Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
માનવ, માછલી અને મહેરામણ વચ્ચેના સંઘર્ષની કથા : ‘અપરાજેય’ (ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી)

‘ધ ઓલ્ડ મેન એડ ધ સી’ (The old man and The sea) નવલકથાના લેખકનું નામ અર્નેસ્ટ હેમિંગ્વે છે. તેમનો જન્મ ૨૧-જુલાઈ, ૧૮૯૯માં અમેરિકાના ઇલિનોય વિસ્તારના ઓકપાર્કમાં થયો હતો. અર્નેસ્ટ હેમિંગ્વે એ શિક્ષણ ઓછું લીધું હતું. ઉચ્ચશિક્ષણ તો લીધું જ ન હતું. ડ્રાઈવર તથા પત્રકાર તરીકેની સેવાઓ આપનાર હેમિંગ્વેનું મરણ બંધુક સાફ કરતી વખતે આકસ્મિક રીતે ગોળી છૂટીને વાગવાથી ૧૯૬૧માં થયું હતું.

અર્નેસ્ટ હેમિંગ્વે પાસેથી ‘ધ ઓલ્ડ મેન એડ ધ સી’ નવલકથા ઉપરાંત ‘થ્રી સ્ટોરીજ એન્ડ ટેન પોયર્મ્સ, ઈન ઓવર ટાઇમ, સન ઓલ્સો રાઈજેજ, એ ફેયરવેલ ટુ આર્મ્સ, વિનર્સ ટેક નથિંગ, ધ ગ્રીન હિલ્સ ઓફ આફ્રિકા, હૈવ એન્ડ હૈવ નોટ, સ્પેનિશ અર્થ, ફોર હુમ ધિ બેલ ટોલ્સ વગેરે કૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમની આ સમગ્ર કૃતિઓમાંથી ‘ધ ઓલ્ડ મેન એડ ધ સી’ નવલકથાને ૧૯૫૩માં સાહિત્યનું નોબલ પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. તેમની આ નવલકથા દુનિયાની લગભગ બધીજ ભાષામાં અનુવાદિત થઈ છે. ગુજરાતીમાં આ નવલકથાનો અનુવાદ ‘અપરાજેય’ નામે રવીન્દ્ર ઠાકોરે ઇ.સ. ૧૯૯૧માં કર્યો છે. મૂળ અંગ્રેજી કૃતિ ૧૨૮ પાનાની છે. જ્યારે ગુજરાતી અનુવાદ ૧૦૬ પૃષ્ઠમાં થયેલ છે. વિશ્વસાહિત્યની આ કૃતિમાં નિરૂપાએલી માનવ અને દરિયાના સંઘર્ષની વાત ધ્યાનપાત્ર છે.

‘અપરાજેય’ નવલકથાનો નાયક વૃધ્ધ ડોસો સાન્તિયાગો છે. એ મછવામાં બેસીને ગલ્ફસ્ટ્રીમાં માછલાં પકડાવાનો વ્યવસાય કરે છે. પોતે માછીમાર છે. આ માછલીઓ પકડાવામાં રસ છે પણ માછલી પકડાતી નથી. ‘૮૪’-દિવસ પસાર થઈ ગયા છે. પરંતુ માછલી પકડાતી નથી. આ દિવસોમાં શરૂઆતના ચાલીસ દિવસો સુધી તેની સાથે મેનોલિન નામનો યુવાન છોકરો હતો. પણ તેના માતા-પિતા વૃધ્ધ ડોસાને શાપિત માનીને છોકરાને બીજા પાસે (માર્ટિન પાસે) માછલા પકડવા મોકલે છે. પરંતુ સાન્તિયાગો હાર માનતો નથી. તે દરરોજ દરિયાની સામે લડે છે. જાય છે. ૮૫’મા દિવસે વૃધ્ધ ડોસો પોતાની કલ્પનામાં ધારેલી મસ મોટી માછલી પકડવા સમૃદ્રમાં જાય છે. દરરોજ નિષ્ફળતા મળતી હોવા છતાં વૃધ્ધ ડોસો ‘Every Day Is A New Day’ના સંકલ્પ સાથે જાય છે. ગલ્ફસ્ટ્રીમમાં તેને મોટી માછલી મળે છે. પરંતુ તેને પકડવામાં બે દિવસ અને બે રાતનો સંઘર્ષ કરવો પડે છે. અને સફળ થાય છે. નવલકથામાં માર્લીન માછલી અને વૃધ્ધ સાન્તિઆગો વચ્ચે જે દ્રન્દ્વ યુધ્ધ ખેલાય છે. સંઘર્ષ થાય છે. તે પ્રસંગ નવલકથાનો મહત્વનો છે. એક બાજુ વૃધ્ધનો આત્મવિશ્વાસ અને બીજી બાજુ દરિયો. વૃધ્ધ અંતે એકલો માર્લીન ને પકડી લે છે. ને કિનારે લઈ આવે છે. વૃધ્ધની કટિબદ્ધતાએ એ સાબિત કરી દીધું કે પુરુષાર્થ હોય ત્યાં નસીબને ખેંચાઈને આવું પડે છે. વૃધ્ધ માર્લીન સાથેના સંઘર્ષ દરમ્યાન સતત બોલતો હોય છે- ‘but the man is not meant for deteat’ (પરંતુ માણસ હાર માટે નથી.) અને અંતે તે ચરિતાર્થ કરી બતાવે છે.

નવલકથાના અંતે વૃધ્ધ ડોસો માછલીને પકડીને કિનારે લાવે છે. પરંતુ તે માછલીનું બધું જ માંસ માર્કોશાર્ક નામની માછલી તથા અન્ય માછલીઓ ખાઈ જાય છે. તેની પાસે કિનારે આવતા મોટા કદનું હાડપીંજર જ બચે છે. જેનાથી માછલીના મસ મોટા કદનો ખ્યાલ મળે છે. આમ આ કૃતિ સફળતા પછી મળેલી નિષ્ફળતાને રજૂ કરતી વાર્તા છે. મનુષ્યના સંઘર્ષમાં સફળતા મળે છે. પરંતુ ગર્ભિત રીતે નિષ્ફળતાની વાર્તાને રજૂ કરે છે.

‘અપરાજય’ નવલકથાની શરૂઆત વૃધ્ધ સાન્તિયાગોના કાર્યોના વર્ણનથી થાય છે. ૮૪-દિવસ એક પણ માછલી પકડ્યા વગર પસાર કરનાર આ વૃધ્ધમાં આત્મવિશ્વાસ અને સાહસ ભરપૂર છે. અને તેનું વર્ણન નવલકથામાંથી મળી રહે છે.

મસ મોટી માછલી પકડવા ઈચ્છુક ડોસો ‘every day is a new day’ માને છે. તેને નસીબ સાથ આપતું નથી. તે વિચારે છે કે જયારે નસીબ સાથ આપે ત્યારે પોતે ઊંઘતો ન ઝડપાય આથી તે સજ્જ રહે છે માટે ૮૫’મા દિવસે પણ એ જ નિર્ધાર સાથે નીકળે છે. જે સમયે તે માછલી પકડવા ગલ્ફસ્ટ્રીમમાં જાય છે. તે સમયના સમુદ્રનું વર્ણન જુઓ-
‘ભૂમિ ઉપરનાં વાદળાં હવે પર્વતોની જેમ ઉપસેલાં હતાં, નીલા-ભૂરા પહાડોની પાર્શ્વભૂમિકામાં સમુદ્રતટ એકમાત્ર લાંબી, લીલીરેખા જેવો લાગતો હતો. હવે પાણી ઘેરું ભૂરું હતું, એટલું ઘેરું કે તે લગભગ જાંબુડી રંગનું જ હતું. જેવી એણે પાણીમાં નીચે નજર ફેંકી તો કાળાં પાણીમાં એણે સમુદ્રજીવોની લાલ પથરાટ અને અત્યારે સૂર્યે પ્રગટેલો એક વિચિત્ર પ્રકાશ જોયો’(પૃ. ૩૪, ૩૫)

આવા સમૃદ્રમાં વૃધ્ધ ડોસોના ગલમાં માછલી જેવું કશુંક પકડાય છે. બે દિવસ-બે રાતના સંઘર્ષના અંતે તે માછલીને જોવે છે. માછલીનું વર્ણન જુઓ-
‘રસ્સી ધીમે-ધીમે અને સ્થિર ગતિએ ઉપર આવી અને હોડીના આગળના ભાગની સાગરની સપાટી ખળભળી ઊઠી. માછલી બહાર આવી. તે વણથંભી ગતિએ ઉપર આવતી હતી. અને તેનાં પડખાઓમાંથી પાણી ધોધરૂપે વહેતું હતું. સૂર્યના તડકામાં તેના પડખાંની પટ્ટીઓ પહોળી અને આછા લવેન્ડર રંગની દેખાતી હતી. તેનું જડબું બેઝબોલના બેટ જેટલું લાંબું હતું. અને જમૈયાની જેમ અંતભાગ પર અણિયાળું હતું. પાણીમાંથી તેનું પૂરું શરીર બહાર આવ્યું. અને તરવૈયાની જેમ સરળતાથી પાણીમાં પુનઃ પ્રવેશ્યું. અને એ વૃધ્ધ પુરુષે દાતરડાના પાના જેવી તેની પૂંછડીને અંદર જતાં અને રસ્સીને બહાર ધસી આવતાં જોઈ’’ (પૃ.,૫૯)

માછલીનું કદ આટલું મોટું તેને પહેલીવાર જોયું હતું. ક્યારે સાંભળ્યું પણ નહતું. છતાં તે હાર માનતો નથી. તેની સાથે સંઘર્ષ કરે છે. અને આત્મવિશ્વાસથી માછલીને મારે છે. દરિયામાંથી કિનારા સુધી માછલીને લઈ જતાં શાર્ક માછલીઓ સાથે તેને સંઘર્ષ કરવો પડે છે. સમુદ્રમાં આવેલી શાર્ક માછલીઓ મૃત માછલીનું બધુ માંસ ખાઈ જાય છે. કિનારે જતાં કેવળ અઢાર ફીટ જેટલી લાંબી અને પંદરસો રતલ જેટલું વજન ધરાવતી માછલીનું માત્ર અસ્થિપિંજર જ બચે છે. પોતે પરાજય થઈ ગયો છે. પરંતુ વૃધ્ધ ડોસો હાર માનતો નથી. વૃધ્ધ અને દરિયો નિરાશાના અર્થને સમજતા નથી. જિંદગીના કિનારે ઉભેલા વૃધ્ધને કડવા-મીઠા અનુભવો મેળવી ચૂકેલો છે. શરીરથી વૃધ્ધ દેખાતો નાયક સાન્તિયાગો મનથી હૃદયથી અણુ-અણુમાં સાહસ- આત્મવિશ્વાસથી ભરેલો છે. દરિયા સાથેની તેની આત્મીયતામાં દરિયા જેવો બનાવી દે છે. દરિયા જેવી વિશાળતા, અડગપણું, સાહસ નાયકમાં પણ દેખાય છે.

લેખક પોતે માછીમારનો અનુભવ ધરાવે છે. માટે સાન્તિયાગો તેનો માનસપુત્ર છે. માછીમાર સમાજનું સાહસ, સંવેદન, દરિયા સાથેનો સંબંધ કલાત્મક રીતે રજૂ થયું છે. નાયિકા વગરની આ કૃતિમાં કેવળ દરિયો અને વૃધ્ધ ડોસો મહત્વના પાત્રો છે. આ ઉપરાંત માછલીઓ, માર્ટિન, મોનોલિન અન્ય પાત્રો છે. નવલકથામાં દરિયાનું વર્ણન, પરિવેશ, માછલીનું વર્ણન, ત્યાંના પરિવેશનું વર્ણન વગેરે જીવંત બનીને આલેખાયું છે.

નવલકથામાં દરિયાને પરાજય સ્વીકાર્ય નથી. તેવી જ રીતે વૃધ્ધ ડોસાને પરાજય સ્વીકાર્ય નથી. આજના સમયમાં નાની નિષ્ફળ થતાં માણસને નાસીપાસ થઈ જાય છે. તેમના માટે આ વૃધ્ધ ડોસો પ્રેરણારૂપ છે. માનવ, માછલી અને મહેરામણ વચ્ચેના સંઘર્ષને અંતે ભાગ્યનો ઉદય થાય છે. માણસનો વિજય થાય છે. ભાગ્ય તાબે થાય છે. સખત મહેનત આગળ. પેલા બે વાક્યો કૃતિના ધ્રુવ વાક્યો બની રહે છે. 1. ‘every day is a new day’ 2. ‘But the man is not meant for defeat.’ એવી નાની લાગતી નવલકથા દુનિયાને ખૂબ મોટો સંદેશ આપી જાય છે. માટે જ તેને નોબેલ પારિતોષિક મળ્યું છે.

ટૂંકમાં ‘અપરાજેય’ નવલકથા માનવ જીવનના સનાતન સત્યને રજૂ કરે છે. પુરુષાર્થ-મહેનત વગર સફળતા મળતી નથી. પુરુષાર્થ હોય ત્યાં ભાગ્ય પણ ખેંચાઈને આવવું પડે છે. નિષ્ફળતા-હારથી થાકીને બેસી જવાનું નથી. પુષ્કળ ગરીબીમાં જીવતો આ વૃધ્ધ નાયક હતાશ જરાપણ નથી. સતત 84 દિવસ સુધી દરિયામાં જવા છતાં કશું મળતું નથી. દરિયાઈ ઉંડાઈ અને માનવજીવનની ઉંડાઈની ચાવી જાણે સાન્તિયાગો કહે છે- ‘every day is a new day’ તેમાં રહેલું છે. એવું સમજીને સફળતા માટે સંઘર્ષ કરવાનું છે. નવલકથાની ભાષા સાદી-સરળ છે. પણ કથાને ગૌરવ અપાવનારી છે. આ નવલકથા સંદર્ભે સુધા નિરંજન પંડ્યા નોંધે છે કે- ‘કદમાં નાની છતાં મોટું ગજું ધરાવતી આ કૃતિ દેખીતી રીતે સામાન્ય લાગતા માનવીની અસામાન્ય રીતે કહેવાયેલી વાત છે.’ (પૃ.૧૨૯) જે યોગ્ય છે.

સંદર્ભ-

  1. ‘અપરાજેય’, અર્નેસ્ટ હેમિંગ્વે (અનુવાદક-રવીન્દ્ર ઠાકોર), શબ્દલોક પ્રકાશન, અમદાવાદ, બીજું પુનર્મુદ્રણ-૨૦૦૭


ડૉ. નીતિન રાઠોડ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કૉલેજ, સિલવાસા- 396230, યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી. મો. 9879779580 Email: ngr12687@gmail.com