Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘ભવોભવની ભવાઈ’- ઈડરિયા પંથકના ગ્રામીણજીવનની કથા

‘કીડીએ ખોંખારો ખાધો...’ બાદ ‘ભવોભવની ભવાઈ’ નામે બીજી નવલકથા દિનુ ભદ્રેસરિયા પાસેથી પ્રાપ્ત થઇ છે. ‘ભવોભવની ભવાઈ’ નવલકથામાં ઈડરિયા મલકનું તત્કાલિન લોકજીવન રજૂ કરી સામાજિક, આર્થિક, રાજકીય અને જ્ઞાતિ વ્યવસ્થાનું ચિત્ર લેખકે ઉપસાવ્યું છે. દશ પ્રકરણોમાં આલેખાયેલી આ નવલકથામાં કરમલા ગામનું લોકજીવન હુબહુ નિરૂપાયું છે. લેખકે નિવેદનમાં નોધ્યું છે : “ઈડરિયા મલકના જીવતરમાં મેં ઝીણવટથી જાણેલી-માણેલી ક્રિયા-પ્રક્રિયાઓના ફળસ્વરૂપ શબ્દદેહ અવતરેલી આ નવલકૃતિ પ્રસંગજન્ય લાગે ખરી,પરંતુ પ્રસંગચિત્ર નથી. અહી મેં મારી સર્ગચેતનાને સંસ્પર્શથી ઢંઢોળનારા સાચુકલાં મનેખના જીવતરને કળારૂપમાં બાંધ્યા છે. તેથી કલ્પનોત્થ વાસ્તવને બદલે; નરી આંખે નિહાળનારના મુખોમુખ સાંભળેલા નગ્ન વાસ્તવ તેની નક્કર ભૂમિ સાથે પ્રગટ કર્યો છે. તેમાં પણ જ્યાં જ્યાં તળપદાપણું આલેખ્યું છે ત્યારે ભૂતકાલીન વર્તમાન પ્રગટાવવા વર્તમાનના પરિબળોને તેની આંતર છબીઓ રૂપે આલેખ્યાં છે.”

કરમલા ગામના દલિતો પસાયતાંની (બક્ષીશમાં મળેલી જમીન) વિઘોટી ભરવા દરબારગઢમાં જવાનું નક્કી કરે છે. એ વાત ગામની બિનદલિત કોમના ધ્યાને આવતાં ,દલિતવાસ પર કણબી અને ઠાકોરકોમ સાથે મળી હુમલો કરે છે. સ્ત્રી-પુરુષ, યુવાન-વૃદ્ધ, બીમાર-તંદુરસ્ત જે પણ ઝપટમાં આવ્યું એને ખુબ ફટકારે છે. ઘરવખરી પણ તોડી નાખે છે. અરે! નિઃસહાય એવી કચરા સેનમાના દીકરાના વહુ પર ભૂખ્યા નરવરુની જેમ તૂટી પડી, પોતાની વાસનાને સંતોષે છે. ટેંબા પર હાહાકાર થઇ જાય છે. દીપસંગના મુખે ઉચ્ચારાયેલું વાક્ય તો જુઓ- “હારી ઢે...આંની જાત્ય થૈનં.....જમીંદાર થવાના હવાદ્દ થયા સં તમનં......તે દરબારગઢમાં જવાના સાં?”[1]

દલિતોને સબક શીખવવાના હેતુથી ટેંબામાં પ્રવેશેલું બિનદલિતોનું ટોળું ઝનૂની બન્યું હતું. ટોળામાંથી આવતો અવાજ “ અરફેટમાં આવઅ ઈનં હાજો મેલતા નંઈ.....” ઝનૂનીપણાની સાક્ષી પૂરે છે. બિનદલિતોના આવા અચાનક આક્રમણનો ભીખી જેવી દલિતનારી સામનો કરે છે. જન્મથી અંધ એવા હીરા રામા પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરે છે ત્યારે ભીખી અચાનક રણચંડી બની લલકારે છે- “આવાં મારા રોય....આંમના આવાં....આં ... આજ્અ એક્દાને ઈની માનું ધાવણ યાદ ના દેવરાવું તો મારું નામ ભીખલી નઈ લ્યા!”[2]

અહીં ભીખીના આક્રોશમાં નારીચેતનાની સાથોસાથ દલિતચેતના પણ જોવા મળે છે. દલિતોની જમીન હડપવા ગામના બિનદલિતો કાવતરા કરે છે. આ તરફ દલિતો પણ બિન દલિતોની બદદાનત પામી જાય છે એટલે વણકરવાસ,રોહિતવાસ, સેનવાવાસ અને ઓરગણા વાસ- ચારેયવાસ ભેગા મળી બિનદલિતોનો મજબૂતાઈથી પ્રતિકાર કરવાનું નક્કી કરે છે.

લેખકે દલિતોમાં જોવા મળતી આંતરિક અસ્પૃશ્યતાની પણ સવિગત ચર્ચા કરી છે. વણકર-રોહિત-સેનમા-ઓરગણા વચ્ચે અસ્પૃશ્યતા જોવા મળે છે. ચારેય કોમ એકજૂટ ના હોવાથી જ બિનદલિતો એનો લાભ લઇ આ રીતે અત્યાચાર ગુજારે છે. ચારેય વાસના દલિતોને વાસ્તવિકતા સમજી તેથીજ સૌ પ્રથમ ચારેય વાસની એકતા કરવાનું સૂચવતા પશા ગોવા કહે છે- “આપરઅ જીનં આજ્અ શ્યારેઅ વાહ બેઠા સં એટલ્અ મું કઉં સું ક્અ આપરામાં પેહેલી ઊસનીસની ઘો તો કાઢવાની પેલી વાત કરાં, પસઅ ગાંમ હામું તાક હ્યું.”[3]

ચારેયવાસના દલિતોમાં ઊંચ-નીચના ભેદભાવ હતાં.કચરા સેનમાએ બાપા પાછળ નાત કરેલી ત્યારે અન્ય વણકર, રોહિત, ઓરગણાવાસને જમણવારનું આમંત્રણ આપે છે પરંતુ ત્રણેયમાંથી એકેય વાસના લોકો કચરાને ત્યાં જમવા ના ગયાં. કારણ એટલું જ કે સેનમાં તો આપણાથી નીચા કહેવાય અને એટલે એમનું ના ખવાય. ચારેયવાસની એકતા માટે એકત્રિત થયેલા લોકોને દાના રામા સ્પષ્ટપણે સંભળાવે છે- “આ પેલે ઘાંશી જીવતો બોકારિયા વાઢીનં ટીસકારા ઉડારંસ તોય મિયાં મા’દેવનું વેર ભૂલી વેવારમાં એક ખાટલામાં બેહતાં કણબી અનં ઠાકરાં ઘાંશ્યા ભેગા ભળી જાંય સં,તાણં આપરા શ્યાર વાહ ન એક થતાં હૂં થાય સં?”[4]

લાંબી ચર્ચા-વિચારણા બાદ ચારેયવાસ એક થવા સંમત બન્યા અને દરબારગઢમાં હુમલાખોરો સામે રજૂઆત કરવા પહોંચે છે. અહીં બાબાસાહેબનો ‘સંગઠિત બનો અને સંઘર્ષ કરો’ નારો બુલંદ થતો જોઈ શકાય છે. જોકે કેટલાક દલિતો આ બાબતે ભય અનુભવે છે. જેમાં તેમનું દમિતમાનસ છતું થાય છે.

દલિતોની રજૂઆતને ધ્યાને લઇ ગાયકવાડી રખેવાળ એવા મિયાંબાપુનો બાતમીદાર તાર કરી મિયાંબાપુને સમગ્ર હકીકતથી વાકેફ કરી દે છે. ઘટનાની ગંભીરતા સમજી હુમલાખોરોને પકડવા મિયાંબાપુ કરમલા ગમે પોલીસ મોકલી આપે છે. આવેલ પોલીસ હુમલાખોરોને પકડી લઇ, તેમને વડોદરા લઇ જવા જાદર સ્ટેશને પગપાળા નીકળે છે. રસ્તામાં માધા જેઠા પોલીસ અધિકારીઓ સાથે નાણાંકીય લેવડ-દેવડ કરી સૌ હુમલાખોરોને છોડાવી લે છે. સ્વરાજપ્રાપ્તિ પહેલાં પણ લાંચિયું પોલીસતંત્ર હતું તેનું ઉદાહરણ જોવા મળે છે.

સ્વરાજ મળ્યાં બાદ કરમલાગામમાં શાળા શરૂ કરવામાં આવી હતી પરંતુ દલિત બાળકો પ્રત્યે શાળામાં અસ્પૃશ્યતા રાખવામાં આવતી.દલિત બાળકોને બિનદલિત બાળકોથી દૂર જુદાં બેસાડવામાં આવતાં. શિક્ષક પણ દલિત બાળકો સાથે પૂર્વગ્રહયુક્ત વ્યવહાર કરતો. દલિત બાળકોને ઢોરમાર મારવામાં આવતો. મોતીના મુખે દલિત બાળકોની પીડાનું વર્ણન તો જુઓ-“બાપા, નેહાળમાં તો પેલો માસ્તર અમનં ઠેઠ ખુણામં બેહારઅ સ. તુકારાથી બોલાવ સ્અ.પેલા ઠાકરાં નં કણબ્યાંનાં છોરાં ગોબરાં આંય તાંય ઇંઆનં પાંહણ બોલાવીનં ભણાવસ્અ પણ અમનં તો સેટણથી જ બૂમો મારઅ સ.”[5]

આઝાદી બાદ પણ શિક્ષણપ્રાપ્તિનો પથ દલિતો માટે સંઘર્ષમય હતો. દાના રામા શિક્ષણનું મહત્વ સમજે છે. ભોગીલાલ કચ્છીએ આંબેડકરના ભણતરની વાત તેને સમજાવી હતી. તેથી જ પોતાના દીકરાને શિક્ષણ પ્રત્યે ગંભીર બનવાનું સૂચવે છે.

દલિતોના પસાયતાં(બક્ષીશમાં મળેલી જમીન) પડાવી લેવા માધા જેઠા કલ્યાણગીરીબાપુનો સહારો લે છે. અંધશ્રદ્ધામાં ગળાડૂબ એવા દલિતોમાં કાળીછાયાનો ડર પેદા કરી, પોતાનું ધાર્યું કરાવવામાં કલ્યાણગીરીબાપુ સફળ થાય છે. અલખધણીનો આશ્રમ બાંધવા એકમાત્ર દાના રામા સિવાય તમામ દલિતો એ પસાયતાં અર્પણ કરી દીધાં. દાના રામા નોખી માટીનો માણસ છે. તે અંધશ્રદ્ધાથી પર છે. દેવી-દેવતા કે કાળીછાયામાં વિશ્વાસ રાખતો નથી.

માધા જેઠાના અતિવિશ્વાસુ એવા કલ્યાણગીરીબાપુ જ તેની સાથે વિશ્વાસઘાત કરે છે. માધા જેઠાની વિધવા દીકરી માણકીને ભગાડી જાય છે. આ તરફ ગામની સ્ત્રીઓમાં નોખી ચર્ચા હતી. નાની ઉંમરે વિધવા થયેલી માણકીના ફરી લગ્ન ના થયાં. બાર-બાર વર્ષથી વિધવાજીવન જીવતી માણકીને કલ્યાણગીરીની સેવા કરતાં કરતાં સ્નેહ બંધાયો અને આખરે જે થવાનું તે થયું. જોકે લેખકે અહીં કેટલાક સમાજોના વિધવાવિવાહ નિષેધ એવા સામાજિક કુરિવાજ તરફ ખાસ અંગુલીનિર્દેશ કર્યો છે.

નવલકથાના અંતે દલિત દાના રામાના દીકરા મોતીના લગ્ન વખતે જમણવારીની તમામ જવાબદારી બિનદલિત એવા ભોગીલાલ કચ્છી ઉપાડી લે છે. લગ્નના દિવસે ભોગીલાલ કચ્છી અને તેની સાથે આવેલા લોકોએ ટેંબાના ચારેય વાસના લોકો સાથે ભોજન લે છે. કથાના અંતે સામાજિક સમરસતા સાથે કથાનો સુખદ અંત આવે છે.

લેખકે કથાને ઉપકારક એવા તમામ મુદ્દાઓને જેવાકે આઝાદી પૂર્વેનો ગ્રામ્ય પરિવેશ, સવર્ણોની જોહુકમી, દલિતોની દયનીય સ્થિતિ, સામાજિક ગેરવ્યવસ્થા, સામાજિક કુરિવાજો, ધર્માંધતા, નારી અન્યાય, સામાજિક કુરૂઢિઓ, કામવૃતિ, નારીચેતના, દલિતચેતના વગેરે કથાવસ્તુમાં વણી લીધાં છે. વ્યસનોમાં ગળાડૂબ અને ચારિત્ર્યહીન સ્ત્રીઓ વિશે પણ લેખક વાત કરવાનું ચૂક્યા નથી. ખંધા, સ્વાર્થી, કપટી પાત્રોની સામે મિયાંબાપુ અને ભોગીલાલ કચ્છી જેવા માનવતાવાદી પાત્રો પણ અહીં જોવા મળે છે.

પ્રસ્તુત નવલકથામાં વર્ણનકલા ખીલી ઉઠી છે. તળજીવન અને ગ્રામીણ વ્યવસ્થાનું તાદ્રશ અને ચિત્રાત્મક વર્ણન જોવા મળે છે. લેખકે ઈડરિયા પંથકની તળપદી બોલીનો યથોચિત ઉપયોગ કર્યો છે. નવલકથામાં પ્રયોજાયેલી કહેવતો, લોકોક્તિઓ અને બોલી પાત્રોની મનોદશાને ઉજાગર કરે છે. કથાનો પ્રવાહ જે રીતે ચાલે છે એમાં મિયાંબાપુની સુબેદારીનો અંત, કલ્યાણગીરી બાપુનું આગમન અને ગૂમ થઇ જવું વગેરે ઘટનાઓને ઝડપથી આટોપી લેવાઈ હોઈ એવો ભાસ થાય છે.

સમગ્ર રીતે જોતાં પ્રસ્તુત નવલકથા બિનદલિતોની જોહુકમી સામે પ્રતિકાર માટે જાગૃત થતાં ગ્રામીણ દલિતસમાજની સંઘર્ષકથા ગણાવી શકાય. એકતા અને જાગૃતતા વિના અત્યાચાર કે શોષણને રોકી શકાય નહિ એવો સંદેશો પણ નવલકથામાંથી પ્રાપ્ત થાય છે. આમ, ‘ભવોભવની ભવાઈ’ નવલકથા ગુજરાતી દલિત નવલકથામાં ઉમેરણ કરતી અને દલિત નવલકથાપ્રવાહને ગતિ આપનારી ધ્યાનાકર્ષક નવલકથા બની છે.

સંદર્ભ ::

  1. ભવોભવની ભવાઈ, દિનુ ભદ્રેસરિયા, દામિની પબ્લિકેશન, પ્ર.આ. નવે. ૨૦૧૪, પૃ. ૮
  2. એજન,પૃ.૨૦
  3. એજન,પૃ.૪૩
  4. એજન,પૃ.૪૫
  5. એજન,પૃ.૯૭

ડૉ. વસંત એમ.ચાવડા, વીરુસદન, પરિશ્રમનગર, મુ.પો.કઠાણા, તા.બોરસદ, જિ.આણંદ