Included in the UGC-CARE list (Group B Sr. No 172)
છત

ચીં ચીં કરતી એકમેકને એકઠા થવા માટે ચકલી પોતાના ટોળાંને બોલાવી રહી હતી. ઘટ્ટ કેસરી રંગ બદલતો સુરજ રતાશમાં ફેરવાતો હતો.

‘અરે! રાકેશનાં બાપુ હજુ હમણાં જ તો આવ્યા, ચા પીધી ને વળી ક્યાં ઉપડયા?’ વીણા ઓસરીના નળ નીચે વાસણ રાખતા બોલી. ઓસરીમાં જ ભીતને અડેલીને ઉભેલો બંકોડો પકડતા રામલાલ બોલ્યા, ‘આવું.’

રાબેતા મુજબની આદતને આધીન વીણા બબડી, ‘છે કઈ ચિંતા જેવુ?’ રામલાલ એ ડેલી બહાર પગ મૂક્યો કે તરત વીણાનાં બીજા શબ્દ વાકય રૂપે ચાલુ થયા,’જાણે કઈ પડી જ નથી. સવાર-સાંજ આવે ને જાય! ઘર સાથેનો સંબંધ જ આટલો છે.’

રામલાલને વીણાની આદતની બરાબર ખબર, એટલે કાને બહેરાશ આવી હોય એમ ચૂપચાપ એક પણ સળ પાડ્યા વિના રામલાલ સાંભળી લેતા.

‘દીકરી રમા ઉમરલાયક થઈ, અને આ નળિયાં પણ ઇજ્જત સાચવી જાણે કૃતજ્ઞતા બતાવે છે.’ માથા પર સાડીનો છેડો સરખો કરતાં બોલી.

ડેલીની સાંકળ ખોલતા રામલાલે કહ્યું,‘એ પણ થશે.’

“બાપુ...બાપુ ઊભા રહો એક વાત કરવી હતી.” ઓસરીમાં આવતાં રાકેશે ઓરડામાથી રાકેશ કહ્યું,

સાકળ અટકાવી રામલાલ ખુરશી પર બેસતા બોલ્યા,”બોલ નાનકા શું થયું?’

‘નાનકા’ શબ્દથી જ પિતાના મિજાજનો રાકેશને પરિચય થઈ ગયો. “વાત કરવામાં વાંધો નથી.ખરો સમય છે.” રાકેશ મનમાં બબડ્યો.

બે મિનિટના સન્નાટામાં શાકવાળાનો, ભાસતા કુતરાનો, બે-ત્રણ ગાડીઓના અવાજ શેરીમાં ફરી વળ્યાં.

“બોલને અટકી કેમ ગયો?” ખુરશી પર બેસતા રામલાલે કહ્યું.

“હં ...હા,બાપુ તમે જાણો છો કે વેકેશનનાં દિવસો પૂરા થવા પર છે. આખું વેકેશન ગયું પણ આટલા નિર્ણય પર માંડ પહોચી શક્યો કે મારે આગળ ભણવું છે...બહારગામ.” ખુરશી પાસે અદબથી વાત કરતાં રાકેશે મા તરફ નજર કરી

સવારે થયેલી વાતમાં ફરી પૈસાની બાબતે નવો વણાંક આવતા વીણા રસોડામાથી ઓરડામાં આવી રાકેશની બાજુમાં બેઠી.

ખુરશીના હાથા પર કોણી ટેકવી બંને હાથ દાઢી પર રાખી પૈસાનું જાણે અંકગણિત માંડતા હોય એમ રામલાલ બેઠા હતાં.

“ભલે તું આગળ ભણજે,પણ બે પૈસા કમાઈ ખા તો સારું.”રામલાલનાં વિચારોએ એના પાસે આટલું બોલવ્યું.

લાગણીનાં સેતુને તોડતા અને જોડતા એવાં રૂપિયાની વાત થતી હતી. એવામાં પોતાની સાક્ષી આપવા પાણીયારા પાસેનું નળિયું પડ્યું.ત્યાંથી ડોકાતો સુરજ જમીનમાં અનોખી ભાત રચવા લાગ્યો.સૌનું ધ્યાન તૂટેલા નળિયાના કટકા પર ગયું.

‘‘નોકરી પણ શોધીશ, અત્યારે પણ મારે ભણવું જ છે.” રામલાલનું ધ્યાન તૂટેલા નાળિયાનાં કટકા પરથી ખસી હઠતાને વશ થયેલા શબ્દો સાંભળવા ડોકાયું.

“વાત નિકળી જ છે તો આના ભણવાનું અને આ ઘરનું કઈક વિચારો” રાકેશના ઘુંટણ પર હાથ રાખતા વીણા બોલી.

જિંદગી આખીનો ભાર વેઢારતાં ઘડપણનાં ભારથી ભાગતા રમલાલને જવાબદારીના પ્રશ્નએ આજે પકડી લીધો. ‘ટનનન..’બારનાં કાટે પહોચેલાં ઘડિયાળનાં ટકોરો ઘરમાં ધ્રૂજારી ફેલાવી ગયો.

“વાત સાચી છે, આપણે નવા મકાનની પાયવિધિ કરાવી લઈએ.રાકેશ તું પણ ફી નાં પૈસા લઈ જા.” ચિંતાના ભારને એકસાથે કડડભૂસ કરતાં રામલાલ બોલ્યા.

***

જૂના ઘરમાં રહેવાના છેલ્લા દિવસોની બાદબાકી થતી હતી.નવા ઘરની પાયાવિધિ થઈ, મકાનની ભીતો પોતાના અસ્તિત્વની ઊચાઇ વધારતી હતી.

“લ્યો બાપા,ટી.બીની દવા અને મા આ મારી બચતનો પગાર, નવા મકાનની છત ચણાય એટલે આમાથી પેંડા વહેચજે.” છ મહિના પછી હોશભેર ઘેર આવતાં રાકેશ બોલ્યો.

“જલ્દી કાગળ મળ્યો એ પણ સારું થયું. તું દવા શહેરમાથી લઈ આવ્યો નહિતરા તો...” ચામડીથી ભરાયેલા રબ્બર જેવા ચીમડાયેલા હાથમાથી દવા પડી ગઈ. બાકીનું વાક્ય બાપાના શરીરે જ પૂરું કરી દીધું.

માંડ માંડ પોતાને સંભાળી શકતા રામલાલ શગ સંકોરતા એકાંતને ઉજાગરે જીવતર સાથે મથતા હતાં.છત ચણવાનો દિવસ આવી પહોચ્યો હતો, આગલા દિવસની રાત્રે જ જમતાં-જમતા નકકી થઈ ગયું કે કાલે બપોરે ચણાતી છત જોવા જઈશું.

“બાપા કાલે તમને મારી ગાડીમાં તેડી જઈશ,કંકુ પગલાં વનિતાના નહીં તમારા.” હળવાશના માહોલમાં રમુજ કરતાં રાકેશ બોલ્યો.

“ચાલ ચાલ એવું ના હોય હો...કાં ને બાપુ?” આટલું બોલતા ચિડાયેલી વનિતા અને બાકીના સૌ હસી પડ્યા. વીણાએ વર્ષોબાદ પતિને આટલા ચિંતમુક્ત જોયા.એનાથી બે વાર હસી પડાયું.

શિયાળાની સવારના તડકાનું સૌંદર્ય ઉઘડું ઉઘડું થતું હતું. ચણાતી છતને જોવાની જાણે એને ઉતાવડ ના હોય! વામકુક્ષિ કરતાં રામલાલ બોલ્યા,”થોડીવાર પછી ઉઠાડજે આપણે જઈશું મકાને વીણા તું પેંડા લઈ...”વાક્ય હજુ પૂરું થાય ત્યાં જ મોઢું અટકી પડ્યું અને હાથ છાતીએ રાખી રામલાલ ત્યાં જ ઢળી પડ્યા.

‘બાપુ..’ મો તરફ મૂકતો કોળિયાનો હાથ થાળીમાં પડ્યો, ખાટલા તરફ દોટ મુક્તા રાકેશ ફરી બોલ્યો,’બાપુ..’

ઓસરી તરફથી દોડીને આવતી વીણાના સાડીનો છેડાની કોર પાણિયારે મૂકેલ દીવાની જ્યોતને ખંડિત કરતી ગઈ.

ચાર્વી ભટ્ટ, ભુજ કચ્છ. 9427013372