Included in the UGC-CARE list (Group B Sr. No 172)
એક રાત્રિની રહસ્યમય ઘટના એટલે ‘ગ્રહણરાત્રી’

ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ મોહમ્મદ વલીભાઈ માંકડ લોકપ્રિય નવાકથાકાર તરીકે જાણીતા છે. તેમની પાસેથી ‘કાયર’ (૧૯૬૫), ‘બે ખરાબ જણ’ (૧૯૬૮), ‘ગ્રહણરાત્રી’(૧૯૭૧), ‘બંધનગર’ (૧૯૮૬), ‘અશ્વદોડ’ (૧૯૯૩) જેવી અનેક નવલકથાઓ પ્રાપ્ત થાય છે. નવલકથાઓ ઉપરાંત વાર્તા, નિબંધ, બાળવાર્તા, અને અનુવાદ પણ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. તેમણે ગુજરાત સમાચારમાં ‘કેલિડોસ્કોપ’ નામની લોકપ્રિય કોલમ ઘણાં વર્ષો સુધી ચલાવી હતી. મોહમ્મદ માંકડ લોકપ્રિય નવલકથાના સર્જક તરીકે ગુજરાતી વાચકવર્ગમાં ખૂબ પ્રિય છે. ધારાવાહી નવલકથા રૂપે વર્તમાન પત્રોમાં પ્રગટ થતી એમની નવલકથાઓએ વાચકવર્ગમાં ખૂબ આકર્ષણ લગાડ્યું હતું એનું મુખ્ય કારણ એમની કથાઓ રહસ્યકથાઓ હોય છે. એક પછી એક રહસ્ય કૃતિમાં ઊભા કરી, વાચકનું કુતૂહલ જાળવી રાખવામાં તેઓ કુશળ છે. ૧૯૭૧માં પ્રગટ થયેલી ‘ગ્રહણરાત્રી’ પણ આ કારણે જ લોકપ્રિય નવલકથા બની રહે છે.

નવલકથાનું શીર્ષક છે ‘ગ્રહણરાત્રી’. આપણે સૂર્યગ્રહણ તથા ચંદ્રગ્રહણ વિશે ઘણું સાંભળ્યું છે. દિવસ દરમિયાન થતા ગ્રહણને સૂર્યગ્રહણ અને રાત્રીના સમયે થતા ગ્રહણને આપણે ચંદ્રગ્રહણ તરીકે ઓળખીએ છીએ. નવલકથાના શીર્ષકમાં સ્પષ્ટ છે કે એમાં રાત્રિના સમયની કથા છે. ખગોળવિજ્ઞાન અનુસાર જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી એ રીતે આવી જાય કે ચંદ્રનો પુરો અથવા આંશિક ભાગ પૃથ્વીના પડછાયામાં ઢંકાઈ જાય છે અને સૂર્યના કિરણો ચંદ્ર સુધી પહોંચતા નથી. કંઇક એવી જ રીતે એક રાત્રીએ કિસનના અસ્તિત્વની આડે પણ કોઈ આવી ગયું હોય એમ લાગે છે. તે નંદલાલનું ખૂન ન કરવાનું નક્કી કરે છે પણ એક નબળી ક્ષણે તેનો એ નિશ્ચય ડગમગે છે ને તે નંદલાલને ગોળી મારે છે. એ નબળી ક્ષણ કિસનના જીવનમાં ઘણી ઊથલપાથલ મચાવે છે. ચંદ્રની આડેથી પૃથ્વી ખસી જાય એટલે ચંદ્રની સુંદરતાને આપણે માણી શકીએ છીએ કંઇક એવી જ રીતે તેના જીવનમાં આવેલી નબળી ક્ષણનો અંત આવવાથી તેનું સાચું સ્વરૂપ જોવા મળે છે. અને એ રીતે નવલકથાનું શીર્ષક ઘણું મહત્ત્વનું છે.

લોકપ્રિય સાહિત્ય એટલે લોકોમાં પ્રિય એવું સાહિત્ય. એમાં રહસ્ય, ખૂન, બલાત્કાર, આત્મહત્યા, મારામારી, ચોરી, લૂંટફાટ, કાવતરા-ષડયંત્ર, પ્રેમ, અપહરણ, ખુલ્લા જાતીય વર્ણનો, સાહસભર્યાં કાર્યોં જેવાં તત્ત્વો દ્વારા પ્રસંગને મસાલેદાર બનાવવામાં આવે છે, જે વાચકને ઉત્તેજે છે, કુતૂહલ જગાડે છે અને નવલકથાને અંતે રહસ્ય પરથી પડદો ઊઠે ત્યારે તૃપ્તિનો અનુભવ કરાવે છે. લોકપ્રિય નવલકથાનું મુખ્ય લક્ષણ છે એક પછી એક ઘટતી રહસ્યમય ઘટનાઓ. આ નવલકથાના શીર્ષકથી માંડી તેના અંત સુધી અનેક નાના-મોટા રહસ્યમય પ્રસંગો જોવા મળે છે. પરંતુ તરત જ રહસ્યોદ્ઘાટન થાય છે ત્યારે આપણને લેખકની ઉતાવળ પર ગુસ્સો આવે એમ બની શકે. લોકપ્રિય સાહિત્યમાં તરત જ કોઈ રહસ્ય છતું ન થઇ જાય એની લેખકે તકેદારી રાખવી પડે છે. વાચકના મનમાં એક નહીં પણ અનેક પ્રશ્નો ઊભા થવા જોઇએ, વાચકની ઉત્કંઠાની પરાકાષ્ઠા ન આવે ત્યાં સુધી તેને મૂંઝવણમાં રાખવો જોઇએ, ઉકેલ ન આપવો જોઈએ. મોહમ્મદ માંકડ પ્રશ્નો તો ઊભા કરે છે પણ તરત જ તેના જવાબોય આપી દે છે. નવલકથા વાંચતા ભાવકના મનમાં જે પ્રશ્નો ઉદ્ભવે છે એ જોઈએ :
કિસન કોણ છે ?
તે શા માટે નંદલાલને મારવા માંગે છે ?
ખંડેરનું શું રહસ્ય છે ?
જીલુ ખાચર અને નંદલાલ વચ્ચે શું સંબંધ હતો ?
વાસ્કુર સાચો હતો કે ખોટો ?
અંતુએ કયા કારણોસર નંદલાલને મારવા છરી ઉગામી હતી ?
અંતુ વર્ષો પછી કઈ વાતનો ફેંસલો કરવા ઘરે પાછો આવે છે ?
નંદલાલ રાજગઢ જઈ શું જાણી આવે છે ?
અંતુએ વર્ષો પછી પાછા આવીને એવું તે શું પરાક્રમ કર્યું કે નંદલાલને નાક કપાયું હોય એમ લાગે છે ?
વરસાદી રાત્રે રૂપાએ એવું તે શું જોયું કે તેનાથી ચીસ પડાઈ ગઈ ?
અંતુ જમૈયો લઈને ફેંસલો કરવા ગયો હતો પણ એ કોને જોઈને પાછો આવતો રહે છે ?
અંધારી રાતે જગદીશ કોને જોઈને ડઘાઈ જાય છે ?
મનસુખ શા કારણે ડરી જાય છે ?
ફોજદાર ફતેસિંહે કઈ ભૂલ કરી હતી ?

આવા અનેક રહસ્યમય બનાવો બનતા જાય છે ને એના પરથી તરત જ પડદા હટતા જાય છે. જો નવલકથામાં તરત જ રહસ્યસ્ફોટ થઈ જાય તો વાંચવાની મજા ઓછી આવે, ને એટલે લેખકે બે એવા રહસ્યોને નવલકથાના અંત સુધી અકબંધ રાખીને પોતાની લોકપ્રિય નવલકથાકાર તરીકેની વિશિષ્ટતા સાબિત કરી છે. આ બે રહસ્યો આ પ્રમાણે છે :
(૧) શું કિસને એના પિતાને નંદલાલનું ખૂન કરવાનું વચન આપ્યું હતું ?
(૨) શું ખરેખર નંદલાલ ગોળી વાગ્યા પહેલાં જ મૃત્યુ પામ્યો હતો ? તેને કેવી રીતે મારવામાં આવ્યો હતો ? જો
કિસનની ગોળીથી એનું મૃત્યુ થયું ન હોય તો કોણે માર્યો હતો ?

આ બે રહસ્યો નવલકથાને અંતે જ ઉઘડે છે. વળી બીજા બે એવાં રહસ્યો પણ છે જેનો જવાબ વાચકને તો મળી જાય છે પણ ગામલોકો માટે તે અનુત્તર બની રહે છે :
(૧) કિસન નંદલાલને ત્યાં નોકરી કરવા શું કામ રહ્યો હતો ? અને
(૨) નંદલાલે જીલુ ખાચર સાથેના બધા કેસ કેમ માંડી વાળ્યા ?

નવલકથા પૂરી થાય છે પણ ગામલોકોને આ બે પ્રશ્નોના જવાબ મળતા નથી. અને એ રીતે લેખકે નવલકથાને રહસ્યમય બનાવી છે. જોકે લેખકથી એક મોટી ચૂક થઈ ગઈ છે. તેમની સામે એક એવું રહસ્ય હતું જે નવલકથાની શરૂઆતમાં જ આવી જાય છે અને તે છે કિસનનું પાત્ર. જો લેખકે આ પાત્રનું રહસ્ય નવલકથાના અંત સુધી જાળવી રાખ્યું હોત તો નવલકથા વધુ પ્રભાવક બની શકી હોત. કારણ કે કિસન નંદલાલનો ખાસ નોકર હતો એટલું જ નહીં તેઓ કિસનને દીકરાથી વધુ રાખતા હતા. હવે જો નંદલાલને મન કિસન પોતાના પુત્રથી વધુ હોય તો તે શા માટે નંદલાલને મારવા માંગે છે ? એવું તો શું થયું કે તે નંદલાલનો દુશ્મન બની જાય છે ? આવા પ્રશ્નો જ વાચકને જકડી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે પરંતુ કથા થોડી આગળ વધે છે ત્યાં જ લેખક પોપટની જેમ કિસનનો ભૂતકાળ કહી દે છે. વળી લેખકનો વારંવાર થતો હસ્તક્ષેપ કથાની ગતિને અવરોધે છે. તેઓ વારંવાર સ્થાનકપુર ગામ વિશે તથા તેના રહીશો વિશે એકની એક વાત શબ્દો બદલીને કહ્યા કરે છે. તેમ છતાં જે નંદલાલ કાઠી દરબારને પણ પાણી પીવડાવતો હતો. જેને ત્રણ ગામનો ગરાસ હતો તથા બે-બે વાર ગોળી વાગવા છતાં બચી ગયો હતો એને કોણે માર્યો, કેવી રીતે માર્યો, કેમ માર્યો એ રહસ્ય છેલ્લે ખુલે છે ને એટલે જ નવલકથા વાંચવા ભાવકો પ્રેરાય છે. નવલકથાને અંતે આ રહસ્ય નંદલાલે લખેલા પત્ર દ્વારા જ ખુલે છે. એ પત્ર પ્રમાણે નંદલાલનું મૃત્યુ કિસનની ગોળીથી થયું ન હતું. તેમણે પોતે જ ઝેર પીધું હતું કારણ કે તેમને કેન્સરની બિમારી હતી અને તેઓ રિબાઈ-રિબાઈને મરવા માંગતા ન હતા. અર્થાત્ તેમણે આપઘાત કર્યો હતો.

શિષ્ટ સાહિત્યની નવલકથાની જેમ અહીં નવલકથાનાં દરેક પાત્રો સત્ય, ત્યાગ, બલિદાન જેવા મહાન ગુણો ધરાવતા નથી. હા, નવલકથાનું મુખ્ય પાત્ર કિસન તથા નવલકથાને અંતે અનંતરાયનું વર્તન અને રૂપાનું પાત્ર એમાં અપવાદરૂપ છે. કિસન પિતાને આપેલા વચનને ખાતર પાંચ-પાંચ વર્ષથી નંદલાલને ત્યાં નોકરી કરે છે અને યોગ્ય તકની રાહ જૂએ છે, ને એ તક પણ આવી જાય છે. તેને બધી જ રીતે નંદલાલને મારવાની સગવડ મળી રહે છે. પણ ત્યાં જ તેનું મન આવું ખરાબ કૃત્ય કરવા તેને અટકાવે છે. તે દ્વિધામાં પડે છે. સાચું શું અને ખોટું શું એની તે ચકાસણી કરે છે. તેને લાગે છે કે પોતે જે કરવા જઈ રહ્યો છે એ યોગ્ય નથી એટલું જ નહીં નંદલાલને મારવાનું પિતાને આપેલું વચન પણ એને ભ્રમણા સમાન લાગે છે. વળી એમાં રૂપાનો પ્રેમ પણ ભાગ ભજવે છે. તે પ્રેમને ખાતર વેરને ભૂલી જવા પ્રયત્ન કરે છે. એ પ્રયત્નમા ઘણાં અંશે સફળ થાય છે. પણ નિયતિની આગળ તેનું કંઈ ચાલતું નથી અને તેના હાથે જે કામ ન થવું જોઈએ એ થઈ જાય છે. તે ગુનાની સજા મેળવવા માટે ગોમા નદીમાં આપઘાત કરવા જાય છે પરંતુ ત્યાં નિર્ણય કરે છે કે આપઘાત કરવા કરતા મર્દની જેમ સામી છાતીએ લડવું. અર્થાત્ પોતે કરેલો ગૂનો કબૂલ કરવો અને એની સજા ભોગવવી. એટલે તે પોલીસ સ્ટેશને જઈ ગુનો કબૂલે છે છતાં પોલીસને એમ લાગે છે કે તેને આઘાત લાગ્યો છે એટલે આવું વર્તન કરે છે અને એમ તેને છોડી દેવામાં આવે છે. છતાં તે કોઈ પણ ભોગે સજા મેળવવા જ માંગે છે ને લોકોના કહેવા પ્રમાણે મુંબઈમાં રૂપાને બંદૂક શીખવાડવાને બહાને પોતાનો જમણો હાથ ગુમાવે છે. નંદલાલનું પાત્ર તો એટલું પેચીદું છે કે તેને ગામલોકો તો શું તેના પુત્રો પણ સમજી શકતા નથી. તે એક કાંકરે ત્રણ-ત્રણ શિકાર કરવામાં માહિર છે. ક્યારે શું કરવું જોઈએ અને ક્યારે શું ન કરવું જોઇએ એ બાબતમાં તે ઘણો ઉસ્તાદ છે. તે કહેતો કે નંદલાલ બંકડાને મારનાર હજી કોઈ પેદા નથી થયો, અને ખરેખર એવું જ બને છે. એને કોઈ મારી શકતું નથી. બે-બે વાર ગોળી વાગવા છતાં તે મરતો નથી. ઘરનો દરેક સદસ્ય તેને મારવા સક્રિય બને છે પણ કોઈને એમાં સફળતા મળતી નથી. એટલું જ નહીં કિસન પાંચ-પાંચ વર્ષોથી તેને મારવા યોગ્ય સમય આવે તેની રાહ જુએ છે ને સમય આવે છે છતાં કિસનના હાથે નંદલાલનું મૃત્યુ થતું નથી. અન્ય પાત્રોમાં જગદીશ દલીલબાજ છે, અનંતરાય ગુંડા જેવો છે જેના વિચારો પિતા નંદલાલ સાથે મેળ ખાતા નથી અને હંમેશા બંને વચ્ચે તકરાર થયા કરે છે, મનસુખ તો તેની પત્ની કહે છે તેમ ‘બાયલો’ છે અને મનસુખની પત્ની પ્રભા નંદલાલની જેમ એક તીરે બે નિશાન સાધે છે, પણ તે સફળ થતી નથી. તો રૂપા બિલકુલ ભોળી હોય છે. તેનામાં અન્ય પાત્રોની જેમ સ્વાર્થ હોતો નથી. આમ કિસન અને રૂપાના પાત્રોમાં રહેલા ગુણો તેમને શિષ્ટ નવલકથાનાં પાત્રો સાથે સરખાવવા મજબૂર કરે છે.

ત્રીજા પુરુષ એકવચનમાં કહેવાયેલી આ નવલકથામાં નંદલાલ તથા કિસન બધા સામે કંઈક અલગ રીતે વર્તે છે અને હકીકતમાં એમનું અસ્તિત્વ કંઈક બીજું જ છે. કિસન ખરેખર તો નંદલાલનું ખૂન કરવા આવ્યો હોય છે, છતાં ગામલોકોની નજરે તે નંદલાલનો ખાસ માણસ છે, પુત્રથી પણ વધુ છે. પોલીસ સામે તે પોતાનો ગુનો કબૂલે છે છતાં પોલીસનો એવો મત છે કે તે નંદલાલનો જમણો હાથ હતો એટલે તેને આઘાત લાગ્યો છે. બીજી તરફ રૂપાના મતે ઘરના જ કોઈ સદસ્યે દાદાનું ખૂન કર્યું છે અને એટલે જ એને અપરાધી સાથે એક છત નીચે નથી રહેવું. તે કિસન સાથે ક્યાંક દૂર જતી રહેવા માંગે છે કારણ કે તેને મન કિસન નિર્દોષ છે. તો નંદલાલનો સ્વભાવ આકરો છે. કોઈ પણ વાતનો તરત જ ફેંસલો કરી દેવામા તે માને છે. પોતાના નિર્ણય આગળ પુત્ર આવે તો તેને મારતા પણ ન અચકાય એવો તેનો સ્વભાવ છે. પરંતુ અંદરથી તે પણ ઋજુ હૃદયનો છે. એટલે જ પોતાના દરેક પુત્ર તથા પૌત્રી એમ બધાનું વિચારીને તે મરતા પહેલા નવું વીલ બનાવી દે છે. વળી પોતે શાંતિલાલ પંડ્યાને કરેલા અન્યાયનું દુઃખ વ્યક્ત કરી તેના વારસદારને બધું સોંપવા કહે છે. અર્થાત્ કિસન કે નંદલાલ બાહ્ય આચાર વિચારમાં જેવા દેખાય છે વાસ્તવમાં તેવા નથી.

‘ગ્રહણરાત્રી’માં પ્રણયનું તત્ત્વ પણ વણી લેવામાં આવ્યું છે. કિસન અને રૂપા વચ્ચે પ્રેમ હોય છે પણ એ પ્રેમ નવલકથામાં ઉપસી આવતો નથી. છતાં એ પ્રેમને લીધે જ કિસન પોતે કરેલા ગુનાનો ભાર વેઠી શકતો નથી અને પોલીસ સ્ટેશને જઈ ગુનો કબૂલ કરે છે. પરંતુ નિયતિ અથવા લેખકની ઈચ્છા તો કંઈક અલગ જ હતી. કિસન ખરેખર ગુનેગાર હતો જ નહીં એમ સાબિત થાય છે અને રૂપા સાથે લગ્ન કરી તે મુંબઈમાં ખુશીથી રહે છે. છતાં તેના મનમાંથી પોતે નંદલાલને ગોળી મારી છે એ ડંખ નીકળતો નથી અને એટલે જ જે હાથે નંદલાલને ગોળી મારી હતી એ હાથ પર ગોળી ખાઈને જમણો હાથ ગુમાવી પોતે જ પોતાને સજા કરે છે.

નવલકથામાં સંઘર્ષનું તત્ત્વ પણ જોવા મળે છે. બાહ્ય સંઘર્ષની સાથે આંતરિક સંઘર્ષ પણ એટલી જ તીવ્રતાથી નવલકથામાં રજૂ થયો છે. કિસન રૂપાને ખરા હૃદયથી ચાહે છે પણ વેરનો બદલો લેવા માટે તે અમુક ક્ષણ પૂરતો પ્રેમથી દૂર રહેવા મથે છે. પરંતુ તેનું મન સતત દ્વિધામાં રહે છે. પ્રેમ અને વેરની વચ્ચે આખરે પ્રેમની જીત થાય છે ને તે નંદલાલનું ખૂન ન કરવાનું નક્કી કરે છે. પણ એક નબળી ક્ષણે આવેશમાં આવી નંદલાલને ગોળી મારે છે. નંદલાલનું પાત્ર પણ જે દ્વિધા અનુભવે છે એ એમના પત્રમાં જાહેર થાય છે. તે ઘરના દરેક સદસ્ય માટે વિચારે છે પણ કોઈ એને સમજી શકતું નથી. તો નંદલાલ તથા જીલુ ખાચર વચ્ચેનો ઝઘડો, વાસ્કુર અને જીલુ ખાચરની તકરાર, નંદલાલ અને અંતુ વચ્ચે થતી ઉગ્ર બોલાચાલી વગેરે પ્રસંગોએ બાહ્ય સંઘર્ષ જોઈ શકાય છે.

નવલકથામાં અનેક કાવતરા-ષડયંત્રો પણ જોવા મળે છે. ષડયંત્ર કરવામાં મનસુખની પત્ની પ્રભા સૌથી આગળ રહે છે. અંતુના પાછા આવતા પહેલા તો તે સસરાની સેવા કરવામાં કોઇ કસર રાખતી નથી. કારણ કે અંતુ ઘર છોડી જતો રહ્યો હોય છે અને જગદીશને નંદલાલે રાજકોટ મોકલી દીધો હોય છે. વળી જગદીશને કોઈ પુત્ર પણ નથી. પ્રભા એમ માને છે કે પોતાનો પુત્ર ગૌતમ એકલો જ આ મિલકતનો હકદાર છે. પણ ત્યાં અચાનક વર્ષો પછી અંતુ પાછો આવે છે. નંદલાલ જગદીશને પણ રાજકોટથી સ્થાનકપુર બોલાવી લે છે. હવે પ્રભાને મિલકતમાં ભાગ પડતા દેખાય છે તેથી તે એક કાંકરે બે શિકાર કરવાનું ધારે છે. અંતુ વિરુદ્ધ જગદીશના કાનમાં ઝેર રેડે છે, જેથી નંદલાલ સામે કોઈપણ રીતે દલીલો કરી તે અંતુને પાછો ઘરમાં આવતા રોકે અને જગદીશ પિતાનું અપમાન કરે, એમની આજ્ઞાનું પાલન ન કરે અને એમની સામે બોલે એટલે નંદલાલની નજરમાંથી ઉતરી જાય ને બધી જ મિલકત પોતાના પુત્રને મળે. અલબત્ત પ્રભાનું આ ષડયંત્ર સફળ થતું નથી. તો જીલુ ખાચર તેની ફોઈની મિલકત હાથમાંથી જતી ન રહે તે માટે ફોઈના પુત્ર વાસ્કુરને કોઈ અન્ય સ્ત્રી સાથે મળાવે છે ને એ સ્ત્રી પંચો સામે વાસ્કુર તેનો પુત્ર નથી એમ કહે છે. જીલુ ખાચર ફોઈની મિલકત માટેના આ કાવતરામાં સફળ પણ થાય છે. કિસને નવલકથાની શરૂઆતથી જ નંદલાલને મારવા માટેનું રચેલું ષડયંત્ર તો નવલકથાનું હાર્દ છે.

લોકપ્રિય નવલકથામાં ચોરી, લૂંટફાટ, સાહસભર્યા કાર્યો પણ હોય જ. અહીં પણ છે. કિસન નંદલાલને મારવા માટે સાહસિક પગલું ભરે છે. તે જીલુ ખાચરના ઘરમાં ઘૂસી તેની રિવૉલ્વર ચોરી આવવાનું સાહસ કરતાં પણ ખચકાતો નથી. વરસાદી રાત્રે કોઈથી પણ કર્યા વિના ખંડેરમાં છુપાવેલી રિવૉલ્વર લઈ આવે છે અને નંદલાલને ગોળી પણ મારે છે. નંદલાલ આજુબાજુના વિસ્તારમાં ‘નંદલાલ બંકડો’ તરીકે ઓળખાતો હતો. કારણ કે તેને કોઈ મારી શકતું ન હતું. પણ કિસન નંદલાલને મારવાનું સાહસ આદરે છે અને અમુક અંશે એમાં સફળ પણ થાય છે. તો સ્થાનકપુર ગામમાં મારામારીના કિસ્સાની તો કોઈ નવાઈ જ નથી. દિવસ દરમિયાન એવો નાનો-મોટો કિસ્સો સાંભળવા ન મળે તો લોકો આશ્ચર્યચકિત થઈ જાય. અલબત્ત આવા કિસ્સાઓ માત્ર વર્ણનમાં જ આવે છે અને ભૂતકાળમાં ઘટી ગયેલા હોય છે. નવલકથા દરમિયાન એવો કોઈ કિસ્સો જોવા મળતો નથી.

‘ગ્રહણરાત્રી’ નવલકથાને લોકપ્રિય બનાવવામાં એની સરળ, સ્પષ્ટ અને પ્રવાહી ભાષાનું યોગદાન મહત્ત્વનું છે. મોહમદ માકંડે પ્રજાની નાડ બરાબર પકડી છે અને એ પ્રમાણે નવલકથામાં ભાષા પ્રયોજી છે. લેખક કાઠિયાવાડના છે ને નવલકથામાં પણ કાઠિયાવાડી બોલી સહજતાથી વાપરી છે. એમાં પણ ટૂંકા, સરળ અને સ્પષ્ટ વાક્યો દ્વારા તેમણે વાચકોને જકડી રાખ્યા છે. નવલકથામાં ગુજરાતી ભાષા ઉપરાંત અંગ્રેજી શબ્દો ઠેર ઠેર જોવા મળે છે : કોર્ટ, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ડાયરેક્ટ રિક્રૂટ, ઇન્સપેક્ટર, ચાર્જ, સ્ટેટમેન્ટ, સાયન્સ, રિવૉલ્વર, પેન્ટ, શર્ટ, હેટ, પોઝિશન, લાઇસન્સ, રિપોર્ટ, પૉલિશ, પોસ્ટમોર્ટમ, એલર્ટ, વાઇન વગેરે. તો હિન્દી, મરાઠી, બંગાળી અને ઉર્દૂ-ફારસી શબ્દો પણ ઘણે ઠેકાણે દેખા દે છે : ભાગ જાના, લે ગયા, કામ કરવાયા (હિન્દી), કાય ઝાલા, કુઠે ગેલા (મરાઠી), જખન રાબો ના... આમી દિન હોલે અબશાન...(બંગાળી), ખોજો, તમન્ના, ખૂન, ઉલઝન (ઉર્દૂ-ફારસી) વગેરે. રૂઢિપ્રયોગો [ આભા બની જવું, ભીનુ સંકેલાઇ જવું ], અલંકાર [ રાજકોટની સડક અજગર જેમ ચાલી જાય છે, સમય પાણીની જેમ વહેતો હતો, સ્થાનકપુરની ધરતી જાણે હાલકડોલક થઈ ગઈ, નંદલાલના પડછાયાએ આખા ઘરને જાણે ગ્રસી લીધું હતું] અને કહેવત [ રૂપિયો બોદો એમાં ગાંધીનો શું વાંક ?, સાઠી બુદ્ધિ નાઠી ] તો આપણને નવલકથામાં ડગલે ને પગલે જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો નવલકથાને લોકપ્રિય બનાવવા માટે લેખકે કોઈ કસર છોડી નથી. ને એટલે જ એમની ભાષા સરળ, સહજ અને પ્રવાહી રાખી છે.

‘ગ્રહણરાત્રી’ ન તો બહુ લાંબી નવલકથા છે કે ન તો બહુ ટૂંકી. ૩૦૮ પૃષ્ઠમાં વહેંચાયેલી આ નવલકથામાં અનેક રહસ્યોની હારમાળા છે જે ભાવક-વાચકવર્ગને જકડી રાખવામાં સફળ થાય છે. વળી અન્ય ધારાવાહી નવલકથાઓની જેમ અહીં પણ પ્રકરણને અંતે વાચકને કૌતુકભર્યો આંચકો આપવામાં આવ્યો છે અથવા નવલકથામાં કોઈ વળાંક આવે છે. ઉપરાંત કિસન અને રૂપાનો પ્રેમ, પ્રભા અને જીલુ ખાચરના ષડયંત્રો, કિસનનાં સાહસિક કાર્યો જેવાં તત્ત્વો આ નવલકાથાને લોકપ્રિય નવલકથાની ઓળખ અપાવે છે.

ભરવાડ રાઘવભાઈ હરિભાઈ, યુ.જી.સી. નેટ સિનિયર રીસર્ચ ફેલો (પીએચ.ડી.), ગુજરાતી વિભાગ, આર્ટ્સ ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા – 390002, મો. નં. – 8866383433/9979338994