Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
‘તમારા ચરણોમાં’ વાર્તામાં આત્મઓળખની ક્ષણનું આલેખન

કુંદનિકા કાપડિયાની ‘તમારા ચરણોમાં’ વાર્તામાં એ સંવેદનને ઉપસાવે છે કે, સ્ત્રીઓએ ખુશી અને સ્વતંત્રતા, પ્રેમ અને બંધન વચ્ચેના ભેદને સમજવો પડશે. કારણ કે વધુ પડતો પ્રેમ ખુશી ભલે આપે પરંતુ આત્મસંતોષ નહી! ક્યારેક તો તે ગૂંગળામણનું રૂપ લેશે. ‘તમારા ચરણોમાં’ શબ્દમાં વ્યંગ નહિં પરંતુ શીલાની વેદના છે. પતિના ચરણોમાં હમેશાં પોતાની બધી ખુશી તેમજ ઈચ્છાઓ ધરી દેતી શીલા વાર્તાના અંતે પતિ સાથે જોડાયેલી યાદો પણ પતિનાં ચરણોમાં મૂકીને ચાલી નીકળે છે. ઈબ્સનના નાટક ‘અ ડોલ્સ હાઉસ’ની નાયિકા નોરાની જેમ. શીલાની વેદનાને વાચા આપવા માટે સર્જકે આંતરચેતના પ્રવાહની પ્રયુક્તિ અને પત્રશૈલીનો આધાર લીધો છે.

વાર્તાની કથા આ પ્રમાણે છે - નાયિકાને લગ્નનાં ચાર વર્ષ પછી પણ સ્વતંત્ર રીતે વિચારવાનો અવકાશ પ્રાપ્ત થયો નથી. પતિ જ તેના બધા નિર્ણયો લે છે. શું વાંચવું, કોની સાથે વાત કરવી, કઈ સાડી પહેરવી વગેરે, વગેરે. આ સ્ત્રી પ્રેમના ભોગે બધું સહન કરે છે. અસહ્ય પ્રેમ તેની સ્વતંત્રતા હણી લે છે. હદ તો ત્યાં આવે છે કે પતિના મનમાં તો હંમેશા એવી જ ભાવના બંધાયેલી છે કે, એ જે કરે છે તે બીજાના સારા માટે જ કરે છે. વાર્તાની શરૂઆત વર્તમાનમાં લગ્નમંત્રોના સ્મરણથી એટલે કે પીઠઝબકાર (Flasshback)ની પ્રયુક્તિથી થઈ છે. જે ઘડીએ લગ્ન થઈ રહ્યા હતા તે ઘડીએ શીલાએ મનોમાન કહું હતું – ‘તમારો સાથ ક્યારેય નહિ છોડું.’ અને વાર્તાના અંતે શીલાએ પતિનો સાથ કેમ છોડવો પડ્યો તેનાં કારણો વચ્ચે વાર્તા પૂરી થાય છે. આ બંને વચ્ચેના અવકાશમાં વાર્તાકારે સંઘર્ષની ક્ષણને બરાબર ઉપસાવી છે. સંઘર્ષ માનસિક છે આથી જ અંતે નિર્ણય પણ લાગણીવશ કે ભાવુકતામાં સરી જવાના બદલે બુધ્ધિજન્ય આવે છે. જન્મજન્માંતરના સંબંધોની દુહાઈ આપતા લગ્નમંત્રો કેટલા ખોખલા અને મિથ્યા છે, કેવી રીતે આ મંત્રો સ્ત્રી માટે બેડી જ બની રહ્યા હતા તેનું વાસ્તવિક રૂપ લેખિકાએ આપ્યું છે. આ મંત્રોની પોકળાતાનો ખ્યાલ જ્યારે શીલાને આવે છે ત્યારે તેની વ્યથા કેવી થાય છે તેનું ચિત્રણ આ વાર્તામાં કરવામાં આવ્યું છે.

‘તમારા ચરણોમાં’ વાર્તાની ચર્ચા હું નાયિકાના કથાનો વડે કરીશ. શીલા પત્રમાં કબૂલાત કરે છે, લગ્નમંત્રોની સાથે આવેલા ભાવનાનાં વહેણ શા માટે મિથ્યા બન્યા છે. આજે તે સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે, જે છેલ્લા ચાર વર્ષથી કહી શકી નહતી. – “સંબંધોનાં બંધનો વડે ઊભો કરાયેલો એ પ્રેમ માત્ર રૂઢીનું એક સ્વરૂપ હતું. સ્ત્રી પતિને ચાહે એ જ એકમાત્ર આદર્શ હોઈ શકે ને એ જ સ્વાભાવિક હોઈ શકે – એવી લગ્નજીવન વિષેની માન્યતાનું એ સાકાર રૂપ હતું. ને એ સિવાય બીજું કશું જ નહોતું. પણ આ તો બધું આજે સમજાય છે.”(પૃ.૩૯) આવી કબૂલાત તો પત્રમાં જ થઈ શકે! અત્યાર સુધી પોતાની જાતને આદર્શ પત્ની માનનારી નાયિકાને આત્મપ્રતીતિ થાય છે કે આ બધું મિથ્યા છે. તે પતિને ગમે તે બધું જ કરતી હતી કારણ કે સંબંધનાં બંધનો વડે ઊભો કરાયેલો એ પ્રેમ માત્ર રૂઢિનું એક સ્વરૂપ હતું. ઉપરનાં કથનમાં આવતા બે વાક્યો તેની ભારોભાર વેદના અને તેના વિરોધને વ્યક્ત કરે છે. તે પોતાના પતિના દ્રષ્ટિકોણથી ગૃહત્યાગની ઘટના વિષે વિચારે છે અને પતિનો ઉદ્દગાર શીલાનું જ મન આપે છે, -“ આપણી પાસે બધું સુખ છે, બધું એવું ને એવું છે તો શા માટે આ ભૂમિકા રચવાની જરૂર પડી?” શા માટે અત્યાર સુધી તે પતિનો વિરોધ કરી શકી નહતી તે માટે પત્રમાં કબૂલ કરે છે કે – “તમે મારા દરેક સુખીની કાળજી રાખતા હતા. મારી આસપાસ તમારા પ્રેમના દોર તમે એવા વીંટી રાખ્યા હતા કે મારી ઈચ્છાઓ સહેજ પણ હલી શકે નહિ. મનને ડર લાગે, તમારા દોર કંપી તો નહિ ઊઠે ને? તમારા તાર તૂટી નહિ જાય ને?” (પૃ.-૪૦) એટલે સુધી કે પતિના પ્રેમભર્યા શબ્દોએ એવી દીવાલ રચી હતી જે તેમાં તે કેદી બની ગઈ હતી. પોતાની વાત મનાવવા માટે તે વારંવાર એવું જ કહેતો કે, - “મારી આટલી વાત નહીં માને કે?...” (પૃ.-૪૦) આમ, પતિ માટે થઈને તે બધા નિર્ણયો સ્વીકારી લેતી., પછી ભલે તે પોતાના માટે કેમ ન લેવાયા હોય. એટલે સુધી કે પોતાની પસંદગીની સાડી પણ તે પહેરી ન શકતી. તેનો પતિ પ્રેમથી કહેતો કે આના કરતાં પેલી સાડી પહેરને કારણ કે, - “એ આસમાની સાડીમાં તું મને એટલી તો ગમે છે, જાણે તું મારા આસમાનની પરી.” (પૃ.-૪૦) આમ પોતાની ઈચ્છાઓને ડગલે ને પગલે તેણે પતિના પ્રેમ તળે ચગદી નાંખી હતી. તે જાણતી હતી કે પોતાની ઈચ્છાઓ દબાઈ રહી છે પણ શું કરે? પતિને ખુશ રાખવા ટેવાયેલી પત્ની માટે આ બલિદાન કઈં મોટું ન કહેવાય. કારણ કે પ્રેમથી તે શીલાને પોતાના ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બધું જાણતી હોવા છતાં શીલા તે રીતે ઘડાઈ રહી હતી. જેવી રીતે શીલાનો પતિ તેને આસમાનની પરી જોવા ઈચ્છતો હતો તેવી જ રીતે ‘ડોલ્સ હાઉસ’ માં નોરાનો પતિ તેને ઢીંગલી રૂપે જ જોવા ઇચ્છતો હતો. શીલા પત્રમાં જ્યારે જ્યારે પોતાના મનોભાવો વ્યક્ત કરે છે ત્યારે તેમાંથી કરુણતા ઉપાસે છે. સાથે સાથે તેનામાં આવેલી જાગૃતિનો પણ પરિચય થાય છે. જેમકે – “દેખાવમાં અત્યંત ક્ષુદ્ર લાગે એવી બાબતોમાં પણ શું સારું ને શું ખરાબ એ વિષે તમે જલદી તમારો મત પ્રગટ કરી ડેટા. માત્ર પ્રગટ કરીને તમે અટકતા હોત તો કેવું સારું હતું! પણ તમે તો એ મારી પાએ સ્વીકારાવવાનો અને એ પ્રમાણે કારી કરવવાનો આગ્રહ રાખી રાહ્યાં હતા. તમે સૂચવેલાં પુસ્તકો જ હું વાંચી શકતી. તમે ઈચ્છાતા તેમની સાથે જ હું હરીફરી શકતી. પણ તમે પસંદ કરતાં હતા એટલા માટે જ બધું મારા માણસને અનુકૂળ આવે, એવું બન્યું નહિ. મારું મન એ કોઈ પ્રવાહી નહોતું કે એને તમારી પસંદગીનાં વાસણમાં નાંખી તમને મનગમતો આકાર એને આપી શકાય.” (પૃ.૪૧) આમ ધીરે ધીરે વિરોધનાં મૂળિયાં તેનામાં વિકસવાં શરૂ થયા હતાં.

પતિના પ્રેમનાં પિંજરામાં કેદી બનેલી નાયિકાના સ્વતંત્ર વિચારો પર પણ જાણે કે પતિએ તરાપ મારી દીધી હતી. ખરેખર આ શીલાનો સ્વીકાર ન હતો. એ સંયમ હતો. શીલા પોતે કબુલ કરે છે કે તે,- “અનિવાર્ય પ્રેમનો બોજ હતો.”(પૃ.૪૧) તેના પતિની માન્યતા હતી કે તે જે કરે છે તે શીલાના સારા માટે જ કરે છે પરંતુ વાસ્તવિકતા જુદી હતી. આથી જ તો શીલાએ કહેવું પડ્યું કે, - “હું તમને પરણી છું, તમારી પત્ની છું, છતાં હું એક વ્યક્તિ પણ છું.” (પૃ.૪૧/૪૨), “સાચો પ્રેમ પોતાની ઈચ્છાઓને બીજાનાં મન પર લાદવામાં નથી અને એનું સ્થાન એક માત્ર સ્વતંત્રતામાં છે.” (પૃ.૪૨) બધું જ હતું તેની પાસે – લક્ષ્મી, કીર્તિ, પ્રેમ, સ્વજનો પરંતુ એક માત્ર સ્વતંત્ર મન અને સ્વતંત્ર વિચારો ન હતા. હદ તો ત્યાં આવે છે જ્યારે પિતાના મૃત્યું બાદ શીલા તેની બહેન નીલાને પોતાના ઘરે લઈ આવે છે. શીલાનો પતિ, પિતાના જેટલી જ કાળજી નીલાની રાખે છે. નીલા માટે ઉત્તમ પતિની શોધ ચલાવે છે પરંતું તેના માટે ઉત્તમની વિભાવના મર્યાદિત હતી. નીલા કિશનને પ્રેમ કરે છે પરતું નીલાના પ્રેમને પણ શીલાના અરમાનોની જેમ પ્રેમથી જ કચડી નાખવામાં આવે છે અને નીલાનાં લગ્ન કિશન સાથે થતાં નથી. શીલાના પતિની માન્યતા હતી કે, ગરીબ કિશન નીલાને શું સુખ આપી શકશે? માત્ર તેની અન્ય માટે સુખ શોધી કાઢવાની દમ્ય ઈચ્છાએ આજે નીલાના ભાવીને કચડી નાખ્યું હતું. તે દિવસે નીલાના ચહેરા પરની વેદના-વાદળી માત્ર શીલા જ વાંચી શકી હતી. છતાં કશું કરી શકી નહતી. આ કાળી વાદળી નીલાના જીવનને પણ ઘેરી વળે છે અને એક દિવસ નીલાનાં આપઘાતનાં સામાચાર આવે છે. આ ક્ષણે શીલાનું મન સ્વતંત્રતા અને સમાનતા માટે ઝંખે છે. તે પત્રમાં પતિને ઉદ્દેશીને લખે છે, -“તમારી માન્યતાએ સૌને સુખ નથી મળતું એ વાત પૂરવાર કરી આપવા એને મૃત્યુ પામવું પડ્યું.” (પૃ.૪૫) આ કારણે જ મુક્તિનો શ્વાસ લેવા માટે શીલા પતિને છોડીને ચાલી નીકળે છે. પત્રમાં લખે છે, -“જીવનમાં જે સૌથી મોટું છે એને તમારી ઈચ્છાઓ નીચે, તમારા સંતોષની ક્ષુદ્રતાના ભાર નીચે હવે મૃત્યુ પામવા દઈ શકાશે નહિ. હવે હું તમારી સાથે એક મકાનમાં રહી શકીશ નહિ. અને એટલે હું જાઉં છું.” (પૃ.૪૫) આમ અંતે પોતાનાં સ્વમાન અને સ્વતંત્રતા માટે લક્ષ્મી, વૈભવ, પતિને અને સૌથી મહત્ત્વના એવા પ્રેમના બોજને છોડી નવપ્રદેશ તરફ ચાલી નીકળે છે. ખરેખર તો પોતાની ભાવનાને કચડવા દેતી શીલાએ નીલાની લાગણીને પહેલા જ કચડાતી અટકાવવી જોઈતી હતી.

ઘર છોડવાની વાત પત્રમાં રજૂ કરતા પહેલા શીલા કેટલાક પ્રશ્નો મૂકે છે જે ખરેખર દરેક પુરુષે વિચારવા જેવા છે. આ અને આવી વાર્તાઓ માત્ર સ્ત્રીઓએ જ નહીં પુરુષોએ પણ વાંચવી જોઈ જેથી તેમની પ્રેમની વિભાવના થોડે અંશે વ્યાપક બને. આજે આ વ્યાપકતા થોડે અંશે આવેલી જોઈ શકીએ તેમ છે. પરતું તેનું પ્રમાણ ઘણું ઓછું છે. – “મારા અસ્તિત્વ પર તમારી ઈચ્છાઓ અને માન્યતાઓ સવાર થઈને બેઠી છે, મારા આનંદની લગામ એના હાથમાં છે. વિચારું છું – શ્રેષ્ઠ આદર્શ એકત્વનો સ્વીકારવામાં આવ્યો છે, તો એમાં સ્ત્રીના અસ્તિત્વને જ શા માટે મિટાવીને પુરુષોના અસ્તિત્વમાં ભળી જવાનું કહેવામા આવે છે? પુરુષના અસ્તિત્વનું એટલું મહત્ત્વ છે તો સ્ત્રીના સત્વનું શું ક્યાંય મહત્ત્વ નથી? પત્નીત્વ ને માતૃત્વ સિવાય સ્ત્રીનું બીજું એકે અસ્તિત્વ નથી? આખરે પ્રેમનો અર્થ એકત્વ એમ જ શા માટે કરવામાં આવે છે? શા માટે તમારાં કાર્ય, તમારી ભાવના, તમારું ધ્યેય એ મારાં પણ કાર્ય, ભાવના ને ધ્યેય બનવાં જોઈએ? લગ્ન પછી સ્ત્રીનાં સ્વતંત્ર માનસને શું ક્યાંય અવકાશ નથી?” (પૃ.૪૫)

હવે વાત કરીએ વાત કરીએ વાર્તાની પ્રયુક્તિની. વાર્તા વાંચતા પહેલો પ્રશ્ન મને એ થયો હતો કે વાર્તાકારે શીલાની લાગણીને વાચા આપવા માટે પત્રની શૈલી કેમ પસંદ કરી? અને વાર્તા વાંચન દરમ્યાન મને જે જવાબ સમજાયા તે આ પ્રમાણે હતા.

૧) પ્રથમ કારણ એ કે, કથક નાયિકા પોતે છે. પત્રલેખનનો વિષય પ્રેમપત્ર નહિં પરંતુ વિચ્છેદનો છે, જો પ્રેમ જેવી કોમળ લાગણીની અભિવ્યક્તિ માટે પત્ર સાનુકૂળ માધ્યમ બને છે તો પછી વિચ્છેદની વાતને રજૂ કરવા માટે પણ પત્ર ઉત્તમ માધ્યમ કેમ ન બની શકે! પત્રમાં એક જ પાત્રની પરોક્ષ ઉપસ્થિતિ હોય છે. તે જે ઈચ્છે તે લખી શકવાની પૂર્ણ સ્વતંત્રતા પત્રમાં છે. પત્રમાં મનુષ્ય પોતાના પ્રેમ, વિરોધ અને વિચારોને વાણી રૂપે વ્યક્ત કરી શકે છે, જે અન્ય માધ્યમોમાં શક્ય નથી. આજના સમયમાં પત્રની આવેજી વોટ્સ- એપ અને ઈ-મેલે લીધી છે એ વાત જૂદી છે. પરંતુ જે સમયમાં આ વાર્તા લખાઈ છે ત્યારે પત્ર વધુ પ્રતિકૂળ પૂરવાર થતા હતા. આથી શીલા પતિને પત્ર લખે છે. પત્રની શૈલી(ભાષા) પ્રલંબ છે, જેને તપાસતા લાગે છે કે, આંતરચેતના પ્રવાહ હોવાનાં કારણે તેમજ શીલાનાં મનનો વિરોધ પ્રથમ વાર શબ્દરૂપે બહાર આવતો હોવાના કારણે પ્રલંબ વાક્યરચના પ્રયોજી હોઈ શકે!

૨) પત્રલેખનનું બીજું કારણ છે ભારતીય સંસ્કારોની કેળવણી. આ વાર્તા વાંચતા- વાંચતાં મને સતત ઈબ્સનની નોરા યાદ આવતી હતી. તફાવત માત્ર એટલો છે કે ઈન્સનની નોરા ગૃહત્યાગ કરતા પહેલા પતિ સમ્મુખ પોતાના વિચારો, પોતાનો વિદ્રોહ ખુલ્લા દિલે રજૂ કરે છે. જ્યારે કુંદનિકા કાપડિયાની શીલા પતિ સમ્મુખ થવાના બદલે પત્રમાં પોતાના વિચારો અને પોતાની ગૂંગણામણો રજૂ કરે. ભેદ છે બંને વાર્તામાં પરિવેશની ભૂમિકાનો, સ્થળ અને સમયનો. ભારતીય સંસ્કારોની કેળવણી શીલાને પતિ સમ્મુખ બોલવા માટે બાધા રૂપ બને છે. આ સમયમાં Genration Gape તો નહી પરંતુ Understading Gape ચોક્કસ હતી. તેમાં પણ પોતાની સ્વતંત્રતા અને સમાનતા જેવા વિષયો વિશે, તો સ્ત્રી બોલી જ કેવી રીતે શકે! પોતાના ગૃહત્યાગ પાછળનાં કારણો અને ગૃહત્યાગની વાત જો તે પતિ સમ્મુખ કરત તો કદાચ તેને બોલવાનો અવકાશ જ ન મળત અને જો અવકાશ મળત તો તેણે પોતાનો નિર્ણય ભાવુક બની બદલાવો પડત. આથી શીલા ઘર છોડવાનો નિર્ણય પતિને પત્ર મારફતે જણાવે છે.

આમ ઉપરોક્ત મુદ્દાઓને જોતાં લેખિકાએ પત્રને અહીં એક પ્રયુક્તિ રૂપે તેમજ બધા સંદર્ભો તપાસતા એક માધ્યમ રૂપે મૂક્યો છે. પતિ સામે પોતાની વાત રજૂ કરવાનો અવકાશ તે સમયમાં કઈ સ્ત્રીને મળતો હતો! હાલના સમયમાં પરિસ્થિતિ ભલે જુદી હોય. આપણે વાર્તાના રચના સમયને દ્રષ્ટિ સામે રાખી તેને આસ્વાદી રહ્યા છીએ. અને એમ બને તો જ કૃતિને ન્યાય આપી શકાય. કોઈપણ કૃતિ પોતાના સમયનું પ્રતિબિંબ હોય છે. લેખિકાનો જન્મ સમય ઇ.સ. ૧૯૨૭ છે જ્યારે તેમની વાર્તાને ૧૯૯૨માં ઉષા ઠક્કરે સંપાદિત કરી છે. આ બન્નેના વચ્ચેના સમયની આ વાર્તા ગણાવી શકાય. આ સમય હજી પણ સીતા અને દ્રૌપદી વચ્ચેની અવઢવમાં પડ્યો હતો.

પશ્ચિમમાં નારીવાદની જે સમૃધ્ધ પરંપરા છે તેને શરીફા વીજળીવાળા ત્રણ તબક્કામાં જુએ છે. 1) પ્રથમ તબક્કો : 1920-1949(અનુકરણ) જે વર્જિનિયા વુલ્ફના ‘A Room Of One’s Own’ થી પ્રભાવિત હતો. જેમાં ગુલામીમાંથી-શોષણ માંથી મુક્તિની વાત હતી. (2) બીજો તબક્કો:1960-1975(વિદ્રોહ) સિમોન દ. બુવાના વિચારોથી પ્રભાવિત હતો. તેનાથી ફાયદો થવાના બદલે તે તબક્કો વગોવાયો વધારે (3) ત્રીજો તબક્કો: 1980 પછીથી (આત્માઓળખ) આ તબક્કામાં તેને દેવી કે દાસી તરીકે નહીં પણ મનુષ્ય એક વ્યક્તિ તરીકે પોતાની ઓળખ કેન્દ્રમાં મૂકી. આ રીતે તપાસતા હું આ વાર્તાને ત્રીજા તબક્કાની (સમય અને લક્ષણો આધારિત) વાર્તા સમજું છું. સ્ત્રીનું સૌથી નબળું પાસું આ સમયમાં હતું આર્થિક સ્વતંત્રતા અને સંસ્કૃતિનો ભાર અને એટલા માટે જ સ્ત્રીઓ આત્મસ્વતંત્રતાથી પરે હતી!

આ વાર્તામાં આત્મઓળખની પ્રતીતિ તેમજ સ્વતંત્રતાની ખેવના કેન્દ્રસ્થ વિષય છે. અહીં વર્ણનો કે સંવાદને સ્થાન નથી તે માટે નાયિકાના ધારદાર કથનો અને ચોટદાર ભાષા જ બસ છે. શીલાના કથનમાંથી જ વાર્તાના દરેક પાત્રનું ચરિત્ર ધીરે ધીરે બંધાતું આવે છે. શીલાનો પતિ શીલાના માનસ સિવાય ક્યાંય પ્રત્યક્ષ થયો નથી. નાયિકા અહીં મનના પ્રેમને નહીં તેની અકળામણ, ગૂંગળામણ અને વિરોધને બહાર કાઢે છે જેના માટે સર્જકે યોગ્ય શબ્દભંડોળ અને વાક્ય પસંદગીમાં બરાબર ધ્યાન રાખ્યું છે.

સંદર્ભ સૂચિ:

  1. ‘ઘુંઘટ કા પટ ખોલ’ – સં. ઠક્કર ઉષા; શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ; પ્રથમ આવૃત્તિ- ૧૯૯૨
  2. શતરૂપા – સં.વીજળીવાળા શરીફા; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ; પ્ર.આ.૨૦૦૫
  3. shodhganga.inflibnet.ac.in


પટેલ જલ્પાબહેન જે. (મદદનીશ પ્રાધ્યાપક), સરકારી નિનયન કોલેજ, તિલકવાડા, જી. નર્મદા, મો. ૮૯૮૦૪૨૭૦૫૫. ઇ-મેલ : patel.jalpa91@jmail.com