Included in the UGC-CARE list (Group B Sr. No 172)
'નાદાન છોકરી'ની નાદાનિયત પાછળના મનોવૈજ્ઞાનિક પરિબળો

પન્નાલાલ પટેલને ગુજરાતી સાહિત્યના અદ્વિતીય કથાસર્જક માનવમાં આવે છે. તેમણે પોણાં પાંચસો જેટલી ટૂંકી વાર્તાઓ અને પંચાવન જેટલી નવલકથાઓ લખી છે, એ પણ ગુણવત્તાસભર. અનેક વિવેચકોએ અને ભાવકોએ પન્નાલાલ પટેલની સર્જકતાને વિવિધ દૃષ્ટિકોણથી પ્રમાણી છે. હું પણ એમની એક વાર્તા દ્વારા એમની સર્જનાત્મકશક્તિને સંસ્પર્શવાનો નમ્ર પ્રયાસ કરું છે.

1954માં પન્નાલાલનો 'ઓરતા' શીર્ષકસ્થ વાર્તાસંગ્રહ પ્રકાશિત થાય છે. આ સંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓ સંગ્રહાયેલી છે. એમાંની 'ઓરતા' અને 'પીઠીનું પડીકું'  - એ બે વાર્તાઓ મારી પ્રિય વાર્તાઓ છે. આ બંને વાર્તાઓ ભાવકના સંવેદનતંત્રને કસીને પકડી રાખવા સમર્થ છે તો સાથોસાથ પન્નાલાલ પટેલની વિશિષ્ટ/અદ્વિતીય વાર્તાકળાની પરિચાયક પણ છે. આ જ સંગ્રહમાં એક બીજી વાર્તા છે 'નાદાન છોકરી'. આ વાર્તા તેના કથ્યવિષય કરતાં તેમાં નિરૂપાયેલ નાયિકાના મનોવલણો અને મનોસંઘર્ષને કારણે વધારે રસપ્રદ બની છે.  સાહિત્ય પરિષદ અમદાવાદ પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ - ગ્રંથ 6' માં પારૂલ કંદર્પ દેસાઈ આ વાર્તા સંદર્ભે નોંધે છે : "'નાદાન છોકરી' માનસશાસ્ત્રીય ગૂંચની આસપાસ ગૂંથાઈ છે. અપરાધબોધથી પિડાતી શીલા અને એને કારણે બદલાતું તેનું વર્તન આ વાર્તામાં સુરેખ ઝીલાયું છે."[1]

'નાદાન છોકરી' એ એક એવી છોકરી-યુવતી-નાયિકાની વાર્તા છે જેણે બાળપણ અને યુવાવસ્થાનું જીવન તદ્દન મુક્ત રીતે જીવેલ છે. આ નાયિકા તે શીલા. શીલા એક પોલીસ ઓફિસરની દીકરી છે. તે દસ વર્ષની હતી ત્યારે તેની માતા અને તેર વર્ષની હતી ત્યારે તેના પિતાનું નિધન થાય છે. હવે તે વધારે મુક્ત બને છે. તે ગ્રેજ્યુએટ છે ઉપરાંત ઈંગ્લેન્ડ-અમેરિકાના પ્રવાસનો પણ તેને અનુભવ છે. તેના સ્વતંત્ર અને ખંતીલા સ્વભાવને કારણે રાજકીયજીવનમાં પણ તે આગવું સ્થાન ધરાવે છે.

શીલાના ઘરે ફોનની ઘંટડી વાગે છે અને તેનો પતિ શ્યામ ફોન રિસીવ કરે છે. સામે છેડેથી અલગારી બોલતો હોય છે. આ દૃશ્યથી વાર્તાનો આરંભ થાય છે. ફોન પર શ્યામના સંવાદથી ખબર પડે છે કે અલગારી આમને ઘેર આવવાનો છે. અલગારીનું નામ સાંભળતા અને તેના આવવાના સમાચાર સાંભળતા જ "પવનને ઝાપટે જેમ ઝાળ આવે એમ અડધી સાડી પહેરેલી જાજ્વલ્યમાન યુવતી બાજુના બારણામાંથી ધસી આવી. કોપથી લાલ બની ગયેલા એ ઘઉંવર્ણા સુડોળ મોં ઉપર આંગળી મૂકી શ્યામને ચૂપ રહેવાનો આદેશ કર્યો."[2] વાર્તારંભે જ અલગારીના માત્ર નામોલ્લેખથી જ આવી રીતે વર્તન કરતું શીલાનું વ્યક્તિત્વ અને તેના આવા વર્તન પાછળનું રહસ્ય ભાવકચિત્તની જિજ્ઞાસાવૃત્તિને સંકોરવાનું કાર્ય કરે છે. આપણને પ્રશ્ન થાય કે એવું તે શું કારણ હશે કે અલગારીનું નામ માત્ર સાંભળતા શીલા પોતાની સાનભાન ગુમાવી દે છે.

શ્યામ-શીલા સી. ટી. ની પાર્ટીમાં જવાના હોય છે. અલગારી પણ એમની સાથે આવશે એવી વાત શ્યામના મુખેથી શીલા સાંભળે છે ત્યારે શીલા ધૂંધવાઈ ઊઠે  છે અને કહે છે : "'તો જા ત્યારે તું એકલો જ' કહી અડધી પહેરેલી સાડી પણ કાઢતાંકને - ક્યાં ફેંકે છે એના ભાન વગર જ ફેંકી, સીધી જ ચાની ટ્રે ઉપર. કીટલી પડી ગઈ, ચા ઢળી ગઈ ને સાડીયે અડધી પલળી ગઈ. જ્યારે પોતે ચાલતી થઈ પોતાના રૂમમાં ભાડોભડ કમાડ વાસતી."[3] શીલાનું આવું ઉગ્રતાભર્યું વર્તન એક બાજુ વાર્તામાં રહસ્યમય વાતાવરણ સર્જે છે તો બીજી બાજુ તેની પોતાની માનસિક સ્થિતિનું પરિચાયક બની રહે છે. તે જે સાયકોલોજિકલ સ્ટ્રેસ અનુભવે છે તેનો પણ અહીં પરિચય મળે છે. વાર્તામાં આગળ પણ અલગારી સંદર્ભે શીલાના મન:સંચલનો, મનોવલણો નિરૂપાયાં છે તે જોઈએ :"કાં તો પેલાને કમ્પાઉન્ડને દરવાજેથી જ પાછો કાઢ કે કાં તો તું મારા રૂમમાંથી બહાર નીકળી......સાચે જ આજ કાં તો હું કાં તો એ...."[4]

અહીં શીલાનો અલગારી પ્રત્યેનો ગુસ્સો અને તિરસ્કાર સ્પષ્ટ જણાય છે. તો અલગારીનો પક્ષ લેતા તેના પતિ પર આક્રોશ ઠાલવતો શીલાનો સંવાદ જુઓ :"Go to hell with your Algari (તારા અલગારી સાથે જહન્નમમાં જા). Get out from the room (ઓરડામાંથી બહાર નીકળ.)[5]

શીલાનો અલગારી પ્રત્યેનો તિરસ્કાર એટલો તીવ્ર બનતો જાય છે કે વાર્તામાં આગળ જતાં શીલા અલગારીને પોતાના માર્ગમાંથી કાયમીપણે હટાવવાનો વિચાર પણ કરે છે, જુઓ : "આ લપ એમ સીધી ટળે એવું લાગતું જ નથી મને, ઠી...ક છે !... બહુ કરશે તો - અનાજમાંથી કાંકરો કાઢે એમ વચ્ચેથી કાઢી નાખીશ."[6]

ઉપર્યુક્ત સંવાદો પરથી એટલું તો સ્પષ્ટ સમજાય છે કે શીલાને અલગારીથી કઈક વાંધો છે. તે અલગારીથી અસુરક્ષા કે અસલામતી અનુભવે છે. અલગારી તેની નજીક આવે અથવા તેનું નામ સંભળાય તોય શીલાના ચૈતસિક ભાવોમાં કેવી ઊથલપાથલ સર્જાય છે એ આપણે જોયું. વાર્તાના અંતમાં તો શીલા અલગારીને પોતાના માર્ગમાંથી દૂર કરવા તેની ચામાં ઝેર ભેળવી દે છે. ઝેર ભેળવ્યા પછી એ પસ્તાય છે, પીડાય છે. એ પસ્તાવામાં જ તે બેહોશ થઈ જાય છે.

ભાવક તરીક આપણે સૌને જાણવાનું મન થાય કે શીલામાં આવા ભાવપલટાઓ આવે છે કયા કારણે ? તેના આવા મનોવલણો પાછળનું કારણ શું ? તે અલગારી તરફથી અસુરક્ષા કે અસલામતી કેમ અનુભવે છે. તેની લઘુતાગ્રંથિની પશ્ચાદભૂમાં કયા મનોવૈજ્ઞાનિક પરિબળો સક્રિય છે ? એક વ્યક્તિ કોઈની હત્યા કરવાનું વિચારે અને હત્યા કરવાનો પ્રયાસ કરે એ કોઈ સામાન્ય બાબત તો નથી  જ ? શા માટે શીલા અલગારીની હત્યા કરવાનું વિચારે છે અને એ માટે પ્રયાસ પણ કરે છે ? આ બધા સવાલોના સાધાર ઉત્તર મળે તો અલગારી જેને નાદાન છોકરી કહે છે એ શીલાની નાદાનિયતને બરાબર પામી શકાય.

શીલા જ્યારે પોતાની રાજકીય કારકિર્દી બનાવવામાં વ્યસ્ત-મસ્ત હતી એ દરમ્યાન જ તેનો ભેટો અલગારી સાથે થાય છે. આમ તો શીલા ખૂબ ચંચળ સ્વભાવની. આરંભે ગાંધીમાર્ગ અપનાવે છે પછી સામ્યવાદી માર્ગ અને છેલ્લે સમાજવાદી માર્ગ અપનાવે છે. જ્યારે અલગારીનો એક જ માર્ગ માનવતાવાદ. જે માર્ગ શીલાને ગળે બિલકુલ નહોતો ઊતરતો. એટલે થોડો પરિચય થયા પછી શીલા તેનાથી દૂર જવાનું મુનાસિબ માને છે. એ જ અરસામાં શીલા એક કદાવર રાજકીય નેતા, 'મોટા'થી સ્ખલિત થઈ કુંવારી સગર્ભા બને છે. શીલાને આ મુસીબતથી બચાવે છે અલગારી. શીલા ગર્ભપાત કરાવે છે ત્યારે અલગારી કોઈ અંગત સ્નેહીની જેમ 20 દિવસ સુધી તેની પડખે ખડે પગ રહે છે.

પોતાની રાજકીય કારકિર્દી ખતમ થવાને આરે હતી અને પોતાને મરવા વારો આવે એવા સમયે અલગારી તેને મદદ કરે છે તેથી શીલા તેના પ્રત્યે ખૂબ જ ઋણભાવ અનુભવે છે. એટલું જ નહીં શીલાના કહેવાથી અલગારી તેના માટે શ્યામ જેવો તેને પરણવા લાયક છોકરો પણ શોધી લાવે છે. આમ, અલગારી શીલા પર ઉપકાર ઉપર ઉપકાર કરતો જાય છે. શીલા, શ્યામ અને અલગારીની મૈત્રી પણ ખૂબ પાક્કી હતી.

એમાં એક દિવસ 'અખિલ ભારત યુવતી મંડળ'ના વાર્ષિક સંમેલનમાં ગવર્નરપત્ની અને મોટા આગેવાનો સમક્ષ તે 'ચારિત્ર્ય' વિષય પર પોતાનો લેખ રજૂ કરી રહી હતી. એ સમયે તેની નજર અલગારી અને તેની સાથે બેઠેલ વ્યક્તિ પર પડે છે. અલગારી સાથે બેઠેલ એ વ્યક્તિ એ પેલી જ વ્યક્તિ (મોટા) હતી જેના કારણે પોતાને નીચાજોણું થયું હતું. અલગારી અને મોટા હસી હસીને વાતો કરી રહ્યાં હોય છે. અલગારી વચ્ચે વચ્ચે શીલા તરફ આંગળીથી ઇશારા પણ કરતો હતો. તેથી શીલાને શંકા પડે છે કે એ લોકો તેના વિશે જ વાતો કરે છે. ત્યારથી શીલાના મનમાં એવો વહેમ ઘર કરી જાય છે કે અલગારી તેના ચારિત્ર્ય વિશે વાતો ફેલાવે છે. તેને એવો પણ વહેમ છે કે પોતાના સ્ખલનની વાત અલગારીએ તેના પતિ શ્યામને પણ કહી દીધી છે. એટલે જ તે અલગારી તરફથી અસુરક્ષાનો કે અસલામતીનો ભાવ અનુભવે છે. અલગારી તરફથી તે જે અસલામતીનો ભાવ અનુભવે છે એ તેના જ શબ્દોમાં જુઓ : "સાચે જ આ જાદુગર માણસ મારું સામાજિક જીવન તો ધૂળ કરવા બેઠો છે તે બેઠો છે પણ મને લાગે છે કે ખાનગી જીવનને કાં તો બરબાદ કરી આપશે !"[7]

ચારિત્ર્ય કે જાતીય બાબત એ જીવનની ખૂબ સંકુલ અને સંવેદનશીલ બાબત છે. વ્યક્તિનું ચારિત્ર્ય અને જાતીય જીવન તેના સામાજિક, રાજકીયજીવનને સીધું અસર કરતું હોય છે. એના પર જ તેનો સામાજિક, રાજકીય મોભો નિર્ભર હોય છે. એટલે જ દરેક વ્યક્તિ પોતાનું જાતીયજીવન સંગોપીને રાખતી હોય છે. શીલાથી પણ જાતીયતા બાબતે ભૂલ થઈ હતી. પણ આ ભૂલ કોઈને ખબર પડે તો તેનો સામાજિક, રાજકીય મોભો ખતમ થઈ જાય. એટલે જ તે આટલી ભયભીત રહે છે.

એક વખત શીલા અલગારીને નવા પ્રધાનમંડળ માટે પોતાનું નામ સૂચવવા કહે છે ત્યારે અલગારી તેને કહે છે : "તને પ્રધાન તો બનાવે શીલા, પણ એવી તે તારી કઈ લાયકાત ઉપર"[8] અલગારીનો આ ઉત્તર તેના અહમ્ માટે આઘાતક બની રહે છે. આગળ આપણે જોયું કે શીલા સ્વમાની અને જિદ્દી છે. તે પોતાનું ધાર્યું જ કરે છે. પણ અલગારી આગળ તેનું કશું ચાલતું નથી. આથી તે તેની સમક્ષ નાનપ અનુભવે છે. એમાંય અલગારીને પોતાની દુખતી રગ ખબર છે એટલે તે વધારે લાચારી અનુભવે છે. તેનો આ ભય અને લાચારી તેનામાં લઘુતાગ્રંથિ જન્માવે છે. ઉપરના સંવાદ પછી ઘરે આવી તે શ્યામને કહે છે : "નહિ શ્યામ, તું ભલે એને મશ્કરી જ માત્ર લેખતો હોય પણ મને તો એની પાછળ એનો સુપિરિયોરીટી કોમ્પ્લેક્સ (ગૌરવગ્રંથિ) જ દેખાય છે. બીજાને ઉતારી પાડવાના - અરે હલકા પાડવાના ફાંફાં સાથે જ સદા એ ફરતો હોય છે !"[9] અહીં ભલે તે અલગારીની ગુરુતાગ્રંથિ કે ગૌરવગ્રંથિની ટીકા કરતી હોય, પણ એ ટીકાની પશ્ચાદભૂમાં તેની જ લઘુતાગ્રંથિ સક્રિય છે એ પણ સ્પષ્ટપણે જણાઈ આવે છે. રાજકીયજીવનમાં ખૂબ સફળ હોવા છતાં તેને સતત અલગારીનો સહારો લેવો પડે છે. એ જેનાથી દૂર ભાગવા ઈચ્છે છે એના પર જ એને નિર્ભર રહેવાનું થાય છે. આ બધી બાબતો તેની લઘુતાગ્રંથિના પોષણ અને વિકાસમાં નૈમિત્તિક પરિબળો બની રહે છે.

અલગારીથી અસલામતી અને લઘુતાગ્રંથિ અનુભવતી શીલા અંતે સાયકોલોજિકલ સ્ટ્રેસનો ભોગ બની અલગારીની હત્યા કરવાનું વિચારે છે. પોતાને ત્યાં આવેલ અલગારીની ચામાં ઝેર ભેળવી તે અલગારીને પીવડાવે છે. ચા આપ્યા પછીની શીલાની મન:સ્થિતિ જુઓ : "ત્યાં તો શીલા માટે કઈક અસહ્ય થઈ પડ્યું હોય તેમ ઊભી થઈ ગઈ. છાતીએ હાથ દઈ ઉધરસ ખાવાના પ્રયત્ન સાથે જાણે થૂંકવા - ઊલટી કરવા જતી હોય એમ બાથરૂમ તરફ વળી.

'આજે આખાય દિવસથી એને ઠીક નથી'. શ્યામે શીલાનો જાણે બચાવ કર્યો. પણ સાથે સાથે એણે જોયું તો શીલા બાથરૂમમાં જવાને બદલે જમીનમાં જ અટવાતી હતી - ખચકાતી, પાછી ફરતી, વળી એક ડગ આગળ ભરતી. શ્યામે જોયું - અને અલગારીનુંય એની સિકલ ઉપર ધ્યાન પડ્યું - કેવી વિચિત્ર, ભય પમાડે એવી સૂરત હતી ! કોપ, અકળામણ, ભય અને રુદન વગેરે ભાવોનું ભીતરમાં જાણે ઘમસાણ ન મંડાયું હોય ! કોઈ કંઈ  પૂછે તે પહેલાં તો એ જ બેભાન થતી હોય તેમ લથડિયાં ખાતી બરાડી ઉઠી : 'નહિ નહિ અલગારી ! Don't take tea. Throw away that -' (ચા ન પી. ફેંકી દે એ) પરંતુ 'કપ' શબ્દ બોલે તે પહેલાં તો એ પોતે જ પડી."[10]

જેને પોતે નડતરરૂપ ગણે છે. જેને પોતે અનાજનો કાંકરો સમજી જીવનમાંથી કાઢી નાખવા માંગે છે એ અલગારીને તે ઝેરી ચા તો આપી દે છે. પણ અલગારીને ઝેરી ચા પીતો જોઈ એ પોતે જ માનસિક સમતુલા ગુમાવે છે. કેમ આવું થાય છે ? આવો ભાવપલટો કેમ ? આવા પ્રશ્નો ભાવકને થાય એ સહજ છે.

મનોવૈજ્ઞાનિક સંશોધનો અને અપરાધશાસ્ત્રના નિર્દેશ પ્રમાણે દરેક માણસની ક્રિયાઓનું નિયંત્રણ ત્રણ પ્રકારના શક્તિકેન્દ્રોમાંથી થતું હોય છે : ઈડ (મૂળભૂત ઈચ્છાઓનો ભંડાર), ઈગો (વ્યક્તિની મૂળભૂત ઇચ્છાઓ અને સામાજિક અપેક્ષાઓ વચ્ચે સંતુલન જાળવતું શક્તિકેન્દ્ર) અને સુપર ઈગો (વ્યક્તિને સામાજિક, ધાર્મિક નિષેદ્ધોની યાદ અપાવી તેની ક્રિયાઓનું નિયંત્રણ કરતું શક્તિકેન્દ્ર). 

શીલાને રાજકીયજીવનમાં ખૂબ આગળ વધવું છે એ તેની ઈડગત ઈચ્છા છે. પણ અલગારી તેમાં અવરોધરૂપ બને છે. અલગારીને ચા આપતા પહેલાં શીલા વિચારે છે : 'તો કરી નાખ આજે જ ફેંસલો. આપવું આપવું ને વળી વિચાર શો ? અહીં જ ચા મગાવ ને ભેળવી દે આ ભેગું. અનેક ઘરની બિલાડી છે, રામ જાણે છે....”[11]

શીલાને પોતાનો રાજકીય મોભો પણ જાળવવો છે અને અલગારીને પોતાના માર્ગમાંથી દૂર પણ કરવો છે. કોઇની હત્યા કરવી એ તો એક ગંભીર અપરાધ છે. આવો અપરાધ સમાજમાં અસ્વીકાર્ય, નિંદનીય ગણાય. શીલાનો અંતરઆત્મા આ બધું જાણે છે. પણ તેનો ઈગો (અહં) ઉપરના અંતિમ વાક્ય 'અનેક ઘરની બિલાડી છે, રામ જાણે છે....' દ્વારા એવું સૂચવે છે કે : અલગારી સતત હરતોફરતો માણસ છે. એટલે કોના ઘરે ઝેરી ચા પીધી એ ખબર કેમ પડે. પરિણામે ઝેરી ચા પીવાથી અલાગરી પોતાના માર્ગમાંથી સાફ થઈ જશે અને બીજીબાજુ એણે ચા ક્યાં પીધી હતી એ કોઈને ખબર નહીં પડે એટલે પોતાનો સામાજિક મોભો પણ અડગ રહેશે. અહીં તેનો ઈગો, ઈડગત ઈચ્છા અને સમાજમાં નિષિદ્ધ અપરાધ વચ્ચે મધ્યસ્થી કરતો હોય એવું લાગે છે.

સુપર ઈગો (અંતરઆત્મા) પણ ઓછો શક્તિશાળી નથી હોતો. તે સતત વ્યક્તિને પોતાના દુષ્કૃત્યોની યાદ અપાવતો રહે છે. અલગારીને ઝેરી ચા તો આપી દે છે, પણ એને એ ચા પીતો જોઈ તેનો અંતરઆત્મા ચા ન પીવા દેવા પોકારી ઊઠે છે. અલગારીને ચા આપ્યા પછી શીલા અકળામણ, ભય વગેરે જેવા જે ભાવો અનુભવે છે એ ભાવોનું નિયંત્રણ શીલાના સુપર ઈગો (અંતરઆત્મા)માંથી થાય છે. અલગારીને મારવાની ઈડગત ઈચ્છા અને આ એક અપરાધ છે, આ ખોટું છે એવો સુપર ઈગો (અંતરઆત્મા)નો અવાજ આ બંને વચ્ચે જોરદાર ઘર્ષણ થાય છે. આ બંને વચ્ચે સંતુલન જાળવવાનું કાર્ય કરતો ઈગો પણ અહીં સંતુલન જાળવવામાં નિષ્ફળ જાય છે. આ ત્રિવિધ શક્તિકેન્દ્રોના આંતરિક સંઘર્ષને કારણે શીલાનું ચિત્તતંત્ર ખૂબ ઝડપથી ભાવપલટાઓ અનુભવે છે. ભાવવૈવિધ્યનો આવો એકધારો ધસારો શીલાનું ચિત્તતંત્ર નથી ખમી શકતું અને તે પોતાની માનસિક સમતુલા ગુમાવે છે, બેભાન થઈ જાય છે. આ વાર્તાની રસપ્રદ અને ચોટદાર કોઈ ઘટના હોય તો તે આ જ છે.

વાર્તાના અંતમાં શીલા હોસ્પિટલાઈઝ અલગારીની ખબર લેવા આવે છે. ત્યારે શ્યામ તેની સમક્ષ અલગારીના અલગારી, અદ્વિતીય વ્યક્તિત્વની વાત કરે છે. અલગારી બચી જાય છે અને શીલાના આ કૃત્યને તેની નાદાનિયત ગણાવે છે.

આમ, કથ્યવિષય સાવ સાદો અને સરળ છે. પણ વાર્તાકારે નાયિકા શીલાના મુખે મૂકેલા સંવાદો અને તેના આંગિક હાવભાવના નિરૂપણ દ્વારા વાર્તામાં અનાયાસ મનોવૈજ્ઞાનિક તથ્યોની શોધ માટે સરસ અવકાશ રચી આપ્યો છે. મનોવિજ્ઞાનના સિદ્ધાંતો કે મનોવૈજ્ઞાનિક સાહિત્ય વાંચ્યા વિના માનવ મનનું આટલું સૂક્ષ્મદર્શી નિરૂપણ કરનાર પન્નાલાલ પટેલ એટલે જ ગુજરાતી સાહિત્યના અદ્વિતીય કથાસર્જક મનાય-ગણાય છે.

સંદર્ભગ્રંથ સૂચિ :

  1. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ- ગ્રંથ- 6, (પારૂલ કંદર્પ દેસાઈનો અભ્યાસલેખ 'પન્નાલાલ પટેલ'); પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ; 1લી આવૃત્તિ, 2006; પૃ. 42 
  2. ઓરતા, પન્નાલાલ પટેલ; પ્રકાશક : દૃષ્ટિ પટેલ, નવરંગપુરા, અમદાવાદ; 6ઠ્ઠી આવૃત્તિ, 2010; પૃ. 181
  3. એજન; પૃ. 181
  4. એજન; પૃ. 190
  5. એજન; પૃ. 190
  6. એજન; પૃ. 196
  7. એજન; પૃ. 196
  8. એજન; પૃ. 193
  9. એજન; પૃ. 193
  10. એજન; પૃ. 199
  11. એજન; પૃ. 197
ડૉ. રાજેન્દ્રકુમાર રમેશભાઈ બાંભણિયા, અધ્યાપક સહાયક, ગુજરાતી વિભાગ, શ્રીમતી સી. આર, ગાર્ડી આર્ટ્સ કૉલેજ, મુનપુર, તા. : કડાણા, જી. મહીસાગર - 389240 Mo. No. : 9724545554, Email Id : bambhaniya22@gmail.com