Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
કેપિટલ SORRYની અનંત પીડા આપાતી ‘કઈ હશે એ ક્ષણ?’

ગુજરાતી વાર્તા ‘ગોવાલણી’થી ગુજરાતી ‘ટૂંકીવાર્તા’ તરીકેની ઓળખ આરંભે છે. ગુજરાતી ટૂંકીવાર્તાએ આજ સુધીમાં અનેક નવોન્મેષ પ્રગટાવ્યાં છે. ગુજરાતી ટૂંકીવાર્તા સમયે સમયે - સર્જકે સર્જકે જુદીજુદી તસ્વીર અને તાસીર લઈને અવતારી છે. ગુજરાતી ટૂંકીવાર્તા મલયાનિલથી આજ સુધીના સર્જકોના હાથે પરિવર્તનશીલ રહી પ્રતિષ્ઠા પામતી રહી છે. કંદર્પ ર. દેસાઈએ પણ ગુજરાતી ટૂંકીવાર્તાને પ્રતિષ્ઠિત કરવામાં પોતાનો ફાળો આપ્યો છે, એમ કહેવામાં ખોટું નથી. કંદર્પ ર. દેસાઈ પાસેથી આપણને અત્યાર સુધીમાં ‘કાંઠાનું જળ’, ‘ખાલી ફ્રેમ’ અને ‘સાદ ભીતરનો’ વાર્તાસંગ્રહ મળ્યા છે. તેમની વાર્તાઓ જુંદાજુદાં સામયિકો અને સંપાદનોમાં પ્રકાશિત થતી રહી છે. ‘કાંઠાનું જળ’ સંગ્રહની વાર્તાઓ વિશે રમેશ ર. દવે પ્રકાશકીયમાં જે નોંધે છે તે તેમની આજની વાર્તાને પણ યોગ્ય રીતે લાગુ પડે છે. રમેશ ર. દવે નોંધે છે : ‘‘છેલ્લા બે દાયકામાં પરિવર્તિત થતી રહેલી વર્તાવિભાવાના સાથે વાર્તાકારે મુઠભેડ કરી છે.’’૧

કંદર્પ ર. દેસાઈનું સાહિત્ય કલ્યાણમય જીવનની પ્રેરણા આપતું સાહિત્ય છે. કલ્યાણમય જીવનની પ્રેરણાની સાથેસાથે તેમનાં સાહિત્યમાં કલાતત્ત્વનો સમન્વય પણ જોવા મળે છે. તેમનાં સાહિત્ય વિશે વાત કરતા રઘુવીર ચૌધરી કહે છે : ‘‘જીવનની ઊર્જા સંકોરતું સાહિત્ય ભલે જુનવાણી ગણી લેવાય, પણ એ જ લાંબે ગાળે સામૂહિક સ્મૃતિની મૂડી બનશે.’’૨

કંદર્પ ર દેસાઈની વાર્તા ‘કઈ હશે એ ક્ષણ ?’ ગુજરાત સાહિત્ય અકાદમીનાં મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના એપ્રિલ ૨૦૧૯ના અંકમાં પ્રગટ થઇ છે. ‘કઈ હશે એ ક્ષણ?’ વાર્તા સીધીગતિમાં ચાલતી કથનકળા દ્વારા કહેવાયેલી પિતાની આત્મકથાની છે. કથનકલાની દૃષ્ટિએ જોઈએ તો સર્વજ્ઞ અને આત્માકથનાત્મકનાં સંયુક્ત કથનકેન્દ્રનાં સહારે સર્જકે પોતાની વાતમૂકી છે. આજના સમાજની વાત, આજના સમાજમાં મા-બાપના માટેની ઊંડે ઊંડેની ભયગ્રંથિથીની વાત સહજતાથી મૂકી આપી છે. સર્જકને જ્યાં જરૂર લાગી ત્યાં સર્વજ્ઞનાં કથનકેન્દ્રથી નિશાન તાક્યુ છે અને બાકીના ભાગમાં પિતાની આત્મકથનીથી કામ ચલાવ્યું છે.

એક એવો પિતા જેણે પોતાના સંતાનની તમામ પ્રકારે કાળજી રાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. તો પણ કોઈક એવી ક્ષણ આવી પડે છે જે એની પાસેથી એના એકમાત્ર સંતાન- એકમાત્ર વહાલસોયા દીકરાને છીનવી લે છે, અળગો કરી દે છે. સીધીસટ વાત એટલી જ છે કે સિંગલ ફેમિલીનો એકનો એક દીકરો આત્મહત્યા કરી લે છે. આમ જોઈએ તો આત્મહત્યા કરવી પડે એવું કોઈ કારણ પણ નથી.

આમ તો આખી વાર્તા પિતાની ‘આત્મ’કથનીમાં વ્યક્ત થઈ છે. સર્જકે વાર્તાનો આરંભ પતિ-પત્ની એવાં સુશાંત અને અનિતાની ટેલિફોનિક વાતચીતથી નાટ્યાત્મક ઢબે કર્યો છે. જાણે કોઈ ભજવાતું દૃશ્ય. પત્ની ફોન કરીને દીકરાના પ્રોગ્રેસ રિપોર્ટ વિશે વાત કરે છે, પ્રોગ્રેસ ખાસ નથી. પતિને દુઃખ તો થાય છે. પણ પત્ની તેને સમજાવે છે કે “આપણે તો કંઈ બન્યું જ નથી એમ વર્તવાનું છે.” (‘શબ્દસૃષ્ટિ’ - એપ્રિલ ૨૦૧૯, પૃ.૨૮) અને બંને એમ જ વર્તે છે. દીકરાના ટ્યુશન ક્લાસીસનું વિકલી ટેસ્ટનું પરિણામ ધાર્યા કરતા ઓછું આવ્યું છે. પાંસઠ ટકા. અહીં બંનેનાં સંવાદ અને વર્તનથી સ્પષ્ટ થાય છે કે આધુનિક યુગની જીવનશૈલીથી જે નાનાકુટુંબનું નિર્માણ થયું છે, તેમાં મોટાભાગનાં માબાપ એક સંતાનથી સુખી હોય છે. સંતાનને દુઃખ લાગી જાય ને એ કશું કરી બેસે તો...નો ભય પણ રહે. આવું જ આ વાર્તામાં પણ થાય છે. માબાપનાં ધાર્યાં કરતાં પરિણામ ઓછું આવવા છતાં દીકરાને દુઃખ ન લાગે એટલે, સુશાંત અને અનિતા કોઈ પણ જાતનો ઠપકો આપ્યા વિના દીકરાને ‘ખુશ રાખવા’ ખાતર બહાર લઈ જાય છે. અને દીકરા સાથે એવું નાટક કરે છે કે જાણે કશું બન્યું જ નથી. દીકરો પણ જાણે છે કે મમ્મી-પપ્પા જે રીતે વર્તી રહ્યાં છે એમાં બીજો કોઈ આશય નથી પરંતુ દીકરાને દુઃખ ન પહોંચે એની કાળજી જ છે. દીકરાથી આ અતિરેક સહન નથી થતો. તે રાત્રે અઢી વાગ્યે મમ્મી-પપ્પાનાં બેડરૂમમાં જઈને રડતાં રડતાં મમ્મી-પપ્પાને વિનવે છે કે તે પોતાના પર ગુસ્સે થાય. પરંતુ મમ્મી-પપ્પા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યા વિના, મેલોડ્રામા કરી દીકરાને સમજાવી દે છે. અને ભવિષ્યમાં જે રીતે આગળ વધવાનું છે તેનું સ્વપ્ન પણ બંધાવી આપે છે.

સુશાંત અને અનિતાનાં સંતાન સાથેના વ્યવહારો સાંપ્રત સમયનાં સજાગ- જાગૃત- સંસ્કારી અને મધ્યમ વર્ગના મમ્મી-પપ્પાથી જરાય જુદાં નથી. સર્જક આ વાત સહજ રીતે આલેખી આપે છે જુઓ : “એનાં મિત્રો પણ ઘરે આવે- જાય. અમારી ચોકસાઈ કે એ બધાં મિત્રોનું ફેમિલી કેવું છે એની જાણકારી રાખવાની, મિત્રોનાં મમ્મી-પપ્પા સાથે પણ સંબંધ રાખવાનો. એવું નહીં કે એને બધી છૂટ, મોંએ ચઢાવેલો તો બિલકુલ નહીં. એમ લોખંડી શિસ્તમાં બેડી પહેરાવી બાંધી રાખ્યો હોય એવું પણ નહીં. જેમ કે અમે ટીવી કાઢી નાખેલું પણ સ્માર્ટફોન હાથવગો, બ્રોડબેન્ડ સાથે. ડેટા કાર્ડ નહીં, ઇઝી કમ્યુનિકેશન વિથ કંટ્રોલ” (એજન - પૃ.૨૮)

કુટુંબ વચ્ચેની સાહજિકતા અનેક રીતે નિરૂપાઈ છે. દીકરાને દાઢી કરવાનો સામાન અપાવી દાઢી કરતા શીખવી રહેલા પિતા અને પુત્રની હળવાશ ભરી એ પળો. જેમાં બંનેએ ફીણના ગોટેગોટા એકબીજાને લગાવી દીધા છે. અને રેઝર હાથમાં રાખીને હસી રહ્યા છે.

માબાપ સાથેનાં દીકરાના ઇઝી કમ્યુનિકેશનનાં પણ ઉદાહરણો સર્જકે આલેખ્યા છે. ઓછા માર્ક આવવા છતાં ડ્રાઈવ પર ગયેલાં. વળતા અમીતે ગાડી ડ્રાઈવ કરવા માંગેલી. ત્યારબાદ હળવાશથી દીકરો પોતાની મમ્મીને કહી શકે છે કે : “તારી ખાતર જ માની જાઉં છું! પણ તું પાછળ બેસ. હું આગળ. મારે એમને શીખવવું પડશે કે…!” (એજન - પૃ.૨૭) હોય કે પોતાના મિત્રોના મમ્મી-પપ્પા કેવી કેવી ઝીણી ઝીણી બાબતોમાં દખલ કરતા હોય છે. એના કારણે મિત્રોને કેવું વેઠવાનું આવે છે. દીકરો એના મિત્ર પાર્થની સાથે બનેલી ઘટના પોતાના મમ્મી-પપ્પા આગળ સહજતાથી રજૂ કરી શકે છે. મિત્ર મનદીપની ગર્લફ્રેન્ડની વાત એ ઘરમાં કરી શકે છે અને એથી વિશેષ તો એ પોતાને પહેલીવાર થયેલ nightfallનો પ્રસંગ પણ મમ્મી-પપ્પાને કહી શકે છે.

આટલું સહજ અને સુંદર જીવન હોવાં છતાંપણ જીવનમાં કોઈ એવી ક્ષણ આવી પડે છે કે દીકરો અમીત અંગ્રેજી કેપિટલમાં સોરી (SORRY) લખી ઘરથી અઢી કિલોમીટર દૂર આવેલી ઈમારતના 21મા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી લે છે.

માબાપના જીવનમાં દીકરાની આત્મહત્યા કેવી કરુણ પરિસ્થિતિ ઊભી કરી જાય છે. તે સર્જકે ચિત્રાત્મક શૈલીથી આલેખ્યું છે : “તારાથી શરુ થતો દિવસ તારી સાથે ક્યાં આથમી જતો, કંઇ ખબર નહોતી પડતી. હવે તારા વિના ન દિવસ ઊગે છે, ન વીતે છે, ન આથમે છે. તું ચાલી ગયો ને દીવાલ ઉપર ફોટો બની ટીંગાઈ ગયો. હજી અમે સુખડનો હાર નથી પહેરાવી શક્યા એટલો જ જીવંત છે તું અમારા મનમાં..” પરિણામે ‘‘ખાલી રસ્તા પર અજાણ્યા બે મુસાફર જેવા’’ (એજન - પૃ.૨૯) સુશાંત અને અનિતા બની રહે છે.

સુશાંત પુરુષ હોવાના નાતે પોતાનું દુઃખ નથી વર્ણવી શકતો પણ એ પત્નીનું દુઃખ વર્ણવતા કહે છે “તારી મા તને યાદ કરે છે કે તારા વિના હિજરાય છે કે જીવનમાંથી રસ ઊડી ગયો એવું કંઈ પણ કહું તો એ ઓછું લાગે. આવાં બધાં વાક્યોનો સરવાળો કરું તોય એનું દુઃખ પૂરેપૂરું વ્યક્ત થયું છે- એમ ના કહી શકાય…” (એજન - પૃ.૨૯) આમ કહી એ પોતાની પીડા પણ વર્ણવી દે છે. અહીં આનંદ બક્ષીનું પંકજ ઉધાસે ગાયેલ ‘ચિઠ્ઠી આયી હે’ ગીતની પંક્તિઓ યાદ કરવી જ રહી :
‘મેં તો બાપ હું મેરા ક્યા હે
તેરી મા કા હાલ બુરા હે.’

અને બાલમુકુંદ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ની મૂલગામી પીડાકારક પંક્તિઓ પણ યાદ આવી જ જાય :
‘ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા.’

સુશાંત અને અનિતા દીકરાના મૃત્યુનું કારણ શોધવા-જાણવા પ્રયાસ કરે છે. અમીતના મિત્રોને મળે છે. એના સ્કૂલના મિત્રોને મળે છે, કોલેજના મિત્રોને મળે છે. સુશાંત અને અનિતાને સંજય છે કે એ બધાં કેટલાં સંવેદનશીલ અને જીવંત છે. એ બધાં અમીતના મમ્મી-પપ્પાને મળવા ભેગાં થઈ ગયાં છે. અને અમીતના મમ્મી-પપ્પાનાં મનમાં રહેલી શંકાઓનું ખૂબ જ વિનમ્રતા સાથે સમાધાન કરે છે. કેટકેટલું શોધવા છતાં પણ સુશાંત અને અનિતાને પુત્રની આત્મહત્યાનાં કારણનું એક પણ પગેરું મળતું નથી. “પુત્ર કેવું અને કેટલું ભરપૂર જીવતો હતો” એની પણ એ લોકોને ખબર નહોતી. પુત્ર કોઈ કારણસર કેપિટલમાં સોરી લખી- દિલગીરી વ્યક્ત કરી અનંતની વાટે ચાલી નીકળ્યો. હવે આધુનિક ‘યુગલ’ એકલું પડી ગયું છે. પુત્રના મૃત્યુથી ભીતર આગ એવી લાગી છે કે “અંદર એક ભઠ્ઠી સળગે છે, જેની ઉપર રાખ વળતી નથી. એવું લાગે છે કે ભર્યાભાદર્યા રસ્તે ચાલતાં ચાલતાં અમે બે સાવ એકલાં પડી ગયાં! અને જો, નવાઈ તો એ વાતની છે કે હું અને તારી મમ્મી એકબીજાની આંખમાં જોઈએ છીએ તો- આંખ સાવ ખાલી છે. પરિચયનો જરા સરખો પણ અણસાર નથી” (એજન - પૃ.૩૦)

સર્જકે જે કહેવું છે તે ‘કથારસ ભેળો ઉપદેશ પાવા’ની રીતે, પણ ધારદાર રીતે છે. સર્જકે જાણી જોઈ વાર્તાના અંતે અમિતની આત્મહત્યાની કોઈ સ્પષ્ટા કરી નહીં અને ભાવકને તેમજ આજનાં તમામ માબાપને વિચારતાં કરી મૂક્યાં. સર્જકે અહીં એક દંપતીની યાતનાને કથાપ્રવાહમાં વહેતી કરી છે. પુત્રની આત્મહત્યા બાદની એક પિતાની પારાવાર પીડા-અભિવ્યક્તિ જાણે આખી વાર્તાને ઘેરી કરુણતાનાં વાતાવરણમાં ગૂંથી રાખે છે. સર્જકે આત્મહત્યાનું કારણ અધ્યાહાર રાખીને ટૂંકીવાર્તાનાં ક્રિયાતંત્રની ચુસ્તતા જાળવી છે, વાર્તાને વધુ સૂક્ષ્મ બનાવી છે.

સંદર્ભ :

  1. ‘કાંઠાનું જળ’ના પ્રકાશકીયમાંથી (સાભાર www.gujlit.com)
  2. ‘દિવ્ય ભાસ્કર’ રવિપૂર્તિ ૩૦ જુલાઈ ૨૦૧૭
  3. ‘શબ્દસૃષ્ટિ’ - એપ્રિલ ૨૦૧૯


ડૉ. ભરત મકવાણા, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ડી. કે. વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, જામનગર મો. - 9428230108 ઇમેઇલ- bmmakwana@dkvjamnagar.edu.in