Included in the UGC-CARE list (Group B Sr. No 172)
રાજસ્થાની લોકવાઙમયના પ્રબુદ્ધ સાધક: વિજયદાન દેથા

ભારતના પશ્ચિમ ભૂ-ભાગમાં આવેલો મરુભૂમિ રાજસ્થાન પ્રદેશ તેની સંસ્કૃતિ અને લોકકળા માટે જગતભરમાં ખ્યાત છે. તેથી જ સિનેમા જગતે પણ મોટે પાયેઆ પ્રદેશના લોકસાહિત્યને ફિલ્મકળામાં રૂપાંતરિત કર્યું છે. આ રાજસ્થાની લોકસાહિત્યમાં કોમલ કોઠારી, રાણી લક્ષ્મીકુમારી ચૂંડાવત ઇત્યાદિ જેવા લોકસાહિત્ય વિદ લોકસાહિત્યના આજીવન ઉપાસક બિજ્જી ઉપનામથી ખ્યાત વિજયદાન દેથાની ભૂમિકા વિશિષ્ટ પ્રકારની રહી છે. આ પ્રબુદ્ધ લોકસાહિત્યવિદનો જન્મ રાજસ્થાનના જોધપુર જિલ્લાના બોરુંદા ગામમાં ૧ ડિસેમ્બર ૧૯૨૬ના દિવસેથયો.એમનો જન્મ જે કુળમાં થયો, એ ચારણ કુળમાં પેઢીઓથી કાવ્યની સુદૃઢ પરંપરા ચાલી આવી છે. દેથાના દાદા જુગતિદાનજી એમના સમયનાં ડિંગળ ભાષાના જાણીતા કવિ હતા. પિતા પણ ચારણી પરંપરાના પ્રશસ્ય કવિ હતા. તેથી સાહિત્યના સંસ્કારો દેથામાં પેઢીગત ઉતર્યા. ચાર વર્ષની નાની વયે પિતાશ્રી સબલદાન દેથાની છત્રછાયા ગુમાવેલી. દેથાએ પ્રાથમિક શિક્ષણ જૈતારણ(પાલી)માં લીધું. ઇન્ટર પાસ થયા પછી જોધપુરની જસવંત કોલેજમાંથી હિન્દી વિષય સાથે ઇ.સ. ૧૯૪૮માં બી.એ. અને ઇ.સ. ૧૯૪૯માં એમ.એ. પૂર્વાર્ધ સુધી અભ્યાસ કર્યો. આ સમયગાળા દરમિયાન જ સાયરકુંવરી સાથે તેમના લગ્ન થયા અને માતા સિરુકુંવારનું નિધન થયું અને વીસેક વર્ષની ઉમરે માતાની મમતા ગુમાવી.

વિદ્યાર્થી અવસ્થાથી જ વિજયદાને કાવ્યસર્જન આરંભેલું. ઇ.સ. ૧૯૪૭માં ‘ઉષા’નામે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો. એ વર્ષોમાં જ સાહિત્યિક પત્રકારત્વનો પણ આરંભ જોધપુરથી પ્રકાશિત ‘જ્વાળા’ નામના સાપ્તાહિકથી કરેલો, આ સાપ્તાહિકમાં તેઓ ગુપ્ત નામે ત્રણ કૉલમો લખતા. તેમણે ઇ.સ.૧૯૫૨ સુધી અવિરત કટાર લેખન કર્યું. આ સિવાય પણ એમણે ‘આગ’, ‘અંગારે’ અને ‘રિમાસતિ’ નામના સાપ્તાહિકોમાં લેખન કર્યું. અભ્યાસકાળ દરમિયાન જ વિજયદાન દેથાને કોમલ કોઠારી સાથે મિત્રતા બંધાઈ, તે પછી આજીવન મિત્રો રહ્યા અને સાથે મળીને અનેક સાહિત્યિક કાર્યો કર્યા. આપણાં નર્મદની જેમ, દેથાએ પણ ક્યારે ય નોકરી નહીં કરવી અને લેખન માધ્યમથી જ આજીવિકા ચલાવવાનો સંકલ્પ કરેલો. ઇ.સ. ૧૯૬૦માં બોરુંદા ખાતે રૂપાયન નામના લોકસંસ્કૃતિક અધ્યયન કેન્દ્રની સ્થાપના કરી, આ સંસ્થા દ્વારા જ દેશ વિદેશમાં તેમને ખ્યાતિ મળી. વિજયદાન દેથા શરદચંદ્ર ચેટરજી, ચેખવ અને રવીન્દ્રનાથ ટાગોર જેવા સાહિત્યકારોની રચનાઓ વાંચી વાર્તા લખવા પ્રેરાયેલા. આ સિવાય પ્રેમચંદ, જયશંકર પ્રસાદ, મહાદેવી વર્મા, મૈથિલીશરણ ગુપ્ત, ભગવતીચરણ વર્મા, અમૃતલાલ નાગરની રચનાઓનો પ્રભાવ અંત સુધી ઝીલ્યો. ગોર્કી, ટોલસ્ટોય, જોર્જ બર્નાર્ડ શૉ, હાવર્ડ ફાસ્ટ આ બધાને તેઓ સાહિત્યિક ગુરુ માનતા હતા.

વિજયદાન દેથાએ લોકસંસ્કૃતિના જ્ઞાતા તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી પણ એ ઉપરાંત કથાલેખક તરીકે અને પટકથાના આલેખક તરીકે મોટી ચાહના મેળવી.ઇ.સ. ૧૯૫૩થી લોકવિદ્યાના રાજસ્થાની વિદ્વાન કોમલ કોઠારી સાથે ‘પ્રેરણા’ માસિક શરૂ કરીને લેખક અને સહસંપાદક તરીકેની સેવાઓ આપી. રાજસ્થાની ચારણી સાહિત્યની ‘ચૌપાસની શોધ સંસ્થાન’ જોધપુરના જાણીતા સામયિક ‘પરંપરા’ના મહત્ત્વના ત્રણ અંકો પણ તેમણે સંપાદિત કરી આપ્યા. ‘રુપમ’ નામનું સામયિક પણ ચલાવેલું. ઇ.સ. ૧૯૬૦થી ઇ.સ. ૧૯૬૭ સુધી રાજસ્થાની ભાષામાં ‘વાણી’ નામનું માસિક ચલાવ્યું હતું. એ પછી ઇ.સ. ૧૯૬૮થી ઇ.સ. ૧૯૭૮ સુધી ‘લોકસંસ્કૃતિ’ નામે રાજસ્થાની-હિન્દીભાષામાં માસિક ચલાવ્યું. તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના ‘સમકાલીન ભારતીય સાહિત્ય’ સામયિકના અતિથિ સંપાદક પણ રહ્યા. ઇ.સ. ૨૦૦૫થી ‘લોકસંસ્કૃતિ’ સામયિકનું પુન:સંપાદન કર્યું અને મૃત્યુ પર્યંત કાર્ય સંભાળ્યું. દેથાને રાજસ્થાની લોકસાહિત્ય, કહેવતો-રૂઢિપ્રયોગોના કાર્યથી ખૂબ ખ્યાતિ મળી. સામયિક સંપાદનમાં પણ તેમનું નિબંધ લેખન સમાંતરે થતું રહેલું. ‘સાહિત્ય અને સમાજ’(૧૯૫૬) ‘રૂખ’ (૧૯૮૭) ‘મેરો દરદ ન જાણે કોઈ’ (૧૯૯૮) નિબંધોમાંથી લોકસંસ્કૃતિનો ધબકાર અનુભવાય છે. તેઓ અનેક પુરસ્કારો અને સન્માનથી વિભૂષિત થયા. ઇ.સ. ૨૦૧૧માં કાગ એવોર્ડ મળ્યાં બાદ થોડા સમયમાં નોબલ પારિતોષિક માટે પણ તેમના નામની પસંદગી કરવામાં આવેલી. એ પછીના વર્ષે એમને ઇ.સ. ૨૦૧૨માં રાજસ્થાન રત્ન એવોર્ડ પ્રદાન થયેલો, ઇ.સ. ૧૯૭૪નો સાહિત્ય અકાદમી દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર તેમના લોકકથા સંચય ‘બાંતા રી ફૂલવાડી’ ભાગ-૧૦ને મળેલો. રાજસ્થાની ભાષાના સાહિત્ય માટે આ પ્રથમ પુરસ્કાર વિજયદાન દેથાથી આરંભાયેલો. ‘ભારતીય ભાષાભવન’ કલકતા તરફથી પણ એમને સન્માનિત કરાયેલા. ઇ.સ. ૧૯૯૬માં મરુધરા પુરસ્કાર, કે. કે. બીરલા ફાઉન્ડેશન તરફથી બિહારી પુરસ્કાર, આકાશવાણી તથા દૂરદર્શન તરફથી સર્વોચ્ચ સન્માનરૂપ ફેલોશિપ પ્રાપ્ત થયેલી. ઇ.સ.૨૦૦૫માં મહારાણા કુંભા પુરસ્કાર અને ઇ.સ. ૨૦૦૬માં કથા પ્રતિષ્ઠાન તરફથી ‘કથા ચૂંડામણિ’નો સર્વોચ્ચ પુરસ્કાર એમને અર્પણ થયેલો. ઇ.સ. ૨૦૦૭માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી વિભૂષિત કરવામાં આવેલા. તે પછી ઇ.સ. ૨૦૧૦માં કોરિયાના રાજદૂતવાસ તરફથી ટાગોર સાહિત્ય પુરસ્કાર પણ અર્પણ થયો. આ લોકસાહિત્યવિદે કલાની પરખ-સૂઝને અને કૌશલ્યને કેવી રીતે કળામર્મિઓ કે ભાવકો સુધી સંક્રમિત કરી શકાય એનું ઉજળું દૃષ્ટાંત આપ્યુ છે. દેથાએ રાજસ્થાની લોક-કથાની સમૃદ્ધ શ્રુત-પરંપરાને લિપિબદ્ધ તો કરી જ છે સાથે સાથે લોકજીવનમાં સદીઓથી સતત પ્રવાહમાન કથાસૂત્રોને આધુનિકરૂપમાં મૂકી આપી, એની વ્યાપ્તિને વિશાળ આયામ આપી તથા એમાના નિહિત સંદેશને સંવેદનાત્મક વિસ્તારથી મૂકી આપ્યા છે. દેથાના ધૈર્ય, પ્રવિધિ અને કલ્પનશીલતાએ એમને એક નોખા લોકકથાકારના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યા. આવું વિશિષ્ટ કાર્યમહદઅંશે ભારતીય ભાષાના કોઈ સર્જકે કર્યું હશે. એમનું આ સંશોધનકાર્ય એટલુ ઐતિહાસિક અને અપૂર્વ છે કે, એ એક ભાષા, એક સભ્યતા, કેટલીક સંસ્કૃતિઓ અને એક સંપૂર્ણ જાગૃતસમાજની ચિન્તનધારાનું દર્શન કરાવનારું છે. દેથાએ જે કામ કર્યું એનો પરિચય પણ એટલો જ વિસ્તૃત છે કે એને સંપૂર્ણ રીતે મૂકી આપવા ઘણો પરિશ્રમ માંગી લે. દેથાએ ‘બાતાં રી ફુલવાડી’ ભાગ-૧૪, ‘રાજસ્થાની- હિન્દી કહાવત કોશ’ ભાગ-૮ જેવી ગ્રંથમાળાઓમાં કથા-વાર્તાઓ આપી છે. આમ, દેથાએ સરળતામાં છુપાયેલી ગહનતાને અનાવૃત કરવામાં પોતાનું પૂરું જીવન અર્પી દીધું. દેથાનું બીજું મહત્ત્વનું કામ એ ‘રાજસ્થાની લોકગીત’ ભાગ ૧ થી ૬ સંપાદન છે. જોધપુરની નાટક મંડળી ઇ.સ. ૧૯૫૮માં તેને પ્રકાશિત કરેલા. તેમાં એક હજારથી પણ વધારે ગીતો જે રાજસ્થાની સંસ્કૃતિનો દસ્તાવેજ ગણાય છે. આ કાર્યથી વિજયદાન દેથા રાજસ્થાની લોકસાહિત્યના વિદ્વાન અભ્યાસી તરીકે પ્રસિદ્ધ થયા.

રાજસ્થાનની માટીની લોકકથાઓ અને વિજયદાન દેથાની કલમને એક એવો સંયોગ સંધાયો છે કે, આધુનિક રાજસ્થાની ગદ્ય-સાહિત્યમાં ગુણાત્મક પરિવર્તનની ભૂમિકાના સંદર્ભે અભ્યાસ થાય છે. એમની વિશિષ્ટ શૈલી, ભાષા અને માનવીય વ્યવહારોના ગહન અધ્યયન, એમની ક્ષમતાએ રાજસ્થાની લોકકથાઓને નવો આયામ આપ્યો છે. રાજસ્થાની ચારણ-સમાજની સાંસ્કૃતિક અને સામૂહિક અનુભૂતિ લોકકથાઓની મૌખિક પરંપરાનો હિસ્સો રહી છે, એ વાણી માન્યતાઓને દેથાએ સાહિત્યિક અભિવ્યંજનાનાં રૂપમાં મૂકી. વાસ્તવમાં મુખ્યત્વે લોકકથાઓ હંમેશા જૂઠ સામે સત્યની જીત, ક્રૂરતા પર દયાભાવ, અને મૃત્યુ પર જીવનના આનંદના વિજયની જ વાત જોવા મળે છે. દેથાએ પોતાની સર્જનાત્મક પ્રતિભા દ્વારા લોકકથાઓનું એવી રીતે રૂપાંતરણ કર્યું છે કે, પ્રત્યેક કથા જૂની હોવા છતાં પણ નવી લાગે છે અને વ્યક્તિની મનોવિજ્ઞાનિક સ્થિતિ અને આંતરદ્વંદ્વને અભિવ્યક્ત કરે છે.

વસ્તુત: કથાઓને વાંચતી વખતે અથવા સાંભળતી વખતે એક ક્ષણે એવું નથી અનુભવાતું કે લેખકે લોકકથાઓ ના કોઈ રૂપમાં પરીવર્તન કરીને કશું નવું આપવાનો પ્રયાસ કર્યો હોય. કથનની સહજ ગતિ, એનો પોતાનો સહજ વિવેક, એનું ઉદેશ્ય એ બધુ તો એની જગ્યાએ હંમેશા છે માત્ર સંવાદ અને પાત્રને એ અચેતન કરીને અત્યંત સ્વાભાવિક રૂપથી એક એવી નિયંત્રિત માનસિક દશાનું સર્જન કરે છે અને સ્થૂળને સૂક્ષ્મ બનાવતા, અચાનક મૃત્યુ કે સ્થાન પર જીવનનો સંદેશ આપે છે. આમ, દેથાએ લોકકથાના એના એજ તત્વોમાં કેટલાક રંગો ભરવાની દિશામાં કામ કર્યું છે. પરંપરાથી પ્રાપ્ત કથાઓમાં પોતાના કલેવરમાં વિચારોના રંગ હાજર અવશ્ય છે પણ એ ઘટનાની અલૌકિકતાની વચ્ચે સ્પષ્ટપણે છુપાયેલો રહી જાય છે. સફળ લેખક દેથાએ એ બધા સુંદર અંકુરોને ઓળખી લઈ પોતાની કલ્પનાઓથી એને સિંચવાનો પ્રયાસ કર્યો છે. દેથાનો ખરો પરિચય એ તેમનું સાહિત્ય સર્જન છે. તેમણે લોકજીવનથી લખવાનું ચાલુ કરતાં ગ્રામીણ પરિવેશ, લોકોની ગરીબી, પીડા, દુ:ખ-દર્દ, પર્વો-તહેવારોને પોતાના સર્જનનો વિષય બનાવ્યો.

આર્થિક સંકટ, વિભિન્ન વેદનાઓ અને માર્મિક વ્યથાઓ અને પ્રતિકૂલ પરિસ્થિઓ હોવા છતાં વિજયદાન દેથા બહુમુખી પ્રતિભા ધરાવતા સાહિત્યકાર હતા. પરંતુ દેથાની સૌથી મોટી સમસ્યા એ હતી કે રાજસ્થાની સાહિત્યકારો એ જ તેમણે જાકારો આપી દીધો હતો, તેનો ઉલ્લેખ એમના પુત્ર કૈલાશ કબીરે કર્યો છે કે, બિજ્જીની સાથે વિડંબના એ રહી કે, ‘એમના પોતા રાજસ્થાનમાં કેટલાક સાહિત્યકારો એ એમને લેખક જ ન ગણ્યા.’ પરંતુ તેમની હિન્દી સાહિત્યજગતે પ્રસંશા કરી પછી તેમની ખ્યાતિ વધી.

વિજયદાન દેથાએ લખવાની શરૂઆત કવિતાથી કરેલી પણ તેમાં ફાવ્યું નહી અને ગદ્ય તરફ વળ્યા. હિન્દીભાષા સાથે પણ ખાસ ન ફાવ્યું. ઇ.સ. ૧૯૫૮માં હિન્દીને ત્યજી અને રાજસ્થાનીમાં જ લખવાનો સંકલ્પ કર્યો. દેથાના સમયમાં રાજસ્થાનીમાં સાહિત્ય લખવું એ આત્મહત્યા સમાન હતું. કારણ કે નેવું ટકા લોકો સાહિત્યને નિરર્થક માનતા હતા. છતાં પીછે હટ કર્યા વિના રાજસ્થાનીમાં જ સર્જન કરતાં રહ્યા અને વિશ્વભરમાં નામના પણ મેળવી. તેઓ જોધપુરના હસ્તી શાહ ગોવર્ધન લાલજી કબરા પાસેથી પ્રેરાયા અને પોતાના ગામમાં જઈ ‘રૂપાયન સંસ્થા’ સ્થાપી. વૃદ્ધો, સ્ત્રી-પુરૂષોને મળી લોકકથાઓ, લોકગીતો, કહેવતો ભેગી કરી અને પોતાની સર્જનાત્મકતા ઉમેરી યોગ્ય ઓપ આપ્યો. જે લોકસાહિત્ય વિષયક સંશોધન અને સંપાદિત સામગ્રી ‘વાણી’(૧૯૮૭) અને ‘લોક સંસ્કૃતિ’(૧૯૬૮) સામયિકોમાં પ્રકાશિત થઈ અને તે સામગ્રી પુસ્તકરૂપે પ્રકાશિત થઈ.તેમણે રાજસ્થાની ભાષામાં ‘બાતાં રી ફૂલવાડી’ના ૧૪ ભાગમાં૪૦૦ જેટલી લોકવાર્તાઓ આપી છે. આ ફૂલવાડીને વાતોનો સંગ્રહ કહેવાય છે, કેમ કે લોકજીવનની મૌખિક વાતોને જ દેથાએ લિપિબદ્ધ કરી છે. એને દંતકથાઓ પણ કહી શકાય. દાદા-દાદીની વાર્તાઓને સાંભળી-સમજી અને એમની જ ભાષામાં ઓળખ આપવી. આમ બાતાં રી ફૂલવાડીના બધા ભાગમાં લોકકથાઓનું સંકલન કરવમાં આવ્યું છે. એમાં લોકજીવનની યથાર્થ ચેતના વણી કલ્પનાઓ અને અનુભૂતિઓનું ચિત્રણ થયું છે. દેથાએ લોકકથાઓને ભલે લિપિબદ્ધ કરી પણ આજે ય મૌખિક પરંપરાની સૌરભ છે. ‘બાતાં રી ફૂલવાડી’ની બધી વાર્તાઓ પ્રત્યક્ષ પરોક્ષ રીતે એક બીજા સાથે જોડાયેલી છે તેમાં લોક માનસની અંતર વ્યાપ્તિ છે. આ બધી વાર્તાઓનું વર્ણન સ્વાભાવિક લાગે છે.‘બાતાં રી ફૂલવાડી’ના માધ્યમથી દેથાએ ગ્રામીણ સમાજની લોકકથાઓને સંગ્રહિત કરી વર્તમાન સામાજિક મૂલ્યો અને સ્થિતિઓનું મૂલ્યાંકન કર્યું છે. ‘બાતાં રી ફૂલવાડી’માં પ્રકાશિત થયેલી લોકવાર્તાઓવિજયદાન દેથાનું જન્મ સ્થાન બોરુંદાની છે. ‘બાતાં રી ફૂલવાડી’ના દસમા ભાગનો હિન્દી ભાષામાં અનુદાન શ્રી કૈલાશ કબીરે કર્યો.

તે પછી વિજયદાન દેથા પાસેથી‘દુવિધા’(૧૯૭૬) વાર્તાસંગ્રહપ્રાપ્ત થાય છે. જેમાં ‘દુવિધા’ જેવી મહત્ત્વની વાર્તા છે. આ વાર્તા પરથી અમોલ પોલકરે ‘પહેલી’ નામની ફિલ્મ પણ બનાવી જે ભારત ઉપરાંત અમેરિકા, ઈંગ્લેન્ડ, યુરોપ અને અરેબિયન દેશોમાં પણ ઘણી વખણાઇ જેનાથી દેથાને સમગ્ર દેશ અને વિદેશમાં પણ ખ્યાતિ મળી. આ સંગ્રહમાં ‘ફિતરતી ચોર’,દીવાલે કી બપૌતી’,‘બડા કોણ’,‘કરની જૈસી ભરની’ વગેરે વાર્તાઓ સંકલિત છે. આ વાર્તાઓનો ઉદેશ સજ્જન સાથે સજ્જન અને ખરાબ સાથે ખરાબ અર્થાત જેવી કરની એવી ભરણીનો છે.

ઇ.સ. ૧૯૯૮માં પ્રકાશિત ‘સપનપ્રિયા’ વાર્તાસંગ્રહની વાર્તાઓ થોડી જુદી પ્રકારની છે. ‘પરિક્રમા’, ‘સપના’, ‘આસીસ’, ‘ગિરવી જોબન’, ‘ગરજ બાવરી’, ‘નગીનો કી ખેતી’, ‘માયાજાલ’ જેવી વાર્તાઓમાં લોકજીવનની ગહન ઊંડાઈ જોવા મળે છે. ‘ઉલઝન’ (૧૯૮૨) વાર્તાસંગ્રહમાં ‘તૃણ ભારત’, ‘ઇસ્તિફા’, ‘જૂઠી આસ’, ‘નાહરગઢ’, ‘આદમખોર’, ‘નિગરાની’, ‘અધિકારી’ વગેરે વાર્તાઓ છે. આ વાર્તામાં દેથાએ વનમાનુષમાંથી માનુષ બનવાની વાતનું ચિત્રણ કર્યું છે. બધી વાર્તાઓ મધ્યયુગીન સામન્તી માન-મૂલ્ય, ધર્મ,ન્યાય, ઈશ્વર, સત્ય, સ્ત્રી-પુરુષ સંબંધોમાં ઉત્પન્ન થતી વિકૃતિયો,આડંબરો પરની તીખાસની સાથે સાથે ચોટ આપનારી છે. ‘દોહરી જીન્દગી’ વાર્તાસંગ્રહમાં સામન્તી વ્યવસ્થાના ખોખરાપણાને ઉજાગર કરટી વાર્તાઓ સાથે સામાજિક કુરીવાજો, નારીની સમસ્યાઓ તરફનો સંકેત પણ જોવા મળે છે. ઇ.સ. ૨૦૦૨માં પ્રકાશિત થયેલા ‘લજવંતી’ વાર્તાસંગ્રહમાં ‘રૈનાદે કા રૂસના’, ‘સાવચેતી’, ‘કેંચુલી’, ‘લજવંતી’ વગેરે વાર્તાઓ સંગ્રહાયેલી છે. ‘લજવંતી’માં નારી સમાજની વિદ્રૂપતાઓ અને સ્વચ્છંદતા પર વ્યંગ કરવામાં આવ્યો છે. જે નારી સતી સાવિત્રી અને પતિવ્રતા, લજ્જાશીલ હોવાનો ઢોંગ કરે છે એવી સ્ત્રીઓ સંપૂર્ણ નારી સમાજ માટે કલંક છે. ‘લજવંતી’ વાર્તા દ્વારા એ વાત મુકાઇ છે. ‘ઉજાલે કે મુસાહિબ’ વાર્તાસંગ્રહમાં ‘જંજાલ’, ‘આશા અમરધન’, ‘સમાધાન’, ‘જાપ કી મહિમા’, ‘રોટી કી બાત’, ‘હિમસમાધિ’ જેવી વાર્તાઓ છે જેમાં ‘ઉજાલે કે મુસાહિબ’ વાર્તા મહત્ત્વની છે તેમાં દેથા અજ્ઞાનતાનો ત્યાગ કરી જ્ઞાનનો રસ્તો અપનાવવો એજ શ્રેયકર છે એની વાત કરે છે. ‘અલેખું હિટલર’(૧૯૮૪)વાર્તા વિજયદાન દેથાની ખૂબ પ્રસશ્ય છે, જેમાં સમાંતવાદની પશુતા રજૂ થઈ છે, જે વર્ગ કોઈને પોતાનાથી આગળ વધતો જોઈ એના પ્રયાસને કચડી નાખે છે એવા વર્ગની વાત‘અલેખું હિટલર’માં આવે છે. હિટલર મરી ગયો હોવા છતાં એવા ઘણાં હિટલરો હજી જીવે છે કે, જે આખા સમાજને ચલાવે છે. આ ઉપરાંત ‘ત્રિવેણી’માં પણ ‘તીડૌ રાવ’(૧૯૬૫), ‘ઇન્સ્ટુખા’, ‘ભગવાન કી મૌત’ એમ ત્રણ કથાઓ છે, ૨૦૦૨માં પ્રકાશિત‘માં ‘રૌ બદલો:પ્રતિશોધ’ લોકાખ્યાન પર આધારિત છે. જેમાં દેથાની સંવેદનાઓ અનેક આયમોને સ્પર્શી મનુષ્યના સત્ય, શૌર્ય અને શુભેચ્છાની જયગાથા બની છે. આ ઉપરાંત નાટયકાર હબીબ તનવીરનું ‘ચરનદાસ ચોર’ દિગ્દર્શન ખુબજ પ્રખ્યાત છે. ૧૯૭૩માં શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત ‘ચરનદાસ ચોર’ ફિલ્મ પણ કલાત્મક છે. તે પછી તેમની વાર્તા પરથી પ્રકાશ ઝાએ ‘પરિણતિ’ ફિલ્મ બનાવેલી. એમની કથાઓ પરથી બનેલી ફિલ્મ કે નાટકો એમના વિવિધ માનવ ભાવોથી સભર કથાનક હોવાને કારણે –સંઘર્ષપૂર્ણ સંવાદોને કારણે ભાવકને આકર્ષે છે.

‘બાંતા રી ફૂલવાડી’ અને લોકગીતોનાં સંપાદન પછી વિજયદાન દેથાનું લોકસાહિત્યક્ષેત્રનું વધુ એક વિશિષ્ટ પ્રદાન ‘રાજસ્થાની હિન્દી કહેવતકોશ’ ભાગ ૧ થી ૮ છે. આ બૃહદ કોશમાં રાજસ્થાની કહેવતોના હિન્દી અર્થો, એની કથાઓ, સાંસ્કૃતિક સંકેતો છે. એને આધારે ૨૦૧૧માં કહેવત કથાઓ નું પણ સંપાદન થયું. બીજું નોંધપાત્ર કામ સચિત્ર બાલકથાઓનું સંપાદન છે. જેમાં ‘અનોખા પેડ’(૧૯૬૦), ‘કબ્બુરાણી’ એમ બે સંગ્રહો છે. આમ, વિજયદાન દેથાએ કવિતાઓ, નિબંધ, લોકવાર્તાઓ, આદીની રચનાઓ કરી છે. તેઓ પત્રકારિતામાં પણ જોડાયા અને સફળ થયા. તેઓ ‘રૂપાયન સંસ્થા’ બોરુંદામાં જ આજીવન રહ્યા. લોકસંસ્કૃતિના આજીવન ઉપાસક વિજયદાન દેથાનુ રાજસ્થાની લોકસાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન રહ્યું, આ ભારતીય લોકસાહિત્યના તજજ્ઞે ૧૦-૧૧-૨૦૧૩ના દિવસે આપણી વચ્ચેથી સ્થૂલરૂપે વિદાય લીધી.

આધાર ગ્રંથ સૂચિ

  1. બાંતા રી ફૂલવાડી, ભાગ- 10(હિન્દી અનુ. કૈલાશ કબીર)સાહિત્ય આકાદેમી, દિલ્હી,1992
  2. બાંતા રી ફૂલવાડી, ભાગ- 1થી 14, દેથા વિજયદાન,રૂપાયન સંસ્થાન, બોરુંદા, રાજસ્થાન
  3. દુવિધા (હિન્દી અનુ. કૈલાશ કબીર), સારાંશ પ્રકાશન, દિલ્હી, 1992
  4. લજવંતી, (હિન્દી અનુ. કૈલાશ કબીર), વાગ્દેવી પ્રકાશન, બીકાનેર, 2001
  5. પ્રતિશોધ, (હિન્દી અનુ. કૈલાશ કબીર), વાણી પ્રકાશન, દિલ્હી, 2002
  6. રાજસ્થાની હિન્દી કહાવત કોશ (8 ભાગ), સબલ પ્રકાશન, બોરુંદા, રાજસ્થાન, 2001
  7. ગીતો કી ફૂલવાડી, (હિન્દી અનુ. કૈલાશ કબીર),સાહિત્ય આકાદેમી, દિલ્હી, 2003
  8. સપનપ્રિયા, દેથા વિજયદાન,ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હી, 1998
  9. અનોખા પેડ (બાલ કથાઓ), દેથા વિજયદાન,રૂપાયન સંસ્થાન, બોરુંદા, 1968
  10. કહાવતી કથાએ, દેથા વિજયદાન,રાજસ્થાની ગ્રન્થાગાર, જોધપુર, 2017

પ્રવીણ વણકર, શોધછાત્ર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, માનવવિદ્યા ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ -388120. MO: 7984460991 pravinnipun0609@gmail.com