Included in the UGC-CARE list (Group B Sr. No 172)
રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં વ્યક્ત થતો આધ્યાત્મભાવ

ગુજરાતી ગઝલ તેના આરંભકાળથી ‘ઈશ્કે હકીકી’ અને ‘ઈશ્કે મિજાજી’નો ભાવ પ્રગટ કરતી રહી છે. ગુજરાતી ગઝલક્ષેત્રે આધ્યાત્મભાવના સંદર્ભમાં બાલાશંકર કંથારિયા, મરીઝ, રાજેન્દ્ર શુક્લ, શ્યામ સાધુ, અદમ ટંકારવી, હરીશ મીનાશ્રુ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, સંજુ વાળા આદિ ગઝલકારો નોંધપાત્ર ઠર્યા છે.

આધ્યાત્મભાવને કેન્દ્ર બનાવતી રાજેન્દ્ર શુક્લની રચનાઓમાં ભાવને અનુરૂપ ભાષાકૌશલ અને અભિવ્યક્તિના સાહચર્યના પરિણામે તેમની ગઝલોનો ભાવપક્ષ અને કલાપક્ષ નવીન પરિમાણ સિદ્ધ કરે છે. અહીં ‘ગઝલ સંહિતા’ના સંદર્ભમાં અધ્યાત્મભાવની તપાસ કરવાનો અહીં ઉપક્રમ છે.

‘ગઝલ સંહિતા’માં ૪૫૦ જેટલી ગઝલોને (૧) સભર સુરાહી (૨) મેઘધનુના ઢાળ પર (૩) આ અમે નીકળ્યા (૪) ઝળહળ પડાવ અને (૫) ધિર આઈ ગિરનારી છાયા એમ પાંચ મંડલોમાં સમાવિષ્ટ કરી છે. અગાઉ ‘કોમલ રિષભ’ની ગઝલો પણ અહીં સમાવવામાં આવી છે, તે સંગ્રહમાં હતાશા, નિરાશા કે પ્રણય વૈફલ્યનો જે સૂર જણાતો હતો તે ‘ગઝલ સંહિતા’માં શમી જાય છે. અહીં સુદીર્ધ ભારતીય પરંપરા, પ્રાચીન-મધ્યકાલીન કથાસંદર્ભો અને ભાષા પ્રયોજન, ભારતીય દાર્શનિક-ઔપદેશિક ફિલસૂફી, સોરઠી ભજનની લય-લઢણો, ગ્રામીણ/તળપદ પરિવેશ તથા સંસ્કૃત-તત્સમ-તળપદીબાનીની સાથે હિન્દી-વ્રજ-પ્રાકૃત-અપભ્રંશ શબ્દોનો સુવિનિયોગ અને ગઝલની ચુસ્તતા-સંકુલતા પ્રગટાવવા ગઝલના રૂઢ માળખામાં કરેલા પ્રયોગો ગુજરાતી ગઝલને એક નવી દિશા ચીંધે છે.

‘ગઝલ સંહિતા’માં વ્યક્ત થયેલ પ્રણય, પ્રકૃતિ કે જીવન વિષયક અન્ય ભાવો પણ અંતે અધ્યાત્મભાવમાં જઈને પરિણામે છે. એટલે અધ્યાત્મભાવ એ ‘ગઝલ સંહિતા’નું કેન્દ્રબિંદુ છે અને અન્ય ભાવો તેની આસપાસ ગૂંથાયા છે. અધ્યાત્મભાવના આલેખનમાં પ્રયોજેલ ભારતીય ઔપદેશિક-દાર્શનિકની સાથે સૂફીચેતના, સંતપરંપરા અને યોગમાર્ગના સંદર્ભો તેમજ નરસિંહ, મીરાં, નાનક, કબીર જેવા સંત-ભક્ત કવિઓ વિષયક અને સ્થળ-કાળ વિષયક સંદર્ભો અધ્યાત્મભાવને સૂક્ષ્મ-સંકૂલ પરિમાણ બક્ષે છે.

રાજેન્દ્ર શુક્લની ગઝલોનો એક છેડો સૂફીચેતના સાથે જોડાય છે તો બીજો છેડો ભારતીય અધ્યાત્મ પરંપરા સાથે જોડાતાં તેમાં અધ્યાત્મભાવની ઊંચાઈ અને ઊંડાણ સિદ્ધ થાય છે. અહીં અધ્યાત્મભાવનાં ત્રણેય સ્વરૂપો આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક તેમજ તેને પ્રગટાવતી વાણીનાં ચારેય રૂપો પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી દૃષ્ટિગોચર થાય છે. ઉપનિષદની ‘ૐ પૂર્ણ મદ પૂર્ણ મિદં’ની અનુભૂતિ અહીં મૌલિક રીતે અભિવ્યક્ત થઈ છે તે જુઓ-
‘પૂર્ણમાંથી અંશ અવતારી થયો
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો
‘તું’ થઈને શુદ્ધ શૃંગારી થયો
‘હું’ થઈ અવધૂત અલગારી થયો’ (૧:૧૧)

અહીં ‘હું’ અને ‘તું’નાં વિવિધ ભાવચિત્રો ભાવની અનેકવિધ શક્યતાઓ રજૂ કરે છે. આ ‘હું’ને આત્મા/જીવ અને ‘તું’ને પરમાત્મા/શિવ તરીકે પ્રમાણી શકાય. ‘હું’ અને ‘તું’ના આ આલેખનનો છેડો અદ્વૈતવાદની ફિલસૂફી સાથે જોડાય છે. આ બંને વચ્ચે પ્રગટતી અભિન્નતા અને તેનાં વિભિન્ન રૂપો આસ્વાદ્ય બન્યાં છે. ‘ગઝલ સંહિતા’માંથી પસાર થતાં ‘હું’ અને ‘તું’ની મુખ્ય ચાર અવસ્થાઓ સાંપડે છે.
૧) ‘હું’ (આત્મા) અને ‘તું’ (પરમાત્મા)ની આરંભિક અવસ્થા
૨) ‘હું’ (આત્મા)ની ‘તું’ (પરમાત્મા) તરફ ગતિની અવસ્થા
૩) ‘હું’ (આત્મા) અને ‘તું’ (પરમાત્મા)ના ઐક્યની અવસ્થા
૪) ‘હું’ (આત્મા) અને ‘તું’ (પરમાત્મા)ના ઐક્ય પછીની અવસ્થા

‘હું’ અને ‘તું’ની આ ચારેય અવસ્થાઓનું આલેખન જે રીતે થયું છે તે ગઝલકારના આધ્યાત્મિક વિકાસનો નિર્દેશ કરે છે. જોકે આ અવસ્થાઓ અહીં સળંગ પ્રગટતી નથી પરંતુ પાંચેય મંડલોમાં વેરણ-છેરણ પડેલી છે અને તેના રચના સમયમાં પણ ભિન્નતા છે પરંતુ આ અવસ્થાઓને એક સાથે જોડીને જોવાથી સળંગસૂત્રતાનો અનુભવ કરાવે છે. આધ્યાત્મિક વિકાસની ક્રમિક સાંકળ રચે છે. આરંભે ‘હું’ વિષયક જે આલેખન છે તેમાંથી ગઝલકારની આત્મખોજ પ્રગટે છે. ગઝલકાર જીવ-જગત-જીવન અને જગદીશ વિશે ખરી ઓળખ પ્રાપ્ત કરવા માગે છે. સમગ્ર સૃષ્ટિના વણઉકેલ્યા સત્યોને પામવા એક પરિપ્રશ્ન સેવે છે, જેની પાછળ એક ગૂઢાર્થ સંગોપિત છે. ઉદા. તરીકે-
‘કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારૂ સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગણી, લગાવ, લહરો, આ હાવભાવ શું છે ?’ (૪:૧૧)

‘હું’ વિષયક આલેખનમાં ‘હું’ના સ્વરૂપ, સ્વભાવ વિષયક ઓળખ પ્રાપ્ત કરવાની, તેને પામવાની એક શોધ સતત ચાલે છે. ‘હું’ની આ આરંભિક અવસ્થા હોઈ તેમાં કુતૂહલવૃતિનાં દર્શન થાય છે.
‘પૂછું સમંદરને, લહર એકેકને, પૂછું તને-
હું એક ડૂબતું પુષ્પ છું કે એક તરતો પ્હાણ છું?’ (૨:૬૭)

‘હું તો ધરાનું હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય નથી, જુઓ તો આસપાસ છું.’ (૪:૧૩)

‘હું’ વિષયક પ્રતિશોધનો ઉત્તર પ્રાપ્ત થતાં ‘તું’ વિષયક પ્રતિશોધ આરંભાય છે. ‘હું’ની જેમ ‘તું’ની અભિવ્યક્તિ પણ વિવિધ રૂપો ધારણ કરીને આવે છે. ‘તું’ વિષયક સંશયો કેવી રીતે વ્યક્ત થયા છે તે જુઓ-
‘નિત તરંગિત થાઉં ને તુમાં શમું તું કોણ છે
હર ક્ષણે હરજન્મે હું તુજને ગમુ તું કોણ છે!
પૂર્ણ રૂપે હું પ્રગટ થાઉં, પ્રકાશ પૂર્ણ થઈ,
તવ ક્ષિતિજ પર પૂર્ણ રૂપે આથમું તું કોણ છે!’

આ પ્રશ્નના ઉત્તર રૂપે મળતી ‘તું’ વિષયક ઓળખના પરિણામે ‘હું’ની ‘તું’ તરફ ગતિ આરંભાય છે. આ ગતિચિત્રો, ભાવચિત્રો અહીં આધ્યાત્મિક પરિમાણ ઊભું કરે છે, એટલુ જ નહીં પણ આંતર ચેતનના વિકાસને પણ સૂચવે છે.જેમકે-
‘કળી, કુસુમને સુવાસ તું છે,
પુનિત, પનોતો પ્રવાસ તું છે.
તું બીજ, અંકુર મૃદુલ મનોહર,
લલિત લતા શો વિકાસ તું છે.’ (૧:૧૦૧)

‘તું રૂપ તારું અને તું જ તારું નામ પણ,
સફર તું જ અને તું જ મુકામ પણ.
પ્રપંચ તું જ બધો, તું જ મદ્ય તરબતર,
તું હાથ, હોઠ અને તું અખૂટ જામ પણ.’ (૩:૬૫)

‘હું’ અને ‘તું’ વચ્ચે ઓળખ થતાં તેમની વચ્ચે ઐક્ય સ્થપાય છે. જેના પરિણામે પૂર્ણતમરૂપની ઝાંખી શક્ય બને છે. આત્મા પરમાત્મા વચ્ચે કે જીવ-શિવ વચ્ચેના આ ઐક્ય દ્વારા અદ્વૈતવાદને પ્રગટવ્યો છે. વ્યવહાર જગતના બધા અંતરાયો, આવરણો દૂર થયા પછી જ પરમતત્ત્વ એક અને અદ્વિતીય છે તે સમજાય છે. સાધનાની આ એક અવસ્થા છે તે વટાવ્યા પછી જ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે આવી અભિન્નતા પ્રગટે છે.
‘તું મનોભાવ, હું મનોલય, ક્યાં રહી છે ભિન્નતા,
સહુ સ્મરણનું વિસ્મરણ છું, તું ભલે ને હોય સ્મર!’ (૪:૭૭)

‘તું ગૂઢ છે ને ગૂઢતર છે મૌન તારું તે છતાં,
શબ્દો થકી સમજાય તો સમજાવા તૈયાર છું.’ (૪:૯૭)

અપપ્રગટને પ્રગટ સ્વરૂપે પિછાણવાની અભિપ્સા પણ છે તો ક્યારેક બંને વચ્ચે અભિન્નતા પણ વ્યક્ત થાય છે. આ ભિન્નતા અને અભિન્નતાની વચ્ચે ‘ગઝલ સંહિતા’ની ગઝલો રહેલી છે. ગઝલકાર પ્રગટ અપ્રગટના સ્થૂળ સ્વરૂપોમાંથી નીકળીને સમગ્ર સૃષ્ટિના અણુએ અણુમાં પરમ તત્ત્વનો વાસ છે એ શ્રદ્ધા તરફ ગતિ કરે છે ત્યારે ગઝલકારનો ‘હું’ વૈયક્તિક ચેતનાએથી વિસ્તારીને સમષ્ટિચેતના સુધીનો વિકાસ સાધે છે. સર્જક ચેતનાએથી વ્યક્ત થતો ‘હું’ સમષ્ટિગત બની ‘અહં બ્રહ્માસ્મિ...!’નું રૂપ ધારણ કરે છે, પછી તેમાં એક પ્રકારની સમતોલતા પ્રાપ્ત થાય છે. જુઓ-
‘હું ત્યાં જ છું, હતો હું જ્યાં, હું સ્હેજ પણ ખસ્યો નથી
અને અનાદિ કાળથી જ હું સતત પ્રવાસ છું.
નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં,
હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું.’ (૪:૧૩)

‘ન ઇચ્છા ન કોઈ સંકલ્પ ના કોઈ ચેષ્ટા,
અમસ્તું અમસ્તું જ હોયા કરું છું’ (૪:૩૯)

અહીં પ્રગટેલી અવસ્થા માત્ર ‘sentimental’ બનીને પ્રગટતી નથી પરંતુ અમુક તબક્કા સુધી પહોચ્યા પછીની એ અવસ્થા છે. અહીં પહોચ્યા પછી કોઈનો ન નિષેધ કે ન સ્વીકાર, ન ભીતિ, ન પ્રીતિ, ન સુખ, ન દુઃખ, ન આશા, ન નિરાશા એવી સ્થિતપ્રજ્ઞની અવસ્થા પ્રાપ્ત થાય છે. આ અવસ્થાને પ્રગટાવતી પરાવાણીનું આલેખન પણ ભાવને પુષ્ટ બનાવે છે. ‘હું’ (આત્મા) અને ‘તું’ (પરમાત્મા)ની આ અવસ્થાઓ નીચેની આકૃતિ પરથી સ્પષ્ટ થશે.

શબ્દ દ્વારા શબ્દાતીતને પામવાની આ મથામણ છે. તો, પ્રણયભાવના આલેખન અંતર્ગત વ્યક્ત થતો અધ્યાત્મભાવ પણ નોંધપાત્ર બન્યો છે. ‘જત જણાવાનું તને કે....’થી શરૂ થતી પત્રગઝલગુચ્છની ૧૧ ગઝલો સ્થળ-કાળ ભિન્નતા ધરાવતી હોવા છતાં તેમાં વ્યક્ત થતી ભાવ-ભાષાશૈલી અને નિરૂપણરીતિની સળંગસૂત્રતા, તેમજ અધ્યાત્મભાવની સૂક્ષ્મ-સંકૂલ વ્યંજના ‘ઈશ્કે મિજાજી’ ને ‘ઈશ્કે હકીકી’ તરફ પરિવર્તિત કરે છે. પ્રણયભાવના આલેખન માટે પ્રયોજેલી અરૂઢ પત્રશૈલી અને તેની સાથે પત્ર, કાગળ, કલમ, દોત, શાહી, ખત, શબ્દ આદિ સામગ્રી ભાવને વ્યંજિત બનાવવામાં ઉપકારક નીવડે છે. અંગત પ્રેમ બિનઅંગતતા ધારણ કરે છે. નાયકનાં મનોસંચલનો નાયિકા સાથેના મિલન કરતાં નાયિકાની આંતરિક ચેતનાને પામવા મથે છે. આ પ્રકારના ચૈતસિક પ્રેમનું આલેખન અહીં પ્રણયની સ્થૂળતામાંથી સૂક્ષ્મતા તરફ દોરી જાય છે, પરિણામે અહીં આલેખિત પ્રણયભાવ ગુજરાતી ગઝલ માટે નવો છે, એની ભાષા નવી છે, એની અભિવ્યક્તિ નવી છે. અગાઉ આલેખિત શોધ અહીં પણ દેખાય છે. જેમકે-
‘પંથ આ પૂરો કરીને ત્યાં અટકવું આપણે
જે ગુહાના દ્વારેથી ‘હું કોણ?’નો ઉત્તર જડે!’ (૨:૬૪)

નાયક-નાયિકા વચ્ચેની સ્થળ-કાળગત દૂરતા કે અંતરાયના સંદર્ભો આધ્યાત્મિક બનતા અનુભવાય છે. અહીં નોંધપાત્ર એવી ‘રતિવાર્તિક’ ગઝલગુચ્છની રચનાઓ પણ શૃંગારના આલેખન તરફથી આધ્યાત્મિકભાવ તરફ ગતિ કરતી જણાય છે તેને પણ આ સંદર્ભમાં વિગતે જોઈ શકાય.

આધ્યાત્મિક ભાવને ઉજાગર કરતી રચનાઓમાં નાયકનું અલગરીપણું પણ ધ્યાન પ્રેરક બની રહે છે. ‘હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળીએ’ રચના પોતાના પિંડ અંતર્ગત વ્યાપ્ત બ્રહ્માણ્ડનો ભાવ સૂચવે છે. પોતાની ભીતર જ સર્વસ્વ છે એ સમજાયા પછીની આ અભિવ્યક્તિ છે.
‘એકને એક જ સ્થળે મળિયેં અમે
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળીયેં અમે,
પિંડ ક્યાં પેટાવવા પળિયેં અમે.
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળીયેં અમે!’ (૫:૪૪)

નરસિંહ, મીરાં, નાનક, ચૈતન્યપ્રભુ, કબીર વગેરે સંત-ભક્તોને લગતા સંદર્ભો અને જૂનાગઢ, તળેટી, દામોદરકુંડ, કેદારો, કરતાલ ઇત્યાદિ સંદર્ભોથી પણ ‘ગઝલ સંહિતાનો’ ભાવપિંડ બંધાયેલો છે. કોઈ દેખા-દેખીથી આ સંદર્ભો પ્રયોજયા નથી પરંતુ ગઝલકાર પોતે ત્યાં જન્મ્યા છે, મોટા થયા છે; તેથી પોતાની આંતરચેતના સાથે આ સંદર્ભો ભળી ગયેલા હોવાથી તે આધ્યાત્મિક ભાવ-પરિમાણ ઊભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નરસિંહમાં આવતી ‘ગ્રંથ ગરબડ કરી, વાત ન ખરી કરી...’નો સંદર્ભ અહીં ભિન્ન રીતે અભિવ્યક્ત થયો છે. ગ્રંથો વધારે ગૂંચવણ પેદા કરતા હોવાથી ગ્રંથની ગરબડ મૂકીને પોતાની અંદર રહેલા આદ્યતત્ત્વને ઉકેલવાની વાત ભારતીય અધ્યાત્મભાવને પ્રગટ કરે છે. જુઓ-
‘મૂકો ગરબડ બધી આઘી, નહીં તો ઓર ગૂંચાશે,
જુઓ ઓરું, જરા અંદર, ઉકેલો આદ્યગ્રંથિને! (૧:૬૯)

નરસિંહનો મશાલનો સંદર્ભ મનોજ ખંડેરિયામાં અને રાજેન્દ્ર શુક્લમાં આવે છે પરંતુ બંન્ને વચ્ચે ભેદ છે. એકમાં તે ‘esthetic’ ભૂમિકાએથી પ્રગટે છે જ્યારે બીજામાં તે ‘spiritual’ ભૂમિકાએથી પ્રગટે છે. મનોજ ખંડેરિયામાં તે સંભાવના વાચક બની રહે છે. જુઓ-
‘પકડો કલમને કોઈ પળે એમ પણ બને
કે આખે આખો હાથ બળે એમ પણ બને’

જ્યારે રાજેન્દ્ર શુક્લમાં હાથ બળવાની વાત વ્યંગ્યાર્થ બનીને આખે આખું અસ્તિત્વ જ મશાલ બાળવાની ક્રિયા સાથે જોડાય છે, કાર્ય-કારણનો સંબંધ ત્યાં ઓગળી જાય છે. જુઓ-
‘ઝબક્યું જો એકવાર તો ઝાંખું પડે નહિ
સિંચાય સતત શ્વાસ સ્વયંભુ મશાલમાં’ (૨:૮૧)

‘હું મળીશ જ!’ ગઝલમાં જૂનાગઢ અને નરસિંહ વિષયક સંદર્ભોનો સમુચિત વિનિયોગ થયો છે. ગઝલના ભાવની સાથે વ્યક્ત થતો ગઝલકારનો મિજાજ પણ ‘હું મળીશ જ!’રદીફમાં વ્યક્ત થાય છે. ‘હજો હાથ કરતાલ’ જેવી રચનામાં વ્યક્ત થયેલ જુદા-જુદા સંત-ભક્ત કવિઓના સંદર્ભો સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં પણ મહત્વના બની રહે છે. વળી, ભાષા દ્વારા વ્યક્ત થતો પરિવેશ પણ અધ્યાત્મિક પરિપ્રેક્ષ્યને વધારે સંઘટ્ટ બનાવે છે. આપણી પ્રાચીન સંતપરંપરા અને ભજન પરંપરાને તેની આધ્યાત્મિક ઊંચાઈએથી સમુચિત સંદર્ભમાં પ્રયોજવાને કારણે ગુજરાતી ગઝલ એક નવું સ્થિત્યંતર પ્રાપ્ત કરે છે, એટલુ જ નહીં ગઝલની ચુસ્તતા-સંકુલતાનો સ્વરૂપગત ક્યાસ પણ નીકળે છે. જેમકે-
‘હજો હાથ કરતાલને ચિત્ત ચાનક,
તળેટી સમીપે હજો ક્યાક થાનક.
લઈ નાઁવ તારો સમારો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીએલ પાનક.’ (૫:૪૯)

ભજનના લય-લઢણ કે ઢાળમાં ગઝલ પ્રયોજીને ગઝલના સ્વરૂપમાં જે અપૂર્વતા કે નાવીન્ય દાખવ્યું છે તે યથાર્થ બની રહે છે. ‘બારમાસી’ ગઝલમાં પણ બારમાસીના સ્વરૂપમાં ગઝલના રૂપ-રંગ ઉતારવાનો પ્રયત્ન થયો છે. બૌધ્ધ ધર્મ, જૈન ધર્મ અને સૂફીચેતનાના સંદર્ભો પણ અહીં પ્રયોજાયેલ છે. સૂફીચેતનામાં અને યોગ સાધનામાં આવતો શૂન્ય વિષયક સંદર્ભ જુઓ-
‘શૂન્યનાં શિખરો પછી શબ્દની ધરા નથી’ (૨:૬૦)

‘ના જે ભરાતું કે ન ખાલી થતું
એ શૂન્ય સરકાવી જુઓ, તણખો થશે.’ (૩:૩૬)

યોગસાધનાના સંદર્ભો ‘ચેત મછંદર’ અને ‘ગોરખ આયા’ એ બે ગઝલોમાં વિશદ અભિવ્યક્તિ પામ્યા છે. સાધના માર્ગની આકરી તપસ્યા અને તેમાં થતી અનુભૂતિનું આલેખન તેમજ ઇડા અને પિંગલા નાડી, ષડચક્ર ભેદનની પ્રક્રિયા તેમજ સાધકની મન:સ્થિતિના સૂક્ષ્મ સંદર્ભો આધ્યાત્મિકભાવને પુષ્ટ બનાવે છે. વળી, આ રચનાઓ લોકપ્રચલિત ‘mythological’કથા સાંપ્રત સમય સંદર્ભે પણ મહત્વ પ્રાપ્ત કરે છે. યોગ ભૂલી ભોગ પાછળ સમય વેડફતા પોતાના ગુરુ મત્સયેન્દ્રનાથને ગોરખનાથ કેવી રીતે પાછા મૂળ માર્ગમાં લાવે છે તે વસ્તુ અહીં આધ્યાત્મિક સંદર્ભમાં રજૂ થયું છે. જુઓ-
‘ના કોઈ બારું, ના કોઈ બંદર, ચેત મછંદર!
આપે તરવો આપ સમંદર, ચેત મછંદર !
નીરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર !
ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મચંદર!’ (૫:૧૦૨)

‘નાભિકઁવરકી ખૂલી ગઈ પાંખુરી ધીરે ધીરે,
કરમ ધરમની સિમટી કાયા, ગોરખ આયા!
ગગનઘટામેં એક કરાકો બિજરી હુલસી,
ધિર આઈ ગિરનારી છાયા, ગોરખ આયા!’ (૫:૧૦૩)

‘રે જાદુગર’માં પણ અનાહદનાદનો અને કુંડલીની જાગ્રત થવાનો સંદર્ભ પ્રયોજાયો છે. જેમકે-
‘બિન મેઘ ઘટા, ઘટ અનહદની ધૂમ મચાઈ,
બિન અકાસ બિજરી લ્હેરાઈ રે જાદૂગર. (૫:૫૫)

‘સુન્નશિખર તક પહોંચૂંગા, પાઊંગા પલમેં અપલક,
ઐસા ત્રાટક જોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!’ (૫:૧૦૪)

અહીં પ્રયોજિત ભાવ તેને અનુરૂપ ભાષાશૈલી અને અભિવ્યક્તિના સહજ સંયોજનથી આસ્વાદ્ય બન્યો છે. ભાવની સાથે તેને અનુરૂપ ભાષા પ્રયોજન એ રાજેન્દ્ર શુક્લની ગઝલોની આગવી ઓળખ છે. પરંતુ ક્યારેક વધુ પડતો સંસ્કૃત ભાષા પ્રત્યેનો વ્યામોહ ભાવને ક્લિષ્ટ બનાવીને પ્રત્યાયનના પ્રશ્નો ઊભા કરે છે. જ્યાં આમ બન્યું છે ત્યાં ગઝલની ઉચિતતા જાળવાતી નથી. જેમકે-
‘સ્પર્શ રૂપ રસ ગંધ કં તત્ત્વાય નમઃ સ્વાહા?
શબ્દરૂપ હવિ હવ્ય ખં તત્ત્વાય નમઃ સ્વાહા.
પૃથ્વિવ્યોમજલવાયુતેજોદૈવત આવાહું-
પંચ-આત્મ પ્રપંચ તં તત્ત્વાય નમઃ સ્વાહા.
અત્ર અદ્ય સ્થળ કાલ આ તે શાશ્વત આવાહું
સૂક્ષ્મ સૂક્ષ્મતમ સર્વ ત્વં તત્ત્વાય નમઃ સ્વાહા. (૫:૧૦૬)

આવા ભાષાકીય પ્રશ્નો સર્જતાં ઉદાહરણ ઘણાં છે. જ્યાં ભાવ-ભાષા-વિચાર કે સંવેદનનું રસાયણ સાધાયું છે ત્યાં અભિવ્યક્તિના પ્રશ્નો સર્જાયા નથી પરંતુ જ્યાં આમ બન્યું નથી ત્યાં આવા પ્રશ્નો સર્જકની મર્યાદારૂપ બની રહે છે. આવી મર્યાદાઓને બાદ કરતાં ગુજરાતી ગઝલક્ષેત્રે આધ્યાત્મિકભાવના આલેખનમાં રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં જે વૈવિધ્ય પ્રગટ્યું છે તે નોંધપાત્ર છે.

સંદર્ભ :

  1. ગઝલ સંહિતા – રાજેન્દ્ર શુક્લ, સહૃદય પ્રકાશન, અમદાવાદ પ્ર. આ. ૨૦૦૫

ડૉ. રમેશ ચૌધરી, આસિસ્ટન્ટ પ્રોફેસર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર મો. 7600904533