી લેવો પડશે. મનમાં આશા રાખ. હૃદયમાં રાખ આનંદ વિદાય.” (પૃ.-૧૦૪)

માનવી સ્વ-પ્રકૃતિને પામી, બ્રહ્મજગતના રહસ્યને પામે છે. પુરુષ અને પ્રકૃતિથી બનેલા વિશ્વમાં હૃદયને આનંદ, જગતના સત્યને પામવા અને પોતાના ગંતવ્યની શોધ- એ જ મનુષ્યજીવનની જાણે શોધ છે, ભારતીય અધ્યાત્મની ધારા છે અને આધુનિક જીવન પણ આ નિર્દોષ, નિષ્પાપ સંસ્પર્શની જ એક શોધ આંતરભૂમિકાએ કરે છે- એવો એક ગહન ભાવ આ નાટકમાં પ્રગટે છે.

સંદર્ભ :

  1. વાલ્મીકિ રામાયણ, બાલકાણ્ડ, સર્ગ-૧૦, શ્લોક-૩, પૃ.-૫૧
  2. તપસ્વી અને તરંગિણી, બુદ્ધદેવ બાસુ, અનુ. - ભોળાભાઈ પટેલ
  3. મહાભારત, આરણ્યકપર્વ, સં. ડૉ.પં. શ્રીપાદ દામોદર સાતવલેકર, પ્ર. સ્વાધ્યાય મંડળ પારડી, જિ. વલસાડ

માહિરથસિંહ ઘનશ્યામસિંહ પરમાર, એમ.ફિલ. સત્ર-૨, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦ મો. ૮૫૩૦૧૦૦૧૧૦