Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
જીવન જીવવાનું શિક્ષણ ‘પોલીએના’ નવલકથાનાં સંદર્ભમાં

પ્રસ્તાવના

‘પોલીએના’ એક અંગ્રેજી નવલકથા છે. એલીનોર પોર્ટરની નવલકથા ૧૦૦ વર્ષ પૂર્વે લખાયેલી છે તેમ છતાં આજે પણ તે ખુબ લોકપ્રિય છે. જેનો ગુજરાતીમાં ભાવાનુવાદ નીતિન ભટ્ટે કરેલ છે. આ નવલકથા ની નાયિકા એક નાની એવી અગિયાર વર્ષ ની છોકરી છે. મેરીઓન ડેન બાઉઅર પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે – ‘પોલીએના’ એટલે અતિશય આશાવાદી વ્યક્તિ.’

૧૯૧૩ માં જયારે પોલીએના પહેલીવાર પ્રસિદ્ધ થઇ ત્યારે તેની ૧૦ લાખ નકલો વહેંચાઇ હતી ! અને આ નવલકથાની નાયિકા પોલીએનાથી પ્રેરાઈને પહેલા વિશ્વયુદ્ધનો ભોગ બનેલા લોકો તેની જેમજ રાજી થવાની રમત રમવા પ્રેરાયું હતું. આ નવલકથા અનેક ભાષાઓમાં છપાઈ અને લોકપ્રિય બની છે. તેના પર નાટક લખાયું છે ઉપરાંત ફિલ્મ પણ બની છે.

આજના આ ભાગ-દોડ ભર્યા અને આધુનિક સમય લોકોના જીવનમાં આશાનું કિરણ પ્રસરાવવું આવશ્યક છે અને એટલા માટે જ ‘પોલીએના’ જીવન જીવવાની કળા શીખવે છે. પોલીએનાનાં જીવન સાથે સંકળાયેલી દરેક વાતોમાં તેની પ્રસન્નતા શોધી કાઢવાની આવડત આપણને આકર્ષી જાય છે. અહીં પોલીએના નવલકથા વિશે વિસ્તૃત ચર્ચા કરીશું.

આપણા જીવનમાં આવતી નિરાશાને અવગણવાને કે દબાવી દેવાને બદલે એ નિરાશાભરી પરિસ્થિતિમાંથી જ કેવી રીતે પ્રસન્નતાને શોધી કાઢી જીવનને માણવા લાયક બનાવી શકાય એ સત્યનો પ્રયોગ આ નવલકથામાંથી જાણવા મળશે ! જે આપણને જીવન જીવવાનું શિક્ષણ આપે છે.

“પોલીએના”

પોલીએના એ એક છોકરીનું નામ છે જે માતા-પિતા વગરની છોકરી છે. તે હંમેશા ખુશ રહેવામાં માનનારી એક ગજબની છોકરી છે. પોતાના જીવનમાં અનેક સંઘર્ષો છે, દુખો છે, વેદનાઓ છે છતાં તેની પાસે એક ખુશ રહેવાની કળા છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં ખુશ રહેવું એ તેની એ તેની એક આદત બની ગઈ છે. તેના પિતા પાસેથી તેને એક રમત રમતા શીખી છે જેનું નામ છે ‘રાજી થવાની રમત’ આ ‘રાજી થવાની રમત’ વિશે વાત કરતાં પોલીએના પોતાની સખી નેન્સીને કહે છે-
‘મારે ઢીંગલી જોઇતી હતી પપ્પાએ પત્રમાં લખેલું પણ હતું પરંતુ દાનમાં આવી ટેકણ લાકડીઓ સાથે પત્રમાં લખેલું કે દાનમાં ઢીંગલી નહોતી આવી પણ આ નાની ટેકણ લાકડીઓ આવેલી એટલે ક્યારેક કોઈ બાળકને કામ આવશે. તેમ ધારીને મોકલી આપેલી, બસ ત્યારથી અમે આ ‘રાજી થવાની રમત’ રમવાની શરૂ કરી’ (પૃ-૨૭)

પોલીએનાનાં પિતા એક પાદરી હતાં તેમને દાન સ્વરૂપે જે ટેકણ લાકડીઓ આવેલી તે જોઇને પોલીએના હકારાત્મક વિચારો કરે છે અને તે લાકડીઓ ભવિષ્યમાં કોઈ અપંગ બાળકને ઉપયોગી થશે તેમ વિચારી અને ખુશ થાય છે.

પોલીએનાની આ એક એવી રમત હતી કે દરેક વાતમાંથી કંઇક એવું શોધી કાઢવાનું કે જેનાથી આપણે રાજી થઈએ, ખુશ થઈએ, પછી ભલે તે ગમે તેવી વાત હોય. આમ જે મળ્યું છે તેમાંથી આનંદ મેળવવો તે જ જીવન જીવવાની કળા છે. પ્રસ્તુત નવલકથાની નાયિકા પોલીએના પાસે આ જીવન જીવવાની કળા છે.

પોલીએના માતા-પિતાનાં ચાલ્યા ગયા બાદ થોડા દિવસ સામાજિક કાર્યકર સાથે રહે છે અને ત્યારબાદ તેની માસી પોલી તેને સ્વીકારી અને તેને ઘરે લઇ આવે છે. તેની માસીનો બંગલો અને ભવ્ય જીવનશૈલી જોઇને તે ખુબ ખુશ થઇ જાય છે અને પોતે પણ આવા સુંદર ઘરના સુંદર કમરામાં રહશે એવા સ્વપ્નો સેવે છે, પરંતુ એવું બનતું નથી, તેની માસી તેને છેવાડાનો, સુવિધા વગરનો રૂમ રહેવા માટે આપે છે.પરંતુ પોલીએના દુખી થવાને બદલે તેમાંથી પણ સુખ શોધી કાઢે છે અને તે રૂમમાં એક બારી છે, બારી બહારથી બગીચો દેખાય છે વૃક્ષ છે જેના દ્વારા નીચે ઉતરી શકાય છે, બારીમાંથી તાજી હવા આવે છે જેનો અનુભવ માત્ર તેને ખુશ કરી દે છે.આવી નાની નાની બાબતોમાંથી ખુશીઓ શોધી લેતી પોલીએના માત્ર તેની જાતને જ ખુશ રાખતી નથી પરંતુ તેની આસપાસના દરેક લોકોને આ રાજી થવાની રમત શીખવે છે અને દરેક વ્યક્તિ તેને જોઇને તેની વાતો થી તેને બતાવેલા ઉપાયોથી ખુશ થવા માટે મજબુર બની જાય છે.

પોલીએના એકવાર એક હેરીંગ્ટન નામના વ્યક્તિને મળે છે. આ માણસ વિશે ગામમાં એવી માન્યતા પ્રવર્તમાન હતી કે માણસ ખડૂસ છે તે માત્ર પૈસા એકત્ર કરે છે અને કોઈ સાથે વાત જ કરતા નથી.પોલીએના જયારે પણ તેમને રસ્તામાં સામે મળે ત્યારે સામેથી તેમને બોલાવતી હતી,પણ પેલા વડીલ કશો ઉત્તર આપતા નહીં.પોલીએના તેમ છતાં તેમને રોજ રોજ મળતી અને બોલાવતી બાધાનાં આશ્ચર્ય વચ્ચે તે વ્યક્તિ પોલીએનાનાં મિત્ર બની જાય છે.હંમેશાં ગંભીર રહેતા એ માણસને પોલીએના બદલી નાખે છે અને હવે પેલા વડીલ પોલીએના કહે એ પહેલાજ ‘આજનો દિવસ ખુબ સારો છે’ એવી શરુઆત કરે છે અને પોલીએનાને સામેથી બોલાવે છે.

પોલીએના માત્ર અગિયાર વર્ષની નાની એવી બાળકી છતાં તે ઉત્સાહથી ભરપુર અને મદદરૂપ થવાના સંસ્કારો ધરાવે છે એકવાર હેરિંગ્ટનનો એક્સિડન્ટ થયો ત્યારે તેનાથી બનતી મદદ કરી હતી.

‘મેડમ સ્નો’ બિમાર હતાં તે પથારીવશ હતાં તેઓ કયારેય પથારીમાંથી ઉભા ન થઇ શકે તેવી તેમને બીમારી હતી. તેમનું જીવન સાવ નિરસ બની ગયું હતું. તેમના જીવનમાં પોલીએનાનો પ્રવેશ થયો અને તેઓ ખુશ રહેવા પોલીએનાએ તેમને કહ્યું –
તમારી આંખો મોટી કાળી છે, તમારા વાળ પણ કળા વાંકડિયા છે, મને કળા વાકાંડિયા વાળ બહુજ ગમે મેડમ સ્નો તમે સાચે જ રૂપાળા છો જો તમે અરીસામાં જૂઓ તમને મારી વાત સાચી લાગે’ પોલીએના તેમના માટે એક અરીસો લઇ આવી અને મેડમ સ્નોના વાળ ઓળી આપ્યા અને પોલીએનાએ એમ પણ કહ્યું.
“મને તો કાળા વાળ બહું ગમે, કાશ મારે વાળ કળા હોત !”(પૃ – ૪૫ )

મેડમ સ્નોએ ચિડાઈને કહ્યું કે મારી જગ્યાએ જો તું હોય તો તને કાળા વાળ શું કોઈ પણ વસ્તુ ન ગમે પોલીએના બિન્દાસ જવાબ આપે છે કે રાજી થવાનું !

એ કેવી રીતે તેનું ઉદાહરણ આપતા પોલીએના એ કહ્યું કે – “મહિલા મંડળ ના એક સભ્ય મેડમ વ્હાઈટને પણ આવું થયેલું અને સંધિવા પણ થયેલો એટલે તો તે હલી પણ નહોતા શકતા એમણે કહ્યું કે તે હાથ પગ હલાવી શકતા હોત તો સારું થાત.”(પૃ – ૫૧)

અને પોલીએના એ કહ્યું કે, તમે તો હાથ પગ હલાવી શકો છો, પડખુ ફરી શકો છો એટલે એ બાબતે તમારે રાજી થવું જોઈએ ખુશ થવાનું.

અને આ ઉપરાંત પોલીએના કહે છે કે મેડમ વ્હાઈટ બાજુના ઘરમાંથી આવતા પિયાનોના આવજો સાંભળતા તે તેમને ખલેલ પહોચાડતા નહીં કેમકે તેમને એમ વિચારતા કે તેમની નણંદની જેમ જો તેઓ બહેરા હોત તો કંઇ સાંભળી શકતા ન હોત તો શું થાત? ને તે ઓ એ વિચારીને ખુશ રહેતા કે પોતે સાંભળી શકે છે.

આવી રીતે પોલીએનાએ મેડમ સ્નોને અને મેડમ વ્હાઈટને આ રાજી થવાની રમત શીખવી હતી અને તેઓ તેની રમત મુજબ જ રમવા લાગ્યા તેમના જીવનમાં પોલીએના એ એક આશાનું કિરણ ફેલાવ્યું અને તેઓ હવે દુઃખી નથી ખુશ છે. મેડમ સ્નો પોતાનાં રૂમની બારી ખુલ્લી રાખે છે. બહારનું પ્રાકૃતિક વાતાવરણ નિહાળે છે અને હાથ વડે ભરતગુંથણ કરીને પ્રવુતશીલ રહે છે. નવ નવા કપડા પહેરે છે રોજ પોતાનાં વાળ ઓળે છે અને ખુશ રહે છે.

અહીં મેડમ સ્નોની જે બિમારી છે તેમાં તે ક્યારેય પથારીમાંથી ઉભા થઇ શકવાનાં નથી ને એટલા માટે જ પોલીએનાએ એમને જીવે ત્યાં સુધી ખુશ રહે તેવી રમત શીખવી. માણસ ગમે તેટલા દુઃખમાં કેમ ન હોય તેને પોતાના દુઃખોમાંથી કંઇક એવું શોધી કાઢવું જોઈએ કે જેનાથી ખુશીનો અનુભવ થાય.

પોલીએના સેવાભાવી છોકરી છે તેને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે તે તેની માસીના બંગલામાં માંદલા, ગંદા બિલાડીનાં બચ્ચાને લઇ આવે છે અને તેની માસીને તે ઘરમાં રાખવા માટે મજબુર કરી દે છે તેવી જ રીતે ગલુડિયુ પણ લઇ આવે છે તેને આવા મુંગા પ્રાણીઓ પર પ્રેમ અને દયાની લાગણી થાય છે અને તેમા તે ખુશીનો અનુભવ કરે છે. માણસ બીજાના દુખ, દર્દો સમજી અને બીજાને મદદરૂપ થવાની ભાવના કેળવે તો તેને અંદરથી એક ખુશીનો અનુભવ થાય છે અને તેને પોતાનાં દુઃખો ભુલાઈ જાય છે. પોલીએનાના રૂમમાં અરીસો નથી તેના માટે પોલીએના પોતાની જાત સાથે વાત કરતા કહે છે –
‘અરે તારા મોઢા પર કાળા ડાઘ છે સારું છે કે માળિયાની રૂમમાં અરીસો નથી, વળી બારીમાંથી એટલું સરસ દ્રશ્ય દેખાય છે કે ભીતચિત્ર નથી તેની ખોટ સાલે.’(પૃ – ૬૦ )

પોલીએના નાની નાની વાતમાં કશુંક એવું શોધી પાડતી જેમાંથી તેને ખુશી મળે અને આ રાજી થવાની રમત તે આખા નગરના લોકોને શીખવે છે. નગરના દરેક લોકો ખુશ છે અને પોલીએનાનાં મિત્રો બની ગયા છે. અગિયાર વર્ષની આ નાનકડી છોકરી આખા નગરને ખુશ કરી દે છે તેના જીવનમાં અનેક દુઃખો હતા છતાં તે ખુશ રહી શકતી હતી. !!

એક દિવસ પોલીએનાનો એકસીડન્ટ થાય છે તેની કમરની નીચેનો ભાગ ખોટો પડી જાય છે અને તે પથારીવશ થઇ જાય છે. હસતી, રમતી, ઉત્સાહી પોલીએનાને સ્કુલે જવું છે બધા નવા નવા લોકો ને મળવા જવું છે હજી તો ઘન લોકોને રાજી થવાની રમત શીખવવી છે પરંતુ આ શું? પોતે એટલી દુઃખી થઇ ગઈ કે તે એવું કંશુ શોધી શકતી નથી કે પોતે ખુશ થઇ શકે. પોલીએના રાજી થઇ શકતી નથી. તે વાતની ખબર પડતા આખુ નગર તેને મળવા આવે છે અને નગરના બધાજ સભ્યો તેને ખુશ કરવાનાં પ્રયત્નો કરવા માંડે છે અને વિચારે છે કે પોલીએનાને ફરીવાર રાજી થવાનું કોણ શીખવી શકે? અને પોતે શીખવેલી ‘રાજી થવાની રમત’ નગરના દરેક સભ્યો રમી રહ્યા છે તે જાણી અને તે ખુશ ખુશ થાય છે. તેની માસી પણ આ રમત વિશે જાણી પોલીએના સાથે તે રમત રમે છે.

પોલીએનાને ટ્રીટમેન્ટ માટે વિદેશ મોકલવામાં આવે છે અને ત્યાં થોડા વર્ષો બાદ તે ચાલી સકે છે અને પોતે ધીમે-ધીમે ચાલી સકે તે વિચારે ફરી રાજી થાય છે તે તેની માસીને પત્રમાં લખે છે.
“વ્હાલા પોલી આંટી, અને ટોમ અંકલ હા હું ચાલી શકું છું ! આજે હું મારા પલંગથી છેક બારી સુધી ચાલી પુરા છ ડગલા ! ઓહ....... ફરીવાર ચાલવાનું ખુબ ગમ્યું.......!(પૃ – ૧૫૦ )

“મને સમજાયું નહિ કે બધા શું કામ રડતા હતા હું તો આંનદથી ચિચિયારી પાડવા ગાવા માંગતી હતી. હું ચાલી શકું છું હા હું ચાલી સકું છું હવે હું અહીંયા લગભગ દસ મહિનાથી છું. તેનું મને દુઃખ નથી.”(પૃ – ૧૫૦)

આમ આ નવલકથાની નાયિકા પોલીએના માત્ર અગિયાર વર્ષની જ છોકરી છે છતાં બધાને એક ‘રાજી થવાની રમત’ શીખવે છે. જીવનમાં અનેક દુઃખો સામનો કરવો પડતો હોય છે આ દરેક દુઃખોમાંથી કંઇક સુખી થવાની બાબત શોધી લેવી અને શાંતિપૂર્ણ જીવન વિતાવવું એ જ જીવન જીવવાની કળા છે અને એજ જીવન જીવવાનું સાચું શિક્ષણ છે. આપણે સૌ પોલીએના જેવા વિચારો કરતા થઈશું તો સાચા અર્થમાં જીવન જીવી શકીશું.

સંદર્ભસૂચિ

  1. એલીનોર પોર્ટર (અનુવાદક – નિતીન ભટ્ટ, પોલીએના. અમદાવાદ : આર.આર.શેઠ એન્ડ કંપની, ૨૦૧૩, પૃ.૨૭.)


અરુણા યુ. મકવાણા, ‘આશિયાના’ ૪૦, રામનગર, ટીંબાવાડી બાયપાસ, મધુરમ, જૂનાગઢ – ૩૬૨૦૧૫ Mo. 9426206664, Email : anjaliparmar@ymail.com