Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
એકલતા, સાહસ અને સંઘર્ષથી કથા : `ડુંગરીયે દવ લાગ્યો' (અનુ. અનિલા દલાલ)

સાહિત્યને કોઇ સીમાડા નથી હોતા. વિશ્વનું નિશ્ચિત સર્જન ભૌગોલિક સીમા ઓળંગી તેના વાચક સુધી પહોંચી જતું હોય છે. ભાષાનું બંધન અડચણરૂપ ન બને અને વિશ્વના લોકો સર્વકાલીન સાહિત્ય સુધી પહોંચી શકે એ માટે અનુવાદ પ્રવૃત્તિ ઉપકારક બનતી હોય છે. એક કૃતિ પ્રાંત, દેશ પુરતી સીમિત ન રહેતા વિશ્વ સ્તરે પહોંચે છે. જે કાળના પ્રવાહમાં ટકી રહે અને કાળને પણ અતિક્રમી જાય ત્યારે પ્રશિષ્ટ કૃતિ બને છે. તેવી જ રીતે વિશ્વના સીમાડાના બંધનને અતિક્રમી જનાર કૃતિ વિશ્વ સાહિત્યની હરોળમાં બેસે છે. આજે મારે એવી જ એક ભારતીય લેખિકા અનિતા દેસાઈ કૃત `Fire on the Mountain' વિશે વાત કરવી છે. આ કૃતિનો ગુજરાતી અનુવાદ અનિલા દલાલ દ્વારા `ડુંગરીયે દવ લાગ્યો' નામથી થયો છે.

`Fire on the mountain' એટલે કે `ડુંગરીયે દવ લાગ્યો'ની કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. કથાની મુખ્ય ધરી છે નંદા કૌલ. પ્રથમ ભાગમાં નંદા કૌલ, બીજા ભાગમાં રાકા અને ત્રીજા ભાગમાં ઇલા દાસ મુખ્ય સ્થાન પર આવે છે. અલબત્ત આ ત્રણેય ભાગ નંદા કૌલના જીવન સાથે જોડાયેલ રહે છે. એ રીતે ૧૫૦ પૃષ્ઠની આ કથામાં મુખ્ય પાત્ર અને કથાનાયક નંદા કૌલ છે. શિમલાના કસૌલી ગામમાં તમામ જવાબદારીથી દૂર થઈ `કેરિગ્નાનો' નામના ઘરમાં નંદા એકલી રહે છે. પોતાના જીવનમાં પિતૃસત્તાક સમાજમાં રહી એક સ્ત્રી તરીકેની તમામ જવાબદારી નિભાવીને નંદા કૌલ ત્રાસી ગઇ હોય છે. એથી જ કસૌલીનું એકાંત, એની વિરાનતા નંદા કૌલને તૃપ્ત કરે છે, નિરાંત અને આનંદ આપે છે. જીવનના પાછલા સમયમાં નંદાને હવે કોઈની પણ દખલગીરી જોઈતી નથી. તે કોઈપણના સંપર્કમાં રહેવા માંગતી નથી.

કથાના પ્રથમ ખંડના આઠમાં પ્રકરણમાં નંદા કૌલ એક પુસ્તક વાંચતા કહે છે કે, `મને એ સ્ત્રીનું ઘર નાપસંદ છે જે એકદમ સ્વચ્છ હોય, અને તે સ્ત્રી તેના ચહેરા પર પોતાને બધી ખબર છે એવો ભાવ રાખી અહીંતહીં ભાગતી દોડતી ફરતી હોય, દરેક ચીજ તે જ રીતે હોવી જોઇએ એ રીતે ગોઠવતી હોય, અને દરવાજો એકદમ બંધ કરેલો હોય.' (પાના નં. ૨૫) આ નંદાનો પોતાની જાત સાથેનો સંવાદ છે. શરૂઆતમાં ભલે તે સમાજ દ્વારા બનાવેલ સ્ત્રીની છબીને તોડી શકી નથી પણ હવે તે તમામ જવાબદારીના ગાળિયામાંથી મુક્ત થઇને રહેવા ઇચ્છે છે.

કથાનો પ્રથમ ખંડ નંદા કૌલનું હાલનું જીવન અને તેની સ્મૃતિઓથી ભરેલ છે. નંદાનો પતિ યુનિવર્સિટીમાં કુલપતિ હતો. તે એક ઉત્તમ ગૃહિણી અને પતિની પડખે ઉભી રહેનાર આદર્શ પત્ની તરીકે મિત્ર વર્તુળમાં વખાણાયેલી સન્નારી હતી. આ માત્ર નંદા કૌલે પોતાની જાતને છેતરવા ઉભી કરેલ સ્મૃતિઓ હતી. ખરેખર તો નંદાનો પતિ તેને ક્યારેય પત્ની તરીકેનો પ્રેમ આપી શક્યો ન હતો. કેમ કે, તે અન્ય સ્ત્રીના પ્રેમમાં હતો. નંદા તેના બાળકોની માતા હતી, સમાજ માટે કુલપતિની પત્ની હતી. પતિનું અવસાન થતાં નંદા જાણે બંધનમાંથી મુક્ત થાય છે. નંદાએ જે એકલતાની ઝંખના કરી હતી તે તેને `કેરિગ્નાનો'માં મળે છે. નંદાને હવે કોઈ વસ્તુની કે વ્યક્તિની અપેક્ષા નહોતી. એટલે જ ટપાલી જ્યારે તેની તરફ આવે છે ત્યારે મનોમન પ્રાર્થના કરે છે કે તેના માટે કોઈ પત્ર ન હોય. ઘરમાં ફોન રણકે તો નંદા વિચલિત થઈ જાય છે. આખા જીવનમાં જવાબદારીઓનો બોજ ઉઠાવી એ એટલી તો ત્રાસી ગઈ છે, ઉબકાઈ ગઈ હોય છે કે પોતાના તમામ સંબંધીઓના નામ સંપર્કથી દૂર રહેવા કસૌલી આવી જાય છે.

અચાનક એક દિવસ નંદાની એકલતાના દરવાજા પર તેની પુત્રીના હસ્તાક્ષર વાળું પરબીડિયું આવે છે. નંદાની નાની દીકરી આશાની પુત્રી તારા એક રાજનીતિજ્ઞને પરણીને દુઃખી થઈ છે. આશા તેની પુત્રી અને જમાઈ વચ્ચે સુલેહ કરાવવાના પ્રયત્નો કરી રહી છે. તારાને એક પુત્રી છે રાકા જે હમણાં જ ટાઈફોઈડની બીમારીમાંથી બહાર આવી છે. આશા ઇચ્છે છે કે રાકા હવાફેર માટે નંદા પાસે આવીને રહે. નંદા જીવનના એક તબક્કે એકલી રહેવા `કોરીગ્નાનો'ના શાંતિભર્યા એકાંતમાં જીવવા ઇચ્છતી હોય છે. ત્યાં રાકાના આગમનની સુચના તેને અરુચિકર લાગે છે. તેને ફરીથી ગળામાં ગાળિયો પરોવાતો હોય તેવું પ્રતીત થાય છે. નંદા વિચારે છે કે, હવે તે નિશ્ચિતપણે નહીં રહી શકે. આવનાર બાળકના ખાનપાનની તેને ચિંતા કરવી પડશે, એના સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે, રાત્રે બાળકી શાંતિપૂર્ણ સુઈ ન જાય ત્યાં સુધીનો સમય તેણે અજંપામાં વિતાવવો પડશે.

નંદાને કશું સૂઝતું નથી. તે રાકાને ટેક્ષી સ્ટેન્ડથી લેવા માટે પણ પોતાના રસોયા રામલાલને મોકલી દે છે અહીં પ્રથમ ખંડ પૂર્ણ થાય છે અને `રાકા કોરિગ્નાનોમાં પ્રવેશે છે'થી બીજા ખંડ નો આરંભ થાય છે બીજા ખંડના કેન્દ્રમાં છે નંદા કૌલની પ્રપોત્રી રાકા. રાકા પ્રથમ દ્રષ્ટીએ શરીરથી નબળી અને નિસ્તેજ જણાય છે. ટાઈફોઈડને કારણે તે સાવ નંખાઈ ગયી છે. સમય અને પરિસ્થિતિ માણસને પરિપક્વ બનાવી દેતી હોય છે એમ રાકા તેની ઉંમર કરતાં વધુ પરિપક્વ છે, અંતર્મુખી છે તે ભાગ્યે જ બોલતી. રામલાલ સાથે કસૌલી વિશે પ્રશ્નો કરતી. રામલાલ તેને કલ્પના મિશ્રિત વાર્તાઓ કહેતો છતાં રાકાના મનમાં રહી જતાં થોડાં પ્રશ્નોના ઉત્તર શોધવા કસૌલીની વાદીઓમાં ફર્યા કરતી... ખટ્ટા મીઠા ફળો ખાતી અને શરીરમાં ઉઝરડા સાથે પાછી આવતી. રામલાલ તેને ખાઈમાં ચુડેલ અને શિયાળનો ભય બતાવતો તો રાકા તેને જોવાની ઉત્સુકતા સાથે ખીણમાં વધુ ને વધુ ઊંડે સુધી પહોંચી જતી.

નંદા જે સમજી એ મુજબ રાકામાં ચુપકીદીથી અદૃશ્ય થઈ જવાની લાક્ષણિકતા હતી. નંદા તેને કોઈ પણ પ્રશ્ન કરતી નહીં. બન્નેએ સાથે રહેવાની રીત જાણે શોધી લીધી હતી, બંને એકબીજાથી અલગ રહેવા માટે સારા એવા પ્રયત્નો કરી રહ્યા હતાં. `પરંતુ અસ્તિત્વ હોવું અને છતાં અસ્તિત્વ નથી એવો દેખાવ કરવો એ સહેલું નહોતું.'(પાના નં.૪૭) નંદા રાકાની હાજરીથી બેચેન થઇ જતી હતી અને એક ઓરડામાંથી બીજા ઓરડામાં આંટા મારતી. રાકા ઉઝરડાયેલ અંગો સાથે પાછી આવતી ત્યારે નંદાની આંખોમાં આવકાર કરતા તિરસ્કાર વધુ રહેતો. રાકા તેની આંખોની અને તે તિરસ્કારની ઉપેક્ષા કરતી જેને કારણે નંદાનો શ્વાસ અદ્ધર થઈ જતો. પરંતુ રાકાનો તિરસ્કાર સહજ, અનાયાસ અને કુદરતી હતો. રાકા બીજા સામાન્ય બાળકો જેવી નહોતી. રાકા બધાથી અલગ અને તરંગી હતી. તે ક્યારેય કશી માંગણી કરતી ન હતી. એને જાણે કશી જરૂર જ ન હતી... તેને માત્ર એક જ વસ્તુની ઝંખના હતી... એકલા રહેવું અને કસૌલીની પહાડીઓ તેમજ દેવદારના વૃક્ષોમાં પોતાનું રહસ્ય ભર્યું જીવન જીવ્યા કરવાની. રાકા સ્વભાવથી જ સાહજિક અને એકાંતપ્રિય હતી અને એકાંત પ્રકૃતિની હતી અને એટલે જ નંદાને રાકામાં પોતાની છબી દેખાય છે. જે એકલતાનો ગુણ નંદા ઝંખે છે તે રાકામાં સહજપણે જન્મથી જ રહેલો છે.

નંદા હવે રાકા સાથે નિકટતા કેળવવા પ્રયત્ન કરે છે. તેની સાથે ચાલવા જાય છે. બેશકપણે હવે રાકાને લાગે છે કે તેની પ્રનાની તેની એકલતાનો ભંગ કરી રહી છે. રાકા તેને કશું કહી શકતી નથી અને રોકી શકતી નથી. નંદાની ચુપકીદીનો બંધ તૂટી પડે છે અને તે રાકા સાથે ધોધમાર વાતો કરે છે. રાકા તેની વાતોથી કંટાળે છે તો નંદા વધુ રોમાંચક વાતો કરે છે. જેમાં તેના પિતાના અદ્ભુત પ્રવાસો, સાહસો, પ્રાણી સૃષ્ટિ રાકા સામે મુકે છે. ખરેખર તો રાકાને આ કાલ્પનિક વાતોમાં બિલકુલ રસ પડતો નથી. તેને તો બહારની વાસ્તવિક દુનિયા વધુ આકર્ષે છે. રાકા વાદીઓ, ખીણોની એકલતામાં વિહરવા ઇચ્છે છે અને નંદા હવે તેને પોતાની પાસેથી ખસવા દેવા માંગતી નથી.

આ બધા વચ્ચે રાકાની માતા બીજા માનસિક આઘાતથી હોસ્પિટલના બિછાને પહોંચી જાય છે. હવે નંદાને ખ્યાલ આવી જાય છે કે રાકા કદાચ સંપૂર્ણપણે તેને આશ્રિત રહેવાની છે. નંદા રાકાના ભવિષ્યની ચિંતાથી રાત્રે સુઈ શકતી નથી અને તે વકીલની મદદથી પોતાનું વસિયતનામું તૈયાર કરવાનું વિચારે છે. રાકા એવી વ્યક્તિ છે જે ખરેખર `કોરિગ્નાનો'ને સમજી શકી છે. નંદા ઇચ્છે છે કે રાકા ત્યાં જ રોકાઇ જાય. આ બધી જ બાબતથી અજાણ રાકા પોતાની દુનિયામાં મસ્ત છે અને ડુંગરોમાં ફર્યા કરે છે.

નંદાને રાકા સાથે રહેવું હોય છે પણ રાકાને એકાંતમાં ફરવું હોય છે. તે પોતાની પ્રનાની નંદાની નજરોથી છટકીને ફરવા નીકળી પડે છે. તેનું આ રીતે જવું નંદાને ખુંચે છે. અહિ તેની બાળમિત્ર ઇલા દાસનો ફોન આવે છે. ઇલા અગાઉ પણ તેને મળવા આવવા ઇચ્છતી હતી પરંતુ નંદા યેનકેન પ્રકારે તેને ટાળી દેતી હતી. આજે ફરી તેનો ફોન આવતાં અંતે ચા માટે ઇલાને આમંત્રણ આપે છે. અહિ કથાનો બીજો ભાગ પૂર્ણ થાય છે અને કથાનો અંતિમ અને ત્રીજો ભાગ શરૂ થાય છે.

આ ત્રીજા ભાગમાં ઇલાનું આગમન થાય છે. ઇલા નંદાની બાળપણની મિત્ર છે. નંદા બધાથી પીછો છોડાવી શકી પણ ઇલાએ તેને દુર થવા દીધી નથી. તેનું કારણ કદાચ એ હોય કે એક સમયે નંદા કુલપતિની પત્ની હોવાને કારણે ઇલા દાસને ગૃહવિજ્ઞાનમાં પ્રાધ્યાપિકા તરીકેની નોકરી અપાવવામાં સફળતા મેળવેલ. પરંતુ સમય જતાં વાઇસ ચાન્સેલર બદલાતા નૈતિક બાબતો સાથે બાંધછોડ ન કરી શકનાર ઇલા દાસ એની નોકરી છોડી દે છે. હાલ તે સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરે છે. ઇલા સ્વભાવે ખૂબ જ બોલકી છે. ઇલાનું શરૂઆતનું જીવન ગર્ભશ્રીમંત કુટુંબમાં વીતેલ. તેના માતા-પિતાના મૃત્યુ બાદ તેની તમામ સંપત્તિ તેના ભાઈઓના ભાગે જાય છે અને હવે તેની બહેન પ્યાનો વગાડી અને ઇલા નાનીમોટી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

ઇલા હાલ સામાજિક કાર્યકર તરીકે સાત વર્ષની બાળકીનું લગ્ન અટકાવવાના પ્રયત્નો કરતી હોય છે. તેનો પિતા થોડી જમીન માટે એને વૃદ્ધ સાથે પરણાવી દેવા ઇચ્છતો હતો. ભૂતકાળની સ્મૃતિઓ તાજી કરી ઇલા નંદાની વિદાઈ લઈને નીકળી જાય છે. રસ્તામાં થોડો સામાન લઈને ઇલા પોતાના ઘર તરફ જતી હોય છે ત્યારે જે બાળકીના તેણે બાળ લગ્ન અટકાવ્યા હોય છે તેના પિતા દ્વારા ઇલા પર બળાત્કાર કરવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે. નંદા પર પોલીસનો ફોન આવે છે. પોલીસ ઇલા સાથે બનેલ ઘટના વિશે જણાવે છે. ઇલાની થેલીમાંથી નંદાનો કોન્ટેક મળતાં પોલીસ તેને જાણ કરે છે.

હાલ એક સામાજિક કાર્યકર તરીકે ઇલા સાત વર્ષની બાળકીનું લગ્ન અટકાવવાના પ્રયત્નો કરતી હોય છે. તેનો પિતા પ્રીતસિંહ થોડી જમીન માટે એને વૃદ્ધ સાથે પરણાવી દેવા ઇચ્છતો હતો. ભૂતકાળની સ્મૃતિઓ તાજી કરી ઇલા નંદાની વિદાઈ લઈને નીકળી જાય છે. રસ્તામાં થોડો સામાન લઈને ઇલા પોતાના ઘર તરફ જતી હોય છે ત્યારે એકલી રહેતી સ્ત્રીના સંઘર્ષો, ખુમારી, લાચારી ડર બધું જ તેના વિચારો દ્વારા પ્રગટ થઈ જાય છે. અંધકારમાં તે ગમે તેમ હિંમત ભેગી કરી આગળ વધે છે. જે બાળકીના તેણે બાળ લગ્ન અટકાવ્યા હોય છે તેના પિતા દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે. નંદા પર પોલીસનો ફોન આવે છે. પોલીસ ઇલા સાથે બનેલ ઘટના વિશે જણાવે છે. ઇલાની થેલીમાંથી નંદાનો કોન્ટેક મળતા પોલીસ તેને જાણ કરે છે.

અહીં અંતિમ પેરેગ્રાફ સાથે કથાનો અંત થાય છે. અત્યાર સુધી નંદાએ પોતાની ઊભી કરેલ ભ્રામક દુનિયા તેની સામે આવે છે. તેની એકલતા એ તેની ઇચ્છા નહોતી મજબૂરી હતી. પોતાના વિચારોમાં બનાવેલી છબી, રાકાને કહેલ પોતાના પિતાના પરાક્રમો બધું જ સત્યની અગ્નિ સાથે સામે આવી જાય છે. જે એકલતાને તે પોતાની પસંદ સમજે છે એ ખરેખર તો તેની મજબૂરી છે. હવે તેના પરિવારને તેની જરૂરિયાત નથી; એટલે એક વિધવા વૃદ્ધ સ્ત્રી તરીકે તેને કેરિગ્નાનોમાં આશરો લેવો પડ્યો છે. આમ જોઈએ તો નંદા ભારતીય સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરી રહી છે. પિતૃગૃહે કે પતિગૃહે તેને જોઈતું સન્માન મળતું નથી. જીવનની સંધ્યાએ પુત્રને તે ઉપયોગી જણાતી નથી. એક વૃદ્ધ અસહાય સ્ત્રી એકલું જીવવાનું નક્કી કરે છે. જો એ કસૌલીમાં એકલી રહેવા ન આવી હોત તો પણ પોતાના સ્નેહીઓ વચ્ચે એ એકલી જ હોત. હવે તેને પોતાની આસપાસ એક ભ્રમ ઉભો કરી લીધો હતો. `કે તેણે બધાને છોડ્યા છે.', `તેનો ભૂતકાળ સુકુન વાળો હતો.' નંદાએ પોતાની જાતને સંયમમાં રાખવાના અથાક પ્રયત્ન કર્યા પણ રાકાના આગમને તેને લલચાવી. રાકા સાથેની તેની વાતચીત તેના મનની ડામાડોળ સ્થિતિ દર્શાવી જાય છે. આમ નંદાનું વર્તન મનોવૈજ્ઞાનિક રીતે તપાસતા તેને પોતાના જીવનને ચલાવવા દમન, પ્રતિક્રિયા, પરાગતિ જેવી બચાવ પ્રયુક્તિઓ તરફ લઈ જાય છે.

કથાની શરૂઆતમાં ટપાલી દ્વારા જે રીતે કેરિગ્નાનોના ઈતિહાસ વિશે વાત થઈ છે તે કથાના અંતે જઈને સમજાય છે. નંદા પહેલા કેરિગ્નાનોમાં સારા સ્વાસ્થ્ય માટે રહેનાર કર્નલ મેક્દુગલ પરિવારથી શરૂ કરી... બગીચાના શોખીન વૃદ્ધ એલટ બહેનો, કાવરતાખોર પત્ની સાથે રહેતો પાદરી, લીલનની ટોપીવાળી મિસ લોરેન્સ, ક્લબમાં જઈ જુગાર રમનાર મિસીઝ હ્યુઝ, દારૂના અવનવા પયોગ કરનાર મિસ જૈન આવી અનેક વિભૂતિઓને કેરિગ્નાનોની છત મળી છે. આ કેરિગ્નાનો એક એવી છત છે જે નિસહાય, એકલતામાં ગરકાવ થયેલ, ત્યજી દીધેલ સ્વજનને સ્વીકારે છે.

કથાની શરૂઆત અંગ્રેજો દ્વારા ભારત પરથી ખસી જવાથી થાય છે અને ત્યારે અહીંના સ્થળ પર સ્ત્રીની અસુરક્ષાની વાત પણ ઉચ્ચારાય છે. કથાને અંતે ઇલા દાસ સાથે થયેલા અત્યાચારથી આ બાબત સ્પષ્ટ બને છે. જે કેરિગ્નાનોનું સુરક્ષા સ્થળ નંદા અને રાકાને મળી શક્યું એ ઇલા માટે સુલભ થઈ શક્યું નહિ. પહાડોમાં એક આગ એકલતાને ચીરીને ઉપર આવી રહી છે. જો આગ મેદાની લાગી હોય તો ઠારી પણ શકાય પરંતુ ડુંગરમાં લાગેલી આગ રાખ થઈને જ ઠરે છે.

આ ત્રણેય મહિલાઓની આસપાસ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની મથામણના વર્તુળો છે. કોઈ ભ્રમની ઝાળ રચે છે તો કોઈ નિર્મળપણે એકાંતને સ્વીકારે છે. જ્યારે ઇલા સાહસ અને ખુમારીથી ટકી રહેવા પ્રયત્ન કરે છે. નંદા એક અસફળ લગ્નજીવનની ત્રસ્ત થયેલી સ્ત્રી છે. તો એવા જ એક તૂટેલા લગ્નજીવનની સાક્ષી છે રાકા. જ્યારે ઇલા પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીની સ્થિતિનું ઉદાહરણ બને છે. આ ત્રણેય સ્ત્રીઓ અંતે ભારતીય સમાજમાં સ્ત્રીની સ્થિતિનો ચિતાર આપે છે.

આ કથામાં અગ્નિ અને પર્વતનો વિશેષ ઉપયોગ થયો છે. પ્રથમ તો શીર્ષક જ છે `Fire on the Mountain' `ડુંગરિયે દવ લાગ્યો'. અગ્નિ એ આ સ્ત્રીઓના મનનું પ્રતિનિધિત્વ કરે છે. એ નંદા કૌલની મનની આંતરિક અશાંતિનો અગ્નિ છે, રાકાની જિજ્ઞાસાનો અગ્નિ છે તો ઇલાની લાચારીનો અગ્નિ છે. પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીના સંઘર્ષનો અગ્નિ છે. અહિ રહેલ પર્વત નંદા માટે એકાંત છે, રાકા માટે સાહસ છે અને ઇલા માટે મુશ્કેલીનું દ્યોતક છે.

આ સંપૂર્ણ કથા એવી ત્રણ મહિલાઓની કથા છે જે પોતાની શરતે દુનિયામાં જીવન જીવવાના પ્રયાસો કરી રહી છે. એક તરફ પાત્રોના આંતર સંઘર્ષો છે તો બીજી તરફ પહાડોની બાહ્ય પ્રકૃતિના વર્ણનો છે. એટલે કે, પહાડોમાં સોંદર્ય પણ છે અને જોખમ પણ છે. નંદા, રાકા અને ઇલા ત્રણેયના જીવનને આલેખવાની સાથે અનીતા દેસાઈએ આ કથામાં સીમલાની પ્રકૃતિના લખલૂટ વર્ણનો કર્યા છે. રાકાના મનોસંચલનો દર્શાવવા એક દિવાસ્વપ્નનો પ્રયોગ પણ સર્જકે કર્યો છે.

આમ પહાડોની સુંદરતા પણ કથામાં ઝીલાઈ છે, અને પાત્રોના મનોવલણો પણ સ્થાન પામ્યા છે. કથનકેન્દ્ર, સામાજિક પરિપ્રેક્ષ અને નારીવાદી દૃષ્ટીએ પણ આ કથાની મુલવણી કરવાનો અવકાશ રહેલ છે. અહિ માત્ર આ કથાનો મેં માણેલ રસાસ્વાદ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.

સંદર્ભ :

  1. ડુંગરિયે દવ લાગ્યો, અનિતા દેસાઈ, અનુ. અનિલા દલાલ, સાહિત્ય અકાદમી, દિલ્હી, આવૃત્તિ:૨૦૦૧.
  2. Fire on the Mountain, Anita desai, Random House Publishers India Pvt. Limited.


પ્રા. જિજ્ઞાબા રાણા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન કૉલેજ વલ્લભીપુર, વલ્લભીપુર, જિ: ભાવનગર મોબાઇલ: ૮૬૯૦૩૨૭૩૨૭ Email: jigna.msu@gmail.com