Included in the UGC-CARE list (Group B Sr. No 172)
વેદાંત સાહિત્યમાં નિરૂપિત આનંદમીમાંસા : એક અધ્યયન

આનંદ શબ્દ સંસ્કૃતના “आ” ઉપસર્ગપૂર્વક “नन्द” ધાતુ પરથી નિષ્પન્ન થયો છે. જેના અમરકોશમાં મુદ, પ્રીતિ, હર્ષ વગેરે બાર જેટલા અર્થો આપવામાં આવ્યા છે.[1] આનંદનો શાબ્દિક અર્થ સમ્યકરૂપથી પ્રસન્નતા એવો થાય છે જે આત્મા અથવા પરમાત્માના ત્રણ અનિવાર્ય ગુણો સત, ચિત અને આનંદમાંથી બનેલો છે તેથી આ શબ્દ આત્મતત્વથી સંબંધિત છે. આત્મા પંચકોશના આવરણમાં બંધાયેલ છે જેમાં અંતિમ કોશ આનંદમયકોશ છે. જે તેનો વિશિષ્ટ આધ્યાત્મિક ગુણ છે. વ્યાવહારિક દ્રષ્ટીએ આનંદને આપણે હર્ષ અથવા સુખ તરીકે ઓળખાવીએ છીએ, પરંતુ અહીં એ પ્રશ્ન થાય છે કે, આનંદ એ આત્મલક્ષી છે કે વસ્તુલક્ષી ? જો આનંદને વસ્તુલક્ષી માની લેવામાં આવે તો બધા ઉપભોક્તાઓ માટે એકસમાન હોવુ જોઇએ, પરંતુ સંસારમાં એવું જોવા મળતુ નથી. તેથી આનંદ વસ્તુલક્ષી નથી એવુ સિદ્ધ થાય છે. આનંદનુ પાર્થક્ય જ્ઞાતવ્ય છે, તેને જાણી શકાય છે તેથી તે આત્મલક્ષી છે. આનંદ સ્વરૂપ ગુણનું મન આશ્રયસ્થાન બની શકે નહી. તેનું કારણ એ છે કે, સંકલ્પ-વિકલ્પાત્મક મન સૂક્ષ્મ છે, અણુરૂપ છે. તેથી આનંદને વ્યાપક વિભૂ સ્વરૂપે કલ્પવું જોઇએ. જેનું આશ્રયસ્થાન માનવ શરીરમાં રહેલો આત્મતત્વ જ બની શકે. જેમકે ‘’आनंदमय आत्मा तु ततोरड्न्यश्चांतरस्थित: ।”[2]

ઉપનિષદ સાહિત્યમાં આનંદ શબ્દ વિવિધ અર્થમાં પ્રયોજાયેલ જોવા મળે છે. અહીં કેટલાક અર્થો, અર્થઘટનો નોંધવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. વ્યાવહારિક જગતમાં મનુષ્ય માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થાય અને મનમાં જે હર્ષ ઉત્પન્ન થાય તેને “આનંદ”ના નામથી ઓળખવામાં આવે છે જેમકે “अथ यदा सुवृष्टिर्भवयाડनन्दिन: प्राणा भवंस्यડन्नं बहु भविष्यतीति ।”[3] અર્થાત જયારે સારો વરસાદ થાય ત્યારે પ્રાણ આનંદનો અનુભવ કરે છે કારણ કે, સારો વરસાદ થવાથી અન્ન પણ અધિક ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. આ પ્રમાણેનું વર્ણન પ્રશ્નોપનિષદ [4]માં પણ જોવા મળે છે.

બૃહદારણ્યકોપનિષદમાં આનંદ શબ્દ પુણ્યના અર્થમાં વપરાયેલ છે. પુણ્યનું ફળ પણ સંપત્તિ, સમૃદ્ધિનું સૂચક છે. જેમકે “अथ यथाक्रमो अयम परलोकस्थाने भवति तमाक्रम्माक्म्योभयान पाप्मान आनंदांच्व पश्यति ।”[5] ઉપનિષદ સાહિત્યમાં અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય તથા આનંદમય વગેરે પંચકોશનું વર્ણન મળે છે. ત્યાં જણાવેલ છે કે મનોમયકોશ પ્રાણ અને શરીરના નેતા છે જે હૃદયમાં સારી રીતે રહીને અન્નમાં અન્નમયકોશના રૂપે રહે છે. જે આનંદ સ્વરૂપ અમૃત બનીને પ્રકાશિત થાય છે જેને જ્ઞાની પુરુષો વિજ્ઞાનરૂપી જ્ઞાનથી જુએ છે.[6]

તૈત્તિરીયોપનિષદના બ્રહ્માનંદવલ્લીમાં સૃષ્ટિ-પ્રક્રિયાનો ઉલ્લેખ મળે છે કે સર્વાત્મારૂપ પરબ્રહ્મથી જ ક્રમશ: આકાશ વગેરેની સૃષ્ટિ નિર્માણ પામે છે તથા ઉપર્યુક્ત જણાવેલ પંચકોશનું સવિસ્તાર વર્ણન છે. જેમકે અન્નમયકોશનો અંતરાત્મા પ્રાણમયકોશને, પ્રાણમયકોશના અંતરાત્મા મનોમયકોશને, મનોમયકોશના અંતરાત્મા વિજ્ઞાનમયકોશને, વિજ્ઞાનમયકોશના અંતરાત્મા આનંદમયકોશને દર્શાવવામાં આવેલ છે તથા આનંદમયકોશના અંતરાત્મા એનાથી ઉત્પન્ન થનાર જગતને દર્શાવીને આનંદનો મહિમા વર્ણવેલ છે.

પ્રશ્ન થાય છે કે, આનંદમય તરીકે કોનું વર્ણન થયેલ છે? પરમેશ્વર કે જીવાત્મા અથવા અન્ય વસ્તુનું. જેના ઉત્તરરૂપે કહેવાયેલ છે કે, આનંદમય શબ્દ પરમેશ્વર જ વાચક છે આ બાબતને દ્રઢ કરતા તૈત્તિરીયોપનિષદના સાતમા અનુવાકમાં આનંદમયકોશનું નિરૂપણ મળે છે કે જેવી રીતે શુભકર્મ વડે પ્રાપ્ત થયેલ પુત્ર-મિત્રાદિ વિશેષ વિષય જ જેની ઉપાધિ છે જેને સુપ્રસન્ન અન્ત:કરણની વૃત્તિવિશેષમાં તથા તમોગુણથી આચ્છાદિત થતું નથી, પરંતુ હંમેશા પ્રગટ રહે છે. જે જગતમાં વિષય-સુખ નામથી પ્રસિદ્ધ છે. જે વૃત્તિવિશેષને દર્શાવનાર કર્મથી અસ્થિર થવાથી એ સુખ પણ નાશવંત છે. અંત:કરણમાં તમોગુણને નષ્ટ કરનાર તપ, ઉપાસના, બ્રહ્મચર્ય તથા શ્રદ્ધા વડે નિર્મલતા મેળવી શકાય. એથી સ્વચ્છ અને પ્રસન્ન થયેલ અંત:કરણમાં વિશેષ આનંદનો ઉત્કર્ષ થાય છે, જે રસ જ છે જેમકે, “रसो वै स: । रसो ह्ये वायम लब्ध्वाડन्न्दी भवती । को ह्येवान्य क: प्राण्याद यदेष आकाश आनंदो न स्यात । एष ह्येवाડनंद्यति ।”[7] અર્થાત એ આનંદમય જ રસસ્વરૂપ છે જે જીવાત્મા એ રસસ્વરૂપ પરમાત્માને પામીને આનંદયુક્ત બની જાય છે.

જ્યારે આ આકાશ સમાન પરિપૂર્ણ આનંદસ્વરૂપ પરમેશ્વર જો ના હોત તો એના વગર કોણ જીવિત રહી શકે? કોણ પ્રાણોને ક્રિયા કરવાની પ્રેરણા આપે છે ? આ પરમાત્મા જ સર્વને આનંદ પ્રદાન કરે છે, એમા શંકાને કોઇ સ્થાન નથી. કઠરુદ્રોપનિષદમાં પણ કહેવાયેલ છે કે આનંદસ્વરૂપ હોવાથી મારામાં દુ:ખ નથી.[8] તૈત્તિરીયોપનિષદમાં પણ કહેવાયું છે કે, “सैषाड्डनंदस्य मीमांसा भवती, एतामानन्द मयात्मानमुपसंक्रामति ।”[9] “आनंदम ब्रह्मणो नौ विद्वान न बिभेती कृत्चन ।”[10] “आनंदं ब्रह्मेति व्यजानात ।”[11] “यतो वाचो निवर्तन्ते । अप्राप्य मनसा सह । आनंदं ब्रह्मणो विद्वान ।”[12] અર્થાત જ્યાંથી મનસહિત વાણી એને પ્રાપ્ત કર્યા વગર પાછી ફરે છે એ બ્રહ્માનંદને જાણનાર પુરુષ ભય પામતો નથી “विज्ञानमानन्दन ब्रह्म ।”[13]

આનંદ શબ્દનો અર્થ બ્રહ્મ જ છે, એ વાતની પુષ્ટિ તૈત્તિરીયોપનિષદમાં ભૃગુ - વરુણની કથામાં ઉપલબ્ધ થાય છે જેમકે, “आनंदं ब्रह्मेति व्यजानात । आनंदाद्यायेव खल्विमानि भूतानि जायंते । आनंदेन जातानि जीवंति । आनंदं प्रयंत्यभिसंविशंतीति । सैषा भार्गवी वारुणी विद्या परमे व्योमन प्रतिष्ठिता । स य एत वेद प्रतितिष्ठिति । अन्नवाડनन्न्दो भवति । महान भवति, प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन । महान कीर्त्या ।”[14] અર્થાત બ્રહ્મને જાણવા માટે ભૃગુ પોતાના પિતા વરુણ સાથે વાર્તાલાપ કરતા કહે છે કે, જેનાથી નિશ્વયપૂર્વક સર્વ પ્રાણીઓ પેદા થાય છે અને ઉત્પન્ન થયા પછી પણ જેમના આશ્રય મેળવીને જીવિત રહે છે તથા અંતે વિનાશોન્મુખ થતા જેમાં સમાય જાય છે એવા સામર્થ્યવાન એ તત્વનું મને જ્ઞાન આપો. જેના ઉત્તરમાં વરુણ ભૃગુને તપ કરવાનું કહે છે “तपसा ब्रह्म विजिज्ञासस्व । तपो ब्रह्म ।”[15] આ પ્રમાણે વારંવાર શંકા થતા ભૃગુએ વારંવાર તપ દ્વારા ક્રમશ: અન્ન, પ્રાણ, નેત્ર, શ્રોત્ર, મન તથા વાણી વગેરે છ તત્વોને જાણ્યા. ભૃગુએ છ ને બ્રહ્મ પ્રાપ્તિના દ્વાર તરીકે પણ સ્વીકાર્યા છે. ત્યારબાદ પ્રાણને બ્રહ્મ માન્યા તથા અંતમાં ભૃગુ આનંદને જ બ્રહ્મ માને છે. આમ, અનેક જગ્યાએ આનંદ અને આનંદમય શબ્દથી સર્વશક્તિમાન પરબ્રહ્મનું વર્ણન છે, અન્યનું નહી.

“नेतरोડनुपपत्ते: ।”[16] અર્થાત બ્રહ્મથી ભિન્ન જે જીવાત્મા છે, એ આનંદમય હોય શકે નહી. તૈત્તિરીયોપનિષદના બ્રહ્માનંદવલ્લીમાં આનંદમયના વર્ણન પછી કહેવાયું છે કે, આનંદ સ્વરૂપ પરમાત્માને એવી ઇચ્છા થઇ કે હું અનેક થાઉ એમ વિચારી ફરી એમણે તપ કર્યું. તપના પ્રભાવથી જગતની રચના કરી. આ બાબત જીવાત્મા માટે કહેવાયેલ હોય એમ યોગ્ય લાગતું નથી. કારણ કે જીવાત્મા અલ્પજ્ઞ અને સીમિત શક્તિ ધરાવે છે. તેથી કહી શકાય કે, જીવાત્મામાં જગતરૂપી કાર્ય કરવાની શક્તિ નથી. આમ, જીવાત્મા શબ્દ આનંદમયનો વાચક બની શકે નહી. પરંતુ હંમેશા સુખસ્વરૂપ આત્મા આનંદમયથી પરિપૂર્ણ રહે છે.[17] પરબ્રહ્મના ભયથી વાયુ ગતિ કરે છે, સૂર્ય ઉદિત થાય છે, અગ્નિ, ઈન્દ્ર અને મૃત્યુ પોતાના કાર્ય કરે છે. આનંદ લૌકિક સુખોની જેમ વિષય અને વિષયીને ગ્રહણ કરનાર સંબધથી ઉત્પન્ન થનાર કે સ્વાભાવિક છે? આથી આનંદમય એ શબ્દથી બ્રહ્મની મીમાંસા કરવામાં આવી છે જેમકે “स्वानंदोડहं निरंतर: ।”[18] અર્થાત નિરંતર એવો હું આનંદમય છું.

લૌકિક આનંદ બાહ્ય અને શારીરિક સાધન-સમ્પત્તિને કારણે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. બ્રહ્માનંદરૂપી પ્રસિદ્ધ આનંદ વડે જેની બુદ્ધિ વિષયોથી પર છે એને જ બ્રહ્મવેત્તાને થનાર અનુભવરૂપી જ્ઞાન જ આનંદરૂપી જ્ઞાન હોય શકે. લૌકિક આનંદ પણ બ્રહ્માનંદનો જ અંશ છે. અવિદ્યાથી વિજ્ઞાન તિરસ્કૃત થવાથી અને અવિદ્યાનો ઉત્કર્ષ થવાથી પ્રાક્તન કર્મને કારણે વિષયાદિ સાધનોના સંબધથી બ્રહ્મા વગેરે જીવો દ્વારા પોત-પોતાના વિજ્ઞાનાનુસાર ઇચ્છા કરવાથી એ જગતને અસ્થિર બનાવતા લૌકિક આનંદ બની જાય છે.

લૌકિક આનંદ પણ વિવિધ પ્રકારનો છે. સાધુ, યુવા, વેદજ્ઞાતા, અત્યંત આશાવાદી, શક્તિવાન વગેરે આધ્યાત્મિક સાધનોથી સંપન્ન, ધન-સંપત્તિ વગેરે ઉપભોગના સાધનોથી સંપન્ન છે તેનો જે આનંદ છે તે એક માનુષ આનંદ છે. સ્વસ્થ શરીર, સારૂ શિક્ષણ અને ધન સમૃદ્ધિથી ઉત્પન્ન થનાર ખુશીનો બોધક છે. એવા જે સો આનંદ છે તે મનુષ્ય - ગન્ધર્વનો એક આનંદ છે. માનુષ આનંદ કરતા મનુષ્ય - ગન્ધર્વનો આનંદ સો ઘણો ઉત્કૃષ્ટ હોય છે. મનુષ્ય - ગન્ધર્વ એને કહેવાય છે કે, જે પહેલા મનુષ્ય તરીકે જન્મ લઇને પોતાના કર્મ અને ઉપાસના વડે ગંધર્વસ્વરૂપ ધારણ કરે છે. મનુષ્ય - ગન્ધર્વના જે સો આનંદ છે એ જ દેવ-ગંધર્વનો એક આનંદ છે. દેવ-ગંધર્વના સો આનંદ છે તે નિત્યલોકમાં રહેનાર પિતૃગણનો એક આનંદ છે.

નિત્યલોકમાં રહેનાર પિતૃગણના સો આનંદ છે તે આજાનજ દેવતાઓનો એક આનંદ છે. આજાનજ દેવતાઓનો સો આનંદ બરાબર કામદેવ - દેવતાઓનો એક આનંદ ગણાય છે. કામદેવ - દેવતાઓના સો આનંદ સમાન એક આનંદ દેવતાઓનો ગણાય છે. દેવતાઓના સો આનંદ બરાબર ઇન્દ્રનો એક આનંદ. ઇન્દ્રના સો આનંદ તુલ્ય બૃહસ્પતિનો એક આનંદ. બૃહસ્પતિના સો આનંદ એ પ્રજાપતિનો એક આનંદ. પ્રજાપતિના સો આનંદ બરાબર બ્રહ્માનો એક આનંદ. ઉપરોક્ત સર્વ આનંદ અકામહત શ્રોત્રિયોને સહજ પ્રાપ્ય છે.[19]

જીવન પણ આનંદ માટે પ્રયોજાયેલ છે. પરમાત્મા પણ આનંદ સ્વરૂપ હોવાથી એનો અંશ એવા જીવાત્મામાં પણ રહેલ છે. જીવનનું ધ્યેય પણ આનંદ, સુખ, મોક્ષ છે, જેને પામવા માટે જીવાત્મા હમેંશા પ્રયાસ કરે છે. બ્રહ્મનું વિશેષ સ્વરૂપ લક્ષણ સચ્ચિદાનંદ છે, જે પણ આનંદને જ દર્શાવે છે.

પાદટીપ

  • मृत्प्रीति: प्रमदो हर्ष: प्रमोदसम्मदा: ।
    स्यादानंदाथुरान्द: शर्म शत्सुखानि च ।। अमरकोश -1-25
  • कठरुद्रोपनिषद - 23
  • छांदोग्योपनिसषद -7/ 10/1
  • प्रश्नोपनिषद -2/10
  • बृहदारण्यकोपनिषद -4/3/9
  • मुण्डकोपनिषद - 2/2/7
  • तैत्तिरीयोपनिषद - 2/8
  • कठरुद्रोपनिषद - 31
  • तैत्तिरीयोपनिषद - 2/9
  • तैत्तिरीयोपनिषद - 3/6
  • तैत्तिरीयोपनिषद - 2/4/1
  • तैत्तिरीयोपनिषद - 3/1
  • बृहदारण्यकोपनिषद -3/9/28
  • तैत्तिरीयोपनिषद - 3/6/9
  • तैत्तिरीयोपनिषद - 3/1/1
  • वेदांतदर्शन - 1/1/16
  • कठरुद्रोपनिषद - 25
  • कुंडिकोपनिषद -25
  • तैत्तिरीयोपनिषद - 1/2/8

  • ડૉ. સંજયકુમાર આર. વસાવા, મદદનીશ પ્રાધ્યાપક (સંસ્કૃત), સરકારી વિનયન અને વાણિજય કૉલેજ, નેત્રંગ, જિ. ભરૂચ. મો. નં. - 9904534261 jayvasava84@gmail.com