Included in the UGC-CARE list (Group B Sr. No 172)
રાંઝણ

“ડઈને હારું થૈ જાય એટલે બૈશ ! કાળકાનું નિવેદેય આજ કરી આવું ! આજકાલ કરતાં મઈનો થવા આયો. કદાચ ઈનુંય કો’ક નડતર હોય તો? હઉના દેવાદાર રે’વાય પણ -!” બેડાંમાંથી ઊડેલા છાંટા હાથ પર પડતાં તે ચાલતાં ચાલતાં અટકી ગઈ. ઈંઢોણી સરખી કરી તેને કાન પાછળથી સાડલાનો છેડો ખેંચી દાંત વચ્ચે દબાવ્યો. હાથ પર પડેલા છાંટા સાડલાથી લૂછી તે વળી પાછી ચાલવા માંડી.
આકાશમાં વાદળાં હજી પૂરેપૂરાં વિખરાયાં ન હતાં. ઊગતા સૂરજના આછા અજવાળામાં પાળ પર ઊભેલાં કૂંજડાં એક પગથી માથું ખંજવાળતાં હતાં. તળાવના કિનારે નાની માછલીઓને શોધતું ઢેકબગલાઓનું ઝૂંડ કાગારોળ કરી રહ્યું હતું. તેને જોતાં જ કકુથી સહજ બોલી જવાયું:
“મૂઆં ! આ હવારના પો’રમાં ચ્યાં ભટકાયાં”
પોતાની નજર તેના તરફથી વાળી લઈ તે તળાવનીપાળ ઊતરી ગામ તરફ વળી. ગાડાંના પૈડાં અને પોઠોની ખરીઓથી રસ્તો ઠેક ઠેકાણે ખાડા ટેકરાવાળો થઈ ગયો હતો. પાણી ભરેલાં ખાબોચિયાંની વચ્ચે બેડું સાચવતી તે ઝડપભેર ઘેર આવી. પાણિયારા પર બેડું ગોઠવતાં કકુએ પૂછ્યું:
“ચ્યમ સ હવે બેટા ?”
માને જોતાં જ તેની આંખમાંથી ડબ ડબ પાણી ટપકવા લાગ્યું.
“ઈમાં રડં સ હું કૉમ? થોડી હિંમત રાખ ! હૌ હારાં વાનાં થશી ! આજ સોમો મલં તો ઈનં ઘેર લેતી આવું !” પાંગથ પર બેસતાં કમુ બોલી.
“ઈનું હું કૉમ સ ઑય?”
“એવું ના બોલાય બેટા ! આખું ગોમ ઈના પાહેથી જ દવા લે સ.”
“ભલે લેતું ! મારે નથી લેવી !”
“એ દેશી દવાઓનો હારો જૉણકાર સ બેટા! ચ્યમ ભૂલી જૉય સ?”
“હું ધૂળ હારો જૉણકાર સ? આ પશલીની વાત આપણાથી ચ્યાં અજૉણી સ!”
“ઈમ હાચું ખોટું જૉણ્યા વગર કોઈનં દોષ ના દેવાય બેટા!”
માની વાત ડઈને ન ગમી. તેને ખાટલામાં પડખું ફેરવી દીધું. તેનો વિકસેલો વાંસો જોતાં કકુ લીંપણમાં ચોંટેલાં બાવળનાં પયડાંના કાળા ઠળિયાને અંગૂઠાથી ખોતરવા લાગી.
“બાપા નથી આયા અજુ?” ડઈએ કકુ સામે જોઈ પૂછ્યું.
“ઈનું તો ચ્યાં કોઈ દન ઠેકૉણું હોય સ! ઢીંચીને પડ્યો હશે કમા પટેલના ખળામાં!”
તે બેઠી થઈ રડવા લાગી.
“હવે છોની ર’… ભલભલૉ દુ:ખ મટં સ નં ઑનો હું ઈશાબ?...પૈણીને જ્યારથી મું આ ઘરમાં આવી સું તારથી એક દા’ડોય તારા બાપાની ભેંતનું હખ નથી ભાળ્યું. પછ તું હું કૉમ ખોટું લગાડં સ?” કકુ ડઈની પીઠ પર હાથ ફેરવતાં ફેરવતાં બોલે જતી હતી.

***

બીજા દિવસે સાંજે વઢાઈ ગયેલા ખેતરમાં ચરતા બળદ શેઢા પર આવીને વાગોળતા હતા. સવારથી એકધારી હાંફતી સીમ હવે થાક ખાતી હતી. પણ આથમતા સૂરજના અજવાળામાં ઘઉં ઊપણતો સોમો હજી થાક્યો ન હતો. તેને ખેતરમાં ઊભેલો જોઈ કકુ તેની પાસે ગઈ.
“ચ્યમ અતાર લગી સોમા ભૈ ? ઘેર નથી જવાનું કં હું ?
“જવાનું સ ભાભી! પણ આટલું ખળું ઊપણી નાખું તો કાલ હવારનો ધક્કો બચં ! પણ તમે ચ્યમ હોંજ પાડી સ પે’લા એ તો ક્યો?”
“પાલો પાડી મુંય ઘેર જવા જ નેકળી’તી પણ તમનં ખળામાં ભાળ્યા એટલે આ બાજુ વળી !”
“ અમથા કં?”
“અમથા નૈ સોમા ભૈ ! ડઈનં હારું નથી થોડા દા’ડાથી.”
“ઈનં હું થ્યું વળી?”
“એ તો ખબર નથી પડતી પણ ઈનં હેંડાતું નથી.”
“તો તમે હું કૉમ બેહી’હ્યાં સો હજુ?”
“બેહી નથી રહ્યાં સોમા ભૈ ! સરકારી દવાખાને હું એને બે દન પે’લા જ લઈને ગૈ’તી પણ મૂઆ દાક્તર કંઈ હરખો ઈલાજ જ નથી કરતા !”
“તો પછ મનં ના બોલાવાય ?”
“મું બે તૈણવાર તમારા ઘેર આવી પણ તમે મલ્યા નૈ. આજ તમનં ખળામાં ભાળ્યા એટલે આ બાજુ વળી !”
“મંગો તો મનં કાલે જ મલ્યો’તો ઑય કમા પટેલના ખળામાં. પણ ઈને કૉઈ કીધું નૈ !”
“તમનં ચ્યાં ઈની ખબર નથી?”
“કૉઈ વૉધો નૈ ભાભી મું આટલા ઘઉં ઊપણી નાખું પછી ઘેર આવું સું. તમતમારે નિરાંતે જૉવ !”
માથા પરથી જાણે સો મણનો ભાર ઊતરી ગયો હોય એમ કકુ “તમારા જેવા ભગવૉનેય નૈ !” કહી શેઢા પર ઊગેલા દાભડાઓથી પગ સાચવતી ઘર તરફ ચાલવા માંડી.

***

સમી સાંજે ખભે થેલો ભરાવી સોમો કકુના ઘરે જવા નીકળ્યો. તેનું બેઠી દડીનું શરીર; લાંબા વાળ અને ટૂંકી ગરદનથી કદરૂપું લાગતું હતું. કપાળે કરેલો કંકુનો ઊભો ચાંદલો તેના કાળા વાનને વધારે ઘેરો બનાવતો હતો ! ધીમે ધીમે મૂછો સરખી કરતો તે શેરી વટાવી કકુના ઘરે પહોંચ્યો. ઘરની બહાર દેરીમાં જગતા દીવાને નમી તેને ખોંખારો ખાધો. ખોંખારો ઓળખી કકુ બહાર દોડી આવી.
“આવૉ સોમા ભૈ આવૉ મું તમારી જ વાટ જોઈને બેઠી’તી !” કહેતાં તેને ખાટલો ઢાળ્યો.
ઘરમાં પગ મૂકતાં જ સોમાએ ખાટલામાં પડખું ફરીને સૂઈ રહેલી ડઈ તરફ નજર કરી જોઈ. એને જોતાં જ કશોક ઊંડો વિચાર આવ્યો હોય એમ તે ઘડીક ઉંબરા પર થંભ્યો.
“ઘડીક બેહો સોમાભૈ ! હું થોડી મોરસ લેતી આવું !” કહી તે ઝપાટાભેર દુકાને ગઈ.
સૂનમૂન ઊભો રહેલો સોમો ડઈના ખાટલા પાસે ગયો.
“હું થ્યું સ ડઈ ?” કહેતાં તેને વાંકા વળી તેના માથે હાથ ફેરવ્યો.
અજાણ્યા સ્પર્શથી જાગી ગયેલી ડઈ સોમાને ઘડીક તિરસ્કારથી તાકી રહી. છોભિલા પડેલા સોમાએ તરત તેના માથા પરથી હાથ પાછો ખેંચી લીધો. ખાટલાની બાજુમાં જ ઊભા રહેલા તેને જોઈ ડઈએ બોલવા હોઠ ખોલ્યા પણ પોતાની માને દુકાનેથી પાછી આવતી જોઈ તે અટકી ગઈ.
“હું થ્યું સ સોમા ભૈ ? કૉય ખબર પડી ?” ચૂલા પર કડાઈ મૂકતાં કકુએ પૂછ્યું.
“અતારે તો રૉઝણ જેવું લાગં સ ભાભી ! પણ કાલે મું એક મૂળાડી લેતો આવું એ ઘસીને પાજો. પછી વાત !” મોભ પર વળેલાં બાવાંમાં ભરાયેલાં જીવડાં તરફ જોતાં તેને કહ્યું.
સોમાની વાત સાંભળી ડઈને હાશ થઈ. તે પશલી પર દાઝ કાઢતી હોય એમ બબડવા લાગી:
“મારી હાહરી મનં તો કે’તી’તી કં તું સોમલાનો જરાય વિસવા ના કરતી...પણ આ તો દેવ જેવો મોણસ સ! ઑનં શી રીતે ખોટો કે’વાય ?”
“લ્યો સોમા ભૈ ચા !” કકુએ રકાબી સોમા આગળ ધરતાં કહ્યું. માના શબ્દો કાને પડતાં જ ડઈની વિચારવેલ કપાઈ ગઈ. તેને ઘરના મોભ તરફ ચોંટેલી પોતાની નજર હટાવી ચૂસકારા મારી ચા પીતા સોમા તરફ માંડી ત્યાં જ ઘરની પછીતમાં બોડ કરીને વિયાયેલી કૂતરી જોર જોરથી ભસવા લાગી. તેનો અવાજ સાંભળી કકુ રાતીપીળી થઈ ગઈ.
“મુઈ દહ દનથી વિયોણી સ! આખી રાત કૉદી મારં સ ! કોઈનુંય નૈ નં મારું જ ઘર જ મલ્યું ઑનં?”
ડઈને માના વેણ કડવા વખ જેવા લાગ્યા. તેને પોતાના પેટ પર મૂકેલો હાથ બાજુમાં ખેસવી દીધો.
પાણીમાં ડહોળાઈ ગયેલા કંકુને છૂટા પાડવાનો વિચાર કરતો સોમો ખાલી થઈ ગયેલી રકાબી ખાટલા નીચે મૂકી ઘરે જવા ઊભો થયો.

***

સળગતા દીવાની મેશ ગોખલામાં ચારેકોર લીંપાઈ ગઈ હતી. ધીમા પવનમાંય ઘરના નળિયામાંથી ખરતો ધૂઆ તાજી પાડેલી ઓકળીઓને મેલી કરતો હતો. ખીંટીએ ભરાવેલા થેલા સામે ઘડીક તાકી રહી સોમાએ પડખું ફેરવી આંખો બંધ કરી :
“ઑનં કો’ક પૂરો કરી દેશે ! ***ને... આટ આટલો હમજાયો તોય *** હમજતો જ નથી! પશલી વખતે માંડ માંડ બધું થાળે પાડ્યું’તું ! પણ આ વખતે ઈનો બાપો ઈનં બચાવશે? આખા શરીરને રણઝણી નાખતો વિચાર આવતાં તે બેઠો થઈ ગયો. રઘવાયા લાગતા સોમાને જોઈ લખીએ વાસણ માંજતાં માંજતાં પૂછ્યું:
“હું થ્યું?”
“કૉય નૈ ! ”
“તો ચ્યમ ઓચિંતા બેઠા થઈ ગ્યા ?”
“હવારે ગલબાનં ખળું ઊપણવા હારે લઈ જવો પડશે. હજું થોડું બાકી રહી ગયું સ. મોઢાના ભાવ વરતાય નહીં એમ સોમાએ ધીમેથી કહ્યું. “હું ઈનં કે’તો આવું” કહી તે ખાટલા નીચે મૂકી રાખેલો પરોણો લઈ ઊભો થયો.
શેરીની ધૂળમાં ખૂંપતા પગ ઝડપથી ચલાવી તે ગલબાના ઘરે પહોંચ્યો. પણ ગલબો આજે ગાળવણ કરવા ખેતરમાં જ રોકાયો છે એમ ભલી પાસેથી જાણી તેને પોતાના પગ સીમ તરફ વાળ્યા. પાછળ ભસતાં કૂતરાંને અણદેખ્યાં કરી તે ગલબાના ખેતરમાં પહોંચ્યો. શેઢા પર ઊભા રહી ખેતરની વચમાં દેખાતા ફાનસના અજવાળા સામું જોઈ તેને જોરથી બૂમ પાડી. પણ કૂવા પર ફરતા મશીનના કારણે અવાજ ગલબા સુધી પહોંચ્યો નહીં. ખભે સુધી આવતા પોતાના વાળમાં હાથ ફેરવતો ફેરવતો તે શેઢે શેઢે ચાલવા માંડ્યો. ફાનસના અજવાળાને ઢાંકતો અંધકાર ચારેકોર ફેલાયેલો હતો. દૂર દૂર બોલતી ફાવડી રાતના ભેંકારને જાણે જગવતી હતી. ઓચિંતું માથા ઉપર આવીને ઊડી જતું ચામાચિડીયું મનમાં ડર પેદા કરતું હતું. પાણી ભરેલા ચાસમાં ફાનસ લઈને ઊભેલા ગલબાની આકૃતિ હવે વર્તાવા લાગી. બાજુમાં કમા પટેલના ખેતરમાં ઢાળિયો ખોદતા પાવડાનો આવાજ એકધારો આવતો હતો. વાડ પાસે ઊભા રહી તેને મોટેથી સાદ પાડ્યો. સોમાનો અવાજ ઓળખી ગલબો ફાનસ લઈ શેઢા પર આવ્યો.
“ચ્યમ અતારમાં? ” ગલબાએ ફાનસ થોર પર ભરાવતાં પૂછ્યું.
“તનં ના નો’તી પાડી કં ઈનં વતાવતો નૈ !” સોમાએ ગંભીર અવાજમાં કહ્યું.
“કુની વાત કરં સ તું ?”
“જૉણી જોઈનં અજૉણ્યો ના થા ! ઈની મા વાઘ જેવી સ ખબર પડશે તો તનં અનં મનં મારી નાખશે ! તું ભાઈબંધ સ એટલે ચેતવવા આવ્યો સું.”
“ઈને કહી દીધું બધું?”
“ના! હજી તો એવું લાગતું નથી. પણ...જતા દા’ડે તો ખબર પડશે કં નૈ ?”
“ખબર પડં એ પે’લાં તો તું નથી બેઠો !” ગલબાએ જોરથી હસતાં હસતાં કહ્યું.
સોમાની આંખમાં દેખાતો ડર જોઈ ગલબાએ પૂછ્યું:
“પણ તનં કુણે કીધું આ બધું?”
“ગઈ કાલ પશલી મારા ઘેર આઈ’તી!”
સોમાનો જવાબ સાંભળી ગલબો ઢીલો પડ્યો. તે બધું કહેવા લાગ્યો:
“મું ચેટલીયવાર કહ્યું કં ડઈલી તું ઑય બકરૉ ચરાવવા આવતી નૈ ! ભેળોણ થાય સ ! પણ મારી હાહરી મૉનતી જ નૈ ! એ દા’ડે તે ઑયથી બકરૉ લઈનં નેકળી ત્યારે મું ઢાળિયો હરખો કરતો’તો.” સોમાએ કાન સરવા કર્યા.ગલબો એકધારો બોલે જતો હતો.
“મારી પાહે આવીને મનં ક્યે : “ગલબા ! બઉ તરહ લાગી સ ! પૉણી હોય તો થોડું પા. મું ઓયડીમાંથી લોટો ભરી લાયો અનં ઈના હાથમાં ધર્યો. વરહની તરહી હોય ઈમ એ એકીટશે આખો લોટો ઘટઘટાવી ગઈ. ઉપર હાથે પૉણી પીતાં પીતાં પૉણીના રેલા ઈના ગળા ઉપરથી છેક ઈના બુશકોટમાં ઊતરતા હતા. પછી–”
બાજુના કમા પટેલના ખેતરમાંથી કોઈના આવવાનો અણસારો આવતાં તે બોલતાં બોલતાં અટકી ગયો. એટલામાં ઢફ દઈને પાછળ થૂવર કપાવાનો આવાજ સંભળાયો. સોમાએ એ બાજુ નજર કરી જોઈ ત્યાં તો કોઇની જોરુકી લાકડીનો ફટકો વાગતાં શેઢા પર મૂકેલું ફાનસ હવામાં ઊછળ્યું. ચારેકોર અંધકાર છવાઈ ગયો. સોમો બેબાકળો બની આજુબાજુ જોવા લાગ્યો.તેને કશું સૂઝતું ન હતું.તેને પરોણો હવામાં વીંજયો. ઓચિંતો તેની પીઠ પર જાણે ઊંધા ધારિયાનો ઘા થયો. તે નીચે ઢળી પડ્યો. પોતાને કળ વળે ન વળે એ પહેલાં ગલબાની કારમી ચીસ વગડામાં ગાજવા લાગી. થૂવરના દૂધની ગંધમાં લોહીની ગંધ ભળવા લાગી. દોડીને જતા પગનો પીછો કરવા સોમાએ બેઠા થઈ દોટ મૂકી પણ વગડાના અંધકારમાં પગલાંઓનો અવાજ અદૃશ્ય થઈ ગયો. ફક્ત દારૂની ગંધ હવામાં ઘુમરાતી હતી !

કિશનસિંહ પરમાર, મુ.વક્તાપુર, તા:તલોદ, જિ:સાબરકાંઠા મો:૯૪૨૮૧૦૪૭૦૩ઈ-મેઈલ: kishansinhp@gmail.com