Included in the UGC-CARE list (Group B Sr. No 172)
કનૈયાલાલ મા. મુનશીની નવલકથામાં રાષ્ટ્રીય- અસ્મિતા

કનૈયાલાલ મા. મુનશી જેવા બહુશ્રુત વ્યક્તિનું નામ કોઈપણ સંવેદનશીલ ગુજરાતી માટે અજાણ્યું નથી. કનૈયાલાલ મુનશીએ સાહિત્યના નવલકથા, ટૂંકીવાર્તા, નાટક, આત્મકથા ,જીવનકથા,પત્રકારત્વ એમ અનેક સ્વરૂપોમાં પોતાની કલમ અજમાવી છે. ઉપરાંત ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ નિમિત્તે તેઓ રાજકારણમાં પ્રવેશે છે અને ત્યાર પછી તો એમણે સાહિત્ય સંસ્કૃતિમાં પોતાની સેવાઓ આપવાની સાથોસાથ ભારત સરકારના કૃષિ-અન્ન ખાતાના પ્રધાન,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ, હૈદરાબાદના પોલિટિકલ એજન્ટ વગેરે વગેરે અનેક પદોમાં સક્રિય યોગદાન દ્વારા પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. જીવન માટેની એમની ધ્ંખના એટલી પ્રબળ હતી તો સાથોસાથ સમગ્ર આર્યવર્ત,રાષ્ટ્રીય- અસ્મિતા અને ભારતના ઇતિહાસ વિશે અનેક મંથનો બાદ એક ચોક્કસ વૈચારિક ભૂમિકા સુધી તેઓ પહોંચે છે. ભારતના સાંસ્કૃતિક,સામાજિક, રાજકીય, રાષ્ટ્રીય જીવનને સ્પર્શતી અનેકવિધ બાબતો વિશે તેમના વિચારો એમની નવલકથાઓ દ્વારા કેવી રીતે પ્રગટ થાય છે તે જોવું રહ્યું.

કનૈયાલાલ મુનશીનો સમયગાળો વીસમીસદીનો પૂર્વાધ છે. એમનો સમય રમણલાલ વ. દેસાઇની જેમ જ રાષ્ટ્રીય વાતાવરણનો હતો. એ સમયગાળનો રાષ્ટ્રવાદ અગાઉના કરતાં સહેજ જુદા પ્રકારનો હતો. રવીન્દ્રનાથ ટાગોર અને શ્રી અરવિંદના ભારતીય સંસ્કારોથી પ્રેરાઈને બંધાયો હતો. એ નવજાગરણનો સમય હતો તેથી એકબાજુ ભારતીય સંસ્કૃતિના અને સંસ્કારોના આવાં ઉન્મેષો અને બીજી બાજુ પશ્ચિમને જોવા સમજવાની અદમ્યવૃત્તિ આ બન્નેની વચ્ચેથી ભારત દેશની છબી ભારતમાતા રૂપે અંકાતી હતી. આવાં ભારતમાં કનૈયાલાલ પોતાનું સર્જન માટે પ્રસ્થાન કરે છે.

ભારત વર્ષ સાંસ્કૃતિક, સામાજિક, રાષ્ટ્રીય સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહ્યો હતો. તેઓ એનાથી બે ખબર ન હતા. એમણે પાશ્ચાત્ય વિચારણા અને પૂર્વના સંસ્કૃતિ સંસ્કારોના સંઘર્ષને અને સમસ્યાઓને આલેખવાને બદલે પોતાનો સમગ્ર લક્ષ્ય ભારતીય સંસ્કૃતિ-આર્યવર્ત ઉપર વિશેષ કેન્દ્રિત કર્યો છે.એનો અર્થ એવો નથી કે મુનશીએ પાશ્ચાત્ય વિચારને સમજવાનું મુનાસિબ માણ્યું નથી. પરંતુ ભારતીય પરંપરાના પ્રત્યેનો તેમનો પક્ષપાત જાણીતો છે.

મુનશીની કેટલીક નવલકથાઓ ‘વેરની વસૂલાત’, ‘ પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘ રાજાધિરાજ’, ‘સ્વપ્નદ્રષ્ટા ’, ‘જય સોમનાથ’ વગેરેમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીયતા વિશેના એમના મહત્ત્વનાં વિચાર વલણો વ્યક્ત થયા છે. તેઓના આ સમયગાળામાં સમગ્ર આર્યાવર્તની રાજકીય વિચારસરણીમાં પલટો આવ્યો હતો. તત્કાલિન પરિબળો એમની સર્જક ચેતનાને ઉત્તેજે છે. આર્ય સંસ્કૃતિ વિશે સતત ચિંતન મનન કરે છે. દેશકાલથી પર એના સનાતનમૂલ્યો અને સામાજિક સંદર્ભને તેઓ એકસાથે તપાસે છે.ઉપરાંત ભાગવદગીતા અને યોગશાસ્ત્રોમાં દર્શાવેલ સિદ્ધાંતો અને ભાવનાઓનું એ પોતાની રીતે વિમર્શન કરે છે. ખાસ કરીને અધ્યાત્મિક પરંપરાનું જીવનદર્શન એમના આર્યાવર્તના વિભાવને સંવર્ધે છે. ગુજરાત માટે તેમને અપૂર્વ લગાવ છે. પરંતુ તેમની દ્રષ્ટિએ ગુજરાત તો સમગ્ર આર્યવર્ત એનું સાંસ્કારિક વ્યક્તિત્ત્વનું સીમાડા રહિત વિશિષ્ટરૂપ છે. આ આખી ભૂમિકાને એમણે ‘અસ્મિતા’સંજ્ઞા વડે ઉજાગર કરી છે. આર્યાવર્તનો વિકાસ આ અસ્મિતા દ્વારા શક્ય બનશે એવું એમનું ગૃહીત હતું એમના સમયગાળામાં ભારતવર્ષમાં નવજાગરણનો યુગ પ્રવર્ત્યો એ નવજાગરણે પ્રાચીન પ્રધાન જાગૃતિનું રૂપ લીધું કેટલાંક એને પુનર્જીવણવાદ રૂપે ઓળખાવે છે તે અને મુનશીના સમયમાં કોંગ્રેસના રાષ્ટ્રવાદનો ઉદય થયો હતો એની છત્રછાયા હેઠળ જે નવી રાષ્ટ્રવાદી પેઢી જન્મી તે ભારતીય સંસ્કૃતિ પ્રધાન રાષ્ટ્રવાદ વાળી હતી. મુનશી આવા રાષ્ટ્રવાદી વાતાવરણમાં પોષણ મેળવે છે. તેથી એમને અસ્મિતા માટે વિશેષ લગાવ રહે તે સ્વભાવિક છે મુન્શીને ગુજરાત માટે ખાસ પક્ષપાત હતો. ગુજરાતી હોવાથી પોતાના ગુજરાતનું ગૌરવને સતેજ કરવાનો તેવો અભિલાષ રાખે છે. પરંતુ એમનું દેશાભિમાન સંકુચિત ન હતું.એમની વિશાળ દ્રષ્ટિને સમગ્ર ભારતીય સંસ્કૃતિનું ગૌરવ પણ પ્રેરતું રહ્યું હતું.આથી જ તેમણે ગુજરાતનાં પ્રાચીનકાળના ગૌરવ ભર્યા ઇતિહાસને બહુ જ ઉત્સાહ પૂર્વક આલેખ્યો છે. પરંતુ એમાં ભૌગોલિકતા અંતરાયરૂપ બનતી નથી. સૈકાઓથી ગુલામ બનેલી ભારતીય પ્રજાને સ્વતંત્ર કેવી રીતે બનાવી શકાય તે તેમનો ઉદેશ હતો.આ બધાના પાયામાં તેઓ ‘અસ્મિતા’ને અનિવાર્ય ગણાવે છે.

‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ એ નવલકથાત્રયીમાં મુનશીના ગુજરાત –સમગ્ર ભારત વર્ષના વિશિષ્ટ નિર્માણના વિચારો, વિભાવો એ માટેના સાહસ અને ગૌરવનું આલેખન કરીને એમણે પર્યંન્ત આ અસ્મિતાનો બોધ કરાવ્યો છે.

‘પાટણની પ્રભુતા’માં ઇતિહાસના સોલંકી યુગનાં પૃષ્ઠ-ભૂ તેમણે સ્વીકારી છે. એ સમયની રાજ્ય વ્યવસ્થા, લોકોની ધાર્મિક માન્યતાઓ ,શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, સામાજિક, સાંસ્કૃતિક પરંપરાઓ રાજકર્તાઓ, રાજ સંઘર્ષો અને જન સમાજની ભાતીગળતા વગેરેનું ચિત્રણ થયું છે અને એ બધાનું રસાયણ થાય છે. રાષ્ટ્રોદ્વાર અને અસ્મિતાની ભાવના રૂપે. મીનળ અને મુંજાલનાં ત્યાગજન્ય પ્રણય ભાવના આ આર્યાવર્તનાં વિભાવને ઉપાસવી છે. જરૂર પડી ત્યારે મીનળદેવીની સત્તાને પડકારતા દેશદાઝની ભાવના જાગૃત કરતાં ઉદામહેતા જેવું પાત્ર પણ તેઓ આ સંદર્ભે મૂકી આપી છે. મુંજાલ મહેતાની મુત્સદ્દીગીરી દેશભક્તિની ભાવના અને લોકોમાં રાજક્રાંતિનો જુવાળ જ્ન્માવી શકે એવા પાત્રો દ્વારા લેખકે ગુજરાતની પ્રજાકીય અને રાજકીય એવમ રાષ્ટ્રોદ્વાર અને અસ્મિતાને આલેખે છે.

‘ગુજરાતનો નાથ’માં એમની આ ભાવના વધુ વિકસે છે. પરધર્મી આક્રમણ દ્વારા મધ્યકાલીન સમયના રાજ્યો વારંવાર લૂંટતા ગયા અને હારતા ગયા એમાં મુખ્યત્વે એ શાસકોની સંકુચિત મનોદશા,આંતરિક વિગ્રહ ટૂંકી રાજકીય દ્રષ્ટિ અને એકેન્દ્રિ રાજસત્તાની ઊણપ એમણે દર્શાવી છે. અને એના નિવારણ રૂપે એકેન્દ્રિ રાજ્યતંત્રની આવશ્યકતા માટે એ બધાની વચ્ચે સંપ અને સમાધાન સ્થાપીને આર્યાવર્તની રાજકીય અખંડિતતાને તેમણે કીર્તિદેવ જેવા ચરિત્રો વડે દર્શાવ્યું છે. આર્યાવર્તની એકતા માટેની એની લગની જુઓ : “મુંજાલ મહેતા ! જ્યારથી તમારા જેવાના હાથમાં રાજસત્તા આવી ત્યારથી જ આર્યાવર્તનાં ભાગ્ય ફૂટયાં.” અહી યથાર્થ અને કર્તવ્યને અડખે પડખે મૂકીને એમણે આ આર્યવર્તની અખંડિતાને સિદ્ધ કરવું હતું. આ જ ભાવના આગળ વિકસે છે. ‘રાજાધિરાજ’ માં. અહી તેઓ ભૌગોલિક સુસંબદ્ધતા દ્વારા રાષ્ટ્રગૌરવને રજૂ કરવાનું મુનાસિબ માને છે. નાના – નાના રાજ્યોના બનેલા હિંદને પરદેશીઓના હુમલાથી મુક્ત કરીને પોતપોતાની સ્વતંત્રતા જાળવવા શું કરી શકાય એ માટે કટીબદ્ધ કાક-મંજરી, કીર્તિદેવ-મુંજાલ જેવા ચરિત્રો અહી કામિયાબ નીવડ્યા છે.આર્યાવર્તને એક અને અવિભક્ત જોવાનો કોડ કીર્તિદેવ ધરાવે છે. આર્યાવર્તને માથે ઝઝૂમતા ભયને દૂર કરવા માટે આ પાત્રો અંતે તો જ્યાં રાષ્ટ્રધર્મ હોય ત્યાં ઐક્ય અને સ્વાધીનતા હોય એવા જીવન દર્શન સુધી પહોચતા જણાય છે. સાર્વભૌમ ભારતવર્ષની મુનશીની વિભાવનાનું આલેખન આ કૃતિમાં થયું છે. ખરા રાષ્ટ્રીય જીવનના માર્ગ તરીકે અહી રાજકીય એકતા આ બધાની ઉપર તરી આવે છે.

અગિયારમી સદીમાં હિંદની અને ખાસ કરીને ગુજરાતની જે દશા હતી તેણે ‘જય સોમનાથ’ નવલકથામાં વિષય બનાવાયો છે નાના-મોટા રજવાડાનાં રાજપૂત મુખ્યાઓ અસાધારણ વીરતા દાખવે છે. એમનામાં એટલી મુત્સદીગીરી નથી કે જેથી એ ભારતીય રાજકારણને એના મહત્ત્વનાં પાસાને સ્પર્શી શકે. આમ તો અહી કથા છે મહમૂદ ગઝની સોમનાથ પરનાં આક્રમનની અને ગુજરાતે એનો જે રીતે પ્રતિરોધ કર્યો છે એની છે. એમાં ગંગ સર્વજ્ઞ,ચૌલાદેવી, ભીમદેવ વગેરેના જીવનમાં અને પ્રજા સમસ્તના જીવનમાં કોઈકને કોઈ રૂપે સોમનાથ માટેની પ્રબળ આસ્થા એમનું જીવન બળ છે. મુનશીએ સોમનાથને સમસ્ત ભારતના પાશુપત મતના કેન્દ્ર તરીકે કેવળ સ્વીકાર્યું નથી. સોમનાથ ગુજરાતની અને ભારતની અસ્મિતાને પોષતું સંવર્ધતું એક વિધાયકબળ હોવાનું મુનશીનું દર્શન છે અને એ દર્શનને તેમણે આ નવલકથામાં પાત્રો પ્રસંગો દ્વારા ઊપસાવવાનો ઉદેશ રાખ્યો છે. તેમના મતે “ સોમનાથનું શિવાલય નહોતું આલય, નહોતું શહેર ને નહોતો સ્વસ્થ પ્રદેશ સદીઓની શ્રદ્ધાએ તેને દેવભૂમિ સમું સમૃદ્ધ ને મોક્ષદાયી બનાવી મૂકયું હતું.” એને માટે ગંગ સર્વજ્ઞ જેવો ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના પ્રતીક સમા છે. તેની ભાવનાનું વિશ્વ દર્શાવ્યું છે. ચૌલા ગંગ સર્વજ્ઞની જીવન રસિક્તા અને ધર્મ રસિક્તાનું સાયુજ્યના ફળરૂપે પાત્ર છે જ્યારે ભીમદેવ રાષ્ટ્ર ભવનનો જુવાળ બનીને આવે છે. મહમૂદ ગઝની ભારતીય સંસ્કાર સંસ્કૃતિ માટેનું એક ભયાવહ બળ છે. પણ એની ભક્તિ, શ્રદ્ધા અને પ્રતીતિનાં બળે સોમનાથનાં ગર્ભાગારની ઉત્કૃષ્ટ આધ્યાત્મની સુરક્ષિત રાખી છે તે દર્શાવ્યું છે. પેલું ભયાવહ બળ ભારતીય સંસ્કાર સંસ્કૃતિનાં સ્થૂળ ભાગને હાનિ પહોચાડે પણ એની આધ્યાત્મિકતાની ગરિમાને ભંગ કરી શકે તેમ નથી એવી ગંગ સર્વજ્ઞની દાર્શનિક ભક્તિ સૂચિત કરે છે. સંકુચિત હિન્દુવાદથી આ કૃતિ ઊંચે ઊઠીને અસ્મિતાની ધોતક બને છે તે દર્શાવવાનો એમનો ઉપક્રમ રહ્યો છે.

‘વેરની વસૂલાત’ એ મધ્યમવર્ગની એક વિધવાના પુત્ર જગતકિશોર અને તનમનની કરૂણ પ્રણયકથાની પડછે રજવાડાની ખટપટને એમને દર્શાવી છે. એની સામંતરે અનંતાનંદની ભાવનાશીલતા ગૂંથી છે. આમ અહી પ્રણય-ઊર્મિ ભવનશીલતા અને દેશી રજવાડાની રાજકીય ભૂમિકાને સામંતરે નિરૂપ્યા છે. આ બધાની ઉપર અનંતાનંદ આખા દેશને આદર્શ રાજ્ય બનાવવા મથે છે એનું મૂલ્ય ઉપસી આવે છે. રાજકીય ષડ્યંત્ર દ્વારા મુનશી તત્ત્કાલીન રાજ્ય સમાજનું ચિત્રણ આપે છે.

‘સ્વપ્નદ્રષ્ટા’માં હિંદના રાજકીય પ્રવાહોની પશ્ચાત્ય ભૂમિમાં ગોઠવાયેલી, ગુજરાતનાં થોડાં ભાવનાશીલ જુવાનો તેમનો દેશાભિમાન અને તેના ઉતાર-ચઢાવની કથા ગૂંથાઇ છે. સુદર્શનની સંસ્કાર જાગૃતિ અને પ્રો. કાપડિયાની યથાર્થ લક્ષિતાને અહી લેખકે અડખે પડખે મૂક્યા છે. દેશને વિદેશી આક્રમણકારોથી મુક્ત કરવાનાં સ્વપ્ન જોતાં ક્થનાયક સુદર્શન માં ભરતી માટે એક સ્વપ્ન જુવે છે. એની સ્વપ્ન સૃષ્ટિનો ભાવના વિહાર અને અંતે સ્વપ્ન ભંગ થતાં એની જે મન: સ્થિતિ સર્જાય છે. તેમાં આર્યાવર્તની એકતા માટેનું સહેજ જુદું ઘટક ઉપસે છે. સુદર્શનનાં રંગદર્શી મનોવલણમાં રાષ્ટ્ર ભાવનાનું ઘેલું છે. જ્યારે આ ભાવનાને વાસ્તવની ભૂમિકાએ ઊપસાવવામાં મુનશી સફળ થયાં છે. મુનશીની આર્યવર્તની એકતા માટે રાષ્ટ્રોદ્વારનું તત્ત્વ અહી સારી રીતે ગૂંથાયું છે.

આ નવલકથાઓમાં કાક અને કીર્તિદેવની મુલાકાતો, કીર્તિદેવ,મુંજાલના સંવાદો ,મીનળદેવી- મુંજાલની રાજકીય કુનેહ, સુદર્શન -પ્રો.કાપડિયાના વિચાર શ્રોત, ગંગ સર્વજ્ઞ-ભીમદેવ-ચૌલાની વ્યુહરચના, જગત કિશોર-અનંતાનંદની દેશોદ્વારની પ્રવૃત્તિ મુનશીની ‘રાષ્ટ્રીય અસ્મિતા’ ની વિભાવનાનાં પરિચાયક બને છે. ‘શમેના વેર વેરથી અવેરે જ શમે વેર’ એ ઉદાત્ત પ્રેમ ભાવનાનું અને સમગ્ર દેશને એક આદર્શરાજ્ય બનાવવા તત્પર અનંતાનંદજીની નિષ્ઠા મુનશીના અસ્મિતાનાં સંદર્ભ વગર સમજવી અધૂરી રહી જાય.

આમ,મુનશીના મનમાં રંગભેદ, જાતિભેદને બદલે રાજકીય એકતા રાષ્ટ્રોદ્વાર દ્વારા રાષ્ટ્રની અખંડિતતાનો ભાવ આ નવલકથાઓમાં પ્રગટ્યો છે. એ સ્પષ્ટ રીતે કહે છે કે “ આર્યાવર્તથી ગુજરાત જુદું ન રહી શકે.”

સંદર્ભ સૂચિ :

  1. ‘ગુજરાતની અસ્મિતા કનૈયાલાલ મુનશી’ - મનહરરામ મહેતા
  2. ‘મુનશી ગ્રંથાવલી-13’- કનૈયાલાલ મુનશી
  3. ‘ગુજરાતનો નાથ’- કનૈયાલાલ મુનશી
  4. ‘વેરની વસૂલાત’ - કનૈયાલાલ મુનશી
  5. ‘જય સોમનાથ’- કનૈયાલાલ મુનશી
  6. ‘સ્વપ્ન દ્રષ્ટા’- કનૈયાલાલ મુનશી

ડૉ. મૌલિકા પટેલ, ગુજરાતી ભાષા અને સાહિત્ય કેન્દ્ર, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર સેક્ટર ૨૯ maulikapatel1977@gmail.com