Included in the UGC-CARE list (Group B Sr. No 172)
બંકીમચંદ્ર ચેટરજીની નારીકેન્દ્રી નવલકથા ‘કપાલકુંડલા’નું વિષયવસ્તુ

બંગાળના સાહિત્ય જગતમાં બંકિચંદ્રનું પ્રાકટ્ય આકાશમાં ઉદય પામતાં સૂર્યના આગમન સાથે સરખાવવામાં આવ્યું છે. તેમનો જન્મ ૧૮ જૂન ૧૮૩૮ ના દિવસે થયો હતો. તેઓ લેખક, કવિ, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, અને રાજકારણી હતા. બંકીમચંદ્રની સાહિત્યિક પ્રવૃત્તિમાં ચૌદ નવલકથાઓ તેમજ બીજા પ્રકીર્ણ ગદ્યલેખોના અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમના ગીત ‘વંદેમાતરમે’ આંતરિક ગુણવત્તાના પ્રભાવે સ્વયં શ્રોતાઓ અને પ્રેક્ષકોના ચિત્ત ઉપર આકર્ષણ જન્માવ્યુ હતું. છતાં તેનો સંદેશ સમગ્ર રાષ્ટ્રમાં ફેલાવવાનો જો કોઈએ અન્ય પુરુષાર્થ કર્યો હોય અને તેને એક સૂત્રોચ્ચારનું ગૌરવ પ્રદાન કર્યું હોય તો તે શ્રી અરવિંદ હતા. તેમણે આ ગીતનો પદ્યમાં અને ગદ્યમાં અંગ્રેજી અનુવાદ કરેલો છે. બંકિમચંદ્રની નવલકથાઓમાં દુર્ગેશનંદીની, કપાલકુંડલા, મૃણાલિની, વિષવૃક્ષ, ઈન્દિરા, જુગલાંગુરીય(બે વીંટીઓ), ચંદ્રશેખર, રાધારાણી, રજની, રાજસિંહ, આનંદમઠ, દેવી ચૌધરાની, સીતારામ વગેરે છે. લલિતા ઓ મનસ અને યુવાનીના કાવ્યો (કાવ્યો), કમલાકાંતનું દફતર (લેખો), મુચિરામ ગુડેર જીવનચરિત (કટાક્ષગ્રંથ), વિવિધ પ્રબંધ ભાગ-૧,૨ (પ્રકિર્ણ નિબંધો), સહજ અંગેજી શિક્ષા (અંગ્રેજીના સરળ પાઠો), શ્રીમદ્ ભગવદ્ ગીતા (અનુવાદ ને અર્થઘટન), રાજમોહન્સ વાઈફ (નવલકથા અંગ્રેજીમાં) વગેરે લખાણો આપ્યા છે. ઈ.સ.૧૮૯૪માં આરંભના મહિનાઓમાં જ બીમાર થયા અને બીમારી વધતાં તે જ વર્ષના એપ્રિલની આઠમી તારીખે આ મહાન સાહિત્ય સ્વામીનો જીવનદીપ બુજાઈ ગયો. બંકીમચંદ્રની કલ્પનાશક્તિએ ‘કપાલકુંડલા’માં એક એવા નારી પાત્રનું સર્જન કર્યું છે જે બીજી નવલકથાઓથી અલગ પડે છે. તેને વાર્તાની સુયોગ્ય પશ્ચાદભૂમિ વિષે રમતી મૂકીને એક અદભૂત નવલકથાનું સર્જન કર્યું છે. આ નવલકથા ચાર ખંડમાં વિભાજિત કરવામાં આવી છે.

નવલકથાની શરૂઆત અઢીસો વરસ પહેલાના સમયથી થાય છે. માહ મહિનાના મળસ્કે ઉતારુઓથી ભરેલી એક નૌકા ગંગા નદીમાંથી પાછી ફરતી હતી. ચાંચિયાઓનો ભય હોવાથી સંગાથમાં મુસાફરી કરવાની પ્રથા હતી. પણ આ હોડી કાફલાથી અલગ પડી ગઈ હતી. ઘણા મુસાફરો ઊંઘતા હતા. એક વૃદ્ધ અને એક યુવાન પથારીમાં પડ્યા પડ્યા વાતચીત કરતા હતા. હોડી ક્યાં જાય છે તે કોઈને ખબર ન હતી. ગાઢ અંધારું હતું. વૃદ્ધનો ઊભો પાક કોઈ લણી ગયું તેની વાત યુવાનને કહે છે. જ્યારે યુવાનને તો દરીયો અને નદી જોવાની ઈચ્છા હોવાથી તે અહીં આવ્યો છે એમ જણાવે છે.

ઠંડીને લીધે હોડીમાં પડદા નાખવામાં આવ્યા હતા, અને બંને નાવિકો ભયભીત હતા ક્યાં આવી ગયા છે તે ખબર ન હતી. બંનેની વાત સાંભળી બધાજ મુસાફરો ભયભીત થઈ જાય છે. સવાર પડતાં જુએ છે તો એક નદીનો વિશાળ પટ નજરે ચડે છે. તે સ્થળે રસુલપુરની નદી દરીયાને મળતી હતી. નદી કિનારે જંગલ હતું હોડીમાં બળતણ ન હોવાથી ખાવા બનાવવા માટે જુવાનિયો કુહાડી લઈને વાઘની બીક લાગવા છતાં લાકડાં લેવા જાય છે. પણ તેને પાછા આવવામાં ઘણીવાર લાગવાથી અને દરિયામાં ભરતી આવવાથી બીજા ઉતારુઓ અને ખલાસી તેને મૂકીને જતાં રહે છે. યુવાન આવે છે પણ કાંઠે કોઈ મળતું નથી. ફરી પાછો જંગલમાં જતાં એક કાપાલિક મળે છે જે મનુષ્યની ખોપરી ઉપર બેઠો બેઠો તપસ્યા કરે છે અને જોડે એક હાડપિંજર પણ પડ્યું છે. તે અહીં માનવબલી આપતો હોય છે પણ યુવાન આનાથી અજાણ છે. તે કાપાલિકના ઘરે ઝૂંપડીમાં બે દિવસ રહે છે. કાપાલીક તેની બલી આપવાની યોજના બનાવે છે. અને ત્યાં કપાલકુંડલા યુવાનને બચાવે છે અને એક મંદિરે પૂજારી પાસે લઈ જાય છે. કપાલકુંડલાને પણ કાપાલિકે પોતાના યોગસિદ્ધિના બળથી ઉછેરેલી હતી પણ તે મનુષ્યપ્રેમી હતી. મંદિરના પૂજારી કપાલકુંડલા અને નવકુમારના લગ્ન કરાવે છે અને તેની સાથે મોકલી દે છે. નવકુમારની પ્રથમ પત્ની રામગોવિંદ ઘોશાલની કન્યા પદ્માવતી હતી. પણ તે જાત્રા દરમિયાન પિતા સાથે પઠાણોની કેદમાં રહેવાના કારણે નાતબહાર મુકાય છે અને તેથી તેઓ મુસલમાન ધર્મ અપનાવે છે તે કારણે બંને છૂટા પડે છે. પૂજારી આ વાત જાણતો ન હોવાથી નવકુમાર અને કપાલકુંડલાના લગ્ન કરાવે છે અને મંદિરમાંથી વિદાય આપે છે, સાથે થોડી ભેટસોગાદો પણ આપે છે.

મેદીનીપુર પહોંચીને નવકુમારે પૂજારીએ આપેલા પૈસા વડે કપાલકુંડલા માટે એક દાસી અને એક વળાવિયો કરી તેને પાલખીમાં રવાના કરી. પાલખી ઉપાડનારા વધારે ચાલતા હોવાથી ઘણા આગળ નીકળી જાય છે, જ્યારે નવકુમાર પાછળ રહી જાય છે. નવકુમારને રસ્તામાં અંધારે બીજી કોઈક પાલખી અથડાય છે. તેની પાસે કોઈ મૃતદેહ મળે છે. તપાસ કરતાં કોઈ પઠાણ સ્ત્રી મતિબીબી હતી તેને બંદી બનાવી નોકરને મારી નાખી લૂંટ ચલાવી લૂંટારુઓ ભાગી ગયા હતા. નવકુમાર મતિબીબીને આગળ ધર્મશાળામાં સાથે લઈ જાય છે. દીવાના પ્રકાશમાં બંનેની વાતચીત થાય છે. તે પરથી જાણવા મળે છે કે યુવાન નવકુમાર શર્મા છે અને તે સપ્તગ્રામનો રહેવાસી છે. યુવતી પોતાની ઓળખ પશ્ચિમની મુસલમાન તરીકે આપે છે. ત્યાં તો પાછળ તેના દાસ દાસી આવી પહોંચે છે. અને બીજો સાર સરંજામ લઈ આવે છે. મતિબીબી ઘરેણાં પહેરે છે ત્યારે નવકુમાર તેની પ્રસંશા કરે છે અને મતિબીબી નવકુમારની બંગાળી સ્ત્રીને મળવા કહે છે. પછી બાજુની ઓરડીમાં તે દાસી સાથે મળવા જાય છે અને પોતાના ઘરેણાં કપાલકુંડલાને ભેટ આપીને ત્યાંથી વિદાય લે છે.

નવકુમાર કપાલકુંડલાને એક બે ઘરેણાં પહેરાવી બીજા પેટીમાં મુકી પાછો પાલખી સાથે ગામ જવા રવાના થાય છે. રસ્તામાં કપાલકુંડલા ભીખારીને બધાજ ઘરેણાં આપી દે છે. તેઓ ઘેર પહોંચે છે નવકુમારના પિતા ગુજરી ગયા હતા અને મા તથા બે બહેનો હતી. ઘરે પાછા આવેલા પડોશીઓએ તો નવકુમારને વાઘે મારી નાખ્યો છે. તે પોતાની આંખે જોયું અને કહેલું તેથી નવકુમારની મા મરણવશ થઈ હતી અને સામે દીકરાને તથા વહુને જોતાં તે ખુશ થઈ જાય છે. તેની માને કપાલકુંડલા નામ બિહામણું લાગતાં તેનું નામ મૃણમયી રાખે છે. અને નણંદ શ્યામસુંદરી સાથે તે વાતો કરે છે કે હવે સોનાની પૂતલી સમો પુત્ર મને મળ્યો છે છતાં મને એ જંગલમાં મુક્તમને ફરતી હતી તેવું ફરવાનું યાદ આવે છે. તે વનોમાં રખડું તો મને સુખ મળે તેમ કહે છે. મૃણમયી માતા ભવાનીને જે બીલીપત્ર ચડાવ્યા તે પડી ગયા હતા તેથી ખરાબ થવાનું છે તેમ ભાગ્યમાં કોણ જાણે શું લખ્યું હશે તેમ જણાવે છે. અને આ વાત સાંભળી શ્યામસુંદરી કંપી ઉઠી. અહીં થોડી અંધશ્રધ્ધા પણ જોવા મળે છે.

મતિબીબીના ચારિત્રમાં જેમ મોટા દોષો હતા. તેમ મોટા ગુણો પણ હતા. જ્યારે તેમના પિતાએ મુસલમાન ધર્મ અપનાવ્યો ત્યારે મતિબીબીનું નામ લૂત્ફ-ઉન્નિસા પાડ્યું હતું, પણ છુપાવેશે દેશવિદેશમાં ભ્રમણ કરવા માટે મતિબીબી નામ રાખ્યું હતું. તેમના પિતા આગ્રાના મુખ્ય ઉમરાવોમાં ગણાવા લાગ્યા હતા. અહીં મતિબીબી દ્વારા મુસલમાનો અને રાજપુતો વચ્ચે સત્તા માટે જે ખેંચતાણ ચાલી રહી હતી તેમાં અનેક કાવતરા થાય છે. તે રાજા માનસિંહના ભાણેજ ખુશરૂ ને રાજા બનાવવા મથે છે. અહીંયા પોતાનો ભાંડો ફૂટી જાય છે તે માટે ઓરિસ્સા જઈને તેના રાજા અને લશ્કરની મદદ મેળવવા જાય છે અને વચ્ચે રસ્તામાં આગળ જણાવ્યા મુજબ નવકુમારનો મેળાપ થતો હોય છે. અહીં એ સમયના સમાજજીવનનું સચોટ ચિત્ર રજૂ થયેલું જોવા મળે છે.

નવકુમારને વિદાય કરી મતિબીબી પણ દાસી સાથે વર્ધમાન ભણી રવાના થાય છે. રસ્તામાં દુત દ્વારા ખબર મળે છે કે અકબર મૃત્યુ પામ્યા છે અને જહાંગીરને ગાદી સોંપી ગયા છે તેથી મતિબીબીની ખુશરૂને રાજા બનાવવાની આશા તૂટે છે અને મહેરુનિસા જહાંગીરની રાણી બનશે કે કેમ? તે જાણવાની તાલાવેલી થાય છે. આ બંને વર્ધમાનમાં મળે છે અને એકબીજાની ઈચ્છા-અનિચ્છાઓ જાણવાનો પ્રયત્ન કરે છે. બંને રૂપ સૌદર્યમાં અપ્રતિમ છે. મહેરુનિસા પ્રેમિકા છે જ્યારે મતિબીબી અહીં સ્વાર્થપરાયણ છે. મહેરુનિસા જહાંગીરને એટલો બધો પ્રેમ કરે છે કે એના માટે મોતને પણ વ્હાલું કરવા તૈયાર છે. આ વાત આગ્રા પહોંચીને મતિબીબી જહાંગીરને જણાવે છે અને તે સાંભળી જહાંગીરની આંખમાં બે એક આસું ખરી પડે છે. આ જોઈને હવે મતિબીબીને પણ વૈભવ વિલાસમાં સુખ લાગતું નથી અને રસ્તામાં જે નવકુમાર મળ્યો હતો તેના વિચારોમાં ખોવાઈ જાય છે અને તે રાજસિંહાસન સર્વ છોડી પ્રિયજનના દર્શન કરવા દોડે છે.

લુત્ફ-ઉન્નિસા (મતિબીબી) સપ્તગ્રામમાં આવી અને રસ્તા પાસે જ નગરના એક મકાનમાં રહેવા લાગી. નવકુમારને મળવા બોલાવે છે ત્યાં બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. મતિબીબી તેમની પત્ની નહીં પણ દાસી બનીને રહેવા તૈયાર છે અને છેવટે દાસી નહીં તો દરરોજ આ રસ્તા પરથી જઈને મોઢું બતાવવાનું કહે છે. પણ નવકુમાર એકનો બે થતો નથી. તે પરસ્ત્રી પ્રત્યે અનુરાગ રાખવાનું સહેજપણ ઈચ્છતો નથી. ત્યારે પોતાનો મનસુબો પૂરો ન થતાં મતિબીબી છંછેડાયેલી નાગણ જેવી લાગે છે. તેના ક્રોધમાં આંખો લાલ થાય છે અને કપાળમાં કરચલીઓ પડે છે. ત્યારે આ દૃશ્ય જોઈ નવકુમારને બાળપણની યાદ આવે છે. અને તું કોણ છે એમ પૂછે છે. ત્યારે તે અબળાએ હું પદ્માવતી છું એમ કહી ઓરડામાંથી બહાર નીકળી જાય છે. નવકુમાર જૂના સંસ્મરણો તાજા થતાં તેને ભૂલવાનો પ્રયત્ન કરતાં ઘરે જતો રહે છે.

સપ્તગ્રામના નિર્જન જંગલવાળા પરામાં નવકુમારનું ઘર હતું. લુત્ફ-ઉન્નિસા બે દિવસ બંધ ઓરડામાં રહીને યોજના બનાવે છે અને પહેરવેશ બદલી પહેલાં તો નવકુમારને પોતાનો બનાવવા કપાલકુંડલાને તેનાથી હંમેશને માટે વિખુટી પાડવા જંગલમાં નીકળી પડે છે. ત્યાં જંગલમાં કોઈ મંત્રોચ્ચાર કરી રહ્યું હતું તે મંત્રોચ્ચારમાં કોઈનું નામ હતું તે સાંભળતા જ લુત્ફ-ઉન્નિસા હોમ કરનાર પાસે જઈને બેઠી.

લુત્ફ-ઉન્નિસાને આગ્રા જતાં અને ત્યાંથી સપ્તગ્રામ આવ્યાને એક વર્ષ થઈ ગયું. કપાલકુંડલાને નવકુમાર સાથે સંસાર માંડયાને પણ એક વર્ષ થયું હતું. એક રાત્રિએ લુત્ફ-ઉન્નિસા જંગલમાં કાપાલીક પાસે બેઠી હતી જ્યારે કપાલકુંડલા પોતાના શયનખંડમાં બેઠી હતી. તેના મનમાં અનેક વિચારો ફરતા હોય છે અને તેને કેવા અલંકાર ધારણ કર્યા છે. તેનું સુંદર આલેખન કર્યું છે. કપાલકુંડલા પાસે નણંદ શ્યામસુંદરી આવે છે અને પતિને વશ કરવા માટેની ઔષધિ રાત્રે જંગલમાં લેવા જવાની વાત કરે છે. પણ કપાલકુંડલા નણંદને સમજાવી પોતે જ જંગલની અનુભવી હોવાથી જવા તૈયાર થાય છે. નવકુમાર તેને રોકે છે અને પોતે લઈ આવવા જણાવે છે. પણ કપાલકુંડલા માનતી નથી અને તે દવા સ્ત્રીએ પોતે જ લાવવી પડે છે એમ જણાવી નીકળી પડે છે. રસ્તામાં રાતની વેળાએ જંગલ કેવું બિહામણું લાગે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ કપાલકુંડલાને તો પહેલાની સ્મૃતિઓ યાદ આવે છે. વિચારમાં ને વિચારમાં તે આગળ નીકળી જાય છે અને રસ્તો પણ યાદ રહેતો નથી એક જગ્યાએ આગ લાગતી હતી અને પાસે જૂનું એક ઓરડાનું મકાન હતું, તેમાં બે જણ વાતો કરતાં સંભળાય છે. કપાલકુંડલા તેમની વાતો સાંભળે છે. કોઈને મારવાની વાતો થઈ રહી હોય છે. બહાર કોઈના આવવાનો અણસાર આવતાં એક બ્રામ્હણ વેશધારી બહાર આવે છે અને કપાલકુંડલા એમ નામથી બોલાવે છે. પોતાને આ બ્રામ્હણ કેવી રીતે ઓળખે છે તે વિચારમાં પડે છે. તું ડરીશ નહીં હું સ્ત્રી છું એમ કહી થોડે દૂર ઝાડ પાસે કપાલકુંડલાને તે બેસાડે છે અને પાછી આવું એમ જણાવી જાય છે. એનો શો હેતુ હશે એની ખબર ન પડતાં કપાલકુંડલા ઘરભણી ચાલી નીકળે છે. તેનો કોઈ પીછો કરતું હોય તેવું લાગે છે. રસ્તામાં વાવાઝોડું અને વરસાદનું ભયાનક દૃશ્ય આલેખાયું છે. તે દોડતી ઘરમાં પહોંચે છે બારણું વાખવા જતાં વીજળીના ચમકારામાં બહાર કાપાલિકને જુએ છે. એ આખી રાત કપાલકુંડલા ભય સાથે પસાર કરે છે અને સવારમાં આંગણામાં વેલ સરખી કરતાં ચિઠ્ઠી મળે છે કે,
“આજ સાંજ પછી કાલ રાતવાળા બ્રામ્હણ યુવાનને મળજે. તારા સબંધી જે અત્યંત જરૂરી વાત તેં સાંભળવા ઇચ્છી હતી તે જાણવા મળશે.”-- બ્રામ્હણવેશી

સાંજે ઘરકામ પતાવી કપાલકુંડલા જવા માટે તૈયાર થાય છે. પણ કઈ જગ્યાએ મળવાનું છે તે ભૂલી જાય છે. ચિઠ્ઠી તો અંબોડામાંથી છુટી ત્યારે નવકુમારને મળી હતી તેથી તે પત્ની પર શંકા કરવા લાગે છે. કપાલકુંડલા કોને મળવા જાય છે તે વિશ્વાસઘાતી છે એમ બોલતો બોલતો એની પાછળ જંગલમાં જાય છે ત્યાં તેને કાપાલિક મળી જાય છે. બંનેની વાતો પરથી ખબર પડે છે કે કાપાલિકના હાથ કેવી રીતે રેતીના ઢગલા પરથી પડવાના કારણે ભાગ્યા હતા. કાપાલિકને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા અને કુંવારી કન્યાનો બલી આપું તો બધુ જ સારું થઈ જાય માટે કપાલકુંડલાનો વધ કરવા આવ્યો છું તું પણ મારી મદદ કર એમ નવકુમારને કહે છે. અને તે ક્યાં જઈ રહી છે તે તને દેખાડું છું એમ જણાવે છે. અહીં તે જમાનામાં મંત્ર-તંત્ર વિદ્યાનો કેવો દુરુપયોગ થતો હતો તે જાણવા મળે છે.

કપાલકુંડલા અને બ્રામ્હણવેશી મળે છે ત્યારે બ્રામ્હણવેશી આપણે બંને ધર્મશાળામાં મળ્યા હતા એમ કહી તેનું ખરું નામ લુત્ફ-ઉન્નિસા છે તેમ જણાવે છે. કાપાલિક તારો બલી આપવા માટે હોમહવન કરે છે તેવું જણાવે છે. હું તારો જીવ બક્ષુ છું પણ તેના બદલામાં તું મારા સ્વામીનો ત્યાગ કર, તને વિદેશમાં રહેવા માટે ધન, દોલત, હવેલી, દાસ, દાસી આપું છું. એવા પ્રલોભનો પણ આપે છે. પણ કપાલકુંડલા કંઈ લેવાનું ના કહી કાલથી તમને અડચણરૂપ નહીં થઉં એમ કહે છે. આ દૃશ્ય દુરથી નવકુમાર જુએ છે બંનેની વાતો તેને શંકાશીલ લાગે છે. લુત્ફ-ઉન્નિસા કપાલકુંડલાને વીંટી ભેટ આપે છે આ બધુ નવકુમાર જુએ છે અને કાપાલિક પાસેથી સુરાપાન કરે છે આ બાજુ કપાલકુંડલા આત્મબલિદાન દેવા તૈયાર થાય છે. માતા ભૈરવી તેમ કરવા કહે છે. નવકુમાર અને કાપાલિક તેને મસાણ તરફ લઈને ચાલે છે. કાપાલીકનું પુજાસ્થાન ગંગાતીરે રેતાળ જમીન ઉપર હતું. પાસેના રેતીપટ ઉપર મસાણ હતું. બંને સ્થાનની વચ્ચે ભરતી વખતે પાણી આવતું. કાપાલિકે નવકુમાર અને કપાલકુંડલાને દર્ભાસન ઉપર બેસાડી તંત્ર વિધિ પ્રમાણે પૂજાની શરૂઆત કરી.

કપાલકુંડલાને સ્નાન કરાવવા નવકુમાર નદી પાસે લઈ જાય છે. રસ્તામાં સ્મશાનનું બિહામણું દૃશ્ય આલેખાયું છે બંને વાતો કરતાં હોય છે નવકુમાર તેને વિશ્વાસઘાતી કહે છે જ્યારે કપાલકુંડલા જણાવે છે કે હું વિશ્વાસઘાતી નથી પણ બ્રામ્હણવેશી બીજું કોઈ નહીં તમારી પ્રથમ પત્ની પદ્માવતી હતી. હું તો અહીંયા માતાજીને મારા દેહનુ બલિદાન આપવા આવી છું. આ સાંભળી એવું ન બોલીશ એમ કહી નવકુમાર કપાલકુંડલાનો હાથ પકડવા જાય છે ત્યાં તો ભેખડ ધસી પડતાં કપાલકુંડલા નદીમાં પડે છે તે જોતાં જ નવકુમાર પણ તેને બચાવવા પાછળ કૂદી પડે છે. નવકુમારને તરતાં આવડતું હોવાથી થોડીવાર આમ તેમ શોધે છે પણ કપાલકુંડલા પાણીમાં ગરકાવ થઈ જતાં મળતી નથી માટે નવકુમાર પણ બહાર નીકળતો નથી. તે અથાગ ગંગાના પાણીમાં વીંઝાતા વાયુથી ગાંડા બનેલા મોજાઓમાં અથડાતાં-કુટાતાં કપાલકુંડલા અને નવકુમાર ક્યાં ચાલ્યાં ગયાં?

આમ, આ નવલકથામાં કપાલકુંડલાનું વ્યક્તિત્વ અનોખી રીતે આલેખાયું છે. તેનો ઉછેર એક કાપાલિકને ત્યાં થયો હોવા છતાં તે નવકુમારને બચાવે છે. અને તેની સાથે લગ્ન થતાં પત્નીવ્રત ધર્મ નિપજાવે છે. પદ્માવતી એ નવકુમારની પ્રથમ પત્ની છે એ જાણતા એ પોતે જ બંનેના માર્ગમાંથી હટી જવા પોતાના દેહનુ માતાજી સમક્ષ બલિદાન આપવા તૈયાર થાય છે. જ્યારે પદ્માવતી પોતે મતિબીબી, લુત્ફ-ઉન્નિસા જેવા નામો સાથે રાજકીય કાવાદાવા પણ કરે છે તે વખતનું મુસ્લિમ સામ્રાજ્ય પણ નજરે પડે છે. પદ્માવતી પોતાના પતિને બાળપણમાં લગ્ન થયેલા હોવાથી ઓળખતી નથી, અને પછી પતિને ઓળખતાં તેને મેળવવા માટે પોતે કાપાલિકનો સાથ આપવા પણ તૈયાર થઈ જાય છે. પણ કપાલકુંડલાને મળતાં જ બંને વચ્ચે સીધી વાત થઈ જાય છે. નવકુમાર એક નીડર યુવાન હતો, જંગલમાં વાઘ હોવાની વાત જાણવા છતાં તે હોડીના લોકો માટે લાકડા લેવા કુહાડી લઈ નીકળે છે. અને એકલો ત્યાં રહી જાય છે. કાપાલિક ને ખોપરીની પુજા કરતો જુવે છે તેમ છતાં તેના ઘરે રહે છે. પણ કપાલકુંડલા દ્વારા તે બચે છે. કાપાલિક પોતાની યોગસિદ્ધિ પૂરી કરવા અનેક કાવાદાવા રચે છે. અંતે તેની ઈચ્છા પૂર્ણ થતી નથી અને નવકુમાર કપાલકુંડલા સાથે નદીમાં ગરકાવ થાય છે.

સંદર્ભ ગ્રંથ :

  1. ભારતીય સાહિત્યના નિર્માતા બંકીમચંદ્ર ચેટરજી, લેખક-સુબોધચંદ્ર સેનગુપ્ત, અનુવાદ-રતિલાલ છાયા, પ્ર-સાહિત્ય અકાદમી, રવિન્દ્રભવન, ન્યુ દિલ્લી-૧૧૦૦૦૧, પ્રથમ આવૃત્તિ-૧૯૯૦
  2. કપાલકુંડલા, તારાચંદ રવાણી, પ્ર-તારાચંદ માણેકચંદ રવાણી, રવાણી પ્રકાશન ગૃહ, ટીળકમાર્ગ, અમદાવાદ, બીજી આવૃત્તિ-૧૯૬૩


સુનિલ જે. પરમાર, પીએચ.ડી. રિસર્ચ ફેલો, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ-૩૮૮૧૨૦ મો- ૯૫૮૬૬૮૭૮૫૦ sunilparmar1709@gmail.com