Included in the UGC-CARE list (Group B Sr. No 172)
ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો મહિમા પ્રગટ કરતી નવલકથા : માટીનો માનવી

ભૂમિકા :

‘ભારત’ અને ‘ભારતીયતા’ એ શું છે? ભારત કે ભારતીયતા એ આ ધરતી પરનો એક ભૌગોલિક વિસ્તાર છે કે માત્ર તે વિસ્તારમાં વસતા લોકો જ ભારતીય છે? કે તેથી વિશેષ છે? – ભારતીયતાનો વિચાર કરતા હોઈએ છીએ ત્યારે આપણા મનમાં આવા ઘણાં પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. આપણે તેની ઓળખ માટે હંમેશા ઉત્સુક રહેતા હોઈએ છીએ. ભારતીયતાને કોઈ ચોક્કસ વ્યાખ્યા કે સીમામાં બાંધવાથી બંધાય તેવી નથી. કારણ કે, ભારતીયતાનો અર્થ વિસ્તૃત અને વિશેષ છે. સાદી અને સરળ રીતે જોઈએ તો તમે અને હું, કરોડો દેશવાસીઓ સૌ સાથે મળીને ‘ભારતીયતા’ને ચરિતાર્થ કરતાં આવ્યા છીએ. આપણા પૂર્વજો, તેમના વિચારો અને કાર્યો, તેમની સિદ્ધિઓ, તેમનું સમર્પણ એ બધું જ આપણી ભારતીયતાને રચી આપે છે. તેથી વિશેષ આજે આપણે જે કરી રહ્યા છીએ, કદાચ તે ભવિષ્યની ‘ભારતીયતા’નો સંદર્ભ બાંધી રહ્યા છીએ.

ભારતીયતા વિશેના એક તત્ત્વસંદર્ભને જોઈએ તો આપણે સમજી શકીએ કે, આ સંજ્ઞા શું છે. ૨૭ સપ્ટેમ્બર,૧૯૦૯નાં રોજ લોર્ડ કર્ઝન, હાઉસ ઓફ લોર્ડઝને સંબોધિત કરતી વખતે પરિચિતતા (familiarity)નાં સંદર્ભેમાં કહે છે, “Our familiarity, not Merely with the language of the people of the east but with their feeling, their traditions, their history and their religions…”[1] માત્ર પૂર્વના લોકોની ભાષા સાથેની આપણી પરિચિતતાનો પ્રશ્ન નથી, આ પ્રજાના રીતરિવાજોનો, તેમની લાગણીઓ-સંવેદનાઓનો, તેમની પરંપરાઓનો, તેમના ઈતિહાસોનો અને તેમના ધર્મનો પણ છે. અહીં લોર્ડ કર્ઝન પૂર્વ એટલે ભારત દેશની વાત કરી રહ્યા છે. તેઓ સૂચવે છે કે, આપણી ઓળખ માટે આપણી ભાષા જ કેવળ પૂરતી નથી. પરંતુ આપણી રહેણીકરણી, આપણી લાગણીઓ, આપણી રૂઢીગત પરંપરાઓ-પ્રણાલીઓ, ઇતિહાસ, ધર્મ-વિધિઓ વગેરે આપણે ત્યાં રહ્યા છે. ‘ભારતીયતા’માં આ બધું જ કોઈને કોઈ રીતે યુગોથી ગૂંથતું આવ્યું છે અને તે ભારતીયતા શબ્દને સાર્થક રીતે ચરિતાર્થ કરે છે. મેથ્યુ આર્નોલ્ડે તો ભારતની નિષ્કામ દ્રષ્ટિનો મહિમા કર્યો છે. તેઓ કહે છે, “ભારતીય નિષ્કામભાવે કાર્ય કરે છે, ગણતરીઓથી દૂર રહે છે. ‘હું’ નહીં, ‘આપણે’ કહેવાની અને તે રીતે વિચારવાની તેમની ટેવ છે. પરિણામ ઉપર તેમની નજર નથી તેમની નજર ઉત્તમ પ્રક્રિયા પરત્વેની છે.”

સૌ પ્રથમ તો મહત્ત્વની બાબત એ છે કે, ચાલી આવતી દીર્ઘ પરંપરાઓ અને સભ્યતા એ ભારતીયતા છે. આપણો ઇતિહાસ, આપણી કળાઓ, આપણા ધર્મો અને તે વિશેષની આપણી સતર્કતા હજુ ઓછી થઈ નથી. આ બધુ ભારે આતુરતાથી સાહિત્યમાં વિસ્તરણ પામી રહ્યું છે. તેથી જ ભારતીયતા અને ભારતીય સંસ્કૃતને ઉજાગર કરતી અને પરંપરાનો ચિતાર આપતી નવલકથાને અહીં મૂલવવાનો ઉપક્રમ છે.

માટીનો માનવી :

કાલિન્દીચરણ પાણિગ્રહીની ‘માટીર મંણિષ’ (૧૯૩૬) ઊડિયા નવલકથા ભારતીય ગ્રામ્યજીવનમાં આજ સુધી ટકી રહેલા માનવ માનવ વચ્ચેના સુક્ષ્મ સંબંધોનું ચિત્રણ કરે છે. ગુજરાતી ભાષામાં આ નવલકથાનો અનુવાદ ઉત્તરા દેસાઈ અને નારાયણ દેસાઈએ ‘માટીનો માનવી’ નામથી કર્યો. આ નવલકથા લખાય તે સમયે દેશમાં આઝાદીની ચળવળ અને ગાંધીવાદ તથા ગાંધીવિચારોનો સમૂળગો પ્રભાવ સાહિત્ય ઝીલી રહ્યું હતું. નવલકથામાં લેખકે ઓરિસ્સાનાં ગામડાનું કૌટુંબિક જીવન અને સંયુક્ત કુટુંબવ્યવસ્થાને કારણે વર્ષોથી ભારતીય જીવનમાં જોવા મળતા માનવીય ગુણો, આદર અને સદભાવને પોતાની આગવી શૈલીમાં આલેખી છે.

ફકીરમોહન સેનાપતિની પરંપરાને આ નવલકથા આગળ લઇ જાય છે. ઓરિસ્સાનાં ગ્રામ્યજીવનને અપરિચિત એવા ગાંધીવાદી આદર્શને સાહિત્યનાં સંદર્ભમાં આલેખવાનો પ્રયત્ન કર્યો છે. લેખક કૃતિમાં ભારતીય પરંપરાની સંયુક્ત કુટુંબવ્યવસ્થાનો મહિમા કરવા સાથે મુખ્ય પાત્રોનાં સ્વાભાવિક હદયપરિવર્તન દ્વારા અહિંસાની ભાવનાને પણ સ્પર્શક્ષમ આલેખે છે.

નવલકથાનો આરંભ ભારતીય તત્ત્વજ્ઞાનની આવસ્થાએ થાય છે. તેમાં અનાદિકાળથી જે કુદરતી ઘટનાઓ બનતી આવે છે તેનું મર્મભેદી વર્ણન છે. ઓરિસ્સાનાં કટક જીલ્લામાં વિરૂપ નદીના કાંઠે પધાનપાડા નામનાં ગામડામાં શામુ પધાન અને તેના વડવાઓનું માટીનું ઘર આવેલું. આ ઘર ઘણીવાર તોફાન અને કુદરતી સમસ્યાને કારણે કેટ-કેલીવાર પડી ગયું અને છતાં પેઢીઓથી બનતી આ ઘટના સામાન્ય હતી. કારણ કે, ઘર પડતાની સાથે આડોશ-પાડોશનાં તથા ગામના સર્વે ભેગા થઈને અનેકતામાં એકતા એવી ભારતીય પરંપરાનું દર્શન કરાવતા. માત્ર બે દિવસમાં જ પહેલા જેવું ઘર ઊભું કરી દેતા. શામુ પધાનનાં ઘરમાં માણસાઈ એટલી બધી કે ગ્રામજનોને સાજે-માંદે કે કોઈ તકરાર ઊભી થાય અથવા સારા-નરસા પ્રસંગે સૌ શામુ પધાનને યાદ કરે. શામુ પધાનની પત્ની પણ ખૂબ દયાળુ. તે પણ ગામનાં કોઈ પણને ખાવાની સમસ્યા હોય તો પોતાના ઘરેથી અનાજ ભરી આપતી. ભારતીય સંસ્કૃતિમાં પાડોશી પ્રત્યે લાગણી અને મૈત્રીભાવની ભાવનાને બતાવતા પધાન ગૃહિણી કહે છે, કે “અલી પોરી, ઘરમાં મારે ભલે ને કાંઈની હોય. તેથી શું થિયું? તારા પોયરાં સામે જોંઉ તો મારાં પોયરાં સામું કોંક તો જોશે કે નહીં?” (પૃo૧૨) બીજાનાં ભાલમાં પોતાનું ભલું, બીજાનાં સુખે સુખી અને બીજનાં દુઃખે દુઃખીની ભાવનાને આ ઉક્તિ ચરિતાર્થ કરે છે. પ્રાદેશિક પારંપરિક ઘરની બાંધણી અને તેની અંદર લીપણથી ચોખ્ખી ચટાક બનાવેલી ભોંય પૂર્વ ભારતનાં પારંપરિક રહેણાંકનું દર્શન કરાવે છે. લીપણ અને ગૃહ સુશોભન ભારતીય ૬૪ કળાઓમાંની એક કળા છે.

શામુ પધાનને બે દીકરા મોટો બરજૂ અને નાનો છકોડી. આ છોકરાઓ પધાન ગૃહિણી એ કેટકેટલાં દેવ-દેવીની પૂજા અને માનતાઓ બાદ થયા છે. ભારતીય ગ્રામ્યજીવનમાં દીકરા અને દીકરી પ્રત્યેના ભેદ એટલા સ્પષ્ટ છે કે તે સાહિત્યકૃતિઓમાં પણ દેખાય આવે છે. ઘરમાં પુરુષો અને તેમાય બંને દીકારોને ખાવાનું પરોસવામાં થોડી પણ ભૂલ થાય અથવા મોડુ થાય તો તેની સાસુ કહેતી, “બૈરાંનો અવતાર બહુ જ હીન અવતાર” (પૃo૧૩) બંને વહુઓ ક્યારેક બોલાચાલી કરે ત્યારે ડોસી કહે, “અલી ઓ ! અસ્ત્રી જનમ બહુ પાપી જનમ કહેવાય. કજિયો કરશો, ગાળો દેશો ને છેવટે ઘર ભાંગશો એ જ ને?” (પૃo૧૩) સ્ત્રી પ્રત્યેની માનસિકતા અને રૂઢિવાદી માન્યતાથી સમાજનાં લોકો કેટલા ઘેરાયેલા છે તે વર્ષો પહેલા અને આજે પણ પ્રસ્તુત છે.

બરજૂ ભણેલો હોવાથી નોકરી કરતો. શામુ પધાનનો અંતિમ સમય આવ્યો ત્યારે શામુ પધાને બરજૂને બોલાવીને તેને સમજાવી નોકરી છોડાવી દીધી અને કહ્યું, “...ભોંય ખેડવામાં તો બાપદાદાની સાત પેઢી વીતી ગઈ અને તુ મોટો કામીને ચાંદીના ચોક પૂરવાનો” (પૃo૧૮-૧૯) પેઢીદર પેઢી ચાલતી આવતી જીવનનિર્વાહની પ્રક્રિયાને લેખકે ઉજાગર કરી છે, સાથે સાથે તે પ્રદેશની ખેતીપ્રધાનતાનો સંકેત પણ લેખકે આપણી સમક્ષ મૂક્યો છે. કૃતિનાં કેટલાંક સૌંદર્યોસ્થાનોમાંનુ એક શામુ પધાને મરણપથારીએ બરજૂને જે શિખામણ આપી તે છે, “બાપુ, માંરુ તો હવે પૂરું થયું. હવે તમતમારે સમજી લો. એક વાત યાદ રાખજો તમે તો બંને ભાઈઓ છો, ખેતર વચ્ચે પાળ ન ઊભી કરવી પડે. ઘરનાં આંગણા વચ્ચે વરણાઈ ઊભી ન કરવી પડે તેનું ધ્યાન તુ જ રાખજે.” (પૃo૨૪) જુદા જુદા મંતવ્યો, જુદી જુદી વિચારધારા, જુદા જુદા સ્વભાવો અને છતાં સંયુકત કુટુંબની ભાવના એ જ ભારતીયતા. ગમે તેવી વિષમ પરિસ્થિતિ એ જ ભારતીયતા.

નવલકથાના કેન્દ્ર સ્થાને તો બરજૂ છે પણ તેની આસપાસ બરજૂની પત્ની, છકોડી, નેત્રમણી અને હરિમિશ્રને લેખકે મૂકયા છે જે નવલકથાને આગળ વધારવામાં મદદરૂપ થાય છે. શામુ પધાનનાં મૃત્યુ બાદ ખેતરમાં સખત પરિશ્રમ કરતો. દિવસેને દિવસે ગામમાં તેની આબરૂ વધતી હતી. પરંતુ તેની પત્ની અને દેરાણી નેત્રમણિ બંનેને ફાવતું નહીં અને નેત્રમણિને પોતાના પિયરનું અભિમાન હતું. બંને વાતવાતમાં ઝઘડતા, બંને પોતાના પતિને એક બીજા પ્રત્યે ઉશ્કેરતા. અધૂરામાં પૂરું હરિમિશ્ર ગામની પંચાયતનાં સરપંચ હતા. તેમનાથી બરજૂની પ્રતિષ્ઠા જોવાતી ન હતી. છેવટે ઘર ભંગાવવા, ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડા કરાવવા તે છકોડીની કાનભંભેરણી કરે છે અને તેની અસર પણ જોવા મળે છે. બરજૂ ઘરમાં થતા રોજ-રોજના કંકાસથી કંટાળી જાય છે અને એક દિવસ તે ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર, પાંચ દિવસ જતો રહે છે અને ત્યાર બાદ તે ઘરે આવે છે.

બરજૂની દીકરીઓ હારા અને સોનાના લગ્નપ્રસંગે જુવારુ કરવા માટે છકોડીને તેની પત્ની નેત્રમણિ અને હરિમિશ્રે ખૂબ ચઢાવ્યો. છકોડીએ ના પાડી તો પિયર જવાની હઠ લીધી. આ દરમિયાન બરજૂની પત્નીનું તો હદયપરિવર્તન થઈ ગયુ અને બરજૂનાં આદર્શ પ્રમાણે એની ભાવના પ્રમાણે વર્તવા તૈયાર થાય છે. બરજૂનું ઘરની બહાર રહેવુ સફળ થયું, દેરાણી-જેઠાણીની લડાઈનો અંત આવ્યો. હવે ઘરમાં કંકાસ હતો, પણ માત્ર નેત્રમણિનાં પક્ષેથી. બાઉરી જાતિનો ધરમો ગામનો સાચાબોલો ગરીબ વ્યક્તિ હતો. તેણે એક દિવસ હરિમિશ્રાની હકીકત જણાવી એટલે હરિમિશ્રએ મોકો જોઇને ધરમાને માર્યો. આ ઘટનાથી ધરમો હરિમિશ્રને મારી નાખવા તૈયાર થાય છે. પરતું તે સમયે બરજૂ ધરમાને સમજાવે છે અને અહિંસક રહીને સામનો કરવાની સલાહ આપે છે. ગામમાં જ્યાં જ્યાં વિસંવાદ હોય ત્યાં ત્યાં બરજૂ સંવાદ અને સલાહ દ્વારા સંપની સ્થાપના માટેના પ્રયત્નો કરતો. અહીં નવલકથામાં આપણને બરજૂનાં વર્તનથી ગાંધીજીના સર્વસમભાવ અને અહિંસાની ભાવના ચરિતાર્થ થતી દેખાય છે અને ગાંધીવાદનો પ્રભાવ ઝીલે છે.

છકોડી, નેત્રમણિ અને હરિમિશ્રાની વાતોમાં એટલો બધો આવી ગયો કે તે હવે ઘામાંથી અલગ થવા માંગે છે. બીજી બાજુ નેત્રમણિ પણ ઘરમાં બે ચૂલા પેટાવવાની વાત પર અકબંધ છે. આ વર્તન અને વાતોની જાણ બરજૂને થાય છે. ત્યારે બરજૂ શનિયા નોકરને સૂચના આપી બધા મગ છકોડીને ત્યાં મોકલાવી દે છે. બરજૂ ઘરનાં ભાગ પાડવાની વાતથી ખૂબ દુઃખી છે. પિતાએ મૃત્યુ પહેલા ઘર વચ્ચે દીવાલ ન થાય અને ખેતરની વચ્ચે પાળી n થાય એ વાતનું ધ્યાન રાખવાનું વચન બરજૂ પાસેથી લીધું હતુ. ઘરમાં બે ચૂલા ક્યારેય ન થાય તેવી પિતાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને આખું જીવન જીવે છે. જેમ દશરથના વચને રામ જીવ્ય તેમ. અહીં ભારતીય પુરાણોનું સંદર્ભ ઉપસી આવે છે. બરજૂનાં ઘણાં પ્રયત્નો કરવા છતાં પણ તે નિષ્ફળ થાય છે. જયારે હરિમિશ્ર બંને ભાઈઓની મિલકત વહેંચણી કરવા આવે ત્યારે બરજૂ મનોમન કહે છે, “સારું, જોઉં તો ખરો? આ ઘરને તું કઈ રીતે ભાંગે છે તે? બે ભાગલા પાડીશ? બરજૂ પધાન જીવશે ત્યાં સુધી આ કઈ શક્ય થવા નહીં દે.” (પૃo૯૩) બરજૂનાં આ વિચારને જોતા લાગે છે કે તે કઈક ગુનો કરી દેશે. બરજૂ એ છકોડીને બોલાવ્યો અને અંતે પતિ-પત્ની સામે તે પોતાનો મક્કમ નિર્ણય જણાવે છે, “મિલકત વહેંચાશે નહીં, આંગણામાં વાડ થશે નહીં, ફક્ત આપણે જુદા રહીશું. આ ઘર, વાડી, બગીચો, જમીન અને પાક, ઢોરઢાખર બધુજ તારું.”, “હું કાલે છોકરાંઓને લઈને ઘર છોડીને જતો રહું છું- સમજયોને હવે?” (પૃo૯૪-૯૫) બરજૂ તેની પત્ની તથા મોતી અને દામુ એ બે બાળકોને લઈને ગામ છોડે છે ત્યારે દૃશ્ય હદયદ્રાવક બની ઉઠે છે. આ દૃશ્ય છકોડીના હદયપરિવર્તનનું કારણ બને છે. નેત્રમણિ તો ઘર ગોઠવવામાં પાળી છે પણ છકોડીનું હદય ક્યાંય ગોઠવાતું નથી. ઘરની ચીજવસ્તુઓ જોઈ ભાઈની યાદ તીવ્રપણે તેને બેચેન કરે છે. આ બાજુ બરજૂ ગામ છોડીને પોતાના હરિપુરનાં મિત્ર ગૌરાંગ સેણને ત્યાં રહે છે. ભાઈનાં વિયોગનું દુઃખ છાકોડીને અસહય નીવડ્યું. એક દિવસે સવારે નેત્રમણિએ જોયું તો છકોડી ઘરમાં ન હતો, તે જગા શેઠીનાં બતાવ્યા પ્રમાણે ગૌરાંગ સેણનાં ઘરે જાય છે. છકોડીને બહાર ઉભેલો જોઈ તેને ઘણી અંદર બોલાવે છે અને પૂછે છે, “કેમ અલ્યા, કેમ આવી ચડ્યો?” (પૃo૧૦૮) પોતાને થતા પશ્ચાતાપને કારણે ધીમા અવાજે છકોડી બોલ્યો, “હું જવાનો...તમે જયાં જશો ત્યાં” (પૃo૧૦૮) છકોડીની આંખોમાંથી આંસુની ધારા વહે છે અને બરજૂનાં છકોડી પ્રત્યેના પોતાપણાનાં ભાવવાળા ઉદગારો “છિ: છિ: બાયલો” સાથે નવલકથા પૂર્ણ થાય છે.

તારણો :

આપણા પહેરવેશ આધુનિક થયા છે, પરંતુ હદયમાં હજુ પણ ભૂતકાળની લાગણીઓ જેવી છે તેવી જ રહેવાની. પશ્ચિમના પ્રભાવ હેઠળ અત્યારે પૂરેપૂરા હોવાં છતાં છોકરી પરણીને સાસરે જાય છે, પુત્ર ભણીને પરિવારને મદદ કરે છે અને માતા-પિતા પ્રત્યે પોતાની જવાબદારીઓ સમજે છે. પછી તે ભારતવર્ષનો કોઈ પણ ભૂમિ ભાગ હોય, કોઈ પણ ભાષા હોય અને કોઈ પણ ધર્મ હોય. જન્મ-મરણ કે લગ્નની અમૂક પ્રકારની વિધિઓ અચૂકપણે યથાવત રહી છે. એટલે જ જયારે જયારે ભારતીયતાને પામવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે પોતાની જાતને સમજવાની પ્રક્રિયામાંથી પસાર થતા હોઈએ તેવું લાગે છે. ભારતીયતા વિશે કે પરંપરાઓ વિશે વિમર્શ કરીએ છીએ ત્યારે અનેક જીવોથી દિપ્ત એવું ભારત આપણી સામે ઉકેલાતું જાય છે. ભારતીયતાની આજ વિશિષ્ટતા છે, એ જ તેનું જુદાપણું છે.

પેઢીદર પેઢી ચાલતી પરંપરા અને નૂતન અભિગમ બંને ભારતીયતાની ઓળખ છે. જૂનાની સાથે નવાનો સ્વીકાર ભારતીયતાનું આગવું લક્ષણ છે. એટલે જ નવલકથામાં એક જગ્યાએ છકોડી વિચારે છે કે ઘર મૂકીને ભાઈ ગયા હોય તેવો પ્રસંગ તે રામાયણનો, રામ રાજા થયા વિના ભરતને રાજગાદી આપી રાજય છોડીને જતા રહ્યા હતા. એ સદીઓ જૂની વાત આજે વર્તમાનમાં લેખકે નવલકથામાં સિદ્ધ કરી બતાવી. નવલકથામાં ગાંધીજીનાં અહિંસાનાં સિદ્ધાંતનો વિજય બતાવાયો છે. નવલકથાકારે છકોડીને દુષ્ટ નથી ચીતર્યો પરંતુ તે માત્ર નેત્રમણિ અને હરિમિશ્રના કાવાદાવાનો તે ભોગ થઈ ગયો હતો તેની નિર્બળતા બતાવી છે. તેથી આગળ છકોડીનાં માનવીય સ્વરૂપને લેખકે ઉઠાવ આપ્યો છે. બરજૂથી છૂટા પડતી વખતનું છકોડીનું મનોમંથન અને વિચારો અને બરજૂનાં ચાલ્યા ગયા બાદ તેની હદયવેદના અસરકારક રીતે લેખકે ઉપજાવી છે.

નવલકથાકારે કથા વર્ણવતાં વર્ણવતાં જ ઓરિસ્સાનું ગ્રામ્યજીવન, તેનો ખેડૂતસમાજ, એ ખેડૂતોની ધરતી પ્રત્યેની માયા, સંયુકત કુટુંબપ્રથા વગેરેનો ચિતાર આપ્યો છે. માત્ર છકોડી કે બરજૂ જ માટીનો માનવી નથી, સમગ્ર ગ્રામજનો પણ માટીના માનવી છે. નવલકથામાં ભારતીય તત્ત્વદર્શન જોવા મળે છે. “ટીપે ટીપે સરોવર ભરાય! જે સારો હશે, તે બીજા પચીસ જણને સારા બનાવશે. એક જ જગ્યાએ ફૂલ ખીલે તોયે ચારેકોર સુગંધ પ્રસરે છે. જે ફૂલની જેટલી સુગંધ, તેટલે દૂર સુધી તે મહેકે છે.” (પૃo૩૨), “જેને રામ રાખે તેને કોણ ચાખે?” (પૃo૬૧) આવા તત્ત્વદર્શનનાં અનેક સૌંદર્યસ્થાનો આપણને નવલકથામાં જોવા મળે છે.

ઓરિસ્સાનાં ગ્રામ્યજીવન અને પૂર્વ ભારતની સાંસ્કૃતિક પરંપરાઓ, ધાર્મિક ક્રિયાઓ તથા રૂઢિઓને લેખકે નવલકથામાં અનેક જગ્યાએ વર્ણવી છે. જેમ કે, --

ઉષુના ચાઉળ : ઓરિસ્સામાં લોકો બે પ્રકારે ખાંડે છે. સામાન્ય ખાંડેલા ચોખાને ‘અરુઆ ચાઉળ’ કહે છે અને ડાંગર બાફીને ખાંડેલા ચોખાને ‘ઉષુના ચાઉળ’ કહે છે. લોકો વધારે પ્રમાણમાં ઉષુના ચોખા વાપરે છે.
પખાળ ભાત : ભાત વધારે રાંધીને તેને હાલ્લીમાં પલાળી રાખી સાંજે કે બીજે દિવસે નીતારીને ખાવાનો રિવાજ છે, આવા ભાતને પખાળ (પ્રક્ષાલિત) ભાત કહેવાય છે.
પુનાગ તેલ : કણજી જેવા ફૂલવાળું મોટું વૃક્ષ હોય છે અને તે ફળના બીમાંથી તેલ નીકળે તે. આ તેલ દીવો પ્રગટાવવામાં વાપરવામાં આવે છે.
મેંટા : ડાંગર મૂળમાંથી વાઢીને તેમાંથી ઝાલર જેવી કરવામાં આવતી શોભાકૃતિ.
ધાણી અને કોડી વેરવી : સૌભાગ્યવતી સ્ત્રીની નનામી નીકળે ત્યારે શબ આગળ ધાણી અને કોડીને તથા પરિસ્થિતિ સારી હોય તો પરચૂરણ પૈસા વેરવાનો રિવાજ છે.
વિષ્ણુ કહેવાની કથા : કોઈને ભૂલથી પગ લાગી ગયો હોય તો વિષ્ણુ કહીને પગે લાગવાનો રિવાજ.
ચિતઉ પિઠા : દાળ-ચોખા વાટીને જુદીજુદી વાનગીઓ બનાવવામાં આવે તેને પિઠા કહેવાય. ચોખા અને નારિયેળને સાથે વાટીને પૂડાની જેમ તાવીપર બનાવેલી વાનગીનું નામ ચિતઉ પિઠા કહેવામાં આવે છે. ચૈત્રી અમાસની રાતે આ વાનગી ખાસ બાવવામાં આવે છે.
પૂર્વ ભારતમાં રોજે તેલ અથવા તો બહેનો દરરોજે હળદર ચોળીને ચોળીને નાહવાનો રિવાજ છે.

આવા રિવાજો, ધાર્મિકવિધિઓ અને જીવનશૈલીથી નવલકથામાં ભારતીયતાનો અંશ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને આ ભારતીયતા એક એવી ભાવના છે જેમાં મનુષ્યનું સામૂહિક ઉન્નયન થાય છે. સત્ય માટેની સામૂહિક મથામણ છે. જયાં મંગલકામના છે, સર્વના કલ્યાણનો ઉદેશ્ય છે. સ્વને ઓગાળીને સર્વનાં ઉદયની ચેષ્ટ છે.

પાદટિપ :

  1. Contemporary Archaeology in Theory: The new Pragmatism (2010), Robert W. Preucel, Stephen Mrozowski, Wiley-Blackwell Publication


સંદર્ભ :
  1. માટીનો માનવી (૧૯૩૬), પાણિગ્રહી કાલિન્દીચરણ, (અનુ. નારાયણ દેસાઈ, ઉત્તરા દેસાઈ), દિલ્હી સાહિત્ય અકાદમી, દિલ્હી
  2. Contemporary Archaeology in Theory: The new Pragmatism (2010), Robert W. Preucel, Stephen Mrozowski, Wiley-Blackwell Publication


કુલદીપ વ્રજલાલ દેસાઈ, Ph.D., ગુજરાતી અનુસ્નાતક વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, મો.:૯૫૮૬૯૮૯૫૭૮ / k.desai107@gmail.com