Included in the UGC-CARE list (Group B Sr. No 172)
અનુનારીવાદને અનુસરતી આત્મ-આવિષ્કરણનીવાર્તા ‘‘એક ડગલું આગળ’

અનુનારીવાદ એટલે ‘નારીવાદ પછીનો સમય’ જેને આપણે Post Feminism કહીએ છીએ, જે પૌરૂષસભર પુરુષો અને સ્ત્રીત્વસભર સ્ત્રીઓનાં લક્ષણોમાંથી પુરુષો અને સ્ત્રીઓ બંનેને મુક્ત કરી એવા માણસો સર્જવાનું ધ્યેય રાખે છે જે સૌને સમાન ગણે. પુરુષ અને સ્ત્રી અંતે તો માણસ જ છે. કોઇ પણ સ્ત્રીસર્જક જ્યારે સર્જન કરે ત્યારે તેની રચનાનો મુખ્ય વિષય માનવીય સંબંધો જ હોય છે. અમુક લેખિકાઓ પુરુષ સાથેના સંબંધમાંથી ઊપજતી પરિસ્થિતિઓ પર ધ્યાન કેંદ્રિત કરે છે. જેમાં કૌંટુંબિક સ્તરે પિતા, પતિ કે દીકરો કે કાર્યસ્થળે પુરુષ માલિક સાથેના સંબંધો ધ્યાનમાં લેવાય છે. સ્ત્રીને ભાગ્યે જ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોવામાં આવે છે.બીજા લોકો એના માટે શું વિચારશે એ ધ્યાનમાં રાખીને પોતાના વિશે વિચારવાની એને ટેવ પડે છે. હવે નારીવાદનો જ્યારે પુનર્વિચાર થઇ રહ્યો છે ત્યારે નારીલેખનના ઇતિહાસને જુદા જુદા તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે. સમગ્ર ભારતની સ્ત્રીઓ જે સાહિત્યિક લેખન કરે છે એના વિશે મલયાલમ ભાષામાં અભ્યાસ કરવામાં આવ્યો છે અને નારીલેખનને ચાર તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યું છે- (1)શરણાગતિનો તબક્કો (2)પ્રગતિશીલતાનો તબક્કો (3) પીછેહઠનો તબક્કો (4) સ્વમતાગ્રહનો તબક્કો

પ્રથમ શરણાગતિના તબક્કામાં સ્ત્રીસર્જકોના લખાણોમાં ખાસ નાવીન્ય નહોતું. મોટાભાગની લેખિકાઓએ ધાર્મિક લખાણો કર્યા છે. બીજા પ્રગતિશીલતાના તબક્કામાં સ્ત્રીઓએ પોતાને થતા અન્યાય સામે વિરોધ નોંધાવ્યો અને પોતાની, ‘સ્વ’ની વાત મૂકતી થઇ. સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય રીતે ભાગ લેતી થઇ. ત્રીજો પીછેહઠનો તબક્કો, આઝાદી પછીનો સમયગાળો છે, સ્ત્રી આઝાદી માટે પુરુષના ખભા સાથે ખભા મિલાવીને ભલે લડી હોય પણ આઝાદી મળ્યા પછી એનું સ્થાન નીચું જ રહ્યું, એનો આક્રોશ તેના સર્જનમાં વ્યકત થયો. 1980 પછીના દાયકાઓમાં સ્ત્રીસર્જકોના લખાણે એક નવો વળાંક લીધો, મોટાભાગની લેખિકાઓ સામાજિક રિવાજો અને નિષેધોની જાળમાં ફસાયેલી પોતાની જાતને પ્રાપ્ત કરવા યાત્રાનો આરંભ કરે છે. સ્ત્રીસર્જકોએ જે ‘સ્વ’ સાથે અનુસંધાન સાધ્યું તે સ્વમતાગ્રહના તબક્કામાં દેખાય છે. ‘એક ડગલું આગળ’ વાર્તા આ તબક્કાનું પ્રતિનિધિત્વ કરતી વાર્તા છે.

ગુજરાતી ભાષામાં સાંપ્રત સમયના સ્ત્રીવાર્તાકારોમાં પારુલ કંદર્પ દેસાઈનું સ્થાન મહત્વનું છે. પારૂલબેને એમ.એસ.યુનિવર્સિટીમાંથી ‘મીરાં, અખો, લાભશંકર ઠાકર અને મધુરાયની કૃતિઓમાં ભંગુરતાનું નિરૂપણ’-વિષય પર સિતાંશું યશશ્ચંદ્રના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું છે. પોતાની કારકિર્દીનો આરંભ, ગુજરાતી સાહિત્યના અધ્યાપક તરીકે આદિપુર-કચ્છની તોલાણી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાંથી કર્યો હતો. ત્યારબાદ મહિલા આર્ટ્સ-કૉલેજ, ધનસુરામાં બાર વર્ષ અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૭થી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા. સ્વાધ્યાય મંદિરમાં પહેલાં રીડર તરીકે અને હાલ કાર્યકારી નિયામક તરીકે પ્રવૃત છે.

પારુલ કંદર્પ દેસાઈની વાર્તાઓના વિષય સાંપ્રત સમય સાથે અનુબંધ સાધે છે. સર્જકને વિષયવસ્તુ જુદી જુદી ઘટનાઓમાંથી મળ્યું છે. સ્ત્રી જીવનની અને તેના દામ્પત્યજીવનની સમસ્યાઓ તેમજ નારીજીવનની વાસ્તવિકતાના અનેક સ્તર અહીં વાર્તાકલાના માધ્યમથી વિકસે છે. આપણે જાણીએ છીએ કે સમાજમાં શિક્ષણ અને જાગૃતિ આવવા છતાં પણ સ્ત્રીઓની સમસ્યાઓ દૂર થઈ નથી, હા, તેના સ્વરૂપોમાં બદલાવ આવ્યો છે. સ્ત્રીને પ્રેમ કે પરિવારના નામે, લાગણીની આડશમાં છેતરવામાં આવે છે. ધર્મ અને સમાજ સ્ત્રીને માતા અને પત્ની એમ બે અંતિમ ધ્રુવોએ રહેલા રૂપોમાં જોતો અને મૂલવતો આવ્યો છે. તેથી આજ સુધી ધર્મ અને સમાજે નારી માટે સર્જેલી વિભાવના ઘણી અસંગત અને વિરોધાભાસથી ભરેલી છે. જ્યારે સ્ત્રીને માતાના રૂપમાં જોવામાં આવે છે ત્યારે તેની પ્રશંસામાં કોઇ કસર રહેતી નથી પણ પત્નીના રૂપમાં મૂલવવામાં આવે છે ત્યારે હીન નિંદા, શોષણ અને અપમાનથી એની નવાજેશ થાય છે, આવું દોરંગી મૂલ્ય પ્રાચીનકાળથી ચાલતું આવ્યું છે. આજનો પુરૂષ ચાલાકીપૂર્વક સ્ત્રીને છેતરે છે. સમાજનું આ વરવું ચિત્ર પારૂલબેનની વાર્તાઓમાં દેખાય છે. દહેજની ક્યાં જરૂર છે.? કમાતી પત્નીની કમાણી પર હક કરીને કે તરાપ મારીને બેઠેલા પુરુષો દહેજ કરતાં વધારે ક્રૂર રીતે રોજે રોજ સ્ત્રીને છેતરીને શોષણ કરે છે. તેમની વાર્તાઓમાં સ્ત્રીમાનસ અને તેમની સંવેદનાઓ કેન્દ્રસ્થ છે. જો કે સર્જક પોતે સ્ત્રી હોવાના કારણે અત્યંત બારીકાઇ અને નાજુકતાથી આ ક્ષણોને પામી શક્યા, સ્પર્શી શકયાં છે. ઊર્મિ, હતાશા, મૂંઝવણ કે આનંદ.....જેવી અનેક સંવેદનાઓ, મનોભાવોને જરાય મુખર થયા વિના અત્યંત અસરકારક રીતે આલેખ્યા છે અને સ્પષ્ટ કરી શક્યા છે કે સ્ત્રી જન્મી ત્યારે દુર્બળ ન્હોતી પરંતુ પુરૂષપ્રધાન સમાજે એના માટે ઘડેલા નિયમો અને આદર્શોએ એને દુર્બળ બનાવી દીધી.

પારૂલબેનની ‘એક ડગલું આગળ’ વાર્તા શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર ૨૦૧૩માં પ્રગટ થઇ હતી. ૧૯૯૮થી ૨૦૧૩ની આ સફર દરમિયાન લખાયેલી અને જુદા-જુદા સામયિકોમાં પ્રગટ થયેલી વાર્તાઓનો સંગ્રહ ‘એક ડગલું આગળ’ પારૂલબેનનો પ્રથમ વાર્તાસંગ્રહ, ૨૦૧૪માં પ્રાપ્ત થયો છે. પારુલબેનની વાર્તાઓ વિશે સંગ્રહની પ્રસ્તાવનામાં બિપિનભાઇ કહે છે કેઃ- “ઇબ્સનના યુરોપથી જુદી રીતે આપણા દેશકાળમાં પણ પ્રેમ, લગ્ન, કુટુંબનું યુનિટ એવું તો હચમચી રહ્યું છે કે આજના સમયમાં એ ટકી રહ્યું છે તો તે દંભ પર, પતિના સર્વાધિકાર અને સ્વાર્થ પર, પત્નીના બિનશરતી સ્વાપર્ણ અને સમર્પણ પર અને સામાજિક માળખામાં સ્ત્રીના ગોઠવવામાં કે નિષધોને અનુકૂળ થવામાં. આ કથનકેન્દ્રની આસપાસ રચાઇ છે આ વાર્તાસૃષ્ટિ.” ‘એક ડગલું આગળ’ વાર્તા આ વાર્તાસંગ્રહની છેલ્લી વાર્તા છે અને તે સ્ત્રીના નિજી અસ્તિત્વની ઓળખની વાર્તા છે. આર્થિક રીતે સ્વાવલંબી સ્ત્રીઓ પણ શું પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસાનો ઉપયોગ પોતાની રીતે કરી શકે છે ખરી? જ્યારે-જ્યારે સમાજમાં સ્ત્રી-સ્વાતંત્ર્યની ચર્ચા થાય છે ત્યારે એક એવી માન્યતા જોવા મળે છે કે જો સ્ત્રી આર્થિક રીતે પગભર હોત તો તેને સમાન હક મળી શકે. તે પોતાના નિર્ણયો સ્વતંત્ર રીતે કરી શકે છે. દામ્પત્યજીવનમાં સમાન મોભો ભોગવી શકે છે. પરંતુ વાસ્તવિકતા તો જુદી જ જોવા મળે છે. ઘણીવાર તો નોકરી કરતી અને ભણેલી-ગણેલી સ્ત્રીઓ શોષણનો ભોગ વિશેષ બનતી હોય છે.

વાર્તાનાયિકા નિશા એક ભણેલી-ગણેલી, બેંકમાં નોકરી કરતી, આર્થિક રીતે સ્વાવલંબી યુવતી છે પરંતુ તેની પાસે નથી આર્થિક સ્વાતંત્ર્ય કે નથી ઘરમાં કોઈ નિર્ણયો લેવાની આઝાદી. અરે, ઘરની નાનામાં નાની ચીજવસ્તુ પણ તે તેની પસંદગીની લઈ શકતી નથી કારણ કે તેનો પતિ કિરીટ ‘તને કોણે કહ્યું હતું, આવો કચરો ઉપાડી લાવવા’...... આવું કહીને તરત તેની પસંદને રીઝેકટ કરી દે છે. નિશાએ પરપ્રાંતીય યુવક, કિરીટ સાથે પોતાના પરિવારની વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા છે. પોતાના કિરીટ પ્રત્યેના પ્રેમને કારણે, તે હંમેશા કિરીટના કહેવા પ્રમાણે તેને અનુકૂળ થઇને જ રહેતી. કિરીટને ખાવાનો શોખ હતો તો નિશા સમય કાઢીને ગમતી વાનગી બનાવતી. તેને ભાવતો શીરો બનાવતી. ‘બસ નિશિ આ શીરો અને શીરા જેવી તું’ એવું કિરીટ કહેતો, ત્યારે તો નિશા ઓળઘોળ થઇ જતી. પરંતુ વાર્તાન્તે શીરાનો બીજો અર્થ તેના મનમાં પડઘાય છે. શીરો જેટલો સરળતાથી ગળા નીચે ઉતરી જાય તેટલી જ સરળતાથી તે નિશાને પણ ફેરવી શકતો. બેંકમાં તેની સાથે નોકરી કરતી બહેનપણી રેણુકાની દીકરી ગુડ્ડીને એક્સિડન્ટ થતાં તાત્કાલિક ઓપરેશન કરાવવા પચાસ હજાર રૂપિયાની જરૂર ઊભી થાય છે. રેણુકાનું નજીકનું કોઈ સગું નથી. તો નિશા તેને મદદની ખાતરી આપે છે. પરંતુ એ.ટી.એમ. કાર્ડ સ્વેપ કરે છે તો બેલેન્સમાં માત્ર પાંચ હજાર રૂપિયા જ હતા. આગલા દિવસે જ ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા. હા,પોતે જ કિરીટને પોતાની કોરી ચેકબુક પર સહી કરી આપી હતી. લગ્ન પછી નિશાના પૈસાથી જ ઘર ચાલતું. કિરીટની આવકનું નકકી નહોતું. ક્યારેક તો મહિનાઓ ખાલી જતા. તેના ખર્ચાઓ બેફામ હતા અને મિત્રો પાછળ પૈસાનો વપરાશ રહેતો. જયારે નિશાને તો ઘરખર્ચના પૈસાનો પણ હિસાબ આપવો પડતો.

પરિવારનો વિરોધ કરી પ્રેમના નશામાં લગ્ન કરીને કિરીટ સાથે જોડાય છે તે પછી તેને કિરીટનો સાચો પરિચય થાય છે. નિશાને પહેલીવાર કિરીટના સ્વભાવનો પરિચય ત્યારે મળ્યો જ્યારે તેને મનગમતી ભરત ભરેલી મોજડી છોડીને કિરીટને ગમતી લેધરની મોજડી ખરીદવી પડેલી. તે દિવસથી જ ઘરમાં માત્રને માત્ર કિરીટના નિર્ણયો અને તેની પસંદગી ચાલી આવતી. એ ત્યાં સુધી કે પોતાનો દીકરો આરવ પણ હવે તો એમ જ સમજે છે કે મમ્મી માત્ર સારી રસોઇ જ બનાવી જાણે, બાળકના રમકડાંથી માંડીને તેના જીવનના તમામ નિર્ણય માત્ર કિરીટના જ રહ્યા છે. અરે બીજા બાળકની ઇચ્છા હોવા છતાં ત્યાં પણ કિરીટનો જ નિર્ણય રહયો. હા, પોતાના ઘરનું નામ ‘નિકિરી’ રાખ્યું હતું બંનેના નામ અને પ્રેમના સાયુજયના પ્રતીકરૂપ. નિશાએ પૈસા આપ્યા તેથી તેના નામનો પહેલો અક્ષર. કિરીટને ઘરમાં કચરો નહોતા ગમતો તેથી તુલસીના કયારા સિવાય કોઇ જ ફૂલ-છોડ ઘરમાં રાખ્યા નથી. જીવનમાં નિશાએ કિરીટની નાનામાં નાની પસંદ-નાપસંદથી લઇને મોટી બાબતોનો ખ્યાલ રાખ્યો છે. પોતે ચેકબુક પાછી માગશે તો કિરીટને કેવું લાગશે? તેવો વિચાર કરીને પોતાના જ પૈસા હોવા છતાં કયારેય તેણે તેના વિશે પૂછ્યું નથી. કિરીટને ખોટું ન લાગે તેની સતત કાળજી રાખી છે. તો સામે પક્ષે કિરીટે ક્યારેય નિશાની પસંદ-નાપસંદની કાળજી રાખી નથી એ તો ઠીક પરંતુ નિશાને કંઇ જ આવડતું નથી, તેની પસંદગી સારી નથી, એવું સતત મનમાં ઠસાવી દીધું છે. હવે તો નિશાને પણ લાગે છે કે પોતાને કંઈ જ આવડતું નથી.

રેણુકાને મદદ કરવા નિશાએ જ્યારે પૈસા માંગ્યા ત્યારે, ‘પૈસા ક્યાં છે?’ એવો ઉપહાસ ભર્યો જવાબ મળે છે. જે નિશાને ઝેરી તીરની જેમ ખૂંચે છે. તે વાતને બીજે પાટે ચડાવી દે છે .હવે શું? પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી? જો કે નિશાને સમજાય છે કે તેના પ્રમોશન માટે કિરીટ હંમેશા કેમ ના પાડતો. નિશા જેને અત્યાર સુધી પ્રેમ સમજતી હતી, એ તો પ્રેમ નહીં પણ આધિપત્ય છે, માલિકીભાવ છે. પોતે દૂર જાય તો પછી તેના પર કંટ્રોલ જ ન રહેને? નિશાને એ નથી સમજાતું કે કિરીટનો આ કેવો પ્રેમ છે જે તેના વિકાસને રોકે છે. અત્યાર સુધી કિરીટના સંરક્ષણમાં સુરક્ષા અનુભવતી નિશાને સત્ય સમજાય છે. પોતે રેણુકાને મદદ કરવા શું કરશે? પોતાના ઘરેણાંનો ડબ્બો કાઢે છે, પણ ઘરેણાં ય કિરીટની પસંદગીના જ છે તેથી તે ઘરેણાં પર બેંકમાંથી લોન લેવાનું માંડી વળીને તે ‘એમ્પ્લોઇઝ વેલ્ફેર ફંડ’માંથી લોન લેવાનું નક્કી કરે છે, સાથે સાથે પ્રમોશન સ્વીકારવાની સહમતિ આપવાનો પણ નિર્ણય કરે છે.

પોતાના પ્રેમને, પરિવારને ટકાવી રાખવા માટે નિશા પોતાનાથી થાય તેટલા તમામ પ્રયત્નો એક હાથે કરી છૂટે છે. પરંતુ હવે તેની અંદર રહેલી સ્ત્રી, સ્વતંત્રતા ઝંખે છે. કિરીટના જોહુકમીપણામાંથી પોતાના અસ્તિત્વની શોધ અને ‘સ્વ’ને ટકાવી રાખવા નિશા છેલ્લે પ્રમોશન સ્વીકારવાની સહમતિ આપવાનો નિર્ણય ઘણા વર્ષોની તાવણી પછી કરે છે. પોતાને ગમતો, મરજીથી ! પોતાનું આત્મસમ્માન ટકાવવા માટે સ્વાર્થી અને પ્રેમના બહાના હેઠળ તેનું શોષણ કરતા પતિને છોડતી નથી, નથી ઝઘડો કરતી કે નથી ચેકબુક પાછી માંગતી. પતિને છોડી સંબંધ પૂરો કરવાના છેલ્લા પગલાંને બદલે પોતાની સ્વતંત્રતાની ઝંખના રાખીને હજુ પતિને એક તક આપે છે. પ્રેમના નામે શોષણ કરતાં પતિ વિરૂદ્ધ એક ડગલું આગળ માંડે છે. પોતાના જીવનનો મહત્વનો અને અગત્યનો નિર્ણય સ્વતંત્ર રીતે કરીને નિશા એક નવો માર્ગ શોધે છે. આ પગલું તેના નારીત્વનું, સ્વાતંત્ર્યનું એક સર્વોતમ કર્મ છે. કિરીટની પ્રેમજાળમાંથી મુક્ત થઈ, આત્મવિશ્વાસથી એક ડગલું આગળ ભરી સ્વત્વને પામવાનો પ્રયત્ન કરે છે. વાર્તાના અંતમાં ઘરેણાં શોધતા માએ ભેટ આપેલા ‘બી’ નીકળે છે. જે તેણે આજ સુધી એટલા માટે નથી વાવ્યા કારણ કે કિરીટને પાંદડાનો કચરો ન ગમતો. તે બી અહીં સૂચક છે. બી ભલે નથી વાવ્યાં પરંતુ પોતાની જાતને ફરી એકવાર વાવવા નીકળી છે. તે ઊગશે, ખીલશે......પોતાની રીતે, સ્વતંત્ર રીતે.

વાર્તામાં નિશાના પાત્ર દ્વારા પ્રેમલગ્નો કરતી ઘણી સ્ત્રીઓની પરિસ્થિતિનું આલેખન થયું છે. શરૂઆતનો પ્રેમનો નશો લગ્ન બાદ વાસ્તવિકતાની ભોંય પર આવતા ઉતરી જાય છે. જેમ નિશાનો ઉતર્યો. પ્રેમમાં છેતરપીંડીનો અહેસાસ અને એમાંય પરિવારના વિરોધ વચ્ચે બંધાયેલા સંબંધમાં પછી કોઇ વિકલ્પ જ મળતો નથી. નિશા માટે પણ નહોતો એટલે છેવટે પરિસ્થિતિનો સ્વીકાર સહજ બની જતો હોય છે. જો કે મોટેભાગે સ્ત્રીનો સ્વભાવ જ લાગણીશીલ. બે મીઠા શબ્દો કે પ્રેમભરી વાતોથી પીગળી જઇ જીવન સમર્પી દેવાનો સ્વભાવ. નિશા કિરીટના શબ્દોને પ્રેમ જ સમજતી હતી. પરંતુ શીરા જેવી નિશી છેવટે નક્કી કરે છે કે પોતે શીરો નહિ બને, એમ એટલી જ સરળતાથી આજ સુધી કિરીટની તમામ વાતો કે નિર્ણયોને ઉતારી દેતી, સ્વીકારી દેતી એટલે જ તેનું છેલ્લું હિંમતપૂર્વકનું પગલું વાર્તાના અંતને સૂચક બનાવે છે. પતિના આધિપત્યથી વેગળું, વિરોધ અને વિદ્રોહનું ‘એક ડગલું આગળ’ વાર્તાન્તે સૂચક અને સાર્થક બનતું લાગે છે. હા વાંચકો માટે આ અંત નવો કે આઘાતજનક લાગે. પરંતુ આ એક સ્ત્રીસર્જક દ્વારા તેણે સર્જેલા પાત્રની મદદથી થતી આત્મખોજ છે, ‘સ્વ’ના આવિષ્કારની મથામણ છે.

સંદર્ભ-

  1. ‘એક ડગલું આગળ’ ( વાર્તાસંગ્રહ), -પારુલ કંદર્પ દેસાઇ, પ્રથમ આવૃતિ, 2014
  2. ‘નારીવાદ: પુનર્વિચાર’ ( સંપાદન)- સંપાદકો- રંજના હરીશ,વિ. ભારતી હરિશંકર, અનુવાદક-નીતા શૈલેશ, પ્રથમ આવૃતિ, 2015


ડૉ. કલ્પના મચ્છર, અધ્યક્ષા, ગુજરાતી વિભાગ, એમ.એન.કોલેજ, વિસનગર Email- acharyasanjay530@gmail.com