Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
પ્રેમની પરિભાષા : ‘મરણોત્તર’

અનુઆધુનિક વાર્તાકારોની વાત થાય એટલે કલ્પેશ પટેલનું નામ ગૌરવભેર લઈ શકાય. કલ્પેશ પટેલના ‘વાડ’, ‘શ્રદ્ધાભંગ’ અને ‘મલાજો’ માંથી પસાર થતાં તેમની વાર્તાઓમાં ગ્રામ્યપરિવેશ અને પ્રાદેશિકતા અનુભવાય છે, તો વળી શહેરીકરણનું પણ વર્ણન જોઇ શકાય છે. સામાજિક સમસ્યાઓ અનુભવાય છે, તો વળી પારિવારિક વ્યથા-કથાથી વિપરિત વિભિન્ન પાસાંઓનાં દર્શન પણ થાય છે. એ રીતે કલ્પેશ પટેલની વાર્તાઓ વાંચ્યા પછી તેમની કલમને પામવાનો મારો નિરંતર પ્રયાસ રહ્યો છે. સર્જકની ‘એકાએક’ વાંચી ત્યારે સાચા અર્થમાં કલ્પેશ પટેલને પામ્યાનું સ્વિકારવું જ રહ્યું.‘એકાએક’માં પ્રણય શું કહેવાય? એની કથા છે, તો ‘મરણોત્તર’ ‘પ્રણય’ને કેમ નિભાવાય? તેની કથા છે.સાહિત્યમાં પ્રણયની પરિભાષાની આટલી સાહજિક અને આકર્ષક રજુઆત જૂજ પ્રમાણમાં જોઇ શકાય છે.દરેક વયના વાચકને વાંચવી ગમે એવી ‘મરણોત્તર’ની થોડીક વાત કરવી છે.

‘મરણોત્તર’ કલ્પેશપટેલની આઠમી નવલકથા છે. પ્રણયને કેંદ્રમાં રાખીને નિર્માયેલ પ્રસ્તુત નવલકથાના પાત્રોની સ્વસામેની વિષમ પરિસ્થિતિ અને તેને લઈને ઉભી થતી પ્રતિક્રિયા થકી વાર્તાનું કથાવસ્તુ પ્રભાવિત બની રહ્યું છે. સાથે જ આ બાબતને લઈને પ્રસ્તાવનામાં જ કલ્પેશ પટેલ ખૂબ જ સાહજિક અને નિખાલસપણે નોંધે છે કે –“નૈતિકતાનો ગજ લઈને ફરનારા માણસોને વિનંતી કે આ નવલકથા વાંચવાની તસ્દી ન લે” નવલકથાના મુખ્ય પાત્રો દેવ અને તેમની પ્રેયસી જહાનવી કથાનકમાં મજબૂત રીતે પ્રસ્થાપિત થયાનું અનુભવાય છે. નવલકથામાં પૃ.૦૧ થી ૨૬ સુધી સર્જક કલમે દાદા અને જહાનવીના ભૂતકાળનું કલાત્મક ગદ્યભાષામાં આલેખન નવલકથાના કથાવસ્તુ તરીકે ઉભરી આવે છે. પૃ.૨૭થી નવલકથાનું વિષયવસ્તુ વર્તમાન પરિસ્થિતિને ઉજાગર કરે છે જ્યારે પૃ.૫૨ પછી ષોડશીના પાત્રને સર્જકે સુંદર કલાઘાટ આપ્યો છે. આમ, નવલકથા જુદા-જુદા આયામો સર કરી સુખદ અંત તરફ વહી જાય છે, જે દરેક વાચકને આકર્ષિત કરવા સક્ષમ છે. વર્ષોના વર્ષ વહી ગયા, આજે દેવદાસ (કે જેઓ, ષોડશીના દાદા છે) મરણપથારીએ છે, સિત્તેર વર્ષમાં જીવાઇ ગયેલી જીંદગી દાદા(દેવદાસ)ની નજર સમક્ષ એવી તો જડાઇ ગઇ છે કે તેના એકેએક અનુભવને વાગોળે છે તો વળી બકુના પ્રેમભર્યા નામથી બોલાવતા પોતાની પ્રેયસીને પણ ભૂલી શકતા નથી. જહાનવીને આપેલ જીવનના છેલ્લા શ્વાસે પણ સાથે રહેવાનું વચન દાદા માટે જીંદગી જીવવાનું છેલ્લુ લક્ષ્ય જ બની રહે છે. ષોડશી દાદાની પૌત્રી છે. તેનું પાત્ર પણ કથાનકને ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. દેવદાસ અને જહાનવીનું પાત્ર ‘દેવદાસ’ અને ‘પારો’ના અમર પાત્રોના પ્રણયને ઉજાગર કરે છે એમ કહું તો ખોટું નહિં. તો વળી, માય ડિયર જેયુની ‘ચક્ષુશ્રવા’ના પાત્રો દાદા અને કોષાના લાગણીભર્યા સબંધની પણ યાદ અપાવી જાય છે. નવલકથાના આરંભે જ પથારીવશ દાદાને રેગ્યુલર ચેક-અપ કરી જતા ડૉકટર આવી બ્લડપ્રેશર ચેક કરે છે. વધુમાં વધુ ત્રણ દિવસથી વધારે નહિં ખેંચે એવું પોતાના જ મૃત્યુની જાહેરાત સાંભળતા દાદાને તો બકુને છેલ્લી વાર મળી લેવાની તાલાવેલી હતી. ઉદેપુર અભ્યાસ કરતી પૌત્રી ષોડશીને ફોન કરીને પોતાની પુત્રવધૂ ઘેર બોલાવી લે છે. એ સાથે જ દાદાની નજર સમક્ષ બકુ સાથેનો ભવ્ય ભૂતકાળ ખડો થાય છે. નવલકથા ત્રણ ભાગોમાં વિસ્તરતી જોઇ શકાય છે. શરુઆતમાં દાદાની વર્તમાન સ્થિતિનો ચિતાર મળે છે. જ્યાં તેઓ મરણપથારીએ પોતાની બકુને યાદ કરી છેલ્લી વાર મળી લેવાની તીવ્ર ઉત્કંઠા સેવે છે. તેમની તાલાવેલીને સર્જકે ભાવવાહી શૈલીમાં રજુઆત કરી છે : “ભગવાન કરે ને એ અહીં આવે. પેલું શું કહેવાય? કાનજીના પાત્રમાં છે ને એમ જોયાનું સુખ! એક જ વાર – સાવ છેલ્લવેલ્લુંય એને જોઇ લઉં!”(પૃ.૧૦) બીજો ભાગ દાના ભૂતકાળને ચરિતાર્થ કરે છે સાથે જ ત્રીજા ભાગમાં કોષાના પ્રણયને પણ કથાકારે યોગ્ય પ્રયુક્તિઓ વડે તાદ્રશ કર્યાનું જોઇ શકાય છે. સાહિત્યનો જીવ અને ઉત્તમ લેખક એવા (દાદા) દેવની નજર સમક્ષ એ સમય ખડો થાય છે જ્યારે તેઓનું લેખનકાર્ય તેઓને સાહિત્યમાં અનેરું સ્થાન અપાવી ચૂક્યુ હતું. એવા સમયે તેમના જીવનમાં જહાનવીનો પ્રવેશ થાય છે. જહાનવી અને દેવનો પ્રણય સર્જકે અદભૂત આલેખ્યાનું જોઇ શકાય છે. જહાનવીનો દેવ માટેનો સ્નેહ ઘણી જગ્યાને અનુભવી શકાય છે, જેમકે “તમારું હોવું એ મારે માટે શી ચીજ છે એ તમે જાણો છો? તમે ભલે મને મળો-ના મળો.....મારાથી દૂર રહેતા હોવ એનું મહત્વ નથી. પરંતુ તમે આ જગતમાં ક્યાંક-ગમે ત્યાં પણ હોવા જોઇએ! તમે નહિં હો ... એ હું સ્વિકારી નહીં શકું. (પૃ.૦૭/૦૮)

દેવ અને જહાનવીનો પ્રણય વિશ્વાસ અને લાગણીના તંતુએ બંધાયો હોઇ તેઓની વચ્ચે ક્યાંય સામાજિક રૂઢીઓ કે લગ્ન માટેનો ઝુરાપો જોવા મળતો નથી. હું એવું દ્રઢપણે માનું છું કે પ્રેમ માટે લગ્ન થવા જ એ પૂરતું નથી અથવા તો લગ્ન થઈ જાય તો જ પ્રેમ પાંગળે એવું પણ નથી. પ્રેમની પરિભાષા જ એકમેકને પામવાની છે, મનથી પામવાની ઉત્કંઠા એટલે જ પ્રેમ. જ્યાં શારીરિક આકર્ષણ ગૌણ બની રહે અને એકબીજાના હૃદય સાથેના સબંધને મહત્વ અપાય ત્યાં પ્રેમની સુવાસ પથરાયા વિના રહે નહિં. દેવ અને જહાવનીના પાત્રોમાં પણ આજ લાગણીનો અનુભવ પાનેપાને અનુભવાય છે. બન્ને એકબીજા સાથે લગ્ન ન કરી શક્યા હોવા છતાં એકમેક પ્રત્યેના સ્નેહમાં જરાય ઉણપ આવી નથી. દેવના શબ્દોમાં કહું તો “-યાદ છે મેં ઘણીવાર તને કહ્યું છે. તું કદાચ મારી સાથે હોત તોય ઝાઝો ફરક ન પડી જાત! લગ્ન એ જ પ્રેમની એકમેવ પરિણિતિ નથી બકું! બલકે, લગ્ન પ્રેમના ચાર્મને ખલાસ કરી નાખે છે. થ્રીલીંગ નથી બચતું”(પૃ..૧૪) દેવ અને જહાનવી એકબીજાના પર્યાય બની રહે છે. દેવ કવિતાઓ લખે, વાંચે અને જહાનવી તેને મુગ્ધ થઈને સાંભળે. એકમેકમાં ઓતપ્રોત બની રહેલાં દેવ-જહાનવીના પ્રણય સબંધને સર્જકે અદભૂત રીતે પ્રસ્થાપિત કર્યો છે. કહો કે જહાનવી દેવનો અફલિત પ્રણય હતી ! જેની સ્મૃતિને આધારે દેવ ટકી ગયા હતા, જીવી રહ્યા હતા.

દેવ એવું સ્પષ્ટપણે માનતા કે પ્રેમમાં બંધન ન હોવું જોઇએ. એકમેકને પામવું એ જ પ્રેમ નથી. પ્રેમતો એકબીજા વગર રહીને પણ નિભાવી શકાય. જ્યારે જહાનવીના મનોજગતમાં દેવ એવા તો વણાઇ ચૂક્યા છે કે તે દેવને પામવા, તેમની સાથે જીવન વિતાવવા અધિરી બની રહે છે. તેની ઉત્કંઠા આકર્ષિત કરે છે : “દેવ! દેવ! હું કેમ તમારી સાથે નથી? વ્હાય? મારે તમારી સાથે રહેવું છે દેવ! તમારી થઈને રહેવું છે દેવ! મારે તમને સગે હાથે રસોઇ કરીને જમાડવા છે. તમારાં કપડાંની પસંદગી મારે કરવી છે. તમાં પુસ્તકો મારે સજાવવાં છે. તમારા રાઇટીંગનો ફર્સ્ટ ડ્રાફ્ટ મારે વાંચવો છે દેવ! તમે સમજતા કેમ નથી દેવ?(પૃ.૧૮)

મૃત્યુસમિપે પહોંચેલા દેવની ભિતર જહાનવી પ્રત્યેનો અફાટ પ્રેમને અનુભવી રહેલી પૌત્રી ષોડશીનું પાત્ર પણ નવલકથામાં આકર્ષણ પેદા કરે છે. જહાનવીને છેલ્લી વાર જોવાની ઉત્કંઠા સેવતા દાદા ષોડશી માટે પ્રેમની સાચી પરિભાષાને ચરિતાર્થ કરવાનું કામ કરે છે. જહાનવીનું આગમન અને તે સાથે જ દાદા પ્રત્યેના લગાવને જોતી ષોડશીના ભિતર પણ કોઇ ના પ્રત્યે લગાવ છે, પ્રણય છે, તેને અનુભવતી ષોડશી દાદા અને બકુના છેલ્લા મેળાપની સાક્ષી બને છે. પોતે જે યુવક (ધૈર્ય) ને પસંદ કરે છે, શું એ પોતાનો પ્રેમ છે? કે બીજું કંઇ? એવી ગડમથલ વચ્ચે જહાનવી માટે પાણીનો ગ્લાસ લઈને આવતી ષોડશી મુગ્ધ બની જાય છે, જ્યારે જહાનવી ગ્લાસમાંથી દાદાને થોડુંક પાણી પિવડાવીને પોતે પી જાય છે. કેટલી સહજતા! નિખાલસ લાગણી અને તેમાં રહેલી પરસ્પર પારદર્શક આત્મિયતા જ પ્રણયસબંધને પોષે છે. દાદાના મૃત્યુ પછી ષોડશી ભિતરથી હચમચી રહે છે. તે વિચારે છે કે દાદાનું કયું જીવન સાચું? દુનિયા જેને જાણે છે એ કે પછી આ જગત માટે અજાણ્યું જીવન? પ્રેમની પરિભાષા શું? દાદાના અવસાન પછી તેમના ઓરડાની જાળવણી કરતી ષોડશીને દાદા-જહાનવીનાં પત્રો હાથ લાગે છે. ષોડશી જેમજેમ વાંચતી જાય છે તેમતેમ તેનામાં પ્રેમની પરિકલ્પના રચાય છે. ષોડશીની રડતી આંખો દાદાના અધૂરાપ્રેમની ભારોભાર વ્યથા અનુભવે છે. જહાનવીના લગ્નજીવનમાં રહેલી સંવેદના જ્યારે પત્રસ્વરુપ લઈ દાદા સુધી પહોંચે છે ત્યારે તેઓ પર શું વિતી હશે? બન્નેની એકમેકને પામવાની ચાહના લગ્ન બાદ કેવા ઝુરાપામાં પરિવર્તિત થાય છે, સાચા પ્રેમની ઝંખતી જહાનવીના જીવનમાં શારીરિક સુખ સિવાય કંઇ પ્રાપ્ત થઈ શકતું નથી, આ સંવેદના તો જહાનવીના પત્રના કેટલાક અંશ પરથી વાચક અનુભવી શકે છે : “મારી સાથે સેક્સ કરીને ઘસઘસાટ સૂઇ જતા વિષ્ણુની પીઠ મને કોઇ જનાવર સમી ભાસે છે. હું રડ્યા કરું છું. મને જે જોઇએ છે એ નથી મળતું...તમારા સમ ખાઇને કહું છું, કથિત ચરમસીમા શું ચીજ છે, આઇ ડોન્ટ નો !”(પૃ.૩૪/૩૫) શારીરિક આકર્ષણ અને તેના વર્ણનને લેખકે સુંદર ઉપમાઓ થકી સાહજિકતાથી રજુ કરી પોતાના ભાષાકૌશલ્ય-ભાષાકર્મનો પરિચય કરાવ્યો છે. સર્જક પ્રસ્તાવનામાં જ નોંધે છે કે – “મારા સાહિત્યમાં ‘કામ’ અનાયાસે આવી જાય છે. મને પરાણે એની બાદબાકી કરવામાં રસ નથી.” જહાનવી-દેવના સંવાદો થકી સર્જકે કમોત્તેજનાને શબ્દસ્થ કર્યાનું જોઇ શકાય છે, એક ઉદાહરણ જોઇએ તો, “…પછી તને ઊંચકીને પેલા આંબા નીચે લઈ જવી જોઇએ ! તારું કપાળ, તારી નાસિકા, તારા હોઠ, તારી ગ્રિવા,…ચૂમી લેવા જોઇએ. પછી તારી સાડીનો પાલવ હટાવી લઈને તારાં ઉન્નત ઉરોજો સામે કામુક માણસની જેમ તાકી રહેવું જોઇએ. પછી હળવે હાથે તારા બ્લાઉઝના હૂકને ખોલી નાખવા જોઇએ. એ પછી મને દ્રષ્ટિગોચર થશે કંચુકીથી આવરિત તારાં સુવર્ણકળશો.”(પૃ.૪૨)

જહાનવીની ડાયરી તથા દેવના પત્રો નવલકથાને પૂરક બની રહ્યા છે. તેમાં રહેલી સાચાપ્રેમની પરિકલ્પના દરેક યુવા માટે એક દિશાનિર્દેશનું કામ કરે છે. માત્ર શારીરિક સબંધને જ પ્રેમનું નામ આપી થતું કથિત શોષણ પ્રેમમાં ક્યાંય પૂરક બની રહેતું નથી એ સાબિત થાય છે. સાથે જ એવા કેટલાય વિચારોની અહીં પુષ્ટિ થાય છે જે દરેક યુવા પ્રણયીજનોના મનોજગતમાં રમ્યા કરે છે. ષોડશી પણ પોતાના પ્રેમી ધૈર્ય પરમારના પ્રેમને સમજી શકે છે, બીજી જ્ઞાતિનો હોવા છતાં પ્રેમ ક્યારેય જ્ઞાતિ જોઇને થતો નથી, એ ષોડશીનું હૃદય અનુભવી રહે છે. એક અદભૂત કથાવસ્તુ લઈને સર્જક ‘મરણોત્તર’ને સાહિત્યરસિકો સુધી પહોંચાડી શકવામાં સફળ થયાનું સ્પષ્ટ અનુભવાય છે. સાથે જ એ પણ કહેવાનું મન થાય કે દેશની અંખડીતતા માટે રાજપૂત રાજાઓએ આપેલા બલીદાનોને લઈને આજે અખંડ ભારતની કલ્પના પરિપૂર્ણ થયાનું સૌ જાણે છે. વટ, વચન અને આબરું કાજે પોતાનું જીવન કુરબાન કરી ચૂકેલા રાજપૂતો માટે ષોડશીના મુખે “રાજપૂતોનું અટંકીપણું ત્યારે મૂલ્ય ગણાતું હશે આજે તો એ મૂર્ખતા જ ગાણાય”(પૃ.૨૫)જેવા સંવાદને સ્થાન આપવાની કોઇ જરુર જણાતી નથી. કથાવસ્તુ સાથે કંઇ લેવા-દેવા જ નથી તેવો પ્રસ્તુત સંવાદ નવલકથાની મહત્તા પર પ્રશ્નાર્થ કરે છે. તેમછતાં પ્રેમસાગરના મરજીવા બનાવાને બદલે છીછરા જળમાં તરીને માથાબોળ સ્નાનનો સંતોષ લેતા દેવ-જહાનવીના પ્રણયને વાચકો ભૂલી શકશે નહિં જે નિર્વિવાદ છે.

સંદર્ભ.

  1. ‘મરણોત્તર’ : લેખક: કલ્પેશપટેલ (પ્રકાશન વર્ષ.પ્ર.આ.૨૦૧૩,મૂલ્ય.૧૦૦,પૃ.૧૦૬)

બારડ ભરતસિંહ હરિશ્ચંદ્રસિંહ, મ.શિક્ષક: શ્રીમતી એચ.પી.ઠાકર વિદ્યાલય, શામળાજી. તા.ભીલોડા, જી.અરવલ્લી મો.૯૪૨૭૫૯૪૧૯૨ ઇ-મેઇલ: bharatsinhbarad@gmail.com