Included in the UGC-CARE list (Group B Sr. No 172)
લાભશંકર ઠાકર કૃત દીર્ધનાટક : પીળું ગુલાબ અને હું

પ્રસ્તાવના:-

લાભશંકર ઠાકર ગુજરાતના પ્રથમ પંક્તિના સર્જક છે. કવિતા-નવલકથા-નિબંધ અને નાટક ક્ષેત્રે તેમની કલમ સતત અને સત્વશીલ રીતે વિહરતી રહી છે. “રે’મઠ” તથા “આકંઠ સાબરમતી” જેવી સાહિત્યિક પ્રવૃત્તિ દ્વારા તેઓ નાટક ભણી આકર્ષાયા. તેમણે ‘એકાંકી’ તેમજ દીર્ધનાટક – ફૂલલેન્થ ડ્રામા પણ રચ્યાં છે. ‘કાહે કોયલ શોર મચાવે’, ‘પીળું ગુલાબ અને હું’, ‘મનસુખલાલ મજીઠિયા’ તેમના દીર્ધનાટકો છે તો ‘મરી જવાની મઝા’ અને ‘બાથટબમાં માછલી’ તેમના એકાંકી સંગ્રહો છે. ‘પીળું ગુલાબ અને હું’ નાટક ઈ.સ.૧૯૮૫ માં લખાયું હતું અને દિગ્ગજ દિગ્દર્શક કાંતિ મડિયાએ તેને મંચિત કરેલું.

અહીં લેખક કહે છે કે, “કૈલાસભાઈએ ‘પીળું ગુલાબ’ મારી પાસે લખાવ્યું. એમાં પાત્રો ઉમેરાયાં. નાયિકા સંધ્યાના પતિ તરીકેનું પાત્ર મિત્ર નિમેષ દેસાઈએ ભજવ્યું. એ પ્રયોગ જોઈને શ્રી નિરંજન ભગતે નાટકની સ્ક્રિપ્ટ માંગી. પણ મને હજી જંપ નહોતો. નાટક મારી સર્જકચેતનામાં વિસ્તરતું હતું. મેં નિખાલસતાથી મારા મનની વાત કરી. એમ એ નાટક એવું વિસ્તર્યું કે ‘પીળું ગુલાબ અને હું’ એવું એનું નામ રાખવું પડ્યું.”[1]

આથી જ ડૉ.પ્રભુદાસ પટેલ કહે છે કે, “પીળું ગુલાબ અને હું’ તેના મૌલિક-નૂતન નિરર્પ્યમાન વિષયવસ્તુ, સર્જનાત્મક રચના સંવિધાન અને સશક્ત રંગક્ષમતાને લીધે આધુનિક સાહિત્યનું બલિષ્ઠ નાટક બન્યું છે.”[2]

કથાવસ્તુ :-

અગાઉ કહ્યું એમ આ દીર્ધનાટક છે. નાટકનો પહેલો અંક ચાર ર્દશ્યોમાં વિભાજિત છે. બીજો અંક એક જ ર્દશ્યમાં સમાયેલો છે. મતલબ કે સમગ્ર નાટકમાં પાંચ ર્દશ્યો છે. પહેલા ર્દશ્યમાં નાટકમાંય નાટક છે. કારણ કે નાટકની નાયિકા સંધ્યા એક અભિનેત્રી છે. પહેલા ર્દશ્યમાં સંધ્યા એમાં ‘વેશ્યા’ નામનું નાટક ભજવી રહી છે. તેનું કલાઈમેક્સનું ર્દશ્ય છે. સ્વાભાવિક રીતે જ અહીં પુરૂષપ્રધાન સમાજ સામે વિદ્રોહનો અગ્નિ છે. આ ર્દશ્યમાં એક સાથે બે ઘટનાઓ સમાંતર ઘટતી બનાવાઈ છે. સંધ્યાનો રંગભૂમિ પરનો અભિનય અને એ અભિનયને જોઈ રહેલા નાટ્યકર્મી સુરેન્દ્ર ઝાલા. આમ, દર્શક સમજી શકે છે, અહીં સંધ્યા નામની નાયિકા નાટ્ય કલાકાર છે જે વેશ્યાનો રોલ કરી રહી છે. જેને તેના જ દિગ્દર્શક નેપથ્યમાંથી નિહાળી રહ્યાં છે. અહીં ચાલુ નાટક દરમ્યાન સંધ્યા ખમચાતી બતાવાઈ છે, જે જોઇને સુરેન્દ્ર ઝાલા તથા અન્ય માણસો ગભરાઈ ઊઠે છે કે સંધ્યાએ ભૂલ કરી. અલબત્ત, સંધ્યા દ્વારા સમો સચવાઈ જાય છે. પણ સંધ્યાના ખમચાવાનું કારણ પછીથી સ્પષ્ટ થાય છે તે જે નાટક ભજવી રહી હતી તેમાં કોઈ ઘરાક ફોન કરીને તેનો ‘ભાવ’ પૂછતો બતાવ્યો હતો. સંધ્યાની કરૂણતા એ છે કે એને પણ પોતાના રિયલ લાઈફમાં ફોન દ્વારા ભાવ પૂછવામાં આવ્યો હતો ! આમ, એક તબક્કે ‘રિલલાઈફ’ અને ‘રિયલલાઈફ’ જાણે એક થઈ જાય છે ! બીજા ર્દશ્યમાં સ્વાભાવિક રીતે જ દિગ્દર્શક દ્વારા સંધ્યાને ઠપકો સંભાળવાનો થાય છે. નાટ્યકારે અહીં એક મહત્વના પાત્ર – સ્ત્રીનિર્માતાનો પ્રવેશ કરાવ્યો છે. જેના દ્વારા સંધ્યાની વિચિત્ર વર્તણૂક વિશે સ્પષ્ટતા થાય છે. ત્રીજું ર્દશ્ય સંધ્યાના ઘરની પાર્ટીનું છે. જે પાર્ટી એના પતિ કેતન ઝવેરી દ્રારા અપાઈ છે પરંતુ સંધ્યાને મન ઘર કે તખ્તો બધું જાણે એક સમાન છે ! આ ર્દશ્યમાં સંધ્યાના પૂર્વજીવન વિશે પણ માહિતી મળે છે. માત્ર તેર જ વર્ષની ઉંમરે તે અભિનેત્રી બની છે. જીવનના વિશેષ અનુભવ વિના જ માત્ર ગોખેલા સંવાદો બોલીને જ એ વિવેચકોનાં વખાણ સાંભળતી થઈ છે. જો કે, તેને પોતાને એ બધું બાલિશ લાગે છે. અહીં, આ જ ર્દશ્યમાં નશામાં ચકચૂર બનીને સંધ્યા પોતાના ખાલીપાને ભરવા મથામણ કરે છે. ત્રીજા ર્દશ્યમાં અંત સુધીમાં વાચક-દર્શકને કેતન ઝવેરીના ‘ચલો રોઝ’ માટેના વળગણ વિશે જાણકારી મળે છે. આ સંદર્ભ નાટક માટે ઘણો જ મહત્વનો છે. કારણ કે, પતિ કેતન ઝવેરી ભલે સંધ્યાને પરણ્યો પરંતુ બાળપણમાં બકુલ નામની એક છોકરી તેને રોજ એક યલો રોઝ આપતી. બકુલના હાથ પર એક કાળો તલ હતો એવો જ તલ સંધ્યાના હાથ પર પણ હતો. તેથી જ કેતને સંધ્યા સાથે લગ્ન કર્યા હતાં ! આમ, સંધ્યાના જીવનની સંકુલતા ઘટ્ટ બનતી ચાલે છે.

ચોથા ર્દશ્યનો પ્રારંભ એક નવા નાટકના રિહર્સલથી થાય છે. નાટકની નાયિકા અલબત્ત સંધ્યા જ છે જે ‘ભૈરવી’નું પાત્ર ભજવી રહી છે.રિહર્સલ વખતે સંધ્યા ધરી ગુમાવે છે. તે કોર્ટમાં ઊભી છે એ વખતે પતિનું નામ પૂછવામાં આવે છે. સંધ્યાએ ‘ઉત્સવરામ મજમુદાર’ બોલવાનું હતું, એના બદલે તે તેના પતિ કેતન ઝવેરીનું નામ બોલી ઊઠે છે ! આમ, સંધ્યાના વાસ્તવિક જીવન અને વ્યવસાયિક જીવનની સેળભેળ થઈ જાય છે. સંધ્યા સતત બે જીવન જીવ્યા કરે છે. બેમાંથી એકને પણ બાદ કરી શકતી નથી. તેનો પ્રયાસ આ બધામાંથી છૂટવાનો છે પરંતુ તે તો વધુ ને વધુ ભીતર ખૂંપતી જાય છે વળી, સંયોગવશ ભૈરવીનું પાત્ર મહદ્અંશે સંધ્યાના અંગત જીવનને મળતું આવે છે, ભૈરવી પોતાના પતિના મન-મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણવા પતિના માથામાં કુહાડો મારીને તેનું મોત નિપજાવે છે. સંધ્યા સખત તનાવનો અનુભવ કરે છે. અહીં સ્ત્રી-નિર્માતાના જીવનનો સંદર્ભ પણ સંધ્યાના જીવનની લગોલગ જોડાતો દર્શાવાયો છે. મતલબ કે સંધ્યા અહીં સ્ત્રી-નિર્માતાની વેદના વ્યક્ત કરવામાં માધ્યમ બને છે. સ્ત્રી-નિર્માતાની દીર્ઘ એકોક્તિ સાથે જ પહેલો અંક સંપન્ન થાય છે.

બીજો અંક એક જ, આખા ર્દશ્યમાં સમાઈ ગયો છે. ખાલી થઈ ગયેલી સંધ્યા ખુરશીમાં બેઠી બેઠી ખાલીપો મહેસૂસ કરી રહી છે. વારંવાર તે પોતાની જાતને કહી સંભળાવે છે કે, ના-ના ! આ કાંઈ થિયેટર નથી. મારું પોતાનું ઘર છે. હું કોઈકની યાને કેતનની પત્ની છું ! મતલબ કે, સંધ્યા નિચોવાઈ ગઈ છે. તેનું વ્યક્તિત્વ ડામાડોળ છે. લગ્ન તેના જીવનનાં ખાલીપો ભરવામાં વિફળ ગયાં છે કારણ કે, કેતને પણ બકુલના હાથ પરના તલ જેવો જ તલ સંધ્યાના હાથ પર જોઈને તેની સાથે લગ્ન કર્યા હતાં યાને એને સંધ્યાના વ્યક્તિત્વમાં કશો રસ નથી ! હતાશ સંધ્યાને સ્વસ્થ કરવાના આશયથી કેતન તેને ખંડાલા લઈ જવા માગે છે. જો કે, તેનો આશય સંપૂર્ણતમા તો સંધ્યા માટે નથી જ કારણ કે તે ત્યાં જઈને પારસી બરજોરના ફાર્મમાં ઊગેલા પીળાં ગુલાબના છોડનાં કૂંડાં ઊપાડી લાવવાના પ્લાનમાં પણ છે ! એક તબક્કે સંધ્યા કેતન આગળ સ્પષ્ટ થઈ જાય છે કે, કેતન ! આપણી વચ્ચે જે કાંઈ છે, તે પ્રેમ નથી તું મને યલો રોઝ કહે છે ને મારો જીવ ઊડી જાય છે ! હું કાંઈતારા કૂંડાનો કોઈ છોડ નથી “કેતનનો પ્રેમ તે અનુભવી શકતી નથી. તેને પોતાને, પણ એવું ફિલ થાય છે કે પોતે કેતનને છેતરી રહી છે. સ્ત્રી-નિર્માતા એ વખતે સંધ્યાને એમ જણાવે છે કે બધી પત્નીઓ પોતાની પતિ સાથે કેવળ પ્રેમનું નાટક જ કરે છે. આગળ ઉપર સંધ્યા લગ્નજીવનની નિષ્ફળતાને ભુલાવવા જ જાણે કે બેવડા ઝનૂનથી પુનઃ અભિનય તરફ વળે છે. ‘મહોરાં’ નામના નાટકના રિહર્સલમાં જોડાય છે. પરંતુ ‘મહોરાં’ પહેરીને બઠેલા પાત્રોની ભયાનકતા તેને હારે છે તે પુનઃભાંગી પડે છે. પતિ કેતન તેને રંગભૂમિ પર ન મોકલવાનો નિર્ણય લે છે. સ્ત્રી-નિર્માતા અને સંધ્યા જાણે એકત્વ પામે છે. સર્વથા અવાચક બનેલી સંધ્યા સાથે સહકર્મીઓ સહાનુભૂતિ તો જરૂર દાખવે છે પરંતુ એમાં કૃત્રિમતા સિવાય કશું જ નથી. બીમાર સંધ્યાની ખબર કાઢવા દિગ્દર્શક ઝાલા આવે છે. તેમના વલણ વર્તનમાં પણ ઔપચારિકતા અને દંભ સિવાય કશું જ નથી. કશે પણ સાચી ઉષ્મા કે હૂંફ દેખાતાં નથી. પતિ કેતન આગંતુકોને પોપટપાઠની જેમ જે જે શબ્દો સંધ્યાની બીમારી વિશે કહે છે, તે જ શબ્દો સંધ્યા પ્ર.પુ. એકવચનમાં બોલ્યા કરે છે. લેખકે એમ કરાવીને વાહિયાત જીવનનો મેલો જ ઊભો કર્યો છે. સ્ત્રી-નિર્માતાના બાકી હજુ પરદો ખૂલયો જ નથી. કઈ બનયુ જ નથી. માત્ર હું કોન આઈસ્ક્રીમ ખાઉ છું એટલું જ” એવા સંવાદ સાથે જ નાટક પૂરું થાય છે.

અહીં ચંન્દ્રકાન્ત ટોપીવાળા નોંધે છે કે, “લાભશંકર ઠાકરની નાટક લખવાની રીતે જોતાં અમેની માન્યતા સાથે સંમત થવાનું મન થાય કે નાટક ‘દ્વિજ’ છે. એટલે નાટક બે વાર જન્મે છે. જેમ પંખી “ઈંડુ અને પછી બચ્ચુ” એમ બે વાર જન્મ લે છે. તેથી દ્વિજ છે અને બ્રાહ્મણ જેમ શારીરિક જન્મ અને પછી ‘જનોઈ સંસ્કાર’ એમ બે વાર જન્મ લઈ દ્વિજ બને છે, તેમ નાટક પણ લખાય છે અને પછી ભજવાય છે એમ બે વાર જન્મ લઈ દ્વિજ કક્ષાએ પહોંચે છે. લાભશંકર ઠાકર તો કહે છે કે નાટક ભજવાય છે ત્યારે એનો ખરો અથવા બીજો જન્મ થાય છે. નાટક રંગભૂમિ પર પ્રગટે છે ત્યારે જ એ પૂર્ણપણે પ્રત્યેક્ષ થાય છે, ઇન્દ્રિય ગોચર થાય છે.”[3]

પાત્રાલેખન :-

નાટકના સ્વરૂપ માટે એમ કહી શકાય કે પાત્રો – બલકે ચરિત્રોની ગતિવિધિ જ નાટક છે. મતલબ કે કથાવસ્તુ નાટકને આગળ ધપાવતું નથી, નાટકનાં પાત્રો જ નાટકને આગળ ધપાવે છે. અલબત્ત, નવલકથા અને નાટકનાં પાત્ર-ચરિત્રોમાં પણ પાયાનો ભેદ છે. અહીં કથન – વર્ણનનો અવકાશ નથી. પાત્ર તેની ક્રિયા-વિક્રિયા, ટેવ-કુટેવ, હાવ-ભાવ અને બોલછા દ્વારા પાત્રત્વ પ્રાપ્ત કરે છે. આ સંદર્ભે ચંન્દ્રકાન્ત ટોપીવાળા નોંધે છે : “લખાયેલાં નાટકો ભજવાય એ જાણીતું છે, પણ ભજવાયેલું નાટક લખાય એ બહું જાણીતું નથી. લખાયા પહેલાં નાટક કઈ રીતે ભજવાય ? દિગ્દર્શક કરે, પછી પાત્રોને જે સૂઝે તે બોલવા તરફ પ્રેરે, ઘણીવાર તો બોલવા પ્રેરે એટલું જ નહી પણ ગમે તે રીતે અભિનય કરવા પણ પ્રેરે, અને એમ નાટક બનતું આવે.”[4]

‘પીળું ગુલાબ અને હું’ માં સંધ્યા, સ્ત્રી નિર્માતા સુરેન્દ્ર ઝાલા, કેતન ઝવેરી, દીપક, મિ.મજનુ, મિસિસ મજનુ પ્રશ્નકર્તા જેવાં છ-સાત પાત્રો છે. અલબત્ત, મુખ્ય પાત્ર તો સંધ્યાનું જ છે. અન્ય પાત્રો યેનકેન પ્રકારે સંધ્યા સાથે જોડાયેલાં છે. પ્રારંભમાં આપણે સંધ્યાના પાત્ર વિશે વિચાર કરીએ.

સંધ્યા:-

સંધ્યા આ નાટકની નાયિકા છે. તે રંગભૂમિની સફળ અભિનેત્રી છે. તે ઘણી જ ગરીબ છે. પોતાનું વાસ્તવિક જીવન અને નાયિકા તરીકેનું બલકે અભિનેત્રી તરીકેનું જીવન એ બેઉ જીવન જાણે કે સેળભેળ થઈ ગયા છે. વેશ્યા નાટકની નાયિકા તરીકે રંગભૂમિ પર તે એક ર્દશ્યમાં મૂળ ટ્રેક ભૂલીને પોતાના જ વાસ્તવિક જીવનમાં ક્ષાણ માટે સરી પડે છે. એવી જ રીતે અન્ય એક નાટક મહોરાંના રિહર્સલ વખતે પણ તેની વાસ્તવિક જિંદગી તેની આડે આવે છે. સતત એકલતા અનુભવતી સંધ્યા. કેતન ઝવેરી સાથે લગ્ન કર્યા પછી પણ સ્વસ્થ રહી શકતી નથી. કદાચ તેની પીડા કે જરૂરિયાત ને તેનો પતિ કેતન કે તે જ્યાં કામ કરે છે તે નાટ્યસંસ્થાના દિગ્દર્શક પણ તેને સમજી શકતા નથી. શ્રી પ્રવીણ દરજી સંધ્યાના પાત્ર વિશે નોંધે છે – “સંધ્યાનું પાત્ર એક અર્થમાં ક્રૂર વાસ્તવ અને ઝઘડતું આપણી સામેની ‘ક્રિયા’ છે. જ્યારે સ્ત્રી-નિર્માતા સકલ પરિસ્થિતિને, વ્યર્થતાના એકમાત્ર સત્યને પામી ગયેલી એક અવસ્થિતિ છે. અલબત્ત અંદરનાં બધાં જ ઘમસાણો વચ્ચે પણ બટોલ્ટ બેર્ખ્તના અલગતાવાદમાં પડેલી જીવન ફિલસૂફીને સંધ્યા અને સ્ત્રી-નિર્માતાનું પાત્ર બરાબર છતી કરી બતાવે છે. ચંન્દ્રકાન્ત ટોપીવાળાના મત પ્રમાણે “રોજિંદા જીવનમાં ‘મહોરાં’ પહેરીને જવનારો આધુનિક સમાજ એકબીજા સુધી પહોંચી શકતો નથી અને સદંતર પોતાનામાં એકલો રહી જાય છે. એ વાતને લાભશંકર ઠાકરે અભિનેત્રી સંધ્યાના પાત્ર દ્વારા અને એમાંથી ઊભી થતી પરિસ્થિતિઓ દ્વારા આબાદ રીતે વ્યક્ત કરી છે.”[5]

સંધ્યાની બીમારી વખતે તેની ખબર કાઢવા આવતા પરિચિતો પણ સંધ્યાની અભિનય કર્તા હોય તેવું જણાય છે. તેનો પતિ એકના એક રૂઢસંવાદો બોલે છે. સ્વયં સંધ્યા પણ પછીથી એના એ જ સંવાદો પ્રથમ પુરૂષ એક વચનમાં બોલે છે. સંધ્યા આમ જાત સાથે સંઘર્ષ કરતાં-કરતાં ખુવાર થતી જાય છે તેને કોઈ ઉકેલ પ્રાપ્ત થતો નથી. કદાચ તેની અતિસંવેદનશીલતા જ તેને માટે સમસ્યા નિર્માણ કરે છે.

સ્ત્રી નિર્માત્રી :-

સ્ત્રી નિર્માત્રી આ નાટકનું બીજા ક્ર્મનું મહત્વનું પાત્ર છે. તે નાટકના પ્રથમ ર્દશ્યમાં જ દેખા દે છે. તેમ અંતિમ ર્દશ્યમાં પણ ઉપસ્થિત રહે છે. લાભશંકર ઠાકરે અહીં ટેકનિકથી કામ લીધું છે. તેઓ વાસ્તવમાં સંધ્યાના જ એક અન્ય સ્વરૂપની રીતે સ્ત્રી નિર્માતાને દર્શક સમક્ષ લાવવ્યા છે. વાસ્તવમાં તો સંધ્યાના માધ્યમથી સ્ત્રી નિર્માતાની વેદના વ્યક્ત થઇ છે. સ્ત્રી નિર્માતા જ સંધ્યાના જીવનની કરુણતાનો ધીમે-ધીમે ખોલતી જાય છે. મતલબ કે સંધ્યા અને સ્ત્રી નિર્માતા જુદા છે. છતાં જુદા નથી. ઋચા શાહ નોંધે છે કે, સંધ્યા અને સ્ત્રી નિર્માતા બંને એક વ્યક્તિત્વનાં બે પાસાં છે. સંધ્યાનું પાત્ર સ્ત્રી નિર્માતાની જ સરજત છે. સંધ્યાની વેદના મૂળમાં તો સ્ત્રી નિર્માતાની જ વેદના છે. સ્ત્રી નિર્માતાના પાત્ર દ્વારા ઘણી દીર્ધ એકોકિતઓ રજૂ થઈ છે. જે વાત સંધ્યા વ્યક્ત કરી શકતી નથી તે વાત સ્ત્રી નિર્માતા દ્વારા વ્યક્ત થાય છે. સંધ્યાની જેમ જ સંઘર્ષ અને હયાતી ટકાવવાની વેદના આ પાત્રમાં પણ છે. આમ સ્ત્રી નિર્માતાનું પાત્ર પણ સંધ્યા જેટલું જ મહત્વનું પાત્ર થઈને ઉભરી આવ્યું છે. અન્ય ગૌણ પાત્રોમાં સુરેન્દ્ર ઝાલા નાટ્ય દિગ્દર્શક છે જેમને માત્ર કલાકાર સંધ્યામાં જ રસ છે. વ્યક્તિ સંધ્યામાં નહીં. એવું જ સંધ્યાના પતિ કેતન ઝવેરીનું પણ છે.

ભાષા સંવાદ કળા :-

‘પીળું ગુલાબ અને હું’ નાટકની ભાષાકળા વિશે વિગતે જોઈએ. નાટ્યકાર મૂળે કવિ છે તેથી કવિ હોવાનો લાભ અને ગેરલાભ તેમની નાટ્યકૃતિને મળે તે સ્વાભાવિક છે. નાટક પણ કાવ્યની જેમ લાઘવની કળા છે. અહીં ટૂંકા સંવાદોમાં પ્રત્યાયનક્ષમતા પણ છે અને ચોટ પણ વળી, ક્રિયા-વિક્રિયા તેમજ આરોહ-અવરોહ દ્વારા પણ ભાષાનું પોત રચાતું આવ્યું છે. કેટલેક ઠેકાણે લેખક ઊંડા પાણીમાં ઊતરીને પ્રસ્તાવી ભાષા પ્રયોગ કરી બેઠા છે. વિશેષ કરીને સૂત્રધારની જેમ જ આવતી સ્ત્રી નિર્માતા જરા લાંબાં-લાંબાં વાક્યો બોલે છે ત્યારે નાટ્યત્વ ખોરવાનું અનુભવાય છે. ભાષાની રીતે વધુ જોઈએ તો લેખકે ભાષાની વિધવિધ તહેરો આલેખી છે. અંગ્રેજી ભાષાના શબ્દપ્રયોગો પણ અહીં છે. જેમ કે- ‘ઓહ ! મારા તો હાર્ટબીટ્સ વધી ગયા હતા’ એવું સુરેન્દ્ર ઝાલા કરે છે એવી જ રીતે ‘આ તો મારું એક મોસ્ટ પ્રોમિસિંગ પ્લે છે’ જેવાં વાક્યો તરત ધ્યાન ખેંચે છે. લેખકે રંગભૂમિ ઉચિત જરૂરી ગીતો પણ મૂક્યાં છે બે પાત્ર વચ્ચેના સંવાદનો એક નમૂનો જોઈએ-
“અ- પિતા હોય કે માતા હોય
બ- મૂંગા હોય કે ગાતા હોય
અ- મિત્ર હોય કે વેરી હોય
બ- મંદિર હોય કે શેરી હોય
અ- અન્ય જનોની સામે માણસ
બ- મહોરું પહેરી બેઠો છે
અ- પોતાની સામે પણ માણસ
બ- મહોરું પહેરી બેઠો છે.”[6]

અહીં પ્રાસાનુપ્રાસ દ્વારા નાટયત્વ નિપજાવી શકાયું છે. જ્યાં-જ્યાં દીર્ધ એકોકિતઓ છે ત્યાં-ત્યાં ગદ્યકાર લા.ઠા.ની શક્તિ મહેસૂસ કરી શકાય છે. નાટયના આરંભમાં આવતી સ્ત્રીનિર્માતાની એકોકિત: “આઈ હેઇટ યુ, મેન! ડર્ટી પિગ્ઝ ! મારા બાપને પણ હું ધિક્કારતી હતી. મોડી રાતે દારૂ પીને એ જંગલીની જેમ આવતો અને મારી માંને પીટતો. મારી માં પણ એને મન ઘરની કોઈ ચીજ વસ્તુ હતી...”[7] અહીં બોલકા સંવાદો છે પણ નાટયાત્મક અને સાહિત્યિક છે એમ કહી શકાય.

સંઘર્ષનું તત્વ :-

કોઈપણ સાહિત્ય કૃતિમાં સંઘર્ષનું તત્વ અનિવાર્ય છે. એમાંય નાટક એક એવી વિદ્યા છે કે તેમાં ચડાવ-ઉતાર અનિવાર્ય છે. એવી જ રીતે બાહ્ય તેમજ આંતરિક સંઘર્ષ પણ જરૂરી છે. લાભશંકર ઠાકર લિખિત નાટક ‘પીળું ગુલાબ અને હું’ મૂળભૂત રીતે વિચારપ્રધાન નાટક છે. તેમજ તેમાં મનુષ્યની હયાતી વિષયક મૂંઝવણને નાટયસ્વરૂપ આપવાનો પ્રયાસ થાય છે. આવા પ્રમાણમાં નીરસ લાગે એવા કથાવસ્તુને ‘સંઘર્ષ’ ના તત્વ દ્વારા રસપ્રદ બનાવવાનો લેખકનો પ્રયાસ દાદ માગી લે તેવો છે.

અહીં બાહ્ય સંઘર્ષ નાટકના પ્રથમ ર્દશ્યથી જ દેખા દે છે. નાયિકા સંધ્યા જે પણ ભજવી રહી છે તે એક વેશ્યાનું છે. પાત્રનો જે અનુભવ તેને રજુ કરવાનો હતો એવો જ અનુભવ તેને વાસ્તવિક જીવનમાં પણ થયો હતો. આ દુ:ખદસ્મૃતિ તેની પર હાવી થઇ જતા થોડીવાર માટે તે અભિનયમાં લડખડે છે. તેની એ ભૂલ બદલ તેને દિગ્દર્શકનું સાંભાળવાનુંય થાય છે. એ પછીનાં ર્દશ્યોમાં પણ લેખકે તેને સતત ધરી ગુમાવતી દર્શાવી છે. તે સ્વસ્થ કહી શકતી નથી. તેને માટે પોતાનું જીવન જ જાણે કે એક સમસ્યા બનીને રહે છે. લેખકે અહીં સંધ્યાના આંતરિક સંઘર્ષને પણ દર્શકો સામે બખૂબી મૂકી આપ્યો છે. સંધ્યા જે કાંઈ અનુભવે છે તે ક્યાંક મોનોલોગ દ્વારા, ક્યાંક ક્રિયા-વિક્રિયા દ્વારા તો ક્યાંક સ્ત્રી નિર્માતાના પાત્રની મદદ લઇને આપણી સામે મૂકી આપવામાં લેખક સફળ રહ્યા છે.

જો કે, ઘણી જગ્યાએ લેખક અનાવશ્યક બોલકા બની જઈને નાટયની રહસ્યમત્યતાને તોડે-મરોડે છે. તેથી સંઘર્ષની તીવ્રતા ઘટવા લાગે છે. પ્રારંભમાં જ સ્ત્રી નિર્માતા આવેશવશ ઘણું-ઘણું બોલી જાય છે. સંધ્યાની સમસ્યા ધીમે ધીમે ખુલતી ગઈ હોત તો સારું હતું, જો કે, લેખકે કેટલાક સંવાદો દ્વારા સંઘર્ષમય વાતાવરણ નિર્માણ કર્યું છે. સંવાદોમાં ઘણે સ્થળે વર્ણનાત્મકતા તથા કથનાત્મકતા છે. કેટલાંક વિશેષ ર્દશ્યો અને ગીતો સંઘર્ષને વધુ સચોટ બનાવવામાં સફળ થયાં છે. આમ, બાહ્ય અને આંતરસંઘર્ષ થકી આ નાટક અસરકારકતા ઊભી કરે છે.

જીવનદર્શન :-

કોઈપણ કલાકૃતિ સાર્થક ત્યારે જ બને છે જયારે તેમાંથી કશુંક જીવનદર્શન પ્રગટતું હોય. ‘કળા કળા ખાતર ભલે હોય પરંતુ ‘જીવન ખાતર કળા હોય ત્યારે તે વધુ મૂલ્યવાન બને છે. પ્રશિષ્ટ કૃતિઓ એમાંના જીવનદર્શન થકી જ કાળજયી બની શકે છે. ‘પીળું ગુલાબ અને હું’ મંચનક્ષમ દીર્ધનાટક છે. વળી, સર્જકતાથી ભર્યા-ભર્યા નાટ્યકાર લાભશંકર ઠાકરે તેનું લેખન કર્યું છે. તો વળી, કાંતિ મડિયા જેવા દિગ્ગજ નાટ્યકર્મીએ તેનું સફળ મંચન કર્યું છે. સ્વાભાવિક રીતે જ તેમાં જીવનદર્શન સંશોપિત છે લાભશંકર ઠાકર અલબત્ત એક સાહિત્યકાર તરીકે સાહિત્યને ઉપદેશનું સાધન માનતા નથી. આ સંર્દર્ભે ઋચા શાહ નોંધે છે; “લાભશંકર ઠાકર જેવા સમર્થ નાટ્યકાર અને કાંતિ મડિયા જેવા સમર્થ દિગ્દર્શક. આ બંનેના સુભગ સમન્વયનો આવિષ્કાર એટલે “પીળું ગુલાબ અને હું”. લાભશંકરે દર્પણ નાટયસંસ્થા માટે પચાસેક મિનિટના ઈમ્પ્રોવાઇઝેશન તરીકે ‘પીળું ગુલાબ’ ની રચના કરી અને મડીયાના અથાગ પ્રયત્નો પછી આ દ્વિઅંકી નાટક આપણને પ્રાપ્ત થયું”[8] તેઓ સાહિત્યપ્રવૃત્તિને કેવળ એક લીલા લેખાવે છે. આમ છતાં માનવીય અસિતત્વના સમસ્યાનો સંવેદનશૂન્યતા અને સંબંધવિરછેદ જેવા મુદ્દાઓને તેઓ પોતાના સર્જનમાં બખૂબી જોડે છે. અહીં સતીશ વ્યાસ નોંધે છે : “નાટકમાં ર્દશ્યાંકનોની અનેકવિધ રીતિઓ ઉપોયોગમાં લેવામાં આવી છે. આને લીધે મંચન માટેની શક્યતાઓ વધી છે. લેખકે સભાનતાપૂર્વક આ મંચનક્ષમતાનું ધ્યાન રાખ્યું છે.”[9]

‘પીળું ગુલાબ અને હું’ ભલે તેની નાયિકા સંધ્યાના જીવનની સમસ્યાને જ રજુ કરતું હોય પરંતુ વાસ્તવમાં એ સમસ્યા માનવમાત્રની છે. મનુષ્ય સામે જ સમસ્યા છે તે અસિતત્વની છે, હયાતીની છે. આ પૃથ્વી નામના ગ્રહ પર સમૂહમાં રહેતો માણસ પણ એકલો જ છે એની પીડા આગવી છે. બીજો માણસ તેને માટે કેવળ સહાનુભૂતિ જ દાખવી શકે. એથી વિશેષ કશું જ નહી. અહીં સંધ્યા પોતે વ્યવસાયિક કલાકાર છે પરંતુ સરવાળે તો દરેક મનુષ્ય જીવનભર અભિનય જ નથી કરતો શું ? જીવનના દરેક પ્રસંગે માણસ અવનવા અભિનય જ કરે છે. ઘણીવાર પોતે જીવે છે કે અભિનય કરે છે તેથી સ્વયં મનુષ્યને પોતાને પણ ખબર હોતી નથી. નાટકનું જે કાંઈ ઈંગિત છે તે આ જ છે કે, અસ્તિત્વની સમસ્યા જ મનુષ્યની સૌથી મોટી પીડા છે. લેખકે અહીં ઉકેલ આપ્યો નથી. એમને ઉકેલમાં રસ નથી. તેમ ઉકેલ છે પણ નહિ. પરંતુ પોતાના અસિતત્વ વિશે આટલી તીવ્ર સંવેદના અનુભવવી એ મનુષ્યત્વની એક ઊંચાઈ છે, ઉત્તુંગતા છે એમાં કાંઈ શંકા નથી.

પાદ ટીપ

  1. હર્ષદ ત્રિવેદી, શબ્દ સૃષ્ટિ (દીપોત્સવી વિશેષાંક), અંક -૧૦,૧૧ વર્ષ -૨૦૧૨, પૃષ્ટ-૨૬૭
  2. ડૉ.પ્રભુદાસ પટેલ, સાઠોત્તરી ગુજરાતી મૌલિક દીર્ઘનાટક, પૃષ્ટ-૧૮-૧૯
  3. ચન્દ્રકાન્ત ટોપીવાળા, રચનાવલી, પૃષ્ટ - ૮૯
  4. એજન, પૃષ્ટ - ૮૯
  5. એજન, પૃષ્ટ - ૯0
  6. લાભશંકર ઠાકર, પીળું ગુલાબ અને હું, પૃષ્ટ - ૦૮
  7. એજન, પૃષ્ટ -૦૯
  8. ઋચા શાહ, લાભશંકર ઠાકર: સર્જન વિશેષ, પૃષ્ટ -૧૧૫
  9. એજન, પૃષ્ટ - ૨૭૭

સંદર્ભ સૂચિ
  1. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૭, સંપા.રમેશ ર. દવે, ગુજરાતી સાહિત્ય પરિષદ –અમદાવાદ(૨૦૧૫)
  2. ગ્રંથ વિમર્શ, બાબુ દાવલપુરા, ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ(૨૦૦૯)
  3. નાટ્ય સર્જક લાભશંકર ઠાકર, ડૉ.પંકજ પટેલ & જાગૃતિ પટેલ, આદર્શ પ્રકાશન,અમદાવાદ.
  4. પીળું ગુલાબ અને હું, લાભશંકર ઠાકર, રન્નાદે પ્રકાશન–અમદાવાદ(૧૯૮૫)
  5. રચનાવલી, ચન્દ્રકાન્ત ટોપીવાળા, પ્રાશ્વ પબ્લિકેશન – અમદાવાદ(૨૦૦૨)
  6. શબ્દ સૃષ્ટિ(દીપોત્સવી વિશેષાંક) અંક -૧૦,૧૧ વર્ષ -૨૦૧૨, હર્ષદ ત્રિવેદી, ગુજરાત સાહિત્ય અકાદમી- ગાંધીનગર.
  7. સાઠોત્તરી ગુજરાતી મૌલિક દીર્ઘનાટક, ડૉ.પ્રભુદાસ પટેલ, ડિવાઈન પબ્લિકેશન – અમદાવાદ(૨૦૦૭)


ડૉ. વિનુભાઈ એલ. ચૌહાણ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમી, જિ.પાટણ. (મો.) ૯૪૦૮૮૪૩૦૨૩