Included in the UGC-CARE list (Group B Sr. No 172)
વિચરતી જાતિઓને ઉજાગર કરતો વાર્તાસંગ્રહ : ‘ડેરો’

કાનજીપટેલની ‘ડેરો’ વાર્તાસંગ્રહમાં પંદર વાર્તાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ વાર્તાસંગ્રહની વાર્તાઓના કથાવસ્તુ જોઇએ તો ખ્યાલ આવે કે તેમની વાર્તાઓમાં વંચિત, શોષિત વર્ગની વિટંબણા, પિડા, વેદના કેન્દ્રમાં રહેલી છે. તેમની વાર્તાઓનો પ્રદેશ પરિવેશ પંચમહાલ, મહિસાગર અને દાહોદનો જોઇ શકાય છે. તેમની વિવિધ વાર્તાઓનું કથાવસ્તુ વાચકને કરૂણરસનો આવિર્ભાવ કરાવે છે. સર્જક પંચમહાલ અને તેની આસપાસના ગ્રામ્ય પરિવેશને અનુસરતા જોઇ શકાય છે. વાર્તાઓનું કથાવસ્તુને પામીએ તો ખ્યાલ આવે કે સર્જક એક એવા વર્ગને લઇને સાહિત્યમાં પ્રવેશે છે કે જે આજ સુધી હંમેશાં ઉપેક્ષિત જ રહ્યો છે. આવી વિચરતી વિમુક્ત કોમને સાહિત્યના માધ્યમથી સમાજ સમક્ષ મુકવાનું ભગીરથ કાર્ય કાનજી પટેલ થકી થયું છે.

વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા ‘રાજનો આંકડો’માં ચામઠા કોમને રાજા-રજવાડા સમયે આપવામાં આવેલ દસ્તાવેજી લખાણને કેન્દ્રમાં રાખીને કથાવસ્તુ નિર્માણ પામેલ જોઇ શકાય છે. ‘આંકડો એટલે દસ્તાવેજી લખાણ’(પૃ.૧૪) વાર્તામાં ખોડાભાઇ ચામઠા દ્વારા ચામઠા કોમનો ઇતિહાસ વર્ણવાયો છે. રાજા-રજવાડા વખતે રાજાના કુંવરને ચામઠા કોમની દિકરી સાથે થયેલા પ્રણય સંબંધનુ અને ત્યાર બાદ નિર્માણ પામેલ ભયંકર પરિણામનું વર્ણન છે. રાજાના કુંવર રાજના પાદરમાં આવેલ ‘ગોંદિયું’ તળાવની પાળે ઉભા છે ત્યારે તે તળાવ જેમના માટે ‘થાનક’ છે એવા ચામઠા કોમના તંબુ બહાર એક ચામઠી ઉભી હતી, રૂપરૂપનો અંબાર એવી ચામઠીથી કુંવર આકર્ષાય છે. કુંવર ચામઠીના તંબુ એ જાય છે. નોકરો મહેલ જઇ રાજાને જાણ કરે છે કે કુંવર ‘વટલાયા’. રાજાના અનેક પ્રયત્નો છતાં કુંવર મહેલે ન આવ્યા ને તળાવની પાળે જ ઠર્યા. રાજાને એકનો એક કુંવર હોઇ હવે રાજ્યનું શું થશે? એ ચિંતામાં રાજા ચામઠીને ‘માંગે તે આપવા’ તૈયાર થાય છે. પણ કહી શકાય કે ‘એકમેક ને ઝાલનાર’ કુંવર અને ચામઠી કોઇ લાલચને વશ થતા નથી. ‘રાજનો ભાગ’ પણ ન સ્વિકારનાર ચામઠી રાજાને ઉકેલ બતાવે છે કે સવાસો હાથ કાચા સૂતરના તાંતણા બંધાવો. એ તાંતણે રાજા આપ રમો કે હું રમું. જે રમે એ રાજ લે. સૂતરના તાંતણા બંધાયા, ચામઠી એ તાંતણે રમે છે ત્યારે તેની નજર ચુકવી રાજા ભડાકો કરે છે, અને ચામઠીને મારે છે. વાર્તાનો અંત સુચક છે. રાજાશાહીમાં પણ આ કોમ ભટકતી હતી, આજેય ભટકે છે. તેમને પણ રહેવા ઘર જોઇએ, નિર્વાહ-ખેતી માટે જમીન જોઇએ. આજે પણ આ કોમની સમસ્યાઓને કોણ સમજે છે?

વાર્તાસંગ્રહની ‘મહાભારત’ વાર્તા કરૂણકથા છે એમ કહું તો ખોટું નથી. ચામઠા કોમના જીવનનો વાસ્તવિક ચિતાર આપતી આ કથામાં તળપદી લોકબોલીના શબ્દપ્રયોગ જોઇ શકાય છે. વાર્તાની પ્રથમ પંક્તિ જ દર્દનાક છે જુઓ : “રાજનો માર. રૈયતનો માર. બેઠો માર. ન કહેવાય ન સહેવાય.”(પૃ.૨૦) વાર્તામાં ડોડીયા નામે ગામ અને ત્યાં આવીને વસેલાં છ ચામઠા આદમી જેમની સાથે ત્રણ બૈરાં, નવેક છોકરાં અને વીસેક ગધેડાંના વસવાટ અને ત્યાર બાદ નિર્માણ પામેલ કાયમી વસવાટની સમસ્યા અને નિર્દય લોકોનો ચામઠાઓ પ્રત્યેનો દુર્વ્યવહાર કરૂણતા જન્માવે છે. ગામના સીમાડે આવીને વસેલા ચામઠાઓ મજૂરી કરીને કે માગી લાવીને ગુજરાન ચલાવતા. તેઓને કાયમી વસવાટ માટે તથા તેઓને સરકારી સહાય મળે તે માટે બાજુના વાવો ગામના મૂળજીભાઇ વ્હારે આવે છે. ચામઠાઓના નામ રેશનકાર્ડમાં નોંધાયા. વસવાટ માટે જમીન ફાળવણીના પ્રયત્નો પણ થયા. મૂળજીભાઇની મહેનત રંગ લાવી ને જ્યારે ચામઠાઓને રેશનકાર્ડ મળ્યા ત્યારે પટેલો ગુસ્સે ભરાયા. તેમના સખત વિરોધ અને તેમની કુટનિતીને કારણે મૂળજીભાઇના અથાગ પ્રયત્નો હોવા છતાં ચામઠાંના રહેઠાણ માટેનો પ્રશ્ન વિકટ બનતો ગયો. આમ, ‘મહાભારત’ વાર્તાનું કથાવસ્તુ ચામઠાઓને જીવનની દારૂણ વાસ્તવિકતાનો ચિતાર આપી જાય છે.

‘ભોય’ વાર્તાનું કથાવસ્તુ વરવી વાસ્તવિકતાનો ચિતાર આપે છે. નટ કોમના સોમા નામના યુવકના સંઘર્ષની આ સંઘર્ષકથા છે. વાર્તાની શરૂઆતમાં જ વાર્તાકાર પાંત્રીસ વર્ષ પૂર્વની ઘટનામાં લઇ જાય છે. ખેતરમાં મજૂરી કરીને વાવેલી ડાંગર રાતમાં ચોરી થવાની બીકે ગામલોકોમાં એક પ્રકારનો ભય પેદા કરેલો. વાવણીને બચાવવા લોક ખેતરે સૂવાનુ અથવા તો રાત્રે ખેતરે એક-બે આંટા મારવાનું જતું. એક રાત્રે સોમો નટ ગામ્લોકોના હાથે પકડાયો. અનેક પ્રયત્નો અને ધમપછાડા કરવા છતાં લોકોની પકડમાંથી તે છટકી શકતો નથી. તેને અતિશય માર મારવામાં આવે છે. પોતાના છ બાળકોના નિર્વાહ માટે ચોરી કરવા મજબૂર બનેલો સોમો કરગરે છે. અનેક નિષ્ફળ પ્રયત્નોને અંતે સોમાને હાથકડી ચઢી ગઇ. વાર્તાનું કથાવસ્તુ કરુણરસમાં ખેંચી જાય છે.

‘આજનો ભૂલ્યો ફરી ગણું’ વાર્તા મારી દ્રષ્ટિએ થોડી હાસ્યવાર્તા છે, તો વળી વાદીકોમની વાસ્તવિક કરૂણકથા પણ કહી શકાય. ફરતી-વિચરતી વાદી કોમના સામાજિક રીતરિવાજ, લગ્ન પરંપરા અને તેમાં કેટલિક ઘર કરી ગયેલી માન્યતાઓ, રૂઢીઓ, કુરિવાજોનો પરીચય મળે છે. સમાજમાં એક પત્નિ હાજર હોવા છતાં બીજી પત્નિ કરવી એ એક સામાન્ય ઘટના છે એવું જાણતો ભૂરીયો વાદી પણ બીજી પત્નિ કરવા અધિરો બન્યો છે. લગ્નજીવનમાં ભૂરીયા-મશૂરીને ત્રણ બાળકો છે. બે નાની દિકરીઓ, એક દસ વર્ષની ને એક પાંચ વર્ષની, તો દિકરો વીસ વર્ષનો. દિકરો લગ્ન કરતાં મા-બાપથી જુદો રહે છે. આમ તો ભૂરીયો અને મશૂરી ગરીબીમાં પણ એક-મેકના પડછાયાની જેમ જીવે છે. અઠવાડીયામાં એક વાર તો શહેરમાં જવું જ, અઠવાડીયે કે પંદર દહાડે ગુજરાતી કે હિન્દી ફિલ્મ જોવી જ, સેવલાં, ભજીયાની સાથેસાથે ભૂરીયો દારૂની જ્યાફત પણ ઉડાવે. આવા ખુશખુશાલ પરીવારમાં ભૂરીયાનું બીજી પત્નિ માટેની જીદ્દએ પરીવારમાં આગ લગાડે છે.

‘પહેલવહેલો ભરોસો’ વાર્તાનું શિર્ષક જ સુચવી જાય છે કે વાર્તામાં કોઇ એવી ઘટના હશે કે જેમાં પહેલવહેલો કોઇએ ભરોસો મુક્યો હશે. પ્રસ્તુત વાર્તામાં લિંબો નટ કે જે પોતાને 'રાજનટ' કહી ઓળખાવે છે તેના જીવનમાં આવેલા હડકંપની ઘટના છે. કોર્ટકેસ અને કાયદાકિય આંટી-ઘૂંટીઓમાં આવી ગરીબ પણ ભોળી જાતિ પર ભરોસો મૂકે કોણ? આવા કપરા સમયમાં દિનેશ વકીલ લીંબા માટે આશાનું કિરણ બનીને આવે છે. એટલે જ સર્જકે વાર્તાનું શિર્ષક યથાર્થ જ 'પહેલવહેલો ભરોસો' રાખ્યું છે.

'પાટા' વાર્તામાં રેલવેના પાટા એ એક પ્રતિક તરીકે ઉપસી આવે છે. જ્યારે ઘટનાતત્વ તો ગમજી નાયકના પારીવારિક પ્રશ્નોની આસપાસ ચાલે છે. ગમજી નાયકના પરિવારમાં પત્નિ ઘીરકી અને બે બાળકો. (મોટો ગલજી અને નાનાનો નામ ઉલ્લેખ નથી.) ગમજીનો વ્યવસાય ઝાડ કાપવાનો. લોકો એને બોલાવે ને ગમજી ઝાડ કાપી આપે. કથાવસ્તુની દ્રષ્ટિએ જોઇએ તો વાર્તાનું કથાનક ગલજી અને તેની પત્નિના પારીવારિક સંબધોમાં ઉભા થયેલ વિખવાદનું અને છેલ્લે સબંધોના અંત થકી ગમજીનું ગુસ્સે થઇ રેલવેના પાટા પર પ્રહાર કરવાની ઘટનાનું કથાનક છે.

‘રાણાપ્રતાપના વંશજ’ વાર્તા મેઘા લુહારિયાને કેન્દ્રમાં રાખીને રચાયેલી વાર્તા છે. લુહાર કોમની રહેણી-કરણી, સમસ્યા, સંઘર્ષની આ કહાની છે. આજે આપણે પણ આ ઘટનાને ગ્રામિણ સમાજમાં જોઇએ છીએ, અનુભવીએ છીએ તેમ છતાં આજે પણ આ કોમ ઘણી જગ્યાએ રહેવા માટે એક મકાનથી પણ વંચિત રહી છે. મેઘો લુહાર કે જે પોતાને રાણાપ્રતાપના વંશજ માને છે તે પત્નિ શકરી સાથે લુહારીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાનું મકાન ન હોઇ મેઘાને સપરિવાર આમથી તેમ ફરતાં રહેવું પડે છે. વાર્તાના અંતમાં ગામલોકોના વિરોધથી થાકીને ઘર વિહોણો મેઘો પોતાની પત્નિ અને નાનીબાળકી એમ પરિવાર સમેત નિકળી પડે છે ગામને છોડીને એક નવા ગામની શોધમાં, એક નવી દુનિયાની શોધમાં જ્યાં તેને અને તેના જેવા અનેક ઘરવિહોણાને સમજે એવા પ્રદેશમાં.

‘ડેરો’ વાર્તા એ વાર્તાસંગ્રહના શિર્ષક તરીકે ઉપયોગમાં લેવાઇ છે. આ વાર્તાનું કથાવસ્તું થોડા અંશે ‘પહેલ વહેલો ભરોસો’ વાર્તાના કથાવસ્તુ સાથે મળતું આવે છે. વાર્તામાં મૂળ વણઝારા કોમના રમજૂનાથ મદારીની છોકરીના પ્રેમમાં પડી મદારી તરીકેનું જીવન સ્વિકારે છે. તો વળી, એક જગ્યા એ થી બીજી જગ્યા એ ‘ડેરો’ નાખી ખેલ બતાવી રમજૂનાથ પોતાના પરિવારનું ભરણ-પોષણ કરે છે. પ્રાણીઓ પર અત્યાચાર ન થાય તે હેતુસર કાયદાકિય નિયમોમાં ફેરફાર થતાં રમજૂનાથ જેવા અનેક મદારીઓ કે જેઓ સાપ પકડી, ખેલ બતાવી પોતાનું પેટીયું રળતાં, તેમના જીવન પર પ્રશ્નાર્થ ઉભો થાય છે. સર્જકની કલમે રમજુને કેંદ્રમાં રાખી મદારીકોમની કરૂણતાનું ભારોભાર વાસ્તવિક વર્ણન જોઇ શકાય છે ‘પડાવ’ વાર્તાનું કથાવસ્તુ પણ વાર્તાકારે કબીલામાં રહેતી વંચિત કોમનું કલાત્મક ભાષામાં આલેખન જોઇ શકાય છે.

વાર્તાસંગ્રહની ‘મધપૂડો’ વાર્તાનું કથાવસ્તુ મારી દ્રષ્ટિએ રૂઢીચુસ્ત સમાજ તરફનો અંગુલી નિર્દેશ સમાન કહી શકાય. લગભગ બે થી ત્રણ જ દાયકા પહેલાના ભારતીય સમાજનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે બહુપત્નિપ્રથા એ એક સામાન્ય બાબત ગણાતી. પ્રસ્તુત વાર્તા પણ આવી રૂઢીગત સમાજ વ્યવસ્થાનો નિર્દેશ કરતો બેનમૂન નમૂનો કહી શકાય. વાર્તામાં સૌથી વધુ મહત્વની બાબત હોય તો તે છે સમાજમાં રહેલી અંધશ્રધ્ધા તરફનો અંધવિશ્વાસ.

‘હું આવું છું’ મારા મતે એક સ્ત્રીના સંઘર્ષની કથા છે. કથાવસ્તુ જોઇએ તો તારાગૌરી એક એવું સ્ત્રીપાત્ર છે જે પોતાના જ માણસોના (દિયર-દેરાણી) માનસિક ત્રાસથી વ્યથિત છે.

‘નવા દહાડા’ શિર્ષક પરથી જ ખ્યાલ આવે કે ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુ શાસ્ત્રમાં આસો મહિનાના દિવસોને નવા દહાડા કહે છે. ગ્રામિણ સમાજ જીવનમાં આસો મહિનાના નવા દહાડામાં જોવા મળતી ધાર્મિક વિધિઓ, અંધશ્રધ્ધા કહો કે રૂઢીગત પ્રણાલીનાં દર્શન તરીકે જોઇ શકાય છે. પ્રસ્તુત વાર્તામાં આસો મહિનામાં થતી ધાર્મિક ક્રિયાઓ વિશે અદભૂત આલેખન જોઇ શકાય છે.

‘અંશ’ કુલ આઠ ભાગમાં વહેચાયેલી વાર્તા છે. વાર્તા ઓછી અને તત્વજ્ઞાન વધું એવા ગર્ભિત કથાનકમાં રચાયેલી આ વાર્તા સમજવી થોડી અઘરી છે. વાર્તાકારના જ શબ્દોમાં કહું તો “ ‘અંશ’ એક ચિંતનાત્મક ગદ્ય છે. કાવ્ય સ્વરૂપનું ગદ્ય.” ‘અંશ’ વાર્તા આઠ ગદ્યાંશમાં વહેચાયેલી છે. તેમાં અલગ-અલગ વિષય ચિંતનાત્મક રીતે રજું થયા છે. રજુ થયેલ વિષય વૈવિધ્ય તત્વજ્ઞાનથી ભરપુર અને રહસ્યમય છે. સામાન્ય રીતે તેનો ગૂઢાર્થ સમજાય તેમ નથી.

‘માપ કાઢી લીધું’ વાર્તા પ્રાણીકથા છે, એમ કહી શકાય. ‘જૂમોભિસ્તી’ની યાદ અપાવી જતી પ્રસ્તુત વાર્તા ખેડૂતના જીવનને સ્પર્શનારી છે. તો વળી તેનાથી આગળ તે પ્રાણીપ્રેમને નિરૂપતી વાર્તા છે. માણસ-માણસના સબંધો તો એકબીજા સાથે સંકળાયેલા છે જ પરંતુ જ્યારે કોઇ પ્રાણી પ્રત્યે અનન્ય લાગણી-પ્રેમ-સ્નેહ દેખાય ત્યારે સાચા અર્થમાં માનવતાના દર્શન થતા હોય છે. આમ, કથાવસ્તુની દ્રષ્ટિએ પ્રાણીઓ પ્રત્યેની અનન્ય લાગણીના દર્શન કરાવતી પ્રસ્તુત વાર્તા ઉત્તમ નમૂનો છે.

‘માગણની શું ભઇયાળી?’ વાર્તાનું કથાનક અગાઉની વાર્તાઓની જેમ તંત્ર, મંત્ર, રમેણ (માતાજીનો માંડવો) જેવી ધાર્મિક ક્રિયાઓનો નિર્દેશ કરે છે. શંકર રાવળ નામનું પાત્ર કે જે ભીખ માંગવાની સાથે-સાથે ‘વરાધ’ મટાડવાનું કામ કરતો. તેની વેદના-સંવેદનાને વાર્તાકારે કલાત્મક રીતે આલેખી છે જે ધ્યાનાર્હ બની રહે છે.

સંદર્ભગ્રંથ:

  1. ‘ડેરો’ : કાનજીપટેલ


બારડ ભરતસિંહ હરિશ્ચંદ્રસિંહ, મ. શિક્ષક, શ્રી એચ. પી. ઠાકર વિદ્યાલય શામળાજી, જિ.અરવલ્લી મો. ૯૪૨૭૫૯૪૧૯૨, ૯૨૬૫૨૨૯૨૦૯