Included in the UGC-CARE list (Group B Sr. No 172)
'ગૃહભંગ' નવલકથાનો અભ્યાસ

એસ.એલ. ભૈરપ્પાએ કન્નડના પ્રસિદ્ધ નવલકથાકાર છે. એમની પાસેથી ધર્મશ્રી, દૂર સરિદરૂ, વંશવૃક્ષ, જલપાત, નાથીનરેળું (કૂતરાનો છાંયો), મતદાન, દાટુ, નિરાકરણ, ગ્રહણ આદિ નવલકથાઓ મળે છે. "કન્નડ નવલકથાની પશ્ચાદભૂમિકામાં જયારે ભૈરપ્પાની સાધના અવલોકીએ ત્યારે લાગે છે કે પોતાની માન્યતાઓ, અનુભવો અને વિચારોનો કેવળ નવલકથાના વિશ્વને યશસ્વી બનાવવાના હેતુથી જ, સમાજના સમસ્ત સ્તરોનો અનુભવ કરાવતાં કરાવતાં, એ બધું પોતાનામાં સમેટી લઈને કથનારાઓમાં ડો.શિવરામ કારન્ત પછી ભૈરપ્પાનું જ નામ મૂકવું પડે. વર્તમાન કન્નડ નવલકથાઓનો ફાલ ઘણો વિપુલ છે. પણ ભૈરપ્પાની જેમ સમાજના સમસ્ત સ્તરોને સમેટી લઈને ચાલનાર બીજો કોઈ નવલકથાકાર દેખાતો નથી."[1]

આ નવલકથાનું કથાવસ્તુ કર્ણાટકના તિપટૂર અને ચન્નપટટણ તાલુકાના પ્રદેશોમાં ૧૯૨૦થી ૧૯૪૦-૪૫ના સમયગાળા દરમ્યાન બનતી ઘટનાઓ છે. સામન્ય ગ્રામીણ જીવન અને એમના સંઘર્ષની વાત અહીં કેન્દ્રમાં છે. અહીં જીવતાં જીવનનું સત્ય સર્જકે સ-રસ રીતે આલેખયું છે.

રામણણાની વિધવા પત્ની ગંગમ્મા પોતાનાં બે દિકરા ચેન્નિગરાય અને અપ્પણણય્યા સાથે રહે છે. ચેન્નિગરાયની પત્ની નંજમ્મા અને અપ્પણણય્યાની પત્ની સાતમ્મા વહુ બનીને પરિવારમાં આવે છે. આ ઘરમાં કોઈ એકબીજાનો આદર કરતાં નથી. વહુઓને મારકૂટ કરવી આ લોકો માટે તદન સામાન્ય વાત છે. તંગ વાતાવરણના કારણે નાની વહુ સાતમ્મા તો પિયર ગયાં પછી વર્ષો સુધી સાસરે પાછી ફરતી નથી. પરંતુ નંજમમ્મા અસામાન્ય પરિસ્થિતિમાં પણ ટકી રહે છે. એને પોતાનાં ઘરથી અને પછી સમાજથી પણ બહિષ્કૃત કરવામાં આવે છે. ઘર ચલાવવાની જવાબદારી એના માથે છે. ત્રણ બાળકોનો ઉછેર પ્રત્યે એ બહુ સજાગ છે. પોતાના અને દેરાણીના પિયરમાં સમાચાર પહોંચાડી ઘરનાં લોકોમાં સભ્યતા લાવવાનો એનો પ્રયાસ નિષ્ફળ જાય છે. ઘરને તૂટતું બચાવવા એ ઘણાં પ્રયત્નો કરે છે. વિકટ સંજોગોમાં હકારાત્મકતા અને સૂઝ-બૂઝથી કામ લે છે. નંજમમ્મા મહેનતકશ જીવન જીવવામાં માનનારી છે. તલાટીપણાનો પગાર પરિવારનું ભરણ-પોષણ કરવાં ઓછો લાગે ત્યારે એ પતરાળીઓ બનાવવાનું કામ કરે છે. 'એક સાધો ત્યાં તેર તૂટે' જેવી આર્થિક પરિસ્થિતિમાંથી બહાર આવીને આ સ્ત્રી બાકી રહેલાં એક સંતાન વિશ્વ માટે પોતાનું ઘર બંધાવે છે. પાર્વતી અને રામણણા બે સંતાનો અને સ્વયં નંજમમ્મા પ્લેગનાં રોગનો ભોગ બનીને મૃત્યુ પામે છે.

પાછી આવેલી પત્ની સાથે જીવન જીવતા અપ્પણણય્યાને એની મા ગંગામ્મા પત્ની વિરુદ્ધ ચડાવે છે. એટલે એ પોતાની જ ઝૂંપડી પોતાનાં હાથે બાળી નાખે છે. પછી એને અંતમાં પસતાવો થાય છે, ત્યારે વીતી ગયેલાં સમયને પાછો લાવવાં કોઈ વિકલ્પ રહ્યો નથી. નંજમ્માનો ભાઈ ક્લ્લેસ અને પત્ની કમલુને સંતાન નથી એમની વચ્ચેનો અણબનાવ, રેવણણશેટ્ટીની બેદરકારી એની પત્ની સર્વક્કાની વ્યથા, નરસીનું સમાજમાં હળધૂત થવું આદિ ગૌણ કથાનકોની વાત દ્વારા તત્કાલીન સમાજજીવનનો પરિચય મળે છે.

ગંગમ્માના શબ્દો જ ગૃહભંગનું કારણ બને છે. એનાં બે પુત્રો ચેન્નિગરાય અને અપ્પણણય્યા પણ મા એવાં જ દિકરા છે. જો કે અપ્પણણય્યાનું હ્રદય અંતમાં પરિવર્તન પામે છે. ચેન્નિગરાય પત્ની અને સંતાનો ભૂખ્યાં હોય છતાં પણ શહેરની હોટલમાં જઈ પેટ ભરીને ખાઈ શકે છે. પત્નીને પૂછ્યા વિના એ લગ્નમાં એને મળેલાં દાગીના ગિરવે રાખવા પોતાની માને આપી દે છે. નંજમ્મા વિશ્વને લઈને શ્રુંગેરી મઠ દર્શન કરવાં પગે જાય છે, જયારે ચેન્નિગરાય આરામથી બસમાં બેસીને પહોંચે છે. પત્ની તો ઠીક નાનકડાં બાળક પ્રત્યે પણ એનામાં દયા નથી.

"ગધેડી અને છિનાળ" જેવાં સંબોધનો અહીં દિકરા મા માટે બહુ સામન્ય વાતચીતમાં બોલવાંની ટેવ છે. તો સામે પક્ષે "નખ્ખોદ તો તારું જશે. હરામજાદા !" અને "તું તારા બાપનો દીકરો નથી ? ભળવાના દિકરા. ઉઠ, રાંડના બેટા," (પૃ. ૮૫) આ વચનો ગંગમ્મા બંને દિકરા માટે વાપરે છે. સામેની તરફ પૂત્રવધુને એ "ભળવા સાથે મોજ ઉડાવી રહી છે અલી ! " (પૃ. ૮૯) કહી શકે છે. સ્ત્રીને બોલાવવા 'છિનાળ' શબ્દ એનાં નામની જેમ આ લોકો બોલે છે. ગંગમ્મા તો જેનાં પર ક્રોધ આવે એને નપુંસક, નામર્દ કહીને આગળ ચલાવે છે, "તારાં છોકરાં મરે ! તારી બૈરી વિધવા થાય ! રાંડના બેટા ! જોઈ લેજે તારી બૈરી પણ માથું મુંડાવીને લાલ સાડી પહેરશે, હું પહેરું છું તેમ." (પૃ. ૫૩) સંવાદમાં આ પ્રકારની ભાષા એ ગ્રામ્ય પરિવેશનાં સમાજની સાથે અસભ્ય-અસંસ્કૃત અને અણગણતા દર્શાવે છે.

માનવી જીવનની નિયતિ કથા પ્રવાહમાં લેખકે આલેખી છે. ક્રોધ, અહંકાર, અભિમાન સાથે જીવતાં ગંગામ્મા, ચેન્નિગરાય, રેવણણશેટ્ટી, શિવગૌડે, અણણાજોઈસ, કમલા, ક્લેલેશ જેવા પાત્રોની વચ્ચે સદાચાર, સહનશીલતા અને ધૈર્ય પૂર્વક જીવવા મથતા નંજમ્મા, અક્કમા, સર્વક્કા, નરસી, માસ્તર, મહાદેવય્યાજી એકબીજાની સામેની હરોળનાં હોય એવું લાગે છે. એમની પ્રકૃતિ વચ્ચેનો ભેદ જ અહીં સંઘર્ષની ક્ષણો પૂરી પાડે છે. નવલકથામાં મુખ્ય કહી શકાય એવી કોઈ એક ઘટના નથી, પરંતુ નાની નાની પરિસ્થિતિ અને પ્રસંગો રચીને લેખકે નગ્ન સત્ય તરફ અંગુલીનિર્દેશ કર્યો છે.

"નવલકથામાં આવતું પાત્ર સંપૂર્ણરૂપે સ્વતંત્ર, સ્વ નિર્ભર બની રહેવું જોઈએ. કૃતિમાનું એનું રૂપ તત્ત્વત: de-realized હોવું ઘટે. જીવનમાં જોવા મળતા માનવીઓ જેવા જ તે પાત્રો લાગે છે છતાં તે તેમની પ્રતિકૃતિઓ નથી, પણ રૂપાંતર પામેલાં Fictional Characters છે."[2] ગૃહભંગમાં નંજમ્મા આવું જ વિલક્ષણ સ્ત્રીપાત્ર બની રહે છે. એનાં જીવન જીવવા માટે સંઘર્ષ અને પરિસ્થિતિ પ્રત્યેનું હકારાત્મક વલણ આ બધાંમાંથી બહાર આવતું એનું ચરિત્ર આપણને સામાન્યથી કૈક નોખું લાગે છે. વિષમ સંજોગો સામે ઝઝૂમતી સ્ત્રીઓ આપણી આસપાસના સમાજમાં છે, એની સાથે નંજમ્મા સામ્ય ધરાવે છે. પરંતુ એનું આંતર જગત એમાં ચાલતી મથામણો, ભવિષ્ય માટેનાં એનાં આયોજનો, પોતાનાં પરિવારને એકજૂથ રખવાનાં એનાં પ્રયત્નો આ સંદર્ભે નંજમ્માનો દૃષ્ટિકોણ એનાં પાત્રને નવલકથાનું પાત્ર બનાવે છે. નંજમ્મા એ એટલું સબળ ચરિત્ર છે કે એની ક્રિયા-પ્રતિક્રિયા જાણે નવલકથાનું ચાલક બળ હોય એવું લાગે. અલબત, ગૃહભંગ ચરિત્રપ્રધાન નવલકથા નથી. છતાં પણ નંજમ્મા માટે વાચકને સવિશેષ જિજ્ઞાસા રહે છે. મુનશીના કાક-મંજરી, રમણલાલ દેસાઈના રુદ્રદત્ત, અરુણ કે રંજન અથવા તો બીજાં ઘણાં પાત્રો વિશે લખતા આપણા વિવેચકો એ 'જીવંત પાત્રો' જેવું વિશેષણ યોજ્યું છે. નંજમ્મા એ આ કોટિનું 'જીવંત પાત્ર' છે. જે વાચકને પોતાનામાં તંતોતંત સંડોવે છે.

નંજમ્મા બહુ બુદ્ધિશાળી છે, એનામાં દિવાન બનવા જેટલી કાબિલિયત હોવાં છતાં સરકારી નિયમોની પડછે ગામની રૂઢિઓના કારણે એને તલાટીનાં ચોપડાં જ લખવાં પડે છે, એમાંય પાછું તલાટી તરીકે સહી તો પતિની જ આવે. ત્યારે એનાં પ્રત્યે દયા આવી જાય. પતિ અને ત્રણ બાળકોનું ભરણ પોષણ કરે છે, ગામની અભણ મહિલાઓને રાત્રિ શાળામાં ભણાવે છે, પતિ અને સમાજથી બહિષ્કૃત દેરાણીને આશય આપે છે. આ બધું જોતાં એની પ્રતિભા માટે આપણને ગર્વનો અનુભવ થાય. ઘરબાર ખોઈને, પતરાળી વેચીને, શાકપાન ઉગાડીને ગુજારો કરનાર આ બાઈનો રુઆબ જોઈને શિવગૌડે જેવા ગામના પટેલ મહાશયને પણ એક ક્ષણ આશ્ચર્ય થઈ જાય છે.

ગુજરાતી કવિ સિતાંશુ યશશ્ચન્દ્રની પંક્તિમાં કહ્યું છે, તેમ માનવજીવનનો અરીસો નવલકથામાં છે.
"માનવી જન્મે હરે ફરે ચરે, રતિ કરે ગર્ભને ધરે."

ગૃહભંગમાં ગ્રામ્ય પરિવેશ છે. ગામમાં વારંવાર પ્લેગનો રોગ ફેલાય ત્યારે ગામ છોડીને બહાર ઝૂંપડીમાં લોકો રહેવાં જાય છે. એક વર્ષ દુકાળ હોય ત્યારે અનાજનાં ભાવ આસમાને પહોંચે છે. લોકો ભૂખમરાથી મૃત્યુ પામે છે. કુદરતી આપતિ સાથે બ્રાહ્મણોની પાખંડતા ખોખલાં રીતરીવાજોની વચ્ચે પીસાતો સમાજ અહીં મુખ્ય કથાની સાથે દર્શાવાયો છે. વહેમ-અંધશ્રદ્ધા અને ધાર્મિક ક્રિયાકાંડમાં માનતો સમાજ છે, તો બીજી બાજુ મહાકાળીની મૂર્તિ પાસે પડેલાં રૂપિયા લઈ લેતાં નાસ્તિક કંઠીજોઈસ છે. પ્લેગમાં રિવાજોને વળગી ન રહેવાંની અપીલ કરતાં માસ્તર છે. આવાં અમુક પાત્રો સિવાય આખો સમાજ રૂઢિઓમાં માને છે. ગરીબીમાં ઘી લાવવાં પૈસા નથી ત્યારે વસ્તુઓ ગિરવે મૂકીને ગંગમ્મા બ્રાહ્મણોને પતિના શ્રાદ્ધનું ભોજન કરાવે છે. તો ખરેખર તો ગ્રામ્ય કુરિવાજો જ રોગ બનીને લોકોને ભરખી રહ્યાં છે. એમાંથી બચવાની લાખ કોશિશ કરવાં છતાં એ ચેપની ગતિશીલતામાંથી બચવું દુષ્કર બની રહ્યું છે. જે પ્લેગ કરતાં મોટું દૂષણ છે.

સંદર્ભ

  1. પ્રસ્તાવના, ગૃહભંગ, ગુજરાતી અનુ. રાજેન્દ્ર નાણાવટી, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, આવૃત્તિ ૨૦૧૩, કિં ૨૦૫ રૂ.
  2. નવલકથાનું સ્વરૂપ, પ્રવીણ દરજી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત,તૃતીય આવૃત્તિ ૨૦૧૫, કિં ૮૦ રૂ.


મોના લિયા monaliya@gmail.com 7990926205