Included in the UGC-CARE list (Group B Sr. No 172)
લઘુકથા
‘ઠોહો....’

શિયાળાની એ કડકડતી ઠંડીમાં રાત્રે મોડે સુધી તાપણું કરી બેસવાનું અને ગપ્પા માર્યા કરવાની મજાજ કાંઇક અનોખી હોય છે. ઘરના દરેક સભ્યો રાંધણયામા તાપણું કરી બેસતા તે વખતે અડધી રાત કેવી રીતે પસાર થઈ જતી તેની ખબર ન રહેતી અને સાથે સાથે ચૂલામાં મકાઈના ડોડવા શેકી ખાવાની મોજ જ પડતી. પરંતુ આ કામ કરતા ત્યારે સાસરિયામાંથી આવી પિયરમાં રહેનાર ગોળ મટોળ અને કદાવર, ઉમરે વૃદ્ધ અને મિજાજે યુવાન અને ચા પીવાના શોખીન એવા અમારા ફૈય હંમેશા અમને રોકતા અને કહેતાં :
“છોકરાવ ચૂલામાના દેતવા તમે આમ જ ઓલવી નાખો છો.”
“અમે બધાં એક સૂરમાં કહેતાં : હા....હો...”
“આમા મારે ચા ગરમ કેવી રીતે કરવી?”
અમે બધાં તો બસ ખી....ખી...જ કર્યા રાખીએ અને તે ચૂલામાંથી ચાની કીટલી કાઢી બ-બે અડારી એકી સાથે ગડગડાવી જાય એવી તેમની આદત હતી. એમનું નામ તો કવી ફૈય, પણ અમારા તમામ ભાઈ-ભાંડુને તે આવા કોઈને કોઈ કામ કરતા રોકે-ટોંકે એટલે અમે બધાં તેમને તો આ કેવી ફૈય છે? એમ કહી બોલાવતા.
રાતે મોડે સુધી જાગતા એટલે સવારે વેલા ઉઠવાનું કોને ગમે? પણ અમારા ફૈય અમને ઠોહા મારી મારીને જગાડતા અને કહેતાં... “ ઉઠો...હવે...ઉઠો..ઉઠો...અડધો બપોર થયો.”
આવી બુમા-બુમ કરતા ત્યારે એમ થતુ કે આ ફૈય આપણા ઘરેથી જતા કેમ નથી રહેતા ! દરરોજ અમને ઠોહા મારીને ઉઠાડતા ફૈય એક દિવસ પોતે જ ન ઉઠયા. મોટાભાઈએ કહ્યુ દરરોજ તો એ આપણને ઠોહા મારીને જગાડતા, ભાઈ એક ઠોહો એને પણ મારો ને...

ડૉ. દિલીપકુમાર સાંજવા, મદદનીશ અધ્યાપક(ગુજરાતી વિભાગ), સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, લાલપુર, જિ. જામનગર મો.નં.૯૩૭૪૭૭૭૭૬૧ ઈમેલ – sanjavadilip25@gmail.com