Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘દેવો સદા સમીપે’ વિશે

વિશ્વના સાતેય ભૂખંડો ફરી વળેલા અને ગુજરાતી સાહિત્યમાં વિશ્વ પ્રવાસી નામથી જાણીતા એવા પ્રીતિ સેનગુપ્તા પાસેથી આપણને વીસથી પણ વધારે માત્રામાં પ્રવાસ નિબંધો મળ્યાં છે. અહીં મારે જેના વિશે વાઅત કરવી છે એ 'દેવો સદા સમીપે' એપ્રિલ ૨૦૦૩માં પ્રગટ થયેલું તેમનું તિબેટ અને નેપાળ એમ બે દેશોના પ્રવાસનું સંયુક્ત પુસ્તક છે. આ સમગ્ર પ્રવાસ પુસ્તકને તેમણે ત્રણ વિભાગોમાં વિભાજીત કર્યો છે. પ્રથમ ભાગમાં તિબેટ પ્રવાસનાં વર્ણનો છે. જેનું તેમણે ‘સંમુખ સાગરમઠ' એવું શીર્ષક પણ આપ્યું છે. ‘ધર્મનું પ્રતીક' નામના બીજા વિભાગમાં દલાઈ લામાનો એક પત્ર અને એક પ્રવચનનો અનુવાદ તેમણે મૂકી આપ્યો છે. ત્રીજા વિભાગમાં નેપાળના પ્રવાસ વર્ણનો છે. જેનું શીર્ષક ‘દેવો સદા સમીપે' એવું તેમણે આપ્યું છે.

પુસ્તકની શરૂઆત લેખક મહાપ્રવાસી એવા માર્કો પોલોના સંદર્ભથી કરે છે. ઈ.સ. ૧૨૫૦ એટલે કે આજથી લગભગ ૭૭૦ વર્ષ પહેલા માર્કો પોલો નામના એક સાહસિક પ્રવાસીએ પોતાના પિતા અને કાકા સાથે વિશ્વની સફરો ખેડવાનું સાહસ ઉઠાવ્યું હતું. એ સમયે માર્કો પોલો પાસે આજે આપણી પાસે છે તેવી સુવિધાઓ કે ટેક્નૉલોજી નહોતી. તેથી તેમણે અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોતાની અને માર્કો પોલોની તુલના કરતા લેખક કહે છે કે, ‘અગવડો હશે, સાહસ હશે, વિશ્વમાં પરિભ્રમણ પણ હશે, પરંતુ સુવિખ્યાત સુવિદિત આદ્ય - પ્રવાસી માર્કો પોલો જેવું સૌભાગ્ય તો મારું નથી જ નથી !' (પૃ. ૫)

લેખક માર્કો પોલોના ઉલ્લેખ માત્રથી અટકી નથી જતાં પણ તિબેટ(તેબેથ) વિશે માર્કો પોલોએ કરેલા પ્રવાસ વર્ણનને પણ અહીં ટાંકીને પોતાના વિષય માટે એક પ્રસ્તાવના બાંધી આપે છે. આજથી ૭૭૦ વર્ષ પહેલાંના તેબેથમાં અને આજના તિબેટમાં વધારે ફેરફાર થયા નથી એમ પણ પ્રીતિ સેનગુપ્તા નોંધે છે. સાથે સાથે આ સાહિત્ય સ્વરૂપને લગતી તેમની કેફિયત પણ અહીંયાથી મળે છે કે, ‘મને જરૂરી હોય તે રીતે નહિ પણ સ્થાન જે આપી શકે તે રીતે ભ્રમણ કરવાથી જ હું એનો સાક્ષાત્કાર પામી શકું છું.'

તિબેટ એક આગવી ભૌગોલિકતા ધરાવતો દેશ છે. કુદરત સામે અહીં માનવીનું કશું જ ચાલતું નથી. ભૂસ્ખલનો, હિમપ્રપાતો, વરસાદ અહીં સામાન્ય વાત છે. ચારે તરફ ઊંચા પર્વતો અને નદીઓથી ઘેરાયેલો આ દેશ છે. તિબેટ આમતો દુનિયાનો સૌથી ઉંચાઈએ; એવરેસ્ટના ખોળામાં લગભગ દસ-અગિયાર હજાર ફુટ ઊંચાઈએ વસેલો છે. આ દેશ માટે ‘દુનિયાનું છાપરું' એ શબ્દ તો બધા વાપરે છે પણ તેના માટે સર્જક કંઇક આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરે છે, ‘મહોચ્ચ ગિરિ - શૃંખલાના હિમ-મંડિત આસાન પર વિરાજમાન પ્રદેશ.' (પૃ. ૧૧)

તિબેટની ઉત્તર અને પૂર્વમાં ચીન છે, દક્ષિણમાં હિમાલય, નેપાળ, સિક્કિમ, ભૂતાન, ઉત્તર અસમ, ઉત્તર ન્યાનમાર અને ચીનનો થોડો ભાગ છે. જ્યારે પશ્ચિમમાં કશ્મીર, લદાખ અને કારાકોરમ છે. હવાઈ માર્ગે તિબેટમાં પ્રવેશ કરતાં પહેલા જ આકાશમાંથી એવરેસ્ટ પર્વત જોઈ સર્જક એની તરફ આકર્ષિત થઇ જાય છે. વિમાન મથકે ઉતરતા જ તિબેટના પહેલી નજરે તેમણે જે દર્શન કર્યા એનું આલેખન તેમણે આ શબ્દો દ્વારા કર્યું છે, ‘એ સાથે દેખાઈ સાવ સૂકી જમીન અને સ્પષ્ટ થયા સાવ, સૂકા, નગ્ન, તીક્ષ્ણ પર્વતો. શુષ્ક છતાં એ દ્રશ્ય મુગ્ધકર હતું. કશી વિસ્મયકાર ભવ્યતા હતી એમાં. જ્યાં જુઓ ત્યાં ચારે તરફ ખાખી રંગના પહાડો હતા - એવો રંગ કે જેને લીલો કહો તો આછા કથ્થાઈ જેવો લાગે ને બદામી - કથ્થાઈ કહો તો ઝીલી ઝાંય દેખાય.' (પૃ. ૧૭)

આખી દુનિયા જેને એવરેસ્ટના નામથી ઓળખે છે એવા એ પર્વતના પ્રદેશે પ્રદેશે કેવા અલગ નામો પ્રચલિત છે એની નોંધ પણ સર્જક લે છે, ચીનમાં તેને ચોમોલુન્ગ્મા, તિબેટમાં ચોમોલોન્ઝો અને નેપાળમાં બધા એને સાગરમઠ એમ વિવિધ નામોથી ઓળખે છે. આગળ વાત કરી તેમ તિબેટ એ દુનિયાનો સૌથી ઊંચાઈએ આવેલો દેશ છે, એટલે પ્રવાસ દરમ્યાન દરેક જગ્યાની ઊંચાઈ સર્જક નોંધતા જાય છે. ગોન્ગાર નજીક તેઓ જે વિમાન મથક પર ઉતરે છે તેની ઊંચાઈ ૩૫૪૦ મીટર છે ત્યાંથી આ પ્રવાસની શરૂઆત થાય છે. ચીની સરકારે મોકલેલી ખખડધજ બસમાં બેસી તિબેટની આ સૌથી નીચી જગ્યાએથી પ્રવાસની શરૂઆત કરી છેક એવરેસ્ટ પર્વત એટલે કે ૮૮૪૮ મીટર ઉપર સુધી પહોંચી બીજી તરફથી નીચે તરફના એકદમ ઢોળાવવાળા રસ્તામાં અધવચ્ચે સુધીની સફર તેઓ એ જ બસમાં કરે છે, ત્યાર પછી કુદરતના પ્રકોપને લીધે રસ્તાઓ તૂટી ગયા હોવાથી એક પછી એક એમ પાંચેક જેટલી ટ્રકોમાં વારાફરતી તેમને બેસવું પડે છે; ‘એ દરમ્યાન (તેઓ) ચાલ્યાં, ચડ્યાં, ઊતર્યાં, લપસ્યાં, ભીનાં થયાં, ઊછળ્યાં, ઊંચકાયાં, ગભરાયાં.’(પૃ. ૧૪૫) એક જગ્યાએ તો પૂરપાટ વહેતી ભોટેકોશી નામની નદી - કે જેણે થોડા જ દિવસો પહેલા કેટલાક સ્થાનિક લોકોને કાળના કોળિયા કર્યા છે તેને ઓળંગવા માટે સાવ જ કાચા - લાકડાના બનેલા પુલ પરથી ત્યાંના સ્થાનિક લોકોની મદદ લઈને ચાલીને જવું પડે એવી પરિસ્થિતિનો પણ તેમણે સામને કરવો પડે છે. આગળ જતા ક્યાંક સાવ ચાલીને જવું પડે એવી પરિસ્થિતિ પણ આવે છે. આમ આટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઇ તેમણે આ પ્રવાસ કર્યો છે.

સમગ્ર તિબેટના પ્રવાસ દરમ્યાન બસમાં તેમની સાથે બીજા તેર જેટલા વિદેશી પ્રવાસીઓ પણ હતા. આ પ્રવાસમાં તેમણે લ્હાસા શહેર, ગ્યાંગ્ત્ઝે શહેર, શિગાત્સે શહેર, શેરામઠ, શાક્ય મઠ, પોટાલા પરિસર અને છેલ્લે એવરેસ્ટ એટલે કે સાગર મઠ વગેરે સ્થળોની મુલાકાતો કરી છે.

આ પ્રવાસ દરમ્યાન તિબેટી લોકસંસ્કૃતિનો પણ તેમને પરિચય થાય છે. તિબેટના લોકોના પહેરવેશ વિશે તેઓ નોંધે છે કે, “તિબેટની સ્ત્રીઓ હંમેશા લાક્ષણિક પોશાકમાં જ હોય – જાડા, કાળા કે બીજા ઘેરાં રંગનાં કાપડનાં, ‘બાકુ’ જેવાં પાની સુધી પહોંચતાં કપડાં; અંદર એવું જ જાડું બ્લાઉઝ કે શર્ટ, ને ક્યારેક કમ્મરે એપ્રન જેવું બાંધેલું હોય. પણ પુરુષો પૅન્ટ અને શર્ટ પહેરેલા પણ હોય. શહેરોમાં તો ખરા જ, પણ ખેતરમાં કામ કરનારા પણ.’ (પૃ. ૮૨) વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાનું જીવન ટકાવી રાખતાં અહીંના લોકોના બાળકોને જ્યારે જ્યારે તેઓ મળે છે ત્યારે તમામ વખતે એ બાળકો આ વિદેશી પ્રવાસીઓને જોઇને પોતાના હાથ પૈસા માંગવા માટે લંબાવતા ચુકતા નથી. આ વાસ્તવિકતા સૌને આઘાત પમાડે તેવી છે. તો વળી, તિબેટની જાણિતી ‘બટર-ટી’નો સ્વાદ પણ તેઓ માણે છે. આ બટર-ટી વિશે તેઓ કહે છે, ‘એમની ગળી ચા આપણી ફિક્કી ગુજરાતી ચા જેવી લાગે, પણ એ દેશની ખાસિયત ‘બટર-ટી’ છે. ચીની ચાની પત્તી, મીઠું, યાકના દુધનું માખણ અને ગરમ પાણી ભેગું કરીને એ ચા બનાવાય. સારી લાગે ! મને તો ભાવી – જાણે શાકાહારી શેરબા કે આપણી રાબ.’ (પૃ. ૭૦)

તિબેટ વિશ્વભરમાં પ્રખ્યાત છે બુદ્ધિઝમ માટે, દલાઈ લામા માટે. અહીં દલાઈ લામાને ઇશ્વરના અવતાર ગણવામાં આવે છે. ૧૯૩૩માં તેરમાં દલાઈ લામાનું મૃત્યુ થતાં ૧૯૩૫માં જન્મેલા બાળકને બે વર્ષની ઉંમરે ચૌદમાં દલાઈ લામાના અવતાર ગણવામાં આવ્યા. પણ તિબેટના લોકોને સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે ચીની સરકારે તિબેટના મોટા ભાગના શહેરોમાં પોતાનું સૈન્ય ખડકી દીધું. ચીની લશ્કરે તિબેટના નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી. ચૌદમા દલાઈ લામા ચીનની વિરુદ્ધમાં હતા આથી ચીની સરકાર એમની ધરપકડ કરવા માંગતી હતી. આ વાતની જાણ દલાઈ લામાને અગાઉથી થઈ જતા સત્તરમી માર્ચ, ૧૯૫૯ના રોજ થોડા અનુયાયીઓની સાથે તિબેટની દક્ષિણેથી ભારતમાં આવી ગયા. ભારતે દલાઈ લામાને આશરો આપ્યો. આ બાબતે ચીન અને ભારત વચ્ચે પણ સંઘર્ષો થતા રહ્યા છે.

આખાય તિબેટમાં પવિત્ર ગણાતા જોખાન્ગ મહામંદિર નામની જગ્યાએ લોકોની આસ્થાનો પરિચય તેઓ આ રીતે કરાવે છે, ‘જોખાન્ગ મહામંદિર આખા તિબેટમાં પવિત્ર ગણાય છે. લોકોને એને માટે એટલી હદ સુધી શ્રદ્ધા અને ભક્તિભાવ છે કે બંધ દ્વારની સામી બેસીને ધ્યાન, મૂક પ્રાર્થના અને દંડવત પ્રણામ લોકો કરતાં રહે છે. પ્રણામ કંઈ એક બે વાર નહિ, પણ સો વાર, હજાર વાર, અરે દસ હજાર વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ લોકો કરે છે. એ માટે એક પાતળી ગોદડી હોય અને હથેડીઓ સાવ છોલાઈ ના જાય એ માટે હાથમાં બે સપાટો હોય. આજુબાજુ કશા પર નજર નહિ. જીવ ફક્ત ઇશ્વરોપરિસ્થિતિમાં. મંદિરની અંદર જવાનું સહેજ પાછળ થઈને. ત્યાં પણ, કોઈને વચ્ચે ના આવે તેમ, તિબેટી સ્ત્રીઓ અનવરત દંડવત કર્યાં કરતી જોવામાં આવતી હતી.’ (પૃ. ૩૮) આ જ સંદર્ભે ડૉ. બળવંત જાની પ્રીતિ સેનગુપ્તાના ધર્મસ્થાનમૂલક પ્રવાસનિબંધો વિશે એવું વિધાન કરે છે કે, ‘યાત્રાસ્થાને અન્યની આસ્થાને ઠેસ ન પહોંચે એની ભારે કાળજી પણ તેઓ રાખે છે. કોઈ સંપ્રદાયની કંઈપણ વિધિ હોય કે વિધાન હોય એની ટીકા કરવાને બદલે એના વિશે જિજ્ઞાસાથી પૃચ્છા કરીને એમાંનું હાર્દ જાણવા પ્રયત્ન કરતા પણ તેઓ જણાયા છે. બૌદ્ધ ધર્મ સ્થાનકોમાં પ્રજ્જ્વલિત કરાતાં અસંખ્ય દીવાઓ અને ધૂપસળી પાછળનું રહસ્ય જાણીને તેઓ એવા વિધિ પરત્વે ખેંચાય છે – પ્રેરાય પણ છે.... તિબેટમાં તેઓ ઘંટારવ અને દીપમાલા પ્રગટાવવા પ્રેરાય છે.’ (પ્રીતિ સેનગુપ્તાનું ડાયસ્પોરા સાહિત્ય, સંપાદક: ડૉ. બળવંત જાની, પ્રકાશક: પાર્શ્વ પબ્લિકેશન - અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૨૦૧૨, પૃ. ૨૩)

તિબેટ પર હાલ ચીનનો દબદબો છે એ વાતના ઘણા બધા દૃષ્ટાંતો પણ આ પ્રવાસ દરમ્યાન લેખકને થયા છે. તિબેટમાં દલાઈ લામા જે જગ્યાએ રહેતા હતા તે જગ્યાને પ્રવસીઓ જોઈ શકે એવા આશયથી ચીની સરકાર પ્રવાસીઓને તે જગ્યાએ જવાની પરવાનગી આપે છે. પણ એ જગ્યાના મૂળ હકદાર એવા ચૌદમા દલાઈ લામાને એ જગ્યાએ જવાની મનાઈ છે. પોતાના ઘર અને પરિસર છોડવાનો એમનો વસવસો દલાઈલામાના પત્રમાં જોઈ શકાય છે. ચીની સરકારની જોહુકમી એ હદની રહી છે કે દલાઈ લામાની તસ્વીરો જાહેરમાંતો શું અંગત રીતે પણ ક્યાંય રાખવાની મનાઈ છે. તે ઉપરાંત દલાઈ લામાના નિવાસ સ્થાને તેમના જે થોડા ઘણા અવશેષો અને સાધન સામગ્રી છે એ જોવા જનાર પ્રવાસીઓ પર કોઈને ખબર પણ ન પડે એ રીતે કેમેરા ગોઠવીને નજર રાખવામાં આવે છે. સર્જક આ બાબતે નોંધે છે કે, ‘આ બધું નામવર દલાઈ લામાના નિજી જીવનનો અંશ છે, પણ ચીની સરકારનો હુકમ છે કે એની મરામતમાં સમય કે સંપત્તિ બગાડવાં નહિ. આ હુકમની અવજ્ઞા થઈ શકે એમ નથી.’ (પૃ. ૬૧)

ચીની સરકારની જોહુકમીનો પરિચય આપતાં લેખક આગળ નોંધે છે કે, ‘બેધારી તલવાર જેવી કૂટનીતિ અખત્યાર થઈ રહી છે. એક બાજુ ઉત્પીડન અને શિક્ષા અને સાદાં કપડાં પહેરીને સર્વત્ર ફરતા ચીની પોલીસોની ચાંપતી નજર – એકલા લ્હાસા શહેરમાં જ સાઠ હજાર જેટલા પોલીસો ને સૈનિકો છે; તો બીજી બાજુ દુન્યવી ભોગ-વિલાસ અને આનંદ-પ્રમોદની વિવિધ શક્યતાઓને સુલભ કરી મૂકી છે. મહાધર્મસ્થાન પોટાલા પ્રાસાદની બરાબર નીચે જ ખૂબ મોટો ‘ડિસ્કો’ બંધાયો છે, ઠેર ઠેર દારૂનાં પીઠાં થયાં છે અને આહાર – ગૃહોના ઓઠા હેઠળ વેશ્યા-ગૃહો ચાલી રહ્યાં છે. એક તરફ કેટલાક તિબેટીઓ, ચીનીઓનું જોઈને પણ લાંચ-રુશવતને આધારે ધંધા કરતા ને પૈસા કમાતા થયા છે, તો બીજી તરફ તિબેટીઓની ભવિષ્યની પેઠીઓ કદાચ માતૃ-ભાષા વાંચતાં કે લખતાં શીખશે જ નહિ, કારણ કે સરકાર તિબેટની શાળાઓમાં તિબેટીને બદલે ‘મેંડેરિન’ ચીની ભાષા દાખલ કરી રહી છે.’ (પૃ. ૬૩-૬૪)

આ વાત તો થઈ તિબેટની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજકિય બાબતો વિશે. પણ જો તિબેટની ભૌગોલિક બાબતો વિશે વાત ન કરીએ તો તિબેટની વાત અધૂરી ગણાય. તિબેટનો પ્રવાસ માત્ર મોજશોખ, આનંદ-પ્રમોદ કે મનોરંજન પૂરૂં પાડે એવું નથી, અહીં તો કુદરતની કરામત અને કુદરતની ક્રુરતા પણ જોવા મળે ! તમામ પ્રકારની મુસીબતોનો સામનો કરવાની જો તૈયારી હોય તો જ આ પ્રકારના પ્રવાસ થઈ શકે. સર્જક પોતે કહે છે કે, ‘તિબેટ જેવા ઉચ્ચ, અલિપ્ત, દેશમાંના પ્રયાણ દરમિયાન દરેક જાતની અનિશ્ચિતતા રહેવાની ઋતુ કેવી હસ્શે, રસ્તા કેવા હશે, શું બંધ હશે, શું જોવાની સરકારી સંમતિ મળશે, રહેવાનું ઠીક હશે કે નહીં, ભોજન વિષયે ક્યાં ઠેકાણાં હશે કે નહીં – વગેરે મેં આવી કોઈ ચિંતા પહેલેથી કરી ન હતી, અને દસેક દિવસ સુધી તો એવી ખાસ જરૂર પણ પડી ન હતી. પરંતુ એ પછી બધી અનિશ્ચિતતાઓ એક મોટા સૈન્યનું પરિમાણ લઈને ચડી આવી હતી. પગલે પગલું ખૂબ સાચવીને મૂકવાનો સમય આવ્યો હતો.’ (પૃ. ૧૩૨) તો તિબેટના પ્રવાસની લગભગ છેલ્લી ક્ષણે તેમણે કરેલું આ વર્ણન જૂઓ, ‘પગથીયાઓ, કેડીઓ, સાંકડાં, કાદવિયાં કેટલાંય પગથિયાં. કચરાળો, ગંદો વિસ્તાર હતો, એમાં થઈ છેવટે અમે હોટેલ પર પહોંચ્યાં. છેલ્લાં ચાર-પાંચ કલાકોનો અનુભવ એવો હતો કે તિબેટનું નામ લેવું ના ગમે. આ ઝાન્ગ્મુ ગામ તો સરહદ પરનું. એ દેખાવે નેપાળી વધારે હતું, એના રસ્તા તૂટેલા હતા ને જ્યાં જુઓ ત્યાં ગંદકી હતી. તિબેટના અલૌકિક, અનન્ય પ્રદેશને માટે એ લાંછન સમાન હતું.’ (પૃ.૧૩૧)

અહીં તિબેટનો પ્રવાસ પૂરો થાય છે. જમીનમાર્ગે તિબેટ છોડી સર્જક પ્રવેશે છે નેપાળમાં. નેપાળના પાટનગર કાઠમંડુની એક હોટેલમાં રોકાય છે. નેપાણનો સામન્ય પરિચય જાણે કે એક જ પેરેગ્રાફમાં આપવા માંગતા હોય તેમ તેઓ કહે છે કે, “બૌદ્ધ-ધર્મીય તથા હિન્દુ-ધર્મીય અસંખ્ય સ્થાનો નેપાળમાં છે. દક્ષિણે આવેલા લુમ્બિનિમાં ગૌતમ બુદ્ધનો રાજકુમાર સિદ્ધાર્થ તરીકે જન્મ થયો તો ઉત્તરે આવેલા જનકપુરમાં સીતા રાજક્ન્યા તરીકે જનમ્યાં. નેપાળમાં બૌદ્ધ સ્તૂપો અને અશોકના કાળના અવશેષો છે તો કળા-ખચિત મંદિરો અને પશુપતિનાથનું જ્યોતિર્લિંગ પણ છે. નાનકડો એવો એ દેશ – માત્ર ૮૮૫ કિ.મી. ‘લાંબો’ અને વધારેમાં વધારે ૨૪૦ કિ.મી. ‘પહોળો’ – તો એક બે વારમાં પૂરેપૂરો નથી જ જોઈ શકાતો...” (પૃ. ૨૦૦)

નેપાળમાં કળાત્મક સ્થાપત્યોનું કેન્દ્ર છે પાટણ નગર. વળી ‘જો પાટણમાં પ્રાચીન, પ્રમાણભૂત, લાક્ષણિક, કળા-ખચિત દર્શન ક્યાંય સૌથી વધારે હોય તો તે દરબાર ચોકમાં છે.’ (પૃ. ૧૮૪) પાટણ નગરમાં જ રક્ત મચ્છેન્દ્રનાથનું મંદિર આવેલું છે; આ મંદિરની લાક્ષણિકતા એ છે કે આ મંદિરમાં રહેલી ‘અવલોકિતેશ્વર તથા આદિનાથ લોકેશ્વર તરીકે ઓળખાતા એ દેવની પ્રતિમા છ મહિના ત્યાં રહે છે ને બાકિના છ મહિના બન્ગમતી ગામના એક સ્થાનકમાં લઈ જવામાં આવે છે.’ (પૃ. ૨૦૪)

નેપાળની આગવી કહિ શકાય એવી ધાર્મિક માન્યતાઓમાંની એક માન્યતા જીવંત બાળ-કન્યાને દેવી તરીકે પૂજવાની પણ છે. આ બાળ કન્યા પસંદ કરવાના પણ ચોક્કસ નિયમો છે – “ક્ન્યા નેવારી વંશની જ હોવી જોઈએ, એટલું જ નહિ, એ બત્રિસ લક્ષણા હોવી જોઈએ. કોઈ રોગ ના હોય, કોઈ ચાઠાં કે ઘા ના હોય; ભય કે ક્રોધ ના હોય, એ બહુ રડે નહિ, એનું લોહી બહુ વહી નીકળતું ના હોય; એની આંખો મોટી હોય, એની જન્મકુંડળી રાજા સાથે મળતી આવતી હોય; કોઈ શારીરિક ક્ષતિ ના હોય ઇત્યાદિ. વળી, એ શુદ્ધ હોય ને નિષ્કલંક હોય. એટલે કે એનું કૌમાર્ય અખંડ હોય તે અતિ આવશ્યક ગણાય છે. નખશિખ શુદ્ધિ એટલી મહત્ત્વની હોય છે કે યૌવનના કોઈ પણ ચિહ્ન અથવા રક્તસ્ત્રાવ દેખાય તેની સાથે એનો પદવીકાળ પૂરો થાય છે, અને ત્યાં સુધીમાં નિયત કરાઈ રખાયેલી બીજી સુયોગ્ય, સંપૂર્ણસુંદર બાલિકાને ‘કુમારી’ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. આથી, આ પદવી પાંચ વર્ષથી માંડીને અગિયાર કે બાર વર્ષની કન્યા પ્રાપ્ત કરી શકે છે.” (પૃ. ૨૧૦-૨૧૧) આ સમયગાળા દરમ્યાન તેને તમામ પ્રકારની સગવડો આપવામાં આવે છે. પણ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આ બાળ-કન્યાને વર્ષમાં માત્ર બે જ વખત અને એ પણ અડધો કે પોણા કલાક પુરતું જ જ્યારે શોભાયાત્રા નીકળે ત્યારે જ પોતાના ગૃહસ્થાનથી બહાર નીકળવા મળે છે. એ સિવાય એણે આખો સમય પોતાના ગૃહસ્થાનમાં જ વિતાવવાનો હોય છે. ગૃહસ્થાનથી બહાર નીકળતી વખતે તેના પગ બહારની જમીનને ન અડકે એની પણ કાળજી રાખી કોઈ વ્યક્તિ તેને ઉંચકીને પાલખીમાં બેસાડે છે. દેવી તરીકેનો પોતાનો સમયગાળો પૂર્ણ થયા પછી તે બાળ-કન્યા પોતાનું બાકીનું જીવન સામાન્ય સ્ત્રી જેમ જ વિતાવે છે. આમ, તેમના જીવનનો ઉતરાર્ધ જેટલો સુખમય હોય છે, તેનો પૂર્વાર્ધ એટલો જ દુ:ખદ રહે છે. એ પણ એક કડવી વાસ્તવિકતા છે કે નેપાળની સરકાર પછીથી એમના પ્રત્યે ઉદાસીન વલણ દાખવે છે.

બાઘમતી નદીને પશ્ચિમ કિનારે હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ પશુપતિનાથનું મંદિર આવેલું છે. મંદિરના પરિસરમાં ફોટોગ્રાફ લેવાની મનાઈ હોવા છતાં ચોરીછૂપીથી ફોટો લેવાની કોશિશ કરતી વખતે બનેલા બનાવને તેઓ રમૂજી અને હળવી શૈલીમાં આ રીતે મૂકે છે, ‘હું જુદી પણ તરી આવતી હોઈશ. તે શા કારણે ? નાગરીય લાગતી હોઉં તેથી ? એકલી ફરતી હોઉં તેથી ? કદાચ, વધારે તો, મૂર્તિઓને ધ્યાનથી, રસથી નિહાળતી હોઉં તેથી. પૂજા ના કરતી હોય તેવી એકલી બાઈ શંકાસ્પદ, તેમ જ પાપિણી જ હોય ને ?’ (પૃ.૧૬૮)

આમ, હિન્દુ અને બૌદ્ધ ધર્મની વસ્તી ધરાવતો આ દેશ પોતાની આગવી ધાર્મિક માન્યતાઓને લીધે આજે પણ વિશ્વભરમાં ખ્યાત છે.

સંદર્ભ:

  1. દેવો સદા સમીપે, પ્રીતિ સેનગુપ્તા, આર. આર. શેઠની કંપની, એપ્રિલ ૨૦૦૩
  2. પ્રીતિ સેનગુપ્તાનું ડાયસ્પોરા સાહિત્ય, સંપાદક: ડૉ. બળવંત જાની, પ્રકાશક: પાર્શ્વ પબ્લિકેશન - અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૨૦૧૨, પૃ. ૨૩


ધોરિયા દિલીપકુમાર રામજીભાઈ, આસિસ્ટન્ટ પ્રોફેસર, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપલા, રાજપીપલા, જિ: નર્મદા, ૩૯૩૧૪૫ મોબાઈલ: ૮૦૦૦૨૮૫૧૪૩ ઇમેલ: ddhoriya@gmail.com