Included in the UGC-CARE list (Group B Sr. No 172)
મકરંદ દવેની કવિતામાં પ્રગટેલો વતનરાગ અને ગ્રામ્યપ્રીતિનો ઉદ્રેક

રાજેન્દ્ર શાહની જેમ જ ઈ.સ.૧૯૫૧ થી ૧૯૭૨ ના ગાળામાં કાવ્યસંગ્રહો આપનાર મકરંદ દવે અનુગાંધીયુગના ગણમાન્ય કવિ છે. જિંદગીમાં અને કવિતામાં એક જ ગેરુઓ રંગ લઈને આવતા સાધક કવિ છે. તેઓ મુખ્યત્વે અધ્યાત્મમાર્ગી કવિ છે પરંતુ આ ઉપરાંત તેમણે બીજા પણ અનેક વિષયોને સ્પર્શ કર્યો છે. તેમની કવિતામાં સ્વરૂપો અને વિષયોનું સારું એવું વૈવિધ્ય જોવા મળે છે. મકરંદ દવે પાસેથી આપણને ‘ગોરજ’ (૧૯૫૭), ‘સંજ્ઞા’ (૧૯૬૪), ‘સંગતિ’ (૧૯૬૮), ‘સૂરજમુખી’ (૧૯૬૧), ‘હવાબારી’ (૧૯૬૩),‘અમેરિકાનો ચિરંતન ચહેરો’ (૧૯૯૯) વગેરે કાવ્યસંગ્રહો મળે છે. મકરંદ દવેને ઈ.સ. ૧૯૭૯ માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો. એ પછી ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર આ ઉપરાંત નરસિંહ મહેતા એવોર્ડથી તેઓનું સન્માન કરવામાં આવ્યું છે. મકરંદ દવેની કલમ મુખ્યત્વે કવિતાક્ષેત્રે વધુ પ્રભાવશાળી બની છે. એટલે મકરંદ દવેની કવિ તરીકેની એક છાપ તો તરત જ ઉપસી આવે છે. તેઓ સૌરાષ્ટ્રના ગૌંડલ જેવા ગામડાંના જીવ છે. તેથી તેમને ત્યાંના ગામડાંની ધરતી પ્રકૃતિ તેમજ તેના ખોળે ઉછરેલા માણસો જેમાં સચ્ચાઈ અને અખૂટ પ્રેમ ભરાયેલા છે. તેમના પ્રત્યે સ્નેહ અને આદરભાવ છે. માટે એમ કહી શકાય કે તેમને ગામડાંના કુદરતી જીવન સાથે પ્રગાઢ નાતો છે અને તેવા વાતાવરણમાં જ જીવન જીવવાનું વધુ પસંદ છે અને આ મા ભોમ પ્રત્યે જે અપાર પ્રેમ અને ખુમારી છે. તેમનો વતન તરફનો વડગાડ તેમણે પોતાના સર્જનમાં એક યા અધિકવાર પ્રગટ કર્યો છે. અને તેમાં તેમની ગામડાં તરફની પ્રેમભાવના ઝળહળી ઊઠે છે. આ બધુ તેમનાં કાવ્યોમાં તરત જ આપણી નજર સમક્ષ ખડુ થાય છે. હવે મકરંદ દવેની કવિતામાં પ્રગટેલી વતનરાગ અને ગ્રામ્ય પ્રીતિને આસ્વાદીએ.

સુરેશ દલાલ જણાવે છે કે-
“મકરંદ દવે ભલે અમદાવાદ કે મુંબઈમાં રહ્યાં હોય પણ તે નગરજીવનના કવિ નથી. તે ગામડાંના કવિ છે. ગ્રામીણ કવિ છે, ધરતીના કવિ છે. તેમને શહેરની આબોહવા બહુ સ્પર્શી નથી. તેમણે નગરજીવનની જે કાંઈ કવિતા કરી છે, તેમાં શહેરના જીવનની ટીકા કરી છે.”[1]

મકરંદ દવેને ગામડું ગમે છે. ગામડાંની પ્રકૃતિ, વનસ્પતિ, ગામડાંના લોકો, વૃક્ષો, મંદિરો, પાળિયા, તળાવ, ભજનિકો એ બધા સાથે મહોબ્બત છે. તે ધૂળિયા મારગના કવિ છે. ગામડાંની માટીના માણસ છે. કૃષિજીવન અને ગોપ જીવનનો આનંદ એ એમનો આનંદ છે. તેમને મન ગામડું ગોકળિયું છે. તે ગામડાંની ધરતીની ભૂમિકા ઉપર એમણે રાધાકૃષ્ણ અને કૃષ્ણ પ્રેમના ગીતો ગાયા છે. ગામડાંના પાત્રો ને મિત્રો સાથે તેમને માયા છે. ‘ગમતાંનો કરીએ ગુલાલ’ જેવી એમની માનવપ્રીતિ આ ગ્રામ્યજીવનની ભૂમિકા ઉપર મહોરેલી છે.તેમના કાવ્યોમાં પ્રતીકો, પ્રતિરૂપો, અલંકારો વહી આવે છે તે પણ ગ્રામ ધરતીની હવામાંથી આવે છે જેમકે તરણાં, ગોરજ અને સૂરજમુખીની કવિતા છે. ગ્રામજીવનના ઋતુ-ઋતુના રંગ તેમાં ખીલી ઊઠે છે. તેમને ગામડાંનું જીવન અને તે ધરતી, વતન પ્રત્યે અપરંપાર સ્નેહ છે અને આ વતનપ્રેમના કાવ્યો આપણને જયંત પાઠકની યાદ આપી જાય તેવા છે અને તેઓની જેમ જ, મકરંદ દવેએ પણ વતનપ્રેમ અને ગ્રામધરતીના કાવ્યો લખ્યાં છે.

કવિ મકરંદ દવેના કુલ છ કાવ્યસંગ્રમાંથી અહીં તેમનાં પહેલા કાવ્યસંગ્રહ ‘તરણાં’ માં પણ ‘હે ધરા સોરઠી’ જેવા કાવ્યમાં તેમણે સૌરાષ્ટ્રની ધરતીના શોર્ય, પ્રેમ, પુણ્ય, મહાશીલ, સ્વાતંત્ર્યપ્રેમ, કરુણા, ખુમારી, વીરતા વગેરેના ગુણો ગાયાછે અને વીરતાની ખાંભીઓ ઉપર આંસુ પણ સાર્યા છે. જે આપણને નીચેની પંક્તિઓ દ્વારા તરત જ ખબર પડે છે.
“હે ધરા સોરઠી !
જુગ જુગોથી તું બેઠી હજી જાગતી
તોય તારે ન અંગે જરા લાગતી
થાક, આળસ, અવસ્થા, ઉદાસી તાણી
રેખ આછીય; પણ પ્રેરણા પૂરતી
જ્યોત જલતી દગે એ જ ઓજસ્વતી.” (તરણાં પૃ.૨૯)

તેઓ કહે છે કે આ વેડફાઈ જતી વીરતાની જ્યોતને ઝાંખી થતે વારવા હું મથત, એક બીજા કાવ્યમાં પણ તેમણે સૌરાષ્ટ્રની અન્યતાને વંદન કર્યા છે. કવિને સૌરાષ્ટ્રની ધરતી પ્રત્યે અનન્ય પ્રેમ છે. અને તે પ્રેમ પ્રગટ કરવા માટે તેઓ પ્રકૃતિનો પણ સહારો લે છે. અને ત્યાંની ધરતીની પણ વીરગાથા ગાતાં-ગાતાં ત્યાંના વાતાવરણ, મનુષ્યો, સાધુ, સંતો વગેરેને પોતાના કાવ્યોમાં સમાવી લીધા છે.

આપણા આ ગ્રામકવિની પ્રભુ પાસેની માગણી પણ કેવી છે તે તેમના એક કાવ્ય ‘આપ જો!’માં ભગવાનને પ્રાર્થના કરી છે કે,
“હોય કૃપા તો એટલું આપજો
સપનું સાદું;
ભોમકામાં એવી આયખું દેજો
ઈશ, એકાદું.” (તરણાં, આપજો- પૃ.૧૦૬)

એમ કહીને સોરઠની રૂડી ભોમના નાની ગામની સીમે નદીને કિનારે માનવીઓની સાથે સુખ દુઃખની ઉજાણી કરવાની ભાવના સેવી છે. તેમાં તેમનો વતનપ્રેમ જ ઊભરી આવે છે અને તે તો પ્રેમના વરદાન માગે છે. પ્રકાશને પંથે જવાને ઝંખના રાખે છે.

આગળ જતાં મકરંદ દવે એ ‘સાંજ પડે છે’કાવ્યમાં સાંજના રમણીય ચિત્રો આપ્યાં છે જે અદ્દભૂત છે.
“ઝાખું ઝાખું સુંદર જાણે
પરી દેશના નગર સમું આ
સામે દૃશ્ય નવું ઊઘડે છે
સાંજ પડે છે.” (સાંજ પડે છે, તરણાં પૃ.૭૭)

અહીં કવિને ગામડાંની સાંજને પરીના દેશના નગર જેવું એક નવીન દૃશ્ય કહી સંબોધે છે જે કવિની કલ્પના શક્તિના ઉત્તમનમૂનારૂપ કહી શકાય. આની સાથે સાથે એક બીજા કાવ્યમાં પણ કવિએ ગ્રામજીવનની સાંજનું આબેહૂબ સુંદર રમ્ય ચિત્ર આપ્યું છે. જે આકર્ષક બની રહે છે અને આવું ચિત્ર ગામડાંનો કવિ જીવ હોય તે જ આપી શકે તેમ છે.
“સાંજની વેળા ગામને છેડે
જઈને બેસું પુલની કેડે
જોઉં ચૂપચાપ!” (સાંજની વેળા, તરણાં પૃ.૭૯)

અહીં ઉપરની પંક્તિઓ દ્વારા કવિને સાંજની વેળા ગામને છેડે પુલની કેડે ચૂપચાપ બેસી સાંજની વેળાના લોકના,પશુ-પંખીના, રૂડાં-રૂપાળાં, કાળાં એવા રૂપ જોવાની અભિલાષા છે અને અહીં પણ તેમનાં આ કાવ્ય દ્વારા ગામડાં તરફનો લગાવ પ્રત્યક્ષ થાય છે.

‘તરણાં’ કાવ્યસંગ્રહમાં કવિએ સોરઠ દેશને અંજલિ આપી છે. એ જ રીતે ‘ગોરજ’ માં પણ સોરઠ દેશને ‘દુનિયામાં દૂજો નહીં’ એમ કહીને સોરઠ દુહાના લોકઢાળમાં જ સોરઠની ગરવી ગાથા ગાઈ છે. જેમ કે-
“સોરઠ સરવો દેશ મરમી, મીઠોને મરદ,
એવો દુહાગીર દરવેશ દુનિયામાં દૂજો નહિ.” દુનિયામાં દૂજો નહીં, ગોરજ- પૃ.૨૧)

આ સોરઠ, આ સૃષ્ટિમાં અનન્ય છે, સોરઠ સેજલ દેશ છે. હંમેશનો હેતાળુ છે, સોનલ દેશ છે અને વૈકુંઠથી પણ વિશેષ છે. કવિએ સોરઠને દૂધિયા, સુગરા, સતિયા અને કંવલા દેશ તરીકે અદ્વિતીય ગણાવ્યો છે. તેમાં સોરઠ પ્રત્યેની પ્રીતિ સાથે અતિશયોક્તિ છે જ, પરંતુ સોરઠ દેશની વિશેષતાઓને કવિ તારવી બતાવે છે. જેમ કે-
“સોરઠ સતિયો દેશ શેણી ! શેણી ! રણકતો
લાવે જોબત વેશ દુનિયામાં દૂજો નહિ.” (દુનિયામાં દૂજો નહીં, ગોરજ-પૃ.૨૧)

અહીં આ કાવ્યમાં મકરંદ દવેનો સોરઠ પ્રત્યેનો અનહદ સ્નેહ પ્રદિપ્ત થાય છે.

‘ઝાકળ વરસી’કાવ્યમાં કવિ ઝાકળથી સ્નેહસિક્ત થયેલી ગ્રામધરતીનું સુંદર વર્ણન કરે છે.
“કંઈ એવી ઝાકળ વરસી;
સ્નેહે સર્વ ઝંબોળી જાણે વસ્તુ સારી નરસી-
કંઈ એવી ઝાકળ વરસી!” (ઝાકળ વરસી, ગોરજ- પૃ.૧૦૭)

આ કાવ્યમાં પણ કવિશ્રીનો ગ્રામધરતી તરફનો લગાવ આહલાદક રીતે પ્રગટ થયેલો જોઈ શકાય છે. આગળ કવિએ ગામડાંમાં થતાં વરસાદનું ‘પ્રથમ મેઘ’ ના વર્ષામંગળનું પણ ગીત ગાયું છે અને તે પણ કેવી રીતે-
“આ પ્રથમ મેઘ મુદ મંગલ;
દૂર દૂર ઘનઘોર ઘટાથી ઘેરાયું દિગ્ મંડલ !
આ પ્રથમ મેઘ મુદ મંગલ” (પ્રથમ મેઘ, ગોરજ પૃ.૧૧૦)

અહીં કવિએ ગામડાંમાં થતો પહેલો વરસાદ અને તેના વાતાવરણથી થતી અસરો વગેરેનું મનભેર વર્ણન કર્યું છે અને તેમાં તેમનો પ્રકૃતિપ્રેમ પ્રગટ થાય છે.

‘ગોરજ ટાણે’ એ કાવ્ય‘ગોરજ’ સંગ્રહનું સુંદર પ્રકૃતિકાવ્ય છે પણ,તેમાં કવિને ગ્રામજીવનની, કૃષિજીવનની ભૂમિકા ઉપર જ સંધ્યાનું વર્ણન કર્યું છે. જે ગામડાંમાં જ શક્ય હોય કારણ કે આલીસાન મકાનોઅને ઉદ્યોગની ભરમાડમાં આ બધું શક્ય નથી. એ તો આપણે નીચેની પંક્તિઓ જોતાં જ અનુભવી શકીશું. જેમ કે-
“બારણે બેસી, નીરખું સાંજ-સવાર;
કોઈ ગોવાળનાં ગોધણ રૂડાં
આવે-જાય-અપાર
બારણે બેસી, નીરખું સાજ-સવાર” (ગોરજટાણે, ગોરજ પૃ.૧૬૬)

અહીં આખું વાતારવણ કવિએ જે કહ્યું છે તે ગામડાંનું દૃશ્ય છે. સાંજ-સવાર ગોવાળો પોતાના ઢોર-ઢાંકણને ચરવા માટે ખેતર કે સીમમાં નીકળે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. અહીં પણ કવિ ગામડાંની પ્રકૃતિના દર્શન કરાવે છે. જે કિરણોની ધેનુ, સાંજે ઊડતી રેણું, કોઈની વેણું, ઘંટડીના રણકાર વગેરેના વર્ણન દ્વારા ગોરજ ટાણાનું મધુરદૃશ્ય ખડું કર્યું છે. તેના પરથી અનુભવાય છે.

કેટલીકવાર મકરંદ દવે પોતાના ગામડાંના લોકો કે સ્નેહીજનો ઉપર પણ કલમ ચલાવી તેમનાં રેખાચિત્ર દોરી પોતાનો તેમના તરફનો પ્રેમ પણ કાવ્યો દ્વારા વ્યક્ત કરે છે. તેવું જ એક ‘ઢોલક હજુ બજાવે છે’ કાવ્યમાં દુખિયારી રંગુ વડારણનું રેખાચિત્રકેમેય ભૂલાય તેવું નથી.
“આ સૂની સૂની રાત મહી
કોઈ ઢોલક હજુ બજાવે છે,
ને ઉજ્જડપાના ફળિયામાં,
એ સૂતાં પ્રેત જગાવે છે.” (ઢોલક હજુ બજાવે છે, સંજ્ઞા પૃ.૧૫)

અહીં કવિએ રંગુ વડારણની થાપી, એના આલાપ, રાસ, મદમાતીછટા,મલકી રહેતાં હોઠ, છલકી રહેતો કંઠ, ને હલકી ઉઠતું ગામ તે સઘળું સુંદર શબ્દબદ્ધ કર્યુ છે. તે અંતે કહે છે-
“કહી દઉં એ કોનાં કામણ છે ?
રે! આમ તો સાવ અભાગણ છે,
દુખિયારી રંગુ વડારણ છે,
પણ ઢોલક પર એની થાપી
કેવો તો કેર મચાવે છે !-
આ સૂની સૂની રાત મહી, ઢોલક હજુ બજાવે છે.” (ઢોલક હજુ બજાવે છે, સંજ્ઞા પૃ.૧૬)

અહીં આ આખા કાવ્યમાં કવિએ ગામડાના લોકો અને તેમના જીવન અંગે તથા તેમના પ્રત્યેનો પોતાનો પ્રેમ‘શબ્દ’ દ્વારા વ્યક્ત કર્યો છે. જે શહેરોમાં કોઈ દિવસ ન જોવા મળતો પ્રેમ છે. આમ, અહીં મકરંદ દવેને ગામડા તરફ જ નહીં પણ તે ગામડાની પ્રકૃતિ, ધરતી તેમજ તેમાં જીવન જીવતા માણસો પ્રત્યે પણ તેટલો જ સ્નેહ અને ભાવ છે તે આ પંક્તિઓ દ્વારા વ્યક્ત થાય છે અને તેમાં પણ ગામડાંના લોકગીતોનો ઢાળ અને તેમની જ બોલીના લય અને લ્હેકાં સંભળાય છે. તો કેટલાંક કાવ્યોમાં કવિએ પોતાના શૈશવના મિત્રો અને પરિચિતોને કાવ્યાંજલિ અર્પી છે. એવા ગીતોમાં ‘મેંસના બુ’ અને ‘અભુ અંગારો’ ખાસ ધ્યાન ખેંચે છે. જે તેમના ગામડાના ગોંઠીયા મિત્રો કે સ્નેહીઓ સમાન છે તેમને પણ તેઓ પોતાના સર્જનમાં અંકિત કરી દે છે.

‘મેસના બુ’ એ કવિએ બાળપણમાં પોતાના વતનમાં જોયેલી‘મેસના બુ’ નામની ગાંડી આરબ કન્યાનું રેખાચિત્ર છે. આ રેખાચિત્રનો ઉઘાડ ચોંકાવી દે છે.
“લાવ રે ખંજર ! લાવ રે ખંજર, લાવ!,
હાહા- હીહી અધરાતે અટહાસ,
રુદનું ઘેરું, ઊડેરા નિઃશ્વાસ,
દોજખની કોઈ દુનિયા ખૂલી સાવ.” (મેસના’ બુ, સંગતિ પૃ.૬)

બાળપણના કવિ બાબુને ઊંઘમાં પણ મેસના’બુ ના શબ્દો સંભળાય છે અને તેમની ઊંઘ ઉડી જાય છે. કેવી હતી એ મેસના’ બુ.
“મેસના’ બુ- એ નામ સુણીને આજે
જાગે કેવી નયન ભરી !
બંદિની વિકરાળ કરુણતા નરી,
બેડી એની ખણક ખણક બાજે,
આરબની એ કન્યા પાગલ વેષે,
એકલી બેઠી અંધારે અસહાય,
હસે, રડે, ચીસ પાસે ને ગાય,
કાળા કાળા ઊઠતાં વંકડા કેશે.” (મેસના’ બુ, સંગતિ પૃ.૬)

આ મેસના’ બુને તેના બાપ પ્રત્યે ખુન્નસ છે. કેમ કે ‘મેસના’બુ પ્રેમી બ્રાહ્મણ ‘રામટપાલી’ નું તેનાં બાપે તેને છેતરીને છરી ઝીકીને ખૂન કર્યું હતું. તેથી તે તેનાં પ્રત્યે ઉશ્કેરાય છે અને બોલ્યા કરે છે. ‘લાવ રે ખંજરલાવ’કે ટૂંકીવાર્તા જેવું માર્મિક આ રેખાચિત્ર કાવ્યની પંક્તિઓ દ્વારા પ્રગટ થયું છે. તેમાં કવિની અનોખી શક્તિના આપણને દર્શન થાય છે.

‘અભુ રંગારો’ પણ એક આકર્ષક પ્રસંગચિત્ર છે. આ અભુ રંગારો એ કવિએ પોતાના ગામના બાળપણમાં જોયેલો મિત્ર છે. અભુ પોતે રંગારો છે, પણ તેનો પોતાનો તો એક જ રંગ છે. કેમ કે,એની પાછળ એક શાપકથા છે. અભુ રંગારો એવો સરસ રંગારો હતો કે ખુદ દેવ-માતાજી ખુદ અંબા તેની પાસે ચુંદડી રંગાવવા આવ્યાં હતાં,પરંતુ અભુ એક અપરાધ કરે બેઠો...
“રૂપ રૂપ રૂપનો નંઈ પાર,
મહક મહક પગલે મીઠી ગંધ,
ચરણે માને આંખો ઢાળવી મૂકી,
છેડો પકડી બેઠો અભુ અંધ !” (અભુ રંગારો, સંગતિ પૃ.૮)

માટે માતાજીએ અભુને શાપ આપ્યો અને રંગોની રેલમ- છેલ વચ્ચે અભુ કાળો ભઠ્ઠ- ભૂત જેવો થઈ ગયો. આ બંનેય કાવ્યો જોડે સરખાવાય તેવું મકરંદ દવેનું બીજું એક ગીત છે. ‘સાદડી વણનારીનું ગીત’ તે એક ગામડાંની શ્રમજીવી બાઇનું જીવનગીત છે.
“સાદડી વણતી જાઉને ભેળી,
વણું સુખનાં સોણાં,
જિંદગી આખી મરને મારે
કરમે લખ્યાં રોણાં.” (સાદડી વણનારીનું ગીત, સંગતિ, પૃ.૩૦)

આમ કવિશ્રી મકરંદ દવેએ ગામડાથી માંડી તેની ઝીણી ઝીણી બાબતોને પણ પોતાનાં કાવ્યોમાં એક યા બીજા પ્રકારે આલેખી પોતાના વતનપ્રેમની લાગણી વ્યક્ત કરી છે.

ક્યારેક મકરંદ દવે ગામડાંની સીમ-ખેતરને યાદ કરીને તેમાં જે મોલ (અનાજ) તૈયાર થાય છે તેને અનુલક્ષીને પણ કેટલાંક કાવ્યો લખેલાં છે. તેમાં નોંધપાત્ર તરીકે ‘ધાનનું ખેતર’એક સુંદર કૃષિ ગીત તરીકે પણ આહલાદક છે. તેમાં ગામડાની સીમ, તેનો સેઢો, વાતો પવન વગેરેની સાથે લહેરાતાં ધાનના ખેતરોનું અદ્દભૂત દૃશ્ય કવિએ કંડાર્યું છે. એ તો નીચેની પંક્તિઓ ઉપરથી જ માલૂમ પડે છે. જેમ કે,
“કાળા ભમ્મર મેઘની નીચે
લીલું મારું ધાનનું ખેતર” (ધાનનું ખેતર, સંગતિ પૃ.૯૭)

જેમ પ્રહલાદ પારેખ તેમજ જયંત પાઠકે અને રાજેન્દ્ર શાહે વતન-ગામડાંના મેઘ, ધરતી, સીમ, તળાવ, પ્રકૃતિ તેમજ ખેતરનાં ગીતો ગાયાં છે. તેવા ઉલ્લાસપૂર્વકના ગીતો મકરંદ દવેએ પણ ગાયાં છે. તેમાં તેમની ‘ગીત કવિ’ તરીકે પ્રતિભા અને સૂક્ષ્મ સમજનાં સચોટ દર્શન થયાં વગર રહી શકતા નથી. આગળ જતાં કવિ કહે છે કે,
“કાળા વાદળ કાલ તો જાશે,
લીલા મોલ આ સોનલા થાશે,
દાણે દાણે દૂધ ભરાશે,
સાદ પાડીને નોતરું સીમે
આવો, આવો, લાવર તેતર !” (ધાનનું ખેતર, સંગતિ, પૃ.૯૭)

અહીં ગામડાનાં પશુ-પંખી જેવા લાવર-તેતરને પણ પોતાની પંક્તિમાં આવકારે છે. કેટલીકવાર કવિ “મુને વહાલું” જેવા ગીતમાં કવિ ડુંગરના ધામની સાથે તળેટીના ગામને પણ ચાહે છે. તેથી ગામઠી જીવ પુકારી ઊઠે છે કે-
“મુંને વ્હાલું ડુંગરનું ધામ,
એવાં મને વ્હાલાં તળેટીને ગામ.” (મુને વ્હાલું, સંગતિ, પૃ.૧૨)

ઉમાશંકરે કહ્યું કે- “ભલે શૃંગો ઊંચા, અવની તળ વાસો મુજ રહો.” એમ મકરંદ દવે પણ તળેટી અને ગામ પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે. તો ક્યારેક કવિ કહે છે કે તેમના ગામનેકિનારે થઈને તેમનાં જીવનની નકામની નદી પણ વહી જાય છે. તેવું પોતાના એક ગીત ‘નકામની નદી’ માં જણાવે છે-
“કામમા ઊંચા ગામને તીરે એકલી મારી
વહેતી જાય નકામની નદી.” (નકામની નદી, અમલપિયાલી પૃ.૧૧૯)

અહીં ‘નદી’ ના પ્રતીક દ્વારા કવિની જીવનશૈલી નિરાલી છે તેનું આહવાન જોવા મળે છે.

આમ મકરંદ દવે જેમને ખોળે જન્મ્યા અને ઉછર્યા છે. જેનાં પરિવેશમાં પરિપક્વ થાય છે તેવા સોરઠ દેશને તેનાં સમગ્રતત્ત્વ સાથે તેમની કાવ્ય રચનામાં રજૂ કરે છે. સોરઠ પ્રત્યે, સોરઠી બોલી પ્રત્યે, અને સોરઠની પૌરાણિક, ઐતિહાસિક, દંતકથાકીય તેવી સૃષ્ટિ સાથે તેનાં સંતો સાથે અને સોરઠીભાષા, શૈલી, પ્રતીકાદિ, અલંકારણો સાથે તેમને લોહીનો નાતો છે. મુંબઈને પણ ‘બત્તીઓનું ખેતર’ કહી ઓળખાવે છે. આટલી તો તેમને પોતાની ધરતીની માયા છે. તેમની ધરતી જાણે કે તેમની કવિતાની ભૂમિકા છે ને તે ધરતીના સપૂત તે આ કવિ, તેમની કવિતા‘ધરતીનું લૂણ-લાવણ્ય’ સર્વત્ર દાખવે છે. જન્મભૂમિ સોરઠની સુવાસ મહેંકે છે ગામના રસ્તા, સીમ, ખેતર, ઘાસ,ગાડા, ધૂળ, ધણ, તળાવો, વન, પશુ-પંખી ગાયની ઘંટડી, સાંજનો સૂરજ,સાંજની વેળા, સવારનાં પ્રભાતબધુ તેમના અંતરમાં વસી ગયું છે અને તેથી તેઓ ગામડાંને ક્યારેય છોડી શકતા નથી. ક્યારેક કેટલાંક ગીતોમાં ક્યારેક કેટલાંક કાવ્યોમાં ઝવેરચંદ મેઘાણીની જેમ તેમનામાં લોકસાહિત્ય અને લોકગીતના પડઘા પડેલા જોવા મળે છે. કારણ કે મેઘાણીની જેમ સોરાષ્ટ્રના લૌકિક વાતાવરણમાં તેમનો પણ ઉછેર થયેલો છે. તેથી કાઠિયાવાડની ધીંગી ધરતીનાં ગીતો તેમની જીભને ટેરવે રમે છે અને પોતાનો માતૃપ્રેમ અદા કરે છે.

આમ ગામડાં પ્રત્યેનો પ્રેમ અને લગાવના ગીતોમાં મકરંદ દવેની કેટલીક પ્રતિભા દેખાઈ આવે છે. જેમ કે તેમની કાવ્યબાનીમાં પ્રહલાદ પારેખ અને બાલમુકુન્દ દવેની સરળ સાહજિકતા છે. તેમની ભાષામાં સોરઠી બોલીનાં સુંદર પ્રયોગો જેવા જણશું, લાલટબા, નીમ, ગાળિયું, મલખું વગેરે જોવા મળે છે. ‘ટેકરીનો નિરાસો’ જેવા ગીતમાં સુંદર સજીવારોપણ અલંકાર પણ યોજે છે. તો ‘ઢોલકહજુ બજાવે છે’ ગીતમાં તે અંતરામાં સરળતાથીપ્રાસાનુયુક્તિ શબ્દો મેળવે છે.-
“એ હોઠ રહે આછા મલકી,
એ કંઠ રહે આભે છલકી,
ને ગામ ઊઠે આખું હલકી,” (ઢોલક હજુ બજાવે છે, સંજ્ઞા પૃ.૧૬)

અહીં મલકી, છલકી,હલકી,વગેરે પ્રાસ મોટે ભાગે સાહજિક અને સરળ છે. તો ક્યારેક ‘ઝણ વાગે રે.’ જેવા ગીતમાં કેવા મનોહર પ્રતીકાત્મક ચિત્રો આંકે છે. જેમ કે,
“આઘેરા ગામની આંબલિયુંરે,
ઓ આંબલિયામાં ફોર્યા ફૂલ, મોરી સૈયર,
જૂનાં તે ગીતની ઝણ વાગે રે.” (ઝણ વાગે રે, અમલપિયાલી, પૃ.૧૩૨)

‘નકામની નદી’ ની કલ્પના તો મકરંદ દવે જ કરી શકે.
“કામના ઊંચા ગામને તીરે એકલી મારી
વહેતી જાય નકામની નદી.” (નકામની નદી, અમલપિયાલી પૃ.૧૧૯)

આવી આ કલ્પના કાંઈ જેવી તેવી નથી, આપણી સામે હાથ, ગામ અને નકામનું ચિત્ર પ્રત્યક્ષ થાય છે. તો ક્યારેક કવિએ ગ્રામજીવન, તેની સંસ્કૃતિ, તેની પ્રકૃતિ, ગામડાંના સ્વજનો, ગામડાંના મિત્રો, ગરીબ પાત્રોનાં ચિત્રો પણ ગીતો દ્વારા સારા પ્રમાણમાંઆપ્યાં છે. તે સર્વેમાં તેમનો ગામડા પ્રત્યેનો અનહદ નેહ જ પ્રગટ થાય તેવું સ્પષ્ટ જણાવી શકાય.આમ, અનુગાંધીયુગના અગ્રણી કવિ મકરંદ દવેની કવિતામાં પ્રગટતો વતનરાગ અને ગ્રામ્ય પ્રીતિનો ઉદ્દેક નોંધપાત્ર ગણાય.

પાદટીપ :
(૧) અમલપયાલી- સં. સુરેશ દલાલ (પૃ.૩)

સંદર્ભ પુસ્તકો :

  1. ત્રિવેદી આર. એમ., અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
  2. પટેલ પી. એન., મકરંદ દવે એક અધ્યયન
  3. સુરેશ દલાલ, અમલપીયાપિયાલી (સંપાદક)

ડૉ. નીલેશકુમાર ડી. મકવાણા, અધ્યક્ષ અને આસીસ્ટન્ટ પ્રોફેસર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, એન. એસ. પટેલ આર્ટ્સ કૉલેજ, આણંદ.