Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
મધ્યકાલીન ગુજરાતી મહિલા કવિઓ વિશે--

પ્રસ્તુત અભ્યાસલેખ મધ્યકાલીન ગુજરાતી મહિલા કવિઓ વિશે છે. લેખની સામગ્રી માટે મેં આધાર લીધો છે, ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કરેલા ‘ગુજરાતી સાહિત્યકોશ – ખંડ ૧ – મધ્યકાળ’ ગ્રંથનો. ૧૩મીથી ૧૯મી સદીમાં થઈ ગયેલી ૫૮ મહિલા કવિઓ વિશેના ૫૦૪ પૃષ્ઠના એ ગ્રંથમાં મને પ્રાથમિક કક્ષાની માહિતી મળી છે. લેખમાં, ખાસ તો મેં એ મહિલાઓના સર્જનનો પ્રધાન સૂર કયો છે એ મુદ્દાને કેન્દ્રમાં રાખ્યો છે.

દેશનાં ધાર્મિક અને સાંસ્કૃતિક વહેણોથી પ્રભાવિત મઘ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભક્તિનો મહિમા સવિશેષે ગવાયો છે. મધ્યકાલીન કવિઓએ મનુષ્યની ઇશ્વરમાં રહેલી શ્રધ્ધાને દૃઢ કરી છે. પરિણામે, ભક્તિ થકી જીવનનો માર્ગ વિકસ્યો અને તે માર્ગ મધ્યકાલીન ગુજરાતી કવિતાની મુખ્ય ઓળખ બની. એ ઓળખમાં મધ્યકાલીન મહિલા કવિઓનું યોગદાન પણ એટલું જ નોંધપાત્ર છે. એમની રચનાઓમાં બહુશ: ભક્તિ, સમર્પણ અને ત્યાગની ભાવનાઓ વર્ણવાઈ છે.

મારા અભ્યાસને પરિણામે, મને આ કવિઓની સૃષ્ટિમાં જે જોવા-અનુભવવા મળ્યું તેને હું નીચે મુજબના જૂથોમાં વર્ણવું છું :

૧ : કૃષ્ણ-ભક્તિની રચનાઓ

આ મહિલા કવિઓની ભક્તિ-રચનાઓમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને અપાર શ્રધ્ધા ભાવપૂર્વક વર્ણવાયાં છે. સંસ્કૃત કાવ્યસૃષ્ટિમાં ખાસ તો, કૃષ્ણનું નિરૂપણ સુંદર રૂપે થયેલું છે. એ નિરૂપણ મધ્યકાળમાં ભારતીય ભાષાઓમાં અને એ જ પ્રકારે ગુજરાતીમાં થયું છે અને ગુજરાતી મહિલા કવિઓ દ્વારા તે અનોખા રૂપે વિકસ્યું છે.

જેમકે, કૃષ્ણાબાઈ પાસેથી બાલકૃષ્ણને માટેનાં હાલરડાં મળે છે. ગવરીબાઈ / ગૌરીબાઈના પદોમાં સગુણ-નિર્ગુણ ઉપાસના તથા રામ-કૃષ્ણભક્તિનો સમન્વય જોવા મળે છે. જાનકીબાઈએ પણ કૃષ્ણલીલાનાં પદોની રચના કરી છે. એમની પાસેથી કેટલાંક બીજાં પદો પણ મળે છે. સુખ્યાત મીરાંબાઈ તો એમની કૃષ્ણવિષયક રચનાઓ માટે જાણીતાં છે. કૃષ્ણપ્રીતિ એમની કવિતાનો સ્થાયી ભાવ છે. એમણે પ્રેમલક્ષણાભક્તિ ગાઈને વ્યક્ત કરી છે. એમનાં પદ સાંપ્રદાયિકતાથી મુક્ત છે. એ પદોમાં શૃંગારપ્રીતિ અને વિરહપ્રીતિ છે અને તેમાં પણ વિરહપ્રીતિ મુખ્ય છે. સંભોગપ્રીતિ તો કવચિત કોઈક જ પદમાં જોવા મળે છે. અને તે પણ એના સંયત રૂપમાં. મીરાંમાં વાત્સલ્યપ્રીતિ જવલ્લે જ જોવા મળે છે. કૃષ્ણ સતત મીરાંના ચિત્તમાં રમ્યા કરતા હશે, એ વાતની પ્રતીતિ કરાવનારાં કૃષ્ણરૂપવર્ણનનાં કેટલાંક પદ પણ એમની પાસેથી મળે છે. મનોમન જેને પોતાનો પતિ માની લીધો તે કૃષ્ણના મિલન માટેનો ઊંડો તલસાટ અને એમાંથી જન્મતાં વ્યાકુળતા અને દર્દ એમનાં પદોમાં ઘૂંટાઈ-ઘૂંટાઈને વ્યક્ત થયાં છે. પ્રેમવિહ‍્વળ-દશાને વ્યક્ત કરતાં પદો એમની કવિતાનો ઉત્તમાંશ છે. વિરહિણી સ્ત્રીના મનોભાવરૂપે વ્યક્ત થયેલી કૃષ્ણમિલન માટેની આ વ્યાકુળતામાં શૃંગારની પ્રગલ્ભતા કે સાંસારિક વાસનાનો સ્પર્શ પણ નથી; એમાં રિસાળપણું કે માનિનીપણું પણ નથી. ખાસ તો, એમાં દાસીભાવ છે, સહજતા અને સાત્ત્વિકતા છે. એમણે પ્રભુભક્તિનો મહિમા કરતાં થોડાંક પદ પણ રચ્યાં છે. રતનીબાઈ પાસેથી કૃષ્ણભક્તિનાં ૪ પદો મળે છે, તેમાં ૩ પદો નરસિંહ મહેતાના જીવનમાં બનેલા કહેવાતા હારપ્રસંગને લગતાં છે. રાધાબાઈ / રાધેબાઈ, ‘રાધે’ નામની છાપવાળી કૃષ્ણભક્તિની ૩ ગરબીઓ ‘વસંત’ માસિકમાં મુદ્રિત થઈ છે. અન્ય એક રાધીબાઈ-રચિત ૫૪ કડીની ‘કૃષ્ણ બાળલીલા’, ૬૩ કડીની ‘કૃષ્ણવિવાહ’ રચના તેમજ કૃષ્ણભક્તિનાં પદ પણ આ જૂથમાં મૂકી જ શકાય તેવી જ રચનાઓ છે.

૨ : રામ-ભક્તિની રચનાઓ

મધ્યકાલીન મહિલા કવિઓની સૃષ્ટિમાં કૃષ્ણ તેમ રામ પણ નિરૂપાયા છે. દિવાળીબાઈએ આખું ‘રામાયણ’ પદોમાં ઉતાર્યું હોવાનું કહેવાય છે. ‘રામ જન્મ’ની ૨૦૧, ‘રામબાળલીલા’ની ૫૧, ‘રામવિવાહ’ની ૭૭ ગરબીઓ તથા ‘રામરાજ્યાભિષેક’નાં ૧૦૩ ધૉળ તથા ૪૩૨ પદ તેમની પાસેથી મળે છે. ગુજરાતી પ્રજાજીવનમાં જોવા મળેલાં લોકરૂઢિ અને લોકમાનસના આલેખન તરફનો તેમનો ઝોક ધ્યાનપાત્ર રહ્યો છે. ગવરીબાઈએ બસ્સો ઉપરાંતનાં પદો કૃષ્ણભક્તિ વિષયક, ચાલીસેક રામવિષયક અને ત્રણેક શંકરવિષયક લખ્યાં છે. તેમણે કૃષ્ણવિષયક પદોમાં શૃંગારલીલા, બાળલીલા આદિ વિષયો નિરૂપ્યા છે.

૩ : અધ્યાત્મ-જ્ઞાનની રચનાઓ

ભક્તિ ઉપરાંત અધ્યાત્મ અને જ્ઞાનના ક્ષેત્રે પણ મઘ્યકાલીન મહિલા કવિઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ગુરુ, સંપ્રદાય કે પછી વ્યક્તિગત જીવનના પ્રસંગોમાંથી પ્રેરણા મેળવીને એમણે આ પ્રકારની રચનાઓ કરી છે. મધ્યકાલીન મહિલા કવિઓમાં ખૂબ જાણીતું નામ છે ગંગાસતી અથવા ગંગાબાઈનું. એમણે ચાલીસેક પદોમાં ભક્તિ અને યોગસાધનાથી માંડીને પરમતત્ત્વના સાક્ષાત્કાર સુધીની વિવિધ ભૂમિકાઓનું નિરૂપણ રસપ્રદ રીતે કર્યું છે. જનીબાઈએ શાક્તસિધ્ધાંત અનુસાર, તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મબોધનાં કેટલાંક રૂપકાત્મક પદોની રચના કરી છે. એ પદો સુગમ-સરલ ગુજરાતી અને હિંદી બંને ભાષામાં રચાયાં છે. તેમણે ગરબીઓની રચનાઓ પણ કરી છે. જમુનાબાઈ નિરાંત મહારાજનાં શિષ્યા હતાં અને તેમણે અધ્યાત્મવિચારનાં ૩ પદો આપ્યાં છે. જસોમા વેલાનાથ / વેલાબાવાનાં પત્ની હતાં. વેલનાથ જ્યારે સમાધિ અવસ્થામાં પહોંચી જતા ત્યારે જસોમા વિરહ અનુભવતાં. એ ભાવને એમણે આધ્યાત્મિકતાના રંગે રંગીને સુંદર રચનાઓ આપી છે. જૂઠીબાઈ જેરામદાસ સાથે અધ્યાત્મવિદ્યા-સંબંધી પ્રશ્નોત્તરી કરતાં હતાં. તેને આધારે એમણે ૬ પદોની રચના કરી છે. જેઠીબાઈએ ઉપદેશાત્મક પદ રચ્યાં છે. જેબાઈ ગોધરા પાસેના શહેરાના મોતીરામના તેમજ તેમના શિષ્ય વેલજી મોટાનાં શિષ્યા હતાં. એમની પાસેથી, વેદાંતની પરિભાષામાં ચૈતન્યની વિવિધ અવસ્થાઓનો મહિમા ગાતી તેમજ જન્મમરણના ફેરામાંથી મુક્તિની યાચના કરતી ૨ આરતી-રચનાઓ મળે છે.

તેજબાઈ પાસેથી વૈરાગ્યબોધક ૧ પદ મળે છે. તોરલદે / તોળલ / તોળાંદે / તોળીએ નિજિયા / માર્ગીપંથ અનુસારની રચનાઓ કરી છે. એ રચનાઓમાં જીવનોધ્ધાર માટેની તીવ્ર ઝંખના અને તે પ્રત્યેનો આર્દ્ર આધ્યાત્મિક પ્રેમભાવ જોવા મળે છે. તેમણે ભક્તિ-વૈરાગ્યબોધનાં કેટલાંક રૂપકો રચ્યાં છે. દિવાળીબાઈ પાસેથી બ્રહ્મજ્ઞાનનાં ૩ પદ મળે છે. દેવળદે પાસેથી દેવાયત પંડિતના અવસાન સમયે રચાયેલાં કેટલાંક ભજન મળે છે. જીવ કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાને વિલાપનો જે અનુભવ થાય છે તેનું એ રચનાઓમાં નિરૂપણ થયું છે. ગવરીબાઈનાં પદોમાં જ્ઞાન-વૈરાગ્ય, યોગ અને ભક્તિની ધારાઓ મિશ્રિત થયેલી જણાય છે. એમનાં જ્ઞાનનાં પદોમાં વેદાંત તરફનો સ્પષ્ટ ઝોક જોવા મળે છે. ‘ઉલ્લાસ’ અને ‘બ્રહ્માનંદ’ શીર્ષકથી પાનબાઈએ ૨ ભજનો રચ્યાં છે તેમજ કેટલાંક પદ પણ રચ્યાં છે. રતનબાઈ (૨) પાસેથી જ્ઞાનવૈરાગ્યનાં પદો મળે છે. રતનબાઈ (૩) પાસેથી મળેલાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં પદોમાં મધ્યકાલીન પદ-કવિતાના સંસ્કાર જોવા મળે છે. રાધીબાઈએ પણ જ્ઞાનવૈરાગ્યનાં પદો રચ્યાં છે. રૂપાંદેએ (૨) રચેલાં ભજનોમાંથી એક ભજનમાં માલા રાવળ સાથેના પોતાના સંવાદમાં એમણે કરેલા વૈરાગ્યબોધનું નિરૂપણ જોવા મળે છે. વેલસખીએ રચેલાં ત્રણ કાવ્યોમાં શ્રીનાથજી પ્રત્યેનો સર્વાત્મભાવ, શ્રીનાથજીને વિનંતી તથા સંસારનાં તુચ્છ સુખોનો ત્યાગ કરવાથી પ્રાપ્ત થતા પરમાત્માના દર્શનનો આનંદ ગાયો છે.

૪ : સંપ્રદાયને અનુસરતી રચનાઓ

મોટા ભાગની મહિલા કવિઓ ચોક્કસ ધાર્મિક સંપ્રદાયોની અનુયાયી હતી. પરિણામે, તેમની રચનાઓમાં જે-તે સંપ્રદાયની ઝાંખી જોવા મળે છે. આનંદીબહેન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્યનાં અનુયાયી હતાં. કુંવરબાઈ પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનાં અનુયાયી હતાં. ભરૂચી પુષ્ટિમાર્ગીય મહિલા કવિ ફૂલકુંવરબાઈની ‘વિરહવિનંતિ’ રચના સંપ્રદાયમાં પ્રસિધ્ધ છે. એવાં જ બીજાં મહિલા કવિ લલિતાબેન કનૈયાલાલજી મહારાજશ્રીના અંતરંગ ભક્ત હતાં. એમણે ‘કિંકરી’ છાપથી પદ તથા ધોળની રચના કરી છે. સુંદરબાઈ પણ મધ્યકાલીન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીકવિ હતાં. ભરૂચી પુષ્ટિમાર્ગીય સંપ્રદાયનાં જ અનુયાયી રાજબાઈ / રાજકુંવરબાઈએ ‘સ્વાનુભવસિધ્ધાંત સ્વવિરહાવસ્થાજ્ઞાપક-વિજ્ઞપ્તિઓ’ કૃતિની રચના કરી છે. કૃતિનું વિષયવસ્તુ પ્રભુના અલૌકિક ગૂઢ સ્વરૂપની અનન્ય ભક્તિ વિશે છે. એમાં દર્શાવાયું છે કે ભક્તિને ખાતર સંસારનો ત્યાગ કરવાની તત્પરતા રાખવી જોઈએ તેમજ સાચા સ્નેહની ટેક અને ખુમારી કેળવવાં જોઈએ; ઉપરાંત, જગતની ઉપેક્ષા સહન કરવી જોઈએ અને રસિયા રૂપે કલ્પેલા પ્રભુને મનામણાં કરવા જોઈએ; અને છેલ્લે, ભવોભવ એ જ પ્રભુને વરવાની ઇચ્છા સેવવી જોઈએ.

૫ : ગુરુવિષયક રચનાઓ

મધ્યકાળમાં ગુરુપરંપરા ઘણી પ્રબળ હતી. કેટલીક રચનાઓ ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલાં જ્ઞાનને આધારે રચાઈ છે તો બીજી કેટલીક રચનાઓમાં ગુરુપદનો મહિમા ગવાયો છે. જતુબાઈ (૧) સંતરામ મહારાજનાં શિષ્યા હતાં. એમણે સંતરામ મહારાજ વિશે કેટલાંક પદ રચ્યાં છે. જનીબાઈ શાક્ત સંપ્રદાયના મીઠુ મહારાજનાં શિષ્યા હતાં. તેમની પાસેથી મીઠુભક્તની ચરિત્રાત્મક વીગતો ધરાવતું ગુરુમહિમાનું પદબંધકાવ્ય ‘નાથજીપ્રાગટ્ય’ મળે છે. તેજબાઈ પણ સંતરામ મહારાજનાં શિષ્યા હતાં. તેમણે પણ સંતરામ મહારાજવિષયક કેટલાંક પદોની રચના કરી છે. માલીબાઈ પાસેથી ગુરુમહિમાને વર્ણવતાં ૨ ભજનો પ્રાપ્ત થાય છે. અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજી, રતનબાઈ (૨)ના પિતા અને ગુરુ હતા. એમણે ગુરુમહિમાનાં પદોની રચના કરી છે. હેમસિધ્ધિનાં ૧૮ કડીનાં ‘લાવણ્યસિધ્ધિપહુતણી-ગીત’-માં લાવણ્યસિધ્ધિના અવસાનસમય (ઈ. ૧૬૦૬)ની નોંધ મળે છે. એમની પાસેથી મળેલું ‘સોમનાથસિધ્ધિનિર્વાણ-ગીત’ પણ ૧૮ કડીનું છે. મહિલા કવિ ગવરીબાઈ પાસેથી મળેલી ‘ગુરુશિષ્ય પ્રશ્નોત્તરી’ની વિશેષતા એ છે કે તે, ગદ્યમાં છે.

૬ : અન્ય રચનાઓ

ઉપર વર્ણવેલાં વિષયવસ્તુમાં જેનો સીધો સમાવેશ નથી કરી શકાતો એવી રચનાઓ પણ કેટલીક મહિલા કવિઓ પાસેથી મળી છે. ગોમતીબહેને ગોકુલનાથની નિજલીલાને વર્ણવતાં ૫૦ માંગલ્યના ‘કવનરસ’ (અપૂર્ણ)ની રચના કરી છે. જતુબાઈ (૨) રેવારામ ભારથીનાં શિષ્યા હતાં. એમણે યોગમાર્ગની અને અધ્યાત્મભક્તિની કૃતિઓ આપી છે. રતનબાઈ (૩)એ કાયમુદ્દીનને વિષય બનાવીને રચેલાં પદોમાં પ્રેમલક્ષણા ભક્તિની ઘેરી અસર જોવા મળે છે. રૂપાબાઈએ પ કડીના ૧ પદની રચના કરી છે. લીરલ / લીલણબાઈ / લીલમબાઈ / લીલુબાઈ / લીળલબાઈ પાસેથી ભજનો અને સ્તવનો મળે છે. લોયણ પાસેથી કેટલીક રસપ્રદ રચનાઓ મળે છે. કાઠી દરબાર લાખો લોયણનાં રૂપ પાછળ ગાંડો બનેલો. કામાંધ થઈને એ લોયણને સ્પર્શ કરે છે અને કોઢનો ભોગ બને છે. લાખો પશ્ચાતાપ અનુભવે છે. લોયણ એને જ્ઞાનનો બોધ આપીને મુક્ત કરે છે, વગેરે વાયકા છે. લોયણ લાખાને સંબોધતાં હોય અને લાખો લોયણને સંબોધતો હોય એ રીતે રચાયેલાં એમનાં ભજનોમાં જ્ઞાન અને યોગની પરિભાષામાં નિર્ગુણભક્તિનો મહિમા થયેલો છે. લોયણનાં કેટલાંક પદોમાં તેના લાખા સાથેના સંબંધના નિર્દેશો મળે છે તો કેટલાક પદોમાં સદ‍્ગુરુનો મહિમા જોવા મળે છે. લોયણના ભક્તિ-આર્દ્ર હૃદયનું મર્મીપણું એમની ભજનવાણીમાં સચોટ રીતે અનુભવાય છે. વણારસીબાઈ પાસેથી ભક્તિવિષયક પદો મળે છે. વ્રજસખીએ પદો અને કીર્તનોની રચના કરી છે. તેમની રચનાઓમાં ‘ગોપી કૃષ્ણનો વાદવિવાદ’ (૧૩ કડી), ‘દશવિધભક્તિ’ (૧૩ કડી), ‘કૃષ્ણમિલન’ (૦૭ કડી) ‘કીર્તન’ (૦૫ કડી) નોંધપાત્ર છે. સવરીબાઈએ ઈશ્વરભક્તિ અને ઉપદેશાત્મક પદો લખ્યાં છે. સહજાબાઈ ગોકુલેશ પ્રભુનાં ભક્ત હતાં અને ઇચ્છાબાઈ રણછોડજીનાં ભક્ત હતાં.

ભક્તિ, જ્ઞાન અને ગુરુપરંપરાનાં કાવ્યો ઉપરાંત વિભિન્ન વિષયો પર મધ્યકાલીન મહિલા કવિઓની રચનાઓ પ્રાપ્ત થાય છે. આ રચનાઓનું વિષયવૈવિધ્ય ધ્યાનપાત્ર છે. કલુબાઈ પાસેથી ૪ કડીનું ૧ પદ ‘ફાહનામાવલિ’ મળે છે. કૃષ્ણાબાઈએ ‘સીતાજીની કાંચળી’ નામની રચના કરી છે. સુવર્ણમૃગને મારીને મૃગચર્મ લાવવા વિશે સીતાએ રામ અને લક્ષ્મણ સાથે કરેલા વિવાદ તેમજ સંવાદનું તેમાં નિરૂપણ થયું છે. તેમના ‘રુકિમણીહરણ’ કાવ્યમાં રુકિમણીને પરણવા જતા શ્રીકૃષ્ણનું વર્ણન નિરૂપાયું છે. ગંગાદાસી / ગંગાબાઈ પાસેથી ઉપદેશનું પદ મળે છે. ચૂડ(વિજોગણ) / અમિયલના દુહાઓ સ્નેહવિષયક સુભાષિતો જેવા છે. સ્વાગત, વિદાય, સ્વપ્ન જેવી પરિસ્થિતિઓનું અવલંબન લઈને વ્યક્ત થયેલા ઉત્કટ આર્દ્ર પ્રેમભાવમાં વેધક વિરહ-વેદનાનું નિરૂપણ થયેલું જોવા મળે છે. જનીબાઈ પાસેથી ‘નવનાયિકાવર્ણન’ મળે છે. દિવાળીબાઈની કૃતિ ‘મહિના’ છે. નાનીબાઈએ ‘વણઝારો’ અને ૧૦ અને ૬ કડીનાં ૨ પદો આપ્યાં છે. મીરાંએ પોતાને કુટુંબ સાથે થયેલા સંઘર્ષની અંગત જીવનની વીગતોનો નિર્દેશ આપતાં કેટલાંક આત્મચરિત્રાત્મક પદો રચ્યાં છે. એમાં, એમનો સાધુસંતો સાથેનો સમાગમ, રાણાનો રોષ, એમને મારી નાખવા માટે રાણાએ મોકલેલો ઝેરનો પ્યાલો કે કરંડિયામાં મોકલેલો નાગ, વગેરે વીગતો વણાઈ છે.

પદ્મશ્રીએ ‘ચારુદત્ત-ચરિત્ર’ નામની ૨૫૪ કડીની રચના કરી છે. પૂરીબાઈએ રામ-સીતાના વિવાહપ્રસંગનું ચિત્રણ કરતું ‘સીતા-મંગળ’ નામનું કથાકાવ્ય રચ્યું છે. તેમાં તત્કાલીન લગ્નવિષયક રીતરિવાજોનું વર્ણન જોવા મળે છે. ફૂલીબાઈએ ૩ કડીના ૧ પદની રચના કરી છે. બદરી / બદરીબાઈ પુષ્ટિસંપ્રદાયનાં સ્ત્રીકવિ હતાં જેમણે પદોની રચના કરી છે. મંગળીબાઈએ છૂટક પદોની રચના કરી છે. માનબાઈનાં નામે મળેલાં ૩ પદોમાંનાં ૨ પદો નરસિંહની ગણાયેલી કૃતિ ‘ઝારીનાં પદ’માંનાં છે. માંગલબાઈએ ૧ ભજન લખ્યું છે. રતનબાઈ (૧) પાસેથી સ્વાવલંબનના સાધન તરીકે રેંટિયાની પ્રશસ્તિ કરતી ૨૪ કડીની ‘રેંટિયાની સઝાય / ગીત / પદ’ની રચના મળે છે. રાધાબાઈ પાસેથી ‘રાધાની અસવારી’ અને ‘ચાતુરી’ એમ બે રચનાઓ મળે છે. રાધીબાઈએ ૧૦૧ કડીની ‘મીરાંમાહાત્મ્ય’, ૧૦૧ કડીની ‘કંસવધ’ અને ૧૧૫ કડીની ‘મુચુકુંદમોક્ષ’ નામની રચનાઓ કરી છે. રૂપાંબાઈએ વિવાહ ઉત્સવનાં પદ, શોભન, કેટલાંક ધોળ, ‘ગોકુળનાથજીનો વિવાહ-ખેલ’, ૨ ગુજરાતીમાં અષ્ટપદીની અને ૧૩૪ પ્રસંગોના ‘નિત્યચરિત્ર’ની રચના કરી છે. હેમશ્રીએ રાજપુત્રી કનકાવતી પર બાલવયે પડતાં સંકટો અને તેનાં અજિતસેન સાથેનાં લગ્નની કથાને આલેખતું ૩૬૭ કડીનું અદ્ભુતરસિક ‘કનકાવતી-આખ્યાન’ રચ્યું છે. તેમની પાસેથી ‘મૌન-એકાદશી-સ્તુતિ’ તથા અન્ય કેટલીક સ્તુતિઓ પણ મળે છે. ઈ. ૧૬૭૦ પછી ઔરંગઝેબે વ્રજ પર કરેલા આક્રમણને કારણે શ્રીનાથજી મેવાડ પધાર્યા હતા. અજબકુંવરબાઈએ આ પ્રસંગના અનુલક્ષમાં કેટલાંક કાવ્યોનું સર્જન કર્યું છે.

મધ્યકાલીન ગુજરાતી મહિલા કવિઓ અને તેમનાં સર્જન-વિશ્વ અંગે કેટલાંક તારણો –

  1. લાગે છે કે મધ્યકાલીન મહિલા કવિઓની રચનાઓ નિજી વિશ્વમાંથી નીપજી આવી છે. વૈયક્તિક સંજોગો, સંબંધો અને આસપાસની પ્રવર્તમાન કૌટુંબિક તેમજ સામાજિક પરિસ્થતિઓ સાથેના સંવાદ-વિવાદમાંથી આ રચનાઓ ઉદ‍્ભવી છે. એમ કહી શકાય કે આ કવિઓએ જિવાતા જીવન સાથેના સંબંધો તપાસ્યા છે અને તેથી મળેલી પ્રાપ્તિઓને સર્જનાત્મક સ્વરૂપે આમ પ્રજા સામે રજૂ કરી છે. આમ, યશ કે અન્ય પ્રયોજનની પરવા કર્યા વિના તેમણે સ્વાન્તઃ સુખાય અને નિજી અભિવ્યક્તિની ભૂમિકાએથી જે કંઈ રચ્યું તે નોંધપાત્ર છે. તેથી એમ સૂચવાય છે કે મધ્યકાલીન મહિલા કવિઓનું જીવન ધર્મના રંગે રંગાયેલું ઘણું વૈવિધ્યપૂર્ણ હતું.
  2. આ રચનાઓમાં મહિલા કવિઓનું જીવનબળ ઊભરીને સામે આવે છે. તેમની રચનાઓમાં જીવનના પ્રશ્નો અને પડકારો સામે ઝઝૂમવાનો સંનિષ્ઠ પ્રયત્ન જોવા મળે છે - ખાસ કરીને, પદ-ભજનોમાં. મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ એ દિશા તરફનો તેમનો સંકેત આંખે ઊડીને વળગે એવો છે. પથ પ્રદર્શિત કરતી રચનાઓ તેમની જ્ઞાનસંપદાને વ્યક્ત કરે છે. આ મહિલા કવિઓએ કશું ઔપચારિક શિક્ષણ નથી મેળવ્યું. પરંતુ જીવનની પ્રયોગશાળામાંથી જે કંઈ વિભિન્ન અનુભવજ્ઞાન મળ્યું તેનો પોતાની રચનાઓમાં તેમણે બહુવિધે મહિમા ગાયો છે.
  3. આ કાવ્યસૃષ્ટિ તત્કાલીન ગુજરાતી સમાજમાં જીવતી મહિલાઓની સ્થિતિ અંગે કેટલાક નોંધપાત્ર સંકેતો આપે છે. ખાસ કરીને, વિધવાઓ સામે ઊભા થતા પડકારો અને પ્રશ્નો. ધર્મ, ભક્તિ અને ગુરુની શરણાગતિ સ્વીકાર્યા પછી આ મહિલાઓએ પદરચનાઓ કે ભજનરચનાઓ કરીને જીવનને સમજવાનો પ્રયાસ કર્યો છે. પરિણામે, તેમની જ્ઞાનપીપાસા વ્યક્ત થતી જોવા મળે છે. આ કાવ્યસૃષ્ટિને આધારે આ મહિલા કવિઓની ભાવનાત્મક, બૌધ્ધિક અને આધ્યાત્મિક યાત્રાનો આલેખ જો રચાય, તો સર્વથા ઉપકારક નીવડે.
  4. મોટા ભાગની મહિલા કવિઓ સમાજના વિવિધ સ્તરોમાંથી આવી છે. તેમના સાંસ્કૃતિક અને સામાજિક સંદર્ભો વિભિન્ન છે. તેમ છતાં, આ મહિલા કવિઓએ રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાંથી પાત્રો અને પ્રસંગો લઈને રચનાઓ કરી છે અને પોતાની આગવી સૂઝ-બૂઝનો પરિચય કરાવ્યો છે. સંસ્કૃત સાહિત્ય સાથેનો તેમનો એ અપ્રત્યક્ષ ઘરોબો નોંધપાત્ર છે. વળી, તેમની કાવ્યસૃષ્ટિમાં ગુજરાતની લોકસંસ્કૃતિની પણ ઝાંખી થાય છે. પદ, ભજન, ધોળ કે આરતી જેવાં મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપોમાં તેમણે જે કંઈ રચ્યું તેથી મધ્યકાલીન કાવ્યસાહિત્ય સમૃધ્ધ થયું છે.

સમગ્રપણે --

સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય મહદ્ અંશે નિરૂપાયાં છે. નરસિંહ મહેતા, મીરાં, પ્રેમાનંદ કે દયારામની કાવ્યસૃષ્ટિમાં નિરૂપાયેલા આ વિષયો આ મહિલા કવિઓની રચનાઓમાં પણ અભિવ્યક્ત થયા છે. તેમછતાં, તેમના એ અનુભવોને તેમજ અવાજોને સાહિત્યના દસ્તાવેજી ગ્રંથોમાં આગવું સ્થાન મળ્યું નથી. તેને કારણે તેમની કાવ્યસૃષ્ટિઓની કશી સમીક્ષા પણ નથી થઈ વગેરે હકીકતોનો સ્વીકાર કરવો રહ્યો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મોટે ભાગે કર્તાલક્ષી પધ્ધતિ હાથ ધરાઈ છે. સાહિત્યિક કૃતિઓને તેમજ તેમાં નિરૂપાયેલા વિષયવસ્તુઓને જૈન અને જૈનેતર શીર્ષકો હેઠળ વિભાજિત કરવામાં આવ્યાં છે. પરંતુ તેમાં આ મધ્યકાલીન મહિલા કવિઓ વિશે તેમજ તેમની રચનાસૃષ્ટિ વિશે કોઈપણ પ્રકારના વિશિષ્ટ ઉલ્લેખો જોવા નથી મળતા. આવું શા કારણે બન્યું હશે – એ પ્રશ્ન વિચારણીય છે. ઇતિહાસ-લેખનમાં મહિલા કવિઓની આ પ્રકારની ગેરહાજરીને લીધે એ ઇતિહાસો શું અપૂર્ણ નથી ભાસતા? ખંડિત ચિત્ર વ્યક્ત કરતી આ પરિસ્થિતિને કારણે ઇતિહાસ-લેખન અંગે પુનઃવિચાર તેમજ પુનઃલેખનની આવશ્યકતા ઊભી નથી થતી? પડકાર એ ઊભો થાય છે કે મહિલા કવિઓની આ સૃષ્ટિને અંકે કરવી જોઈએ. સંશોધનાત્મક ભૂમિકાએથી અભ્યાસ કરવો જોઈએ, અને તેમ કરીને ઇતિહાસ-લેખન માટે પૂર્તિરૂપ સામગ્રી તૈયાર કરવી જોઈએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આ મહિલા કવિઓ ભલે માત્ર નોંધરૂપ રહી છે તેમછતાં, તેમનું વિશ્વ એક સ્વંયપર્યાપ્ત અને સ્વનિર્ભર અભિવ્યક્તિનું રસપ્રદ અને અનોખું દૃષ્ટાંત છે. સાહિત્ય કલા ઉપરાંતની અન્ય વિદ્યાશાખાઓના વિવિઘ દૃષ્ટિબિંદુઓથી પણ આ સર્જન-વિશ્વનો અભ્યાસ કરવો જરૂરી છે. સંભવ છે કે એથી ઘણી અણજાણી બાબતોથી અવગત થઈ શકાય. આજે વિશ્વ આખામાં મહિલાલક્ષી પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે ત્યારે આ મહિલા કવિઓનાં સર્જન-કાર્યોને પણ જો સઘન અભ્યાસ દ્વારા પ્રકાશિત કરવામાં આવે તો તેથી મળનારાં પરિણામો આપણાં સાહિત્યને વધુ ઊજળું દર્શાવશે એમ કહેવું અસ્થાને તો નહીં જ ગણાય.

ડૉ. દર્શિની દાદાવાલા