Included in the UGC-CARE list (Group B Sr. No 172)
આપસ્તમ્બગૃહ્યસૂત્ર પરની સુદર્શનાચાર્યની ટીકાનું મહત્ત્વ

પ્રસ્તાવના :

ભારતીય સાહિત્યગગનમાં વૈદિક સાહિત્યનું વિશેષ સ્થાન જોવા મળે છે. પ્રાચીન વૈદિક સાહિત્યમાં મુખ્ય રૂપે ચાર વેદોનું સ્થાન છે. એ ચાર વેદોના અભ્યાસ માટે છ વેદાંગોનો અભ્યાસ પણ અત્યંત જરૂરી છે. છ વેદાંગો અંતર્ગત શિક્ષા વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. તે અંતર્ગત કલ્પ વેદાંગમાં સૂત્રગ્રંથોનો સમાવેશ થાય છે. ધર્મસૂત્ર, ગૃહ્યસૂત્ર, સૂલ્વસૂત્ર, શ્રૌતસૂત્ર એમ ચાર પ્રકારના સૂત્રગ્રંથોનો સમાવેશ થાય છે. પ્રાચીન ઋષિઓમાંથી વૈદિક ઋષિઓના મોટા ભાગના કલ્પસૂત્રગ્રંથો જોવા મળે છે.

ગૃહ્યસૂત્રસાહિત્યનું મહત્ત્વ :

ગૃહ્યસૂત્રગ્રંથો અનેક કારણોથી મહત્ત્વના છે. સૌ પ્રથમ તો ગૃહ્યસૂત્રો ગૃહસ્થ જીવન સાથે જોડાયેલા છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના કુંટુંબજીવનમાં માતા-પિતા અને પુત્રો સાથે જોડાયેલો હોય છે. આથી ગૃહ્યસૂત્રોનો સંબંધ માત્ર એક પેઢી સાથે નહિ , પરંતુ ત્રણ પેઢીઓ સાથે જોડાયેલા જીવનના ઉત્તમ કાળ સાથે થાય છે. બીજું કે માનવ આત્માના આવિષ્કાર માટે પ્રચલિત સોળ સંસ્કારોના વિધિવિધાનોનો ઉલ્લેખ પણ ગૃહ્યસૂત્રોનો જ વિષય છે. અને ત્રીજી બાબત એ કે વિવાહ, ઉપનયન અને અંત્યેષ્ટિ જેવા સંસ્કારોમાં જે એકરૂપતાના મૂળમાં પણ તે ગૃહ્યસૂત્રો જ છે.

ગૃહ્યસૂત્રમાં ત્રિવર્ણો દ્વારા કરવા યોગ્ય યજ્ઞોનો ઉલ્લેખ તથા સોળ સંસ્કારોનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ગૃહ્યસૂત્રોમાં ગાર્હસ્થ્ય જીવનના ધાર્મિક વિધિવિધાનોનું વર્ણન જોવા મળે છે. ગર્ભાધાન સંસ્કારથી લઈને અંત્યેષ્ટિ સંસ્કાર સુધીની સંસ્કાર વિધિઓનું વર્ણન જોવા મળે છે. ગૃહ્યસૂત્રોમાં આશ્વલાયનગૃહ્યસૂત્ર, શાંખાયનગૃહ્યસૂત્ર, માનવગૃહ્યસૂત્ર, બૌધાયનગૃહ્યસૂત્ર, આપસ્તમ્બગૃહ્યસૂત્ર વગેરે પ્રધાન ગૃહ્યસૂત્રગ્રંથો છે. ઋગ્વેદના ત્રણ, યજુર્વેદના એક વત્તા નવ, સામવેદના પાંચ અને અથર્વવેદનું એક એમ કુલ મળીને ઓગણીસ ગૃહ્યસૂત્રો ઉપલબ્ધ છે. આમાં સૌથી વધારે પ્રસિદ્ધ આશ્વલાયન અને પારસ્કર છે. જેમાં આશ્વલાયનગૃહ્યસૂત્રને પ્રાચીનતમ ગૃહ્યસૂત્ર માનવામાં આવે છે.

આપસ્તમ્બગૃહ્યસૂત્રનું માળખું, વર્ણ્યવિષયો અને ટીકાગ્રંથો :

આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં કુલ મળીને આઠ (૮) પટલ છે. તે આઠ પટલ ત્રેવીસ (૨૩) ખંડમાં વિભાજીત થયેલ છે. પ્રત્યેક ખંડમાં ૧૦થી લઈને ૨૮ સુધીની સંખ્યામાં સૂત્રો જોવા મળે છે. જયારે પ્રકાશિત ગ્રંથમાં પ્રત્યેક ખંડને અંતે આપસ્તમ્બગૃહ્યપ્રશ્ન એ પ્રકારનો ઉલ્લેખ જોવા મળે છે.

આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં વિવાહ, ઉપનયન, સમાવર્તન, પુંસવન, જાતકર્મ, નામકરણ, અન્નપ્રાશન, સીમન્તોન્નયન, ચૌલ વગેરે સંસ્કારો તથા અગ્નિમુખનિરૂપણ, ગૃહનિર્માણ, સર્પબલિ, ઈશાનબલિ, માસિશ્રદ્ધા, મધુપર્ક, ગોદાન, પ્રાયશ્ચિત્ત, દર્શપૌર્ણમાસ વગેરે વિધિઓનો ઉલ્લેખ જોવા મળે છે. વિવાહ સંસ્કારમાં ક્યા પ્રકારની તથા ક્યા નામવાળી સ્ત્રી, ક્યો સમય વિવાહવિધિ માટે ઉત્તમ વગેરેનો તથા તેમાં પ્રયુક્ત વિધિનો ઉલ્લેખ છે. ઉપનયન સંસ્કારમાં ઋતુ, વિધિ, દર્ભ, દંડ, દિશા વગેરે બાબતોનો ઉલ્લેખ છે. સીમન્તોન્નયન સંસ્કારમાં ગર્ભના ચોથા માસે કરવામાં આવતો વિધિ, જન્મ પછી છટ્ઠે માસે અન્નપ્રાશન વિધિ વગેરે વિધિઓનો ઉલ્લેખ છે.

ગુજરાત, રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યો વિશેષ કરીને યજુર્વેદના ઉપાસકો છે. આ પ્રધાન સૂત્રગ્રંથોમાં કૃષ્ણયજુર્વેદ સાથે સંકળાયેલ આપસ્તમ્બ અને બૌધાયન ઋષિનું વિશેષ સ્થાન છે. આપસ્તમ્બ તથા બૌધાયન ઋષિ દ્વારા કલ્પગ્રંથો અંતર્ગત ચારેય પ્રકારના સૂત્રગ્રંથોની રચના કરેલી જોવા મળે છે. આપસ્તમ્બગૃહ્યસૂત્ર પર હરદત્ત મિશ્રની અનાકુલા નામની વૃત્તિ, સુદર્શનાચાર્યની તાત્પર્યદર્શન નામની વ્યાખ્યા અને કપર્દિસ્વામીની ટીકા એમ કુલ ત્રણ ટીકાઓ પ્રાચીન ટીકા સાહિત્યરૂપે જોવા મળે છે.

ઈ. સ. ૧૮૮૭માં વિયેન્નામાં ડૉ. મોરીઝ વિન્ટરનીત્ઝે બન્ને ટીકાઓનો સાર આપતાં પુસ્તકને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઈ. સ. ૧૮૯૩માં એ. મહાદેવશાસ્ત્રીએ નવ હસ્તપ્રતોનો ઉપયોગ કરીને સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯૨૮ (વિ. સં. ૧૯૮૫)માં શ્રી ચિન્નાસ્વામીશાસ્ત્રી દ્વારા વિવિધ પુસ્તકોનો ઉપયોગ કરીને ઉપર્યુક્ત હરદત્ત અને સુદર્શનાચાર્ય એમ બંનેની ટીકાઓ પર એક સંયુક્ત ગ્રંથની રચના કરવામાં આવી.

આપસ્તમ્બગૃહ્યસૂત્ર પરની ટીકાઓનું મહત્ત્વ :

મૂળ ગ્રંથના મર્મને ઉજાગર કરવો એ ટીકાગ્રંથોનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં ઉપર્યુક્ત વિધિ અને સંસ્કારોનો ઉલ્લેખ વેદોક્ત મંત્રો સાથે થયેલો જોવા મળે છે, પરંતુ અભ્યાસ દરમ્યાન અને વિધિસંપન્ન સમયે ભાષ્યગ્રંથોની શું આવશ્યકતા તે ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની રહે છે. સામાન્યતઃ ગૃહ્યસૂત્રગ્રંથોમાં વિધિ અને સંસ્કારો સાથે વૈદિક મંત્રોનો પણ ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ તે ક્યા મંત્ર સાથે ક્યો વિધિ સંપન્ન કરવો એક કિલષ્ટ પ્રશ્ન બની રહે છે. તે સમયે ભાષ્યગ્રંથો જ આપણા સહાયક બની રહે છે. ભાષ્યગ્રંથોને આધારે જ આપણે વૈદિક મંત્રોને વિધિ સાથે જોડી વૈદિક વિધિને સંપન્ન કરી શકીએ છીએ. આથી ભાષ્યગ્રંથો આપણા પરમ મિત્રો પણ કહી શકાય. આપસ્તમ્બગૃહ્યસૂત્રમાં ઉપર્યુક્ત સંસ્કારો તથા વિધિઓમાં પ્રયુક્ત મંત્રોનો ઉલ્લેખ કરેલો છે, તેનો ખ્યાલ ટીકાઓનો અભ્યાસ કર્યા બાદ જ આવે છે. પ્રત્યેક વિધિમાં અગ્નિ અને બ્રાહ્મણની ઉપસ્થિતિનો ઉલ્લેખ પણ કરેલો છે. વિવિધ વિધિ સમયે વ્યક્તિવિશેષની ઉપસ્થિતિ જેમ કે, ઉપનયન વિધિ સમયે બટુકના માતા-પિતા તથા મામાની ઉપસ્થિતિ વગેરે બાબતોનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

ટીકાકાર સુદર્શનાચાર્ય :

સુદર્શનાચાર્ય વિષે પ્રાપ્ત માહિતી પરથી એ બાબત સ્પષ્ટ છે કે તેઓ વિષ્ણુના ભક્ત હતા. તેઓ ભારતના દક્ષિણ ભાગમાં આવેલા કંસપુર નામક ગામના વતની હતા અને તેમના પિતાનું નામ શ્રીવૈષ્ણવ હતું. તેઓ નાનપણથી જ ભગવાન શિવના ભક્ત હતા, તેવી એક શિવભક્તિની દંતકથા પ્રચલિત છે, પરંતુ સુદર્શનાચાર્યની ટીકાના પ્રથમ શ્લોક પરથી જ ખ્યાલ આવે છે કે તેઓ અચ્યુત એટલે કે હરિના ભક્ત હતા.

આપસ્તમ્બગૃહ્યસૂત્ર પર સુદર્શનાચાર્યની ટીકાનું મહત્ત્વ :

આપસ્તમ્બગૃહ્યસૂત્રની ટીકાઓ વિષે જાણીએ તો ઈ. સ. ૧૮૮૭માં વિયેન્નામાં ડૉ. મોરીઝ વિન્ટરનીત્ઝ દ્વારા બન્ને ટીકાઓના સારરૂપ જે ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો, તે માત્ર વિદ્યાર્થીઓને સૂત્રોનાં વિષયોનું મહત્ત્વ સમજાવવા માટે થયો હોય તેવું લાગે છે. આચાર્ય હરદત્ત મિશ્ર દ્વારા કરવામાં આવેલી ટીકા સમયની દૃષ્ટિએ અવશ્ય પ્રાચીન છે, પરંતુ સુદર્શનાચાર્યની ટીકા દક્ષિણ ભારતમાં આચાર્ય હરદત્ત મિશ્રાની ટીકા કરતાં વધુ પ્રચલિત છે. બીજી વિશેષતા મહાદેવ શાસ્ત્રીના શબ્દોમાં દૃષ્ટિગત થાય છે કે સુદર્શનાચાર્યની ટીકા એ રીતે લખાઈ છે જાણે તે 'હિન્દુ ટીકાગ્રંથોના સુવર્ણ કાળ સમાન છે.'

સુદર્શનાચાર્યની ટીકા એ વર્ણ્યવિષયો પરની વિવરણાત્મક ટીકા પણ કહી શકાય, કારણ કે સુદર્શનાચાર્યએ પોતાની ટીકામાં ' केचित् ' શબ્દ દ્વારા પોતાની પૂર્વે થયેલા ટીકાકારોનો ઉલ્લેખ કરેલો છે. જેમાં ખાસ કરીને તેઓ આચાર્ય હરદત્ત મિશ્રનો ઉલ્લેખ કરતાં જણાય છે. તેની સાથે સાથે જ્યાં પણ તે આચાર્ય હરદત્ત મિશ્રથી મતમાં અલગ પડે છે, ત્યાં વિશેષ વિવરણ સાથે તે વિષયનું જ્ઞાન ઊંડાણપૂર્વક કરાવે છે. આ સાથે તે કપર્દિસ્વામીના અનુયાયીઓની ખૂબ નજીક હોય તેવું પણ લાગે છે.

મહાદેવ શાસ્ત્રી જણાવે છે તે મુજબ એક અન્ય બાબત એ પણ છે કે જ્યાં સુધી પોતાને માહિતી છે, ત્યાં સુધી કપર્દિસ્વામીની ટીકા ભારતમાં કે યુરોપમાં પ્રકાશિત થઈ નથી. હાલમાં કપર્દિસ્વામીની ટીકા બરોડામાં પ્રાચ્યવિદ્યા મંદિરમાં હસ્તપ્રતના રૂપમાં સચવાયેલી છે, પરંતુ તે પ્રકાશિત થઈ છે કે નહિ, તે હજુ સંશોધનનો વિષય છે. સુદર્શનાચાર્ય પોતાના ટીકાગ્રંથના ચોથા પટલને અંતે જણાવે છે કે " सुबद्धं दुर्लभं भाष्यं भाष्यार्थश्च सुदुर्ग्रहः | " અર્થાત્ સુબદ્ધ ભાષ્ય દુર્લભ છે અને ભાષ્યનો અર્થ ગ્રહણ કરવો તેનાથી પણ વધુ કઠીન કાર્ય છે. પરંતુ એક બાબત વિશેષ એ છે કે સુદર્શનાચાર્યે પોતાની ટીકાની શરૂઆતમાં જ કપર્દિસ્વામીનો ઉલ્લેખ ત્રીજા શ્લોકમાં કરેલો જોવા મળે છે. આમ અહી તેમણે પોતાના પૂર્વજોને સ્મરણાંજલિ અર્પણ કરે છે.

સુદર્શનાચાર્યની ટીકાનું નામ જ આપણને તેની વિશેષતા જણાવે છે. તાત્પર્યદર્શન અર્થાત્ મૂળ ગ્રંથમાં રહેલ તત્ત્વના તાત્પર્ય એટલે કે સાર, હેતુનું દર્શન. (તેમની ટીકાના નામ અન્વયે એક પાઠાંતર પણ મળે છે. તાત્પર્યનિર્ણય નામક એક અન્ય પાઠ પણ મળે છે.) પરંતુ એક રીતે જોતા બંનેનો અર્થ તો એક જ થાય છે. તત્પર્યનું દર્શન કે નિર્ણય. આચાર્ય હરદત્ત મિશ્રની ટીકા અવશ્ય નામ મુજબ અનાકુલ અર્થાત્ એકાગ્ર, વ્યાકુળતારહિત, વ્યગ્રતારહિત, સ્થિર વગેરે બાબતોથી પરિપૂર્ણ છે, પરંતુ તે ખૂબ જ સંક્ષિપ્તમાં લખાયેલી છે, જયારે સુદર્શનાચાર્યની ટીકા વિશેષ વિવરણ અને પૂર્વકાલીન ટીકાકારોના મતોના ઉલ્લેખ સાથે સર્વાંગ સંપૂર્ણ ટીકા સમાન છે. અન્ય ટીકાકારોના મતોનો ઉલ્લેખ કરી પોતે તેના મત સાથે સહમતિ ધરાવે છે કે નહીં, તે બાબતનો પણ ઉલ્લેખ કર્યો છે.

સંદર્ભગ્રંથ સૂચિ :–

  1. સંસ્કૃત પાઠ્યપુસ્તક ધોરણ ૧૨ : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર, વિષય-સલાહકાર : સુરેશચંદ્ર જ. દવે, લેખન-સંપાદન : ડૉ. કમલેશકુમાર છ. ચોકસી તથા અન્ય, પ્રથમ આવૃત્તિ : ૨૦૧૭.
  2. આપસ્તમ્બગૃહ્યસૂત્ર : ( હરદત્ત અને સુદર્શનાચાર્યની ટીકાના સારાંશ સાથે ) ડૉ. મોરીઝ વિન્ટરનિત્ઝ, વિયેન્ના પ્રાચ્યવિદ્યા પ્રકાશન, વિયેન્ના, ઈ. સ. ૧૮૮૭.
  3. આપસ્તમ્બગૃહ્યસૂત્ર : ( હરદત્ત મિશ્રની અનાકુલા અને સુદર્શનાચાર્યની તાત્પર્યદર્શન ટીકા સાથે ) લેખક : પંડિત એ. ચિન્નાસ્વામી શાસ્ત્રી, પ્રકાશક અને મુદ્રક : જય કૃષ્ણદાસ હરિદાસ ગુપ્તા, ચૌખમ્બા સંસ્કૃત સિરીઝ ઓફીસ, વિદ્યાવિલાસ પ્રેસ, વારાણસી. ઈ. સ. ૧૯૨૮.
  4. આપસ્તમ્બગૃહ્યસૂત્ર : ( સુદર્શનાચાર્યની ટીકા સાથે ) એ. મહાદેવ શાસ્ત્રી, સરકારી પ્રાચ્યવિદ્યા ગ્રંથાલય, મુદ્રક : સરકારી પ્રેસ, મૈસુર, ઈ. સ. ૧૮૯૩.


કણસાગરા હેમલ અશોકભાઈ, અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, સરકારી વિનયન કોલેજ, જામકલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા, મો. : ૯૪૨૭૭૨૪૩૮૦ EMAIL : hakansagra11@gmail.com