Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
પૂર્વસૂરિઓના વ્યક્તિત્વની પરકમ્મા : ‘સરોવરના સગડ’

હર્ષદ ત્રિવેદી સાંપ્રત સમયના મહત્વના સર્જક છે. એમણે કવિતા, વાર્તા, નવલકથા, વિવેચન, સંપાદન, બાળવાર્તા અને સાહિત્યિક પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ બધામાંથી ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક તરીકેનું કાર્ય વિશેષ છે. સરકારી સંસ્થાનું સાહિત્યિક સામયિક કેવી ઉત્કૃષ્ટ રીતે ચલાવી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ એમણે પૂરું પાડ્યું છે. વર્ષ ૨૦૧૮માં તેઓ નિબંધ ક્ષેત્રે (ગ્રંથ રૂપે) પ્રવેશ કરે છે. ‘સરોવરના સગડ’ નિબંધ સંગ્રહમાં સાહિત્યકારોના રેખાચિત્રો લઈને આવે છે. ગુજરાતી રેખાચિત્રોમાં એમનું આ પુસ્તક સર્જક ભાષા અને ચિત્રાત્મક નિરૂપણ શૈલીને લીધે ‘છબી ભીતરની’, ‘સહરાની ભવ્યતા’, ‘વિનોદની નજરે’ વગેરે જેવા પ્રથમ પંક્તિના ગ્રંથોની હરોળમાં ચોક્કસ માનભર્યું સ્થાન પામશે, એવું આ ગ્રંથ વાંચનાર-સહૃદય ભાવકને અવશ્ય લાગશે.

‘સરોવરના સગડ’માં ૧૯ દિવંગત સાહિત્યકારોના રેખાચિત્રો છે. આ રેખાચિત્રો સહૃદય સર્જકની કલમે આલેખાયાં છે. આથી એ વિગતો વાળા નહીં પણ સર્જક હૃદયના ભાવે રંગાયેલા છે. પ્રસ્તાવના ‘યથેચ્છસિ તથા કરું...’માં તેઓ કહે છે :
‘‘વર્ષોથી જે સાહિત્યકારો મનમાં ઘર કરીને બેઠા હતા, જેમનું કોઈને કોઈ રૂપે મારા પર ઋણ છે એમના વિશે...’’ (સરોવરના સગડ-હર્ષદ ત્રિવેદી, પૃ.-૮)

લેખકે લખ્યું છે. આ લેખો ‘કુમાર’ સામયિકમાં પ્રગટ થયા હતાં. આ ગ્રંથમાં એમણે પોતાના પરિચયમાં આવેલા અને હવે જે હયાત નથી. એવા જ સાહિત્યકારો વિશે લખ્યું છે. એમના આ નિર્ણય વિશે તેઓ લખે છે :
‘‘જે મુરબ્બીઓ અને મિત્રો હયાત છે. એમને અંગે લખવાના બે પ્રકારના જોખમ. એક તો હું મારી રીતે કોઈ પ્રસંગ કે ઘટના અંગે તારણ ઉપર ન આવી શકું. બીજું, હજી એમના જીવનમાં કોઈ ને કોઈ બદલાવ આવવાની પણ પૂરેપૂરી શકયતા.’’ (એજન.પૃ.૮) લેખકે આ લેખોમાં જાત અનુભવને જ મહત્વ આપ્યું છે. તેમજ આ લેખો કોઈને ઉતારી પાડવા કે ચડાવી મારવા લખ્યા નથી. એમની અંગત નિસબતથી, પંચેન્દ્રિયથી જેમને જેવા અનુભવ્યા એવા એમને નિરૂપ્યાં છે. આ સાહિત્યકારો માટે સરોવરનું કલ્પન પ્રયોજ્યું છે. તેઓ કહે છે કે, ‘એમનામાં સરોવર પણું તો હતું જ મેં તો એના સગડ શોધવાનો પ્રયત્નમાત્ર કર્યો છે.’ આવા ‘સરોવરના સગડ’માંથી મેં અહીં સગડ વહેંચવાનો પ્રયાસ કર્યો છે.

મીનપિયાસી એટલે ‘કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ’ના કવિ. એમનું પૂરું નામ દિનકારલાલ કેશવલાલ વૈદ્ય. ચૂડાના વત્તની. એમને પત્રલેખન, પક્ષીદર્શન, ખગોળદર્શન, અને રેડિયો સાંભળવાનો ગજબનો શોખ હતો. પત્ર લખવામાં તેઓ બધી જ પેન ને પેન્સિલનો ઉપયોગ કરતા હતાં. કવિ પત્ર લખે અને સામે વળતો પત્ર લખવામાં ઢીલ થાય તો એ ‘‘લાલ શાહીથી તમને રીંગણું, બટકું, ચીભડું કંઈ પણ બનાવી દે’’ (એજન. પૃ.- ૩૯) એવી એમની શક્તિ હતી. રેડિયો પુરી ચોકસાઈથી સાંભળે. ‘સંગીત સરીતા’ તો ખાસ. કોઈ સંગીતકાર ભૂલમાંય નાની અમથી ભૂલ કરી બેસે કે તરત જ ‘આકાશવાણી’ને મીનપિયાસીનો પત્ર પહોંચ્યો જ હોય. આવી એમની નિષ્ઠા હતી. એમને પક્ષીદર્શનનો શોખ પણ આવો જ. તેઓ સ્કૂલ, રોટરી કે મોટી સંસ્થામાં કાવ્યપાઠનાં કાર્યક્રમ કરે અને પુરસ્કાર મેળવીને જીવન નિભાવે. આથી રૂપિયાની એમને સખત્ત જરૂરિયાત. પરંતુ એકવાર સ્કૂલમાં એમનાં કાર્યક્રમ પહેલાં વકૃતત્ત્વ સ્પર્ધા. એમાં એક દીકરી અમીરી અને ગરીબી વિશે વાત કરતાં-કરતાં પોતાના જ ઘરનો બાપ-દીકરી વચ્ચેનો અંગત પ્રસંગ કહ્યો. કવિ પોતાની દીકરી અને આ દીકરી વચ્ચે ભેદ ન કરી શક્યા. અને કાર્યક્રમ પૂરો થાય પછી પુરસ્કારોની મળેલી આખે આખી રકમ પેલી દીકરીને આપી દીધી ! આવા સાચુકલા માણસનો પરિચય સર્જેકે કારાવ્યો છે. મીનપિયાસી ધોરણોના, મૂલ્યોના અને શુદ્ધિના માણસ હતાં. સર્જકના મતે કવિ કેવો હોય એનું પ્રગટ દ્રષ્ટાંત મીનપિયાસી.

સર્જકે ઉમાશંકર જોશી સાથેના સંસ્મરણો-પ્રસંગો દ્વારા એમનું વ્યક્તિચિત્ર ઉપસાવ્યું છે. પરિષદની મધ્યસ્થ સમિતિમાં સર્જકે અને એમના મિત્ર ડંકેશ ઓઝાએ ઉમેદવારી કરી અને ચૂંટાયા પણ ખરાં. ત્યાર પછીના જ્ઞાનસત્ર માટે વક્તાઓ નક્કી કરવાવાળો પ્રસંગ રસપ્રદ છે. એનું આખું વર્ણન શક્ય નથી. પણ એનો સાર એ છે કે નવા ચૂંટાયેલા આ બે સભ્યોનો વિષય અને વક્તા નક્કી કરવા બાબતે સાહિત્યિક વિજય થયો. એમાં એમને ઉમાશંકરભાઈનો સાથ મળ્યો હતો. તેઓ સત્યની સાથે ઊભા રહ્યાં. ને સભા પુરી થયા પછી એમના ખભા ઉપર હાથ મૂકતા બોલ્યાં :‘‘યંગ ટર્ક.’’ (એજન. પૃ.- ૫૦) ઉમાશંકરભાઈ માણસને ચાહનારા. એકવાર તેઓ વડોદરા મોટાં વિદ્વાનને ત્યાં ગયેલાં. બંને વચ્ચે લાંબી જ્ઞાનગોષ્ઠિ થઈ. પછીએ વિદ્વાન એમને મૂકીને સ્નાન કરવા ગયાં. તો તેઓ પુસ્તક જોવા લાગ્યાં. એટલામાં યજમાનનો બહાર ગયેલો પુત્ર આવ્યો. પુસ્તક બાજુ પર મૂકી એની સાથે વાતોએ વળગ્યા. એના વર્તમાન અને ભવિષ્યના ભણતરની ચર્ચા કરી. તેમજ કોઈ મૂંઝવણ હોય તો આગળ પણ ચર્ચા કરવા જણાવ્યું. એમના ગયા પછી પુત્રએ પિતાને કહ્યું : ‘‘તમારા કરતાં તો... તમે રાત દિવસ જેમની ખોદણી કરો છો એ ઉમાશંકર સારા ! એમણે મારી કેટલી બધી ચિંતા કરી.’’ (એજન. પૃ.- ૫૨) તમે કોઈ દિવસ મારા જીવનમાં અંગત રસ લીધો છે. પિતાનો પિત્તો ગયો અને ગુસ્સામાં બોલ્યા : ‘‘એવું કર કાલે સ્ફૂલે જઈ ને તારા નામની પાછળ મારું નામ લાગે છે એ બદલીને ઉમાશંકર લખાવી દે !’’ (એજન. પૃ.- ૫૩) આ પ્રસંગમાં એમની માણસાઈ જોવા મળે છે. સર્જકે એ મોટા વિદ્વાનનું નામ આપ્યું નથી. હાસ્ય- કટાક્ષના પ્રસંગો દ્વારા એમનું વ્યક્તિત્વ અહીં ઊઘડ્યું છે. આ રેખાચિત્રમાં એમની અડગ, પ્રમાણિક અને પારદર્શક તસવીર ઉપસી છે.

રાજેન્દ્ર શાહના રેખાચિત્રમાં એમની સંવેદનશીલતા, આધ્યાત્મિકતા અને કાવ્યપરાયણતાનો પરિચય મળે છે. એમને પોતાને આવેલા એક સ્વપ્નની નોંધ એક કવરમાં કરી હતી. જેમાં મુંબઈના પ્રિન્ટિંગ પ્રેસમાં આગ લાગે છે ને બધું ખાખ થઈ જાય છે. સ્વપ્ન જોયા પછી એમણે જાગીને ‘ચોળી રહું ભભૂતિ’ એ કાવ્ય લખીને સુઈ ગયા. ‘‘સવારે મુંબઈથી અર્જન્ટ તાર આવે છે કે લિપિની સળગી ગયું છે !’’ (એજન. પૃ.- ૫૯) સ્વપ્નમાં જોયું આખું દ્રશ્ય મુંબઈ પહોંચીને જુએ છે. આવી એમની સંવેદનશીલતા હતી. એક વાર એમણે સર્જક અને એમના પત્નીને અંગત અને ખાનગી વાતો કરેલી. ત્યારે સર્જકે એમની આધ્યાત્મિક સાધના વિશે ખાસ તો દેવી એમના હાથે નૈવેદ્ય સ્વીકારે છે. એ વિશે જિજ્ઞાસાથી પૂછ્યું. તો કહે : ‘‘એ બાબત પતિપત્નીના ઉત્કૃષ્ટ મિલન જેવી ગોપનીય હોય છે. એ જાહેર ન થઈ શકે ! પણ તમને કેટલાંક ઈંગિતો આપી શકું.’’ (એજન. પૃ.- ૬૧) ત્યાર પછી તો એમણે ખુલ્લાં મને નિરાંતે વાત કરી. તેઓ પરભાવનું પણ જોઈ શકતા હતા. જાતિસ્મર હતા. તેઓ કહે છે કે,-
‘‘આ મંજું ! પૂર્વભવમાં, હું યોગી હતો ત્યારે મારા આશ્રમે નાનકડી કન્યા રૂપે આવતી. ભક્તિભાવે સેવા કરતી. ફૂલો વગેરે લાવીને એની માળા ગૂંથતી. એ વખતે જે લેણદેણ બાકી રહી ગઈ તે આ ભવે પૂર્ણ કરવાની છે. તમે નહીં માનો ! પણ, આ ભવે જ્યારે ઘોડિયામાં સૂતી હતી ત્યારે મેં એને હીંચકા નાંખ્યા છે. મને નાની ઉંમરથી જ ખબર હતી કે આ તો મારી પૂર્વભવની સખી છે અને આ ભવે મારી પત્ની બનવાની છે ! એ વખતનું નામ પણ બોલેલા. પછી જાણે પુરાવા આપતા હોય એ મંજુબહેનને પૂછ્યું : ‘બોલ સાચું છે કે નહીં ?’ મંજુબહેને હસીને કહ્યું કે - ‘મને તો રજેરજ યાદ છે!’ ’’ (એજન. પૃ.-૬૧) તેમના મતે ‘‘કવિતા હું નથી લખતો. કોઈ અગોચર શક્તિ મારી પાસે લખાવે છે.’’ (એજન.પૃ.-૬૩) રાજેન્દ્ર શાહના આવા અનેક પ્રસંગો, એમની આધ્યાત્મિકતા અને સંવેદનશીલતાનો સાક્ષાત્કાર આ લેખમાં પ્રાપ્ત થાય છે.

મનુભાઈ પંચોળી એટલે એમના મનુદાદા. એમના વિશે નોંધે છે કે,- ‘‘એમના વક્તવ્યમાં શબ્દનો મહિમા, ઇતિહાસનું ગૌરવ, એમણે સંચિત કરેલા વિવિધ વિષયોની રોચક વાતો, સામાન્યમાં સામાન્ય માણસની સંવેદના અને જીવન-સાહિત્યનું વ્યાપક ફલક, બધું એકસાથે ગુંથાતું આવે. ઓહોહો ! થઈ જવાય બોલતા હોય કે લખતા હોય, ભાષણના આરોહ-અવરોહમાં કોઈ ભેદ નહીં. બધું સહજ-સ્વાભાવિક... તમે એમની સાથે મતભેદ પણ પાડી શકો, ચર્ચા-દલીલો બધું જ કરી શકો. એ સાંભળવા જેવું સાંભળી લે, પણ કરે મનનું ધાર્યું. એ અર્થમાં એ મનસ્વી હતા’’ (એજન.પૃ.- ૬૭-૬૮) આ મનસ્વી સર્જક વાર્તા કહે ત્યારે બાળક બની જાય. તેમની એક ખુબી એવી કે, સમય, પ્રસંગ કે વ્યક્તિ-પરિસ્થિતિનો ખ્યાલ રાખ્યા વગર સતત ખંજવાળતા જ હોય. એ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈને મળવા જાય ત્યારે પોતાનું કાર્ય બાજુ પર મૂકીને અમને હાથ પકડીને ચેમ્બરમાં લઈ જતાં. સાચા સાહિત્યકારનું એ વખતે આ સન્માન હતું. અકાદમીએ ઉમાશંકર જોશીને ‘મૂર્ધન્ય સાહિત્યકાર’ તરીકે સન્માન કરવાનું નક્કી કર્યું, ત્યારે તેમણે ના પાડી. કેમ કે, તેમની માંગણી હતી કે ‘અકાદમી સ્વાયત્ત’ હોવી જોઈએ. પછી તો ચીમનભાઈના કહેવાથી ઉમાશંકર વગેરે સાથે પરામર્શ કરીને મનુદાદા અકાદમીના પ્રમુખ બન્યાં. અને બધાના સહકારથી એનું બંધારણ બનાવ્યું. મુખ્યમંત્રીએ એક પણ શબ્દના ફેરફાર વિના શબ્દસહ સ્વીકાર્યું. અને એમણે કહ્યું :
‘‘અમારી તો શું પણ ભવિષ્યની કોઈપણ સરકાર આવે તો પણ અકાદમીના સત્તામંડળ સિવાય કોઈ એમાં ફેરફાર ન કરી શકે એવું મજબૂત, સ્વાયત્ત બંધારણ આપું છું!’’ (એજન.પૃ.- ૬૯)

કર્મઠ, આખાબોલા મનુદાદા આઈ.એ.એસ. ઓફિસરને પણ અયોગ્ય હોય એ મોંઢામોઢ સંભળાવતા હતાં. ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક તરીકેની જવાબદારી સર્જકની સિનિયોરિટીના લીધે એમના જ પ્રયાસો દ્વારા મળેલી. એમણે જ એકવાર લેખકને ‘ત્રણ -ચાર ચોથિયા કાગળ’ શબ્દસુષ્ટિના આવતા અંક માટે આપ્યાં. સંપાદકને (સર્જકને) યોગ્ય ન લાગ્યા એટલે ન છપ્યા. સર્જકે એમને કહ્યું કે, એ લેખ નહોતો. ઊભાઊભ કરેલું ટાંચાણ હતું. ત્યારે એમણે એ કાગળ ભૂંગળું વાળીને ઝભ્ભાના ખિસ્સામાં મુકતા કહ્યું ‘ભાઈ તું પાકો તંત્રી હો !’ સાહિત્ય અને સમાજની નિષ્ઠાપૂર્વક સેવા કરનાર મનુદાદા લોકભારતીના આર્થિક વહીવટમાં કાચા ઠર્યા. ત્યારે સર્જક લખે છે કે,-
‘‘ગાંધીજીને દેશ માટે પસંદગી કરવાની હતી. નહેરુ કે સરદાર ? અને એમણે નહેરુ ઉપર પસંદગી ઉતારી હતી. નાનાભાઈને લોકભારતી માટે પસંદગી કરવાની હતી. મૂળશંકરભાઈ કે મનુભાઈ ? એમણે મનુભાઈ ઉપર પસંદગી ઉતારી. આમાં આ છયે મહાનુભાવોની કે પરિસ્થિતિની તુલનાનો કોઈ પ્રશ્ન નથી. નહેરુને, લોકોએ જીવ્યા ત્યાં સુધી માથે બેસાડ્યા ને હવે એમને ભાંડવાની એક પણ તક જતી કરતા નથી. મનુભાઈને, જીવ્યા ત્યાં સુધી ઊંચા જીવે રાખ્યા ને હવે નથી ત્યારે અનુકૂળતા પ્રમાણે એમનું નામ લેવાની એકેએક તક ઝડપી લેવામાં આવે છે !’’ (એજન.પૃ.- ૭૫) આમ, નહેરુની જેમ મનુદાદાને પણ ઝેર પીવાનો વારો આવ્યો છે. આવી અનેક અજાણી વાતો દ્વારા સર્જકે મનુદાદાનું વ્યક્તિત્વ યાદગાર બનાવ્યું છે.

સર્જેકે યશવંત શુક્લની આચાર્ય નિષ્ઠાને બરાબર ઉપસાવી છે. ઉમાશંકર એમના ખાસ મિત્ર હોવા છતાં એમની ‘પારકા જાણ્યા’ને ‘શ્લથ’ (નબળી-ઢીલી) નવલકથા કહીને ઓળખાવી હતી. સાચને સાચું કહે તે યશવંત શુક્લ. કવિ ઉશનસની સત્કાર ભાવના, કવિત્વશક્તિ અને માનસાઈના ગુણો દ્વારા એમનું વ્યક્તિત્વ અહીં દીપી ઊઠ્યું છે. તો વળી, સર્જકે ભગતસાહેબના બાહ્ય વ્યક્તિત્વ દ્વારા એમનું આંતરિક વ્યક્તિત્વ સરસ ઉપસાવ્યું છે. સર્જક અને એમના મિત્ર જગદીશ વ્યાસે ભગતસાહેબને બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા જોયા એટલે મિત્ર જગદીશે એમને જ્યાં જવું હોય ત્યાં સાયકલ ઉપર લઈ જવાનું કહ્યું ને પછી તો ભગતસાહેબ બગડ્યા. આ એમનું અને સર્જકનું પ્રથમ મિલન. આ ઘટના પછી અનેકવાર એમને મળવાનું થયું. છતાં ક્યારેય એમણે એ ઘટનાને યાદ કરી નથી. આ હતા ભગતસાહેબ. એમની કાર્યનિષ્ઠા પણ અદભૂત. મૂર્ધન્ય સર્જક હોવા છતાં પોતાના લીધે ‘અસ્મિતાપર્વ’નું પુસ્તક મોડું ન પ્રગટે એટલે પ્રિન્ટિંગ પ્રેસમાં આવીને લખવાનું-પ્રુફ જોવાનું પૂરું કરેલું. આ હતી અને વિદ્યાપ્રીતિ. એમને મન કવિતાની પંક્તિનું એક જ વાર પઠન થવું જોઈએ. તેમજ કવિતાના ગાન પ્રત્યે પણ તેમને અણગમો હતો. તેમની આ આચારસંહિતાનું પાલન આદિલ મન્સૂરીએ બરાબર કર્યું છે. ભગતસાહેબ સ્વાયત્તામાં માનનારા હતા. મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે અકાદમી એમનું સન્માન કરવાની હતી ત્યારે એમણે પહેલા અકાદમીની સ્વાયત્તા (બંધારણ) ચકાસી, પછી જ એનું સન્માન સ્વીકાર્યું હતું. ભગતસાહેબની આવી અનેક પ્રમાણિકતા એમના રેખાચિત્રમાં જોઈ શકાય છે.

સર્જક રમણલાલ જોશીની આબેહૂબ મિમિક્રી કરી શકતા હતા. ને એમના મૃત્યુ પછી એમના દીકરાની પ્રબળ ઇચ્છાને, લીધે એમને એકવાર સંભળાવી પણ હતી. તેઓ પરગજુ સ્વભાવના માણસ હતા. કોઈની પણ મદદ કરવા હંમેશા તત્પર જ હોય. છતાં ય એમની મદદ કોઈએ ન કરી. સાહિત્યની કેન્દ્રમાં બેઠેલાં લોકોની આભડછેટને કારણે તેમને સાહિત્ય પરિષદના પ્રમુખ કે અકાદમીના અધ્યક્ષ માટે હંમેશા એક પગથિયાનું છેટું જ રહ્યું. એ વિશે સર્જક લખે છે કે,- ‘‘એમ લાગે છે કે જીવનમાં બધી જ જગ્યાએથી, વહેલું કે મોડું એમને બધું જ સહજક્રમમાં પ્રાપ્ત થઈ શક્યું હોત. પણ સમય કરતાં વહેલું મેળવવાની ઝંખનાએ હંમેશાં એમને માટે એક પગથિયાનું છેટું રાખ્યું તે રાખ્યું જ...’’ (એજન. પૃ.- ૧૧૬) આવા રમણલાલ જોશીનું વ્યક્તિત્વ અહીં પ્રગટ્યું છે.

જયંત કોઠારીની કોશકાર, સંશોધક અને વિવેચક તરીકે નિષ્ઠા, ચશ્મા ઉતારીને ઝીણું કાંતવાની સૂઝ, હસ્તપ્રતોની શોધખોળ માટે જાતે જવાની તૈયારી, ખડખડાટ હસી શકે અને વિવેચક ધર્મ બજાવતાં ભલભલાને રડાવી પણ શકે એવા જયંત કોઠારીને એમના મૂલ્યોને લીધે જ કોશકાર્યમાંથી રાજીનામું આપ્યું હતું. કેટલાંકને એમાં એમની જીદ પણ દેખાઈ હતી. આવા અનેક પ્રસંગોનો સાક્ષાત્કાર સર્જકે કરાવ્યો છે. ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્ય માટે રફ એન્ડ ટફ નામ. એમને સાહિત્યએ ન સાચવ્યાં પણ સાહિત્યના ભાવકોએ સર આંખો પર બેસાડ્યા. પત્રકાર રમેશ તન્નાએ એમની વાર્તાઓ વાંચીને દિવાળી ટાંણે લોહીથી શુભેચ્છા પત્ર પણ લખ્યો હતો. આ હતા ચંદ્રકાંત બક્ષી. પોતાના સાહિત્યને લીધી એમને યશ મળ્યો, ધન મળ્યું અને કોર્ટ કચેરી પણ. એમની આવી અવનવી વાતો સર્જકે ઉજાગર કરી છે. દિલીપ રાણપુરા એટલે સંઘર્ષનો માણસ. નીડર પત્રકાર ને નિત્ય પ્રવાસી. કોંગ્રેસના સારા સમયમાં ધારાસભ્ય કે પ્રધાનપદ તો એમના માટે નાનું ન હતું. પરંતુ એ તરફ ધ્યાન ન આપ્યું. જીવનમાં નિત્ય સંઘર્ષ વેઠીને શિક્ષણ-સાહિત્યની સેવા કરી. તેઓ એકવાર સર્જકને ધારાસભ્ય બનાવવા માટેની આખી ગોઠવણ કરીને આવ્યાં હતાં. પણ સ્વભાવને અનુકૂળ ન હોવાથી એમણે એ વાત ન સ્વીકારી. પોતાની પત્નીનું કેન્સરના કારણે અવસાન થયું તો ક્યારેય કોઈની પાસે કશું ન માગનાર ભગવાન પાસે પત્નીની પીડા (કેન્સર) માગી. આ હતા દિલીપ રાણપુરા.

સર્જકે ભોળાભાઈ પટેલની ગુજરાતી માતૃભાષા પ્રત્યેની પ્રીતિ અને એમના સંબંધો દ્વારા એમનું વ્યક્તિત્વ પ્રગટાવ્યું છે. નવી ઋતુની શરૂઆત હોય કે કોઈ વિશેષ દિવસ હોય સર્જક અને એમની પત્નીએ એમની સાથે એમના જ ઘરે મનાવ્યાં છે. અષાઢ માસમાં અનેક વાર એમની પાસેથી સર્જક દંપતીએ આખું-અડધું ‘મેઘદૂત’ એમના મુખે સાંભળ્યું છે. એમની સાથે અનેકવાર સાહિત્યિક પ્રવાસો કરીને આનંદ પણ પ્રાપ્ત કર્યો છે. તેઓ સાહિત્યિક સંસ્થાઓ સાથે જોડાઈને એમાં નવા પ્રાણ ફૂંકયાં છે. એવા માણસપ્રિય, આનંદપ્રિય, સાહિત્ય-અનુવાદપ્રિય અને પ્રવાસપ્રિય ભોળાભાઈનું વ્યક્તિત્વ અહીં દ્રષ્ટિગોચર થાય છે.

સર્જક અને લાભશંકર ઠાકરનો પ્રથમ પરિચય એમના દવાખાનામાં કવિ તરીકે થયેલો. તેઓ કવિ અને વૈદ્ય હતાં. લાભશંકર જ એમને પ્રથમવાર હેવમોરમાં (કવિમિત્રો જ્યાં મળે છે તે જગ્યા એ) લઈ ગયા હતા. લાભશંકર સાહિત્ય અને સમાજની નિસ્વાર્થ ચિંતા કરનાર સહૃદય માણસ હતા. પરંતુ સર્જકે તેમની નિર્મમતાનો ય પરિચય કરાવ્યો છે. જનક ત્રિવેદી સાથેનો બનાવ અને સર્જકની પ્રથમ પત્ની નિમુબહેનની સારવારનો પ્રસંગ તેનું દ્રષ્ટાંત છે. સર્જક સાથેના બનાવતો એમણે બીજા દિવસે પોતાની ભૂલ સ્વીકારી હતી. સર્જકે સાળીની ભાણી માટે લાભશંકરના ભત્રીજા ગુરુદત્ત વિશે એમની જ પાસે અભિપ્રાય માગ્યો તો કહે,- ‘‘જુઓ,કોઈ માણસ વિશે કાયમી અભિપ્રાય ન આપી શકાય ! તદ્દન નિકટનાં હોય તો પણ નહીં. બંને પક્ષે એકબીજાને ગમે ને મન માને તે પ્રમાણે કરવું. એટલું કહું કે ગુરુદત્ત શાંત સ્વભાવનો છે ને એનું તો નામ જ મેં પાડ્યું છે. જો કે મારા જેવાં કોઈ લક્ષણો ધરાવતો નથી. મારાં મોટાભાઈ જગદીશભાઈ પણ સરળ... છતાં તમને ઠીક લાગે એમ કરો...’’ (એજન. પૃ.- ૧૬૯) પછી તો બંને એક પણ વાર મળ્યાં વગર સીધા લગ્ન મંડપમાં વેવાઈ બન્યાં હતા. આવા લાભશંકરનો પરિચય સર્જકે કરાવ્યો છે.

હાસ્ય લેખક વિનોદ ભટ્ટ માણસને ચાહનારાં હતા. એમના મિત્રોનું લિસ્ટ ખૂબ લાંબુ. એમાં નાનામાં નાનો માણસ ય હોય અને રાજ્યના મુખ્યમંત્રી પણ. પરિષદના કપરાં સમયમાં તેઓ પ્રમુખ બન્યા ત્યારે પોતાના મિત્ર ને મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાસેથી ૫૧ લાખનું દાન લાવ્યાં હતાં. એનો અનેક સભામાં ઉલ્લેખ કર્યો હતો. પરંતુ સર્જકના સમજાવવાથી ફરી ક્યારેય એનો ઉલ્લેખ ન કર્યો. એમ કરીને એમણે વચન નિભાવ્યું હતું. આવા વચનબદ્ધ વિનોદ ભટ્ટને પોતાના વક્તવ્યના વખાણ સાંભળવા ખૂબ ગમતા હતાં. તેઓ કહેતાં,- ‘‘વહાલા ! ધીરે ધીરે બોલો ! કાનને કેટલું સારું લાગે છે !’’ (એજન.પૃ.- ૧૭૩) તેઓ બહાદુર પણ હતા. અકાદમીની સ્વાયત્તતાના પ્રશ્ન બાબતે એક કાર્યક્રમમાં આ જ ખાતાના મંત્રીશ્રી આનંદીબહેનને એમણે સ્પષ્ટ કહેલું,-
‘‘આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આમ તો કોઈનું સાંભળતા નથી. પણ લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ફક્ત તમારું જ સાંભળે છે ! તો ભલાં થઈને તમે એમને બે વેણ ન કહી શકો ? અકાદમી સ્વાયત્ત કરે એવું અમારા વતી કહો ને ! આમેય સરકારને બીજાં કામો ક્યાં ઓછા હોય છે.’’ (એજન.પૃ.- ૧૭૬) આવા સ્પષ્ટ વક્તા અને હાસ્ય લેખકનું વ્યક્તિત્વ અહીં ઉજાગર થયું છે.

ચિનુ મોદી હર્ડો હાર્ડ જીવનારાં માણસ. એમની કવિતાને કારણે સર્જક હાઈસ્કૂલમાં હતા ત્યારથી જ એમના પ્રત્યે લગાવ થયો હતો. આ પ્રેમ છેક સુધી રહ્યો. જીવન નિર્વાહ માટે તેમણે અનેક કામો કર્યા. કોઈ કામ તુચ્છ ગણ્યું નહિ. કોઈપણ વ્યક્તિને ગઝલકાર બનાવી શકે એવી એમનામાં ક્ષમતા. આ અંગે એમની કેટલીક શરતો. પરંતુ મહિલા હોય તો પસંદગીમાં અગ્રતા આપે. આવી એમની શરતો ને માનવતા. તેઓ કર્મઠ પણ હતાં. શબ્દસૃષ્ટિના ‘કવિતા અને હું’ વિશેષાંક માટે એમણે છેલ્લી ઘડીએ હોટલના ટેબલ પર બેસીને એકી શ્વાસે લેખ લખી આપ્યો હતો. આ એમની એકાગ્રતા હતી. ચીનુભાઈ ક્યારેક ન સમજાય એવું પણ કરી બેસતા હતા. એકવાર આઈ.એન.ટી.વાળા દામુ ઝવેરીનો મુંબઈમાં મુશાયરા માટે સર્જક પર ફોન આવ્યો. એમનો ખૂબ આગ્રહ. તેઓ ગયા. પરંતુ મોડા પહોંચ્યા. મુશાયરો શરૂ થઈ ગયો હતો. આ બાજુ પહેલો ‘શયદા એવોર્ડ’ સંજુ વાળાને ત્યાં જ જાહેર થયો ને અર્પણ પણ. સર્જકને જોઈને દામુભાઈને ખૂબ દુઃખ થયું. તેમણે કહ્યું, ‘શયદા એવોર્ડ’ના નિર્ણાયકો ચીનુભાઈ અને બીજાઓએ આ એવોર્ડ તમને આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. અને એ અમારું સરપ્રાઈઝ હતું. પરંતુ આજે સવારે ચિનુભાઈનો ફોન આવ્યો કે તમે નથી આવવાના. એટલે અમે તાબડતોબ નિર્ણય બદલો અને આ એવોર્ડ સંજુ વાળાને આપ્યો. આ આખી ઘટના સર્જક માટે એક સ્વપ્ન સમાન બની રહી. એનું કારણ આજ સુધી એમને સમજાયું નથી. આવા અનેક અવનવા પ્રસંગો દ્વારા સર્જકે ચિનુ મોદીના અજાણ્યાં વ્યક્તિત્વને ઉજાગર કર્યું છે.

સર્જકે મફતભાઈમાં રહેલા સેવા, સમર્પણ અને ખેલદિલીના ગુણોનો પરિચય કરાવ્યો છે. એમ.એસ.માં અધ્યાપક તરીકે પસંદગી પામ્યા, એટલે વડોદરા ગયા. ત્યાં એમને ચંચીદાદાનો નિકટવર્તી અને આત્મીય અનુભવ થયો. ચંચીદાદાની માંદગીમાં પેટનો જણ્યો પણ ન કરે એવી સેવા કરી. આ ઉપરાંત અમદાવાદમાં રહેતા એટલે ગામના લોકોને દવાખાને લાવે અને એમની પણ કાળજીપૂર્વક સેવા પણ કરે. તેમનામાં સમર્પણનો ગુણ એવો કે આજીવન ગુરુ રમણલાલ જોષીને સમર્પિત રહ્યાં. મુખ્યમંત્રી ચીમનભાઈની બાબતમાં પણ આવું જ. એમના પ્રતાપે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય પણ થયા હતા. એમણે કેટલાય લોકોનો ઉદ્ધાર કર્યો હતો. એમના કાર્યની નોંધ લેતા સર્જક નોંધે છે,-
‘‘બીજાઓને સાથે રાખીને, કેટલાક નિર્ણયો, નીતિઓ બદલવામાં યોગદાન આપેલું એટલું જ નહીં, ખરી મહેનત-આવડતને અન્યાય ન પહોંચે અને નીચેના વર્ગના વિદ્યાર્થીઓ આગળ આવે એની ‘વિશેષ’ કાળજી એમણે લીધેલી’’ (પૃ ૧૯૯) આ પ્રકારે એમની સમર્પણ અને ખેલદિલીની ભાવના હતી. કોઈકના કહેવાથી જ એમણે ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક તરીકે સર્જકના નામનો વિરોધ કર્યો હતો. ને પાછળથી એનો નિખાલસ ભાવે એકરાર પણ કર્યો હતો. સર્જકે ‘શબ્દસૃષ્ટિ’ના વિશેષાંક ‘તપસીલ’ માટે તીખા સવાલો કર્યા હતા. એના એમણે સહેજ પણ અકળાયા વિના, પોતાની નિર્ભય અદા સાથે પ્રામાણિકતાથી જવાબો આપ્યાં હતા. યુનિવર્સિટીના અભ્યાસક્રમ વિશેના એમના જવાબો ત્યારે ય અને આજે ય એટલા જ સાચા હતા ને છે. આવા મફતભાઈનું વ્યક્તિચિત્ર અહીં પ્રગટયું છે.

બાપુભાઈ ગઢવી ગરીબી અને આર્થિક સંકડામણો વચ્ચે ખુમારીપૂર્વક જીવન જીવ્યાં. તેઓ એવું માનતા કે વર્ષમાં બે-ચાર સારી ગઝલો લખું છું. એટલે મને પાળવાપોષવાની જવાબદારી સાહિત્ય સમાજની છે. તેઓ અવનવી તરકીબો લઈને સાહિત્યકારો પાસે આવતા અને તેમને બને એટલી મદદ કરતા એની અનેક વાતો સર્જકે કરી છે. પાંચ ચોપડી ભણેલા છતા છંદ, લય અને જોડણીના પાક્કા. ભલભલાની ભૂલો કાઢે. અમદાવાદ જઈને તો પ્રુફ વાંચન પણ શીખ્યા હતાં. લેખકે કવિમિત્રનું રેખાચિત્ર હૃદયની કલમે વિકસાવ્યું છે. એમાં હૃદયના ભાવો સંભળાય છે. રોહિત કોઠારીએ પિતાના ગુણ (જરા જુદી રીતે) યથાતથ પોતાનામાં ઉતાર્યા છે. પિતા જયંત કોઠારી સંશોધનમાં તો પોતે પ્રુફના બેતાજ બાદશાહ. એમણે અનેક પુસ્તકોનું નિર્માણ પોતાનું પુસ્તક હોય એવી રીતે, આત્મીયતાથી કર્યું છે.

જગદીશ વ્યાસ સર્જકના બાળપણના મિત્ર. કવિતા-છંદમાં સર્જકે એમને રસ લેતા કર્યાં ને પછી ઉત્તમ કાવ્યો આપ્યાં. પિતા રેલવેમાં નોકરી કરે એનો લાભ આ બંને મિત્રોએ સર્જકોને મળવા જવા માટે ભરપૂર લીધો છે. એમના સ્વભાવમાં સાહસ અને પ્રેમ ગજબનો. ક્યારે શું કરે એ કોઈને (ખુદને) ખબર નહીં. નિરંજન ભગતને સાયકલ ઉપર બેસવા માટે કહી શકે, લાભશંકર ઠાકરના સિગરેટના પાકીટમાંથી ચૂપકીથી (ચોરીથી) સિગરેટ પણ કાઢી શકે, વાંચવાના હેતુથી લાઈબ્રેરીમાંથી શર્ટમાં સંતાડીને પુસ્તકો પણ લાવી શકે અને પત્નીના આનંદ માટે પતિ-પત્ની બંને અધ્યાપકની નોકરી છોડીને અમેરિકા પણ જઈ શકે, આવા અનેક સાહસો એમણે કર્યા છે. બંને મિત્રોએ ફિલ્મ જોવા માટે પણ સાહસપૂર્ણ યુક્તિ શોધી કાઢેલી. જુઓ,-
‘‘છથી નવના શોની એક ટિકિટ લે. ઘરેથી સાડા પાંચે નીકળી જાય. સાડા સાતે ઇન્ટરવલ પડે એટલે એ બહાર આવે ને પીળો પાસ મને આપી દે. હું ફિલ્મનો બાકીનો ભાગ જોઉં. અને એને ઘેર જતો રહે. બીજા દિવસે મારી ટિકિટ લેવાની. આરંભનો, એટલે કે ઇન્ટરવલ સુધીનો ભાગ જોઉં. સાડા સાતે એ હાજર હોય. પાસ લઈને અંદર જાય. બે દિવસે અમારી એક ફિલ્મ પૂરી થાય ને ઘેર કોઈને વહેમ પણ ન જાય !’’ (એજન.પૃ.- ૨૨૭) સાહસ અને પ્રેમથી ભરપૂર જીવન જીવનાર જગદીશ વ્યાસ અંતિમ સમયમાં કેન્સર હોવા છતાં એ જ આનંદ ને ઉત્સાહથી જીવ્યાં.

‘સરોવરના સગડ’ પુસ્તકમાં સર્જકે ૧૯ પૂર્વસૂરિઓ-મિત્રોના જીવનની પરિક્રમા કરાવી છે. આ ઉપરાંત ગ્રંથમાંથી રઘુવીર ચૌધરી અને સર્જક પોતે (હર્ષદ ત્રિવેદી)નું રેખાચિત્ર પણ આ બધામાંથી પ્રગટે છે. રઘુવીરભાઈનું આખું વ્યક્તિત્વ નહીં પરંતુ એમની રઘુવીરીય શૈલીનો પરિચય થાય છે.

ઉમાશંકર જોશીના રેખાચિત્રનો પ્રસંગઃ એક વાર સર્જક અને એમના મિત્રપરિષદની ચુંટણીમાં ઝંપલાવે છે. ત્યારે રઘુવીરભાઈ સર્જકને પૂછે છેઃ
‘‘તારાં પત્ની પરિષદના આજીવન સભ્ય છે?’
‘ના...’
‘તો તો તને, તારો પોતાનો એક જ મત મળશે અને તે પણ, રદ નહીં થાય
તો!’’ (એજન.પૃ.- ૪૮) રઘુવીરભાઈની કટાક્ષયુક્ત વાણીના દર્શન થાય છે.

મફત ઓઝાના રેખાચિત્રનો પ્રસંગઃ એકવાર મફત ઓઝા અને માધવ રામાનુજ એચ.કે.કૉલેજના દરવાજે ઊભા હતા. એટલામાં રઘુવીર ચૌધરી આવ્યા. માધવ રામાનુજ વિશે એમને વિશેષ કોમળભાવ એટલે કહે,-
‘‘ ‘માધવ! તમે મફતભાઈની સાથે ઊભાં તો છો, પણ ધ્યાન રાખજો! ‘
માધવ બોલ્યાઃ ‘હું એમની નબળાઈઓ જાણું છું! એટલે વાંધો નહીં આવે.’
તુલા રાશિનો સ્વભાવ પ્રગટ કરતાં માર્મિકતાના મહારથી નીચેનો હોઠ સહેજ અંદર લઈ જઈને કહે કે-પ્રશ્ન એમની નબળાઈઓનો નથી, શક્તિઓનો છે!’ ’’(એજન.પૃ-૧૯૪)

આ બંને પ્રસંગોમાં ગુરુવર્ય રઘુવીર ચૌધરીની કટાક્ષ શૈલી-ગુણનો પરિચય થાય છે. સર્જક રઘુવીર ચૌધરીને ગુરુમાને છે. આથી એમનો ગુરુભાવ કેટલીક જગ્યાએ ઉજાગર થયો છે. જુઓ,- ‘અજાનબાહુ’ (એજન.પૃ- ૧૪૦) ‘મહામહિમ રઘુવીર’ (એજન.પૃ- ૧૯૩) ‘બાપુપુરાનરેશ’ (એજન.પૃ- ૨૦૬) વગેરે જેવા શબ્દોમાં બંનેનું ઐચિત્ય જળવાયું છે. આમ, રઘુવીર ચૌધરીનું વ્યક્તિત્વ અહીં પ્રગટયુ છે.

સર્જકે દરેક રેખાચિત્રમાં જે-તે સર્જકની, એમના વ્યક્તિત્વની અને એમની સાથેના પ્રસંગો નિરૂપાયાં છે. એમાંથી સર્જક હર્ષદ ત્રિવેદીનું વ્યક્તિત્વ પણ અહીં ઉપસ્યું છે. ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોળી, યશવંત શુક્લ, નિરંજન ભગત, જયંત કોઠારી, ચંદ્રકાંત બક્ષી, દિલીપ રાણપુરા, ભોળાભાઈ પટેલ, લાભશંકર ઠાકર, વિનોદ ભટ્ટ, ચિનુ મોદી, મફત ઓઝા, બાપુભાઈ ગઢવી, રોહિત કોઠારી અને જગદીશ વ્યાસ જેવા મિત્રોના પ્રસંગોમાંથી એમના વ્યક્તિત્વનો એક આલેખ મળે છે. બાપુભાઈ ગઢવી અને જગદીશ વ્યાસના લેખમાં બાળપણ અને એમના સાહસ નિરૂપાયાં છે. ઉમાશંકરના લેખમાં સાહિત્ય-પરિષદમાં મંગલ પ્રવેશ, જયંત કોઠારીના લેખમાં સાહિત્યકોશ કાર્યાલયમાં નિમણૂંક, મનુભાઈ પંચોળીમાં અકાદમી અને શબ્દસૃષ્ટિનો કાર્યભાર, દિલીપ રાણપુરાના લેખમાં ધારાસભ્ય બનવાનો સહર્ષ અસ્વીકાર, લાભશંકર ઠાકરના લેખમાં પ્રથમ પત્ની માટે સર્જક સાથે સર્જકનો સંઘર્ષ વગેરે પ્રસંગો દ્વારા એમનું રેખાચિત્ર આકાર પામે છે.

લેખકે કેટલાંક સર્જકોના બાહ્ય વ્યક્તિત્વનું સુંદર આલેખન કર્યું છે. જેમાં મીનપિયાસી, દર્શક, યશવંત શુક્લ, ચંદ્રકાંત બક્ષી, ભોળાભાઈ પટેલ, ચિનુ મોદી, વિનોદ ભટ્ટ, બાપુભાઈ ગઢવીનો સમાવેશ થાય છે. એમના બાહ્ય વ્યક્તિત્વમાંથી એમનું આંતરિક વ્યક્તિત્વ ઉપસી આવે છે. જે લેખકની નિરૂપણ શક્તિનો પરિચય કરાવે છે.

આ ગ્રંથના કેટલાંક રેખાચિત્રોમાં હાસ્યનો અનુભવ થાય છે. આપણે રઘુવીર ચૌધરીની વાણીમાં હાસ્ય- કટાક્ષનો અનુભવ કર્યો. પરંતુ અન્ય પ્રસંગોમાં નર્યું હાસ્ય પ્રગટે છે. જુઓ,- મનુદાદા એકવાર લેખકના ઘરે જમવા ગયા ત્યારે લેખકના સાસુ કમળાબા અને મનુદાદા વચ્ચેનો આ સંવાદ,-
‘‘બાએ કહ્યું : ‘તમારી તો એકેએક ચોપડી વાંચી છે ને !’
દાદાએ પૂછ્યું : ‘કાંઈ વાંચો છો ખરાં ?’
બાએ કહ્યું : ‘હા મજામાં. રામ રાખે એમ રહેવું !’
દાદાએ પૂછ્યું : ‘કેટલાં વરસ થયાં ?’
બાએ કહ્યું : ‘હમણાં થોડાક દિ’ આંય આવી છું ! બિન્દુને હારું લાગે એટ્લ્યે...’
પછી હળવેથી કહે કે- ‘મને ઓછું સંભળાય છે !’ એમનો હાથ કાન ઉપર ગયો.
દાદાએ પોતાના કાન ઉપર હાથ મુકીને કહ્યું : ‘તાણીને બોલો ! મને ય ઓછું જ
સંભળાય છે !’ ’’ (એજન. પૃ.- ૭૧)

બંને ઓછું સાંભળે છે. આથી એમની વાતોમાંથી હાસ્ય પ્રગટે છે. બાપુભાઈ ગઢવીના રેખાચિત્રનો એક પ્રસંગ : એક ઉનાળાની રાતે લેખકની જીવરાજ પાર્કની રૂમે જગદીશ વ્યાસ, હરેશ ધોબી, દિલીપ વ્યાસ, બાપુભાઈ ગઢવી અને લેખક પોતે સૂતાં હતાં. ત્યારે મચ્છરોનો ત્રાસ ખૂબ હતો. ત્યારે જગદીશ વ્યાસ બાપુભાઈને પ્રશ્ન પૂછે છે. અને બાપુભાઈ પોતાની તળપદીમાં જવાબ આપે છે. જે હાસ્ય પ્રેરે છે. જુઓ,-
‘‘હેં બાપુભાઈ ! આ મચ્છરો કાન પાસે આવીને જ કેમ ગણગણ કરતાં હશે ?’
બાબુભાઈએ હાથમાંની ત્રીસ નંબરની બીડીને રમાડતાં રમાડતાં એમની તળપદી તમતમાવી. એમણે વાપરેલો એક શબ્દ બદલીને કહું તો - ‘ઈ પૂંઠેય ગણગણે પણ ન્યાં હાંભળે કુણ ? તારી મા ?’ ’’(એજન.પૃ.- ૨૦૪)

આ જ રેખાચિત્રમાં બાપુભાઈ ગઢવી અને લાભશંકર ઠાકર વચ્ચેનો આ સંવાદ પણ નર્યું હાસ્ય પ્રગટાવે છે. જુઓ,-
‘‘ ‘તમે કવિ સાચા પણ વૈદ્ય નહીં !’
લા.ઠા.ની કમાન હજી તંગ થઈ નથી. એ સમજાયું એટલે બાપુભાઈએ બીજું તીર છોડ્યું :
‘તમે પગની કપાસી મટાડવા માટે પાણી સાથે નળિયું ઘસવાનો પ્રયોગ લખ્યો છે પણ ઈ હાવ ખોટો છે... મેં ઘસ્યું તો મટવાને બદલે વધારે વકર્યું !’
લા.ઠા.ને અસલ મૂડમાં લાવવામાં એ સફળ થઈ ગયા ! ઠાકરસાહેબ અવાજ ઊંચો કર્યા વિના, એકેએક શબ્દ છુટ્ટો પાડીને બોલ્યા :
‘ઘસવું જોઈએ ત્યાં નહીં ઘસ્યું હોય ! નક્કી કોઈ સુંવાળી જગ્યાએ ઘસ્યું હશે... પછી તો વકરે જ ને ?’ ’’ (એજન.પૃ.- ૨૦૫) આવા અનેક પ્રસંગો દ્વારા સર્જકે ભાવકને રેખાચિત્રોની સાથે હાસ્યનો આનંદ પણ કરાવ્યો છે.

આ ગ્રંથના કેટલાંક રેખાચિત્રોની વિશેષતા એ છે કે, લેખક જે-તે સર્જકનો પરિચય કે એમની વાત કરતાં હોય એમાંથી બીજા સર્જકનો પરિચય પણ મળે છે. લેખક લાભશંકર ઠાકરનો પરિચય આપતાં જે લખે છે એમાં સિતાંશુ યશશ્ચન્દ્રનો પરિચય મળી રહે છે. જુઓ,- ‘‘કેટલાક લોકો લાભશંકર ઠાકર અને સિતાંશુ યશશ્ચન્દ્રનું નામ સાથે લે છે. પરંતુ, વ્યાપ્તિદોષ વહોરીને ય કહીએ કે- એ બનંમાં એક વિલક્ષણ તફાવત છે. સિતાંશુ કવિતા કરવાનું જ ધારે છે અને એમનાથી ક્યારેક લીલા થઈ જાય છે. જ્યારે લાભશંકર લીલા અને માત્ર લીલા કરવાનું જ ધારે છે ને એમનાથી કવિતા થઈ જાય છે. એકનાં લક્ષલાભ પહેલેથી નક્કી હોય છે. જ્યારે બીજા કિસ્સામાં કશુંક થાય અથવા ન પણ થાય!’’ (એજન.પૃ.- ૧૬૨) અહીં બંનેના ગુણદોષનો ખ્યાલ આવે છે.

આ ઉપરાંત મફત ઓઝાના રેખાચિત્રમાં પણ આવો એક પ્રસંગ છે. લેખક અને એમના મિત્ર જગદીશ વ્યાસે કવિતાનું ‘સંક્રમિત’ નામે નવું સામયિક શરૂ કરેલું. એના પ્રથમ અંકમાં નવા અને નામાંકિત કવિઓની કવિતા પ્રગટ થઈ હતી. ત્યારે મણિલાલ હ. પટેલ અને મફત ઓઝાએ પત્ર દ્વારા પ્રતિભાવ આપ્યો હતો. એમાં આ બંનેની લાક્ષણિકતાનો ખ્યાલ આવે છે. જુઓ,-
‘‘સૌથી પહેલો પત્ર આવ્યો તે ઈડરિયાગઢથી મણિલાલ હ. પટેલનો. પહેલાં તો સામયિકના સંપાદન તથા છાપકામના વખાણ કર્યાં ને પછી લખ્યું હતું કે- ‘મફત ઓઝા જેવા સાહિત્યકારોથી આ સામયિકને બચાવજો!’ બીજો પત્ર આવ્યો તે મફતભાઈનો હતો. પહેલું જ લખ્યું હતુઃ ‘મણિલાલ જેવા કૃત્રિમ કવિઓથી છેટા રહેજો!’ ’’ (એજન.પૃ.- ૧૯૧) આમ, આ રેખાચિત્રોમાં એકની સાથે બીજા સર્જક વિશેષતાનો પણ ખ્યાલ મળી રહે છે.

લેખકે આ ગ્રંથમાં ૧૯ સર્જકોના રેખાચિત્રો વિશેષ શીર્ષક તળે આપ્યાં છે. આ શીર્ષકો કાવ્યાત્મક અને એમના વ્યક્તિત્વની સમગ્ર ઓળખ ઊભી કરે એવા છે. જુઓ,- ‘મીનપિયાસી : અલબેલો અલગારી! ‘, ‘ઉમાશંકર જોશી : ગૂર્જર ભારતવાસી’, ‘રાજેન્દ્ર શાહ : કુસુમ કેરી ગંધ...’, ‘મનુભાઈ પંચોળી ‘દર્શક’ : ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘યશવંત શુક્લ : આચાર્યકુળનું ઉન્નતશૃંગ!’, ‘ઉશનસ્ : નખશિખ સજ્જન’, ‘નિરંજન ભગત : સ્વાયત્તતાનો બીજમંત્ર!’, ‘રમણલાલ જોશી : એક પગથિયાનું છેટું...’, ‘જયંત કોઠારી : સંકલ્પમાં બાંધછોડ નહીં!’, ‘ચંદ્રકાંત બક્ષી : ગુજરાતી સાહિત્યનું એક રફ એન્ડ ટફ નામ!’, ‘દિલીપ રાણપુરા : મોંમેળાના માણસ’, ‘ભોળાભાઈ પટેલ : એક ભૂલો પડેલો યક્ષ’, ‘લાભશંકર ઠાકર : ડિસન્ટ, ડિસન્ટ એન્ડ ડિસન્ટ!’, ‘વિનોદ ભટ્ટ : દંતકથાનો નાયક’, ‘ચિનુ મોદી : ગમે તે કરે પણ રોમરોમ જીવે!’, ‘મફતભાઈ ઓઝા : ઘૂઘવતા સાગરનું મૌન!’, ‘બાપુભાઈ ગઢવી : છાતી ટૂંકી પણ, હામ જરા મોટી!’, ‘રોહિત કોઠારી : એક ઠાવકો માણસ’, ‘જગદીશ વ્યાસ : એક વાવાઝોડું’. આમ, રેખાચિત્રના શીર્ષકો એ લેખકની સર્જકશક્તિના પરિણામ બની રહે છે.

આ રેખાચિત્રોની ભાષા સર્જકતાથી ભરપૂર છે. ક્યાંક કાવ્યાત્મક તો ક્યાંક સૌંદર્યતાનો અનુભવ કરાવે છે. તો વળી, ક્યારેક એક જ વાક્યમાં સર્જકના પુરા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. જુઓ,-
‘‘એ સમયે પરિષદમાં જેટલા પેન્ટશર્ટ એટલાં જ, એકબીજાના શુભ્રતા સામે સ્પર્ધા કરે એવા ધોતીઝભ્ભા પણ હતાં!’’ (એજન.પૃ.- ૪૯)
‘‘યશવંતભાઈ વિનાની સભાને પણ જ્ઞાનીપુરુષો સભા નહોતા કહેતા!’’ (એજન.પૃ.- ૭૯)
‘‘જેમની જીભ પર સાક્ષાત્ સરસ્વતી નર્તન કરતી રહેતી એ યશવંતભાઈને એકાદબે શબ્દો બોલવાનાં ય ફાંફાં હતાં.’’ (એજન.પૃ.- ૮૫)
‘‘ઘરના અસબાબ સાથે ઉશનસનું આ રીતે આડા પડવું બરાબર મેળ ખાતું હતું. દ્રશ્યનો એટલો ચોરસ ટુકડો અલગ કરીને જોઈએ તો ફ્રેઈમ વિનાનું કોઈ પેઈન્ટિંગ જોતાં હોઈએ એવું લાગે.’’ (એજન.પૃ.- ૮૭)
‘‘બ્રિટીશ અનુશાસનની જીવતીજાગતી પ્રતિમા એટલે નિરંજન ભગત.’’ (એજન.પૃ.- ૯૭)
‘‘અમર (ભટ્ટ) એક એવો વીરલો છે કે જેણે કદી કવિના શબ્દને દબાવા દીધો નથી, બલ્કે કવિના શબ્દને વધારે દેદિપ્યમાન અને લવચીક કર્યો છે.’’ (એજન.પૃ.- ૧૦૧)
‘‘રઘુવીરભાઈના સાહિત્યિક તારણો સાચાં હોય છે.’’ (એજન.પૃ.- ૧૦૨)
‘‘જોશીસાહેબ એટલે જોશીસાહેબ. પોદળામાંથી છાણું ક્યારે થાપવું એની એમને પાક્કી જાણ.’’ (જોશીસાહેબ એટલે રમણલાલ જોશી, એજન.પૃ.- ૧૧૧)
‘‘ગુજરાતી સાહિત્યનું એક માત્ર રફ એન્ડ ટફ નામ એટલે ચંદ્રકાંત બક્ષી.’’ (એજન.પૃ.- ૧૨૯)
‘‘ચિનુભાઈ એટલે ગઝલની હરતીફરતી યુનિવર્સિટી.’’ (એજન.પૃ.- ૧૮૩)
‘‘કોલાહલ કરવા કરતાં સાચા શબ્દને સંક્રમિત કરવું એ વધુ સારું ગણાય.’’ (એજન.પૃ.- ૧૯૧)
‘‘જગદીશ એટલે વાવાઝોડું. એના પગમાં અને મગજમાં વંટોળ જ વંટોળ.’’ (એજન.પૃ.- ૨૩૧)

આ ગ્રંથની આટલી વિશેષતા જોયા પછી એમાં કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. સર્જકે ઉમાંશકર જોશી, મફત ઓઝા જેવાના રેખાચિત્રોમાં કેટલાક વ્યક્તિઓના નામ આપ્યાં નથી. તો વળી કેટલાંક પ્રસંગોમાં ‘ઘટનાઓ જાણીતી છે એટલે, અહીં એનું વર્ણન નથી કરતો.’ (એજન.પૃ.- ૫૪) એમ કહીને સર્જક પ્રસંગનું વર્ણન કરતાં નથી. એમની વાત સાચી કે સાહિત્યની ઘટનાઓ જાણીતી છે, પણ એમના સમકાલીન અને પુરોગામીઓ માટે. અમારા જેવા નવી પેઢીના ભાવકો, સાહિત્ય રસિકો માટે નહીં. આથી એમણે નામોલ્લેખ અને આવી ઘટનાઓનું વર્ણન કરવું જોઈતું હતું. આ ઉપરાંત એમણે નિરંજન ભગત અને જગદીશ જોશી બંનેના રેખાચિત્રોમાં ‘સાયકલવાળો પ્રસંગ’ પુનરિક્તિના દોષ સાથે પ્રયોજ્યો છે. આ રેખાચિત્રો ‘કુમાર’માં દર મહિને પ્રગટ થતાં હતાં, ત્યારે એમાં પુનરક્તિનો દોષ નથી. કેમ કે એ સ્વતંત્ર રેખાચિત્ર તરીકે પ્રગટ થતાં હતાં. પરંતુ એ જ જ્યારે ‘સરોવરના સગડ’માં ગ્રંથ રૂપે આવે છે, તો એમાંથી પુનરિક્તિનો દોષ ટાળી શક્યા હોત. આવી નગણ્ય મર્યાદાઓ સામે વિશેષતાઓ બળવાન છે.

આમ, સમગ્ર રીતે જોઈએ તો ગ્રંથના રેખાચિત્રો ઓગણીસ દિવંગત સર્જકોના જીવનની અવનવી ઘટનાઓ ઉપર પ્રકાશ પાડે છે. જે આજના નવયુવાન અભ્યાસી- ભાવક માટે આશ્ચર્ય અને આનંદ પમાડે તેવા છે. લેખકે આ ઓગણીસ સર્જકોના હૃદય સમાં સરોવરમાંથી સગડ મેળવીને અહીં મૂકી આપ્યાં છે. મેં આ સગડમાંથી બિંદુઓ વહેંચવાનો પ્રયત્ન કર્યો છે. આ બિંદુઓ વાંચીને સહૃદય ભાવક ‘સરોવરના સગડ’ પાસે જશે તો મારો આ પુરુષાર્થ સાર્થક થયેલો ગણાશે.

સંદર્ભ-

  1. સરોવરના સગડ-હર્ષદ ત્રિવેદી, ડિવાઈન પબ્લિકેશન્સ અમદાવાદ, પ્ર.આ.-૨૦૧૮


ડૉ. જિજ્ઞેશ ઠક્કર, ગુજરાતી વિભાગ, એમ.એન.કૉલેજ,વિસનગર મો.-9824299594 ઇમેલ- jigthak88@gmail.com