Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
આધુનિક સંદર્ભે માનવચિત્તની આરસી પ્રગટાવતું નાટક: ‘યયાતિ’

विषयेन्द्रियसंयोगाघत्तदग्रेडमृतोपमम् ।
परिणामे विषमिव तत्सुखं राजसं स्मॄतम् ॥ [1]

“જે સુખ ઇન્દ્રિયો અને તેમના વિષયોના સંયોગથી ઉત્પન્ન થાય છે, જે શરૂઆતમાં અમૃત જેવું લાગે પણ અંતે વિષ જેવું છે, તે રાજસ સુખ.”

પુરાકથાને નિત્ય નવા યુગે નવો સંદર્ભ લઈ પ્રત્યેક યુગના માનવીની માનસ પ્રતિભાને ચિતરે છે. ગિરીશ કારનાડે આ મિથનો વિનિયોગ કરી પુરાણમાંથી કથાઘટક લઈ આજના માનવીને પ્રતિબિંબિત કર્યો છે. એમણે મહાભારતના આદિપર્વ અન્તર્ગ સભાવપર્વમાં આવતા યયાતિના આખ્યાનને નાટક સ્વરૂપે સાંપ્રત માનવીય જીવનમાં રજૂ કર્યું છે. મહાભારતની કથાના આધાર સાથે નાટકમાં આધુનિક માનવીય માનસિક વલણોને રજૂ કર્યાં છે. યયાતિના પૌરાણિક ચરિત્રને અનેક સર્જકોએ આધુનિક પરિપાટીએ સર્જી સાંપ્રત સમયને પ્રતિબિંબિત કર્યો છે. આ અંગે મરાઠી સાહિત્યકાર વિ.સ.ખાંડેકરે, આ જ કથાઘટકના આધાર પર લખેલી નવલકથા ‘યયાતિ’ની પ્રસ્તાવનામાં નોંધે છે:
“ઉપાખ્યાનના પાત્રો મોટે ભાગે જનતાના મનમાં પેઢી દર પેઢી પૂજાતાં દેવતા નથી. મહાકવિઓએ આદર્શ તરીકે એ દોર્યા પણ હોતાં નથી. આ પ્રજ્ઞાવંત પ્રતિભાશાળી મોટેરાઓને જે શીખવવું હોય છે, લોકોને તેઓ જે કહેવા માગતા હોય છે, તેમાં ઉપિયોગી થાય એ રીતે આ પત્રોના અભાવો ચીતર્યા હોય છે. એમાં અતિ બારીકાઈથી કે સૂક્ષ્મ પણું નથી હોતું. આ કારણે પૌરાણિક કથાઓને આધારે કલાકૃતિ સર્જવા પણે લલિત-લેખક આવાં ઉપાખ્યાનોમાં પોતાને અનુકૂળ લગતા ફેરફારો કરી શકે છે.”[2]

મહાભારતના ‘યયાત્યુપાખ્યાન’ને કેન્દ્રમાં રાખી કૃષ્ણાજી ખાડિલકરનું ‘વિદ્યાહરણ’ નાટક, વીરુ પુરોહિતનું ‘પુરુ અને પૌષ્ટી’ નાટક, નંદકિશોર આચાર્યનું ‘દેહાંતર’ નાટક, કવિ કાન્તનું અધૂરું ખંડ કાવ્ય ‘દેવયાની’, ખાંડેકરની ‘યયાતિ’ નવલકથા તેમજ કારનાડ પાસેથી ‘યયાતિ’ નાટક મળે છે.

ગિરીશ કારનાડે માત્ર ૨૩ વર્ષની નાની વયે ‘યયાતિ’ નાટક ૧૯૬૧માં આપ્યું. આ અંગે કારનાડ કહે છે –
"ખબર નહીં, શાથી, પણ ૧૯૫૫ના ગાળામાં એક દિવસ રાજાજીએ લખેલ ‘મહાભારત’નાં વિચક્ષણ ચરિત્રોના અંગ્રેજીમાં લખાયેલ સંવાદો, એકાએક મારી કન્નડ ભાષામાં પલટાઈને મારા સ્મૃતિપટ પર પડઘાઈ ઊઠ્યા! કન્નડમાં રૂપાંતરિત થયેલો તેનો એક એક શબ્દ મારા અણુએ અણુમાં ઘોળાઈ ગયો".[3]

ગિરીશ કારનાડને શ્રદ્ધાંજલી આપતા ભરત દવે ‘યયાતિ’ નાટક વિશે નોંધે છે –
“1961માં 23 વર્ષની ઉમરે કર્નાડે ‘યયાતિ’ નામે નાટક લખ્યું. ‘યયાતિ’ નાટક પાંડવોના પૂર્વજ યયાતિ નામે એક રાજાની કથા પર આધારિત હતું. શાપને કારણે અકાળે વૃદ્ધાવસ્થા પામેલા રાજા અત્યંત વ્યથિત સ્વરે તેના પુત્રો પાસે તેમની જુવાની આપવા વિનવણી કરે છે અને જવાબમાં એક પુત્ર પોતાની જુવાનીનો ભાગ આપી પિતાને શાપમાં મળેલી વૃદ્ધાવસ્થા જાતે ઓઢી લે છે. નાટકમાં મહાભારતના આ પાત્રો દ્વારા લેખકે માનવજીવનની નબળાઈઓ તેમજ વક્રતાઓની વેધકપણે હાંસી ઊડાવે છે. ‘યયાતિ’ને તરત જ અસાધારણ સફળતા મળી અને દેશભરના નાટ્યકલાકારોએ પોતપોતાની ભાષામાં તેનો અનુવાદ કરી તેની ભજવણી પણ કરી.” [4]

આ નાટકનું વશિષ્ઠ ઉપાધ્યાયના દિગ્દર્શન હેઠળ ‘નટ ચૌપલ’ અને અસગર અલીના દિગ્દર્શન હેઠળ ‘બુનિયાદ ફાઉન્ડેશન’ જેવી અનેક મંડળીઓ દ્વારા મંચન થયેલ છે. અનુવાદક બી.આર.નારાયણે મૂળ કન્નડની નાટ્યાકૃતિ ‘યયાતિ’ને કારનાડના કથ્યભાવોને ન્યાય મળી રહે એ પ્રકારે શિષ્ટ હિન્દી ભાષામાં કૃતિનો અનુવાદ કર્યો છે.

મહાભારતના આદિપર્વના અધ્યાય ૭૦ થી ૯૦ સુધીમાં યયાતિની કથા વિસ્તરેલી છે. કચ દ્વારા સંજીવની વિદ્યા હસ્તગત કરી દેવોએ દૈત્યો પર આક્રમણ કર્યું. વનમાં દેવયાની, શર્મિષ્ઠા આદિ સહેલીઓ જળક્રીડા કરી રહી હતી. ઇન્દ્રે વાયુ બની વસ્ત્રો ભેગા કરી દીધા. દેવયનીના વસ્ત્રો ભૂલથી શર્મિષ્ઠાએ પહેરી લીધા. જેમાંથી ક્લેશ થયો અને શર્મિષ્ઠાએ આસુરી સ્વભાવ વશ દેવયાનીને કૂવામાં ધકેલી દીધી. દેવયાની મૃત્યુ પામી હશે તેમ સમજી નિશ્ચિંત બની શર્મિષ્ઠા નગરમાં જાય છે. એવામાં નહુષપુત્ર યયાતિ ત્યાં આવે છે અને દેવયાનીને જમણો પકડી બહાર કાઢે છે. અપરાધના પ્રાયશ્ચિત રૂપે શર્મિષ્ઠા સહેલીઓ સમેત દેવયાનીની દાસી બને છે. વનમાં ક્રીડા કરતાં પુનઃ યયાતિ સાથે મિલન થતાં, પોતાનો જમણો હાથ ગ્રહ્યો હોવાથી વિવાહ કરવા દેવયાની વિનવે છે. વર્ણસંકરના દોષને શુક્રાચાર્યના આશીર્વાદ રૂપે અદોષ કરતાં યયાતિ વિવાહ કરે છે. શર્મિષ્ઠાને સન્માન સાથે રાખવા છતાં તેની સાથે ગૃહસુખ ન ભોગવવા શુક્રાચાર્ય મહારાજને ચેતવે છે.

સમય જતાં દેવયાનીને ગર્ભ રહે છે. પોતાના ઋતુકાળની રક્ષા કરવા શર્મિષ્ઠા યયાતિને વિનવે છે. પોતાનો ધર્મ સમજી યયાતિ તેનો સ્વીકાર કરે છે. દેવયાની યદુ અને તર્વસુને જ્યારે શર્મિષ્ઠા દ્રુહ્યુ, અનુ અને પુરુને જન્મ આપે છે. યયાતિના વચનભંગથી દુઃખી બનેલી દેવયાની શુક્રાચાર્ય પાસે જઈ પોતાની વેદના ઠાલવે છે. ક્રોધાવશ શુક્રાચાર્ય યયાતિને વૃદ્ધત્ત્વનો શાપ આપે છે. કલ્પાંત કરતાં યયાતિને શાપના નિવારણ રૂપ તેનું વૃદ્ધત્ત્વ લઈ તારુણ્ય આપે તો વિષય સુખ માણી શકે. તારુણ્યની માંગણી કરનાર યયાતિનો અનાદર કરનાર પુત્રોને ક્રમશ: શાપ આપે છે. શર્મિષ્ઠાનો સૌથી નાનો પુત્ર પુરુ યયાતિના શાપનો આદર કરી તારુણ્ય આપે છે. એક હજાર વર્ષ સુધી વિષય સુખ ભોગવી અતૃપ્ત વિષયોમાંથી તૃપ્ત થવા, વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરવા પોતાનું વૃદ્ધત્ત્વ લઈ પુરુને પોતાનો ઉત્તરાધિકારી બનાવે છે. [5]

પ્રસ્તુત કથાને નાટ્યસ્વરૂપે ઢાળી યયાતિના પાત્રથી આધુનિક માનવીના માનસસ્તર દર્શાવ્યો છે. પરંપરાગત નાટ્યપ્રણાલીનુસાર સૂત્રધારના આગમનથી અને ‘अलमिति विस्तरेण’ શબ્દથી નાટકનો શુભારંભ થાય છે. નાટ્યકાર સૂત્રધાર મારફતે નાટકના પાત્રોને કેન્દ્રમાં રાખી સાંપ્રત માનવીય સ્થિતિ દર્શાવે છે. સૂત્રધારનું કથન નદીના આંતરવિશ્વને, માનવના આંતરવિશ્વ સાથે સરખાવે છે. માનવ જીવન નદીના વમળ સમાન છે, જેમાંથી ઉદ્ભવતા સખ-દુઃખ, રાગ-દ્વેષ, આસક્તિ, દ્વંદ્વમાં ગૂચવાયા કરે છે.

યયાતિ નાટકમાં કથાવસ્તુની ગૂંથણી ચાર આંકોમાં કરી છે. પ્રથમ અંકમાં ચન્દ્રવંશી મહારાજ યયાતિના સુપુત્ર પુરુના અંગદેશની વિદુષી રાજકન્યા ચિત્રલેખા સાથેના વિવાહથી રાજ્યમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ છે; રાજમહેલના એક અંત:પુરને બાદ કરતાં. પતિના તિરસ્કૃતની વેદના પર શર્મિષ્ઠાના શબ્દોઘાત દાસી સ્વર્ણલતા માટે કડવા ઝેર સમાન છે. મહાભારતની મૂળ કથાની સમકક્ષ નાટકના દરેક પાત્રો ગિરીશ કારનાડે સામે છેડાના ચીતર્યા છે. મહાભારતમાં શર્મિષ્ઠા પોતાના કુળગુણેયુક્ત છે. દેવયાનીને કૂવામાં નાખી નિશ્ચિંત બનતી અને દેવયાનીની ઉન્નતિમાં ઈર્ષ્યા કરતું પાત્ર છે, જ્યારે કારનાડે નાટકમાં આત્મપીડનમાં જીવતું પાત્ર ચીતર્યુ છે. રાજકન્યાને દાસીનો દરજ્જો આત્મપીડન છે. આત્મપીડનને કારણે શર્મિષ્ઠાનું જીવન કૃત્રિમ મુખવટાની પાછળ દબાયેલ વિષસમ્ વાસ્તવિક જીવનને ઉજાગર કરે તેવું છે. જે વાત સ્વર્ણલતા દેવયાનીને સંબોધિત કરી કહે છે:
स्वर्णलता: उसकी बातों में केवल व्यंग नहीं है, सत्य भी है। मेरे मन के अँधेरे कोने में जाकर वहाँ छिपे बुरे स्वप्नों को खोदकर निकालने की शक्ति उसकी बातों में है। उसे सहन नहीं कर सकती हूँ। (પૃ.૧૨)

આ જ સત્ય દેવયાની સમક્ષ પ્રગટ કરે છે. યયાતિ સાથેના વિવાહ પ્રેમ સંબંધ નહીં પરંતુ શર્મિષ્ઠાએ કરેલ અપમાનના બદલાને અને કચના તિરસ્કારની વેદનાને કીર્તિના મુખવટાથી ઢાંકવાનો યત્ન છે. જ્યારે યયાતિના વિવાહ પણ દેવયાની માટે પ્રેમને કારણે નહિ, કિન્તુ કામનાઓની પરિતૃપ્તિ માટે છે. મહાભારતની દેવયાની પ્રેમતત્ત્વની હૂંફ મેળવવા જતાં સાંપડેલ જગતની નિષ્ઠુરતાથી ગ્લાનિ અનુભવતું પાત્ર છે. જ્યારે કારનાડે તિરસ્કારને લીધે જન્મેલ અભિમાનનું મૂર્તિમંત સ્વરૂપ દર્શાવી છે. શર્મિષ્ઠા સાથેના પ્રત્યેક વ્યવહારમાં પોતાના અભિમાનને પહોંચેલા આઘાતનો પ્રત્યાઘાત છે. શર્મિષ્ઠાના શબ્દો દેવયાનીના અંતર-મનમાં સત્યનો ધસમસતો પ્રવાહ જગાડે છે. પરિણામે વર્ષો પછી પણ પોતાને સ્વીકારવાનું પ્રયોજન યયાતિને પૂછે છે. પ્રસ્તુત પ્રસંગે કારનાડે સાંપ્રત માનવીની છબી દર્શાવી છે. માનવી તૃષ્ણાર્થે અન્યનો ઉપભોગ કરે છે, પરંતુ બીજાની તૃષ્ણાનું માધ્યમ પોતે બને તે અસહ્ય છે. સમસ્ત ઘટના પાછળ શર્મિષ્ઠાની આશંકા સેવી યયાતિ તેને બોલાવે છે.

આ નાટકના દરેક પાત્રો સ્વાર્થવૃત્તિમાં રાચતા જોવા મળે છે. જેમાં યયાતિની આસક્તિ દરેક પત્રો કરતાં સવિશેષ છે. માનવીના આંતરદ્વંદ્વમાં પોતાની છબિ કંડારવાનો પ્રયાસ યયાતિ હરહંમેશ કરતો રહ્યો છે. શર્મિષ્ઠાને રાણી બનાવી દેવયાનીના આત્મસન્માન પર ઘાત કરે છે. દેવયાનીના અભિમાનને શર્મિષ્ઠાને તેની સમકક્ષ પદ આપી હણે છે. યયાતિ-શર્મિષ્ઠા સંવાદમાં શર્મિષ્ઠાના શબ્દો દ્વારા સાંપ્રત માનવીય જીવનનું પ્રતિબિંબ પ્રગટે છે -
शर्मिष्ठा : ...हजारों बार पराजित होने पर भी सुरपति बने इन्द्र में, पिता के पास संजीवनी होने के कारण अपने विकारों के लिए जगत् को झुकानेवाली देवयानी में, केवल असुर होने के कारण तिरस्कृत होने पर भी अमरत्व की आशा को न छड़नेवाले असुरवीरों में। इन सबमें मानवता की अलग-अलग प्रतिभा दिखाई नहीं देती? मनुष्य का अस्तित्व उनकी मानवता में नहीं है, उसके अभावों में है। (પૃ.૨૨)

અર્થાત્: મનુષ્ય જીવનની સાર્થકતા માનવતામાં નહિ કિન્તુ ‘સ્વ’ અસ્તિત્ત્વની પરિપૂર્ણતામાં રહેલી છે. જગતના વિતંડાવાદ અને આત્મસન્માનની રક્ષા હેતુ શર્મિષ્ઠા વિષ પીને જીવન ટૂંકાવવા જાય છે. યયાતિ તેને રોકવા જમણો હાથ ગ્રહી મૃત્યુ પછી પણ અંત ન પામતી વેદનાના કૂવામાંથી બહાર કાઢે છે, જીવનદાન અર્પે છે. યયાતિ દેવયાનીથી વિરક્ત બની શર્મિષ્ઠામાં આસક્ત થઈ યૌવનના સામ્રાજ્યને માણે છે.

દ્વિતીય અંકમાં પ્રસંગોની ગૂંથણી નાટકને નવો વળાંક આપે છે. યયાતિ શર્મિષ્ઠાને રાણી બનાવવા ઇચ્છે છે, જે શર્મિષ્ઠાને સ્વીકાર નથી. કારણ કે કચની છાયાથી જાણે દેવયાનીનું જીવન-પુષ્પ જ કરમાઈ ગયું. જીવનના ઋજુ-કોમળ સંવેદનમાં પણ કઠોરતા અનુભવતી દેવયાનીના સમકક્ષ સ્થાન પ્રાપ્ત કરવું એટલે તેના અભિમાન પર વધુ એક ઘાત કરવો. જેનું વિનાશકારક પરિણામ ભોગવવા શર્મિષ્ઠા તૈયાર નથી. આ દુ:સાહસ યયાતિ દેવયાનીની ઉપસ્થિતિમાં કરે છે. શર્મિષ્ઠાનો હાથ પકડી દાસીને રાણી બનાવવાની કામના કરે છે. જે દેવયાની માટે અસહ્ય હોવાથી પ્રતિષ્ઠા, મહેલ, પતિ - સર્વેનો ત્યાગ કરી પિતા શુક્રાચાર્ય પાસે દોડી જાય છે.

નાટ્યકારે આ પ્રસંગના પ્રવાહમાં બીજો પ્રસંગ કલાત્મક ઢબે વણી નાટકની સુંદરતા તેમજ પોતાની પ્રતિભા અંકિત કરી છે. યયાતિનો પુત્ર પુરુ વર્ષો બાદ નવવધૂ ચિત્રલેખા સાથે રાજમહેલમાં પ્રવેશ કરે છે. નાટકમાં પુરુનું ચરિત્ર મહાભારતના પુરુની તુલનાએ તદ્દન ભિન્ન છે. મૂળ કથામાં પુરુ શર્મિષ્ઠાનો સૌથી નાનો પુત્ર છે. પિતાની આજ્ઞાને શિરોમાન્ય કરી યૌવન અર્પે છે.

કુળ-પરંપરાના પ્રભાવમાં પુરુ પોતાની ભીતર, માતાએ પામેલી વરસોની વેદનાને નિહાળ્યા કરતો. તે હૂંફ મેળવવા સતત ઝંખે છે. યયાતિ અને પુરુના વિચારોમાં વિરોધાભાસ છે. પૂરું પોતાનો પથ અકિંચન બની જાતે કંડારવા ઇચ્છે છે. જેમ ‘નિર્માની’ થયાનું પણ માન હોય છે, ‘ત્યાગ’માં પણ રાગ હોય છે તેમ પુરુના અકિંચન પથમાં પણ રાગ રહેલો છે.

કારનાડના નાટકોમાં સાંપ્રત સમયે ઝીલાતો અગત્યનો પ્રશ્ન ‘શાસનકર્તા’નો પ્રગટે છે. પ્રસ્તુત નાટકમાં પણ કારનાડે યયાતિના માધ્યમે શાસનકર્તાની અતૃપ્ત રહેતી મહેચ્છાઓ દર્શાવી છે. શાસનકર્તા કુળેયુક્ત નહીં કિન્તુ ગુણેયુક્ત હોવો જોઈએ. જે દૃષ્ટિબિંદુ ‘યયાતિ’ નાટકમાં રજૂ થયું છે. યયાતિ પુરુને ગુણેયુક્ત ન કરતાં કુળેયુક્ત બનાવવા યત્ન કરે છે. ચન્દ્રવંશના સિંહાસનને યોગ્ય ગુણોમાં ઢાળવા જતાં સદ્-અસદ્ વચ્ચે ઝોલાં ખાતા પુરુનું જીવન શૂન્ય બને છે. પુરુ અજ્ઞેય રાક્ષસી કન્યાનો પુત્ર હોવાની વાત યયાતિએ ગોપિત રાખી. નિજી સ્વાર્થ માટે શાસક પિતાએ પોતાનું જીવન શૂન્ય બનાવ્યું. પરિણામે બંનેમાં ક્લેશ ઉદ્ભવે છે. એવામાં શર્મિષ્ઠાનું આગમન થાય છે. શર્મિષ્ઠા બેબાકળી બની શુક્રાચાર્યએ આપેલ વૃદ્ધત્ત્વના શાપની વાત યયાતિ અને પુરુને કહે છે. શાપ નિવારણ હેતુ શુક્રાચાર્ય પાસે યયાતિની જગ્યાએ પુરુને જવા વિનવે છે. પુરુ નગરમાં આવેલા શુક્રાચાર્ય પાસે એકા-એક દોડી જાય છે.

શુક્રાચાર્યના શાપથી પોતાના સ્વપ્નો પર વૃદ્ધત્ત્વની છાયા પડવાની કલ્પના માત્રથી યયાતિ કલ્પાંત કરે છે. રણભૂમિથી લઈ રાજમહેલના અંત:પુર સુધી પોતાનું ચક્રવર્તી સામ્રાજ્ય ચલાવતા તારુણ્યની શક્તિ એક જ ક્ષણમાં ક્ષીણ થતાં યયાતિ દ્રવી ઊઠે છે. જેની કલ્પના ન હતી તે સત્ય થવા જઈ રહ્યું હતું. આવેલ વૃદ્ધત્ત્વથી જીવનના ઉચિત માર્ગે જવા, વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનું શર્મિષ્ઠા કહે છે. વાનપ્રસ્થથી મહેલ અને સંસાર ત્યાગી શકાય, કિન્તુ આંતર મનમાં સેવાતી તૃષ્ણા નહીં. વૃદ્ધત્ત્વ યયાતિને અસ્વીકાર્ય છે. કલ્પાંત કરતો યયાતિ અંત:પુરના પલંગ પર બેસી ત્વરાથી કશું શોધી રહ્યો હોય તેવી ચેષ્ટા કરે છે. તે શર્મિષ્ઠાને કહે છે:
ययाति: मैं अपने भूतकाल को पकड़ रहा हूँ।... (પૃ.૫૪)

વ્યથિત યયાતિ અંધકારભર્યા દુઃખના કૂવામાં ગરકાવ થઈ જાય છે. આશાની કિરણ સમાન શુક્રાચાર્ય પાસે ગયેલા પુરુની રાહ જોતાં યયાતિની વ્યથા સાથે દ્વિતીય અંકનો અંત આવે છે.

તૃતીય અંક નાટકનો સૌથી નાનો અને યયાતિના વિષાદનું વર્ણન કરતો અંક છે. પુરુ નતમસ્તકે શુક્રાચાર્યને વિનવી શાપનું નિરાકરણ લાવવામાં સફળ રહ્યો છે. યયાતિનું વૃદ્ધત્ત્વ કોઈ અન્ય વ્યક્તિ સ્વીકારે અને પોતાનું તારુણ્ય પ્રદાન કરે, જેથી શાપ મુક્ત થઈ શકાય. શાપનું નિવારણ સાંભળી અંધકારથી ઘેરાયેલ યયાતિને નવજીવનની આશા મળે છે. હર્ષોલ્લાસથી આનંદ વ્યક્ત કરે છે. શર્મિષ્ઠા અને પુરુ અવાક્, સ્તંભવત્ થઈ યયાતિને નિહાળે છે. હવે પ્રશ્ન છે કે વૃદ્ધત્ત્વનો સ્વીકાર કોણ કરશે? કેમ કે આ માત્ર વૃદ્ધત્ત્વ નહીં પરંતુ શુક્રાચાર્યએ આપેલ શાપ હતો. જે શાપને રાજમહેલથી લઈ નગરજનો સુધી કોઈ સ્વીકારવા તૈયાર નથી. આ અંગે યયાતિને માર્ગદર્શન આપતા શર્મિષ્ઠા કહે છે,
शर्मिष्ठा : ...पाप-पुण्य कोई धन है, जिसका लेन-देन किया जाए ? मेरी बात सुनिए तो स्वामी, ईस शाप को अपने ऊपर ले लेने की किसी पागल से या योगी से भिक्षा माँगने की आवश्यकता नहीं। हम चुपचाप वानप्रस्थ आश्रम चलें। (પૃ.૫૮)

યયાતિને મન આ સત્ય અસ્વીકાર્ય છે. યયાતિના આંતરમનમાં વિષાદનું દ્વંદ્વ યુદ્ધ ચાલે છે. સમસ્ત રાજ્ય આપવા છતાં યયાતિનું વૃદ્ધત્ત્વ સ્વીકારવા કોઈ તૈયાર નથી. કેમ કે તે માત્ર વૃદ્ધત્ત્વ નહીં કિન્તુ યયાતિનું પાપ છે. તે અંગે પુરુ કહે છે,
पुरु : ...युध्दभूमि में मरना और बात है, दूसरों के पाप के बोझ को ढोकर तड़पना कुछ और बात है। (પૃ.૬૦)

માનવી જન્મ-મૃત્યુ વચ્ચેના પ્રલંબ પટમાં એકધારા વહેતા પ્રવાહમાં જીવન વ્યતીત કરતો રહે છે. પોતે પ્રવાહથી વિરક્ત બની પોતાનો સ્વતંત્ર પથ નથી કંડારવા મથામણ કરવા માગતો નથી. કવિ સિતાંશુ યશચંદ્ર રચિત ‘જટાયુ’ ખંડકાવ્યમાં આ જ વાત ગીધ-જીવનના માધ્યમે આ સ્થિતિને અસરકારક રીતે અભિવ્યક્ત કરી છે -
"વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે."[6]

શર્મિષ્ઠાની જેમ પુરુ પણ સર્વત્યાગ કરી વાનપ્રસ્થ સ્વીકાર કરવા તૈયાર થાય છે. આ વાત યયાતિને સ્વીકાર્ય નથી. પુરુ પોતાના અકિંચન પથને અનુસરી યયાતિનું વૃદ્ધત્ત્વ ગ્રહે છે. ત્યાગમાં રહેલ રાગને અનુસરતા પુરુના વૃદ્ધત્ત્વ સ્વીકાર સાથે તૃતીય અંકનો અંત આવે છે.

ચતુર્થ અંકમાં સર્જક એક કાલ્પનિક પાત્ર ચિત્રલેખાને નિરૂપે છે. ચિત્રલેખા અંગદેશની વિદુષી રાજકન્યા છે. જેને કીર્તિવાન પતિની અભિલાષા છે. આ વિદુષી કન્યા ચિત્રલેખા, પુરુ સાથે માત્ર તેના ઉચ્ચ કુળને ધ્યાને લઈ લગ્નગ્રંથિથી જોડાય છે. પુરુ યયાતિની વૃદ્ધાવસ્થા સ્વીકારી પોતાનું યૌવન પ્રદાન કરે છે, ત્યારે પુરુની અસામાન્યતાના દર્શન ચિત્રલેખાને થાય છે. પ્રજા દ્વારા થતાં પુરુના જય જય કારમાં અર્ધાંગિની ચિત્રલેખા પોતાની પ્રસંશાના સ્વરથી આનંદિત થાય છે. પરન્તુ જ્યારે દીપની જ્યોતમાં પુરુનું કુરૂપ મુખ જુએ છે, ત્યારે ચિત્રલેખાનો મોહભંગ થાય છે અને એ ચિત્કાર કરી ઊઠે છે. પોતાની અભિલાષાનું બીજ પર જાણે યયાતિના ભવિતવ્યની છાયા પડવાથી નાશ પામ્યું હોય. પ્રસ્તુત પ્રસંગ સાથે નાટ્યકાર અન્ય પ્રસંગ વણે છે, સ્વર્ણલતાના ગૃહભંગની કથા. ‘શંકા’ માનવીને આત્મપીડન મારફતે વિનાશ સુધી દોરી જતી હોય છે. શંકાના વમળમાં અટવાયેલો માનવી યુદ્ધભૂમિમાં પોતાના જ સ્વજનો વચ્ચે ઘેરાયેલા અભિમન્યુ માફક હોય છે. જે પ્રત્યેક સ્વજનને અવિશ્વાસની દૃષ્ટિએ નિહાળે છે. ચારિત્ર્યની વિશેની શંકાના કારણે એના વિચ્છિન્ન જીવનની વાત નાટ્યકારે પ્રસ્તુત કરી છે. શેક્સપિયર કૃત નાટ્યકૃતિ ‘ઓથેલો’માં પણ આ તત્ત્વની વાત છે.

યયાતિની માફક સાંપ્રતના માનવીના જીવનનું નૈતિકમૂલ્ય જ લોપાઈ ગયું છે. માનવી સ્વ-બન્યો છે. યયાતિએ અશ્વમેઘથી માંડી ભવિતવ્ય માટે સેવેલા નંદનવનના સ્વપ્નની આશા પ્રજાકેન્દ્રી છે. પરન્તુ પુન:યૌવન પ્રાપ્તિમાં એ સ્વકેન્દ્રિ બને છે. ચિત્રલેખાના કલ્પાંત વખતે એને ધીરજ આપતા તેને લોકોત્તર-અસામાન્ય બનવાનું કહે છે. બીજી તરફ ચિત્રલેખા પોતાને અર્ધાંગિની તરીકે સ્વીકારવા યયાતિને કહે છે. પુરુના યૌવન સાથે સંબંધિત દરેક વસ્તુ પર યયાતિનો અધિકાર એ ગણાવે છે. મનુષ્યત્ત્વમાંથી પતિત યયાતિ ચિત્રલેખાને મનુષ્યત્ત્વનો બોધ આપે છે. યયાતિનું અવાસ્તવિક જીવન પટરાણી દેવયાનીના ખંડિત સૌભાગ્યના ચિહ્ન સમા મંગળસૂત્ર અને શર્મિષ્ઠાના વિષની દાબડી બતાવી ચિત્રલેખા પ્રગટ કરે છે. હણાયેલ સ્વ-અસ્તિત્ત્વ, વાસ્તવિક જીવનથી યયાતિ દૂર થાય છે. તે કહે છે -
ययाति : फिर वही धिक्कार। एक जन्म में जो सीख नहीं सका, उसे एक दिन में सीखने का अवसर आ गया। तुम्हारा कहना सच है। हमारा मन पंचांग के साथ पग नहीं रखता। वह कभी कभी आँधी की तरह भागता है। उसे पकड़कर रखने के लिए यह नीति, यह समाज है। उसकी और मैंने कभी ध्यान नहीं दिया। परन्तु जनता! उसे कैसे लात मारूं? शैशव से मेरे चारों ओर जनता थी। उनकी प्रशंसा के एक शब्द के लिए दस अश्वमेघ यज्ञ किए। यह दिखाने के लिए कि मैं उनकी जिद की परवाह नहीं करता, दस पाप किए। परन्तु मैंने जो भी किया है, यह जनता मेरे जीवन का एक अंग बन गई है।... (પૃ. ૮૫)

યયાતિ પુરુને નથી યૌવન પાછું આપી શકાતો કે નથી ચિત્રલેખાને સ્વીકારી શકતો. યયાતિની દ્વંદ્વાત્મક મન:સ્થિતિ જોઈ ચિત્રલેખા મૃત્યુનો માર્ગ પસંદ કરે છે. યયાતિના અભિપ્સામાં ચિત્રલેખાનું જીવન દિશાહીન બન્યું હતું, એ મૃત્યુ વેળાએ કલ્પાંત કરતી સ્વર્ણલતાને સંબોધી કહે છે
चित्रलेखा : मुझे बचाओ। मुझे मरने न दो, स्वरु, मुझे बचाओ,...बचाओ स्वरु... स्वरु। (પૃ. ૮૭)

મૃત્યુના શરણે જતી ચિત્રલેખાનો હાથ પકડી યયાતિ બચાવી શકતો નથી. છેવટે યયાતિ શર્મિષ્ઠાને કહી પુરુને અંત:પુરમાં બોલાવે છે. પુરુને એનું યૌવન પાછું સોંપે છે. વૃદ્ધાવસ્થાનો ભાર ઉઠાવી શર્મિષ્ઠા સાથે યયાતિ વનપ્રસ્થાશ્રમ સ્વીકારે છે.

નાટકમાં કેન્દ્રિય સ્થાન અંત:પુર છે. આ અંત:પુર નાટકના પાત્રોની મન:સ્થિતિ સાથે ભિન્ન-ભિન્ન પરિવેશ લઈ પ્રગટે છે. જેમાં દેવયાની માટે પોતાના અભિમાનનું સર્વસ્વ પ્રતીક એટલે અંત:પુર, શર્મિષ્ઠા માટે આત્મપીડનની વેદનાનું સ્થાન અંત:પુર, પુરુને મન પોતાની માતાના પ્રેમની વિસ્મૃતિનું કેન્દ્ર એટલે અંત:પુર, ચિત્રલેખા માટે આરંભાયેલ નવદાંપત્ય-જીવનની અભિલાષા પ્રગટાવતું સ્થાન, સ્વર્ણલતા માટે આંતરદ્વંદ્વની વેદનાને નિત્ય તાજું કરતું સ્થાન અંત:પુર; સર્વે પાત્રોની મધ્યમાં પાંગરતા યયાતિના યૌવન અભિપ્સાનું કેન્દ્ર સ્થાન એટલે અંત:પુર.

‘યયાતિ’ નાટક માટે ગિરીશ કારનાડને મૈસૂર સ્ટેટ ઍવોર્ડ એનાયત થયો છે. ‘યયાતિ’ નાટક વિશે ધ્વનિલ પારેખે ‘નાટકમાં મિથ’ પુસ્તકમાં આલોચનાત્મક લેખ આપ્યો છે. જેમાં યાયતિની છબીને આધુનિક માનવ સંદર્ભે પ્રસ્તુત કરતાં જણાવે છે:
“આજના આધુનિક યુગમાં વૈજ્ઞાનિક શોધખોળોને કારણે ભૌતિક સાધનોનું ઉત્પાદન ઝડપથી થવા લાગ્યું અને એનો પ્રભાવ પણ ઝડપથી પડવા લાગ્યો. જીવન બદલાયું તેમ મિથમાંથી પણ નવાં અર્થઘટનો પ્રાપ્ત થવા લાગ્યા. આધુનિક-ભૌતિક મનુષ્યની કામવૃત્તિના વિપરીત પરિણામો આજે સમાજમાં ઠેરઠેર જોવા મળે છે અને યયાતિની મિથ દ્વારા સર્જક તે તરફ અંગુલિનિર્દેશ કરે છે.”[7]

મુકુલ ચોક્સી યયાતિ દ્વારા સાંપ્રત માનવીની વાચા આપતો શે’ર રજૂ કરે છે:
“પૂછ્યું મેં, કોણ છે? ઉત્તર મળ્યો યયાતિ છે,
બહાર જઈને જાઉં તો આખી મનુષ્યજાતિ છે.”[8]

તેમજ ઈ-જરનલ સાહિત્યસેતુ, વર્ષ મે-જૂન 2016માં મહેશ ભટ્ટે ‘યયાતિ’ નાટક અને નવલકથાનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. જેમાં આ નાટકના વિભિન્ન પાસાંની ચર્ચા છે, તેમજ મિથના સર્જકે કરેલા વિનિયોગની સાર્થકતા દર્શાવી છે.

પાદટીપ:

  1. શ્રીમદ્ ભગવદ્ ગીતા, સં. શ્રી હરીશભાઈ વરન, સસ્તું પુસ્તક ભંડાર, અધ્યાય: 18, શ્લોક: 38, પૃ. 259.
  2. યયાતિ (નવલકથા), લે. વિ. સ. ખાંડેકર, અનુ. ગોપાલરાવ વિદ્ધાંસ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય- અમદાવાદ, પ્ર. આ. - 1963, પુ.મુ.: 2009.
  3. પરબ, ‘ગિરીશ કર્નાડ: બહુવિધ કલાઓના સ્વામિની વિદાય’, ભરત દવે, સં. યોગેશ જોશી, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ,અંક: 1 જુલાઈ 2019, પૃ. 52.
  4. નવચેતન, ‘ગિરીશ કર્નાડની વિદાય’, ભરત દવે, સં. યશવન્ત મહેતા, અંક: 5 ઑગસ્ટ, 2019, પૃ. 18.
  5. મહાભારત, આદિપર્વ, ગીતાપ્રેસ, ગોરખપુર, પૃ. 47થી 54.
  6. જટાયુ (કાવ્યસંગ્રહ), સિતાંશુ યશશ્ચન્દ્ર, આર.આર. શેઠની કંપની, પ્ર.આ. 1976, પૃ.96.
  7. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ, પાર્શ્વ પ્રકાશન- અમદાવાદ, પ્ર.આ. 2007, પૃ. 135.
  8. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ, પાર્શ્વ પ્રકાશન- અમદાવાદ, પ્ર.આ. 2007, પૃ. 49 માનો અંતર્ગત સંદર્ભ, તાજા કલમ એ જ કે..., મુકુલ ચોક્સી, પૃ. 17.

સંદર્ભ ગ્રંથ:
  1. યયાતિ, ગિરીશ કારનાડ, અનુ. બી. આર. નારાયણ, પ્ર. રાધાકૃષ્ણ પ્રકાશન, પ્ર.આ- 2016.


મહિરથસિંહ ઘનશ્યામસિંહ પરમાર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦.