Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
આઝાદી કાળના માનસને ઉજાગર કરતી સુન્દરમની વાર્તા ‘ઉછરતા છોરુ’ વિશે

‘સુન્દરમ્’ના ઉપનામથી જાણીતા ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર-મિયાંમાતર ગામે ૨૨મી માર્ચ ૧૯૦૮ના રોજ થયો હતો. માતાનું નામ ઊજબેન. પિતા તથા દાદાનો વ્યવસાય લુહારી કામ. નવ વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન મંગળાબેન નામની કન્યા સાથે થાય છે. ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા અને એ જ વર્ષથી સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ કાયમી નિવાસ. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તેમને ૧૯૭૫માં ડૉકટર ઑફ લિટરેચરની માનદ પદવી આપવામાં આવે છે.

‘સુન્દરમ્’ કવિ, વાર્તાકાર અને વિવેચક તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. પરંતુ નાટક, પ્રવાસનિબંધ, અનુવાદ અને સંપાદન ક્ષેત્રે પણ તેઓ સક્રિય રહ્યા છે. વીસથી પણ વધારે કાવ્યસંગ્રહો આપનાર આ કવિનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) છે. તે સિવાય તેમનાં મહત્ત્વનાં કાવ્યસંગ્રહો તરીકે ‘કાવ્યમંગલા’ (૧૯૩૩), ‘વસુધા’ (૧૯૩૯) અને ‘યાત્રા’ (૧૯૫૧) છે. ‘રંગ રંગ વાદળિયાં’ (૧૯૩૯) એમનાં બાળકાવ્યો સંગ્રહ છે. ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬) ‘સુન્દરમ્’ને એક સમર્થ વિવેચક તરીકે પુરવાર કરે છે. ‘લુટારા’ તેમની ૧૯૩૧માં લખાયેલી પહેલી વાર્તા છે જે ૧૯૩૮માં ‘હીરાકણી અને બીજી વાતો’ વાર્તાસંગ્રહમાં પ્રગટ થાય છે. ત્યાર પછી ‘ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯), ‘પિયાસી’ (૧૯૪૦), ‘ઉન્નયન’ (૧૯૪૫), ‘તારિણી’ (૧૯૭૦) અને ‘પાવકના પંથે’ (૧૯૭૭) જેવા વાર્તાસંગ્રહો પણ પ્રગટ થાય છે. ગ્રામચેતના અને નગરચેતના તેમની વાર્તાઓનું મહત્ત્વનું પાસું છે.

અહીં મારે ‘ઉન્નયન’ સંગ્રહમાં પ્રગટ થયેલ ‘ઉછરતાં છોરું’ વાર્તાનો આસ્વાદ કરાવવાનો આશય છે. ૧૯૩૯માં પ્રગટ થયેલ ‘ખોલકી અને નાગરિકા’ વાર્તાસંગ્રહની પાંચ વાર્તાઓમાં બીજી પાંચ વાર્તાઓ ઉમેરી આ વાર્તાસંગ્રહ પ્રગટ થાય છે. આ સંગ્રહમાં પ્રકાશિત અન્ય એક વાર્તા ‘ખોલકી’ વિશે ચંદ્રકાન્ત ટોપીવાળા કહે છે કે, “‘ખોલકી’ આ સંગ્રહની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની ઉત્તમ વાર્તાઓમાંની એક છે.”

કથાવસ્તુ

સમગ્ર વાર્તા એક હોટેલની આસપાસ ગુંથાયેલ છે. વાર્તાનું મુખ્ય પાત્ર ઠાકોર યુવાન નારસિંહ છે. નારસિંહ ‘મહાલક્ષ્મીવિલાસ’ નામની હોટેલમાં મજૂર તરીકે કામ કરે છે. મજૂર તરીકે જીવતા નાના નાના બાળકોનું જીવન અહીં કેંદ્રમાં છે. બાળકોનું કેવી કેવી રીતે શોષણ થાય છે તે પણ આ વાર્તામાં આલેખાયું છે. આ શોષણમાં આર્થિક શોષણની સાથે સાથે માનસિક, શારીરિક અને જાતીય શોષણ પણ સામેલ છે. તેમ છતાં આ શોષણ સહન કરતાં આ બાળમજૂરોની કરૂણ કથા અહીં આલેખાઈ છે. વાર્તાની સારી બાબત એ છે કે વાર્તાના અંતે આ સૌ બાળમજૂરો પોતાના શોષણથી આઝાદ થાય છે. તે માટે કેવા કેવા પરિબળો કામ કરે છે તે વિગતે જોઈએ. વાર્તાનાયક નારસિંહ પોતે કાઠિયાવાડનો વતની છે. પિતા વાઘુભા અફીણ ખાતાં ખાતાં મરી ગયેલા છે અને જતાં જતાં જમીન જાયદાત બધું ખતમ કરી ગયા છે. બહેનનાં લગ્ન કરવામાં થોડી ઘણી બચત હતી તે પણ વપરાઇ જાય છે. આથી માતા ચંદનબા હવે ઘરમાંને ઘરમાં છીંકણી વાટવાનો ગૃહઉદ્યોગ કરે છે. તેમ છતાં ઘર ચલાવી શકાય એટલા પૈસા મળતાં ન હોવાથી એક ઓળખીતાને વાત કરી શહેરની મહાલક્ષ્મીવિલાસ નામની હોટેલમાં નારસિંહને કામે લગાડી આપે છે. નારસિંહ આ હોટેલમાં કામ કરવાની સાથે અન્ય મજૂર છોકરાઓની સાથે જ રહેવા લાગે છે. શરૂઆતના દિવસોમાં નારસિંહને ઘરની અને ગામડાંની ખૂબ યાદ આવતી પણ ધીમે ધીમે અન્ય બાળકોની સાથે રહેવાના લીધે ગામડાંની યાદો ઓછી સતાવવા લાગે છે.

આ હોટેલ એક વીશી પણ છે. આથી અહીં ચા, નાસ્તાની સાથે જમવાની વ્યવસ્થા પણ છે. બાળકોએ દિવસભર વીશીમાં આવતા ગ્રાહકોને ચા, નાસ્તો આપવાની સાથે આજુબાજુની દુકાનોમાં ચા, નાસ્તો આપવા પણ જવું પડે છે. નારસિંહ પોતે ઠાકોર હોવાથી તેને લોકો ક્યારેક નારુભા કે ક્યારેક માત્ર ઠાકોર કહીને પણ બોલાવતાં. હોટેલની બાજુમાં આવેલી સલૂનની એક દુકાનમાં નારસિંહને નિયમિત પણે ચા આપવા જવાનું થતું. સલૂનનો માલિક અને નારસિંહ વચ્ચે સારું બનતું. એટલે સલૂન તરફથી તેને મફતમાં થોડી સેવા મળી રહેતી. પણ હોટેલનો માલિક ત્યાં કામ કરનાર દરેક બાળકોનું ખૂબ આર્થિક શોષણ કરતો. એક વખત નારસિંહ સલૂનેથી વરધી દઈને પાછો ફરતો હોય છે ત્યારે તેનો પગ લપસી પડતાં હાથમાં રહેલા ચાના કપમાંથી એક કપ તૂટી જાય છે. નારસિંહને પરત ફરવામાં પણ થોડું મોડું થાય છે આથી હોટેલ માલિક નારસિંહ પર ગુસ્સે થઈ તેને કહે છે કે: ‘કેમ અલ્યા ? કેમ રવડ્યા કરતો હતો ? સુવ્વર, વરદી આપવા જાય છે કે રખડવા ?’ (પાના નં. ૧૨૭) વળી મહેતાને જ્યારે એ વાતની ખબર પડે છે ત્યારે બોલી ઉઠે છે કે: ‘અને ઠાકોરને નામે એક પ્યાલો લખી નાખજો. ફોડી નાખ્યો છે!’ (પાના નં. ૧૨૭) આ શબ્દો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે બાળકોથી જો કોઈ ભૂલ થાય તો તેને માફ કરવાની બદલે તે ચીજવસ્તુના પૈસા તેના પગારમાંથી કાપી લેવામાં આવતા. એટલે થતું એવું કે, “એમને મહિને બે-ત્રણ રૂપિયા પગાર મળતો તેમાંથી ભાગ્યે જ કંઈ તેઓ બચાવી શકતા. ફૂટેલા કપ-રકાબી જોડવામાં સિનેમા વગેરે જોવમાં, અને પોતાના ‘છોકરા’ને રીઝવવામાં તેમની કમાણી ખરચાઈ જતી.” (પાના નં. ૧૩૨) આમ, કામ કરવા બદલ જે કંઈ પૈસા મળતા એમાંથી આ રીતે કાપ મૂકાઈ જે થોડા ઘણા પૈસા આ બાળકોને મળતાં એમાંથી પણ થોડાં પૈસા નારસિંહ જેવા બાળકો ઘરે મોકલાવી આપતા.

વીશીમાં રહેતા બીજા નાના છોકરાઓ ધીરે ધીરે નારસિંહને માન આપવા લાગ્યા. તેનું કામ પણ કરી આપતાં. એ રીતે નારસિંહનું માન રાખતા. વીશીમાં લખમણ નામનો એક બીજો છોકરો હતો જેનું માલિક અને મહેતા સાથે સારું બનતું. લખમણ તેનો લાભ ઉઠાવી અન્ય છોકરાઓને ધમકાવતો અને એ રીતે પોતાનો અહં સંતોષતો.

હોટેલમાં રહેતા અન્ય છોકરાંઓમાંનો એક હતો ગટિયો. ગટિયો કદ કાઠીમાં કમજોર હતો પણ તેનું દિમાગ જોરદાર ચાલતું. એક વખત રાત્રે બધા જે જગ્યાએ સૂતાં હતા ત્યાં નારસિંહે મોડી રાત્રે અચાનક લાઇટ કરી તો લખમણ નારસિંહ પર ખૂબ જોરથી ગુસ્સે થયો અને તત્કાલ લાઇટ બંધ કરી દેવા કહ્યું. નારસિંહે લાઇટ બંધ પણ કરી દીધી પરંતુ તે એકાદ બે ક્ષણમાં નારસિંહે જે દૃશ્ય જોયું તે તેને અચંબિત કરી ગયું. પછીથી ગટિયા પાસેથી લખમણ વિશે નારસિંહને ઘણી બધી વિગતો જાણવા મળી. તેમાં એ વાત પણ જાણવા મળી કે લખમણ રૂપિયા બનાવવા માટે એક ફકીરની જાળમાં ફસાઈ ગયો છે અને હવે એ ફકીર લખમણનો શારીરિક શોષણ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં હવે એ ફકીર હોટેલના અન્ય છોકરાઓની માંગણી લખમણ પાસે કરવા લાગ્યો હતો. લખમણ એક વખત ફોસલાવીને ગટિયાને તે ફકીર પાસે લઈ ગયો હતો. તે વખતનું વર્ણન જૂઓ: “‘તું બૈઠ યહાં,’ કહી ફકીર ગટિયાને લઈને ઓથમાં ગયો. અને થોડી જ વારમાં ગટિયાની ચીસોએ હવાને ભરી દીધી. ગટિયાને કાંડેથી થથડાવતો લઈને ફકીર બહાર આવ્યો અને ‘સાલ્લા સુવ્વર! યે કૈસી નાદાન લડકી લે આયા હૈ?’ કહી ગટિયાને એક તમાચો મારી બેસાડી દીધો. અને ઉશ્કેરાયેલી હાલતમાં લખમણનું કાંડું પકડી તેને તો ઓથમાં ખેંચી ગયો.” (પાના નં. ૧૩૩) ગટિયાએ આ વાત પછી હોટેલના મોટાભાગના છોકરાઓને કહી દીધી હતી તેથી છોકરાઓ લખમણને ‘ફકીર’ ‘ફકીર’ કહી ચીડવવા પણ લાગ્યા હતા. એક વખત નારસિંહે લખમણને આ રીતે ચીડવ્યો ત્યારે લખમણે હાથમાં રહેલો ચાનો કપ નારસિંહ પર ફેંક્યો હતો જેથી તે કપ તૂટી ગયો. મહેતાજી આ જોઈ ગુસ્સે ભરાયા અને લખમણને બધાની સામે કહી સંભળાવ્યું કે, “પણ બેટમજી, કપ બાપના છે તમારા ? અલ્યા, લખમણને નામે એક કપ માંડી દેજો. અને હવે મિજાજ જરા ધ્યાનમાં રાખજો. મામાને ઘેર નથી રહેતા તમે, સમજ્યા ને?’ (પાના નં. ૧૩૪) પરંતુ મહિનાના અંતે પગાર મળ્યો ત્યારે એ તૂટેલા કપના પૈસા લખમણના પગારમાંથી કાપવાના બદલે નારસિંહના પગારમાંથી કાપી લેવામાં આવ્યા. નારસિંહે એ બાબતે વિરોધ પણ કર્યો છતાં એની વાત કોઈએ ધ્યાને લીધી નહીં. લખમણે પોતાની લાગવગનો અહીં ભરપૂર ઉપયોગ કર્યો હતો.

આ ઘટના પછી લખમણ નારસિંહ સાથે બદલો લેવાના અનેક ષડયંત્રો કર્યા કરતો. આખરે એક દિવસ નારસિંહ વરધી આપવા ગયો હતો ત્યારે હોટેલમાંથી પાંચેક રૂપિયાનું પરચૂરણ જાતે ચોરી નારસિંહની વસ્તુઓમાં તે સંતાડી દીધા. હોટેલના માલિક દ્વારા બધાની પૂછપરછ કર્યા પછી બધાના સામાનની તપાસ થઈ ત્યારે એ પૈસા જોઈ નારસિંહ અચંબિત થઈ ગયો. હોટેલના આખા સ્ટાફ સામે નારસિંહનું અપમાન થયું. પછીથી ગટિયા પાસેથી નારસિંહને જાણવા મળ્યું કે એ પૈસા લખમણે ચોરી પોતાના સામાનમાં મૂકી દીધા હતા. તેમ છતાં નારસિંહની કિસ્મતે તેનો સાથ આપતી હોય તેમ હોટેલના માલિકને અચાનક પાછલા દિવસે જ બહાર ગામ જવાનું થાય છે.

માલિકની ગેરહાજરીમાં લખમણનું વધારે ચાલતું. પણ એવામાં હોટેલમાં જૂના મહેતાની જગ્યાએ નવા મહેતાજી આવે છે. નવા મહેતાજી સામે લખમણનું કે બીજા કોઈનું કશું ચાલ્યું નહિ. આખરે લખમણે મહેતાને ‘છોકરા’ આપવાની લાલચ આપી ત્યારે તો મહેતો વધારે ગુસ્સે થઈ ગયો. નાસીપાસ થયેલા લખમણે નારસિંહ પર જલેબી બગાડના ખોટા આરોપો લગાવ્યા અને એ રીતે મહેતાની નજરોમાં વસી જવાના પેંતરા કર્યા. એ વખતે નારસિંહના પગારમાંથી બે રૂપિયા કાપી લેવામાં આવ્યા જે નારસિંહના પગારનો બહુ મોટો ભાગ ગણાય.

એવામાં એક રાત્રે ગટિયો નારસિંહને જગાડી હોટેલના નીચલા માળે લઈ જાય છે. ત્યાં લખમણ કોઈ અન્ય વ્યક્તિઓ સાથે હોટેલમાં એક રાત્રે ચોરી કરવાનો પ્લાન બનાવતો હોય છે જે વાત નારસિંહ અને ગટિયો છુપાઇને સાંભળી લે છે. ગટિયો અને નારસિંહ મહેતાને આ વાત કહી દે છે. પોતે, ગટિયો અને મહેતો યોજના પૂર્વક તે દિવસે હોટેલમાંથી રજા લઈ બહારગામ જવાનું બહાનું કરી બધાના દેખતાં હોટેલ છોડી ચાલ્યાં જાય છે પણ કોઈ ન દેખે એ રીતે પાછળના બારણેથી પાછાં અંદર આવી જઈ સંતાઈ જાય છે. રાત્રે એક વાગ્યાની આસપાસ અંધારું થાય છે ત્યારે લખમણ બીજા બે વ્યક્તિઓ સાથે હોટેલમાં ચોરી કરવા પ્રવેશે છે. ત્યાં જ મહેતો નારસિંહ અને ગટિયાને સાથે રહી લખમણને રંગે હાથે પકડી લે છે પણ પેલા બન્ને વ્યક્તિઓ તો ભાગી જાય છે. આ ઘટના પછી લખમણને હોટેલમાંથી કાઢી મૂકવામાં આવે છે. નારસિંહનું માન બધા છોકરાઓમાં વધી જાય છે. થોડા દિવસો પછી માલિક પાછો ફરે છે ત્યારે લખમણને નોકરીમાંથી કાઢી મૂકાયો છે એ વાત તેને ન ગમી પણ હોટેલ બરાબર ચાલતી હતી આથી તે કંઈ બોલ્યા નહીં.

થોડા દિવસ બધું બરાબર ચાલ્યું. પછી એક દિવસ હોટેલોમાં કામ કરતા છોકરાઓની તકલીફોને લઈને એક અજાણ્યો વાંકી ટોપીવાળો વ્યક્તિ રેલીઓ કરવા કાગ્યો, સભાઓ કરવા લાગ્યો અને લોકોને પત્રિકાઓ આપી આ બાબત સમજાવવા લાગ્યો. દિવસેને દિવસે આ વ્યક્તિને વધારે સમર્થન મળતું ગયું. અત્યાર સુધી હોટેલની અંદર રહેવા ટેવાયેલ અને પોતાની જાતને સુખી માનનાર છોકરાઓના મન વિચારોમાં ઘેરાવા લાગ્યા. ‘હોટેલના છોકરાઓને હવે હૉટેલ જુદા જ રૂપે દેખાવા લાગી. એ એમને મનથી સ્વર્ગભૂમિ મટવા લાગી. કાતરિયું એમને ખરેખરી ઘોર જેવું લાગવા લાગ્યું. હૉટેલનો એમનો મળતો મસાલેદાર છતાં વાસી, ઊતરેલો ખોરાક ઢોરોને નિરાતા નીરણ જેવો લાગવા માંડ્યો. એમનાં કપડાં હવે ગંદાં છે તે એમને સમજાવા લાગ્યું. હોટેલની નોકરી એ પોતાનું પરમ ભાગ્ય સમજાવાને બદલે હવે પોતાના શરીર પીસતી એક ઘાણી જેવી તેમને દેખાવા લાગી. રોજ બસો-ત્રણસોનો ગલ્લો ઠાલવનાર દુકાનમાલિક આગળ તેમને મહિને દહાડે મળતા પાંચસાત રૂપિયા કૂતરાને નખાતા ટુકડા જેવા લાગ્યા. તેમની ગંદકી, અપમાન, ઓછો પગાર, ખરાબ ખોરાક, નોકરીને બેહિસાબ કલાકો અને માણસાઈનો અભાવ તેમને સમજાવા લાગ્યો. હૉટેલ તેમને માટે બદલાઈ ગઈ. હૉટેલમાં આવનાર લોકો પણ કોક જુદી અળખામણી દુનિયાના માણસો દેખાવા લાગ્યા.’ (પાના નં. ૧૪૧)

નારસિંહ વાંકી ટોપીવાળા વ્યક્તિને મળે છે. જે હોટેલનો માલિક જોઈ જાય છે. માલિકને આ વાત ગમતી નથી. એવામાં નારસિંહની માનો કાગળ આવે છે. નારસિંહના લગ્ન નક્કી થઈ ગયા હોય છે એટલે લખી આપેલા સામાન સાથે જલ્દીથી ગામડે આવી જવા એમાં સૂચવ્યું હોય છે. હોટેલ માલિકને મોકો મળી જાય છે. માલિક નારસિંહને એ જ દિવસથી નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કરે છે. મહેતો આવું ન કરવા માલિકને મનાવે છે પણ માલિક માનતો નથી. આખરે નારસિંહ હોટેલની બહાર સામેની બાજુ ઓટલા પર બેસી જાય છે. પછી તો એક પછી એક બધા જ છોકરાઓ નારસિંહને સાથ આપવા ખાતર હોટેલની નોકરી છોડી નારસિંહની બાજુમાં હડતાલ પર બેસી જાય છે. આ જુવાળ એટલો પ્રચંડ રીતે ફેલાયો કે પછી તો બાકીની હોટેલના છોકરાઓ પણ હડતાલ પર ઉતરી ગયા. બધી જ હોટલોના માલિકો ગભરાવા લાગ્યા. વાંકી ટોપીવાળો વ્યક્તિ આ બધાને સાથે રાખી અલગ અલગ જગ્યાએ સભાઓ અને સરઘસો કરવા લાગ્યો. આખરે હોટેલ માલિકો અને છોકરાઓ વચ્ચે અમુક શરતોને આધીન સમાધાન થયું. આ શરતો ત્યાં હાજર રહેલ તમામ લોકોની સામે પેલો ટોપીવાળો વ્યક્તિ જ વાંચે છે જે મુજબ: ‘આજે નહિ તો કાલે, હૉટેલના છોકરાઓને આ જીવતા નરકમાંથી, આપણે બચાવવાના છે. એમ નથી થયું ત્યાં લગી આપણી કેળવણીને માથે શરમ જ રહેવાની છે. ગરીબાઈથી પાયમાલ થતાં કુટુંબોનાં કાચાં કુમળાં બાળકો આવીને અહીં આ હૉટેલની કઢાઈઓમાં હોમાય છે. આપણે નિરાંતે તળેલાં ભજિયાં પૂરી હૉટેલમાં ઝાપટીએ છીએ પણ એ ભજિયાંની સાથે છોકરાઓનાં કુમળાં જીવન પણ તેલમાં તળાયેલાં છે તે જાણતા નથી. પણ હવે એ અટકવું જ જોઈએ અને આજથી એ અટકે છે. છોકરાઓને સભ્ય રીતે પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. અમુક કલાક જ કામ લેવાવું જોઈએ. તેમને રહેવાની આરોગ્યમય સગવડ થવી જોઈએ, તેમનો પગાર ધોરણવાર ઠરવો જોઈએ. તેમને કેળવણી મળવી જોઈએ અને તેમને છેવટે માબાપનું હેત મળવું જોઈએ.' (પાના નં. ૧૪૫) શરતો સ્વીકારાય છે અને આખરે હોટેલ બોયઝ સંગઠનની વિજય થાય છે. છોકરાઓ પાછા કામે લાગે છે પણ બધાની નવાઈ વચ્ચે નારસિંહ લખમણને પાછા નોકરી પર રાખવાની ભલામણ કરે છે જે પણ માલિક સ્વીકારે છે. સાત દિવસો પછી નારસિંહ પોતાના લગ્ન માટે ગામ જવા નીકળે છે ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે ગટિયાને અને લખમણને જ નારસિંહ સાથે લઈ જાય છે. આ રીતે વાર્તાનો અહીં સુખદ અંત આવે છે.

પાત્ર

આ વાર્તા મુખ્ય પાત્રો તરીલે નારસિંહ, લખમણ, ગટિયો અને હોટેલ માલિક છે. એ સિવાય મહેતો, નવો આવેલો મહેતો અને હોટેલમાં કામ કરતાં અન્ય છોકરાઓ તથા ટોપીવાળો વ્યક્તિ ગૌણ પાત્રો તરીકે આવે છે. ઉપર વાત કરી તેમ સમગ્ર વાર્તા નારસિંહની આસપાસ જ ગૂંથાયેલી છે. આથી નારસિંહના પાત્રને ઉપસાવવામાં અહીં વાર્તાકારે ખાસી જહેમત કરી છે. નારસિંહના ઘરની આર્થિક પરિસ્થિતિ વિશે બહુ ઓછા શબ્દોમાં છતાં સ્પષ્ટ રીતે અહીં કહેવાયું છે જેથી તેનું પાત્ર દરેક ભાવકને તેના પ્રત્યે એક માનવતાવાદી અભિગમ દાખવવામાં સહાયક નીવડે છે. હોટેલમાં આવ્યા પછી પણ નારસિંહનું પાત્ર સ્વાભાવિક રીતે જ વિકાસ પામે છે. કોઈ દંભ, લોભ કે લાલસા દ્વારા પૈસા કમાવવાની કોઈ આદત તેને નથી. જેટલું મળે છે, જેવું મળે છે તેમાં પોતાની જાતને ધન્ય માની હોટેલના અન્ય છોકરાઓની સાથે તે રહે છે. ગટિયાનો સાથ નારસિંહને વાર્તાનાયક બનાવવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દેખીતી રીત લખમણનું પાત્ર શરૂઆતમાં ખલનાયક જેવું લાગે પણ છેલ્લે સમજાય છે કે ખલનાયક તો હોટેલના માલિકો છે, આ બધા છોકરાઓ તો તેના ગુલામો છે. જેની પાસે આદેશ માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી હોતો.

‘વાર્તાના જે પાત્રો ગૌણ છે અને બહુ ટૂંકા સમય માટે કેંન્દ્રમાં આવે છે એવા પાત્રો વિશે સર્જક જ બહુ સ્પષ્ટ ચિત્ર ભાવક સામે તે પાત્રનું મૂકી આપે છે. નવા આવેલા મહેતાના પાત્રનું વાર્તામાં થયેલ આ વર્ણન જૂઓ: આફ્રિકામાં એ અત્યાર લગી કામ કરતો હતો. મોટા, થોભિયાવાળી મૂછો તે રાખતો હતો. મોટા મોટા બરાડા પાડી તે વાતો કરતો. છોકરાઓને મમ્મો ચચ્ચો વાપર્યા વગર તે બોલાવતો જ ન હતો. તેના કડપથી હૉટેલના છોકરા ત્રાસવા લાગ્યા. તે કોઈની શરમ ન રાખતો. મોટો લપડંગ લખમણ પણ એના પંજામાંથી છટકી ન શક્યો. મહેતો એક લાંબી હાથેકની જાડી પેન્સિલ પોતાની પાસે રાખતો અને ગમે ત્યાંથી આવીને એકદમ ઘચ દઈને એનો ગોદો મારીને પછી જ છોકરા સાથે વાતચીત શરૂ કરતો અને વાત કરતાં છોકરાની ગળચી પકડી તેને ચબદ્યા કરતો અને ગળચી છોડ્યા પહેલાં એક ચૂંટી ભરી લેતો.’ (પાના નં. ૧૩૬)

સંવાદ

મોટાભાગની વાર્તા વર્ણનાત્મક છે. બહુ ઓછી જગ્યાએ સંવાદો રજૂ થયા છે. છે જે તે પણ એકદમ સાદાં અને સરળ છે. પરંતુ હોટેલ માલિકના સંવાદો વિશે અહીં ખાસ વાત કરવી જોઈએ. હોટેલ માલિકના સંવાદોમાં એક પ્રકારની કડકાઈ અને જડતાની સાથે સાથે કઠોરતા વારંવાર જોવા મળે છે. થોડાં ઉદાહરણો જોઈએ:
‘કેમ અલ્યા મોટો બાદશાહ બનીને ફરે છે તે ક્યાં રવડ્યા કરતો હતો ?’ (પાના નં. ૧૩૫)
‘બોલ સુવ્વર, આ ક્યાંથી લાવ્યો ?’ (પાના નં. ૧૩૫)
‘પરણવાનો હશે તો પરણશે. નહિ તો ઊંઘી જશે.’ (પાના નં. ૧૪૨)
‘આ પેલા વેંતિયાને રજા આપો, ને એના પગારમાંથી આ બિલના બાર આના વસૂલ કરી લો.’ (પાના નં. ૧૪૪)

તો નારસિંહના હોટેલ માલિક સાથેના મિલનની પહેલી ક્ષણે નારસિંહ અને હોટેલ માલિક વચ્ચે જે સંવાદો થાય છે તેમાંથી આપણને જાતિગત ભેદભાવની પણ ગંધ આવે. તે જૂઓ:
“‘અરે મહેતા, આને – શું તારું નામ અલ્યા ?' ગલ્લા પર બેઠેલા માણસે નારુભાને પૂછ્યું. પેલા ઓળખીતા એને જ નારૂભાને ભાળવી ગયા હતા.
‘નારસિંહજી !' છોકરાના મોમાંથી કોમળ મંદ અવાજ આવ્યો.
‘ઓહો !' પેલો જરા હસ્યો અને એક યંત્ર જેવા અવાજે બોલ્યો :
‘અરે, આ નવા ઠાકોરને લઈ જાઓ. અને કંઈક બતાવો.’ અને ઠાકોર તરફ ફરીને તે બોલ્યો, ‘જાઓ ઠાકોર.’ અને વળી બૂમ પાડી બોલ્યો : ‘અને આ પેલો દલિયો જતો રહ્યો છે તેનાં લૂગડાં પણ ઠાકોરને આપજો.'” (પાના નં. ૧૨૮)

પરિવેશ

આ વાર્તામાં પરિવેશ એક હોટેલનો છે. પણ આ હોટેલ આજના હોટેલો જેવી વૈભવશાળી અને સુવિધાસંપન્ન હોટેલ નથી. આ હોટેલમાં તો માસુમ અને કુમળા બાળકોને કામ આપવાના નામે તેનું આર્થિક અને માનસિક શોષણ થાય છે. છોકરાઓ માટે રહેવા પૂરતી વ્યવસ્થા પણ નથી. આ વર્ણન જૂઓ:
‘અરીસાનો પાછળનો ભાગ જેવો ખાલી, લુખ્ખો, અપારદર્શી, અંધ, ગંદો હોય છે તે જ પ્રમાણે હોટેલોના, હેરકટિંગ સલૂનોના, દુકાનોના અને મોટાં થિયેટરોનાં અંદરના ભાગ હોય છે. ચમકતા પડદા પાછળ આકૃતિહીન રંગનાં ધાબાં અને અંધારું જ હોય છે. એક અર્ધી અંધારી ઓરડીમાં....... એ અંધારું, પાસેના એ ચુલાઓનો ધુમાડો, એ વાસણોનો ખખડાટ, નારુભાના મગજમાં જાણે કે કાંટાની પેઠે વાગવા લાગ્યાં.’ (પાના નં. ૧૨૭-૧૨૮)

સમગ્રલક્ષી મૂલ્યાંકન

‘સુન્દરમ્’ની આ વાર્તા ૧૯૪૫માં પહેલી વખત પ્રગટ થાય છે. ભારત માટે આ સમય ગુલામીના અંત અને આઝાદીના ઉદયને સમય હતો. ભારતમાં ચારે બાજુ આંદોલન અને સત્યાગ્રહ થઈ રહ્યા હતા. સદીઓની ગુલામીમાંથી આઝાદ થઈ ઉમંગભેર જીવન જીવવાની અપેક્ષાઓ લોકોના દિલમાં હતી. એવા સમયે આ વાર્તા લખાય છે. તે સમયે લોકોની જે મન:સ્થિત હતી એવી જ કંઈક વાત આ વાર્તા અલગ રીતે અલગ પાત્રો દ્વારા કરવામાં આવી છે. હોટેલમાં કામ કરી રહ્યા છોકરાઓ પણ લાંબાગાળા સુધી હોટેલ માલિકોના એક રીતે ગુલામો જ હતા. એકજૂથ થઈ હડતાલ દ્વારા પોતાનો વિરોધ દર્શાવી જે રીતે હોટેલમાં કામ કરતા મજદૂર અને મજબૂર છોકરાઓ પોતાની લડત ચલાવે છે અને આખરે જીતે છે એવી જ પરિસ્થિતિ ત્યારે ભારતની હતી. આ રીતે આ વાર્તામાં તત્કાલીન સમાજની ઝાંખી અલગ રીતે થયેલી જોઈ શકાય છે. આ વાર્તા જે રીતે છોકરાઓ પાસે મજૂરી કરાવવામાં આવતી તેને આજે આપણે બાળમજૂરી એવા નામથી ઓળખીએ છીએ. આ વાર્તા એ રીતે આ વાસ્તવિકતા તરફ પણ અંગુલિનિર્દેશ કરે છે કે ત્યારના બાળકોની દુર્દશા કેવી હતી.

વાર્તાના શીર્ષક વિશે પણ અહીં વાત કરવી જોઈએ. હોટેલમાં કામ કરતાં છોકરાઓ ક્રમશ: જે રીતે એક પછી એક ભેગા થઈ પોતાના જ માલિકો વિરુદ્ધ હડતાલ કરવાનું સાહસ કરી શક્યા એ તેમનામાં આવેલી ચેતના છે. અન્યાય અને શોષણ વિરુદ્ધ જાતે જંગ લડવીની તેમની તત્પરતા દર્શાવે છે કે આ બધા છોકરાઓ હજી ઉછરી રહ્યા હતા. પણ પછી એક એવો સમય આવી જાય છે જ્યારે તેમને આશાનું એક કિરણ દેખાય છે ત્યારે તેઓ અંધારી કોટડીઓમાંથીએ બહાર નીકળી પ્રકાશ તરફ આગળ વધે છે. એ રીતે ‘ઊછરતાં છોરુ’ શીર્ષક વાર્તાને સાર્થક કરે છે. તે ઉપરાંત બીજી રીતે પણ આ શીર્ષકને એ રીતે જોઈ શકાય કે બે શબ્દોના બનેલા આ શીર્ષકમાં પહેલો શબ્દ ચાલુ વર્તમાનકાળનો છે જે, દેશની, સમાજની તત્કાળ પરિસ્થિતિને દર્શાવે છે. તો બીજો શબ્દ નાન્યેતર જાતિનો છે જે બાળકોના કુમળા માનસને દર્શાવે છે અને એવો દિશાનિર્દેશ કરે છે કે છોકરાઓનો વિકાસ હજી થઈ રહ્યો છે, કોઈ પરિપક્વ નથી.

સંદર્ભ:

  1. ‘સુન્દરમ્’ની શ્રેષ્ઠ વાર્તાઓ, સંપાદક: ચંદ્રકાન્ત શેઠ, આદર્શ પ્રકાશન – અમદાવાદ, ત્રીજું પુનર્મુદ્રણ: ૨૦૦૮


દિલીપકુમાર ધોરિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી – રાજપીપલા, જિ: નર્મદા, પીન કોડ: ૩૯૩૧૪૫ મોબાઇલ નંબર : ૮૦૦૦૨૮૫૩૩૩ ઇમેઇલ : ddhoriya@gmail.com