Included in the UGC-CARE list (Group B Sr. No 172)
ભાવન ‘ટશિયાભર સુખ’નું...

(‘ટશિયાભર સુખ’ પ્રેમજી પટેલ. આવૃત્તિ: ૨૦૧૯, અરાવલિ પ્રકાશન, હિંમતનગર. કિંમત રૂ. ૧૦૦)

રાજશેખરે જે બે પ્રતિભાઓની વાત કરી છે એમાં એક કારયિત્રી પ્રતિભા અને બીજી તે ભાવયિત્રી પ્રતિભા. સર્જકને સર્જન કરવામાં જે શક્તિ ઉપકારક બને તે કારયિત્રી પ્રતિભા, એમ સર્જનને પામવામાં/તેનું ભાવન કરવામાં જે શક્તિ ઉપકારક બને તે ભાવયિત્રી. ભાવનની પણ એક પ્રતિભા છે. લઘુકથાસાહિત્યસ્વરૂપે તો આ વાત ચોક્કસ કે ભાવયિત્રી પ્રતિભાનો અભાવ હોય તો લઘુકથા સમજવી અઘરી બને. લઘુકથા ભાવક જોડેથી અમુકેક ચોક્કસ પ્રકારની સજ્જતા માંગી લે છે. એવું નથી કે લઘુ એટલે નાનું અને કથા એટલે વાર્તા. એમ લઘુકથા નથી બની જતી ભલા! લઘુકથા તો લાઘવની સાથે ઊર્મિ વિસ્ફોટની કળા છે. એમાં કથા, વસ્તુ બનીને નહિ, ઊર્મિ બનીને આવે. આ તો રાયના દાણાને બળદના શીંગડે ટેકવવાની કળા છે. કહો કે વીજળીના ચમકારે મોતીડાં પરોવવા જેવી વાત છે. પરંતુ આજ કાલ તો લઘુકથાના નામે પ્રસંગો, નિરીક્ષણો, ધટનાઓ કે માઈક્રોફિક્સન (માઈક્રોફિક્સનક વિશે પ્રેમજીભાઇએ પ્રસ્તાવનામાં વિગતે વાત કરી છે.) કે ટૂચકાને એમ બધું ભેળશેરીયું ચાલી રહ્યું છે. આ બધું જ અલગ અલગ છે સાહેબ. વાઢવા/લણવા બેસીએ ત્યારે બંટી બાજરીના ભેદની પણ તો ખબર હોવી જોઈએને?! નહિતર ખેતી નહિ, ફજેતી થાય. સર્જન નહી ફર્જન થાય. યાદ રાખવું જોઈએ કે આધુનિક યુગનું લઘુકથાસાહિત્યસ્વરૂપ, પોતાની આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે. ને હવે તો અન્ય સાહિત્યસ્વરૂપોની જેમ ઠીક ઠીક રીતે પોતાનું ગજું પણ કાઢી રહ્યું છે. પણ ખેર, સ્વરૂપની વાતમાં વધારે નથી ઉતરવું, મારે તો વાત કરવી છે એક અચ્છા લઘુકથા સંગ્રહ (ટશિયાભર સુખ)ની અને એક અચ્છા લઘુકથાકાર(પ્રેમજી પટેલ)ની.

પણ એ પહેલાં, અસ્મિતા પર્વમાં શ્રી મણિલાલ હ. પટેલે આપેલા પ્રવચન ‘ગુજરાતી લઘુકથા: સમૃદ્ધિ અને સત્વ’ વિશે થોડું. શ્રી મણિલાલ પટેલ કહે છે કે ‘લઘુકથાનો ત્રીજો મહત્ત્વનો પડાવ (પહેલા ત્રણ મોહનલાલ પટેલ, ઈજ્જતકુમાર ત્રિવેદી અને રમેશ ત્રિવેદી) તે પ્રેમજી પટેલનું ઘર-તલોદ પાસેનું ખેરોલ ગામ. પ્રેમજીએ એ તો લઘુકથામાં આખો ગ્રામીણ સમાજ સમાવ્યો. એની નાની નાની વાતો-વિગતો-ઘટનાઓને સંવેદના સભર પરિસ્થિતિમાં પલટી, ભાષા કર્મથી લાઘવ પૂર્ણ બનાવી અર્થગર્ભને વ્યંજનાપૂર્ણ અંતથી કલાત્મકતા આપી. ત્યાંથી લઘુકથા બીજે જઈ ખરી પણ નીખરી નહિ. દક્ષિણ ગુજરાતમાં તો રવીન્દ્ર પારેખ ને જનક નાયકને મળી-ન મળી અને પાછી પ્રેમજી પાસે આવી...’(પૃ:૧૧૭) ને ઉમેરે છે કે ‘...પ્રેમજીએ લઘુકથાના સ્વરૂપને મોહનલાલ પટેલથી પણ એક ડગલું આગળ લઇ જવામાં સફળતા મેળવી છે...(પૃ:૧૨૧).

તાજેતરમાં જ પ્રગટ થયેલો એમનો છટ્ઠો લઘુકથા સંગ્રહ ‘ટશિયાભર સુખ’માં એકંદરે સિત્તેરેક જેટલી લઘુકથાઓ સંગ્રહિત થઇ છે. આ અગાઉ પ્રેમજી પટેલ ‘ત્રેપનમી બારી’, ‘અમૃતવર્ષા’, ‘સ્પર્શમણી’, ‘અવેર’ અને ‘કીડીકથા’ નામે પાંચેક લઘુકથા સંગ્રહો આપે છે. (શ્રી ઉત્પલ પટેલ ‘પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લધુકથાઓ’ નામે ઉત્તમ સમ્પાદન પણ આપ્યુ છે.) બધી મળીને પાંચસોથી પણ વધારે લઘુકથાઓનું માતબર ખેડાણ કરનાર પ્રેમજી પટેલ લઘુકથાક્ષેત્રે ઉત્તમ સર્જન આપે છે.

આ બધી લઘુકથાઓમાં મજાની વાત એ છ કે પ્રેમજીભાઈ મોટાભાગની લઘુકથાને કોઈને કોઇ નવી જ ટેકનીકથી આલેખે છે. સાવ ક્ષુલ્લક સિચ્યુએશનને લઘુકથાનો વિષય બનાવી, લાઘવને બરાબર પકડી રાખી, તારની ભાષામાં લઘુકથા રચે છે. લાઘવતા છે ને છતાં ય લઘુકથાની વિશાળતા તો આભને આંબે છે. જોઈએ, માણીએ/જાણીએ કેટલીક લઘુકથાઓ.

‘ટશિયાભર સુખ’ની પહેલી જ લઘુકથા ‘કોતર’માં વાત તો આટલી જ છે. કે, એક સાયન્ટીસને પચાસ લાખનું ઈનામ મળ્યું છે; ને એ વાત દીકરો એની માને કહી રહ્યો છે. કહે છે કે ‘મમ્મી આ વૈજ્ઞાનિકને એક જ હાથ છે પાછો...’ એક હાથવાળા સદર્ભે સર્જક નાયિકાને ભૂતકાળમાં ધકેલી દે છે. ‘-જો બેટા, મહિના બે મહિનાની વાત નથી, આતો આખી જિંદગી સાથે જીવવાની એટલે તું ગમે તે કહે પણ લાંબી દૃષ્ટિએ જોવાનું થાય...’ (પૃ:૫) શું એક હાથવાળા માણસ સાથે શું જિંદગી ના જીવી શકાય? શું એક હાથવાળાને પ્રેમ ના કરી શકાય? પણ ના. લોકો કેવું વિચારે છે, ‘...આજના જમાનામાં બે હાથવાળાંને ય રળવાનાં ફાંફા છે તો હાથે કરીને પગ પર કુહાડો ના મરાય. ભલે હોંશિયાર હોય પણ એક હાથ વાળાને નોકળી મળે તો ને?’ (પૃ:૫) ને આજે એ જ એક હાથવાળા વૈજ્ઞાનિકને પચાસ લાખનું ઇનામ મળ્યું છે. અહી એક હાથની ઘટના (વૈજ્ઞાનિક અને નાયિકાના મનોભાવ)ની સહોપસ્થિતિથી ક્રિએટ થતી સિચ્યુએશન લઘુકથાને ઉત્તમ બનાવે છે. પણ! હવે શું ? નાયિકાના જીવનમાં એનો ભૂતકાળ તો જાણે કે ‘પાણીમાં કાંકરી ડૂબી જાય એમ....’ ડૂબી ગયો. ટ્રેજિક!

‘અભણ શિક્ષક’. અભણ! અને પાછો શિક્ષક? હા. શીર્ષક જ ઘણું બધું સૂચવી જાય છે. પપ્પુ ખેતરેથી કાચબાને ઘેર લઇ આવ્યો છે. મમ્મી સમજાવે છે ‘જો સ્કૂલેથી છૂટીને તું ઘેર ના આવે તો અમને કેવું થાય? આપણું કુટુંબ છે એમ આવડા દોઢ ફૂટના કાચબાને પોતાનાં છોકરાં હોય ને! આજે એ ઘેર નહિ જાય એટલે બધાં એની રાહ જોશે ને?’ પપ્પુ કહે છે કે ‘...એકલો દૂર ફરતો’તો ખેતરમાં...વાડ પાસે.’ મા જવાબ આપે છે ‘તું સ્કૂલમાં, બજારમાં એકલો જાય છે પણ પછી ઘેર આવે છે...કે નહી?’ અભણ મમ્મીની વાત એના મનમાં અજવાળું પાથળી ગઈ. ‘પપ્પા ચાલો ખેતરે વાડ પાસે મૂકી દઈએ...’ ને પપ્પાના છેલ્લા શબ્દો છે, ‘સમજાવવા કેટલું ય મથ્યો’તો પણ જીદ કરીને લઇ આવ્યો.... થયું, હજી એની મમ્મી જેટલો હું શિક્ષક થઇ શક્યો નથી એ નક્કી...’ (પૃ: ૯) અહિયાં વાત તો સાવ સામન્ય જ છે પણ, વાત પુરવાર કરે છે કે પહેલી શિક્ષક તે મા. એક બીજી મજાની લઘુકથા છે. ‘ભલે...ઊભા રહેવું પડે’ આમાં કથક બળદ છે. ‘નવું ટ્રેક્ટર જોઈ રાજી થયેલો! થયું ટ્રેક્ટર માટે તો કલાક ઊભા રહેવાનું હોય તોય તોફાન નહિ કરું-, ભલે આખી વેળા જાય..., થતું કે જેટલાં ટ્રેક્ટર વધારે આવે એટલું અમારે માટે તો... ભલે...બે કલાક ઊભા રહેવું પડે....! (પૃ;૧૧) અબોલા પશુની વેદના વ્યક્ત કરતી સ-રસ લઘુકથા બળદ નિમિત્તે ઘણું બધું સૂચિત કરી જાય છે.

સાવ સામાન્ય ઘટનાઓમાંથી ઉપસતી ‘નફો’, ‘હવાફેર’, ‘પરિવર્તન’ ‘ રામ વસ્યા કઈ રીતે’ જેવી લઘુકથાઓ માસન પરિવર્તનની માસ મોટી વાત મૂકી જાય છે. આવી લઘુકથાઓ તો ભાવકના મનમાં જાણે કે હેન્ડગ્રેનેડ બનીને ફૂટે છે.

સ્કુલ બેગમાં પુરાઈ ગયેલું આજનું બાળક, ને; એમાંથી નીકળવા હવાતિયાં મારતું એનું બાળપણ ‘પરપોટો’ લઘુકથામાં હુબહુ આલેખાય છે. રચનારીતિ અને ભાવ બન્નેની દૃષ્ટિએ ઉત્તમ લઘુકથા છે. લઘુકથાની શરૂઆત થાય છે, ‘એ બસમાં બેસી બહાર જોતો રહ્યો...’(પૃ:૧૪) એક બીજું વાક્ય છે, ‘સ્કૂલ આવી ગઈ, ચાલો વન બાય વન લાઈનસર...’(પૃ: ૧૪) અને છેલ્લું વાક્ય છે, ‘પરપોટો ઠૂસ થયો...’ (પૃ:૧૫) ત્રણ જ સિચ્યુએશનમાં ખડી થયેલી લઘુકથા બાળકના મનની અંદર એક પછી એક ઉપસીને ફૂટી જતા બાળમાનસના પરપોટા નિમિત્તે ઘણું બધું કહી જાય છે. મનની ખોટી ભ્રમણા ભાગતી ‘પક્ષીવિદ્’ લઘુકથા પણ સરસ લઘુકથા છે. પ્રેમનું ઘેન તો ભલા વૃક્ષને ય ચઢે! ‘ઘેન’ લઘુકાથમાં વૃક્ષ કથક બનીને આ વાત આલેખે છે. ‘સવારે સાત-આઠ લાલેડાં કલબલાટ વેરી વાડ ઉપર જતાં રહેતાં, સાંજનાં બુલબુલ અને બીજાં ય મારી ઉપર બેસતાં. કલશોર થઇ રહેતી અને મજા પડી જતી મને...’(પૃ:૨૨) ને જયારે; ‘...પાંચ વાગે એક છોકરો-છોકરી આ તરફ વળ્યાં...આવ્યાં, મારા થડે ટેકો લઇ બેઠાં. કબૂતરની જેમ ચાંચમાં ચાંચ લઈને કુદકવા લાગ્યાં, પવન ચુપ હતો તોયે મને રોમાંચ થયો છેક ટોચ લગી. મારાથી મંજરીની વર્ષા થઇ ગઈ. મને આનદનું ઘેન ચઢ્યું. ધેનમાંથી જાગીને જોયું તો અજવાળું રેષાએ રેષામાં પ્રસરેલું!’ (પૃ:૨૨) પ્રેમની અલૈકિક અનુભૂતિ અહી વૃક્ષમાં પણ વ્યક્ત કરી અલૈકિક લઘુકથા આપી છે. ‘લત’ પણ પ્રણયભાવને વ્યક્ત કરતી સુંદર લઘુકથા બને છે. ‘ગાંડી વાત’માં તો વાત જ એમ બને કે છે કે નજર ના લાગે એટલે સિમલીની બાએ એના જમણા હાથે કાળી દોરી બાંધેલી, આ જ દોરીની વાત કરતાં કરતાં જ સિમલીને નજર લાગી ગઈ/પ્રેમ થઇ ગયો છે. ‘કેમ કે દોરી શું રોકે?’(પૃ:૮૫) પ્રણયની વ્યથાને આલેખતી ‘નરવું હાસ્ય’માં કૃષ્ણના સંદર્ભ સાથે પ્રેમની આલૈકિક અનુભૂતિની વાત આલેખે છે.

‘રંગોની ઓળખ’માં શિક્ષિકાને મેજ વાગતાં અંગુઠા પર નીકળેલા લોહી સંદર્ભે ‘....છોકરીની જાત ને લોહીથી ડરવાનું ! આતો નવાં લૂગડાંનો રંગ જાય તેમ....’ સ્ત્રીના રજસ્વલા ધર્મની વાત આલેખે છે. અહી ‘ત્રેપનમી બારી’ માંની ‘લાલંલામ’ લઘુકથા યાદ આવે. કચરા ડોસા નિમિત્તે ‘રીલ’ લઘુકથામાંનો આ સંવાદ જ પરિસ્થિતિ સમજવા પુરતો થઇ પડશે. જૂઓ. ‘...કાલના ભુખ્યા છે. દીકરાવઉં જગલીનો સ્વભાવ આકારો અને કંજૂસ....ઘેર કોઈ આવે તો પાલવે નહિ. એ બાબતે ઝગડો થયો તે કાલનું કાઈ ખાધું નથી. રિસાયા છે. પંચ્યોતેર વર્ષે કોને કે તે ભૂખ્યો છું. એ તો મેં જાણ્યું એટલે તમારી સાથે એય આવે તો... ભલે ખાય...(પૃ:૨૯) છે ને ! એક વાસ્તવિક આલેખન.

‘કજાત’માં ‘પંખીડાં તો ભોળાં છે, મને ય ખબર છે- પણ આ માણસ –લુચ્ચો-કજાત છે...’ અદેખાઈ વાળી માનવતાની વાત મુકે છે. આવી જ એક બીજી લઘુકથા છે ‘શોક’. લીલીયા(બળદ)ના મૃત્યુનો માથે શોક હોય ને ‘ગળે મીઠાઈ શાની ઉતરે...!’ ‘આ લીલીયાએ વીસ વર્ષ કાળી મજૂરી કરી ઘરને પાળ્યું-પોષ્યું... દીકરો મનોજ તો નોકરી નોકરી કરીને ખબર પણ લેતો નથી. જ્યારે લીલીયાએ તો એક રજા પણ પાડી નથી. લીલીયો ક્યાં ને એ પથરો ક્યાં!’ (પૃ:૫૮)

‘માંખ’ કલ્પનનો ઉત્તમ નમુનો બને છે. જૂઓ. ‘શિવજીએ પાર્વતીની વાત ના માની. એ તો રિસાયાં, ફટ્ટ કરતાં અલોપ ! માંખ બની મહાદેવજીની જટામાં સંતાઈ ગયાં. ભોલાનાથ તો તરત જ આકાબાકા થઇ જ્યા. મનોમન માફી માગી, કરગર્યા તે હું તમારી ગાય છું. તમારા વના મીંડું ! જટામાં બેઠેલાં ગૌરી સાભળતાં’તા...હસતાં હસતાં પ્રગટ થયાં. શંકર તો ચકિત થઇ જોઈ રહ્યા.’ ‘–એજ વખતે ક્યાંકથી એક માંખી કાન પર બેઠી, ત્યાંથી વળી નાક ઉપર. થયું આ રમલી હશે કે શું ? પરગટ થશે કે શું? મરજી ન્હોતી તો પૈણવું ન્હોતું....અલોપ થઇ જવું એના કરતાં....’ (પૃ: ૩૮) તો ‘કાણું વાસણ’માં પ્રતીક તો જૂઓ! (વહુએ પંચો આગળ કહ્યું તે પરભામાં રૉમ નથી...’ પૃ:૯૭)ને, આજ વાત પુરાકાલ્પમાં પ્રગટ કરે છે. (‘...ઓચિંતા મહાભારત જોતાં થયું તે વંશ ટકાવવા વ્યાસજીને બોલાવ્યા’તા...!) ચોટદાર લઘુકથા છે. ‘કર્ણ’ પણ આવી જ પુરાકલ્પનના વિનિયોગ વાળી લઘુકથા છે.

‘ફોડ’ નિમિત્તે સર્જક મૈત્રિની પુષ્ઠી કરાવે છે. કોઈને પણ ભીખ ના આપતા કાંતિભાઈએ આજે ‘ખોબો ખોબો સિંગ આપી, ગૉળ આપ્યો.... પચાસ રૂપિયા પણ આપ્યા...’ (પૃ:૯૯) સૂર્ય જાણે પશ્ચિમમાં ઊગ્યો ! વાતનો ફોડ પડે છે ત્યારે ‘....આતો બહુચર માના ભક્તો! ...અગાઉ સાહેબ(કાંતિભાઈ)ના એક ભાઈ પણ માતાજીના ભક્ત થઇ ગયેલા....’ (પૃ:૯૯) કેવી સાવ ક્ષુલ્લક વાતમાંથી શ્રેષ્ઠ લઘુકથા ઊભી કરી છે નહિ! આ જ સ્તો આ સર્જકની ખરી વિશેષતા છે.

કેવી સામાન્ય ઘટનાઓમાંથી સર્જક લઘુકથાઓ શોધી છે; એ પણ એક જોવા/તપાસવા જેવો વિષય છે. માતૃત્વની ઝંખના કરતી એક લઘુકથા છે, ‘મમ્મી’. જશીકાકીને લગ્નને એક દાયકો વિત્યો છતાં નિસંતાન છે. જશીકાકી આજે રેખાની ભેંસની શેડ કાઢવા બેઠાં છે. રેખાની સાડી પહેરીને. કેમ કે ભેંસ રેખાને અથવાર વાર છે ને રેખા આજે ઘેર નથી. ત્યાં અચાનક જ ક્રિકેટ રમતા મુન્ના (રેખાનો દીકરો)નો દડો શેડ (શેર/દૂધ) કાઢતાં જશીકાકીના પગ પાસે જઈ પડે છે; ને મુન્નો સાદ પાડે છે. ‘મમ્મી દડો નાંખજે !’ ત્યાં તો ‘આંચળ દબાવતાં જશીકાકીનાં આંગળાં અર્ધક્ષણ થંભી ગયાં. એના (મુન્નાના) શબ્દોમાં ગળપણ લાગ્યું અને ચિત્તને લહેરાવી ગયું...’(પૃ:૬૮) ‘થયું દસકો વિત્યો પણ બેનાં ત્રણ નથી થવાયું... નકર તો તારા જેવડો મારેય... કાંતો કુંવાસી...હોત...” (પૃ:૬૯) ભેંસ દોહીને રેખાની સાડી બદલી કાઢી, ધરે આવી ગયાં, પણ સવાર સુધી જશીકાકી મુન્નાના ભાવમાં તણાતાં રહ્યાં. અહી ભાવક પણ જશીકાકીના ભાવમાં તણાતો રહે છે. આવી જ માતૃત્વની ઝંખના વ્યક્ત કરીતી બીજી એક લઘુકથા છે ‘ફંગોળાયા.’ અકાળે અવસાન પામેલી દીકરાનો અભાવ વ્યક્ત કરતાં દંપતીના ભાવભીના ઉદગારો ‘લઇ લેવી’તી તો આપી જ શું કામ...? ભલા ભગવાન!’ (પૃ:૫૦) ભાવકને પણ ભાવભીનો કરી જાય છે.

લઘુકથાનું સર્જન, સર્જકને એવું તો સિદ્ધહસ્ત જ થઇ ગયું છે કે સાવ સામાન્યમાં સામાન્ય ઘટનાઓમાંથી ભાવનું આખું વિશ્વ ઘડી નોખી-અનોખી લઘુકથાઓ આપે છે. પ્રણય, પ્રકૃતિ, સમાજ, શિક્ષણ, શહેર, ગામડું, વગડો, તો, પ્રાણી, પક્ષી, કીટક, વળી યંત્ર- વિજ્ઞાન, જન્મ, મૃત્યુ, ઈ તમામ વિષયોનું આલેખન લઘુકથાનો વિષય બનીને આવે છે.

જાતિયતા અને પીઠ ઝબકારની યુક્તિ વાળી લઘુકથાઓ પણ એકદમ ઝબકારો મારીને ઘણું બધું ઝબકાવી જાય છે. વર્ષો પછી પણ કેટલીક યાદો/વાતો ‘એમનેમ’ લઘુકથામાં હુબહુ પડી છે. તો ‘ઠોકર’, ‘પિતા શ્રી’, ‘કાકદૃષ્ટિ’, ‘બેનપણાં’, ‘ચચરાટ’, ‘રંગ’, ‘નેહાકા’ ‘વા’, ‘સૌથી પ્રિય’ ‘ધરતી’ જેવી લધુકથાઓ પણ ઉત્તમ લઘુકથાઓ બની છે. ‘ટશિયાભર સુખ’ની અમુકેક લધુકથાઓ તો મન પર અમીટ છાપ છોડી જાય છે. આશા રાખીએ કે પ્રેમજીભાઈ જોડેથી હમેશાં આવી માતબર લઘુકથાઓ મળતી જ રહે.

દશરથ સો. પટેલ, ગુજરાતી વિભાગ, મીઠીબાઇ કૉલેજ, વિલેપાર્લે (પશ્ચિમ). મુંબઇ : ૪૦૦૦૫૬